Marketing Munch books and stories free download online pdf in Gujarati

માર્કેટિંગ મંચ.

માર્કેટિંગ મંચ

- લેખક -

મુર્તઝા પટેલ

READ MORE BOOKS ON

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

1 - તોલ મોલ કે ગોલ... ગોલ મોલ કે તોલ!

2 - સફેદ રંગની ભેંસ... ભૂરા રંગની ગાય!

3 - પેટની ભૂખ ક્યાં?-

4 - માર્કેટસંક્રાંત

5 - મોહબ્બતનું ડાયરેક્ટ માર્કેટિંગ..

6 - ‘જો’ ભાઈના સુપર-વેચાણની ‘તો’ફાની વાતો...

7 - પ્રોડક્ટ પ્રિસ્ક્રિપ્શન:

8 - ક્રંચી કલમથી મંચી માર્કેટિંગની મજ્જાની સફર..

9 - માર્કેટિંગ માટેની જરૂરી એવી ‘શિષ્યદક્ષિણા’

10 - ભૂખ્યા નથી રહેતા એ નારી કે નર

11 - માર્કેટિંગ મૂંઝવણ: બુદ્ધિ કોના ફાધરની?!?!

12 - માર્કેટિંગ સૂત્રો

13 - માર્કેટીંગમાં રહેલો આ છે ‘એક્સ્ટ્રા માઈલ’

14 - મૂંઝવણનું માર્કેટિંગ ! આ રીતે પણ કરી શકો

15 - ધંધામાં જે ‘દિ’વાળે... એમની થાય દિવાળી

***

1 - તોલ મોલ કે ગોલ... ગોલ મોલ કે તોલ!

Dare to live the life you have dreamed for yourself.
Go forward and make your dreams come true.
– Ralph Waldo Emerson (1803-1882)

ઈમર્સનભાઈનું આ ક્વોટ વાંચવું કેટલું સહેલું છે ને?!?!-

હાથમાં ચાયની ચુસકી કે ઘરમાં-ગરમ ભજીયા મમળાવતા આવા હજારો ક્વોટસ લાખો વાર લખાયા છે ને કરોડો વાર વંચાઈ રહ્યાં છે. પણ ડ્રીમ્સને સફળ કરવાનું ડ્રમ ઘણાં ઓછા લોકો વગાડી શક્યા છે. નહિ તો....

  • આઈ-પોડ, આઈ-પેડ, આઈ-ફોન જેવી કેટલીયે ‘આઈ’સ આપણે બ્રેક કરી શક્યા હોત...
  • એ. આર રહેમાન જેવું ફ્યુઝન તો ઠીક, પણ કોલાવરી-ડી જેવું કન્ફ્યુઝન મ્યુઝિક આપણે પણ બનાવી શક્યા હોત...
  • અંગ્રેજી ‘અવતાર‘ જેવી ફિલ્મ તો આપણે પણ ઘર બેઠે અવતરી શક્યા હોત...
  • કહીએ એ પહેલાં સર્ચ કરી બતાવે એવું ગૂગલ જેવું સર્ચ-એન્જીન આપણે પણ ‘રિસર્ચ’ કરી શક્યા હોત...
  • ‘ઘર ઘરમાં કોમ્પ્યુટર’ તો આપણે પણ બિલ ગેટ્સ જેવું તો નહીં પણ છબીલદાસ બનીને ઘુસાડી શક્યા હોત...
  • ટોમ ક્રુઝ જેવા સ્ટંટસ આપણે બુર્જ-અલ-ખલીફા પર તો નહિ પણ હીરાભાઈ કલોક ટાવરે પણ ચડી કરી શક્યા હોત...
  • ‘નીલ’ રહીને હાથમાં ‘કેશ’ મુકી લાખો શેર હોલ્ડર્સ પર ધીરુ ધીરુ રાજ આપણે પણ કરી શક્યા હોત....
  • ઐશ્વર્યા રાયો, વિદ્યા બાલનો કે દીપિકાઓ જેવી બાપડીને મુકો બાજુ પર આપણી પડોશની સોનાડી અને રૂપાડી ‘આપડી’ પણ હોત!...
  • સચિન તો શતક ચાહે એટલા કરે હવે... એવા ચોક્કા-છક્કાતો આપણી ગલીના નાકેય કેટલા મારી આવ્યા હોત... હુહહ!
  • અરે સાહેબ!.... સાવ ગરીબ ઘરમાં પેદા થઇને આખા અમેરિકા અને અમેરિકન્સના ઘરોમાં લિંક આપણે પણ મેળવી શક્યા હોત...
  • ઓફ્ફ્ફ્ફ!..... થાકી ન જવાય એવા કેટકેટલાં કામો આપણે કરી શક્યા હોત... યાર એ લોકો આપણા સ્વપ્નાઓને સાકાર કરી નામ ખાટી ગયા બોલો! બાકી આપણે જઈએ એવા નહીં હોં!...

    પણ આપણે હજુ ઘણું નથી કરી શક્યા...

    ... કેમ?... શું કામ?... શા માટે?...

    એટલા માટે કે આપણે હજુ સુધી એવા જ સવાલ કરતા રહ્યાં છે. ને કોઈ આવીને જવાબ આપે એની રાહમાં કોઈ મોરલો આવીને ‘આપણા મનની વાત જાણી’ કળા કરી ગયો છે.

    આપણે હોત... હોત... હોત... નું ઠંડું માચીસ પકડી રાખી સગડી આગળ બેસી જ રહ્યાં છે.

    કેટલાંક દોસ્તોએ પૂછ્યું કે...

    ધંધો કરવાની હામ તો અમારા બ્લડમાંય છે. વખત આવે શાકની લારી કે પાનનો ગલ્લો કે કપડાંના તાકા ઉપાડી ચાલવામાં કે ચલાવી લેવામાં નાનમ નથી કે પત્ની ખીજાવાની નથી. પણ હિંમત થતી નથી. તો આ શરૂઆતની શરૂઆતમાં જ લોચા ના થાય એ માટે શું કરવુ??!?!?!?!

    નાનકડો જવાબ: કાંઈ પણ થાય આવનારી પાંચ મિનીટમાં.... માત્ર એક જ પગલું... જસ્ટ વન સ્ટેપ! ભલે પછી ખૂબ નાનકડું હોય. મુખ્ય ગોલ માટે કરી દેવું.

    જેમ કે...

  • મહિનાઓથી વાર્તા કે કવિતા લખવાનું મન જ છે પણ કાંઈ સૂઝતું નથી ને? કાંય વાંધો નહિ રે... તો આવી ‘પ્રેરણા’ લેવા ‘બજાજ’ની કિક માર્યા વિના માત્ર પેન-પેપર લઇ બેસી જઈ ને માત્ર એક લાઈન... એક લીટી જેવી આવે તેવી લખી જ દેવી.
  • બ્લોગ શરુ કરવો જ છે?- તો વર્ડપ્રેસ- કે બ્લોગર. કૉમના ફક્ત રજીસ્ટ્રેશન ફોર્મ પર આવી ઉભા જ રહેવું. બસ. ભરવાની વાત પછી.
  • નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવવી જ છે?- તો જેની પર સૌથી વધુ પ્રેમ છે તે વ્યક્તિને જઈ માત્ર વાત કરી જ દેવી. પછી જન્મતારીખ આપી શકાય તો બોનસ સમજવું. બસ.
  • ગમતી કંપનીમાંથી ઓર્ડર લેવો છે, પણ આવડત જ નથી?- નો પ્રોબ્લેમ!.... તો માત્ર એ કંપનીની રિસેપ્સનીસ્ટને માત્ર હાય કે હેલો કહી જ આવવું... (એને હેલ ઉતારવાનું નથી કીધું... બંધુ!) બસ.
  • અરે!.... નોકરીમાંથી ખૂબ કંટાળીને હવે ‘બોસને ફાયર’ કરી પોતાનો ધંધો શરુ કરવો જ છે?- તો કોરા પેપર પર માત્ર એક લાઈનમાં “સર! નોકરી છોડી રહ્યો છું. ”નું કવર ટેબલ પર મૂકી, છું થઇ જ જવું. પછી એમનું હોવું ન હોવું અગત્યનું ખરું?
  • ઈન્ટરનેટ પર દરરોજ કાંઈક નવું શીખવું છે પણ શું શીખવું છે, જાણવું છે એની કોઈ ગતાગમ નથી. ઊંડો શ્વાસ લઇ લ્યો ને વારેઘડીએ : દર ક્લિકે કાંઈક નવું જ સામે આવશે એની પૂરી ગેરેંટી...
  • પિતાશ્રી ‘પંચ’

    “ટીમમાં ગોલ કરવા માટે જેમ રમતો ફૂટ ‘બોલ’ જરૂરી છે તેમ લાઈફમાં ગમતો ગોલ કરવા માટે પણ માત્ર એક ‘બોલ’ જરૂરી છે.... શબ્દ-બોલ!... હવે એટલુંયે ન થઈ શકે તો પ... છી... કોઈ ક્યા કરે!?!?!?!

    આમેય... ‘શબ’ ક્યારેય બોલતું નથી. એવું મારા મર્હુમ પપ્પા કહી ગયા છે. ” – કાચી ઉંમરે પાકે પાયે મુર્તઝાચાર્ય.

    ***

    2 - “સફેદ રંગની ભેંસ... ભૂરા રંગની ગાય!”

    થોડાં મહિનાઓ પહેલા અમદાવાદથી સૂરત બાય રોડ જવાનું થયું. વર્ષો પહેલા રોડની સફર બોરીંગ લાગતી એટલે વધુ ભાગે ટ્રેઇનની મુસાફરી પસંદ કરતો. પણ આ વખતે ગામડાની ધૂળને શ્વાસમાં ભરી લેવાનું મન થઇ આવ્યું.

    કેટલાક દોસ્તોએ પણ કહ્યું હતું કે ગુજરાતની ઘણી બધી વસ્તુ સાથે હવે એના રોડ પણ મશહૂર થઇ ગયા છે. અને સાચે જ એમ મેં પણ અનુભવ્યુ. પહોળા અને આરામદાયક રોડ પરથી પસાર થતા માહોલને માણવાનો પણ એક અનોખો અનુભવ રહ્યો. કેમ કે હવે તો નઝારો જોવાની નજર પણ બદલાઈ ગઈ હતી. દુધના કેન્સ ભરેલી સાયકલ પર સવાર થયેલો રબારી, ઠાંસીને ભરેલાં છકડા, કપાયેલા મોલમાંથી હમણાંજ અનાજ નીકાળીને પરવારેલું થ્રેસર, ‘ગામઠી મોડર્ન લાગતી ફેમિલીને લઇ જતું ટ્રેકટર.. ઓહ! આવું તો ઘણું બધુ વારંવાર પસાર થતું.

    વડોદરા પછી પસાર થતા એક ગામડા આગળ અચાનક એક ‘હટકે’ સીન જોવા મળ્યો જેણે મારા આ નેટ પરના માર્કેટિંગના વિષયને મસ્ત મસાલો પૂરો પાડી દીધો. એટલેજ એ બનેલા (વિ) ચિત્ર બનાવને આજે લખવાનું મન થઇ ગયું છે.

    થયુ એમ કે... પાછલાં કલાકોમાં રબારીઓ તો ઘણાં પસાર થયા. જેઓ થોડાં થોડાં અંતરે ગાયોના ધણને કે બકરીઓના ટોળાંને હાકોટા પાડીને ચરાવવા લઇ જતા હોય. સફેદ ગાય, કાળી ભેંસ અને બ્લેક એન્ડ વ્હાઈટ બકરીઓ.... શરૂઆતમાં આ સીન થોડો વ્હાલો લાગતો. જોયા કરવો ગમે એવો. પણ કેહવાય છે ને કે દરેક સારી વસ્તુઓ થોડાં વખત સુધી જોવી કે વાપરવી સારી લાગે પણ પછી એય પોતાનો ચાર્મ ધીમે ધીમે ગુમાવતી જાય છે. એમ મને પણ થોડાં કલાકમાં આ બધું દ્રશ્ય સામાન્ય લાગવા માંડ્યું. પણ કારની બહાર અચાનક બે ગાયો અને બે ભેંસ પસાર થઈ.

    મારી આંખો ચળકી. અમેઝિંગ એમ લાગ્યું કે ગાય ભૂરા રંગથી રંગાયેલી અને ભેંસ સફેદ રંગથી. આખા ટોળામાં આ બે જણીઓ પોતાનું એક અનોખું સ્થાન બતાવી રહ્યાં હતાં. કયારેય મેં આવા રંગમાં રંગાયેલી ભેંસ કે ગાયને જોઈ ન હતી. શું કામ આવા રંગમાં? કોઈ ખાસ કારણ હશે? યા હોળીના દિવસોમાં કરેલી કોઈની મજાક હશે જેનો પાકો રંગ હજુયે ઉતર્યો નહિ હોય !!!! ચાલતી આ ગાય-ભેંસને જોઈને મારા દિમાગમાં આવા સવાલો દોડી ઉઠ્યા.

    એટલે ગાડીને અચાનક બાજુ પર ઉભી રાખીને હું સવાલોના પોટલાને લઇ દોડ્યો એના માલિક પાસે. એનું અસલ નામ હતું લલિત પણ લોકોમાં ઓળખાય લાલીયો. મેં પૂછ્યું: “દોસ્ત! આ બધીમાં માત્ર આ બે જ ને રંગી નાખવાનું કોઈ ખાસ કારણ ખરું?”

    “સાયેબ! તમે શે’રથી આયા તોયે નો હમજી શક્યા?” – લાલીયાની આગળ મારી બુદ્ધિ જાણે લઠ્ઠ લાગવા લાગી હોય એવો એનો સવાલ સામેથી પુછાયો. પોતાના વસ્તારના આ લીડરના જ્ઞાનને સમજવા મેં મારા ઇગોને બાજુ પર મૂકીને મારું માથું ૧૮૦ ડીગ્રી ફરવી દીધું.

    “સાયેબ! આ મારી એક ભૂરી છે એનું નોંમ અવની.. ને બીજી ભુરીનું નોંમ... શવિતા. આ... શફેદ ભેંસને બબલી કઈને બોલાવાની ને એની જોડે મેર જામે ઈ બીજી ને મેઘલી કે’વાની. ”

    “એ તો બરોબર. પણ મારા ભઈ, એને આ રંગોથી અલગ કરવાનું કોઈ કારણ શું છે એ તો કેહ?”

    “હોવે સાયેબ! ખાસ કારણ ઈ છ કે આ ચારે જણીઓ આ બાકી બધીઓ કરતા ચાર ગણું દૂધ વધારે આલે છ. હવે મારી પાશે હાલમાં નઈ નઈ તો ૭૦-૮૦ જેટલી ગાયો-ભેંસો ભરાઈ હશે. બધાનું એક સરખું ધ્યાન કેમ રાખી શકું? એટલે આ ચારે ને ખાસ રંગથી અલગ પાડી દીધી છે. એમના ખાવા પીવાનું ઇસ્પેસીયલ ધ્યાન રાખવાનું... ત્યારે. ચારેને આ ટોરામાંથી દૂરથીય ઓરખી લેવાય. આયા આખા મલકમાં ક્યાંય ખોવાઈ બી જાય તો લોકો ઓરખી કાઢે કે આ તો લાલીયાની એટલે એનો કોઈ સવાલ જ નહિ. આમેય એ હારીઓના જન્મેથી લખ્ખણ જ બઉ હારા છ એટલે આપ્રો પ્રેમ બી એમની પર થોડો વધારે ખરો. ”

    “અરે વાહ! તું તો લ્યા ‘બ્રાન્ડ મેનેજર’ જેવું બોલે છે. ” શહેરમાં અમારી ભાષામાં તો આને ‘બ્રાન્ડિંગ’ કે’વાય. અમેય બજારમાં વેચવા સારું કોઈ નવી વસ્તુ મુકીએ તો એનું નામકરણ કરીને મુકીએ. ” પછી લોકોને ખબર પડે એટલે એની જાહેરાત અલગ-અલગ બાજુ એ કરવા મુકીએ.

    “ઓહ એમ તાહ’રે? પણ હું એમ કવ સુ કે ઈમાં જાહેરાત કરવાની બવ જરૂર ચ્યાંથી આઈ? શરૂઆતથી જ એવું કોમ કેમ ના હોય કે નાતમાં આપરી ઓરખ અલગ તારી આવે? પછી લોકોતો એમને એમ ઓરખી જવાના ને!”

    “તો પછી લાલિયા તે આ બંને ગાયો અને ભેંસોને અલગ-અલગ ચાર રંગોથી કેમ ના રંગી નાખી? તારા બ્રાન્ડિંગમાં કચાશ ખરી ત્યારે!

    “એવું હોય શાયેબ? આ અવની અને શવીતા ભલેને ગાયો રઈ... પણ એમાય બંને ને અલગ અલગ ઘંટડીઓ બાંધી છ. રાતેય ઈ અવાજમાં ઓરખાય જાય. જ્યારે આ બબલી અને મેઘલીના પગમાં અલગ-અલગ કલ્લીઓ બાંધી છ. તમે સોમ્ભરી નઈ ત્યારે!”

    “ઓહ! કમાલ કરે છે લાલિયાભાઈ તું પણ. હવે... એક છેલ્લો સવાલ: રખેને કાલે કોઈ નવી ભેંસ કે ગાય આ બંનેથી આગળ વધી જાય તો નાતમાં શું કરશો?”

    “એ વખતે નવું નામ, નવો રંગ... નવી ઓરખ... એને આલી દઈશું! આપણને ભગવાને બુદ્ધિ શેની આલી છ!??!!!”

    મારા માટે ખરેખર ચક્કરબત્તી થાય એવી વાત હતી. ઇન્ટરનેટ પર, સમાજમાં, બિઝનેસમાં, જોબમાં.. અંદર હોય કે બહાર, કોઈ એવી વિશેષ ઓળખ, વિશેષ બ્રાન્ડિંગ આપણે કરીએ છીએ?

    તમારો ‘ઇસ્પેસીયલ’ જવાબ હોય તો કહો ને?

    ***

    3 - પેટની ભૂખ ક્યાં?-.... જ્યાં આર્ટ અને હાર્ટ ભેગાં મળે ત્યાં !!!

    તો આવો જાણીએ કે વાતમાં ક્યાં, કેવો અને કેવી રીતે તડકો આવ્યો.

    સુગંધિત ઘટના સ્થળ: ન્યૂયોર્ક શહેરનો મધમધતો.... ને ધમધમતો મુખ્ય વિસ્તાર: બ્રુકલિન.

    આ વિસ્તારની કોઈક એક સ્ટ્રીટમાં ફ્રિલાન્સ ગ્રાફિક ડિઝાઈનિંગનું કામ કરતી લોરેન હોમ નામની છોકરી રહે છે. આવાં તો હજારો હજારો ડિઝાઈ’નરો’ અને ‘નારી’ઓ તેમના ક્રિયેટીવ વ્યવસાયમાં આંખો ડૂબ્યા છે. પણ એમાં જે ‘સાવ્વ જ અલગ’ કામ કરે છે, તે લોકોની આંખોમાં જલ્દી ઉઠે છે. લોરેન પણ તેનું એક નોખું ઉદાહરણ છે.

    હા, તો વાત જાણે એમ થઇ કે... કેટલાંક મહિનાઓ અગાઉ લોરેન તેના હોમ-ઓફિસમાં નવરી બેસી ‘તી. પેટમાં મીઠ્ઠી પણ કડકડતી ભૂખે તેને ધક્કો માર્યો. પણ તેમાં આંટા ન પડે એ માટે તેણે બહાર થોડીવાર આસપાસની ગલીઓમાં આંટો મારી આવવાનું નક્કી કર્યું.

    કહેવાયુ છે ને કે... “માણસ ત્યારે વધારે સક્રિય હોય છે જ્યારે તેને એમ લાગે છે કે હવે બસ.... થોડાં જ ટાઈમમાં એ સાવ નિષ્ક્રિય થઇ જવાનો છે. ”- (અપ્રસિદ્ધ મુર્તઝાચાર્ય ઈ. સ. પૂ. ૧૯૯૯)

    એ વખતે મગજ અને મન તેની જરૂરીયાત મેળવવા ધમાલ મચાવવાનું શરુ કરે છે. આવું જ લોરેનની સાથે થયું. ફરતા ફરતા તેની નજર એક રેસ્ટોરન્ટ (કમ કૉફી-હાઉસ)ના દરવાજે પડી.

    “ઉન્હ્હ ! આવો મજ્જાનો વિસ્તાર અને મસ્ત રેસ્ટોરન્ટની બહાર સાવ આવું મેનુ-બોર્ડ?!?!?! સોઓઓઓઓઓ બોરિંગ !!! આ તો કોઈ હાઈવેના ઢાબામાં જતા હોઈએ એવું લાગે. આવી તે કાંઈ જાહેરાત થતી હશે. ”-

    જેમ ‘સુથારનું મન બાવળિયે’ તેમ લોરેનનું મન ડિઝાઈનના ધોરણે ધોવાયું. તેને રેસ્ટોરન્ટની બહાર મુકવામાં આવેલા એ મેનુ-બોર્ડમાં કશુક ખૂટતું હોય એમ લાગ્યું. તેનાથી ન જોવાયું અને તે સીધી ઘૂસી ગઈ એ ક્રાઉન હાઈટ્સની માઉન્ટન રેસ્ટોરેન્ટમાં. અને મારી દીધી પીચ... !

    “સર, આપણો બ્રુકલિન વિસ્તાર કેટલો મજાનો છે ! જ્યાં લોકો દેશ-વિદેશથી વર્લ્ડ-કલાસ ફૂડ-રેસિપીઝ ઝાપટવા આવતા હોય તેવા વાતાવરણમાં તમે દરવાજા આગળ જ સાવ બોરિંગ મેનુ-બોર્ડ મારીને તમારા ધંધા પર કુહાડી મારી રહ્યા છો. શું તમે ચાહો છો કે બોર્ડને જોઈ કસ્ટમર્સ બોર્ડર પરથી જ પાછો વળી જાય?”...

    કોઈક અજાણ્યું (ને એમાંય કોઈ જુવાન છોરી) આવીને આમ અચાનક ધંધો ચલાવવાની ધમધમાટી આપી જાય ત્યારે શક્ય છે કે શરૂઆતમાં સાંભળનારને સોફ્ટ તમ્મર આવી શકે છે. પણ અહીં વાત બંને બાજુ આડે પાટે નહિ સીધી ગળેથી પેટમાં ઉતરી ગઈ હતી. સમજોને કે તેના ભૂખ્યા દિમાગમાં ક્રિયેટીવ જ્યુસનાં ટીપાં પડવાની શરૂઆત થઇ રહી હતી.

    “ સર, જો તમે ચાહતા હોવ તો હું તમારી રેસ્ટોરેન્ટમાં રેગ્યુલર આવીને મારા હાથના અક્ષરોથી એવાં મસ્ત મજાના બોર્ડ બનાવી આપીશ કે વાંચનારને પણ બેઘડી જીભ પર પાણી આવે અને આવનારને ‘પર્સનલાઈઝ્ડ સર્વિસ’નો અનુભવ થાય” - એક આર્ટિસ્ટ પોતાની કલાનું પ્રદર્શન કરવાની તક ન છોડે એમ લોરેને ધીમેથી તેની ઓફર મેનેજર પાસે મૂકી.

    “એ બરોબર. પણ તું એની સામે તારો ચાર્જ શું લઈશ? એ બતાવ પછી મને પરવડશે તો હું તને કામ આપી શકું.. ” – મેનેજર પણ હવે ભાનમાં આવીને પોતાની પ્લેટ ચમકાવી રહ્યો.

    “સિમ્પલી સર. આમ તો હું ડોલર્સ માંગી શકું પણ તેની સામે હું એવી વાનગીઓ જમીશ જેનાથી મારું પેટ પણ ભરાય અને જેનો ક્રિયેટીવ જ્યુસ હું વધુ અસરકારક મેનુ-બોર્ડ બનાવવામાં વાપરી શકું. બોલો મંજૂર?”

    એ હતી લોરેન હોમની બ્રુકલિનમાં થયેલી પહેલી હેન્ડ(રાઈટિંગ) ડિલીવરી. હાથની આર્ટથી ‘શાન સે ભૂખ મિટાંએ’ નાં ધોરણે લોરેને ત્યાર પછી ન્યુયોર્કની સારી એવી રેસ્ટોરન્ટસને તેની જીભ નીચે મૂકી ચુકી છે. તેની કેલીગ્રાફિક આર્ટથી તેણે ઘણાં દિલો જીત્યાં છે અને તે રેસ્ટોરેન્ટની વાનગીએ લોકોની જીભ.

    વળી ત્યાંના જે તે વિસ્તારનાં કૉફી હાઉસમાં કે રેસ્ટોરન્ટમાં કોઈક નવી વાનગી ઉમેરાય છે ત્યારે લોરેન જાતે તેની આઉટ-ડોર ડિઝાઈન તૈય્યાર કરી આપે છે અને ‘રિટર્ન’માં એ...

    યાહ ! પોટેટો કેલ ફ્રીયેત્તા,... પોટેટો સિલાન્ત્રો વિથ કમ્પ્રેસ્ડ જ્યુસ,... મશરૂમ ચિકપિક્સ,... વાઉ ! વેજી-બર્ગર વિથ સન-ડ્રાઈડ ટોમેટો,... યમ્મી ! ગ્રિલ્ડ શિશીતો પિપર્સ,... આહ ! રોઝમેરી કોકટેઈલ.. જેવી તમતમતી-જીભજીભ્તી સ્વાદવાળી વાનગીઓ ઝાપટે છે.... (યાલ્લા મફ્ફત?!?!).

    એટલે જ લોરેન માટે બ્રુકલિન વિસ્તાર ‘ભૂખલિંક’ વિસ્તાર બન્યો છે. જુઓ તો ખરા હટકે દિમાગ વાળી મિસ હોમનાં હોમપેઈજ પણ કેવાં હોટ છે યાઆઆઆઆરા:

    ચેક કરો WillLetterForLunch અને HomeSweetHome ની વેબસાઈટસ

    બોલો હવે, તમારી આર્ટ માટે તમે કોઈ એવો વિસ્તાર પસંદ કર્યો છે?

    ***

    4 - “માર્કેટસંક્રાંતિ:: વેપાર-વહેવારનો દરરોજ ઉજવી શકાય તેવો તહેવાર !”

    તમને ખબર છે?... પતંગ પણ એક માર્કેટિંગનું પ્રતિક છે. એ પછી ઓન-લાઈન હોય કે ઓન-એર. પતંગનો રંગ, આકાર, સાઈઝ, ઢઢો-કમાન, કન્ના (કે કિન્ના યા કન્યા?!?!) નું બંધારણ, જોડાયેલી દોરીની મજબૂતાઈ, ફીરકીની પકડ વગેરે જેવા પરિબળો ની સાથેસાથે સૌથી મહત્વ ચગાવવાની આવડત (નેવિગેશન) ની શરૂઆતથી જ દાદ માંગી લે છે.

    * હવા ગમે તેટલી હોય (કે ગમે એવી ન પણ હોય) ત્યારે અસંખ્ય પતંગોની વચ્ચે પણ લાંબા સમય સુધી લહેરાઈને ટકી રહેવાની હામ આપણી વેપારી તાકાતનો અસલી પરચો બતાવે છે. બંધુઓ, એ કાંઈ તલ-સાંકળી ખાઈ જવા જેવું કામ નથી

    * વખત આવે ત્યારે (વ્યાપારિક) અવરોધોના પતંગોને કાપી નાખી નાખવાની ત્રેવડ, કપાયેલા કોઈ બીજા પતંગને હવામાથીજ સંભાળી લઇ લપેટી લેવાની કરામત, વખતે કેટલી ઢીલ છોડવાની કે ખેંચી લેવાની સૂઝ-બૂઝ અથવા સંજોગોને સમજી જાતે કપાઈ જવાની હિંમત... આપણી સાચી કિંમતનું ભાન કરાવે છે.

    * કનક્વાને કાપીએ કે કનક્વાથી કપાઈ જઈએ ત્યારે પણ Neutral રહી હર સમયને Enjoy કરવાનો સ્વભાવ આપણો માર્કેટમાં ભાવ નક્કી કરે છે.

    * સામે કે બાજુ વાળા હરીફની બરેલી કે લખનવી માંજા સામે તમારી સુરતી કે અમદાવાદી માંજા વાળી ફિરકી મજબૂત પકડી રાખવાની દોરવણી જો સદ્ધર હશે તો સમજી લ્યો કે આપણો પતંગ લાંબા સમય સુધી હવામાં અદ્ધર રહેશે.

    * “ કાયપોઓઓ ચ્છેએએ “... યા “ઓયે! લપેટ” જેવા ‘અપસેટ’ કરનારા પરિબળોને અવગણી આપણાં નવા પતંગ સાથે ફરીથી ‘અપ-સેટ’ થઇ મેદાનમાં આવવું એજ સાચી મરદાનગી છે.

    * રાતે (વેપારની મંદી) ફાનસ (કે તુક્કલ)ને સંભાળવી એ પણ મહત્વની આર્ટ છે. એ માટે સ્થિર રહે એવા મોટા પતંગની પહેલાથી પસંદગી, સાચવણી, જલ્દી બળી ન જાય એવા ફાનસની ફીરાકી, મીણબત્તીનું મજબૂત બેલેન્સ... આપણે એકલાને જ નહિ પણ આપણી આસપાસ રહેલા લોકોને, વાતાવરણને પણ એની મજા માણવા મજબૂર કરે છે.

