Aek Vanzaran books and stories free download online pdf in Gujarati

એક વણઝારણ



રાત્રીના ૧૨: ૪૫ જેટલા વાગ્યાં હતાં. બસ ધીમે ધીમે અમારાં ઘર તરફ જઈ રહી હતી. બસની અંદર ખાખી કપડામાં મારાથી આગળની ચાર પછીની સીટ પર બેઠેલાં કંડકટર સાહેબ ક્યારના પોતાના હાથમાં રહેલા ટીકીટ મશીનમાં ઘુચવાયેલા હતા. જયારે બસમાં બેઠેલાં પેસેન્જરમાંથી મોટા ભાગનાં તો હમણાં જમીને સીટ ઉપર જ સુવાની તૈયારી કરી રહયા હતા. હું તો મારા મિત્ર નિકુંજભાઈનાં ઘરે જમીને જ ગીતામંદિર(અમદાવાદ) આવ્યો હતો. એટલે કઈ પણ ચિંતા ન હતી. કારણ કે એક અઠવાડિયાથી રોજ હોટેલનું જમ્યો હતો. પણ આજે આટલા દિવસ પછી તેના ઘરે જમીને ખુબ જ આનંદ થયો. જો કે આણંદ હોટેલમાં પણ સારું સારું જ જમ્યા હતાં. પણ ઘરની તોલે તો ન જ આવે. અહિયાં અમદાવાદ નિકુંજભાઈએ મને પૂછ્યું પણ ખરું કે હોટેલમાં જવું છે કે પછી ઘરે ? પરંતુ મને તો બહાર કરતાં ઘરે જ જમવાનું વધારે યોગ્ય લાગ્યું.


વળી અત્યારે મારી સાથે મારી બેન પણ ઘરે આવી રહી હતી. તેની પોલીસમાં ટ્રેનીગ શરૂ હતી. પરંતુ ઘરે સબંધીમાં લગ્ન હોવાથી તે આજે ત્રણ દિવસની રજા લઈને આવી રહી હતી. એટલે અમે બંને ભાઈ-બહેન બસ સ્ટોપ ઉપર જ ભેગા થયા. અને મળતાની સાથે થોડીવાર મારા પર એ ગુસ્સે પણ થઇ. કારણ કે એ મારી વાટ તેના ટ્રેનીગ સેન્ટરે જોઈ રહી હતી. જ્યાં તેને અગાઉથી જ બધાને કહી દીધું હશે કે મારો ભાઈ આવવાનો છે. પણ હું જ ત્યાં ન જઈ શક્યો. તેથી બધા તેને ત્યાં પૂછતા હશે કે કેમ તારો ભાઈ ન આવ્યો. હવે ત્યાં તેને બધાનું સાંભળવું પડ્યું. જયારે અહિયાં થોડીવાર બસ સ્ટોપ ઉપર મારે તેનું સાંભળવું પડ્યું. અને કદાચ ઘરે ગયા પછી પણ વધારે સાંભળવું જ પડશે. પણ જો કે હું મારી રીતે તો એકદમ નિર્દોષ જ હતો. અને મારે પણ તેની પાસે જ જવું હતું. પરંતુ સંજોગો જ એવા બન્યાં કે બધું જ પ્લાનીંગ વિખાય ગયું. પણ હવે ફરી અમદાવાદ આવીશ ત્યારે પાક્કું, એવો ત્યારે તો દિલાસો આપી દીધો. અહિયાં બસ સ્ટોપ ઉપર ખુબ જ ભીડ હતી. અને અમારી બસ ૧૦: ૨૯ આજુબાજુ આવવાની હતી. જો કે એ સમયે આવી પણ ગઈ. પરંતુ બસમાં પણ ઘણીબધી ભીડ હતી. તેમ છતાં અમને તો સીટ મળી ગઈ. તેથી હવે ઘર સુધી બેઠાં બેઠાં આરામ જ હતો.


