Hum tumhare hain sanam - 1 books and stories free download online pdf in Gujarati

હમ તુમ્હારે હૈ સનમ

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૧)

આ દુનિયામાં સૌથી બુદ્ધિજીવી પ્રાણી મનુષ્યને માનવામાં આવે છે. પણ શું મનુષ્ય સાચે બુદ્ધિશાળી છે ખરો? સવારે ક્યારેક ગામના પાદરે જાઓ તો ખ્યાલ આવે કે ઘેંટા પણ ચરવા માટે કતારમાં જતા હોય છે જયારે કેટલાક શહેરોમાં ટ્રાફિકના નિયમો હોવા છતાં લોકો રસ્તા પર આડેધડ જતા હોય છે. તો હવે તમેં જ કહો આમાં બુદ્ધિજીવી કોણ? મનુષ્ય કે પશુ? ચાલો આ વિષે વધુ ન વાત કરતા મનુષ્ય ને બુદ્ધિજીવી માની લઈએ કેમ કે આપણે પણ આખરે એક મનુષ્ય જ છીયે. બસ થોડા શિસ્ત અને વિવેક ની જરૂર છે.

આજે હું મારા જીવનના આ બુદ્ધિજીવી વર્ગમાં થયેલા અનુભવો દ્વારા માણસની મનોવૃત્તિ, વર્તણુક ને દર્શાવવાની કોશિસ કરીશ. આ વાર્તામાં દરેક પાત્રો કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે મારો નિજી સંબંધ નથી.

***

શાળાના વર્ગખંડ માં બેઠેલી સખીઓ અંતાક્ષરી રમી રહી છે. વર્ગની વિદ્યાર્થીનીઓ બે ગ્રુપમાં વિભાજીત થઇ એકબીજાને ગીતના છેલ્લા અક્ષર પણ ગીત ગાવાની ચેલેન્જ આપી રહી છે. એટલામાં જ વર્ગ શિક્ષક વર્ગમાં પ્રવેશે છે. બધી જ વિદ્યાર્થીનીઓ ની હાજરી ભરી આજે એ એક કાવ્ય ભણાવવાની શરૂઆત કરે છે. રાધા કૃષ્ણ ના પ્રેમ પરનું આ કાવ્ય "આપણે એક છીયે" ને સુંદર અક્ષરો વડે બ્લેક બોર્ડ પર ઉતારે છે. આ કાવ્યની એક એક પંક્તિઓમાં એટલો પ્રેમ છુપાયેલો છે કે જે પણ આને સમજે એ પ્રેમના એક એહસાસ ને સમજે. વર્ગની ત્રીજી પાટલી પર બેઠેલી બે વિદ્યાર્થીનીઓ આયાત અને સારા પણ શિક્ષક તરફ ધ્યાન આપી ને સમજવાની કોશિસ કરે છે. આયાત તો આ કાવ્યમાં જાણે લિન થઇ ગઈ હોય એમ જ એકીટશે એ દરેક પંક્તિ ને સાંભળે છે. જયારે સારા ને એટલી રુચિ ન હોવાથી તે ફક્ત તાસ પૂરો થવાની રાહ જુએ છે. આયાત જાણે કાવ્યનું એક પાત્ર બની ગઈ હોય એમ મગ્ન હતી. સારા એની સામે જોઈ ને આશ્ચર્ય પામે છે કે આયાત આજે ભણવામાં આટલી લિન કેમની થઇ ગઈ. તાસ પૂરો થતા જ સારા આયાત નો હાથ હલાવી ને એને મગ્નતા માંથી બહાર લાવવાનો પ્રયાસ કરે છે. આયાત તો જાણે કોઈ જ અલગ જ દુનિયા માંથી પછી ફરી હોય એવું વર્તન કરે છે.

"ઓય આયાત... ક્યાં ખોવાઈ ગઈ હતી?? આજે તો મન પરોવીને ભણી રહી હતી.... શું વાત છે હે... હે... હે..." સારા આયાત ને ચિડાવતા બોલી.

"અરે કઈ નઈ.... સારા.... હું તો બસ એમ જ.... " સારા થોડું સરમાતા બોલી.

"ચાલ જૂઠી... મારી સામે ખોટું બોલે છે. હું તને બાળપણ થી ઓળખું છું. તારી આંખો જોઈ ને કહી સકુ કે તારા મનમાં શું ચાલે છે..."

"એવું એમ...? સાચે....? તો ચાલ કે મારી આંખો થી તને શું લાગ્યું? શું ચાલતું હશે મનમાં...?"

