Maa tane shu kahu books and stories free download online pdf in Gujarati

માં તને શું કહું

"માં" તને શું કહું??"

"ઘણા સમય થી વિચારી વિચારી ને આજે તો નક્કી કરી લીધું કે મારા શબ્દોને વાચા આપવી છે અને બસ પછી જો તમે એકવાર નક્કી કરી લો એટલે રસ્તા તો આપોઆપ મળી જાય છે. શું કહેવું તમારું?? ખરું ને??? લીધી કલમ ને કાગળ અને વિચારોમાં ખોવાઈ ગઈ કે વિષય કયો પસંદ કરું જેમાં મારી લાગણીઓ, મારા પોતાના હાવભાવ અને મારા વિચારોનું મિશ્રણ હોય જેને લખીને મને તો મઝા આવે પણ સાથે-સાથે વાંચીને તમને પણ એવું થાય કે તો આપણા બધાના વિચારો છે ને એટલામાં મમ્મી નો સાદ સાંભળ્યો, "દીકરા", "જમવાનું થઇ ગયું છે, ચાલ, જમી લઈએ." ને બસ પછી શું?? વિષય પણ મળી ગયો ને શબ્દો પણ.... આજે વાત કરીશુ કુદરતની એક અદભુત રચનાની.... "માં"... થોડામાં થોડું, વધારેમાં વધારે, શબ્દોમાં ઓછું ને લાગણીઓમાં વધારે, પ્રેમનું નજરાણું "માં"ના શબ્દોથી....

"એક વાક્યમાં, થોડાજ શબ્દોમાં ને પ્રેમ ની પરિભાષામાં,

"મમ્મા" ની લાડલી દીકરી નો પ્રેમ ગુજરાતી ભાષામાં.."

હવે થાય છે એવું કે શરૂઆત ક્યાંથી કરું??? "માં" શબ્દ બોલતા કંઈક એવી ઊર્જા સર્જાઈ જાય છે કે જાણે કે આસપાસ કોઈક દિવ્ય શક્તિ નો અનુભવ!!! શરૂઆત કંઈક આવી કરી શકાય.....

"લાગણીઓના વમળોનીં વચ્ચે, પેમનીં સાંકળથી બાંધીને, દુનિયા સામે લડીને, અસહ્ય વેદના વેઠીને,મને જન્મ આપીને, જીવનના સુખ-દુઃખ સામે લડીને, તારા સપનાઓ-ઈચ્છાઓને છોડીને, ફકત મારા માટે જીવીને, અનહદ પ્રેમ વરસાવીંને, જીવનના પાઠ શીખવીંને, મને "કાબિલ" બનવીંને, મારા સપનાઓને પોતાના બનાવીને, મારી ખુશીઓમાં ખુશ રહીને, પોતાના જીવનનું બલિદાન આપીને, મારા જીવન ને ઉજાગર કરીને, "માં" બહુ મોટો કિરદાર બહુ ઘીરજતાથી નિભાવીંને, મને જીવનનીં સૌથી મોટી ભેટ આપીને, મને ધન્ય બનાવી છે" આટલા શબ્દોમાં મેં ઘણું બધું કહેવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ ખૂટતું લાગે છે, કારણ?? "માં" વિષે લખતા મોટા મોટા કવિઓ અને લેખકો પણ જો થાકી જતા હોય ને સાહેબ તો શબ્દ કઈ નાનો અમથો નથી, બહુ મહાન શબ્દ છે "માં".

હવે, જરા માંડીને વાત કરું. "માં" સ્ત્રીનું એક અકલ્પનિય રૂપ છે જેને પામવું પડે છે. જન્મની સાથે કોઈ સ્ત્રી "માં" નથી બની જતી પણ દરેક સ્ત્રીની અંદર એક "માં"નું હ્દય હોય છે વાત ને આપણે નકારી ના શકીએ. દીકરી જન્મે લાડકોરમાં ઉછરે, ભણે ઘણે પછી સમય આવે સાસરે વિદાય થાય અને દીકરી કોઈકના ઘરની "પુત્રવધુ", કોઈની "પત્ની" બને. સંસાર કેવી રીતે ચલાવવો કોઈ દીકરીને શીખવાડવું નથી પડતું બસ તો દરેક દીકરીમાં પ્રભુએ પહેલથી આપી દીધું હોય છે. અને પછી દીકરી "માં" બને છે. એનો નવો જન્મ અને નવા સફરની શરૂઆત જેના સપના કોઈ પણ પરણિત સ્ત્રીએ ના જોયા હોય શક્ય નથી.

