Astitvano ahesas books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વનો એહસાસ

અસ્તિત્વનો એહસાસ

તરૂલતા મહેતા

ઓચિંતો વાયરો આવ્યો હોય તેમ મુક્તિની ઓઢણી ઊડાઊડ કરતી હતી, તે સરકી જતા છેડાને પકડવા પાછળ ફરી ત્યાં ખડખડાટ હસતો એક છોકરો -- સફેદ શોર્ટ, કાળું ટી શર્ટ પહેરેલો હાથમાં ટેનિસનું રેકેટ ધુમાવતો દોડ્યે જતો હતો. તેને રેકેટની હવાથી સરકી જતી ઓઢણી જોવાની મઝા આવતી હતી.. મુક્તિ બોલી ' બી હેવ યોરસેલ્ફ '

'રસ્તાની વચ્ચેવચ ઊભા રહેવું ને બીજાનો વાંક કાઢવો '

પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો .પાંચ વાગે મુક્તિનો વર્ગ પૂરો થાય, એ એનું સ્કુટર લેવા સ્ટેન્ડ પર જતી હોય ને ટેનિસનું રેકેટ હવામાં આમતેમ હલાવતો એ મુક્તિના ઓઢણીના છેડાને ઊડાડતો ભાગે .તેની આ હરકત મુક્તિને ગમે ય ખરીને છતાં ગુસ્સો કરે. તે દિવસે તેણે હદ કરી, ટેનિસના રેકેટની જાળી પર ગુલાબને દડાની જેમ ઊછાળી બોલ્યો, 'કેન યુ કેચ ઈટ મુક્તિ ?' કંઈક વિચારે તે પહેલાં અનાયાસ તેના હાથમાં ગુલાબ ઝીલાઈ ગયું .

'ગુડ કેચ ....સાત વાગે 'અશોક ' રેસ્ટોરન્ટમાં મળીશ.'

' શું નામ છે?'

'સમીર રોજ તો તારો દુપટ્ટો પવનમાં ઊડી જાય છે.' ઝાડ પર પર્ણો ઝૂમી ઊઠ્યા હોય તેવું હસતો ટેનિસ કોર્ટ તરફ દોડ્યો. મુક્તિ સમીરની (પવનની) હરકતથી શરમાઈ ગઈ.

ગઈ કાલ રાતે મુક્તિને ઉંધ આવી નહોતી, એ યુનીવર્સીટીમાં રિસર્ચ કરતી હતી . કાલે વેલેન્ટાઈ ડે છે પણ કેમ્પસમાં કોલેજ જેવી મઝા નહિ .એના કોલેજના મિત્રો વેરવિખેર થઈ ગયા હતા. એને ડીનર પર લઈ જાય એવું કોઈ હતું નહિ .એને રેકેટ લઈ દોડતો છોકરો અમસ્તો જ દેખાયો ...એને એનું નામ પણ ખબર નહોતી ! કઈ ફેકલ્ટીમાં ભણતો હશે?

મુક્તિ માટે સમીરને આ રીતે 'બ્લાઈંડ ડેટ'ની જેમ મળવું વિચિત્ર લાગતું હતું, પ્રેમમાં પડી જવાય તેવા કોલેજના દિવસો વીતી ગયા હતા હવે તો જીવનસફરમાં સાથ આપે તેવા કાયમી સબધની તેને ઝખના હતી.

મુક્તિએ આછા ગુલાબી રંગનું ટોપ અને કાળું લેગિગ પહેર્યાં હતા, એના કાળા સુંવાળા વાળ રેસ્ટોરન્ટની લાઇટમાં ચમકતા હતા .બેચેનીથી એ સમીરને શોધતી હતી પણ એની બાજુમાં ઊભેલા યુવાન તરફ જોતી નથી.

'મેડમ, બન્દા હાજર છે.'

'તું સમીર ?' મુક્તિની આંખ ધોખો ખાઈ ગઈ. રોજ શોર્ટ્સ -ટી શર્ટમાં દોડતો છોકરો ?એક સોહામણો યુવાન બ્લુ જીન્સ અને મરૂન શર્ટ પહેરેલો સમીર !

પહેલી મુલાકાતમાં સમીર અને. મુક્તિ ખૂબ હસ્યાં .બન્નેને લાગ્યું જીવન એકમેકના સાથમાં હસીખુશીથી પસાર થઈ જશે.