"જયારે શિક્ષક એ એક એક પંક્તિનું વર્ણન કરતા હતા ત્યારે મારુ ધ્યાન તારા ચહેરા તરફ જ હતું. તું એ દરેક પંક્તિ ને મહેસુસ કરી રહી હતી. જાણે તું એને તારા જીવન સાથે જોડી રહી હોય એવું અનુભવાતું હતું..."

"ના... ના... એવું કઈ નથી હા..." જયારે પેહલી મુલાકાત માં છોકરી છોકરાથી શરમાય ને એમ આયાત શરમાતા બોલી.

"અરમાન ને મિસ કરે છે ને? કાવ્ય દરમિયાન તું પોતાને અને અરમાન ને એ પાત્રોમાં માણી રહી હતી ને... સાચું ને..?" સારા ફટાક થી મુદ્દા પર આવી.

"હા સારા...! તું તો મારી બાળપણ ની સખી છે. તારા થી વધુ મને કોણ સમજી સકવાનું. હા એ કાવ્યમાં હું અને અરમાન જ હતા. મારી એ વિચારો ની દુનિયામાં હું એની સાથે હતી. તને તો ખબર જ છે કે અરમાન સાથે બાળપણમાં જ મારા સગપણ થઇ ગયા છે. તો હવે તો એ જ મારુ સર્વસ્વ છે."

"તને શું લાગે છે આયાત, આ જમાનામાં બાળપણ ના સગપણ ચાલે છે? શું અરમાન ને તું યાદ હોઈશ?"

"એવું ના બોલ સારા... મેં તો એને મારુ સર્વસ્વ માની લીધું છે. હું એની થઇ ચુકી છું. એ પણ મને ક્યારેક યાદ કરતો હશે. મને ખુદા પર ભરોસો છે."

"આયાત...! ખુદા કરે તું કે એવું જ હોય. આજે મેં તારી આંખો માં અરમાન માટે જે પ્રેમ જોયો છે એ ભાગ્યે જ જોવા મળે છે."

"સારા...! સાચું કહું તો મેં પણ એને દસ વર્ષ થી જોયો નથી. સગપણ નક્કી થયા પછી એ હવે કેવો દેખાતો હસે? એનો સ્વભાવ કેવો હશે...? એતો હાલ મારી કલ્પનાઓ માં જ છે. ખબર નઈ ક્યારે એ દિવસ આવશે ત્યારે હું એને રુબરુ મળી શકીશ."

"અરે આયાત.... તું શું કામ ને ખોટી ચિંતા કરે છે. તારા માસી નો દીકરો તો છે. માસી ને ત્યાં રજાઓ માં જજે અને મળી આવજે. જો એવો મોકો ન મળે તો કોઈ ને કોઈ સંબંધી ના લગ્નમાં મળી લેજે."

"હા સારા.. છે તો માસી નો દીકરો પણ... અમ્મીજાન ને અબ્બુજાન જયારે પણ એની ઘરે રાજકોટ જાય છે એકલા જ જાય છે. મારી જીબ નથી ઉપડતી કેહતા કે મારે આવવું છે."

"હમમમ.... આયાત તું હવે ચિંતા કરવાનું બંધ કર. મને વિશ્વાસ છે કે અરમાન તને પણ ખુબ પ્રેમ કરતો હશે અને નહિ પણ કરતો હોય તો તને જોઈ ને કરી બેસશે. મારી દોસ્ત આયાત કોઈ અપ્સરાથી કમ થોડી છે..."

"ચાલ સારા...! બધા શાળામાંથી હવે તો ઘરે પણ પહોંચી ગયા. આપણે પણ જઇયે. જો હજી થોડું મોડું થયું તો અમ્મીજાન મારી ક્લાસ લઇ લેશે. ક્યાં હતી અત્યાર સુધી...? ઘરે આવવાની ખબર નથી પડતી?... વગેરે વગેરે..."

"હા... હા.... હા...... સાચી વાત ચાલ આયાત કાલે મળીશું. ફરી આ ચર્ચાને આગળ વધારીશું. ખુદા હાફિઝ...."

"ખુદા હાફિઝ સારા... સંભાળી ને જજે."

સારા અને આયાત બંને ઘરે પાછા ફરે છે. આયાત હજી પણ એ જ કાવ્યની પંક્તિઓમાં ખોવાઈયેલી હોય છે. મનમાં વિચારોના વંટોળો હજીયે શાંત થવાનું નામ નથી લેતા. ઘરે પહોંચી આયાત ફ્રેશ થઇ યુનિફોર્મ ચેન્જ કરી ને કિચનમાં પ્રવેશે છે. આયાતના મમ્મી ત્યાં જ ગુસ્સાવાળા ચહેરા સાથે ઉભા હોય છે. આયાત હંમેશ ની જેમ મન પર લીધા વગર "અસ્સલામું અલયકુમ અમ્મીજાન... " કહી ને પોતાના કિચનના કામ ને શરુ કરે છે...