મુસાફરી બહુ લાંબી હતી. લગભગ બધાનું સ્ટેશન સવારે જ આવવાનું હતું. એટલે ધીમે ધીમે બધા જ આંખો બંધ કરવાં લાગ્યાં હતાં. જો કે એ બધામાં મારી બેન પણ આવી જાય. એ પણ આખો દિવસ ટ્રેનીગ કરીને થાકી ગઈ હશે. જયારે મારી આંખો તો ધૃવદાદા ભટ્ટ એ આપેલાં પુસ્તક “ અકુપાર” ઉપર જ ફરી રહી હતી. કારણ કે જે પુસ્તકને વાંચવાની હું ઘણા સમયથી આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો. એ પુસ્તક અત્યારે પોતાના જ હાથમાં હોય, પછી કેમ રહી શકાય ? અને એ પણ ખુદ તેના જ સર્જકનાં હસ્તે આપણને ભેટ તરીકે મળ્યું હોય. તેની તો ખુશી જ કઈંક અલગ હોય છે. ખરેખર ધૃવદાદાને મળીને ખુબ આનંદ થયો. અને તેના મારા પુસ્તક માટે આશીર્વાદ પણ મળ્યાં. આમ તો બસમાં મોટાભાગના નીંદર જ કરવાં લાગી ગયા હતાં. તો અમુક હતાં કે જે મોબાઈલમાં ગીત સાંભળી અને ગેમ રમી રહયા હતાં. પણ આપડે તો અકુપારમાં જ ખોવાઈ જવા તૈયાર હતાં. પરંતુ ત્યાં જ મારી બાજુની સીટ ઉપર બેઠેલાં એક માસી તેના નાનાં તોફાની છોકરાને મારી તરફ જોવડાવીને ડરાવવાં લાગ્યાં ‘ કઈ પણ તોફાન કર્યા વિના આંખો બંધ કર, નહીતર આ મોટી દાઢી વાળા ભાઈ ને જુવે છે ને તું ...? કહું તેને કે આ આંખો બંધ નથી કરતો .. બોલ કહું .. ? હાલ ચુપચાપ સુઈ જા તો ! ‘ આ સાંભળતો તે છોકરો મારી તરફ તિરસી નજરે જોઈ રહયો. થોડીવાર મેં પણ તેની સામું જોયું. મને જોઇને તેના ચહેરાનો હાવભાવ થોડો ઘણો તો જરૂર બદલાયો હતો. જયારે હું તો મનમાં જ વિચાર કરતો કે મારાથી તો કોઈ છોકરું પણ નથી ડરતું. પરંતુ હું એકદમ ખોટો સાબિત થયો. થોડીવાર પછી પેલા માસીએ મારી સામે ઈશારો કરી તેના છોકરાના કાનમાં એવું તો કઈંક કહયું કે તે એકાએક ડરી તેને પોતાને માતાના પાલવ ઢાંકી લીધો. તે જોઇને હું તો ચોંકી જ ગયો. શું ખરેખર હું એવો વિચિત્ર લાગતો હતો ? કે મને જોઇને કોઈ છોકરું ડરી જાય. મેં તરત જ ખીચ્ચાંમાંથી ફોન કાઢી એક ફ્લેશ સાથે સેલ્ફી લીધી. મારો અડધો ચહેરો કાળી લાંબી દાઢીથી ઢંકાયેલો હતો. આંખો લાલ ચમકી રહી હતી. માથાનાં વાળ અસ્ત્યવ્ય્સ્ત જણાતા હતાં. શું આનાથી કોઈ છોકરું ડરી જાય ખરું ? હું મનોમન જ પોતાની દાઢી ઉપર હાથ ફેરવતો હસી રહ્યો હતો.


બસની અંદર ઝાંખી પડી ગયેલી લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. ધીમે ધીમે બધા જ સીટ સાથે હસ્તમેળાપ કરતાં આંખો બંધ કરવાં લાગ્યા હતાં. પેલો તોફાની છોકરો તેની માતાના પાલવ પાછળથી કદાચ મને જોઈ રહ્યો હતો. અને તેની માતા ધીમા હાલરડાં સાથે હળવે હળવે તેના માથા પર હાથ ફેરવતી તેને સુવડાવવાની કોશિશ કરી રહી હતી. તેના હાથમાં મમતાનું વહાલ ચરી આવતું હતું. અને ક્યારેક ક્યારેક એ વહાલો ખુશ ચહેરો મારી તરફ પણ વળતો હતો. સામે હું પણ થોડું શરમાયને સ્મિત આપી દેતો હતો. આ જ દ્રશ્ય મેં આ અઠવાડિયામાં બીજીવાર જોયું હતું. ભલે બંનેમાં થોડોઘણો ફેરફાર હતો. તેમ છતાં મમતા તો એક જ હતી. પછી તે કોઈ વણઝારાની કેમ ન હોય ! માં તો માં છે. તેના વહાલની દુનિયામાં કોઈ પણ સાથે સરખામણી ન કરી શકાય. અને આજે એજ મમતાએ મને ફરીવાર ભાવુક બનાવ્યો હતો. પણ એ આંસુ નિરંથક ન હતા. મારા ગાલ પર દડી રહેલાં એ ખારા આંસુ પણ મને ગમતાં હતા. કારણ કે જીવનમાં આપણે ખુબ જ ઓછાં ભાવુંક થઈને આંસુ પાડતા હોઈએ છીએ. એ પણ કોઈ બીજા અજાણ્યા માટે કે જેને તમે દુર દુર સુધી ઓળખતા પણ નથી. બસ બે ક્ષણ તેની મમતામાં તમે એટલા બધા ખોવાય જાવ કે તે પોતાના લાગવા લાગે છે. કોણ જાણે ઈશ્વરે માતાની મમતામાં કેટલી શક્તિ આપી હશે ? મારા આંસુ તો અકુપાર દડવા લાગ્યાં હતાં. પણ તેને સંભાળવા હંમેશની જેમ મારી પાસે ફક્ત રૂમાલ જ હોય છે. એ સિવાય આ દાઢીવાળાનો કોણ સાથ આપે ?

