Rahimbhai no ajab vakayo books and stories free download online pdf in Gujarati

રહીમભાઈના અજબ વાકયો

રહીમભાઈ સ્વભાવે એકદમ સાલસ , પરગજુ અને ખુબ લોકપ્રિય ,તે કોઈને કદી ના ન કહે. કોઈના માટે સમયનો ભોગ આપવો હોય કે પૈસાનો તે હંમેશા એકદમ તૈયાર. નાના ગામડામાં રહેતા હતા , આખું ગામ તેમને વખાણે અને રહીમચાચા કહીને બોલાવે. કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય કે નાનો પ્રસંગ રહીમભાઈને આમંત્રણ ચોક્કસ હોય.

પચાસની ઉંમરે પહોંચેલા રહીમભાઈએ પોતાનું મોટાભાગનું જીવન ગામમાં જ ગુજારેલું કોઈ વખત શહેર જવાનું થાય તો પણ સાંજે પાછા આવી જાય. સગુંવહાલું આજુબાજુના ગામડામાં તેથી ગયા હોય તો એકાદ દિવસ માટે. સ્વભાવ ભોળો હોવાથી પરિવારના લોકો પણ કહે કે તમારે શહેરમાં રાત રોકાવું નહિ અને જાઓ તો પણ  કોઈની સાથે વધારે વાત કરવી નહિ, કોઈ તમને છેતરી જશે. તેમની આખી જિંદગી સાધારણ ગુજરી હતી.તે હંમેશ કહેતા કે લાગે છે જિંદગી એમ જ નીકળી જશે. તેમની ઈચ્છા હતી કે જિંદગીમાં કોઈ રોમાંચક ઘટના બને જેનો જિકર તે બધાને કરતા રહે.

એક વખત તેઓ અદભુત અનુભવમાંથી પસાર થયા. તેમના બે દીકરા તો વિદેશમાં નોકરી કરતા હતા અને નાનો દીકરો શહેરમાં સમાજની હોસ્ટેલમાં રહીને ભણતો. નાની દીકરી રહીમભાઈની ખુબ લાડકી હતી તેથી તેને પોતાનાથી દૂર કરી ન હતી.

            એક વખત એવું બન્યું કે નાના દીકરાએ “શહેરમાં તાત્કાલિક આવો.” એવા સમાચાર મોકલ્યા. જમાનો સાદા ફોનનો હતો , મોબાઈલ હજી આવ્યા ન હતા. રહીમભાઈ ઉપડ્યા શહેર જવા એક બગલથેલો લઈને. તે ટ્રેન શહેરમાં રાત્રે પહોંચવાની હતી. રહીમભાઈ એ હોસ્ટેલનું સરનામું નાની દીકરી પાસે લખાવીને પોતાના  બગલથેલામાં મૂકી લીધું અને ખિસ્સાકાતરુનો ડર હોવાથી પોતાનું પાકીટ પણ થેલામાં મૂક્યું અને ટ્રેનમાં ચઢ્યા પછી બગલથેલો છાતી સરસો ચાંપીને એક સીટ પર બેસી ગયા.

બાજુમાં એક સજ્જન હતા તે તેમની સાથે વાત કરવા લાગ્યા. શરૂઆતમાં ફક્ત હા હું કરનાર રહીમભાઇને તેમની વાતોમાં રસ પડ્યો એટલે તે ધીમે ધીમે તેમની સાથે વાતો શરુ કરી. વાત વાતમાં ખબર પડી કે તે ભાઈનું નામ સલીમભાઇ છે. સલીમભાઇ પોતાના જીવનમાં બનેલી ઘટનાનું ખુબ રસભર્યું વર્ણન કરતા હતા. આજુબાજુમાં ચાર જણ હતા પણ સલીમભાઇનું ધ્યાન ફક્ત રહીમચાચા પર હતું .