***

સમીર સાથે મુક્તિએ સપ્તપદીના સાત પગલાં માંડ્યાં પછી જીવનમાં સુખ નામના પ્રદેશની શોધ આદરી, સ્વપ્નોની પાંખે આકાશમાં ઉડાન કર્યું, સપનાં સિઘ્ઘ કરવાં મુક્તિ અને સમીર સતત પાંખો વીઝતાં રહ્યાં, કસ્તુરીમુગ સુગંધની શોધમાં વનમાં દોડ્યા કરે. સુગંધ એની નાભિમાં છે, તે મુગ જાણતું નથી તેવું જ કઈક મુક્તિના જીવનમાં થયુ. જીવનની શરૂઆતમાં જે હસીખુશી હતી તે પરદેશ સ્થાયી થયા પછી કામના બોજા હેઠણ ગાયબ થઈ ગઈ. ટેનિસ કોર્ટમાં ફક્ત તેમના છોકરાઓ રમતા . એમ જ તે દિવસે રવિવાર હતો, છોકરાઓને રમતા જોઈ સમીરને ટેનિસ રમવાનું મન થયું કહે.,

'લાવ બહુ દિવસે હાથ અજમાવું'

'ડેડી , બી કૅરફુલ ' તેની દીકરી બોલી

પદર મિનીટ્ દોડાદોડી કરી ત્યાં સમીરનો શ્વાસ રૂંધાવા લાગ્યો, ચક્કર આવ્યા તે કોર્ટમાં જ ફસડાઈ પડ્યો. સમીર મુક્તિને મૂકી મુત્યુની બ્લાઈંડ ડેટ પર ઊપડી ગયો. ઓચિંતા વાયરાની જેમ મુક્તિના જીવનને આવી સાવ બેસહાય રાખી સરકી ગયો ....

***

દીકરો -દીકરી એમના જીવનમાં સેટ થઈ ગયા .

મુક્તિ સમીરની બિનહયાતીમાં જાતને ખોઈ બેઠી હતી. જીવન ખોરવાઈ ગયું હતું. જાણે કોઈ બગડેલી ખાલી ટ્રેન યાર્ડમાં પડી હતી.

એનો દીકરો ક્યારનો ડોરબેલ વગાડે છે. એણે મમ્મીને બે વાર ફોન કર્યા પણ નો આન્સર, વૉટ્સ ગોઈંગ ઓન ? ક્યાં ગઈ?

દીકરો પાછળના બેકયાર્ડમાં આવે છે.

સાંજના સમયે મચ્છરોના ગણગણાટ વચ્ચે બેકયાર્ડની ખરશીમાં મમ્મી માથું ઢાળી બેઠી હતી.

'મમ્મી તમે ઓ કે છો ?'

'સમીર ...મુક્તિએ જાતને સંભાળી 'તું ય તારા પાપાની જેમ ઓચિંતો આવી ગયો?'

' તમે ફોન જોયો નથી?'

'હું કિચનમાં ભૂલી, ગઈ '?

'કાલે મારે ત્યાં આવજો, પિંકીની બર્થડે છે.'

'આવીશ 'મુક્તિ ઊંડો શ્વાસઃ લઈ બોલી

દીકરો બોલ્યો :

'મમ્મી તમને મારા ધરે ગમશે ?' એની અમેરિકન પત્નીને ગમશે કે કેમ તે તેની સમસ્યા હતી.

મુક્તિએ દીકરાને ખભે હાથ મૂકી કહ્યું : 'હું ઓલ રાઈટ છું, બેકયાર્ડમાં કામ કરતા થાકી હતી એટલે ઘડીક બેઠેલી.'

દીકરો 'બાય મોમ ' કહી ગયો પણ આજે તેને ખાલી ઘરમાં પ્રવેશ કરતા કાંટાળા રસ્તે અડવાણા ( શૂઝ ) પગે ચાલતી હોય તેવી તીણી વેદના થતી હતી.

ધાયલ પંખીણી જેવી મુક્તિ સ્વ સાથે સંવાદ કરવા નત મસ્તક સમીસાંજે એકલી બેઠી રહી .