એક અઠવાડિયા પહેલાં

આજે વહેલી સવારે હું મારા પ્રકાશિત થનારા પુસ્તક “ બૃહદ ગીરનો સાવજ “ માટે મારા ઘરેથી આણંદ- વિદ્યાનગર તરફ જવા નીકળી ગયો હતો. અત્યારની જેમ સવારે પણ બસમાં જ મુસાફરી શરૂ કરી હતી. એટલે છેક આણંદ સુધી બારી બહાર નિહાળતું રહેવાનું હતું. જે આમ તો મને ખુબ જ ગમતું હતું. બસમાં ઘણાખરા તો વાતું અને આરામ કરવા જ બેસતાં હોય છે. પરંતુ આપડે તો બારી બહારના રંગીન દ્રશ્યો જોવાના હોય છે. અને વચ્ચે કોઈ ગામ કે શહેર આવે તો ઉતાવળા બની દુકાનો અને બેનર ઉપરનું લખાણ વાંચવાનું હોય છે. જે મારા માટે પોતાની સાથે થયેલી એક સ્પર્ધા છે. ખાસ તો મને વધારે બારી બહારનાં લીલા ખેતરો, નદીઓ, અવનવાં જંગલો જેવા કુદરતી દ્રશ્યો જોવા જ ગમે. કારણ કે મને તેની સાથે બાળપણથી જ અનેરો લગાવ છે. તો વચ્ચે આજુબાજુમાં ચાલી રહેલી વાતો પણ ક્યારેક સાંભળવી ગમે, જો તેમાંથી એકાદ સારી સ્ટોરી મળી જાય. પણ જો એ આપણા લાયક હોય તો જ ... બાકી બધું જતું કરી દેવાનું, આમ તો લાંબી મુસાફરીની પણ કઈંક અલગ જ મજા હોય છે. પણ આજુબાજુમાં જો કોઈ સારા પાડોસી મળે તો ... બાકી તો એકલાં ખારીશીંગ ખાઈને બારી બહાર જોઈ રહેવાનું થાય. વળી ઘણીવાર કોઈ છોકરીને જોઇને કવિતા પણ આવી જાય. બસ બીજું કઈ ન આવે. પણ તેની આજુબાજુમાં બેઠેલાં જુવાનીયાઓનું તેનું પર જરૂરથી દિલ આવી જતું હશે.


શિયાળાનો દિવસ આમ તો ઘણો જ ટૂંકો લાગે છે. વહેલી સવારે પાંચ વાગ્યે બસમાં બેઠો ત્યારે ચારેબાજુ અંધારું અને તેમાં જ છુપાયેલો ધુમ્મસ, એટલે બંને હાથ કોટના ખીચ્ચાંમાંથી બહાર કાઢવાની હિમ્મત જ ન થાય. સવારે વહેલા ઉઠવા સાંજે ત્રણ ચાર આલાર્મ સેટ કર્યા, ત્યારે પથારીમાંથી ઉભા થવાયું હતું. કેવી ગજબની ઠંડી પડતી હતી. બસમાં ચડ્યો ત્યારે તો મોટાભાગની બસ ખાલી જ હતી. આમેય વહેલી સવારે કોણ ઉઠે ? પણ ધન્યવાદ આપવા પડે આ એસ.ટી. બસનાં ડ્રાઈવર-કંડકટર સાહેબને. બિચારા રાત્રે બસમાં જ સુતા હોય. અને વહેલા કડકડતી ઠંડીમાં બસ ચલાવવાની શરૂ કરે. મારી બસનાં ડ્રાઈવર સાહેબની તો કઈ ખબર નહિ. પણ કંડકટર સાહેબની તો ફક્ત બે આંખો જ દેખાતી હતી. આખા શરીરે કાળો ધાબળો વિટેલો, અને માથે મફલકને લીલી ટોપી. તો હાથમાં પણ મોજાં પહેરેલાં હતાં. એ તો જયારે ટીકીટ આપવા આવ્યાં. ત્યારે ખબર પડી. એ લેડી કંડકટર છે. બીજું તો શું કરે એ ? ઠંડી તો બધાને લાગે. સરકારી નોકરી તો જુદી વાત છે.


બારીનાં કાચની બહાર ધીમે ધીમે અંધકાર ઓછો થઇ રહ્યો હતો. સુરજ ઊગવાને હવે થોડી જ વાર રહી હતી. તો બસમાં બેઠેલાં મોટાભાગનાએ હાથની અદપ વાળી છાતીને જકડી માથું સીટ ઉપર ઢાળી દીધું હતું. આખીય બસની બારીનાં કાચ બંધ હતાં. સિવાય એક છેલ્લી બારીને છોડતાં, એ કદાચ તૂટેલી લાગતી હતી. સરકારી બસ રહીને, એટલે તેને વધારે નજર લાગતી હોય છે. આ બધાને જોઇને હવે મારી આંખો પણ ઘેરાવા લાગી હતી. એટલે ફક્ત આંખો બંધ કરવાનો ઢોંગ કરવાં લાગ્યો. પણ અહિયાં કોને ખબર હતી કે ઢોંગમાં ને ઢોંગમાં સાચે જ ઝોલું આવી જશે. અને હું બંને આંખ ખોલું તે પહેલાં શિયાળાની વહેલી સવારનો નરમ સૂર્ય ઉગી જશે.