આયત કિચનનું કામ કરી રહી છે અચાનક એની નજર એક મીઠાઈના ડબ્બા પર પડે છે.

"અમ્મી.. આ મીઠાઈ કોને ત્યાંથી આવી છે?"

"તારા માસા આવ્યા હતા જેતપુર થી. એમના છોકરા હારુન ના લગ્ન છે."

"ઓહ.. મમ્મી હારુનભાઈ ના લગ્ન..? આપણે જઈસુ ને...?"

આયતના મમ્મી એની તરફ ગુસ્સેથી જુવે છે અને જાણે આયાતે કોઈ પૂછીને પાપ કર્યું હોય એવું વર્તે છે.

રાજકોટ ના રેસકોર્સ નજીક આવેલ એક મેદાનમાં ક્રિકેટ મેચ રમાઈ રહી છે. અરમાન રાઈટ હેન્ડ બેટ્સમેન છે. અરમાન સટ્રાઈક પર છે. પહેલા જ બોલ પર સિક્સ મારે છે. બોલર જયારે બીજો બોલ યોર્કર લેન્થથી કરે છે ત્યારે અરમાન ક્લીન બોલ્ડ થઇ જાય છે. બોલ્ડ થતાની સાથે જ અરમાન ગુસ્સે થઇ ને મેદાન ની બહાર ચાલ્યો જાય છે. મેચ પુરી કરી ને અરમાન ઘરે પાછો આવે છે. અરમાનના મમ્મી પપ્પા જમવા બેઠા હોય છે. અરમાન પણ ફ્રેશ થઇ ને જમવા બેસે છે.

"અરમાન બેટા આજે તારા માસા આવ્યા હતા જેતપુર થી, એમના દીકરા હારુન ના લગ્ન છે...તું પણ અમારી સાથે લગ્નમાં આવજે..."

"અમ્મી... અરમાન ક્યાંય નઈ જાય. મારે ટુર્નામેન્ટ શરુ થવાની છે અને આમ પણ ગામડાં માં મને ઘૂંટન થાય છે.."

"અનિશા મેં કહ્યું હતું ને તારો દીકરો નઈ માને...? શું કામ ને એની સાથે વાત કરી ને સમય બરબાદ કરે છે..." અરમાન ના પિતા આસિફ અલી બોલ્યા.

"હા ચલો કઈ વાંધો નહિ આપણે બંને જઇ આવીશું..." અનિશા જી બોલ્યા.

આયત પોતાની સહેલી સારા સાથે રાત્રે પોતાના ઘરે હિંચકા પર બેઠી હોય છે. સારા ને પોતાની દુવિધા વિષે જણાવી રહી હોય છે..

"સારા.. આજે મેં અમ્મી અને અબ્બુ ની વાત સાંભળી. અમ્મી કહેતી હતી કે આયત ને તો લગ્નમાં લઇ જ નથી જવી. રાજકોટ વાળા પણ આવશે. જો અરમાન એમની સાથે આવ્યો હશે તો...? નથી લઇ જવી એને. મારા અબ્બુ એ કહ્યું અરમાન કોઈના પ્રસંગમાં ક્યારેય નથી આવતો મારા પિતાજી ગુજરી ગયા ત્યારે આવ્યો હતો ૧૨ વર્ષ પેહલા."

"હા આયત... તારી ચિંતા સમજી શકું એમ છું. આ લગ્ન જ તો તમારે એક બીજા ને જોવાનો એક મોકો છે."

"સારા વાત એ નથી.. વાત એ છે કે અમ્મી એ અબ્બુ ને એમ પણ કહ્યું કે અનિશા અને આસિફ અલી મળે તો કહી દેજો કે હવે એ દસ વર્ષ પહેલા આપેલી જબાન ની કોઈ કિંમત નથી. અમે અમારી આયત નું બીજે જોઈ રહ્યા છીયે..."

"આયત... તું ચિંતા ના કર... રબ પર ભરોસો રાખ. અલ્લાહ એ જોડીયો આસમાન થી જ બનાવી ને મોકલી હોય છે. જો તારી સાથે અલ્લાહ એ અરમાનનું નામ જ લખ્યું હશે તો કોઈ તમને લાખ કોશિશો થી પણ અલગ નહીં કરી શકે.."