જીવનના પાંચમાં દાયકામાં તે પ્રવેશી ચૂકી હતી, સરિતાના વહી જતા પાણી અને બદલાતી મોસમની જેમ સમીરનો સાથ અને સુખનાં સપનાં સરી પડયાં હતાં. એણે પોતાને પ્રશ્ન કર્યો, "મુક્તિ તું કોણ ?સમીરને મળી તે પહેલાં તને શેમાં સુખ લાગતું હતું ? એના મને જવાબ આપ્યો, 'ભારત સ્વતંત્ર થયું એ વર્ષે જન્મેલી તેથી માતાપિતાએ મુક્તિ નામ આપેલું, નાનપણથી જીવનમાં સપના સેવવા અને તેને પામવાનો પ્રયત્ન કરવામાં મહેનત કરવી ગમતી, ભૂખ, આરામને છોડવા પડતા, સગવડ અને સુવિધા જિદગીમાં ત્યારે ઓછા હતાં, એનો કોઈ અસંતોષ નહોતો, મનમરજીથી જીવન જીવવામાં આનંદ આવતો, હું માબાપની સાદી જીદગી અને મધ્યમવર્ગીય રહેણીકરણીમાં સુખી હતી, કારણ કે જીવનમાં હળવાશ હતી, મનમોજી જીવન હતું. મધુરાં ગીતો અને રસમાં તરબોળ કરતાં પુસ્તકો, રમતિયાળ બહેનપણીઓ અને ભાઈબહેનોની ધીગામ્સ્તી હતી, ન ત્યારે સમયની ખેચાખેચ કે ન પેસાની હાયવોય .શું મને ફરી એવું જીવન મળે?શું મને એ સુખ મળે?'ના ..ના વિચારતું એનું મન ગતની ગર્તામાં ડુબતું ગયું. એને થયું એ ખુરશીમાં બેઠેલો મુક્તિનો પડછાયો છે.

એણે દૂર દૂર આકાશમાં ડૂબતા રવિની ઝલક જોઈ.સાંજના ઘેરાતા અંધારામાં તેનું ચાર બેડરૂમનું હાઉસ અને બેકયાર્ડમાં બેઠેલી તે ઓગળી રહ્યાં હતા. એણે નીરવ પગલે અગણિત પડછાયાનું ધણ એના ઘરમાં દોડાદોડ કરતું જોયું. એની ખુરશીને કચડી નાંખી. અદશ્ય હાથે કાળા ઘટ્ટ અંધકારની ગાંસડીમાં બાંધી એને દૂર સૂરજ વિનાના અવકાશમાં ફેંકી.'બચાવો' એ બૂમો પાડે છે.

એને ભણકારા થયા કે એના દીકરી દીકરો આવ્યાં, ગ્રાન્ડ કીડ્સ દોડાદોડી કરી રહ્યાં છે. મુક્તિ

એની પોતાની જિદગીને કિતાબની જેમ વાંચતી હતી. હવે શું થશેની જિજ્ઞાસા, ચિતા અને વ્યગ્રતા એને ઘેરી વળી હતી.એણે મનને

ટકોરા મારતા કહ્યું, વાર્તાની જેમ જીવનમાં પણ કરુણ, હાસ્ય, શ્રુંગાર, વીર, ભય અને શાંત ભાવોનો અનુભવ કરવો કુદરતનો નિયમ છે.સમીરના જીવનની વાર્તા એના દેહ પુરતી પૂરી થઈ. અનંત સમયની ટ્રેનમાં એનું સ્ટેશન આવી ગયું, પણ ટ્રેન તો દોડ્યા કરેછે, મારો, અમારા સંતાનો, તથા એમના બાળકોનો પ્રવાસ ચાલુ છે.સમય કોઈને માટે રોકાતો નથી.હું શા માટે થંભી ગઈ છુ ? હું સમયને અનુકૂળ નહી થાઉં તો સમય મને ઢસડીને, બળજબરીથી આગળ લઈ જશે, મારી દિશા બીજું કોઈ નક્કી કરશે, હું પરાધીન અને પરાવલંબી થઈ જઈશ. મારાં સંતાનો માટે બોજ અને ટેન્શન બની જઈશ. હું મુક્તિ સ્વતંત્ર રહેવા ટેવાયેલી પરાધીન બનું ? સમીર કહેતો 'સોએ પોતાના સુખને જાણવાનું છે અને પામવાનું છે '

***

તેણે ધરમાં જઈ પૂજાની રૂમમાં દીવો કર્યો, દીવાની નૃત્ય કરતી જ્યોતના ઉજાસથી ઘરમાં ધીરે ધીરે બધું ગોચર થયું.