બંધ આંખોમાં અચાનક જ નીંદ ઉડી ગઈ. એ સાથે બસ પણ રસ્તા પરથી ઉતરતી હોય તેવું મને લાગ્યું. આંખ ખોલી તો રાતા સૂર્યના પ્રકાશ નજરે પડ્યા. જયારે બારી બહાર ધૂળની ડમરી ઉડી રહી હતી. સડકની બાજુમાં તો કાચો રસ્તો જ હોય. જે ધૂળિયો માર્ગ કોઈ હોટલ તરફ જઈ રહ્યો હતો. અચાનક જ ડ્રાઈવર સાહેબે બસનો વળાંક લેતાં સુતેલા બધા જ જાગી ગયા. અને ધીમે રહીને બસ ઉભી રહી. બસની પાછળ હજી પણ ધૂળ ઉડી રહી હતી. અત્યારે અહિયાં હોટેલમાં ચા-નાસ્તો કરવાં ઉભા રહયા હતા. ધીમે ધીમે કરતાં બધા જ નીચે ઉતરી રહયા હતા. પણ આપડે કઈ ચા પીવી નહિ. એટલે બસમાંથી ઊતરવાનું ટાળ્યું. કોટનાં ખીચ્ચાંમાંથી હાથ સાથે મોબાઈલ પણ બહાર કાઢ્યો. લોક ખોલીને જોયું તો સાત ને પંદર મિનીટ થઇ હતી. અત્યારે મોબાઈલમાં કેટલાંયનાં ગુડ મોર્નીગ, જય શ્રી ક્રિષ્ના, જય માતાજી ......વગેરે જેવાં કેટલાંય મેસેજ આવી રહયા હતાં. જેમાંથી મોટાંભાગનાં આપણને બ્રોડકાસ્ટથી મોકલતાં હોય છે. (ખાસ નોંધ : આ સ્ટોરી વાંચનાર જો મને બ્રોડકાસ્ટથી મેસેજ કરતાં હોય તો ખોટું ન લગાવશો. તમે અમને બધાની સાથે સામેલ કરો છો. એજ મારા માટે મોટી વાત છે.) પણ ઘણા મેસેજ પર્સનલ પણ હતા. એ મને રોજ સવારે લખી મોકલે ........(એ હું નાં કહું, પરંતુ એ ઘણા જ પર્સનલ છે. વળી મને પૂછીને શરમાવશો નહિ. અને બીજું કઈ આડુંઅવળું વિચારવું નહિ.) થોડીવાર મારું બધું જ ધ્યાન મેસેજનાં વળતાં જવાબ આપવામાં રહયું. હવે આપડે કઈ બ્રોડકાસ્ટ વાપરીએ નહિ. એટલે બધાનાં જવાબ આપતાં વાર લાગે. એવામાં અચાનક જ મારી નજર બારી બહાર ગઈ. એ બરાબર જોવા બારીનાં કાચ પણ ખોલી દીધા. (ખોલતાં ઘડીક તો ખરેખર કેવી ગજબની ઠંડી લાગી) અને બસ પછી તો એકી નજરે ત્યાં જોઈ જ રહ્યો. મારી આંખ સામે પહેલાં તો આ હોટેલનું મોટ્ટું બોર્ડ લગાવેલું હતું. અને તે બોર્ડની પાછળ એક ખુલ્લું ખેતર હતું. જ્યાં.......................................................................................


એક સરખાં ગોઠવેલાં ત્રણ પથ્થરો વચ્ચે તાપ થઇ રહ્યો હતો. જે પથ્થર ઉપર રહેલી તાવડીને તપાવવાનું કાર્ય કરી રહ્યો હતો. અને એ તાવડી ઘવના લોટની રોટલીને ચેકવાનું કામ કરી રહી હતી. જયારે આ રોટલી એક છોકરી ....નાં, નાં, એક માતા..... નાં, નાં, ..... શું કહું તેને ? કઈ પણ સમજાતું નથી. (ચાલો તમને જ પૂછું છું) ગોરુંને સુંદર ગોળ મુખડું, નાકમાં મોટી બંગડી જેવી નથડી, બંને કાનમાં ચમકતાં અલંકાર(શું પહેર્યું તેનું નામ નથી આવડતું, પણ કઈંક મોટા ઝૂમખાં જેવું હતું.) કપાળની વચ્ચે એક ટીલડી. અને તેની ઉપર કઈંક માથાનાં વાળમાંથી આભુષણ લટકતું હતું. બંને આંખો એકદમ કાળી હતી. એટલે કાજળની જરૂર ન હતી. વળી નેણનાં ખૂણે અને આંખથી બે દોરાવા પાસે બંને બાજુ કઈંક ત્રણ ત્રણ ટપકાં કે નાની ટીલકીઓ કરેલી હતી. અને એક ટીલકી હોઠની એકદમ નીચે મધ્યમાં. ગળામાં મોટો હાર ને બંને હાથ આખાય બંગડીઓનાં ભરેલાં હતા. માથે કેસરી-લીલો સાડીનો કટકો હતો. તો બીજા કપડાં ચમકદાર અને હાથ બનાવટથી ભરત ભરેલાં હતાં. તો પગમાં એક મોટ્ટું ચાંદીનું કડા જેવું કઈંક પહેરેલું હતું.


મારી આંખો સતત તેને જ નીરખી રહી હતી. તેની બાજુમાં જ એક નાનું બાળ આછી લાલ ચાદર ઓઢીને બેઠું હતું. કદાચ તેની ઉમર બે-ત્રણ વર્ષ જેટલી જ હશે. એ બાળકની ઝીણી આંખોમાં તાવડી પરની રોટલી દેખાતી હતી. આખાય ખેતરમાં વણઝારાઓએ પડાવ નાખ્યો હતો. એટલે બધે જ ઊંટ, બળદ, ગાય, ઘેટા-બકરાં, કુકડા અને બે-ત્રણ કુતરાઓ બેઠેલાં હતાં. મોટી ઊંટગાડી અને બળદગાડીઓ આજુબાજુમાં ગોઠવાયેલી હતી. તો એક ખૂણામાં બે ખાટલા ઉપર થોડાં જુવાનીયાઓ બેઠાં હતાં. તેનો પહેરવેશ પણ અટપટો લાગતો હતો. વળી સ્ત્રીઓની જેમ આ લોકોએ પણ કાનમાં કઈંક આભુષણ જેવું પહેરેલું હતું. અને કમરે કંદોરાની જગ્યાએ ચાંદીનો ચેન હતો. માથે પાઘડી અને મૂછોને છેક કાન સુધી પહોચાડેલી. હજી વધારે કઈંક નિરીક્ષણ કરું, એ પહેલાં તો અચાનક મારી બારી આડે બીજી બસ આવીને ઉભી રહી ગઈ. મારી સાથે હંમેશા આવું જ થતું હોય છે. પણ કઈ નહિ, હવે વધારે સમય ગુમાવ્યાં વિના હું તરત જ બસ નીચે ઉતરી ગયો. પણ કહેવાય છે ને કે જે થાય એ સારા માટે જ થાય. નીચે બીજી બસ પાસે ઉભો રહી. હું ફરીથી ત્યાં જોવા લાગ્યો.


