Pratyagaman Part 9 books and stories free download online pdf in Gujarati

પ્રત્યાગમન - ભાગ ૯

ભાગ  ૯

મધુકર આ ઘટના વખતે બહાર હતો. મૃણાલના હોશકોશ ઉડેલા હતા. વોચમેને તરત ફોન કરીને પોલીસ બોલાવી.

નીલા હજી પણ  બેહોશ હતી.પોલીસે આવીને તેની નાડી ચેક કરી પણ ધ્રુવ મૃત્યુ પામી ચુક્યો હતો.પોલીસ અધિકારીએ ટેબલ પર મુકેલી ચિઠ્ઠી ઉપાડી અને વાંચી અને જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ તેના ભવાં ખેંચાતા ગયા.ચિઠ્ઠી આ પ્રમાણે હતી.

           “પ્રિય મમ્મી, હું આ ફાની દુનિયા છોડીને જાઉં છું કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય પણ મારા કેસમાં ઉલટું થયું હું તો કછોરું ન થયો પણ મારો બાપ કમાવતર થઇ ગયો. મારી બરબાદી માટે પૂર્ણ રીતે મારા પિતા મધુકર પાઠક છે. તેમણે મારી મમ્મી સામે જેટલા ભોળા હોવાનો દેખાવ કર્યો એટલા ભોળા કદી નહોતા. સ્ટોકમાર્કેટ ક્રેશમાં જેટલા જિમ્મેદાર હર્ષદ મહેતા એટલા જ મારા પિતા પણ હતા. તેમણે પણ ખોટી રીતે ટ્રેડિંગ કરીને માર્કેટને ફુલાવ્યું હતું ઉપરાંત તેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે જે પૈસા આવતા હતા તે અંડરવર્લ્ડના હતા.”

“તેમણે અંડરવર્લ્ડને શરૂઆતમાં ખુબ પૈસા કમાવી આપ્યા, પણ સ્ટોક માર્કેટ ક્રેશ વખતે અંડરવર્લ્ડના બધા પૈસા ડૂબી ગયા તેથી તે આત્મહત્યાનું નાટક કરીને ભાગી ગયા. તેમનું લક્ષ્ય ફક્ત પૈસા કમાવવા તેવું હતું તેમાં નીતિનિયમને કોઈ સ્થાન નહોતું. આ વાત આશ્રમમાં પણ તેમના ગુરુને પણ ખબર હતી અને મારા પિતાને પણ ખબર હતી કે બંને સાચા સાધુ નથી. અંડરવર્લ્ડથી કોઈ ભાગી નથી શકતું તેમ મારા પિતા પણ પકડાઈ ગયા. તેમણે ધીરે ધીરે પૈસા પાછા આપવાનું વચન આપ્યું. મારા પિતાએ ચાળીસ કરોડનું નુકસાન કર્યું હતું, પણ છોટા શકીલે તેમની પાસે સો કરોડ માગ્યા. ન આપે તો મારી નાખવાની ધમકી આપી. તેમના ગુરુથી છુપાવીને ઘણી બધી રકમ તે આપતા ગયા અને ગુરુના મૃત્યુ પછી તો તેમને પુરી છૂટ મળી ગઈ હતી, પણ તેઓ ગોલમાલ કરી રહ્યા છે તે વાતની ખબર તેજોમયાનંદને પડી ગઈ તેથી તેણે ખુલાસો માંગ્યો, તો પિતાએ કહ્યું કે જો તે આ વાત કોઈને કહેશે તો તેઓ તેનું સેક્સ સ્કેન્ડલ વિષે બધાને કહી દેશે. જો કે તેજોમયાનંદ ચૂપ નહોતો રહ્યો અને તેણે આ વાત સત્યાનંદને કરી, જે ખરા અર્થમાં સાધુ હતો. તેણે મારા પિતા પાસે હિસાબ માંગ્યો અને કહ્યું કે હિસાબ ન આપી શકતા હો તો આશ્રમ છોડી દો.”

“તેથી તેમણે પત્રકાર સાથે મળીને આશ્રમમાં ચાલતું સેક્સ સ્કેન્ડલ ઉજાગર કર્યું જેથી તેમની કરતૂત છુપી રહે પણ આ બધામાં તેઓ એક વાત ભૂલી ગયા કે તેઓ એ જ ડાળ કાપી રહ્યા છે જેના પર તેઓ બેઠા હતા. એશઆરામ બંદ થઇ ગયો અને એકાઉન્ટ પણ સીલ થઇ ગયું હવે મારા તરફ આવવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો નહોતો. પોતાને લાચાર અને પીડિત દેખાડવા અડધું પડધું મુંડન પણ પોતે કર્યું અને કપડાં પણ કોઈ ભિખારી પાસેથી માગીને લીધા હતા. તેમના અહીં આવ્યા પછી વીમા કંપની સાથે મેં જ સેટલમેન્ટ કર્યું જેથી તેમના પર કોઈ કેસ ન થાય. મારા ત્યાં રહ્યા પછી પણ તેઓ અંડર વર્લ્ડના કોન્ટાક્ટમાં હતા પણ હવે તેમની પાસે પૈસા ન હતા, તેથી પહેલાં મારી પાસે ધંધા માટે પૈસા માગ્યા, પણ તે માટે મેં ન પાડતાં મોલમાં જવાબદારી માગી જેથી આગળ જઈ મોટો હાથ મારી શકાય. તમારા હાર્ટ એટેકના જોખમને લીધે હું તમને કહી ન શક્યો કે હું તેમને ઘરમાં પણ રાખવા માગતો નથી અને તમે ધંધામાં જવાબદારી આપવાનું કહો છો.”