લાડકોરમાં ઉછરેલી દીકરી ક્યારે સ્ત્રી બની જાય છે એની ખબર એને નથી હોતી અને પછી તો કોઈને કહેવું પણ ના પડે અને બધી જવાબદારીને હસતા મોઢે ઉપડી લે છે. બાળકોના સુખમાં સુખી ને એમના દુઃખમાં દુઃખી. બાળકના જન્મથી માંડીને બાળક જીવે ત્યાં સુધી "માં" માટે એનું બાળક બસ "બાળક" રહે છે અને "બાળક" માટે "માં" દયામણી દેવી સમાન છે અને સમય આવે "માં દુર્ગા" નું રૂપ લેતા કયારેય ખચકાટ અનુભવતી નથી.

"સ્ત્રી" તરીકે જેટલું સહન નથી કરવું પડતું એના કરતા બમણું દુઃખ એક "માં" એના દિલમાં લઈને હસતા મોઢે આખા ઘરમાં અને સમજમાં ફરે છે. બાળકના જન્મની પીડા જે કદાચ આપણે કલ્પના પણ ના લાગવી શકીએ એવી હશે છતાં એના જન્મની સૌથી વધારે ખુશી તો એક "માં"ને હોય છે, બાળકના જન્મથી શાળાએ ના જાય ત્યાં સુધીની સફરમાં પણ "માં" પોતાનું પ્રમુખ યોગદાન આપે. "માં" પાસેથી બધું શીખી લઈને તો પણ કાંઈક તો ઘટી જાય, સમય સાથે કદમ મિલાવી ચાલવાનું, સુખ-દુઃખમાં જાતને કેવી રીતે સાંભળવાની, દરેક પરિસ્થિતિનો સામનો કેવી નીડરતાથી કરવાનો, કુટુંબના સભ્યોને કેવી રીતે એકબંધ તારમાં પરોવીને રાખવા અને બીજું ઘણું બધું જે કહેતા કદાચ આખો દિવસ જતો રહે, એટલું બધું આપણે "માં" પાસેથી રોજેરોજ શીખીએ છે અને છેલ્લા શ્વાસ સુધી શીખીશુ. બાળકને ભણાવી ગણાવી એક કાબિલ "માણસ" બનાવતા બનવતા "માં"ના વાળ ક્યારે સફેદ થઇ જાય છે એની ખબર એને નથી હોતી. દરેક "માં" ઈચ્છે કે એનું બાળક ભણી-ગણી સારું કમાય અને પછી એનો સુખી સંસાર જોતા ને ભગવાનનું નામ લેતા એની આંખો મીંચાઈ જાય. બાળકના જન્મથી લઇને જ્યાં સુધી "માં" જીવે ત્યાં સુધી બાળકને સુખી જોવા, એના જીવનમાં ખુશીઓની ચાવીઓ લગાવવા, પોતાની આંખોમાં સાગર જેટલું પાણી સમાવી, ફૂલો જેવું હસી, કાળજે પથ્થર મૂકી, પોતાના કેટ-કેટલાય સપનાઓને તાળાં મારી, ફક્તને ફક્ત બાળકના જીવનમાં ફૂલોની ચાદર બિછાવે છે.

આપણા વગર કીધે "માં"ને ખબર પડી જાય કે "કાંઈક થયું છે!". બાકી દુનિયા સામે હસીને અંદર રડતા હોઈએ તો ફીલિંગ "માં" સિવાય કોને ખબર પડે??? બોલીને બતાવવું જરૂરી નથી હોતું, બોલ્યા વગર પણ આપણા હાવભાવથી અરે! હાવભાવ શું?? આપણા પગલાંની આહટથી ખબર પડી જાય કે "આજે ભાઈ-સાહેબ કે બેનબા મૂડમાં નથી, આજે વાતાવશો નહિ એમને નહિ તો આપણી પર ગુસ્સો કરશે!" હા હા.... અને આપણે પણ સૌથી વધારે પ્રેમ ને ગુસ્સો બંને "માં" પર કરીએ છે. આપણને ખબર છે કે "માં" છે જે આપણને સૌથી વધારે સમજે છે અને પ્રેમ કરે છે. દુનિયામાં બધા આપણાથી નારાઝ થઇ જશે ને તો ચાલશે પણ "માં"! નારાઝ થાય એટલે દુનિયા જાણે રોકાઈ જાય, આપણી સાથે ઝગડીને ગુસ્સો કરે ચાલે પણ જો બોલવાનું બંધ કરી દે તો?? અરે! ના ના.... આવું તો કયારેય સહન ના થાય દોસ્ત. શું કેહવું?