સુરજના રાતા કિરણો અત્યારે બધે જ ફરી વળ્યાં હતાં. તેમ છતાં પણ ઠંડી ઓછી થવાનું નામ નતી લેતી. મેં તો કોટ પહેર્યો હતો તેમ છતાં પણ આટલી ઠંડીની અસર થઇ રહી હતી. તો પછી એ રોટલી કરતી સ્ત્રીની શું હાલત થઇ રહી હશે ? ભલે તે અત્યારે ચુલા પાસે બેઠેલી હોય. તો પણ આખા શરીરે બીજું કઈ પણ ગરમ કપડું ન હતું. એક હતી ચાદર જે તેના બાળને ઓઢાવેલી હતી. ખરેખર ધન્ય છે આ માતાને ... બસ ત્યાં જ અચાનક એ સ્ત્રી ઉભી થઇ. પણ આ શું ? તેના ખોળામાં પણ એક બાળક સુતેલું હતું. એ તો મને દેખાયું જ નહિ. એ જોઇને હું તો ચોકી જ ઉઠ્યો. ઉભા થતાની સાથે તે પોતાનું વસ્ત્ર સરખું કરવાં લાગી. જે ઉપરથી મને લાગ્યું કે તે અત્યાર સુધી તેના બીજા બાળકને સ્તનપાન કરાવી રહી હશે. વળી ઉભા થઈને તેને પોતાના નવજાત બાળકને ત્યાં જ કપડાં ઉપર નીચે રાખી દીધું. અને અડધી ચાદર ઢાંકી દીધી. એ હવે સીધી મારી જ તરફ ચાલતી ચાલતી આવી. વળી મારી તરફ તેને આવતાં જોઈ હું અંદરથી થોડો ગભરાયો પણ, કારણ કે હું ક્યારનો તેને જ જોઈ રહ્યો હતો. તેના પગલાં ધીમે ધીમે મારી તરફ વધી રહયા હતાં. એટલે હવે હું પણ ત્યાંથી નજર હટાવી આજુબાજુમાં જોવા લાગ્યો. ક્યારેક હોટલ બાજુ તો ક્યારેક રસ્તે દોડતાં વાહનો તરફ.....


તેના પગલાં હોટલનાં બોર્ડ પાસે આવીને થંભી ગયાં. એટલે મેં તેની તરફ એક નજર ફેરવી જોઈ. તો સામે તેની નજર પણ મારી સામે જ મંડરાયેલી હતી. મને તેની તરફ જોતાં અચાનક જ તેને હાથ ઉચો કરી. તેની પાસે જવા માટેનો મને ઈશારો કર્યો. એ જોઇને થોડીવાર તો હું ગભરાયો. તેમ છતાં તેની પાસે ગયો. પણ તેની પાસે પહોચતાં હું તો ઘણો જ આઘાત અનુભવવા લાગ્યો. થોડીવાર તો હું વિચારતો જ રહી ગયો. કારણ કે જેને હું અત્યાર સુધી એક માતા કહી રહયો હતો. તેની ઉમર તો હજી સોળ વર્ષની પણ નહિ હોય. તેમ છતાં પણ તેના હાથ પીળા કરી દેવાયેલા હતા. વળી માથે જવાબદારીનાં ભાર રૂપે સિંદુર પણ લગાવેલું હતું. અને ગાળામાં પહેરેલું મંગલસૂત્ર પણ તેને જકડી રાખતું હતું. શું તેના બાર-તેર વર્ષની ઉંમરે લગ્ન કરી દેવાયા હશે. મને તો વિચારતા પણ આઘાત લાગી રહ્યો હતો. કે અત્યારના સમયમાં પણ લોકોની માનસિકતા બદલી નથી. ખરેખર તેને જોઈને મને અંદરથી બહું જ દુઃખ લાગ્યું.


“ મને પેલી દુકાન થી એક ભિસ્કીટનું પાકીટ લઇ આલશો “ ? એ સ્ત્રી (છોકરી કે માં ?)મારી સામે જોઇને બોલી. (હું હજી વિચારું છું કે શું કહું તેને, એક માતા, છોકરી કે ફક્ત એક સ્ત્રી ?) હું બે ક્ષણ કઈ પણ બોલ્યા વિના બસ તેની સામે ચુપચાપ ઉભો જ રહ્યો. તેને ફરી મને કહયું “ આ લ્યો આ દહ (દસ) રૂપયાની નોટ જરાક લઇ આલો ને તો સારું, એ જણ અમને ત્યાં નથ ગડવા દેતાં, મારો છોરો હજી શિરામણ વગર બેઠો શ.અ અ અ... “ એટલું કહેતા તેને મારી તરફ પૈસા આપવા હાથ લંબાવ્યો. સામે મેં પણ હાથ લંબાવી ચુપચાપ એ ગોળ ગોળ વળી ગયેલી મેલી નોટ લઇ લીધી. અને ધીમે ધીમે દુકાન ... ઓહ્હ સોરી, હોટેલ તરફ ચાલવા લાગ્યો. પાછળથી ફરી કઈંક અચાનક અવાજ આવ્યો. “ એ થોડાં વધારે ભિસ્કુટ આવે એવા દેખજો “ મેં પાછળ નજર ફેરવીને તરત જ આગળ લઇ લીધી. અને ધીમે ધીમે હોટલનાં કાઉન્ટર તરફ ગયો. પગથિયા ચડતાં અહિના કાચનાં ફર્નિચરમાં મને એ સ્ત્રી ધૂંધળી દેખાય રહી હતી. જેની નજર મારી તરફ જ હતી. જયારે હું તો વિચારોના વંટોળમાં જઈ ચડ્યો હતો. શું ખરેખર કોઈ છોકરીના આટલી નાની ઉંમરમાં લગ્ન થઇ ગયા હશે ? આ ઉંમર તો હજી તેની રમવા કુદવા અને ભણવાની હોય છે. જયારે અહિયાં તો બે બાળકની જવાબદારી સોંપી દેવાય હતી. એ પણ એક કોમળ છોકરીને ? જે પોતે જ એક છોકરી છે. તેને જ એક માતાની જરૂર હોય છે. પણ અહી તો તેને જ એક માતા તરીકેનું દાયિત્વ સોંપી દેવાયું હતું. એ પણ આટલી નાની નાજુક ઉંમરમાં ?