“તેમણે સ્વિમિંગ પૂલના મટેરીઅલ પર્ચેસિંગમાં કટકી કરી. તેમાં પણ તેમણે વીસ લાખ જેટલી કમાઈ કરી પણ તેમને મોટી રકમ જોઈતી હતી અને તે માટે બધો કારભાર તેમને પોતાના હાથમાં જોઈતો હતો. તેથી મને હટાવવા એક્સીડેન્ટની યોજના બનાવી જેથી મને જેલ થઇ જાય અને પિતા હોવાને બહાને બધો કારભાર તેમના હાથમાં આવે. અને આ ઘટનામાં મારા માથે એટલું બધું દેવું કરી દીધું કે હવે મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો ન હતો. આ બધી વાતો જીવતેજીવ તો કદી તમને કહી ન શક્યો હોત. સાથે લોકરની ચાવી છે જેમાં મારા પિતાના અને અંડરવર્લ્ડના સંબંધો, બેંક ટ્રાન્ઝેક્શનની ડિટેઈલ્સ, કોલ ડિટેઈલ્સ બધું જ છે જે મારા પિતાને સજા કરાવવા પૂરતા છે.”

“પ્રિય નીલા, હું તારો ખુબ મોટો ગુનેગાર છું, કારણ તું હંમેશા મારી પાછળ ઉભી રહી પણ હું કદી તારી તરફ પૂર્ણ રીતે ધ્યાન ન આપી શક્યો. મેં તને વાયદો કર્યો હતો કે આપણે ફોરેનમાં હનીમૂન કરીશું પણ તે વાયદો પણ અધૂરો રહી ગયો. મેં તારા માટે જોયેલા સપનાં અધુરા જ રહી ગયા. ઈચ્છા હતી તારી સાથે ફ્રાન્સમાં ફરવાની, રિવોલવિંગ રેસ્ટોરન્ટમાં રોમેન્ટિક ડીનર લેવાની , પહાડો પર ફરવાની ,ક્રુઝમાં ફરવાની બધીજ ઈચ્છાઓ અધૂરી રહી ગઈ, પણ ચિંતા ન કરતી આવતા જન્મમાં આપણે ફરી મળીશું અને તે વખતે પહેલા આ બધી ઈચ્છાઓ પુરી કરીશું. આશા છે તું મને સમજી શકીશ.”


ધ્રુવ પાઠક

આટલી ચિઠ્ઠી વાંચીને પોલિસ અધિકારીએ ઉપર જોયું અને પૂછ્યું, " મધુકર ક્યાં છે ?" પોલિસે ચિઠ્ઠી મૃણાલના હાથમાં આપી તેણે વાંચવાનું શરુ કર્યું. નીલાને બાજુની રૂમમાં સુવડાવી હતી, તે હજી ભાનમાં આવી ન હતી. ચિઠ્ઠી વાંચ્યા પછી સમજી શકતી નહોતી કે શું કહેવું! અને શું કરવું!  ડૉક્ટર આવી ગયા હતા અને તેમણે નીલાને તપાસી અને મૃણાલને કહ્યું કે નીલાનું મૃત્યુ થઇ ગયું છે તેના મગજમાં નસ ફાટી જવાના લીધે બ્રેઈન હેમરેજ થયું અને મૃત્યુ થઇ ગયું.

મૃણાલના માથે આભ તૂટી પડ્યું એક જ દિવસમાં તેના દીકરા અને વહુનું મૃત્યુ થઇ ગયું. નીલા કદાચ ચિઠ્ઠી વાંચ્યા વગર જ સમજી ગઈ હતી કે હવે મિલન આવતા જન્મમાં જ થશે એટલે જ ધ્રુવની પાછળ તરત જ જતી રહી. મધુકર બહારથી આવ્યો એટલે તેને એરેસ્ટ કરવામાં આવ્યો અને ત્યાં સુધીમાં રાજેશ પણ આવી ગયો હતો . તેણે મૃણાલને એક રૂમમાં બેસાડી બાકી પોલીસ પ્રોસિજર પુરી કરાવી. બીજે દિવસે ધ્રુવ અને નીલાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા . મુખાગ્નિ બધી રીત રસમોને તોડીને મૃણાલે આપ્યો. મધુકર પર કેસ ચલાવવામાં આવ્યો. કેસ પૂર્ણત્વની આરે હતો છેલ્લું મધુકરનું સ્ટેટમેન્ટ બાકી હતું, તે સાંભળવા મૃણાલ ખુદ કોર્ટમાં આવી હતી.

ક્રમશ: