Prinses Niyabi - 7 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 7

આ તરફ સવારમાં મોઝિનો ને મળવા માટે લુકાસા...સા..આ ......આવી. એનો ચહેરો ઉતરી ગયેલો હતો.

લુકાસા: પ્રણામ જાદુગર મોઝિનો.

ઉત્સાહ સાથે મોઝિનો બોલ્યો, ઓહ....લુકાસા.....સા...પણ એ આગળ કઈ બોલે એ પહેલા એની નજર લુકાસા ના ચહેરા પર ગઈ. એણે લુકાસાના ચહેરાની ઉદાસી જોઈ લીધી.

લુકાસા: જાદુગર........

મોઝિનો: કોઈ વાંધો નથી લુકાસા.....સા....હજુ આપણી પાસે સમય છે. તું આમ ઉદાસ ના થા. તારા આ સુંદર ચહેરા પર આ ઉદાસી સારી નથી લાગતી.

લુકાસા ઉદાસી સાથે બોલી, જાદુગર મને તમારી ચિંતા થાય છે. સમય વીતી રહ્યો છે. ને આપણ ને હજુ કઈ ખબર નથી.

મોઝિનો લુકાસા ની પાસે આવ્યો ને બોલ્યો, એય.....રૂપસુંદરી. તું શાંત થઈ જા. હજુ આ મોઝિનો છે. તારે આમ નિરાશ થવાની જરૂર નથી.

ને લુકાસા મોઝિનો ને જોઈ રહી.

દાદી ઓના ના આમંત્રણ ને સ્વીકારવું કે નહિ એ માટે નિયાબીએ ઓનીર ની સામે પ્રશ્નવાચક દ્રષ્ટિ થી જોયું અને આંખો થી જ પૂછ્યું, જઈએ?

ઓનીરે આંખો થી જ જવાબ આપ્યો, હા.

દાદી: શુ થયું? કેમ એકબીજાની સામે જોઈ રહ્યાં છો?

નિયાબી: કઈ નહીં દાદી ચાલો.

ને પાલખી ચાલવા લાગી. ઓનીર અને નિયાબી ને ખબર નહોતી કે એ લોકો આ દાદી સાથે ક્યાં જઈ રહ્યાં છે. પણ એ લોકો કઈક સારું થશે એવા વિચારથી એમની સાથે ચાલવા લાગ્યાં. પાલખી એક વિશાલ લાલ રંગના મહેલ તરફ આગળ વધવા લાગી. જેમ જેમ પાલખી આગળ વધતી તેમ ત્યાં ઉભેલા સૈનિકો પોતાનું શીશ નમાવી પાલખીમાં બેસેલા દાદીનું અભિવાદન કરતા હતાં.

લાલ રંગનો મહેલ જોઈ ઓનીર અને નિયાબી ને લાગ્યું કે તેઓ મોઝિનોના જ મહેલ તરફ આગળ વધી રહ્યાં છે. બંને ના મનમાં દાદી કોણ છે? એ પ્રશ્ન ઉદ્દભવ્યો. જેનો જવાબ હાલ એમની પાસે નહોતો. એ બંને ચારેતરફ જોતાં જોતાં આગળ વધી રહ્યા હતાં.

ઓનીર અને નિયાબીની ધારણા સાચી હતી. તેઓ મોઝિનોના મહેલ તરફ જ આગળ વધી રહ્યાં હતાં. ચારેતરફ નું બાંધકામ લાલ રંગના પથ્થરો થી બનાવવામાં આવ્યું હતું. બરાબર વચ્ચેના ભાગમાં સરસ ફુવારાઓ બનાવવામાં આવ્યા હતાં. ને તેની બંને બાજુ ખૂબ મોટા અને સુંદર ફુલોવાળા બગીચા હતાં. ને ફૂલો પણ સરસ રંગબેરંગી હતાં. બગીચામાં ફ્ળોના પણ વૃક્ષો હતાં.

જેવો મહેલનો મુખ્ય દ્વાર આવ્યો એટલે ત્યાં ધાતુના બનેલા સૈનિકો દેખાયા. આ સૈનિકો ઉંચા, મજબૂત અને થોડા વિચિત્ર દેખાતા હતાં. એમના હાથમાં કે કેડે તલવાર હતી. કોઈ કોઈના હાથમાં ભાલા પણ હતાં. પાલખી મુખ્ય દ્વાર થી મહેલની અંદર પ્રવેશી. મહેલની આજુબાજુ મજબૂત ઉંચી દીવાલો હતી અને આ દીવાલો પર ભાલા આકારના લોખંડના સળીયા લગાવેલા હતાં. ઓનીર અને નિયાબી આ દરેક વસ્તુની નોંધ લઈ રહ્યાં હતાં.