કાઉન્ટર પર જઈને મારી નજર ચારેબાજુ મોટા પેકેટમાં બિસ્કીટ શોધી રહી હતી. પણ ક્યાય નજર સ્થિર ન થઇ. એટલે કાઉન્ટર પર ઉભેલા વ્યક્તિએ જ મને સામેથી પૂછ્યું .. “ શું જોઈએ છે સાહેબ “ ? પણ તેની વાતને હું નજર અંદાજ કરતો બિસ્કીટ જ શોધી રહ્યો હતો. એટલે તે ફરીવાર મને પુછવા જઈ જ રહ્યો હતો. બસ ત્યાં જ મેં તેને કહ્યું ... “ નાના બાળક માટે કોઈ મોટા પેકેટમાં સારા બિસ્કીટ હશે “ ? મારી વાત સાંભળી તરત જ તેને જમણી બાજુ જઈ, એક બોક્સમાંથી એક મોટું પેકેટ મને બતાવ્યું. “ આ ચાલશે સર “ ? મારા માટે એ કંપની જાણીતી હોય તેવું મને લાગ્યું. એટલે મેં માથાનાં ઈશારામાં હા, કહી. મારો સંકેત મળતાં જ તેને બોક્સ પહેલાની માફક ગોઠવી દીધું. અને બિસ્કીટ સાથે મારી સામે ઉભો રહ્યો. “ સર, આ કંપની દ્વારા ઘણા બધા ફ્લેવરમાં બિસ્કીટ બહાર પડે છે. બીજા કોઈ પસંદ કરશો “ ? હું થોડીવાર કઈ બોલ્યો નહિ, કારણ કે અત્યારે મારા મગજમાં બીજી એક વાત ક્યારની ફરી રહી હતી. એ વણઝારણ સ્ત્રીએ એવું કહ્યું હતું કે, તેને અહિયાં આ લોકો આવવાં નથી દેતાં, પણ કેમ ? એ સવાલ ક્યારનો મને મૂંજવી રહ્યો હતો. એટલે તેનો જવાબ મેળવવો મારા માટે જરૂરી બની ગયો હતો. અને તેનો જવાબ કદાચ અહિયાં જ મળે તેમ હતો. એટલે પૂછ્યા વિના ન રહેવાયું....


“ નાં. સોરી દોસ્ત, પણ મને એ કહો કે પેલી સ્ત્રીને તમે કેમ અહિયાં નથી આવવાં દેતાં “ ? મેં તેને સામે જોવડાવતા કહ્યું. મારી વાત સાંભળીને બે ક્ષણ તો એ સ્ત્રી સામે જ જોઈ રહ્યો. અને પછી મારી સામે વળી ને બોલ્યો. “ નાં, સર એવું તો કઈ નથી. અને હું તો આજે જ કાઉન્ટર પર દિવસના બેઠો છું. બાકી તો મારી ડ્યુટી નાઈટમાં જ હોય છે. “ તેને ધીમે રહીને કોઈ સાંભળે નહિ, તેમ મને કહ્યું. કદાચ તે તેના મેનેજરથી ડરી રહ્યો હોય તેવું મને લાગ્યું. તેનો ધીમો જવાબ સાંભળી. મેં પણ ફરીથી ધીમે રહીને વાત શરૂ કરી. “ તો પછી દિવસના કોની ડ્યુટી હોય છે “ ? મેં હળવેકથી તેને પૂછ્યું. “ પણ સર એવી તો ખબર અમને ક્યાંથી હોય. અહિયાં અમે ૪૫ ભાઈઓ કામ કરીએ છીએ. કોણ શું કરે ? એ ફક્ત મેનેજર સાહેબને જ ખબર હોય છે. કારણ કે બધું કામ એજ સંભાળે છે. એ કહે તેમ અમે બધા કરતાં હોઈએ છીએ.“ તેને એકદમ નિર્દોષ ભાવથી મારી વાતનો જવાબ આપ્યો. મને હજી પણ મારો જવાબ મળ્યો ન હતો. પણ એ સોળ વર્ષની માતા મારી જ તરફ જોઇને ઉભી હતી. એટલે મેં પહેલા બિસ્કીટ તેને આપી આવવાનું નક્કી કર્યું. પછી ફરીથી મારો જવાબ શોધવા લાગી જાવ, “ કેટલાં આપવાનાં બિસ્કીટના “ ? મેં ખીચ્ચાંમાં એક હાથ નાખતાં કહ્યું. જયારે બીજા હાથમાં તો તેને આપેલી દસ રૂપિયાની નોટ હતી.