"હા સારા હું પણ એ જ વિચારું છું કે મેં તો દિલ થી એને મારો માની લીધો છે. કાશ એ પણ મને દિલ થી એની માની લે. હું નમાજ પઢી ને દુઆ કરું છું કે એ ખુદા એ આવશે એના ઇન્તેજાર માં હું દરેક લગ્ન-પ્રસંગમાં જાઉં છું. બસ પરવરદિગાર તું એને જેતપુરવાળા માસી ના લગ્નમાં જરૂર થી લઇ આવજે અને મને પણ અમ્મી સાથે લઇ જવાની પરવાનગી આપે..."

"બસ સારા તું ચિંતા ન કર... બધું જ સારું થઇ જશે..."

અરમાન એના એક પિતરાઈ ભાઈ અક્રમ સાથે એક જ રૂમ માં પોતાના ઘરે રાજકોટ રહે છે. અક્રમ એને જેતપુર લગ્નમાં આવવા આજીજી કરે છે પણ અરમાન એને નકારે છે.

"અરમાન , દરેક લગ્નમાં આયત આવે છે... એ મને પૂછે છે તમે રાજકોટ વાળા માસી ને ત્યાં રહો છો? અને હું એને હસતા હસતા જવાબ આપું છું કે હા હું અરમાન સાથે એક જ ઓરડામાં રહું છું. એ બિચારી શર્મથી લાલ થઇ ને ચાલી જાય છે.. એ પણ આવશે ચાલ ને તું.."

"એ મળે તો એને મારા તરફ થી સલામ કહેજો... અને હા એને એ પણ કહેજો કે હું એનો મંગેતર નથી..."

આટલું કહી ને અરમાન સુઈ જાય છે. રાત્રે એની ઘોર નિદ્રામાં એક સ્વપ્ન ની શરૂઆત થાય છે. એક છોકરી નમાજ પઢી રહી હોય છે અને બીજી છોકરી હિંચકા પર બેસી એની નમાજ પુરી થવાની રાહ જોઈ રહી હોય છે.

"તારી નમાજ પુરી થઇ ગઈ...? ચાલ તું દુઆ કરી લે પછી હું તને એક વાત કહું... "

"હા થઇ ગઈ દુઆ બોલ શું વાત છે?..."

"ચાલ આપણે દરગાહ પર જય આવીએ..."

"આટલી રાત્રે? તને તો ખબર જ છેને મારા અમ્મી વિષે એ મને ક્યાંય બહાર નહિ નીકળવા દે..."

"અરે હું એકલી નથી આપણાં વર્ગની બધી જ છોકરીઓ છે. અને તારા અમ્મી ને મેં પૂછી લીધું છે..."

"ઓકે તો સારું... ચાલો તો જઇયે...."

છોકરીઓ ટોર્ચ લઈને ગામથી એક કિલોમીટર દૂર આવેલ જમીયલશાં દાતાર ની દરગાહ એ પહોંચે છે. ત્યાં દિપક જલાવી ને મૂકે છે અને મન્નત નો દોરો મજાર ની જાળી પર બાંધે છે.

અરમાન અચાનક જાગી જાય છે અને એ ઓરડાની બહાર આવી જાય છે.

"શું થયું બેટા...?" અનિશા જી એ પૂછ્યું

"કઈ નઈ અમ્મી ડર લાગે છે..."

"અહીં આવીજા દીકરી મારા ખોળામાં માથું રાખી ને સુઈ જા... "

"બેટા કોઈ સ્વપ્ન જોયું?"

"હા અમ્મી મેં જોયું કે થોડી છોકરીઓ કોઈ દરગાહ પર છે અને એ દિપક જલાવી રહી છે..."

"હા તો બેટા એમાં ડરવા જેવું શું છે????"

"અમ્મી એ દિપક ની જ્યોત જાણે મારા ચહેરા પર આવી રહી હોય એમ મને અનુભવાતું હતું. મને એ જ્યોત ની ગરમી સ્પર્શી રહી હતી..."

"સારું બેટા ચાલ વાંધો નહીં.. આજે તું મારા ઓરડામાં સુઈ જજે..."

"અમ્મી એવી કઇ છોકરી છે જેની જમણી બાજુના ગાલ પાસે એક તિલ છે....?"

"આયત ના........ " અરમાન ની નાની બહેન ઝોયા એની અમ્મી ની બાજુમાં બેઠી હતી એ બોલી અને અરમાન આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યો.

"અમ્મી જેતપુર લગ્ન ક્યારે છે?..."

"આ આવતા શુક્રવારે... કેમ?"

"તમે લોકો ક્યારે નીકળવાના છો?..."

"આવતા મંગળવારે... પણ કેમ?.."

"હું આવીશ તમારી સાથે......"

અરમાન નું આટલું બોલતા જ એના અમ્મી અનિશા જી પણ આશ્ચર્યમાં પડી ગયા......

ક્રમશ:..