બધી વાત બરાબર છે દોસ્ત પરંતુ આપણે જાણતા-અજાંણતા "માં"ને ઘણું બધું દુઃખ પહોંચાડી દઈએ છે અને "માં" એક પણ ઉંહકારો ભર્યા વગર સહન કરી લે છે કેમ?? તો કેહ "છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય" કહેવત સાર્થક કરે છે. પ્રેમી-પ્રેમિકાના આંખના આંસુ દેખાય છે આપણને પણ "માં"ના હ્દયમાં થતી પીડા જે કદાચ આંસુ બનીને વહી નથી શકતી પીડા જોવાનો સમય છે આપણી પાસે? મહિના જેના ઉદરમાં રહીને જન્મ લીધો ઉદરમાં અન્નનો દાણો પહોંચ્યો કે નહિ જોવાનો સમય આપણને નથી દોસ્ત. તકલીફ મારી કે તમારી નથી તો બધાની વાત થાય છે અહીંયા, એમાં હું પણ આવી ગઈ ને આપણે બધા .. આપણે જાણી જોઈને આવું કાંઈ કરતા નથી વાત ૧૦૦%ની છે પરંતુ આવું બને છે અને "માં" અનુભવે છે પણ કયારેય કાંઈ બોલતી નથી અને બોલશે પણ નહિ.. બસ તો આપણે નક્કી કરીએ કે જીવનમાં બધું કામ થોડા સમય માટે બાજુ પર મૂકી દિવસમાં કલાક "માં" પાસે બેસીએ તો? લખી રાખજો દોસ્ત, દુનિયાના બધા દુઃખ નાના લાગશે, બધી મુશ્કેલીઓ સામે લડવાની હિમ્મત મળશે ને "શ્રી ભાગવત ગીતા"માં કૃષ્ણ જેમ અર્જુનના સારથી બની ને જીવનનું પરમતત્વ સમજાવ્યું એમ આપણા સાચા સારથીનું કામ "માં" સિવાય બીજું કોણ હોઈ શકે દોસ્ત?

"દુનિયા જોઈ રંગીન અમે, બન્યા માણસ મોટા,

જોઈ દુનિયા છતાં પણ અમે રહી ગયા નાના,

"માં" તને શું કહું??

શીખ્યા બધું જે તે શીખવાડ્યું,

સમય આવ્યો ભૂલ્યા બધું જે તે ભણાવ્યું,

"માં" તને શું કહું??

અભ્યાસમાં રહ્યા અમે આગળ,

જીવનની દોડમાં અમે રહી ગયા પાછળ,

"માં" તને શું કહું??

બનાવ્યા તે તો અમને સંસ્કારી,

સમય આવે ભૂલ્યા અમે,

"માં" તને શું કહું??

સરવાળો માંડીએ રોજ હિસાબનો,

તારા દુઃખો અને તકલીફોની તો અમે ના કરી બાદબાકી,

"માં" તને શું કહું??

"માં" શબ્દનો મહિમા મોટો,

લખતા થઇ જાય ભૂલ તો "માં" મને માફ તો કરીશ ને???

"માં" તને શું કહું??"

આંખોમાંથી આંસુની ધાર વહી જાય છે બસ આજે આટલા માં અલ્પવિરામ મુકું છું, "માં" શબ્દ પર લખતા હાથ ના થાકે ક્યારેય પણ આગળ લખતા કદાચ આજે કલમ અને કાગળ બંને સાથ નથી આપી રહ્યા. કલમ પણ રડી પડી છે અને કાગળ પણ ભીંજાઈ ગયો છે. અંતમાં એટલું કહીશ કે જે કાંઈ પણ લખાયું છે દિલ થી લખાયું છે અને આશા રાખીશ આપ પણ દિલ થી વાંચો. દિલથી વાંચશો તો અભિપ્રાય તો આપશો એની મને ખાતરી છે.... આભાર.. "માં"....

આપનો અમૂકય સમય ફાળવી મારા વિચારોને દિલથી વાંચવા બાદલ આપણ સહુનો દિલ થી આભાર વ્યક્ત કરે છે બિનલ પટેલ અને આપના અભિપ્રાયો આપશ્રી વોટ્સ અપ કરી શકો છો..

-બિનલ પટેલ

૮૭૫૮૫૩૬૨૪૨