Parvatarohan - 2 books and stories free download online pdf in Gujarati

પર્વતારોહણ ભાગ - 2

પર્વતારોહણ ભાગ-2

આબુ નાં પર્વતારોહણ કેમ્પ માં જામનગર થી અમે સાત છોકરીઓએ ભાગ લીધો હતો અને ત્યાં ઘણું શીખવા મળ્યું એ વિષયક વાત અગાઉ કરેલ. 
પર્વતારોહણ નાં જ એક દિવસ ની વાત કરવાની છે. તે દિવસે હું થાકેલ પણ હતી ને થોડી હતાશ પણ. મને આ બધું કરવું ખૂબ જ ગમતું હતું પણ શારીરિક ક્ષમતા સાથ આપતી નહોતી જેને લઇને હું વારંવાર નિરાશ અને જાત પ્રત્યે ગુસ્સે થઈ જતી.
તે દિવસે અમારા કોચે અમને જે ટાર્ગેટ આપેલ એ રોક પણ થોડા ઊંચા હતા. લગભગ ચાર રોક તે દિવસે ક્લાઈમ્બ કરવાનાં હતા. પર્વતારોહણ ની આ બેઝીક ટ્રેનિંગ હતી. જેમાં અમારે 3 સ્ટેપ ક્લાઇમ્બિન્ગ એટલે કે કશા જ આધાર વિના ફક્ત હાથ નાં નખ વડે રોક ની ગ્રીપ પકડી ઉપર ચડવાનું હોય છે. જેમાં દોરડું કે અન્ય કોઈ સેફ્ટી મેઝર્સ નો આધાર લેવાતો નથી. રોક ની હાઈટ એટલી જ પસંદ કરવામાં આવે છે કે જેનાં પર થી પડતાં વધુ વાગે નહીં. અલગ અલગ રોક ફોર્મેશન પર આ શીખવવામાં આવે  છે. જેમાં શરૂ માં થોડા સ્લોપ વાળા રોક હોય છે જેના ચઢાણ થોડા સરળ હોય છે. પછી સીધા અને ઊંચા રોક પર પણ આ જ રીતે ચડવાનું હોય છે. ત્યારબાદ ચીમની ફોર્મેશન વગેરે પ્રકાર નાં રોક પર ચડતા શીખવાનું હોય છે. અલગ અલગ રોક નાં ફોર્મેશન મુજબ અલગ અલગ ચડવાની મેથડ હોય છે. જેમાં મોટા ભાગે 3 સ્ટેપ ક્લાઇમ્બિન્ગનો જ આશરો લેવાય છે. રેપલિંગ એટલે કે ઉતારવાની મેથડ. જે અમને જુદી જુદી 3 પ્રકાર ની શીખવેલ. જેમાં લોન્ગ સ્લિંગ રેપલિંગ એટલે કે કમર ફરતે દોરડું બાંધી ને ઊંધા ઊંધા ઉતરવાનું હોય છે. જેમાં દોરડું સાધનો વડે રોક માં ભરાવેલ હોય છે અને ગરેડી મારફત નીચે સરકવાનું હોય છે એટલે એમાં જોખમ ની માત્રા નહીવત હોય છે. ત્યારબાદ સ્ટમક રેપલિંગ જેમાં ગરેડી કે બીજા સાધનો ન હોતા, ફક્ત દોરડા ને ઉપર રોક સાથે બાંધી દેવાનું. કમર ફરતે બે આંટા લઇ લેવાનાં અને રોક સાથે 90 ડીગ્રી નો એંગલ બનાવી ને આગળ સરકતા જવાનું. જેમાં બેલેન્સ ન જળવાઈ તો તકલીફ થઇ શકે. અને છેલ્લી અમેરિકન સાઈડ રેપલિંગ જેમાં પણ કશા સાધનો વિના જ દોરડું રોક સાથે બાંધી દઈ તેની બન્ને ખભા ફરતે આંટી લઇ, ત્રાંસુ ઉતરતા જવાનું. જેમાં બેલેન્સ જતાં ઘણી વાર થોડું સ્લીપ થઇ જવાય. 

મને કલાઈમ્બિન્ગ કરતા રેપલિંગ સરળ લાગતું. કલાઇમ્બિન્ગ માં મને ગ્રીપ પકડવી સરખી નહોતી ફાવતી. તે દિવસે અમને સીધા અને ઊંચા રોક ચડવા માટે આપેલા. જે ચડવા અઘરા પડે. મેં શરૂ કર્યું પણ સવાર થી જ હતાશ હતી ને આત્મ વિશ્વાસ પણ ઓછો લાગતો હતો તો ડર ખૂબ લાગતો હતો. એમાં એક રોક સારો એવો ઊંચો અને સીધો હતો. મેં એ ચડવાનું શરૂ કર્યું. ટોચ થી થોડી જ દૂર હતી ને મને લાગ્યું કે હવે મારા થી નહીં ચડી શકાય. ગ્રીપ હાથ માં થી છૂટતી જતી હતી. એટલે હું ખૂબ ડરી ગઈ કે હવે હું પડી જઈશ. પણ સદ્નસીબે અમારા ગ્રુપ નાં કોચ જે બધા ને શીખવવા વારંવાર ચડ ઉતર કર્યે જતા હતા એ મારી બાજુ માં જ હતાં. મેં લગભગ રડામણાં સ્વરે મારા કોચ ને મદદ માટે કહ્યું. એ સાવ મારી બાજુ માં હતાં. ધારત તો મને તરત ખેંચી શકે એમ હતાં. પણ એમણે સાફ ના પાડી દીધી. હું સાવ રડવા જેવી થઈ ગઈ અને કોચ ને ફરી વિનંતી કરતા કહ્યું કે મારી ગ્રીપ હાથ માં થી છૂટતી જાય છે. હું નીચે પડી જઈશ. તો મારા કોચે જવાબ આપ્યો કે "તો છોડી દે ગ્રીપ ને પડી જા.. મારે શું?" આટલું બોલતાં એ મારા થી દુર જતા રહ્યા. મને એક સેકન્ડ માટે આંખે અંધારા આવી ગયા. નીચે જોયું તો પડીશ તો મારી શું હાલત થશે એની પણ જાત જાત ની કલ્પનાઓ આવી ગઈ. મરીશ નહીં તો પણ હાડકા તો ચોક્કસ ભાંગે એટલી ઊંચાઈ પર તો હું હતી. પરંતુ એ સમયે તો એમ જ વિચાર આવ્યો કે આ મારો છેલ્લો દિવસ છે. હમણાં પડીશ અને મારા રામ રમી જવાનાં. અને આ લખતાં જેટલી વાર લાગે છે એનાંથી પણ વધુ ઝડપે મારા મન માં અનેક વિચારો આવી ગયા. કોચ બહુ સાચું કહી ગયા હતા. હું પડું એનાથી એમને કશો ફરક પડતો નહોતો. એક તો એમને મારી સાથે કોઈ જ સંબંધ નહોતો કે મને કંઈ થવાથી એમને દુઃખ થાય! અને બીજું કે એમણે પર્વતારોહણ નાં પ્રથમ દિવસે જ બધા પાસે સહી કરાવી લીધી હતી કે અમે બધા અમારી મરજી થી આ તાલીમ માટે આવેલ છીએ અને આ તાલીમ દરમ્યાન કોઈ પણ અકસ્માત સર્જાય તો એમની કોઈ જવાબદારી રહેતી નથી. મને એક સેકન્ડ માટે લાગ્યું કે હું તદ્દન નિઃસહાય પરિસ્થિતિ માં છું. અને અત્યારે, આ ઘડીએ મારૂં કહી શકાય એવું કોઈ જ નથી કે જે મને આમાંથી બહાર કાઢી શકે. મમ્મી પપ્પા તો છેક ગુજરાત માં. એમને તો ખબર પણ બીજા દિવસે પડે કેમકે એ સમયે ટેલિફોન ની સુવિધા પણ એટલી નહોતી. અને મેં મારી જાત ને એ સેકન્ડ માટે સાવ જ એકલી અનુભવી. મેં એક વાર ફરી નીચે જોયું. અને ગ્રીપ છૂટશે તો શું થશે એની કલ્પના કરી લીધી. અને મનોમન જાત ને એક વાર કહ્યું કે " આરતી! આ સમયે તારે જીવવું હશે તો તારે જ કંઈક કરવું પડશે. તારે જાતે જ આ રોક ચડવો પડશે. તને કોઈ મદદ કરવા આવશે નહીં". અને ખૂબ સાચું કહું છું કે એ સમયે અચાનક જ મારામાં જે હિમ્મત અને શક્તિ આવી ગઈ એનું વર્ણન ન થઈ શકે. અચાનક જ મને ગ્રીપ પણ મળી ગઈ અને બહુ આસાની થી એ રોક ચડી ને ટોચ ઉપર પહોંચી ગઈ. આ ઘટના લખવામાં મને જેટલી વાર લાગી એનાંથી પણ ખૂબ ઓછા સમય માં બની ગઈ. અને ત્યાં ઉભેલા અન્ય કોઈ ને તો ખબર પણ નહોતી કે મેં થોડી સેકન્ડ માટે શું મનોમંથન અનુભવ્યું હતું. મેં મનોમન મારા કોચ નો ખુબ આભાર માન્યો. કેમકે એ સમયે મારી શરમાળ પ્રકૃતિનાં લીધે રૂબરૂ આભાર ન માની શકી. પણ એ સમયે જો એમણે મને મદદ કરી ને ખેંચી લીધી હોત તો હું કદાચ ક્યારેય જાતે ચડતાં ન શીખી શકત. અને આ જ કદાચ એમની તાલીમ નો એક ભાગ હતો. અને આ નાની ઘટના એ ફરી મને ઘણું મનોમંથન કરાવ્યું અને શીખવ્યું.