    * દિવસને અંતે આપણું અચિવમેન્ટ.. ’કેટલાં કાપ્યાં’ એના કરતા કેટલો લાંબો સમય વધારે તંગ થયા વગર પતંગની સાથે અણનમ રહ્યા એના પર નક્કી થાય તો ઊંધિયું ખાવાનો અસલી આનંદ મળી શકશે. એવી ખુશીઓ તો વેચવા કરતા વહેચવામાં મજા છે.

    * એ બધું તો ઠીક મારા પતંગવીર સાહેબો.... કોઈ નાના બાળકને ફુદ્દી ચઢાવી આપવામાં યા એની ફિરકી પકડી આપવાની કે પછી તમારી વ્હાલીનું પીલ્લુ કે લચ્છો વાળી આપવાની પણ મજા કાંઈક ઓર જ છે.. ને?

    તો તય્યાર છો ને??.... પૂરા દિલથી, મગજથી, મગજના લાડુથી, આંગળીઓથી, જામફળથી કે બોરથી બોર થયા વિના ભરપૂર સંક્રાંતિની મજા માણતા રહેજો.

    ***

    5 - મોહબ્બતનું ડાયરેક્ટ માર્કેટિંગ.... આ રીતે પણ કરી શકાય !

    એક માણસ ‘મોહબ્બત’ શું છે એ જાણવા અને અનુભવવા એક ઝેન સાધુ પાસે આવ્યો.

    “સાહેબ! બચપણથી હું અનાથ છું. પણ મારા વેપારમાં ખૂબ મહેનત થકી આજે હું કરોડપતિ બન્યો છું. મારી પાસે અઢળક ધન-દૌલત છે. પણ ‘મોહબ્બત’શું છે એનો અનુભવ હજુ મને થયો નથી. આપ મને બતાવશો કે આ મોહબ્બત કયાં, કેવી રીતે અને કેટલામાં મળે?- હું એને કોઈ પણ ભાવમાં ખરીદવા માંગુ છું. ”

    “ભાઈ, તું તો ઓલરેડી ‘મોહબ્બત’ માં જ છે. મારી પાસે નકામો આવ્યો. ”- ઝેન સાધુ માત્ર એટલુંજ બોલ્યા.

    “પણ સાહેબ! એ જ તો મને દેખાતો નથી. તો હું અનુભવ કરી કેમ શકું?” – માણસે પોતાની દુવિધા મજબૂત કરી.

    “.. તને મોહબ્બતનો અનુભવ કરવો છે ને? તો હું તને જ્યાં પણ લઇ જાવુ ત્યાં મારી પાછળ આવું પડશે. પણ મારી એક માત્ર શરત છે કે જ્યાં સુધી હું કાંઈ પણ ન બોલું ત્યાં સુધી તને પણ ચુપ રહેવું પડશે. મોહબ્બતને જોવાની અને અનુભવવાની મારી આ એક રીત છે. – જો મંજૂર હોય... તો ચાલ મારી સાથે. ” –ઝેન સાધુ આ નવા બનેલા ચેલાને લઇ ચાલતા થયા.

    સાધુ અને ચેલો નદી-નાળા-જંગલ-સમુદ્ર કિનારો પાર કરતાં-કરતાં, કાંઈ પણ ખાધા-પીધા વગર કલાકો સુધી ચાલવા લાગ્યા. આખરે એક ખૂબ ઉંચા પર્વતની ટોચ પર પહોંચી ગયા. જ્યાંથી જાણે સમગ્ર વિશ્વ-શ્રુષ્ટિ દેખાતી હોય એવી જગ્યા (પિક-પોઈન્ટ) પર બંને એ વિસામો લીધો.

    એક અદભૂત દ્રશ્ય તેમની સામે ખડું હતું... જમીન, સમુદ્ર, પર્વતો, વૃક્ષો.. કુદરતની હર તરેહની લીલા એમની નજરો-નજર હતી. ખાવા-પીવાનું કે સુવાનું ભાન ન રહે એવી એ જગ્યા હતી. બસ સમજો કે કુદરતની ચારે બાજુ મહેર હતી. સાધુ સાહેબ તો હજુયે ચૂપ હતાં જાણે પરમ આનંદમાં તલ્લીન. એમના ચેહરા પર કોઈ થાક કે અણગમો દેખાય નહિ.

    પણ આ નવા નવા ચેલાશ્રી હવે ખરેખર અકળાવા લાગ્યા. પણ ગુરૂની શરતથી બંધાયેલા એટલે આ એમને ચૂપ રહેવુ અને સહન કરવુ જરૂરી હતું. તો પણ એની સીમા કેટલી? ભૂખથી-પ્યાસથી ચેલાજી હવે હાર માની ચુક્યા. સામે રહેલા દ્રશ્યને બાજુ પર મૂકી... કોઈ વાત કરવાને બહાને ગુરુને ફક્ત એટલું જ કહ્યું: “વાહ! શું સરસ દ્રશ્ય છે નહિ?.... આપ શું માનો છો?”

    “ભાઈ, તું જ્યાંથી આવ્યો હોય ત્યાં જ પાછો વળી જ. મોહબ્બત મેળવવી તારા હાથની વાત નથી. ” – સાધુ-ગુરુજી એ ઝટકો આપ્યો.

    “અરે એમ કેમ... હું તો આપની પાસે એ લેવા આવ્યો છું. એ લીધા વગર કેમ જઇ શકું?”- ચેલાજી એ ટેન્શન વ્યકત કર્યું.

    “એ બરોબર. પણ જે ઘડીથી તું મને મળવા આવ્યો કે આ ઘડી સુધી મેં તને મોહબ્બતની સૃષ્ટિમાં ફરતો રાખ્યો. પણ બોલીને અંદરથી ‘મોહબ્બત’ ન માણવાને બદલે તું એનાથી અળગો થઇ ગયો. હવે મોહબ્બતના બીજા ક્વોટા (હિસ્સા) માટે તારું મન ક્યારે તૈયાર થશે એ તો તું જ જાણે. ”

    એક દ્રષ્ટીએ જોવા જઈએ તો આવું આપણું પણ છે. “આઈ લાવ યુ!... બી માય વેલેન્ટાઈન... યુ આર માય વર્લ્ડ!... આઈ કાંટ લીવ વિધાઉટ યુ!”... જેવા વાક્યોની પાછળ પડી... એક્સપ્રેસ કરી ને લવ મેળવવાનો અને આપવાની ઘડીઓ ગુમાવતા જઈએ છીએ.

    જેને તમે ખૂબ ચાહો છો, એમને માત્ર એક સ્પર્શ... એક ટચ આપી દેજો... ગુલાબોના કન્ટેનરની જરૂર નહિ પડે. કદાચ એમની ઝિંદગીમાં છવાયેલો લાગતો કાર્બન ડાયોક્સાઈડ... તમારી મોહબ્બત થકી ઓક્સિજનનું કામ કરી નાખશે.... બોસ!

    દિલ-દિલ વચ્ચેની ‘ડીલ’ દરમિયાન બોલવાને બદલે ‘બોલતી બંધ કરે’ એનું નામ ‘મોહબ્બતનું વેલ-ઇન-ટાઈમ માર્કેટિંગ.

    ***

    6 - ‘જો’ ભાઈના સુપર-વેચાણની ‘તો’ફાની વાતો...

    આ દુનિયામાં વસ્તુઓ-સેવાઓ વેચનારા સેલ્સમેન તો ઘણાં થઇ થયાં. કેટલાંક વહી જાય છે... કેટલાંક તરી જાય છે... ને બાકીના રહી જાય છે. પણ આ ‘જો જીરાર્ડ (Joe Girard)’ ની તો વાત જ અનોખી છે. આ માણસ તો એના અચિવમેન્ટ્સ દ્વારા ઘણું બધું કહી જાય છે.

    જુવો ભાઈઓ-બહેનો.... જો જીરાર્ડ સાહેબની હાલની ૮૬+ વર્ષની ઝીંદગી વિશે વાત તો બહુ થઇ શકે. તેઓ કોણ છે.. કેવા છે?, એમનો જન્મ, એમના શરીરનો બાંધો, એમનું મન, એમનું પરિવાર, એમનું કરંટ-બેંક બેલેન્સ, એમની માલ-મિલ્કિયત, એમના કપડાં, એમની પસંદ-નાપસંદ, એમનો શોખ, એમનું આવવું-જવું-ઉઠવું-બેસવું, એમના સગા-વહાલાંઓ, એમનું સામાજિક કનેક્શન્સ (Social Network... You See!), એમનું રોજ-બરોજનુ શેડ્યુઅલ... વગેરે... વગેરે... વગેરે...

    પણ જો આજે એ જ વાત કરવી હોત તો એમની આખી બાયોગ્રાફી અહિયાં ‘આપડી ઈસ્ટાઈલ’માં લખતા મને કંટાળો ન આવત ને તમને વાંચતા. પણ ઇન્ટરનેટ પર એવી જોઈતી માહિતીઓનું રસોડું ખુલ્લુ હોવાથી જે સ્માર્ટ હોય છે એ તો ત્યાં જઈને જમી આવે છે. એટલે ટૂંકમાં... જીરાર્ડ સાહેબ તો પોતાના વ્યાપારિક-કર્મોથી પોતાની આવનારી પેઢી માટે ઘણું... ઘણું કમાયા છે....

    એ પણ નોકરી કરીને!

    ઝટકો લાગ્યોને?- પણ જોબના બોજને વેપારમાં ફેરવી નાખનાર માર્કેટિંગનાં એ મેજીશિયનનું નામ એટલે જો જીરાર્ડ.

    બાપ્પા!... એ તો સમજ્યા કે નોકરી કરીને આજના વખતમાં અસામાન્ય સ્કિલ્સ બતાવી મિલીઓનેર બનવું આમ વાત થઇ રહી છે. પણ આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાં એવું વિચારવું શરીરમાં ‘આમવાત’ લાવી દે એવું હતું. એ વખતે જો ભ’ઈએ કાર-સેલ્સના એવા એવા તો કારનામાં કર્યા છે કે આજ-દિન સુધી એના જેવી તેન્ડુલકરી (બેસ્ટ-અચિવમેન્ટનું સર્વનામ જ ને?) બીજું કોઈ કરી શક્યું નથી.

    એટલે એમણે શું કર્યું છે એના બદલે બીજા એમના જેવું શું નથી કરી શક્યા એવુ કહેવું આપણા સૌ માટે વધારે લાભદાયક છે....

  • એક દિવસમાં એવરેજ ૧૮ ઓટોમોબાઈલ્સ (કાર ને બદલે એમનો આ વ્હાલો શબ્દ) એમના સિવાય બીજું કોઈ વેચી શક્યું છે?- (એમાં એમને કોણ કહેવા જાય કે... ”અરે સાહેબ! બ્રેક તો લો!” )
  • એક મહિનામાં એવરેજ પોણાં-બસ્સો ગાડીઓ બીજું કોણ વેચી શકે છે?- (બોલો આમાં આપણી તો સૂઊઊઊઉ કરતી... હવા નીકળી જાય કે ની?!?!!)
  • એક વર્ષમાં એવરેજ ૧૪૨૫ વિહીક્લ્સ વેચવાની આપણાંમાંથી કોની તાકાત છે?- (હુફ્ફ્ફ્ફ! બોલે તો... લિખતે લિખતે અપણા પેએટરોલ-ઓઈલ તો ઇધરહીચ ખલ્લાઆઆસ હો જાવે ભીડું!!!
  • એમની ૧૫ વર્ષની ‘કાર’કિર્દીમાં આશરે ૨૨,૦૦૦ જેટલાં વાહનો વેચી (અને વહેંચી) આવો ધંધો કર્યો હોય ત્યારે... કંપનીનો ગુમાસ્તો તો શું... ગિનીસબૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળાઓ સામેથી એવોર્ડ આપવા દોડતાં ન આવે તો બીજે જાય પણ ક્યાં?
  • પણ આટલી બધી ધમાધમી કર્યા પછી પણ જો ભાઈને તો એમનુ આ અચિવમેન્ટ સાવ સામાન્ય લાગે છે.

    એમનું કહેવું છે કે “જો હું કરી શકું તો તમે પણ તમારા ફિલ્ડમાં એનાથી હજુ વિશેષ કરી શકો. જરૂર છે ફક્ત ગાડીની પાછળ રહેલી વેચવાની અ (સામાન્ય) સાયકોલોજીને સમજવાની. સાચું કહું તો મેં ક્યારેય કોઈને કાર ખરીદવા માટે ફોર્સ કર્યો નથી. મેં માત્ર એટલું જ કર્યું કે તેમની વાત સાંભળી અને તમને શું ચલાવવું છે એવું વાહન સગવડોથી ભરીને આપી દીધું. બસ... પછી ‘ધન-ધનાધન મારું ખિસ્સું ભરતું ગયું. ”

    પણ આ ક્વોટ વાંચીને તમે તમારી ગાડીની પાછળ ડીકીમાં જઇ નજર નાં કરજો શેઠ!... મને રડવું આવશે!

    એ સાયકોલોજી કોઈ પણ કોલેજમાં આપવામાં નથી આવતી. એના માટે વિચારોનાં રીસાયકલિંગથી શરૂઆત કરવી પડે છે.

    તો પછી કરવુ શું? – સિદ્ધિ તો આપણે સૌએ હાંસિલ કરવી છે. એ માટે અઢળક કામો થઇ શકે છે. હાલ પૂરતું એટલું થઇ શકે તો સારું.

    ૧. જેમને માર્કેટિંગનાં વાંચનનો શોખ છે.... ખાંખાખોળા કરવાનો શોખ છે... સક્સેસફુલ થતા રહેવાનો શોખ છે.. એમને માટે ઈન્ટરનેટ ખુલ્લું પડ્યું છે. એમની લખેલી બૂક્સ વાંચવાની ઝડપી શરૂઆત કરવાની છે..... દિલ-દિમાગનું લોહી વધારવાનું છે... ધીમે ધીમે...

  • અથવા...
  • ૨. આજદિન સુધી તમે સેલ્સની બાબતે કોઈ એવું સાવ ‘હટકે’ કામ કર્યું છે જેનાથી તમને કોઈ એવોર્ડ કે રિવોર્ડમળ્યો હોય? જો હા હોય તો મને પર ઈ-મેઈલ કરી સેલ્સ માટેની એ વાત બિન્દાસ્ત બોલવાની છે. શક્ય છે કે કાલે કરેલા અચીવમેંટને હું મારા બ્લોગ કે ફેસબૂક સ્ટેટસમાં પણ ટપકાવી શકું. (ઓફિસમાં ભલેને પ્રમોશન ન મળ્યું હોય પણ એટ લિસ્ટ અહીં પ્રમોટ થઇ શકો છો.

    શીખતા રહેવાની ક્યા કોઈ મોસમ હોય છે?