આ તરફ ઝાબી અને અગીલા બજારમાં આવી ગયાં હતાં. બંને અલગ અલગ કામ માટે ફરી રહ્યા હતાં. ઝાબી ને એક વેપારીની હાટડીમાં નોકર તરીકેનું કામ મળી ગયું. ને અગીલાને એક કુંભાર પાસે માટીના વાસણો પર રંગ અને ચિત્ર બનાવવાનું કામ મળી ગયું. આ કામ એણે કુંભારની પત્ની સાથે રહી ને કરવાનું હતું. એ જ દિવસ થી એમણે કામ ચાલુ કરી દીધું.

દાદી ઓનાની પાલખી એક સરસ દ્વાર આગળ આવી ને ઉભી રહી. અંદર થી બે સ્ત્રીઓ તરત જ બહાર આવી અને દાદી ઓનાને પાલખીમાં થી બહાર લાવી અંદર લઈ જવા લાગી. દાદી ઓનાએ નિયાબી ને એમની પાછળ આવવાનો ઈશારો કર્યો. નિયાબી અને ઓનીર એમની પાછળ ચાલવા લાગ્યાં.

તેઓ એક સુંદર સજાવેલા મોટા ઓરડામાં આવી ગયાં. પેલી સ્ત્રીઓ ની મદદ થી દાદી ઓના ખુરશી પર બેઠાં.

સ્મિત સાથે દાદી ઓના બોલ્યાં, તમે બંને બેસો.

ઓનીર અને નિયાબી એમની સામે બેસી ગયાં. એટલામાં પેલી સ્ત્રીઓ એમના ઘા ને સાફ કરવા લાગી.

દાદી નિયાબીની સામે જોઈ બોલ્યાં, શુ નામ છે તારું?

નિયાબી: નિયાબી દાદી.

ને તારું?, ઓનીર સામે જોઈ પૂછ્યું.

દાદી ઓનીર, ઓનીરે કહ્યું.

દાદી: ખુબ સરસ નામ છે બંનેના. મારું નામ ઓના છે. બધાં મને દાદી ઓના કહે છે. હું લુકાસા ની દાદી છું. તમે લુકાસા ને ઓળખો છો?

નિયાબી અને ઓનીર તો આ સાંભળી અચરજ પામી ગયા. બંને એ વિચાર્યું પણ નહોતું કે તેઓ આ રીતે સીધા મહેલમાં આવી જશે. હજુ બંનેને વિશ્વાસ નહોતો બેસતો.

દાદી બંનેને ચૂપ જોઈ બોલ્યાં, હજુ વિશ્વાસ નથી આવતો ને?

બંને હ....અ...અ સાથે બોલ્યાં.

દાદી હસતાં હસતાં બોલ્યાં, શુ થયું? ગભરાશો નહીં. તમે એકદમ સુરક્ષિત છો અહીં.

ઓનીર: ના દાદી ડર નથી લાગતો. પણ વિશ્વાસ નથી આવતો કે અમે તમારી સામે બેઠાં છીએ.

દાદી: ઓ....હ. પણ વિશ્વાસ કરી લો. તમે રાજમહેલમાં મારી જ સામે બેઠાં છો. ને દાદી હસી પડ્યા.

ઓનીર અને નિયાબી પણ હસી પડ્યાં.

દાદી: તો તમે બંને એ મારો જીવ બચાવ્યો. હું ખુબ ખુબ આભારી છું તમારી. ખુબ બહાદુરી બતાવી તમે બંનેએ.

ઓનીર: દાદી એ તો અમારી ફરજ હતી. ને તમારા જેવા વડીલની મદદ કરવી એતો અમારું અહોભાગ્ય છે.

દાદી: અરે વાહ, વાતો તો ખુબ સરસ કરે છે તું ઓનીર. પણ એતો કહો કે તમે બંને કોણ છો અને બજારમાં શુ કરતાં હતાં?

નિયાબી: દાદી અમે કાલે જ રાયગઢ આવ્યા છીએ. ને આજે અમે કામ શોધવા માટે બજારમાં ફરતાં હતાં.

દાદી: ઓહો....તો એમ વાત છે. ને એમાં હું મળી ગઈ તમને બરાબર?

ઓનીર: હા દાદી ઓના.