એણે બેડરૂમમાં જઈ ક્લોઝેટમાંથી એક મોટી બૅગ કાઢી.હેંગર પર લટકતાં સમીરના ખમીસ, જર્સી, પેન્ટ, સૂટ પર હાથ ફેરવતી ઊભી રહી.હજી તો કોલોન અને સેન્ટની આછી સુવાસ આવતી હતી.એણે ઊંડા ઊંડા શ્વાસોથી એ પૌરુષી સુગંધને ફેફસામાં ભરી લીધી.સમીર સાથેના પ્રેમભર્યા સહજીવનમાં એની જિદગીનો મોટો હિસ્સો વીતી ગયો. એણે મનને મક્કમ કરી સમીરનું દિલ જરાય દુભાય નહિ તેમ એક પછી એક સૂટને ઈસ્ત્રીબંધ બેગમાં ગોઠવ્યા. બૅગ તૈયાર કરવાનું કામ તેણે ભૂતકાળમાં કર્યું નહોતું. સમીર એવો શોખીન કપડાંની ખરીદી, ગોઠવણી બધું પોતે કરતો. રાત વીતતી હતી મુક્તિ એક પછી એક બેગોમાં ભૂતકાળને ઠાલવતી હતી, ભૂતકાળ ગમે તેટલો પ્રિય હોય પણ તેના બોજથી વર્તમાન થઁભી જાય તો?

વર્તમાનમાં રહેવાથી મનુષ્ય ગોરવભેર જીવન નિભાવી શકે છે.ભૂતકાળમાં રાચવાથી વહેતા જીવનજલ આડે અડીખમ શીલા ખડી કરી દેવા જેવું છે. 'મુક્તિ ભૂતકાળના બોજથી તારા શરીર અને મનને તોડી નાંખીશ તો જીવતેજીવ મુત્યુ અનુભવીશ, તારી જીવતી લાશને જોઈ તારા સંતાનો, ગ્રાંડ કીડ્સ, સગાં અને મિત્રો સો આઘાં જતાં રહેશે,

વર્તમાનનું દરેક ઉગતું પ્રભાત વિસ્મય અને આશાના કિરણો ફેલાવે છે. જગતનિયંતા છુટા હાથે પ્રકુતિને રંગોથી રંગે છે. તારે દરરોજ તેને માણવાનું છે, પ્રભુનો જેટલો ઉપકાર માનુંતેટલો ઓછો છે. સમીરનો દેહ નથી પણ એના સહવાસની સુંગંધ છે.

મારા સંતાનોને દાદાદાદીનો બેવડો પ્રેમ કરીશ. એઓ એમની જિદગીમાં ગોઠવાયેલા છે. પોતાના સુખને શોઘવામાં સપનાં સાકાર કરવામાં તેઓ બીઝી છે. મારે મારી સ્વતન્ત્રતા અને મારા વર્તમાનને સિઘ્ઘ કરવાની તક છે.મારી એકલતા, લાચારી જોઈ તેઓ તેમના ઘરે રહેવા માટે આગ્રહ કરે છે, પણ હું પ્રભુએ આપેલા મારા જીવનને અર્થસભર કરીશ, શરીરનું આરોગ્ય જાળવવું મારી પહેલી ફરજ પણ આત્માની જાગુતિ વગરનું જીવન નકામું, જાગ્રતિ વિના એ શોકની ઊડી ખીણમાં દટાઈ ગઈ હતી.

પેમના મોહમાં સાનભાન ભૂલાય તેમ શોકના અંધકારે તે વર્તમાન ભૂલી હતી, હવે હું બીજાના દુઃખને સમજીશ, મદદ કરીશ, સમાજે અને પ્રભુએ મને આપ્યું છે, તેના ઋણને તન મન અને ધનથી ચૂકવીશ, મુક્તિને પોતાનો નવજન્મ થયો હોય તેવો આનંદ થયો, કહેવાય છે, પચપન કે બાદ બચપન, બાળકની જેમ નિર્દોષતાથી જગતનો આનંદ માણવાનો, ગ્રાંડકીડ્સના તોફાનોને જોવાના અને સુખ દુઃખની સંતાકુકડીમાં નિજાનંદમાં મસ્ત રહેવાનું, મુક્તિને પોતાની જાત ઉપર હસવું કે રડવું તેની મૂઝવણ થઈ કેમકે પોતાના દુઃખનું નાળિયેર તોડ્યું ત્યારે અંદરથી સુખનું મીઠ્ઠું કોપરું મળ્યું, દુઃખો આવી પડે છે પણ સુખને મેળવવું પડે છે. રાત વીતી ચુકી હતી. આકાશમાં બાળ દિવાકર કિરણોને નીચે ફેંકવાની મનગમતી રમત કરતો હતો.

તરૂલતા મહેતા

'વલણ હું એકસરખું રાખું છુ, આશા નિરાશામાં, બરાબર ભાગ લઉં છુ જિદગીનાં સૌ તમાશામાં,

સદા જીતું છુ એવું કઈ નથી, હારું છુ બહુધા પણ, નથી હું હારને પલટાવવા દેતો હ્તાશામાં. ( કવિ અમુત ઘાયલ)