    ***

    7 - પ્રોડક્ટ પ્રિસ્ક્રિપ્શન: મગજની શાણપટ્ટીથી નીકળેલી તોડ-જોડની સોનપટ્ટી - ‘સુગ્રુ’

    સવાલ: “આ નસીબ એટલે શું?”

    દેશી જવાબ: “ઓ ભ’ઈ! એતોઓઓઓઓ છ ન્હ.... જેહવા એના કર્મો એવા ભોગ, બીજું હું?- કાંઈ બધાં ‘મફતલાલ’ને ત્યોં ‘અરવિંદ’ ઓછા જન્મે હેં? – આહ!

    વિદેશી જવાબ: “જે ‘કલ’ની યોગ્ય બાબતને, યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ વાપરે તેનું નામ ‘લક’... નસીબ. ”- વાહ!

    દોસ્તો! આ દુનિયા આમ તો ખરેખર નાની છે, એમ કહી શકો. એટલા માટે કે એનાથીયે મોટી કોઈ વસ્તુ હોય તો તે આપણું મગજ છે. આ એવી કમાલની ભેંટ છે, કે જેના વિવિધ સુપર ઉપયોગથી પામર ઈન્સાને તેને નાનકડી બનાવી છે. મીની-ટુ-મેગા ને પાછુ મેગા-ટુ-મીની વચ્ચે અનેકવિધ વસ્તુઓ દ્વારા ગોથાં ખાતી આ દુનિયાનો વિકાસ એવા મગજો દ્વારા થયો છે, જેની સાથે લોકોએ વખતોવખત મગજમારી કરેલી છે.

    ઇન્ટરનેટના માધ્યમમાં હવે આવી મગજમારીઓ બહેર મારી જાય એટલી ઝડપથી વધી રહી છે. આપણે આટલું વાંચ્યું એ દરમિયાન જ ક્યાંક એવી શોધનો ગર્ભ રહી ગયો હશે, જે હવે થોડાં જ સમયમાં ડિલિવરી માટે તૈયાર થઇ જશે. ને ક્યાંક એવું પણ બનતું હશે કે યોગ્ય સારવાર વિના એવી કોઈક શોધનો ગર્ભપાત પણ થઇ રહ્યો હશે.

    આ પ્રક્રિયાઓમાં જે વસ્તુ બહાર આવી હશે તેને ‘નસીબ’ નામનું ટેગ લગાવવામાં આવે છે. ને બાકીના ને કમનસીબનું. આપણે શું કરીએ યાર... દુનિયા છે લાલા!.. ચાયલા કરે! આમાં સૂરત થોડી જોવાય કે કોના પર કેટલી વીતી છે?

    પણ દોસ્તો, આવી પરિસ્થિતિમાં એવા ઘણાં ઓછાં માનવીઓ હોય છે, જે નાસીપાસ થયા વિના પોતાનું કામ કમ સે કમ ત્યાં સુધી તો ચાલતું રાખે જ છે કે જ્યાં સુધી તેમની કમનસીબી માંથી આ ‘કમ’ નીકળી જાય. એવા કેટલાંક ઉદાહરણોમાં ‘ટાયર, ‘ફાઉન્ટેન-પેનની ઇન્ક’, ‘દાઢી કરવાનું રેઝર’, ‘પોસ્ટ-ઇટ નોટ’, રેડિયમ, ‘પેનિસિલિન ઇન્જેક્શન’ અને એવી ઘણીયે વસ્તુઓ જે આપણા જીવનમાં એક જરૂરીયાત બની ગઈ છે.

    આજે એવી જ પ્રોડક્ટ્સના લિસ્ટમાં બીજું એક નવું નામ શામેલ કરવું ગમશે. સુગ્રુ (Sugru).

    પહેલી વાર વાંચતા એમ લાગે છે કોઈ સુગ્રીવ-સેનાના સભ્યનું નામ હશે. પણ આ પ્રોડક્ટના જન્મની રમત આયર્લેન્ડમાં રમાયેલી. (આઈમીન એની પાછળ થયેલા લાંબા સંશોધનની). એટલે રમત બાદ મળેલા અચિવમેન્ટને આઈરીશ ભાષામાં સુગ્રુ એટલે ‘રમત’ એવું ટૂંકું અને ટકાઉ નામ તેને આપવામાં આવ્યું છે. હવે આવા જ ટૂંકા નામવાળી ચટ‘પટ્ટી’ પ્રોડક્ટની આઈરીશ જનેતાનું નામ પણ થોડું અટપટું છે. ‘જેન ની ધુલ્ચાઓઇન્તીગ્ખ”. જેને આપણે ટૂંકમાં જેની કહીશું ઓકે?

    હા, તો વાત એમ છે કે આ જેનીબેન ફાઈન-આર્ટની સ્ટુડન્ટ. એટલે પથ્થરના શિલ્પને કંડારવામાં તેને સૌથી વધુ રસ. વળી નાનપણથી ઘણી બધી વસ્તુઓને તોડી નાખવાની કુટેવ સાથે તેને ફરીથી જોડી નાખવાની સુટેવ પણ હતી. અને આ જ આદત તેને તેની ઝિંદગીમાં આગળ લઇ આવી.

    તેની વિવિધ તોડ-જોડ ક્રિયામાં આમ તો તે હંમેશા સિલિકા-પુટ્ટી અથવા સુપર-ગ્લુનો ઉપયોગ કરતી. પણ ઘણી એવી મજબૂત વસ્તુઓ જેમ કે પાણીનાં પાઈપ્સ, સ્ટિલનાં હેન્ડલ્સ સાથે તૂટ્યા પછીની જીભાજોડી (આઈ મીન જોડાણ) કરવું જ્યારે ઘણું મુશ્કેલ (કે પછી અશક્ય બનતું) ત્યારે જેનીબૂન પાણીમાં બેસી જતી.

    ને બસ એક વાર અક્કલની કિટલીમાંથી પાણીનું ટીપું લિક થયું. જેનીને મૂંઝવણ થઇ કે...

    “એવું મટીરિયલ બની શકે કે જે રબર જેવું લચકતુ રહે અને પાકા ગુંદર જેવું કાયમી ચિટકલુ પણ રહી શકે. જેથી તૂટેલી કોઈ પણ વસ્તુના ભાંગેલા ભાગ સાથે જન્મોજન્મનાં નાતે જોડાઈ જાય અને ક્યારેય ફરીથી એમાં ભંગાણ ન પડે????!!!!”-

    જેનીના દિલોદિમાગ જબ્બરદસ્ત ધમાલ મચી. પણ એ બચારી એવું મટીરિયલ શોધે ક્યાં? દસ વર્ષ અગાઉ પણ ગૂગલ ભલેને હાથવગું હતું. પણ કોઈક નવીન શોધ જ કરવાની હોય ત્યારે એનું પણ જોર કેટલું? જેની બાઈને આવતો દરેક વિચાર ગૂગલી થતો દેખાતો. છતાંય તેણે હાર ન સ્વિકારી.

    કોયડો જ્યારે બરોબર માથે પડે ત્યારે સમજવું કે ઉકેલ પણ તેની પાછળ સંતાઈને પડ્યો છે. જરૂર છે, બસ તેને બહાર ખેંચી લાવવાનો. એવું જેની પણ માનતી અને એ ક્ષણની રાહ જોતી કે એવો લા(જવાબ) ઉકેલ પેદા થાય ને તેનું ‘સોલ્યુશન’ સામે આવે.

    સતત ધમાધમી, દિમાગનું દબંગી ઘમ્મરવલોણું કર્યા બાદ બે વર્ષ બાદ એ ક્ષણ આવી પણ ખરી. ડક્ટ-ટેપનું ‘ગુંદર’ અને સિલિકા-પુટ્ટીમાં રહેલી લચિક માટીમાં રહેલાં તત્વો ‘સોલ્યુશન અને‘સોલ’ (આત્મા) બની બહાર ડોકાયા. ને પછી પાંચ વર્ષ સુધી સર્ચ, રિસર્ચ, પ્રયોગો, અવલોકનોની રમઝટને અંતે કેટલાંક ઈનોવેટિવ સુપર-સંયોજનથી સુગ્રુનો જન્મ થયો

    આ નાનકડા નામવાળી નવીનતમ પ્રોડક્ટે તૂટેલી બાબતોનું એવું મોટું જોડાણ કર્યું છે કે સિમેન્ટની કંપનીઓનાં સ્લોગન ખરેખર તો આ પ્રોડકટ સાથે સુટેબલ થાય છે.

    હવે જો...

  • તમારા ગેસના ચૂલાનો તૂટેલો બર્નર-નોબ ફરીવાર જોડવો હોય... કે પછી
  • નબળા પડી ગયેલા નળ (ચકલી)નું માથું ફરીવાર જોડી નાખવું હોય... યા પછી
  • લેપટોપ કે આઈપેડની નીચે ફ્લેક્સિબલ સ્ટેન્ડ ગોઠવવું હોય... અથવા તો
  • પાવર-પ્લગનાં વાયરનું છૂટું પડેલું જોડાણ પ્રોટેકશન ધોરણે ફરીથી પાવરફૂલ કરવું હોય....
  • તો (કોન્ડોમનાં પેકેટ જેવી જ સાઈઝવાળું) સુગ્રુ ઘરે વસાવવું. ને બીજાં અઢળક ભાંગ્યાતૂટ્યા કામોમાં તેનો ઉપયોગ કરી જેની બૂનને દિલથી મનોમન ‘જે’સી કૃશ્ણ કહી દેવું. કેમ કે....

    “જે વામન હોય છે, એ લોકો જ યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ વિરાટ પગલાં (ભરવાની કોશિશ) કરી સફળ થતાં હોય છે. આ જ તો નસીબ છે. ” – મસ્તધૂની મુર્તઝાચાર્ય (ઇ. પૂ. ૨૦૧૩માં નાઈલને કાંઠેથી)

    ***

    8 - ક્રંચી કલમથી મંચી માર્કેટિંગની મજ્જાની સફર..

    મને બચપણથી વાંચનનો જબ્બર શોખ. વખત જતા વાંચનના એ પેશનેટ શોખમાં માત્ર વિષયો ઉમેરાતા રહ્યાં. પણ શોખની લગની તો એની એજ રહી. આજે ફરી વાર યાદ કરું છું કે મારામાં રહેલો આ વાંચનાર નર લખાણ-પટ્ટીમાં ક્યાંથી આવી ગયો!?!? - થયું આમ...

    બરોબર ૫ મી સપ્ટેમ્બર ૨૦૧૦ની રવિવારની એ બપોર. મારી પત્નીએ અચાનક આવી શબ્દ-ધક્કા સાથે ટોણો માર્યો: “આ જ્યારે જોઉં છું ત્યારે ઈન્ટરનેટ પર વેપારને લગતું વાંચ-વાંચ કરો છો તો લખતા પણ બતાવો તો કાઈં માનુ. તમારી સાથે બીજા ઘણાં લોકોને પણ ફાયદો થશે. તમારી કેરિયરને ધક્કો વાગશે બીજું શું?!?!!?”-

    શાદી (લગ્ન) પહેલાં તેની સાથે થોડાં સમય માટે લવ-લેટર લખવાની ચળ-વળ ઉપાડી હતી પણ શાદી પછી તેના આવ્યા બાદ એ ચળ બીજે ક્યાંક વળી ગઈ. ;-)

    [ને ત્યારે આમ અચાનક થયેલા આવા હૂમલાથી એ દિવસે નેટવેપારનો આ પોસ્ટ દ્વારા બ્લોગ શરુ કરવો એક અનાયાસ પર્યાસ જ હતો. (દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ કે પગ હોય છે એનું આ એક લેટેસ્ટ ઉદાહરણ)]

    એની વે. શું લખવું, કેવું લખવું, કેટલું લખવું તેની કોઈ પરવા ન કરી. પણ ‘આગે આગે ગોરખ જાગેગા તો જો હોગા સો દેખા જાયેગા’ વાળી કરીને શબ્દોનાં વમળોમાં કુદી પડ્યો ને લખવાની શરૂઆત કરી દીધી.

    વર્ચુઅલ ભલે કહેવાય પણ આવી બ્લોગી સફર મારી ઝીન્દગીની સૌથી અનોખી સફર રહી છે. એટલાં માટે કે એમાં મને એક્ચુઅલી ઘણાં એવા સારા દોસ્તો-દોસ્તાનીઓ, સાથીદારો, સલાહકારો મળી આવ્યા. એ સૌ ભાઈઓ-ભગિનીઓ જેમણે બ્લોગ-મીડિયા લેન્ડ પર આવીને પોતાનો કિંમતી સમય વાંચન માટે આપ્યો. લાઈક્સ અને કોમેન્ટ્સ બટન દ્વારા મોહબ્બત આપી. વારંવાર દિલ ખોલ્યું. પછી થાય શું? – સિમ્પલી લખવાની કેટલી બધી હોંશ મળે જ, ને?

    બસ પછી તો લખાણની એ મોટીવેશનલ સ્પિડ પણ બસમાંથી ટ્રેઈનમાં ફેરવાઈ ને હવે ધીમે ધીમે પ્લેન તરફ ઉડી રહી છે. બેગદ્દ્... નેટ પર વિવિધ પ્લેટફોર્મ દ્વારા માતૃભાષામાં લખીને વિચારોને જે એક્સપ્રેસ કરવાની તક મળે છે, તે માટે દર અક્ષરે હું 'અલ્લાહ કા શુક્રગુઝાર' છું. કેમ કે લખાણથી લાખો રૂપિયા કમાઈ લેવાની લાલચ કરવા કરતા લાખો વાચકોના દિલને ટચ કરવાની વધારે મજ્જા છે.

    શક્ય છે એટલે જ મોટા સોશિયલ મીડિયા ઉપરાંત મોબઈલી 'હું ગુજરાતી' નામનું બાલકિયું ઈ-મેગેઝિન પણ રીખતું-ચાલતું પાસે આવ્યું અને તેની મોજીલા દોસ્તોની ટિમ સાથે મોબાઈલ ટ્રેન્ડનાં માધ્યમમાં રહીને વધુ ને વધુ લોકો સુધી પહોંચવાનો રસ્તો સરળ બન્યો.

    જે વિષય માટે હું બન્યો છું એવા મારા પ્યારા માર્કેટિંગમાં રમવાનું મોકળું મેદાન મને 'હું ગુજરાતી' મેગેઝિનમાં પણ મળી રહ્યું છે. આમ તો ‘માર્કેટિંગ’ શબ્દ મારા લોહીમાં વહે છે. તેથી જ સ્તો આ મેગેઝિનમાં 'માર્કેટિંગ મંચ' વિભાગ દ્વારા મને તેનાં વિવિધ પાસાંઓને નિખારવાની વધુ તક મળી છે.