દાદી: તો પછી કામ શોધવાની ચિંતા છોડો. આજ થી તું મારો રક્ષક મારી રક્ષા કરજે. ને આ નિયાબી મારી સેવક જે મારી મદદ કરશે. બોલો મંજુર?

ઓનીર અને નિયાબીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. એમને તો વણ માંગે મીઠાઈનો થાળ મળી ગયો. હવે ના કહેવાનો કોઈ મોકો જ નહોતો. ઓનીરે નિયાબી સામે જોયું. નિયાબી પણ એને જ જોઈ રહી હતી. બંને એ આંખો થી જ એકબીજા ને 'હા' કહી દીધી.

દાદી ઓના આ બધું જોઈ રહ્યાં હતાં. એમણે હસતાં હસતાં કહ્યું, સરસ સમજો છો એકબીજાની આંખોના ઈશારા તમે. તો બોલો આ તમારી આંખો 'હા' કહે છે કે 'ના'?

બંને સતર્ક થઈ ગયાં. ને પછી ઓનીર બોલ્યો, હા દાદી ઓના અમને મંજુર છે. આ તો ખૂબ સરસ કામ છે. હે ને નિયાબી?

નિયાબી: હા ઓનીર ખૂબ સરસ કામ છે. ને પછી નિયાબી પોતાની જગ્યા પર થી ઉભી થઈ દાદી ઓના પાસે નીચે બેસી એમનો હાથ પકડી બોલી, દાદી મને ખૂબ આનંદ થશે તમારી સેવા કરવામાં.

ને ત્યાં અચાનક બહાર હલચલ મચી ગઈ. દાદી ઓનાએ માથે હાથ મૂકતા કહ્યું, આવી ગયું વાવાઝોડું. હવે આવી બન્યું બધાનું.

ઓનીર અને નિયાબી દાદીની વાત સાંભળી આશ્ચર્ય સાથે એકબીજાને જોવા લાગ્યાં. ને પછી દરવાજા તરફ નજર કરી. તો લુકાસા....સા....આ....ખૂબ ઝડપ થી ચાલતી એમની તરફ આવી રહી હતી.

લુકાસા દાદી ઓના પાસે જઈને એમની બાજુમાં બેસી ને બોલી, દાદી ઓના તમે ઠીક તો છો ને? તમને બહુ વાગ્યું છે? ને કોણ હતું એ જેણે કામમાં બેદરકારી દર્શાવી છે? હું હમણાં જ એને દંડ ફટકારું છું. લુકાસા ગુસ્સામાં બોલી રહી હતી.

દાદી: શાંત થઈ જા લૂકા. હું એકદમ ઠીક છું. આ જો જોઈ લે મને. કઈ થયું હોય એવું લાગે છે?

લુકાસા: પણ દાદી મેં તમને કેટલીવાર કહ્યું કે તમારે આમ બહાર નીકળવાનું નથી. તમને જે જોઈએ એ હુકમ કરો. તમારી પાસે આવી જશે. પણ તમારે મારુ માનવું જ નથી.

દાદી: લૂકા શાંત થઈ જા. હું એકદમ બરાબર છું. ને આ જો આ લોકોએ મને બચાવી લીધી.

ઓનીર અને નિયાબી પોતાની જગ્યા પર ઉભા થઈ ગયાં.

લુકાસાએ ઓનીર અને નિયાબી ની સામે જોયું. બંનેએ લુકાસાનું અભિવાદન કર્યું.

લુકાસા: હું આપ બંનેની આભારી છું.

ઓનીર: એની કોઈ જરૂર નથી. આ તો અમારી ફરજ હતી.

લુકાસા એ બૂમ પાડી, સેવક.

ને એક સેવક અદબ સાથે ત્યાં હાજર થઈ ગયો.

લુકાસા: સેવક આમને ખુબ બધું ધન આપી અદબ સાથે વિદાય કરો. ને એમને જ્યાં જવું હોય ત્યાં જવા માટે સવારી મોકલો.

લુકાસાની વાત સાંભળી દાદી ઓના બોલ્યાં, એની કોઈ જરૂર નથી. એમને ધનની નહીં કામ ની જરૂર છે. ને એ કામ એ લોકો ને મેં આપી દીધું છે.

લુકાસા એકદમ સજ્જડ આંખો થી દાદી ઓના તરફ જોતાં બોલી, દાદી પણ હું .........