“ સર, પાંત્રીસ રૂપિયા થયાં. પણ બે પેકેટ ખરીદશો. તો ડિસ્કાઉન્ટ સાથે ૫૦ રૂપિયામાં પડશે. આપું એક પેકેટ “ ? તેની વાત સાંભળી ન સાંભળી મેં ઉતાવળે ઈશારે હાં, કહી દીધી. અને પોકેટમાંથી પૈસા કાઢવા લાગ્યો. મારી સાથે તેને પણ બિસ્કીટનાં બંને પેકેટ એક સાથે ટેબલ પર રાખી દીધા. તેમજ અચાનક જ ધીમે રહીને બોલ્યો. “ અહિયાં હોટેલમાં સર, તમે તો જાણો જ છો કે કેવાં કેવાં ઉચા લોકો આવે. હવે બધાં વી.આઈ.પી આ હોટેલમાં જમવા કે નાસ્તો કરવાં આવતાં હોય. ત્યાં પેલાં વણઝારા માણસોને કેમ આવવાં દે ... ? હોટેલની રેપ્યુટેશન નો સવાલ છે. પણ તેમાં અમારો કઈ વાંક નથી. અમારે તો નોકરી રહી એટલે મેનેજર જેમ કહે તેમ કરવું પડે. જયારે મેનેજર હોટેલના માલિકનાં કહ્યા પ્રમાણે ચાલતો હોય છે.” મારો હાથ પૈસા કાઢવામાં થોડો ધીમો પડ્યો. પણ મને બધી જ વાત સમજાય ગઈ હતી. હવે આગળ હું કઈ પણ બોલ્યો નહિ. બસ ચુપચાપ પૈસા ચૂકવી બિસ્કીટ લઈને ચાલતો થયો. ખરેખર અત્યારે માણસ જ માણસને નીચો કરે છે. તે અત્યારની કડવી હકીકત છે. એક સ્ત્રીને તેના બાળકને ખવરાવવા સારી જગ્યાએથી કોઈ વસ્તુ નથી મળતી. એ વાત તો જુદી છે. પરંતુ તેમને ત્યાં જવાની પણ પરવાનગી નથી હોતી.


હું બિસ્કીટ લઈને થોડો ઉતાવળો ચાલ્યો. અને જેવો એ સ્ત્રી પાસે પહોચ્યો કે મને રડવાનો અવાજ સંભળાયો. તેથી મારું ધ્યાન તે તરફ વળ્યું. ચુલા પાસે પેલું બાળક રડી રહ્યું હતું. મારી સાથે એ સ્ત્રીની નજર પણ ત્યાં જ હતી. તેના ચહેરા પર અત્યારે ચિંતાની કરચલીઓ દેખાય રહી હતી. હું એ સ્ત્રી પાસે પહોચ્યો એ પહેલાં જ તેને બિસ્કીટ માટે હાથ લંબાવી દીધો હતો. એટલે તે ઝડપથી બિસ્કીટ લઈને તેના રડતાં બાળક પાસે જઈ શકે. હવે મેં પણ તેના લંબાયેલા હાથ પર બિસ્કીટનાં બે પેકેટ મૂકી દીધા. એ જોઇને તે કદાચ થોડીવાર ચોકી ગઈ હતી. કારણ કે તેને એટલી તો ખબર હશે જ કે દસ રૂપિયાના આટલા મોટા બે પેકેટ ન આવે. એટલે તે કદાચ ઠપકા સાથે બોલી ઉઠી, “ મેં તમોને ખાલી એક ભીસ્કુંટનું ભણ્યું હતું “ હું એક હાથ કોટના ખીચ્ચાંમાં રાખીને ચુપચાપ સાંભળતો ઉભો રહ્યો. તેની નજર તો ક્યારની રડતાં બાળક સામે હતી. “ આ એક તમ પાસું લેતાં જવ, મારી પોહે ઈનાં પૈસા નથ તમને આલવા. “ આટલું તે ઉતાવળથી બોલી ગઈ. “ મારે તેના પૈસા નથી જોતા જાઉં “ હું શિસ્તબદ્ધ રીતે બોલી ગયો. “ નાં, એવું ન હાલે, અમો તો અમારી જાત મેનતનું જ ખાઈએ “ તેનું આ વાક્ય સીધું મારા હદય સુધી પહોચી ગયું. આટલી નાની ઉંમર અને આવી પરિસ્થિતિ તેમ છતાં પણ આટલી પ્રામાણિકતા ? ખરેખર ઈશ્વર તો આવા લોકોને જ મળતાં હોય છે. તો પછી એ કેમ આમ જ્યાં ત્યાં ભટકવાની જિંદગી જીવતાં હશે ? ઈશ્વર તેની સામું નહિ જોતો હોય ?