    જેમાં ક્યારેક કોઈક અવનવી પ્રોડક્ટ/ સર્વિસની જાણકારી આવે, તો ક્યારેક કોઈક નોખી બનેલી ઘટના આવે. ને વળી ક્યારેક તો અનોખા પર્સન (વ્યક્તિ વિશે) પણ જાણવા મળે. તેથી જ સ્તો એમાં પાછલા વર્ષોના શીખેલા અનુભવો અને અસરકારક સૂત્રોને પણ જાતે અપનાવી તેની અસર જાણીને જ આપ લોકોની સાથે વહેંચણી કરુ છું.

    ગુજરાતી પ્રાઈડનું મુખ્ય મંચ વિકસાવી મહેન્દ્રભાઈ શર્મા અને તેમની મોબાઈલ ટિમે ગુજરાતી ભાષાને ફેલાવવા તેમજ ઉગતા વાચકો-લેખકોને વાંચવા-લખવા માટેની તક તેમના 'ખીસામાં' ઉતારી આપી છે. બન્ને રીતે... મોરલ અને મોનેટરી સપોર્ટ દ્વારા. એ માટે તો એમને આપડી દેશી ઇષ્ટાઈલમાં દિલથી કહી શકું કે 'ઠેંકુ... ઠેંકુ હોં !

    મારા માર્કેટિંગ ગુરુઓના મંતવ્ય મુજબ: “આ નોટી-નેટી આલમમાં જેઓ સમજીને પોતાને ગમતું વાંચન ચાલુ રાખે, લખ્યે રાખે..... પછી ભલે લોકોને લાગે કે ‘ગાંડાની જેમ’.. તોયે એ ડહાપણભર્યું કામ ગણાય છે. કેમ કે તેના વાંચન-લખાણ દ્વારા તમારા પેશનને ધક્કો મળે છે. જે તમને એક દિવસ ત્યાં લઇ જાય છે જે જગ્યા પર જવાનું તમે સ્વપ્ન જોયું છે. ”

    મંચિંગ મોરલો:

    “ગમતા ભડભડતા (પેશનેટ) વિષયનો દરરોજ માત્ર એક કલાકનો અભ્યાસ તમને...

  • ત્રણ વર્ષની અંદર એક વિશેષજ્ઞનુ સ્થાન
  • પાંચ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે સત્તાધારી વ્યક્તિનું સ્થાન અને
  • સાતમાં વર્ષે દુનિયામાં તે વિષયવસ્તુના જ બેસ્ટ (સર્વશ્રેષ્ઠ) વ્યક્તિનું સ્થાન આપી શકે છે.
  • પણ જરૂરી ધ્યાન એ રાખવું કે એ સાત વર્ષની શરૂઆત સાંઠ મિનીટથી ચાલુ થાય. ” – અર્લ નાઈટેન્ગલ

    ***

    9 - માર્કેટિંગ માટેની જરૂરી એવી ‘શિષ્યદક્ષિણા’

    જો તમારું દરેક કામ, વર્તણુંક, સામેની વ્યક્તિને અભિભૂત કરે, પ્રેરણા આપે, નવું સ્વપ્ન જોવાની તાકાત બક્ષે, નવું કરી બતાવવાનો વિચાર આપે યા શીખવે તો દોસ્ત!... સમજો કે તમે લીડર છો જ.

    –પીટર ડ્રકર-

    વર્ષો પહેલાં જ્યારે મેનેજમેન્ટનો કોર્સ કરતો હતો ત્યારે પટેલ સાહેબ આમ તો મારા માર્કેટિંગના પ્રોફેસર. પણ ખરા અર્થમાં મારા બોસ હતાં. જો કે અમે એમની કોઈ નોકરી કરતા ન હતાં; પણ એમનો સમજાવવાનો, કામ કરવાનો (અને કરાવવાનો) એક અનોખો અંદાઝ હતો. બોસને છાજે એવો એમનો પ્રભાવ (કરિશ્મા) અમને વારંવાર મોટિવેશન આપતું.

    નવું સ્વપ્ન જોવાનું, નવું વિચારવાનું, પ્રોજેક્ટને ‘બીજા કરતા ‘હટકે’ કરી બતાવવાની તાકાત બક્ષતું. ખુશી સાથે કહીશ કે એમના બોસિંગ પીરિયડમાં અમને ડેશીંગ આઈડીયાઝ મળતા.

    ‘હોમ-વર્ક’ શબ્દ એમની ડિક્શનરીમાં ન હતો. કેમ કે એ કામ એમને માટે અમારી ઊપર કાંટા ફેંકવા જેવું લાગતું, અત્યાચાર લાગતો. એને બદલે છેલ્લી ૧૦-૧૫ મીનીટ ‘પ્રશ્નોની પૂંછડી’ જેવો ક્વિઝ પ્રોગ્રામ રાખી અમારા દિમાગને એ સ્કીવીઝ કરી જતા. બાકીના ૨૪ કલાક દરમ્યાન (જેમને રસ હોય) એવા સ્ટુડન્ટસ એ પૂંછડી પકડી રાખતા. કેમ કે પકડેલી એ પૂંછડીને બીજા પીરિયડમાં હલાવવાનો મોકો મળતો.

    ખૈર, વાત કરવી છે કૉલેજના એ છેલ્લા ૩-૪ દિવસોની. જ્યારે મને એમણે સૂચવેલાં કેટલાંક ધારદાર આઈડીયાઝને વધુ એક વાર અમલ કરવાનો મોકો મળ્યો. એક કોરી ડાયરી લઈને હું એમની પાસે પહોંચી ગયો. ડાયરી એમના હાથમાં મુકતી વખતે ફક્ત એટલું જ કહ્યું:

    “સર! પાછલાં વર્ષોમાં તમે અમને ઘણું શીખવ્યું છે. ઘણું આપ્યું છે. એ બરોબર. એને અમે અમારી ‘હાર્ટ-ડિસ્ક’ સેવ પણ કરી ચુક્યા છે. પણ મારા જેવા માટે તો મન હજુ પણ પ્યાસુ છે. તો આ ડાયરીમાં કાંઈક એવું લખી આપો કે વખતો વખત એને વાંચીને અમે તમને કાયમ યાદ રાખીએ”

    “ઓકે મેન... કાલે બપોરે સ્ટાફરૂમમાંથી કલેક્ટ કરી લેજો” એમનું એ ટ્રેડિશનલ સ્માઈલ આપી, બગલમાં ડાયરી દબાવી ચાલ્યા ગયા. બીજે દિવસે બપોરે એ ડાયરીના ૪ પાનાંઓ એમના એ અમૂલ્ય ડેટાથી ભરાઈ ચૂકી હતી અને ડાયરી મારી બગલમાં. મને પહેલી વાર એક ગુરુ તરફથી ‘શિષ્યદક્ષિણા’ મળી હોય એવું લાગ્યું.

    વીતેલાં વર્ષો પછી જ્યારે-જ્યારે પણ એ ડાયરી ખોલું છું ત્યારે હજુ પણ કાંઈક નવું કરવાનો ડોઝ મળતો રહે છે. તો દોસ્તો! આજે એ સેવ થયેલા શબ્દોની કેટલીક ટિપ્સ માર્કેટિંગ માટે પણ કેટલી સૂચક છે. જુવો તો ખરા!.....

  • “મજબૂરી હોય અથવા કેરિયર-ડેવેલોપમેંટ માટે અનુભવ લેવો હોય તો જ જોબ કરજે, નહિ તો ધંધો કરવો સારો. ”
  • “આ મારુ કામ નહિ. મારી જોબમાં એવું કઈ લખ્યું નથી. ” તારા બોસની આગળ એમ બોલી જોબને બોજમાં ફેરવી ના નાખતો.
  • “ભલે શરૂઆતમાં નોકરી સામાન્ય લાગે (અથવા) મૅનેજર તરીકે પોસ્ટ મળી હોય તો પણ એ વિભાગમાં કામ એક લીડર જેવું કરજે. ”
  • “એમ માની ને ચાલજે કે કંપનીમાં કે વેપારમાં તારું મુખ્ય કામ લોકોને સાથે લઇ ચાલવાનું છે. ”
  • “તારા કરેલા કામોનું અચીવમેન્ટ જાણવા બીજા લોકોનો અભિપ્રાય વખતો વખત લેતો રહેજે. પણ અંતે તારું દિલ જે કાંઈ કહે એમ કરજે. ”
  • “તારા પોતાના કે કોઈના આઈડિયાને બરોબર સપોર્ટ કરજે. એની પર હસવું આવે તો વાંધો નથી પણ એ વાતને હસવામાં કાઢી ન નાખતો. ધ્યાન રાખજે કે પાછળથી પછી રડવાનો વારો ન આવે. ”
  • “સૌથી અસરકારક લાગે એવો વિચાર (કૉન્સેપ્ટ-આઇડિયા) કોઈ મોટી ગ્રૂપ મીટિંગમાં એમ ને એમ ઠાલવી ન દેતો. પહેલા કોઈ નાનકડી (અંગત) મીટિંગમાં એની અજમાયેશ કરી લેજે. ”
  • “તને અનુભવોના ભાથા બાંધ્યા પછી કોઈક એવા મોકે પર એમ લાગવા માંડે કે તું એક ભરોસા-પાત્ર વ્યક્તિ તરીકે ઓળખાઈ રહ્યો છે ત્યારે એક સમજુ લીડર તરીકે સમજદારીપૂર્વક વિરોધ નોંધાવવાની તૈયારી રાખજે. ”
  • “કોઈના ઈ-મેઇલનો ‘સુપરફાસ્ટ’ અને ફોનનો સુપર સ્લો રિપ્લાય ન આપતો. ”
  • “સખત મહેનત પણ સ્માર્ટ રીતે કરજે. આ સ્માર્ટનેસ તો તને જ કેળવવી પડશે દોસ્ત!”
  • “બિઝનેસમાં કે જોબમાં કોઈ અડચણ યા ડર પેદા કરાવી રહ્યું હોય તો બીજાને એની લગીરે ખબર પડવા ના દેજે. સમજીને ડર ને દૂર કરજે. ”
  • “કમાણી અને વાણીને વેચાણ કરતા વધુ વહેચતો રહેજે. ”
  • “ઘેંટાંનાં ટોળા જેવી વૃતિ અને ગધેડા જેવી મજૂરી કરવાનું ટાળજે. યાદ છે ને આપણો પેલો શબ્દ: ‘હટકે’. ”
  • “દરરોજ કોઈકને એમના કામના નેટવર્કમાં કોમ્પ્લીમેન્ટસ આપજે. ”
  • “તે આજે મને આ ડાયરીમાં ટીપ્સ શેર કરવાની-લખવાની તક આપીને બીજા સ્ટુડન્ટસ કરતા ‘હટકે’ કામ કર્યું છે એની મને ખુશી છે. તારો આભાર.
  • ચાલ... કોન્ટેક્ટમાં રહેજે. ”

    ***

    10 - “ભૂખ્યા નથી રહેતા એ નારી કે નર, ઉપયોગ કરે છે નેટ-કળથી જે પોતાનું હુન્નર”

    “સાહેબ! નથી કરવી તમારી નોકરી.... જેટલાં રોકડાં હું તમારી કંપનીમાંથી કમાઈ શકું છું તેના જેટલાજ... અરે બલકે થોડાં ઓછા પણ કમાઈ લઈશ તો ય મને વાંધો નહિ આવે. પણ તમારા માટે કમાવવા કરતા મારા ખુદના માટે કમાવવું મને વધારે લાભદાયક લાગે છે. ”

    જો જો પાછા.... આ ઉપર મુજબનો ઘસાયેલો ડાયલોગ કોઈ ટેલીફિલ્મ, સિરીયલ કે નાટકનો ન સમજતા દોસ્તો!...

    આ સવાંદ તો સાચેસાચ થોડાં વર્ષો અગાઉ બે સ્ટીવો નામના જીવો વચ્ચે બની ગયેલો. અને તેય તેમની પાકા એપલ જેવી ઈંગ્લીશ ભાષામાં... તેમાં બોલનાર હતો સ્ટિવ શાઝીન અને સાંભળનાર સ્ટિવ જોબ્સ.

    યેસ!... એનું નામ સ્ટિવ શાઝિન. એ ખરું કે તેના કેરિયરની શરૂઆત એપલ કંપનીમાં તેના હમનામી અને ક્રિયેટિવ કિંગ ‘સ્ટિવ જોબ્સ’ સાથે સોફ્ટવેર પ્રોગ્રામર તરીકે ડાઈરેક્ટ કામ કરીને થઇ. પણ વખતે ગુરૂજ્ઞાન થતા બીજાની ‘જોબ્સ’થી છુટ્ટા પડી પોતાની જોબ મેળવવાની એની અનોખી અદા અને કળા દ્વારા તેણે ‘હજારોમાં (લાખો કરતા થોડાં જ ઓછા સમજવું) હટકે’ ઓળખ પ્રસ્થાપિત કરી છે.

    આજે એ સ્ટિવબાબાની એ વેપારીક ભક્તિ થી મુક્તિની જ નાનકડી કથા કરવી છે. વાત ધાર્મિક નથી... માર્મિક છે. ખુદને ગમતા કામનો ધર્મ શું છે તે થોડી સમજવાની છે.... ને વધારે ‘એપ્લાય’ કરવાની છે.

    તો... સ્ટિવ જ્યારે એપલમાંથી હજારો.. હજારો ડોલર્સની નોકરીને મૂકી રહ્યો હતો ત્યારે તેણે વિચાર્યું ન હતું કે હાયલા! મારુ પેટ કેમ ભરીશ? મા-બાપને, બૈરી-સાસરાને.... અરે દોસ્ત-લોકોને શું મોં બતાવીશ... ?!?!?

    બસ એ તો દિલમાં હામ, ‘હોમ’માં દિલદારી દાખવી આવી ગયો બહાર જેમ એપલમાંથી અળસિયું.

    આ વાત બની છે બસ હજુ થોડાં જ વર્ષ પહેલા... ૨૦૦૭ના અરસામાં. ત્યારે ઈન્ટરનેટ પર બ્લોગ નામનું બાળક હજુ પા પા પગલી ભરી રહ્યું હતું. તે વખતે આ બ્લોગબેબીની અસાધારણ પ્રતિભા સમજી લઇને સ્ટિવભાઈએ તેને અપનાવી લઇ નેટાળો બ્લોગી બની ધૂણી ધખાવી દીધી. જેમાં તેણે જુનવાણી લાગતા તેના રિઝ્યુમ/બાયોડેટાને હોમી દીધા. કેમ કે તેના બદલે તેને એક અનોખી ભલામણનો ઉપયોગ કરવાનો હતો.

    જો કે એકાદ વર્ષ ખુદના બિઝનેસને જમાવવામાં આરામથી પોતાના કુટુંબ સાથે સર્વાઈવ કરી શકે એટલું રોકડું તો તેણે પહેલાથી ખિસામાં પારખી લીધું હતું. એટલે ટેન્શન એ ન હતું. એ તો હતું કે... આ બ્લોગ પર શું લખવું, કેવું લખવું, ક્યાંથી લખવું, કોને માટે લખવું...