લુકાસા ને બોલતી રોકતાં દાદી બોલ્યાં, લૂકા મેં હવે કામ આપી દીધું છે. ને હા આ કોણ છે? ને કેમ છે? એ બધું મારે નથી જાણવું. માણસનું કામ અને એની ભાવના જ્યારે બીજાને મદદ કરવાની હોય ત્યારે એમા શંકા ને કોઈ સ્થાન નથી હોતું.

લુકાસા થોડી ચિંતા સાથે બોલી, દાદી મારો એવો કોઈ ઈરાદો નહોતો. હું તો માત્ર એટલું જ ઈચ્છતી હતી કે તમે સુરક્ષિત રહો.

દાદી: હા મને ખબર છે. ને એટલે જ મેં આ બંનેને મારી સાથે જ રાખી લીધાં છે.

લુકાસા: કઈ નહિ જેવી તમારી ઈચ્છા. પણ હું આ લોકો ની નોંધણી તો કરાવી શકુને? કે પછી એ પણ મનાઈ છે?

દાદી: હા કરાવી શકે છે. હું તારા નિયમોમાં વચ્ચે નહીં આવું. તું જા હું એ લોકોને મોકલું છું.

લુકાસાએ દાદીનો હાથ પકડી ચૂમી લીધો અને પછી એક તીરછી નજર ઓનીર અને નિયાબી પર નાંખી ત્યાં થી નીકળી ગઈ.

દાદી ઓના ઓનીર અને નિયાબી સામે જોઈને બોલ્યાં, તમે કેમ ઉભા છો? બેસી જાવ.

નિયાબી: પણ દાદી આ......

દાદી નિયાબી નો મતલબ સમજી ગયા એટલે એને બેસવાનું કહેતા બોલ્યાં, એ મારી પૌત્રી લુકાસા છે. અહીંના રાજા મિઝીનોની મુખ્ય પ્રધાન અને એની નજીકની વ્યક્તિ. એનો સ્વભાવ મને લઈને જરા વધારે લાગણીશીલ થઈ જાય છે. મને કંઈપણ થાય તો એનો જીવ નીકળી જાય છે. ખૂબ પ્રેમ કરે છે મને.

ઓનીર: હા તો તમારા જેવી સરસ દાદી ને કોણ પ્રેમ ના કરે? તમારી પૌત્રી ખૂબ નસીબદાર છે.

દાદી હસતાં હસતાં બોલ્યાં, હા. પણ એના થી દૂર રહેજો. એને જરા પણ શંકા ગઈ તો તમારું જીવીત રહેવું મુશ્કેલ છે. હવે તમે સેવક સાથે નોંધણી માટે જાવ. ને કાલ થી કામ માટે આવી જજો.

પછી દાદીએ એક સેવકને તેમની સાથે મોકલ્યો.

ઓનીર: આ નોંધણી શા માટે છે?

સેવક: મહેલમાં કામ કરતા દરેક વ્યક્તિની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ નોંધણી કરવી પડે છે. કામ કરનાર વ્યક્તિ કોણ છે? ક્યાં થી આવ્યો? ને આવી બીજી ધણી બધી માહિતી એ લોકો નોંધે છે. એટલે જો કોઈ સમસ્યા થાય તો આ લોકો ની માહિતીને આધારે આગળ કાર્યવાહી કરી શકાય.

નિયાબી અને ઓનીર આ સાંભળી થોડા વિચારમાં પડી ગયાં. પછી તેઓ એ એમની સંપૂર્ણ વિગતો મહેલમાં નોંધાવી દીધી. ને પછી એ લોકો ઘરે જવા નીકળ્યાં.

ઓનીર: નિયાબી આપણે જે કરી રહ્યાં છીએ એ બરાબર છે ને?

નિયાબીએ ઓનીરની સામે જોયું પણ કઈ બોલી નહીં.

ઓનીર: મને થોડો ડર લાગે છે. લુકાસા જરૂર થી આપણી વિગતો તપાસસે.

નિયાબી: તો શુ થયું? આપણે ક્યાં કોઈ ખોટી માહિતી આપી છે? ભલે એ તપાસે. કઈ જ નહીં થાય.

નિયાબીને આમ વિશ્વાસ સાથે બોલતી સાંભળી ઓનીર ને સારું લાગ્યું. બંને ઘરે આવી ગયાં. ઝાબી અને અગીલા પહેલા થી જ ઘરે આવી ગયાં હતાં.

ઝાબી એકદમ ખુશી સાથે ઓનીર ને ભેટી પડ્યો ને બોલ્યો, ઓનીર કામ મળી ગયું તને?

ઓનીરે ઝાબી ને પકડી લેતાં કહ્યું, હા મળી ગયું. અને અગીલા તને?