નાનું બાળક જ્યારે શરૂમાં ચાલતાં શીખે છે ત્યારે આપણે પણ આવું જ તો કરીએ છીએ. એને છોડી દઈએ છીએ. એક તરફ થી એ પડે નહીં એનું ધ્યાન પણ રાખીએ છીએ પણ એક તરફ થી એને જાતે જ ચાલવાનું છે એ અનુભવ પણ કરાવીએ છીએ. અને આ જ અનુભવ ચાલતા શીખવે છે. અને વીતેલી જિંદગી ના પાનાઓ પર નજર કરું છું તો પણ આ જ તથ્ય હાથ લાગે છે કે વિષમ પરિસ્થિતિઓ સામે લડવાની તાકાત સૌથી વધુ ત્યારે જ મળી છે કે જ્યારે પણ અનુભવ્યું કે હું સાવ એકલી છું. મારું કોઈ જ નથી. અને મારો સંઘર્ષ કેવળ મારો જ છે અને એને મારે જ લડવાનો છે.અને આમ જોઈએ તો એ જ તો સાચું છે. ગમે એટલા અંગત લાગતાં હોય, પણ કોઈ પણ વ્યક્તિ કાયમ માટે સાથ આપતી જ નથી હોતી. એકલા જ આવ્યા છીએ ને એકલા જ જવાનું છે. જ્યાં સુધી બીજા ની આંગળી પકડી ને ચાલીએ છીએ ત્યાં સુધી સલામતી અનુભવીએ છીએ. પણ ચાલતાં ત્યારે જ શીખીએ છીએ કે જ્યારે આ આંગળી છૂટે છે. ઈશ્વર પણ આપણી પ્રાર્થના નો જવાબ ચોક્કસ આપે છે પણ એ પરિસ્થિતિ ને સાનુકૂળ નથી બનાવતો પણ આપણને એટલી શક્તિ આપે છે કે પરિસ્થિતિ નો સામનો કરી શકીએ. પાર્થ સારથી બની ને એ જીવન ની દિશા બતાવે છે. પણ ગાંડીવ તો આપણે જ ચડાવવું પડે છે. એટલે જ્યાં સુધી બીજા પાસે મદદ ની અપેક્ષા રાખીએ છીએ ત્યાં સુધી કોઈ જ મદદ મળતી નથી.  અને કદાચ મદદ મળી જાય તો પણ એમ સમજવું કે જાતે શીખવાની એક તક ગુમાવી.

હું મારી શરમાળ પ્રકૃતિ ને લઇ ને તે દિવસે મારા કોચ નો આભાર તો ન માની શકી. પરંતુ આજ ની આ ઘડીએ હું મારા જીવન માં આવેલ એ દરેક અંગત વ્યક્તિ નો આભાર માનવા ઈચ્છું છું કે જેમણે મને એ કોચ ની જેમ જ એકલી પાડી નથી પરંતુ હું ચાલતાં શીખું, આવી પડેલ પરિસ્થિતિ નો જાતે સામનો કરતાં શીખું એ માટે મને એકલતા ની અનુભૂતિ કરાવી છે. કેમકે અંતે તો એ બધા પણ મારા કોચ ની જેમ મારું હિત જ ઇચ્છતા હતા. જીવન નાં અનેક પડાવો પર ઘણા લોકો એ જુદી જુદી રીતે ગીતા નાં એ શ્લોક ને તાદૃશ કરાવ્યો છે કે " उद्धरेद् आत्मनां आत्मनम"
દરેક આત્મા એ પોતાનો ઉદ્ધાર જાતે જ કરવો પડશે. "No body can teach anything to anyone. One has to learn himself". ભાષા અલગ હોય શકે પણ લાગણી તો એક જ હતી કે જીવન નો આ વિકટ પહાડ હું જાતે જ ચડતાં શીખું. તો આજ ની આ ક્ષણે એ બધા નો હૃદયપૂર્વક આભાર માની ને એ ઋણ માં થી પણ મુક્ત થાઉં છું.

ડો. આરતી રૂપાણી 
21/04/18