થોડીવાર પછી સલીમભાઈએ પોતાના થેલામાંથી એક પેંડાનું પાકીટ કાઢ્યું, તે રહીમભાઈ આગળ ધર્યું. રહીમભાઈને તેમના પાડોશીએ આપેલી શિખામણ યાદ આવી, “ટ્રેનમાં કોઈ અજાણી વ્યક્તિ પાસેથી ખાવાપીવાની વસ્તુ લેવી નહિ.”

રહીમભાઈએ કહ્યું, “હું કોઈ દિવસ મીઠાઈ ખાતો નથી” પણ રહીમભાઈના મોઢામાં પાણી છૂટ્યું હતું. સલીમભાઇએ કહ્યું, “ઠીક છે, તમારે ન ખાવા હોય તો કઈ નહિ હું તો ખાઉં છું” અને એક પછી એક પેંડા પેટમાં ઓરવાનું શરુ કર્યું અને અડધો કિલો પેંડાનું પાકીટ દસ મિનિટમાં પૂરું કર્યું. થોડીવાર પછી એક ફેરિયા પાસે છ જણ ખાઈ શકે એટલી પુરી ભાજી ખરીદી કરીને થોડીવારમાં સફાચટ કરી ગયા.

સલીમભાઈને આમ ખાતા જોઇને રહીમભાઈને ભૂખ લાગી ગઈ તેથી પોતાનો ડબ્બો કાઢ્યો તેમાં ચાર રોટલી અને થોડું બટેટાનું શાક હતું તે ખાવાનું શરુ કરતાં પહેલા વિવેક કર્યો, “ખાશો કે?” રહીમભાઈના મનમાં હતું કે આટલું ખાધા પછી સલીમભાઈ ના પાડશે, પણ સલીમભાઇએ કહ્યું, “જરૂર” એમ કહીને જ્યાં સુધી રહીમભાઈ એક રોટલી પુરી કરે એટલીવારમાં ત્રણ રોટલી સલીમભાઈએ પુરી કરી દીધી અને રહીમભાઈ મોં વકાસીને તેમની સામે જોતા રહ્યા. તે પછી સલીમભાઈએ જુદા જુદા ફેરિયા પાસેથી સમોસા,ભજીયાં લીધા અને તે બધાને ન્યાય આપતા રહ્યા. આજુબાજુના લોકો ફક્ત સલીમભાઇને જોઈ રહ્યા હતા કે શરીરે એકવડા બાંધાનો માણસ આટલું ખાઈ કઈ રીતે શકે ?

સૌથી છેલ્લે સલીમભાઈએ પોતાના થેલામાંથી એક પાકીટ કાઢ્યું જેમાં પેઠા હતા. હવે રહીમભાઈને કકડીને ભૂખ લાગી હતી એટલે જેવું સલીમભાઇએ તેમની સામે પેઠાનું પાકીટ ધર્યું એટલે તે એમ કહીને તેના પર તૂટી પડ્યા કે આ તો મારી ભાવતી વસ્તુ છે. અને લગભગ આખું પાકીટ ઝાપટી ગયા . તેમાં રહેલો છેલ્લો પેઠો રહીમભાઈએ  ઉપાડ્યો એટલે સલીમભાઇએ કહ્યું, “આજે મારા દિલને પહેલીવાર સુકુન મળ્યું છે.” રહીમભાઈએ પૂછ્યું, “શું કહ્યું ભાઈજાન?’

સલીમભાઇએ કહ્યું, “કંઈ નહિ, આજે તો ખાવાની મજા આવી ગઈ.” હવે રહીમભાઈને ઊંઘ આવવા લાગી હતી, એટલે બગલથેલો છાતીસરસો ચાંપ્યો અને સુઈ ગયા.

              રાત્રે એક વાગ્યે કોઈએ હલાવ્યા એટલે તેમની આંખ ખુલી જોયું તો છેલ્લો પેસેન્જર તેમને જગાડી રહ્યો હતો તેણે કહ્યું, “છેલ્લું સ્ટેશન આવી ગયું ચાચા.” રહીમભાઈએ આંખ ચોળીને જોયું તો તેમનું સ્ટેશન આવી ગયું હતું અને તેઓ નીચે ઉતર્યા અને પછી ધ્યાન આવ્યું કે તેમનો બગલથેલો ગાયબ હતો અને સલીમભાઇએ તેમને જગાડનાર પેસેન્જરને પૂછ્યું, “આપણી સાથે એક સલીમભાઇ હતા તે ક્યાં ગયા ?”