    એ તો સારું થયું કે આવા બધાં પ્રશ્નો માટે સ્ટિવઅન્નાને કોઈ પણ પ્રકારનું લોકપાલ બિલ બહાર પાડવું ન પડ્યું. અરે બાપા!... ક્યાંથી જરૂર પડે? એ તો ક્રિયેટિવિટીનું ‘એપલ પાઈ’ ખાઈને ઉપરવાસમાંથી આવ્યો હતો.

    એવા અરસામાં આઈપોડ, આઈફોન, આઈમેક, આઈટ્યુન્સ જેવા ઈલેક્ટ્રોનિક શસ્ત્રોથી સજ્જ એપલ કંપની આગે કુચ કરી રહી હતી ત્યારે આ કુચકદમમાંથી ભલેને પોતે નીકળી ગયો હોય પણ હઇશો.... હઇશો... નો ઘોંઘાટ હજુયે ચાલુ હતો. ને તેવા જ ઘોંઘાટમાં તેને એક સુરીલો સ્વર સંભળાયો સ્ટિવભાઈને એક ઉપાય પણ સૂઝી આવ્યો. જેને માટે નોબલ પ્રાઈઝ તો નહિ પણ મજાનું અલગ પ્રાઈઝ મળવાનું હતું જેની તેને ખુદને ખબર ન હતી. એ તો બેસી ગયો માર્કેટિંગનાં મંત્રો ફૂંકવા.

    “એપલના માર્કેટિંગ સિક્રેટ્સ અને મારા અનુભવો દ્વારા તેમાંથી હું શું શીખ્યો?”

    બસ! સ્ટિવબાપુને મળી આવ્યો વિષય ને ઠપકારી દીધી ઈ બાપુ એ હાવ નાનકડી ઈ-બૂક.... સાવ મફતમાં. કરોડો વાંચકોની વચ્ચે શરૂઆતમાં આ નાનકડી પુસ્તિકા... કોને મળે?... કોણ વાંચે?... પણ સ્ટિવભાઈ એમનું નામ. ગુરુ પાસેથી શીખેલો પદાર્થ પાઠ કાંઈ એમને એમ થોડો એળે જાય?

    વધુમાં બ્લોગમાં રહેલી પેલી ટેકનોલોજીની રજ વાળી હવાએ જોર પકડ્યુ. ને જેમને જરૂરી લાગે એવા લોકો પાસે ઈ-બૂક પહોંચવા લાગી. થોડાં જ દિવસોમાં, પછી મહિનાઓમાં, ને આજે તે પાછલાં વર્ષોથી ઈ-બૂક હજુને હજુ વખતો વખત ડાઉનલોડ થતી રહે છે.

    તમારો મનમાં જાગેલો સવાલ: મુર્તઝાભાઈ, પછી શું? આમાં સ્ટિવભાઈના કેટલાં ટકા? એમના હાથમાં શું આવ્યું?.. કાંકરી કે ખાખરી?

    તમારા મગજમાં મુકાતો જવાબ: સ્ટીવ સાહેબની જે તીવ્ર ઈચ્છા હતી તે. તેમને મળ્યું ઉપયોગી થઇ શકે તેવા સમજુ લોકોનું એક ગ્રુપ. અને એ ગ્રુપનો પ્રોફેશનલ સહારો. છે ને... ‘સર’પ્રાઈઝ’?!!?!!?

    આજે સ્ટિવ શાઝિન ઈન્ટરનેટના પ્લેટફોર્મ પર પોતાની માર્કેટિંગ-કળાનું જ્ઞાન અને સલાહ-સૂચનો દ્વારા કેટલીયે કંપનીઓ અને વ્યક્તિગત લોકોને મદદ કરીને કમાણી કરે છે. સેમિનાર્સ ઓર્ગેનાઇઝ કરી આજની જરૂરી એવા ઇનોવેટીવ માર્કેટિંગના સિધ્ધાંતોને શીખવે છે. એ સિવાય હજુયે ઇનડાયરેકટ એપલનું માર્કેટિંગ તો ખરું જ. કેમ કે તેનું માનવું છે જે ડાળ પર બેઠા હોઈએ તેના પર પથ્થર કેવી રીતે મારી શકાય?

    મિત્રો, (અને ખાસ કરીને કોલેજ જતાં દોસ્તો).... ઈન્ટરનેટ તમને તમારા ભાંગ્યા-તૂટ્યા અંગ્રેજી માટે નહિ પણ દિમાગની નસોમાં છુટાં થઈને ફરતા પેલા આઈડિયાઝને બહાર કાઢવા માટે... તરસ્યું થઇ બોલાવી રહ્યું છે.

    હવે તમે ક્યારે વરસો છો?....

    ***

    11 - માર્કેટિંગ મૂંઝવણ: બુદ્ધિ કોના ફાધરની?!?!

    એનું નામ એલેક્સ ટ્યુ. જ્યારે એને એક ઝક્કાસ આઈડિયા આવ્યો ત્યારે એની વય હશે ૨૧ વર્ષ ને સાલ હતી ૨૦૦૫. થયું એમ કે ઇંગ્લેન્ડની એક કોલેજમાં ભણતા આ ભાઈને થોડા વધારે પૈસાની (આઈ મીન પાઉન્ડની) જરૂર ઉભી થઇ. વારંવાર તો 'બાપ કી કમાઈ' કેમ ખાઈ શકાય?

    “મને એક મિલિયન ડોલર કમાવવા છે. એ પણ થોડા જ સમયમાં. કેવી રીતે કમાઈ શકાય?”

    ચાલો ૨-૫ હજારની વાત હોતે તો સમજ્યા કે 'પપ્પા બેઠા છે ને?" પણ આ તો સીધા દસ લાખ?!?! સાંભળનાર પણ ઊભો થઇ જાય એવી વાત હતી. જરૂરીયાત જેમ શોધ-ખોળને જન્મ આપે છે એમ એલેક્સના દિમાગે પણ કમાણી કરવાની એક નવીન શોધને જન્મ આપ્યો. કોમ્પ્યુટરથી ગાઢ દોસ્તી અને ઈન્ટરનેટની દુનિયા હાથવગી.

    એટલે દિમાગ બહુ દોડાવવાની જરૂર ના પડી. આ બાપુએ પોતાના રૂમ બેઠા બેઠા એક તુક્કો લગાવ્યો. સ્ક્રીન પર લોકો શું જુએ છે? જવાબ મળ્યો 'વિઝુઅલ ઈમેજ' એટલે કે એક ચિત્ર. એ પછી કેવું પણ હોય. શબ્દો પહેલા લોકોની નજર પ્રથમ એની ઉપર પડે છે. આ ઈમેજ ઈલેક્ટ્રોનથી રચાયેલા રંગીન 'પિક્સેલ' થી બને છે. હવે જો લોકોને આ પિક્સેલ જ વેચવામાં આવે તો?...

    ભાઈ એ તો કાગળ પર કેટલાંક ચકરડાં ને દિમાગમાં નાનકડો પ્લાન લઈને એક ડોમેઈન (વેબસાઈટ એડ્રેસ) ખરીદી લીધું. દોસ્તોને કહ્યું : "તમારી યા તમારી કોઈ વસ્તુ, સર્વિસ કે સ્કીલની નાનકડા પિકસેલ-ખાના વડે જાહેરાત કરો. કિંમત માત્ર એક ડોલર. ” દોસ્તો એ પૂછ્યું: પણ વેબ-સાઈટ છે ક્યાં? તો એલેક્સભાઈએ તદ્દન કોરું પેજ બતાવ્યું. સાઈટનું નામ હતું: મીલીયનડોલરહોમપેજ. કોમ. ( )

    શરૂઆત દોસ્તોના હસવાથી થઇ. પણ 'હટકે' આઈડિયાની કિંમત શરૂઆતમાં જેટલી ઓછી તેટલી સમય જતા ઉંચી જતી હોય છે. તેમ આ સાહેબને થોડાંક દિવસોમાં ખરીદારો મળી આવ્યા. 'એક સે મેરા ક્યાં હોગા... જેવા કેટલાંક દોસ્તોએ તો એક સાથે ૧૦ પિકસેલ-ખાના ખરીદી લઇ પોતાનો અડિંગો જમાવ્યો.

    ઓફ-કોર્સ કેટલાકે ૫.. તો કેટલાકે ૧૦૦ પિક્સેલ પણ ખરીદી લીધા. સર્વિસ કે પ્રોડક્ટની આઇકનના સ્વરૂપમાં થતી જાહેરાત જોઇને જાહેરાતના માર્કેટમાં તો જાણે ધૂમ મચી ગયી. નાનકડા ઇલેક્ટ્રોન્સની આ વેપારી રમતે એલેક્સને આખી દુનિયામાં થોડાજ દિવસોમાં મશહૂર કરી દીધો. આ સાઈટની દુનિયાભરના અખબારો એ પણ નોંધ લીધી.

    થયેલી કમાણીથી થોડા વખતમાં જ એણે પોતાના નવા કપડાં, કોલેજની ફી વગેરે પોતાની કમાણીથી ખરીદ્યા ત્યારે 'વર્ડ ઓફ માઉસ' દ્વારા ફેલાયેલા આ આઈડિયાની અસર આટલી થશે એવી એલેક્સના માનવામાં ના આવ્યું. ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા કરતા જયારે હોમપેજ પર છેલ્લાં પીક્સલ્સ ૧૧ મી જાન્યુઆરી ૨૦૦૬ના દિવસે વેચાઈ ચુક્યા ત્યારે એલેક્સ એક મિલિયન ડોલર જેટલી રકમની કમાણી કરી ચુક્યો હતો.

    આજે તો ૩૧ વર્ષના એલેક્સભાઈ બીજા અવનવા પ્રોજેક્ટ્સમાં હાથ અજમાવતા રહે છે. જેમ કે હાલમાં તેની એક બીજી સિમ્પલ સાઈટ લોકોને શાંત પાડવાનું કામ કરે છે: જ્યાં મન-મગજનું મેડિટેશન કરવા માટે ૨૫ પ્રકારની અવનવી મ્યુઝિક થીમ્સ મુકાયેલી છે. જો તમને ૨-૫-૧૦- ૧૫-૨૦ મિનીટ્સ માટે ધ્યાન ધરી બુદ્ધિ તેજ બનાવવી હોય તો આ સાઈટ કામની ખરી.

    બાકી કેમકે પેલો પિક્સલેટ જેવો એવો આઈડિયા વેચનારાઓ એ પછી ધાણીની જેમ ફૂટી નીકળ્યા છે. એટલે હરીફાઈ પણ ઘણી વધી ચુકી છે. પણ એલેક્સ દ્વારા મુકવામાં આવેલો આઈડિયા નવીનતમ હતો એટલે શરૂઆતથી જ એનો બોહળો લાભ મેળવી એણે પોતાનું અનોખું સ્થાન જમાવ્યું.

    સાર:

  • આઈડીયાને મગજના ગાદલા-તકિયામાંથી બહાર લઇ આવો.
  • 'બની શકશે કે નહિ'? એવું વિચારવાને બદલે 'કેમ બની શકશે' એવું વિચારવાથી કામ થાય છે.
  • હાથમાં ભલે કાંઈ ના હોય તો પણ 'હાર્ટ'માં કાંઇક તો હોય છે જ. ઉપયોગ કરી લો.
  • લોકો શું કેહ્શે એની ફિકર લોકોને કરવા દો.
  • આટલું વાંચ્યા બાદ કહી શકો હવે ને કે..... બુદ્ધિ કોના ફાધરની?!?!

    ***

    12 - અલીબાબા. કૉમના બિઝનેસ-બાબા જેક મા ના

    માણવા (અને માનવા) લાયક માર્કેટિંગ સૂત્રો...

    પાછલાં કેટલાંક મહિનાઓથી (આમ તો વર્ષોની અથાક મહેનત બાદ, પણ દુનિયાને તો રાતોરાત દેખાયેલો) ચાઈનાનો અબજપતિ જેક મા તેની અલીબાબા. કૉમની ગુફામાંથી બિઝનેસનાં ખજાનાને લઇ લાઈમ-લાઈટ આવ્યો છે.

    આ માણસે સાવ નાનકડું શરીર રાખીને પણ અમેરિકાની સાથે ચીનની પણ ગંજાવર બિઝનેસ-ઈકોનોમિને ખર્વોમાં ફેરવી દીધી છે. ઈન્ટરનેટનાં માધ્યમોનો કણેકણ ઉપયોગ કરી જેકબાબાએ યુવા-હવાને તેના વર્ષોના પર્સનલ અનુભવોનું મોટિવેશનલ કન્ટેનર ડીલિવર કર્યું છે.

    જેમને તેના વિશે વધુ જાણવું હોય તેઓ નેટ-સર્ચ કરી શકે છે. પણ આજે આપ લોકો સાથે તેના બોલાયેલાં પ્રેરણાદાયી પ્રેક્ટિકલ ક્વોટસનું આચમન કરાવવું ગમશે.

    ધ્યાન રહે કે આવા સૂત્રોમાંથી જે અવાજ નીકળે છે તેને પકડી ખુદનાં વિકાસ માટે જો યોગ્ય ઉપયોગ કરી શકીએ તો મિલિયન ડોલર્સ આપણા ખિસ્સામાં પણ આવી જ શકે જ છે જ. તો હો જ્જાય ??!!!!

  • “તમારી સાથે કામ કરનાર ‘બેસ્ટ’ નહિ પણ ‘રાઈટ’ માઈન્ડસેટ વ્યક્તિઓ હશે તો તમે જલ્દી આગળ વધી શકશો. ”
  • “રસ્તામાં ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ તમારો ગોલ જો અવિરત અને અચલ હશે તો મુસાફરી પણ બેફિકરી અને બિન્દાસ્ત બનશે. બસ આગળ ધસતા રહો.... ”
  • “મને ક્યારેય પૈસાની ખોટ નડી નથી. હા ! એવી વ્યક્તિઓની કાયમ ખોટ વર્તાય છે જેઓ સ્વપ્નલક્ષી હોય, અને તેમના ખુદના સપના સાકાર માટે મરવા પણ તૈય્યાર હોય. ”
  • “તમારી પ્રોડકટ/ સર્વિસને વેચવાની હરીફાઈમાં ‘પ્રાઇસ’ (કિંમત)નું ફેક્ટર ન લાવો. બલકે એવી હરીફાઈ રચો કે જેમાં કસ્ટમર સર્વિસ અને સતત ઇનોવેશન આવતું હોય. ”
  • “સફળ માણસની ‘સફળતા’માંથી નહિ, પર તેમની થયેલી નિષ્ફળતામાંથી શીખજો. કેમ કે એમાંજ એવી બાબતો છુપાયેલી છે જે તમને ‘સાચ શું કરવું’ એની સલાહ આપે છે. ”
  • “ક્યારેય હાર ન માનશો. આજે સમય-સંજોગો કદાચ તમારી ફેવરમાં ન હોય, કાલે કદાચ હજુયે ખરાબ પરિસ્થિતિ સર્જાય શકે. પણ પરમ દિવસ એવો ઉગશે છે, જેમાં તમારી મહેનત, શ્રધ્ધા અને સબુરીનાં કિરણો ચમકીને બહાર આવશે. હાર... ક્યારેય ન માનશો. ”
  • “યુવાન હૈય્યાને મદદ કરવા તત્પર રહો. જે નાનકડા છે એવા છૈય્યાંને મદદ કરો. આ એવાં લોકો છે જેઓ કાલે મોટા થઇ શકે છે. કદાચ તમારી મદદનું તેમાં એવું બીજ રોપાયેલું હશે કે જેનાથી નવી દુનિયાનું નિર્માણ થયું હશે. (જેમાં તમે પણ ભાગીદાર હશો. )”
  • “હું મારી જાતને સૌથી પહેલા સુખી રાખું છું. જો હું સુખી હોઈશ તો મારા કર્મચારીઓ સુખી રહેશે, મારા શેર-હોલ્ડર્સ સુખી રહેશે, દોસ્તો સુખી રહશે અને છેવટે મારું પરિવાર પણ... ”
  • “જો તમે ક્યારેય કોઈક નવી બાબતે પ્રયત્ન જ નહિ કર્યો હોય તો ‘આમાં સફળતાની તક કેટલી?’ જેવો પહેલો સવાલ કરવાનો કોઈ અર્થ નથી રહેતો. અને હા ! જો તમે દિલદારીપૂર્વક પ્રયત્ન કર્યો હશે તો કદાચ તમને બીજી અન્ય તકો આપોઆપ મળતી રહેશે. ”
  • “જેમના ખિસ્સા ઊંડા હોય પણ દિલ સાવ છીછરું એવાં લોકોની મને કે ચીનને જરાયે જરૂર નથી. ”
  • “તમે જે કાંઈ કરી રહ્યા છો તેની અસર તમારા ભાવિ પર કે તમારા સમાજ પર કેટલી પડશે તેનો તમને જરાયે અંદાજ છે?- ધ્યાન રહે તમારું કરેલું દરેક કામ એ આખા સમાજના નિર્માણનો હિસ્સો છે. ”
  • “જ્યારે તમે નાનકડા હોવ ત્યારે, તમારું મગજ શું વિચારી રહ્યું છે એનો સતત ખ્યાલ રાખજો. ”
  • “આજના ઇન્ફો-ટેક જમાનામાં પૈસા કમાવવું ખૂબ સહેલું છે. પણ તેની સાથે સમાજને અને આસપાસ રહેલી દુનિયાને પણ વિકસિત કરતા રહેવું ઘણું ચેલેન્જીંગ વાળું કામ છે. ”
  • “શાંતિ-મંત્રણા મારા માટે સૌથી મોટો ઘોંઘાટ વાળો વિષય છે. જેમાં અટપટી વાતો હોય એવી ચર્ચાઓથી દૂર રહેવું જરૂરી. ”
  • “તમારા હરિફને કાયમ ધ્યાનમાં રાખજો, પણ તેની બાબતોનું ‘કૉપી-પેસ્ટ’ ક્યારેય ન કરશો. જો કરશો તો... મરશો. ”
  • “જો તમારા ગ્રાહકો તમને ખૂબ ચાહતા હોય પછી સરકાર પણ તમને ચાહવા લાગશે. હા ! સરકાર સાથે ક્યારેય ધંધો ન કરવો. તેની સાથે લવ-અફેર કરી શકાય પણ મેરેજ?!?!?!- નોટ એટ ઓલ !!!”
  • “જ્યારે પૈસા વધે તો સમજવું કે ભૂલો પણ... ”
  • “તકો ત્યાં જ સંતાયેલી છે: જ્યાં તમને મુશ્કેલી દેખાય છે, જ્યાં તમને ફરિયાદ કરવી હોય છે. ”
  • “ઝીંદગી બહુ નાનકડી છે, પણ ખૂબ જ સુંદર છે. બસ જરાયે ગંભીર થયા વિના મોજથી જીવજો.... ”
  • ***

    13 - માર્કેટીંગમાં રહેલો આ છે ‘એક્સ્ટ્રા માઈલ’....

    બોલો તમને ચાલવું ગમશે?- ધ્યાન રહે અહીં ભીડ ખૂબ ઓછી છે...

    અત્યારે તો આ હાઈપર સ્ટોર્સ (સુપર કરતા પણ થોડો ઉંચો ગણી શકાય એવો) પોતાની સુપર ગ્રાહક-સેવાથી જગમશહૂર થઇ ચુકયો છે. જેણે હજારોની સંખ્યામાં પોતાના સ્ટોર્સની જાળ દુનિયાભરમાં ફેલાવી દીધી છે. પણ વર્ષો પહેલાં એક સામાન્ય રિટેઈલ સ્ટોર્સ તરીકે જ શરૂઆત કરનાર આ ચેઈન સ્ટોરમાં તે વખતે એક (અ) સામન્ય ઘટના બની...

    “સાહેબ! મારા પતિ ગઈકાલે જ તમારે ત્યાંથી અમારી ગાડી માટે આ ટાયર લઇ આવ્યા છે. પણ ભૂલમાંથી તેમણે બીજી ગાડીનું ખરીદી લીધું છે એટલે ફીટ બેસતું નથી... માટે... શક્ય હોય તો બદલી આપો અથવા આ પાછુ લઇને અમને રિફંડ આપો. ”

    “પણ બેન ! અમે આ ટાયર પાછુ કેમ લઇ શકીએ?... ”

    “એમ કેમ?.... જે વસ્તુ અમને ના પસંદ હોય એ પાછી લેવાની તમારી ફરજ છે. મને તો મારા પૈસા પાછા જોઈએ. ”- જાણે લડવાનો ઈરાદો હોય એ અદામાં બહેને વાત સાંભળ્યા વગર ફરી હુકમ છોડ્યો...

    “બેન ! તમને પાકી ખાતરી છે કે તમારા પતિએ આ સ્ટોર્સમાંથીજ ટાયર ખરીદ્યુ છે?”

    “કેમ તમને અમારી પર શક છે?”..

    “ના બેન.. પણ અમે તો..... ”

    “અરે ! પણ ને બણ... કાં તો બદલી આપો અથવા રિફંડ કરી આપો. ”

    કાઉન્ટર-સેલ્સમેન અને ગ્રાહક વચ્ચે શરુ થયેલી ચડભડનો આ બનાવ (નસીબજોગે) થોડે જ દૂરથી તે સ્ટોરનો માલિક જોયા કરતો હતો. વાત વધુ વણસે તે પહેલા ‘શાંતિ-સ્થાપન’ કરવા તે આ બંને વચ્ચે આવી ગયો.

    “માફ કરજો બેન.. મારા સેલ્સમેનથી ભૂલ થઇ ગઈ છે. તમને આ ટાયરની જે કિંમત હશે એટલુ રિફંડ હમણાં જ મળી જશે... બસ!” - પોતાને માટે આમ અચાનક મદદ માટે આવી ચઢેલા ગ્રાહકબેનને ‘માલિક’ તરીકેની ઓળખાણ લેવી જરૂરી ન લાગી. અને તે દરમિયાન આ માલિકે કેશિયરને બોલાવી બિલ-રસીદ માંગ્યા વગર જ ‘બેક પેમેન્ટ’નો હુકમ પણ આપી દીધો.

    “પણ સર... આપણે તો... ”-

    કાઉન્ટર-સેલ્સમેનના આ ઓબ્જેક્શન પર પોતાના બંને હોઠો પર આંગળી મૂકી માલિકે ત્યારે સેલ્સમેનને ચુપ રહેવા જણાવ્યું. ખરીદ કિંમત જેટલી જ રકમ લઈને કેશિયર ત્યાં પાછો આવી ગયો. ગ્રાહકબેનના ‘કેશ’ની ચુકવણી અને ‘કેસ’ની સમાપ્તિ ત્યાંજ થઇ ગઈ.

    “પણ સઅઅઅર!.. આપણે તો સ્ટોરમાં ટાયર વેચતા જ નથી.... તે છતાં પણ કોઈક બીજાનું ટાયર પાછું લઈને આપે પૈસા પણ ચૂકવી દીધાં?!?!- શાં માટે ?” —

    એ બહેનતો ચાલ્યા ગયા પણ મૂળ મુદ્દો ‘સેલ્સમેનના સવાલ’ રૂપે હજુ ત્યાંજ ઉભો હતો.

    “હા દોસ્ત! મને ખબર છે. પણ એ બહેનને તેની ખબર નથી. ટાયર પાછુ લઇ... પૈસા પાછા આપી મે ગ્રાહક ગુમાવ્યો નથી પણ બીજા સેંકડો મેળવ્યા છે. હવે ધ્યાન રાખજે આ બહેનતો ખરીદી માટે વારંવાર આપણે ત્યાં પાછી આવશે પણ તેની સાથે બીજા સેંકડો દોસ્તો અને સગા-વ્હાલાંઓને પણ આ સ્ટોરમાં ટાયરની સાથે બીજુ ઘણું બધું ખરીદવા મોકલતી રહેશે. ”

    માલિક પોતાની પોકેટ લીક-પ્રૂફ પોકેટમાં બંને હાથ નાખી ત્યાંથી ચાલતા થયા...

    દોસ્તો, મને કહેવુ તો પડશે જ ને કે... બીજે દિવસે ઓટો-પાર્ટ્સનો એક નવો વિભાગ એ સુપર સ્ટોરમાં ખુલી ગયો હતો. પિનથી પિયાનો સુધી હજારો વસ્તુઓ-સેવાઓ વેચતા આ સ્ટોરે ટાયરના પૈસા પાછા આપી પોતાને ક્યારેય ‘રિ-ટાયર’ કરી નથી.

    એમની કસ્ટમર સર્વિસનું ચક્કર (ટાયર) આજદિન સુધી ચાલ્યું આવે છે...

    એક વાર બસ... અજમાવી તો જુઓ....

  • તમારા બીલમાં (ઇન્વોઇસમાં) પેલું એક વાક્ય હોઈ શકે ‘વેચેલો માલ પાછો લેવામાં નહિ આવે’- ભૂસી જ નાખો... કે લીટો ફેરવી દો...
  • તેમણે ખરીદેલી વસ્તુ/સેવાનું પૂરેપૂરું રીફંડ આપી દો. ભલે પછી એમણે એ ન માંગ્યું હોય તો પણ,.. અરે તેનો ગેરેંટી પિરિયડ સમાપ્ત થઇ ગઈ હોય તો પણ...
  • માફી માંગી લો. સામે ચાલીને, ઈ-મેઈલ (જો મળ્યો હોય તો) લખીને, કે SMS લખીને (એમ આપણે ગુજ્જુઓ માસ્ટર છીએ!). આમાં નાટક ના કરશો સાહેબ!.. પુરા દિલથી માંગજો.
  • તમને લાગે કે આ ગ્રાહક જઇ રહ્યો છે... ત્યારે એમની પાસે પહોંચી એક સવાલ કરી લેજો: “સાહેબ, તમને શું ન ગમ્યું, ક્યાં ખોટ લાગી?”
  • તમે દિલેર છો?- તો પછી કોઈ એક એવી ભેંટ આપજો જેથી તમને એ યાદ જરૂર રાખે...
  • દોસ્તો, તમારામાંથી કોઈપણ આવા ‘એક્સ્ટ્રા માઈલ’ પર ચાલ્યા હોવ તો તેમનો અનુભવ મારી સાથે શેર email દ્વારા કરી શકો:

    ***

    14 - મૂંઝવણનું માર્કેટિંગ ! આ રીતે પણ કરી શકો...

    સ્થળ: કેલીફોર્નિયા રાજ્યમાં આવેલું પાલો આલ્ટો શહેર.

    સમય: માર્ચ-એપ્રિલનાં આસપાસનો કોઈક એક દિવસ.

    ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ અને હાર્ડવેર્સ બનાવતી એક બહુ મોટી અમેરિકન કંપનીના માલિકની ચેમ્બરમાં ડાયરેક્ટ એક ફોન રણકે છે....

    “યેસ ! કોણ છે?”

    “હેલ્લો ! કોણ? મી. બિલ હ્યુલેટ?- સાહેબ, હું સ્ટિવ બોલું છું. હું ૧૨ વર્ષનો છું અને હાઈસ્કૂલમાં ભણી રહ્યો છું. સાહેબ, મને એક ફ્રિકવન્સી કાઉન્ટર મશીન બનાવવું છે. જેના માટેના સ્પેરપાર્ટસ તમારી કંપનીમાંથી મળી શકે છે. તો શું તમે મને મેળવી આપશો?”

    – એકી શ્વાસે બોલાયેલાં એક અજાણ્યા નાનકડા બાળકની આવી મીઠ્ઠી રિક્વેસ્ટ, સામે છેડે રહેલાં બિલભાઈનાં ચેહરા પર એક મજાનું પણ આશ્ચર્યજનક હાસ્ય લાવે છે. અને તેઓ આ બાળકને ખુશ કરતા કહે છે...

    “જરૂર દોસ્ત, તને જે પાર્ટ્સ જોઈતા હોય તે હું તને મેળવી આપીશ. પણ મને તારા આવા આત્મવિશ્વાસથી ભરેલાં અવાજને સાંભળી પર્સનલી મળવાનું મન થયું છે. તુ મને અહીં મળવા આવીશ?”

    ને બસ... ભાવતું’તુ એ વૈદ્યએ કહ્યું હોય એમ સ્ટિવ નામના એ છોટુને જાણે સ્વર્ગ મળ્યું હોય એમ એ ખુશીથી નાચી ઉઠ્યો. પણ આ નાનકડી ખુશી તેને હજુયે એક મોટી ખુશી આપવા માટે (એ કંપનીમાં) રાહ જોઈ રહી’તી. ચંદ ઘડીઓ પછી સ્ટિવના એ નાનકડા હાથમાં જેકપોટ સમી ૩ વસ્તુઓ આવી ગઈ.

    ૧. એ ચેરમેન મી. વિલિયમ હ્યુલેટની સાથે હેન્ડશેકનો સંજોગ.

    ૨. તેને જરૂરી એવાં સ્પેરપાર્ટસનું પેકેટ અને..

    ૩. એ જ કંપનીમાં ફ્રિકવન્સી કાઉન્ટર મશીન બનાવવાની એસેમ્બલી-લાઈનમાં પાર્ટ્સ ફિટ કરવાની એન્જિનિયરી જોબ.

    એ ઉપરાંત સ્ટિવને બીજું શું શું મળ્યું હશે તેનો અંદાજ લગાવી શકાય? ના.

    કારણકે જ્યારે એક નાનકડી નોબત કોઈક મોટી સોબત સાથે સંકળાય ત્યારે સમજવું કે એટ-લિસ્ટ તેની આસપાસની દુનિયા બહુ જલ્દી બદલાઈ જવાની છે. અને એટલે જ એવાં સંજોગો પેદા કરી બીજાં અનેકાનેક સંજોગોનો વાઈરસ ફેલાવનાર એવાં સોર્સને સૌ કોઈ હ્યુલેટ-પેકાર્ડ કંપની તરીકે ઓળખતા થઇ જાય છે. જ્યારે પેલા છોટુ ઉસ્તાદને આખી દુનિયા સ્ટિવ જોબ્સ તરીકે ઓળખતી થઇ જાય છે.

    સ્ટિવ જોબ્સે તેની આ ઘટના તેના એક જુના ઈન્ટરવ્યુંમાં બે મહત્વનાં પોઈન્ટસ પર કહી છે. : મૂંઝવણ અને ડર.

    તેના કહેવા મુજબ...

    “દુનિયામાં વધુ ભાગે ‘ઘરની અંદર’નું વાતાવરણ તેમજ તેનાં રહેઠાણની આસપાસનું વાતાવરણ બાળકમાં નાનપણથી ડરનાં બીજ વાવતું રહે છે. જેને લીધે તેની ઉગતી ક્રિયેટીવીટી અને કાંઈક નોખું કરવાની હોંશ ઢીલી પડે છે યા પછી ઉગતા પહેલા જ ખતમ થઇ જાય છે.

    તમને કોઈક વિચાર કે કામ અપનાવવા જેવો લાગે તો વહેલી તકે તેને અમલમાં મૂકી તેના ચક્રો ગતિમાન કરવા જરૂરી છે. હું નસીબદાર નીવડ્યો કે મારા ઘરમાં એવું વાતાવરણ બન્યું જેનાથી હું થોડો વિરોધ થતો હોવા છતાં જેવું વિચારતો તેવું કામ કરી શકતો હતો.

    મૂંઝવણની સાથે સાથે ડર બોનસમાં આવતું હોય છે, અને એટલે જ ઘણાં લોકો જરૂરી વ્યક્તિની સલાહ લેતા પણ ખચકાતાં હોય છે. અરે સામાન્ય સવાલ પણ કરતા અચકાઈ જતા હોય છે. કોઈક મોટી વ્યક્તિને મળવાનું જરૂરી લાગે ત્યારે ‘ફક્ત કોન્ટેક’ મેળવવામાં જ તેમના ટાંટિયા ઢીલા થઇ જતા હોય છે.

    સાચું કહું છુ. મારી લાઈફમાં જવલ્લે જ કોઈકે મને ના પાડી હોય. કેમ કે જે ‘આત્મન’ સાથે હું તેમને કોઈપણ રીતે કોન્ટેક્ટ કરું ત્યારે મારો ‘વિશ્વાસ’ જ આપોઆપ સોલ્યુશનનાં રસ્તા ખુલ્લા કરી આપે છે. આહ ! આજે પણ હ્યુલેટ સાહેબનો ડાયરેક્ટ નંબર મારી પાસે છે અને તેમને હું જ્યારે ચાહું ત્યારે વાત કરી શકું છું.

    આ ‘ના સુનને કી આદતે’ મને એક સુટેવ પણ આપી છે. એ કે જ્યારે કોઈ બીજી (અજાણી) વ્યક્તિ મને ડાયરેક્ટ ફોન કરે છે ત્યારે હું પણ તેમને તેમના વિશ્વાસ પર ‘હા’ માં જવાબ આપુ છું. એમ સમજોને કે પાછલાં અનુભવોમાં મળેલાં એ દરેક ‘હા’નું જાણે ઋણ ચૂકવવાનું છે એ રીતે...

    તમને કોઈકને સીધો સંપકૅ કરવાનો હોય ત્યારે ડર શાં માટે? અરે ! માત્ર એક ફોનનું ચક્કર ઘુમાવવાનું છે. અને જે જોઈએ છે તે વિશે ચોખ્ખા શબ્દો અને વિચારોનું ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. હદમાં હદ શું થશે? શરૂઆતમાં કદાચ તમે બોલવામાં સાવ ફેઈલ જશો. તમને ચક્કર આવવા લાગશે. પણ પછી જેમ જેમ આદત પાડી ડર તોડીએ ત્યારે.... સમજવું કે ચમત્કારનું ચેઈન રિએક્શન..... !!!

    જરૂર છે માત્ર તમારા બમ્પ્સ (ફૂલા)ને ખુરશી પરથી ઉચકી ‘કોન્ટેક્ટ’ નામનું એક્ટ કરવાની શરૂઆત કરવાની બસ ! અને જો એટલું ય કરતા ડર લાગતો હોય તો... શું પછી તમે દુનિયા કઈ રીતે બદલી શકશો? મારી જેમ. ”

    [સ્ટિવ જોબ્સનાં એક જુના (ક્લાસિક) ઈન્ટરવ્યુંમાંથી... ]

    દોસ્તો, બોલો હવે મૂંઝવણનું માર્કેટિંગ..... અત્યારના સમયમાં મોબાઈલ થકી આંગળીના ટેરવે પણ બહુ આસાનીથી દૂર કરી શકાય છે ને?

    So.... What Are You Waiting for Man?

    ***

    15 - ધંધામાં જે ‘દિ’વાળે... એમની થાય દિવાળી

    વ્યવસાયની, કેરિયરની કે લાઈફની ચકમક પર ચમકતાં, ચમકી રહેલા અને ચમકવા મથતા સર્વે સાહેબો, દોસ્તો, મિત્રો, ભાઈઓ, બહેનો, સખીઓ,

    આ તો એક રિક્વેસ્ટ આવી કે હોળી પર તો માર્કેટિંગના રંગોવાળો લેખ લખી તમે અમને રંગી નાખ્યા હવે દિવાળી પર પણ તેના જ પહેલુંને લઇ એની પર ‘પરકાસભ’ઈ પાડો તો ખરા... ”

    ચેલેન્જ તો આવી. ને મને વિચાર કરતો મૂકી ગઈ. તહેવારોના આ રાજાની ભવ્યતાને માર્કેટિંગ સાથે શી રીતે સાંકળી લઉં? એટલે હાથમાં ખાલી કોડિયુ લઈને શબ્દો શોધવાની શરૂઆત કરી. પણ ચિનગારી કોઈ ભડકે તો ને?

    એટલા માટે કે... દિવાળી, દીપાવલી, દીપોત્સવી કે બીજા કોઈ પણ સર્વનામથી તેને બોલાવો તો પણ આ ‘લાઈટ’ના તહેવારનું મહત્વ હંમેશા ‘ભારે’ જ રહેવાનું છે.

    બોસની બૂમાબૂમ, સપ્લાયર્સની સતામણી સાથે અસંતુષ્ટ ગ્રાહકોની ગરમાગરમી વચ્ચે મગજ સલામત અને ક્રિયેટિવ રાખવું એ ફટાકડાંના બોક્સને આગથી કે ચિનગારીથી પણ સલામત રાખવા બરોબર છે. ઘણી બાબતો આપણા હાથમાં નથી હોતી... સરકતી જાયે રુખ સે નકાબ.. આહિસ્તા આહિસ્તા !

    જેમ ટેન્શન દૂર કરવા માટે એન્ટી-ટેન્શન્સની ગોળીઓનું પેકેટ પણ હાજર જ હોય છે તેમ હાથમાં કાયમ રાખી શકાય એવી તાકાતનું નાડું આપણને જન્મતાની સાથે જ મળી ચુકયુ છે.. પણ હાય રે કિસ્મત... ઉતાવળે એ જ ઢીલું રહેતું હોય છે. એવું મને પણ થયું. નજીકમાં જ નાનકડો દિવો સળગી રહ્યો હતો ને મને ‘લાઈટ’ થોડીવાર પછી દેખાણી !

    આ નાનકડો દીવડો એટલે મને ગમતો એક એવો માણસ જેમને હું એમને સંત પુરુષ તો નહિ કહું. કેમકે એમણે એવું કહેવા મનાઈ હુકમ ફરમાવ્યો છે. આવું એટલા માટે કે એ ન તો એ કોઈ કથા કરે છે યા પ્રોફેસરી. કવિતા એમને ગમે ખરી પણ હાથમાં થેલો ક્યારેય ન ભરાવેલો.

    લાખો-લાખોની કમાણી કરી હોય અને થોડાં વધારે લાખો દાન-ધરમમાં ખર્ચી નાખ્યા હોય તે પછી પણ એ વ્યક્તિ રહી છે જ સાવ સીધી સાદી. તમે કાં તો ૨૦૦-૩૦૦ પાનાંની કોઈક મોટિવેશનલ બૂક વાંચી લ્યો યા પછી ૨૦-૩૦ મિનિટ્સ એમની પાસે જઇ બેસી આવો..... બંને એક સરખું કામ થઇ જાશે. ચોઈસ ઇઝ અવર્સ.

    સવાલના જવાબ આપવામાં મોં કરતા એમનો હાથ વધારે ચાલે. એનો અર્થ એમ કે... દા. ત. પૂછીએ કે “બાબજી ! ફોર્ચ્યુન મેગેઝિનનો લેટેસ્ટ અંક આવ્યો છે?” ત્યારે જવાબ કહેવાને ‘હા’ બોલવાને બદલે સીધો હાથમાં થમાવી દે.

    યા પછી “સાહેબ ! સંસ્થાની મિટિંગના ગેસ્ટ તરીકે આપ આવી શકશો?” તો જવાબમાં માત્ર “પ્રોગ્રામ બોલો’ સાંભળવાની ટેવ રાખવી પડે. (એક તો એ યાદ નથી આવતું કે તેઓ ગુસ્સે કઈ સાલમાં થયા ‘તા?)

    એટલે હવે એમને એક સત્પુરુષ કહેવામાં મને ન તો એમની પરવાનગીની જરૂર છે ન મનાઈની....

    થોડાં અરસા અગાઉ એમને પૂછી આવ્યો “અંકલ ! દિવાળી નિમિત્તે માર્કેટિંગને લગતા એવા કેટલાંક પોઈન્ટસ જોઈએ છે. જે સીધાં હોય અને સાદા હોય. આપી શકો?” –

    કોફી કપ પીવાના ૧૫ મિનિટ પછી એમની જૂની ડાયરીમાં ગાંધી-છાપ અક્ષરો મને ઉકેલવા પડ્યા ત્યારે ધમાકેદાર ‘ક્રેકર્સ’ બહાર આવ્યા છે. વાંચ્યા બાદ લાગશે કે એનો અમલ કર્યા પછી કેવો દિ’વળે છે. જોબ મુક્યા પછી મારા દિ’ એમાંના કેટલાંક તારલાંઓને લીધે ઘણાં ફરી ગયા છે.

    ચલો હવે જરા જોઈ તો લઈએ કે એમની સચવાયેલી નોંધના તારલાઓઓ હવે અહીં કેવા ચમકી રહ્યાં છે....

  • આજથી માર્કેટિંગ સાથે જોડાયેલા કોઈક એકને ફક્ત એક કામ માટે પણ ઉપયોગી થઈશ. ભલે પછી એમની પાસે કાંઈ પણ ના હોય.
  • આજથી મારા ગ્રાહકોને ‘થેન્ક્યુ’ અને ‘માફ કરશો’ શબ્દોનો ઉપયોગ (ગઈકાલ કરતા) વધુ કરીશ.
  • આજથી મારી જાતને મારી પ્રોડક્ટ/ સેવા માટે થોડી વધુ કિંમતી બનાવીશ. જો એમ કરીશ તો જ મારી કસ્ટમર-સર્વિસ કિંમતી બનશે. (કોઈ શક?)
  • આજથી માર્કેટિંગમાં કોઈ મુશ્કેલી આવશે તો એને મારી તાકાત કરતા નાની બનાવી દઈશ. (સરફરોશીકી તમન્ના જાગી હૈ)
  • આજથી કમસેકમ ૩ ગ્રાહકોને (દિલથી) કોમ્પ્લીમેન્ટ્સ આપીશ. (મોબાઈલ કે ઈ-મેઈલના પૈસા ચાર ગણા વસૂલ થયા સમજો. )
  • આજથી મારા માર્કેટમાં બનતા એવા ચમત્કારો પર નજર રાખીશ જેનાથી અત્યાર સુધી હું અજાણ રહ્યો હોઉં.
  • આજથી માર્કેટિંગની સાથે સાથે મને ખૂબ ગમતા ક્ષેત્રની આવડતને બની શકે એટલી વધારે ઈમ્પ્રુવમેન્ટ કરવા મહેનત કરીશ. (પિયાનો વગાડવાનો બવ સોખ હતો?.... પણ બાપા એ પીપૂડી અપાવી ને ચુપ કરી દીધેલો?- (જાવ શોધી લો કોણ એનો માસ્તર છે?)
  • આજથી પેલી જે કુટેવોએ મને જકડી રાખ્યો છે એમાંની એકને હરાવવાની વધુ કોશિશ કરીશ.
  • આજથી એવા બે કામો જરૂરથી કરીશ કે જે મારી આરામદાયકવૃતિને તોડી મને બહાર લઇ જાય.
  • આજથી મને આવતી કાલે બેહતર શું કરવું છે એ વિચારવા માટે કમસેકમ ૧૦-૧૫ મીનીટનો સમય એકાંતમાં ગાળીશ.
  • આજથી પેલા ઉંઘના શેતાનને વહેલી સવારમાં જ હરાવી દઈશ જે મને મોડા ઉઠાડવા માટે દબાવી દેતો હોય છે.
  • આજથી જમવામાં જે પણ બ્રેડ, રોટલી કે શાક મળ્યું છે એને ગનીમત સમજી જમતા-જમતા આભાર માનીશ. (પત્નીને કાંઈ પણ નહિ કહેવાની શરતે હોં)
  • આજથી જેણે મને આ દુનિયામાં રેહવાની સગવડ કરી આપી છે એવા મારા ‘ખુદના ખુદા’ સાથે એકાંતમાં થોડી પળો વીતાવીશ. (એક વાર ડેટિંગ તો કરી જોવા જેવી છે, યાર!)
  • આજથી દિવસ દરમ્યાન મેં કેટલું લણ્યું એના કરતાં કેટલું વાવ્યું એનું મૂલ્યાંકન કરીને ટેન્શન-ફ્રિ થઇ સુઇશ.
  • હવે તમે જ કહો ‘થોરામાં ઘન્નું’ કે’નારો આ મજ્જાનો માનસ એના એક્સપીરીયન્સ પરથી આવું સ્ટારિંગ કરે તો કોઈની મજાલ છે કે આપરો દિ’ બગાડી શકે?

    લ્યો ત્યારે... તમતમારે દેશી ભાવે ‘સાલ મુબારક’ કે’જો ને હું અરેબિકમાં ‘કુલ્લુ આ’મ વ ઇન્તા બા ખૈર વ તય્યેબિન’કહીને દીવાસળી ગોતવા જાઉં છું.

    ***