અગીલા: હા ઓનીર મને પણ કામ મળી ગયું.

અસીતા: ચાલો બધાં ભોજન કરી લો.

ઝાબી અને ઓનીર વરંડામાં હાથપગ ધોવા ગયા.

ઝાબી: ઓનીર નિયાબી ને કામ મળી ગયું? બધું બરાબર હતું ને?

ઓનીર: હા મળી ગયું. ને બધું બરાબર છે.

પછી ભોજન વખતે બધાએ પોતપોતાની વાત કરી. કોને કેવી રીતે કામ મળ્યું તે પણ કહ્યું. બધા ખુબ ખુશ હતાં. ભોજન પછી બધાં સાથે બેસી ને વાતો કરી રહ્યા હતાં.

નુએન: ઓનીર આપણ ને વગર મહેનતે મહેલમાં કામ મળી ગયું એ સારું થયું. હવે તારે અને નિયાબીએ ત્રિશુલ શોધવાનું કામ કરવાનું છે.

ઓનીર: હા મને ધ્યાન છે. હું પહેલા જ દિવસ થી આ કામ શરૂ કરી દઈશ.

નુએન: તમારે લોકોએ પણ તમારું કામ ચાલુ કરી દેવાનું છે. આપણી પાસે વધુ સમય નથી. સમય જેમ જેમ વીતશે એમ એમ આપણા માટે કામ મુશ્કેલ થતું જશે.

અગીલા અને ઝાબી એ પણ માથું હલાવી હા કહી.

એ દિવસે બધાં શાંતિ થી સુઈ ગયાં. હવે બરાબર કામ કરવાનું હતું. ઓનીરના મનમાં હજુ લુકાસા ખસતી નહોતી. એને પુરી ખાતરી હતી કે એ એમની ચકાસણી જરૂર કરશે. ને ઓનીરની વાત પણ બરાબર હતી. ઓનીર અને નિયાબી સીધા જ મહેલમાં પ્રવેશ્યા હતાં. એટલે લુકાસા એ એમની વિગતો ની ખાતરી કરાવી જ દીધી હતી. ને એના માટે એણે કઈ વધુ કરવાની જરૂર નહોતી. પ્રવેશ વખતની નોંધણી સાથે એણે બધી વિગતો મેળવી જોઈ. બધું બરાબર જ હતું.

નિયાબી માટે આ એક સુખદ ઘટના હતી. એના માટે પોતાનું જન્મસ્થળ એકદમ અજાણ્યું હતું. એને એ વાત નું દુઃખ હતું કે એ પોતાના જન્મસ્થળ વિશે કે પોતાના માતાપિતા વિશે વધારે કઈ જાણતી નહોતી. એને તો એ પણ નહોતી ખબર કે મોઝિનોએ એના માતાપિતાને મારી એના દેશ પર અધિકાર કેમ જમાવ્યો હતો. એને ખુબ દુઃખ થતું હતું કે એને કઈ જ ખબર નથી. એ પોતાને અસહાય સમજતી હતી. ને એકલી પણ. પણ એ કઈ કરી શકે એમ નહોતી. એણે ભગવાન કૃષ્ણને વિનંતી કરી કે, "હે કાના હું શુ જાણું તારી લીલા. તું તો લીલાઓનો મહાસાગર છે. તો મારા માટે પણ કઈક લીલા કર. મારી મદદ કર એ સમજવામાં કે કેમ મોઝિનોએ આ બધું કર્યું? કેમ હું એક રાજકુમારી હોવા છતાં એક સાધારણ વ્યક્તિ ની જેમ જીવી રહી છું? મદદ કર કાના." ને આટલું બોલતા એની આંખોમાં પાણી આવી ગયું. પોતાના વિશે વિચારતી વિચારતી નિયાબી સુઈ ગઈ.

નિયાબી ની વાત બરાબર હતી. જ્યારે આપણ ને આપણા અસ્તિત્વ કે આપણા વિશે જ ખબર ના હોય ત્યારે આપણે ખરેખર પોતાને એકલા અને અસહાય સમજીએ છીએ. પણ કહે છે ને કે જેનું કોઈ નથી એનો ઉપરવાળો છે. ને ઉપરવાળા એ નિયાબીના દરેક પ્રશ્નોના જવાબ તૈયાર કરી જ રાખ્યા છે. બસ હવે નિયાબીએ આ જવાબો સુધી પહોંચવા ની જ રાહ છે.


ક્રમશ..............