તે વ્યક્તિએ કહ્યું, “ તે તો હમણાં જ પેલા ગેટથી ડાબી બાજુએ વળી ગયા.” રહીમભાઈ હવે પહેરેલે લૂઘડે રહી ગયા હતા. તેમની પાસે પૈસા પણ ન હતા અને સરનામું પણ ન હતું તેથી દોડીને ગેટની બહાર ગયા અને જે દિશામાં સલીમભાઇ ગયા હતા તે દિશામાં દોડ્યા.તે વ્યક્તિ પાછળથી કહી રહ્યો હતો, “એ દિશામાં ના જતા.” પણ રહીમભાઈ તે વાત સાંભળી શક્યા નહિ.

રહીમભાઈને લાગવા લાગ્યું હતું કે કહો ન કહો મારો થેલો સલીમભાઈએ ચોર્યો છે . થોડા આગળ ગયા તો સલીમભાઇ દેખાયા, પણ તેમની પાસે તેમનો જ થેલો હતો. રહીમભાઈ તેમની નજીક જઈને કહ્યું, “સલીમભાઇ, તમે મને જગાડ્યો નહિ?”

સલીમભાઈએ કહ્યું, “અરે ! રહીમભાઈ તમે તો દીકરાની હોસ્ટેલમાં જવાના હતા? અને તમારો થેલો ક્યાં?”

રહીમભાઈએ કહ્યું, “લાગે છે આપણે બધા સુઈ ગયા પછી કોઈ ચોરી ગયું, તેમાં મારા એક જોડી કપડાં , લૂંગી મારા પૈસાનું પાકીટ અને દીકરાની હોસ્ટેલનું એડ્રેસ પણ હતું. હું તો લૂંટાઈ ગયો હવે આવડા મોટા શહેરમાં મારે ક્યાં જવું?”

સલીમભાઈએ કહ્યું, “મારી સાથે મારા ઘરે ચાલો, કાલે સવારે આપણે હોસ્ટેલ પણ શોધીશું અને તમારો થેલો પણ.”  “ઠીક છે” કહીને રહીમભાઈ સાથે થઇ ગયા. થોડા આગળ ગયા તો ત્યાં રોશનીનો ઝગમગાટ હતો દુકાનો સજેલી હતી. લાઈનબંધ મીઠાઈની દુકાનો હતી જેમાં તરેહ તરેહની મીઠાઈઓ મુકેલી હતી, પણ દુકાનો ફક્ત ખાવાપીવાની હતી. રહીમભાઈ આટલી રોશની જોઈને અંજાઈ ગયા કહેવા લાગ્યા, “તમારા શહેરો પણ અજબ છે, અમારા ગામમાં જાઓ તો અત્યારે બધે સુનકાર હોય અને તમારું શહેર જાણે ચોવીસે કલાક જાગતું હોય તેમ લાગે છે.”

સલીમભાઇને રસ્તામાં ઘણાબધા લોકો મળ્યા બધાને તે પ્રેમથી મળ્યા અને મુબારક હો મુબારક હો એમ બધાઈ આપી રહ્યા હતા. રહીમભાઈએ વિચાર્યું હજી ઈદને તો વાર છે. જેટલા લોકોને સલીમભાઈ મળ્યા એટલા બધા લોકો સાથે રહીમભાઈની ઓળખાણ કરાવી અને કહ્યું, “આ મારા પાક મિત્ર રહીમભાઈ” અને બધા લોકો અહોભાવ સાથે તેમને ભેટતા. પછી સલીમભાઈએ એક દુકાન પર રોકાતા કહ્યું, “રહીમભાઈ થોડો નાસ્તો કરીએ?”

રહીમભાઈએ કહ્યું, “સારું, મને ભૂખ લાગી છે, પણ મારી પાસે પૈસા નથી.”

સલીમભાઈએ કહ્યું, “અરે! રહીમભાઈ તમે મારા મહેમાન છો તમારે પૈસાની ચિંતા ન કરવાની હોય અને આમેય હું એકલો જ રહું છું, તેથી અહીં જ નાસ્તો કરીને ઘરે જઈને સુઈ જાઉં છું.”

બંને જણ નાસ્તો કરવા તે દુકાનમાં બેસી ગયા. નાસ્તામાં સલીમભાઇ એક કિલો પેંડા અને અડધો કિલો બરફી ખાઈ ગયા અને સાથે દસ સમોસા.

રહીમભાઈએ કહ્યું, “સલીમભાઇ, આટલી મીઠાઈ ખાધા પછી બીમાર નથી પડતા?”

સલીમભાઇએ હસીને કહ્યું, “મને કઈ થતું નથી, મને ડોક્ટરે જ કહ્યું છે મને ખાવાની બીમારી વળગી છે.” એટલામાં મસ્જિદમાંથી અજાનનો પોકાર થયો એટલે સલીમભાઈએ કહ્યું, “ચાલો, નમાજ પઢી લઈએ.” રહીમભાઈએ આસમાન તરફ જોઈને કહ્યું, “અડધી રાત્રે નમાજ.”

સલીમભાઈએ કહ્યું, “આપણને ગાડીમાંથી ઉતરીને ઘણો સમય થઇ ગયો છે, અત્યારે મધરાત નથી. ચાલો નમાજ પઢી લઈએ.”

રહીમભાઇ સલીમભાઈની પાછળ મસ્જિદમાં ગયા. કુલ ત્રીસ લોકો નમાજ પઢવા બેસી ગયા હતા. નમાજ પઢીને ઉઠયા પછી સલીમભાઈએ કહ્યું, “ચાલો, રહીમભાઈ ઘરે જઈએ.”

મસ્જિદની નજીકની ગલીમાં જ સલીમભાઇનું ઘર હતું ત્યાં ગયા પછી સલીમભાઈ તેમને ઘરમાં લઇ ગયા અને પછી પથારી દેખાડી અને કહ્યું કે તમે અહીં સુઈ જાઓ, હું આ તરફ સુઈ જાઉં છું. ખુબ થાકેલા હોવાથી રહીમભાઈ તરત સુઈ ગયા.

             સવારે શોરબકોરના અવાજ સાથે રહીમભાઈની આંખ ખુલી. જોયું તો આજુબાજુમાં બે - ત્રણ લોકો ઉભા હતા અને તેમની તરફ જોઈ રહ્યા હતા અને તે પોતે રસ્તાની બાજુમાં સુઈ રહ્યા હતા. તેમણે આંખો ચોળીને જોયું તો આજુબાજુ ક્યાંય ઘર કે મસ્જિદ ન હતા અને બજાર પણ દેખાતી નહોતી.

જે વ્યક્તિઓ તેમની બાજુમાં ઉભા હતા તેમના હાથમાં લોટા હતા. એક વ્યક્તિએ પૂછ્યું, “મિયાંજી, ક્યાંથી આવો છો અને અહીં ખંડેર પાસે કેમ સુતા છો? આ તો ભૂતિયો ઇલાકો છે. અહીં રાત્રે કોઈ નથી આવતું.”

રહીમભાઈએ આજુબાજુ નજર કરી તો બાજુમાં તેમનો બગલથેલો મુકેલો હતો. તેમને કઈ સુઝ્યું નહિ કે શું કહેવું. થોડીવાર પછી કહ્યું, “કેવી વાત કરો છો ! હજી ગઈકાલે રાત્રે તો અહીં રોશનીનો ઝગમગાટ હતો અને કેટલીયે દુકાનો હતી જેમાં મેં ખાધું અને નમાજ પણ પઢી.”

ઉભેલા લોકોમાંથી એક જણે કહ્યું, “મિયાંજી ,લાગે છે ગઈકાલે રાત્રે તમે ભૂતોની સાથે રહ્યા અને ભૂતો સાથે નમાજ પઢી છે.” આ સાંભળીને રહીમભાઈના હોશકોશ ઉડી ગયા અને  ઠંડી ચડી ગઈ હોય તેમ ધ્રુજવા લાગ્યા. તેમણે ધ્રૂજતે હાથે બગલથેલામાંથી દીકરાની હોસ્ટેલનું સરનામું બહાર કાઢ્યું અને બતાવ્યું અને પૂછ્યું, “આ જગ્યા કેટલી દૂર છે?”

એડ્રેસ જોઈને એક જણે કહ્યું “આ તો નજીકમાં જ છે ચાલો હું તમને મૂકી જાઉં.” અલ્લાહનું નામ લેતા લેતા તે દીકરા પાસે પહોંચ્યા ત્યારે તેમને હાશ થઇ તે પછી બે દિવસ તેમને તાવ આવી ગયો . તેમને વારે વારે ભણકારા થતા કે સલીમભાઇ તેમને બોલાવે છે.

             ચાર દિવસ પછી રહીમભાઈ ઘરે પહોંચ્યા પછી પોતાની પત્ની અને દીકરીને બધી વાત કરી. બગલથેલામાંથી કપડાં કાઢતી વખતે તેમાંથી એક ચિઠ્ઠી બહાર પડી તે દીકરીએ તેમને આપી

તેણે કહ્યું, “અબ્બુ, આ ચિઠ્ઠી તમારા થેલામાં હતી.”

રહીમભાઈએ કહ્યું, “કોની છે અને શું લખ્યું છે તે વાંચી સંભળાવ.”

દીકરી વાંચવા લાગી. તેમાં લખ્યું હતું, “રહીમભાઈ આદાબ, દુઆ કરું છું તમારા માટે. જો કોઈએ તમને કહ્યું હોય કે અમે ભૂત છીએ તો તે ખોટું છે. અમે જીન્નાત છીએ અમારી દુનિયા અલગ હોય છે અને મેં તમારી સાથે કોઈ ધોખો નહોતો કર્યો ચોર ખરેખર તમારો થેલો ચોરીને નીકળી ગયો હતો તે  મેં મારા બીજા જીન્નાત દોસ્તોને કહીને મંગાવી લીધો. તમારો કરજો હતો ને મારા ઉપર.અમારી જીન્નાતની દુનિયામાં ઉસૂલ છે કે સાલમાં એક વાર પાકસાફ દિલના માણસ સાથે નમાજ અદા કરવી, તેથી હું તમને મારી સાથે લઇ આવ્યો અને અમે જીન્નાત મીઠાઈના ખુબ શોખીન હોઇયે છીએ તેથી હું આટલી મીઠાઈ ખાતો હતો અને તમે મારી સાથે મીઠાઈ ખાધી એટલે અલ્લાહ મારી જો કોઈ ખતા હોય તો મને માફી અતા કરશે. આપ નેક દિલના ઇન્સાન છો અને આપની માસુમિયતને સલામ છે.જો મારાથી કોઈ ખતા થઇ હોય તો મને માફી બક્ષજો.”

સલીમ જીન્ન .

            આ ચિઠ્ઠી વાંચીને ઘરના બધાના રુવાડા ઉભા થઇ ગયા, પણ થોડીવાર પછી તેમની દીકરી બોલી, “અબ્બા, તમે કહેતા હતા ને કે જિંદગીમાં કોઈ વાકયો બન્યો નથી તો હવે બધાને તમે કહી શકશો કે મેં જિન્નાત સાથે નમાજ પઢી છે અને આ ચિઠ્ઠી પણ બતાવી શકશો.” દીકરીએ પાછું ચિઠ્ઠી તરફ જોયું તેમનું લખાણ ગાયબ થઇ ગયું હતું, પણ રહીમભાઈના ચેહરા પર મુસ્કુરાહટ આવી ગઈ હતી હવે તેમની પાસે કહેવા માટે એક ઘટના હતી.

સમાપ્ત