તેને એક બિસ્કીટનું પેકેટ મને આપવા હાથ લંબાવ્યો. તે જોઇને હવે હું મુન્જાયો કે હવે શું કરવું ? પેકેટ પાછું લઉ કે ન લઉં ? “ આ જ ટ લ્યો મારી છોરી રોવે છે “ એ ત્યાં જવાની પૂરી તૈયારી સાથે બોલી. બસ ત્યાં જ પાછળથી કોઈ મને બોલાવી રહયું હોય તેવું મને લાગ્યું. એટલે તરત જ હું પાછો ફર્યો. તો સામેથી પેલા કંડકટર બેન મને બોલાવી રહયાં હતાં. અને બસ પણ આણંદ જવાની તૈયારીમાં શરૂ થઇ ગઈ હતી. એટલે અંદર બેઠેલાંનું ધ્યાન પણ મારી સામે જ હતું. એ જોઇને હું તો ઘાંઘો થઇ ગયો. આટલી જલ્દી બ્રેક પૂરો થઇ ગયો ? પણ હજી તો હમણાં ....... ? બસ ત્યાં જ ડ્રાઈવર સાહેબે મોટેથી હોર્ન માર્યો. એટલે આડાઅવળાં વિચારમાંથી એકાએક વર્તમાનમાં આવ્યો. એક તરફ પેલું બાળક રડતું હતું. તો તેને રડતું શાંત કરવાં તેની માતા મારી પાસે હાથમાં બિસ્કીટ સાથે ઉભી હતી. જયારે બીજી બાજુ કંડકટર મેડમ બૂમો પાડી રહયાં હતાં. અને તેની સાથે બસ પણ રસ્તા પર દોડવા ઉતાવળી થઇ રહી હતી. શું કરું કઈ સમજાતું ન હતું ? કઈ તરફ પગલું ભરું ? પરંતુ અત્યારે વધારે વિચારવા માટે થોડો પણ સમય ન હતો. એટલે મનોમન નક્કી કરી જ લીધું. એ બિસ્કીટ પકડેલો હાથ મારી તરફ જ લંબાયેલો હતો. પણ એ પ્રયાસ તેનો ખોટો હતો. કારણ કે મારા પગલાં તો બસ તરફ વધી રહયા હતાં. હવે મને એ તરફ આગળ વધતો જોઇને તેને ઉચેથી બોલવાનું શરૂ કર્યું. “ એ ભઈ આ તમ લેતાં જવ “ આવું અને એ સિવાયનું તેને કેટકેટલુંય કહયું. પણ મેં એકવાર પણ પાછળ વળીને ન જોયું. અને ધીમેકથી દોડતો સીધો બસમાં ચડી ગયો. અને ધીમે ધીમે કરતાં મારી સીટ સુધી પહોચ્યો. બસ હજી ત્યાં ઉભી હતી. કારણ કે ડ્રાઈવર સાહેબ એકાએક કઈંક ફોનમાં વાત કરી રહયા હતાં. સીટ ઉપર હું સરખો બેસતો બારી બહાર ખેતરમાં નજર કરી. પેલા તો એ સ્ત્રી ને બોર્ડની પાસે ન જોતા થોડી રાહત થઇ. ચાલો તેને બિસ્કીટનાં બંને પેકેટ લઇ તો લીધા હતાં. મેં થોડું ધ્યાનથી જોવા મારી આખી બારીનો કાચ ખોલી નાખ્યો. અને બસ પછી તો મારી નજર સામે એક નવું દ્રશ્ય સર્જાયું.


પોતાની માતાના હાથમાં બે મોટા બિસ્કીટનાં પેકેટ જોઇને તેના છોકરાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેને બેઠાં બેઠાં જ બંને હાથ બિસ્કીટ માટે લાંબા કરી દીધા. તેની માતાએ પણ ઉતાવળે બંને પેકેટ તેના બાળના હાથમાં રાખી દીધા. અને તરત જ પોતાની રડતી નાની બાળકીને નીચેથી ઉઠાવી લઇ, પોતાની છાતી સાથે છાપી દીધી. તેમજ બે ચાર સેકેન્ડમાં તો તેને પોતાની બાળકીને કેટલીય ચુમ્મીઓ (પપ્પી ભરી લીધી ) કરી લીધી. પણ તેમ છતાંય એ બાળકી કદાચ રડી રહી હતી. જો કે તેનો અવાજ તો હું સાંભળી શકતો ન હતો. તેને શાંત કરવાં બંને હાથે ઝુલાવવા પણ લાગી ગઈ. આ બધું જ હું બારીમાંથી એકી નજરે જોઈ રહ્યો હતો. શું પ્રેમ હતો એક સોળ વર્ષની માતાનો પોતાના બાળ પ્રત્યેનો.. હાથના ઝૂલાથી કદાચ કોઈ ફેર પડ્યો નહિ હોય. એટલે તરત જ પોતાની સાડીનો કટકો ઉચી કરી. પોતાની વહાલી છોરીને એક સોળ વર્ષની વણઝારણ માતા સ્તનપાન કરાવવા લાગી. અને સાડીનો કટકો ફરી તેની ઉપર ઢાંકી દીધો. બસ આ બધું જ જોઇને મારું મન ભરાય ગયું. બંને આંખોમાં પ્રેમના આંસુ ઉભરાવવા લાગ્યાં. કોણ જાણે કેમ ? પણ આ દ્રશ્ય મારા હદય સાથે જોડાય ગયું હતું. આવા દ્રશ્યો તો ભાગ્યેજ જોવા મળે છે. કે જે જોઇને આપણે ભાવુંક બની રડવા લાગી જઈએ. પણ મારા આંસુ ગાલ સુધી પહોચે, એ પહેલાં તો હાથ રૂમાલમાં સમાવી લીધા હતાં. જેથી કોઈ જોઈ ન જાય. અને જુવે તો પણ કઈ તકલીફ ન હતી. કારણ કે ત્યાં કોઈ ક્યાં મળે ઓળખતું હતું. એટલે કોઈ ચિંતા જેવું તો હતું નહિ. પણ કદાચ મારી જગ્યાએ બીજું કોઈ આ દ્રશ્ય જોઈતું હોત તો એ પણ રડી જ પડત.


મારી નજર ત્યાં સ્થિર થઇ ગઈ હતી. પરંતુ બસ લાંબો સમય ક્યાં સ્થિર રહેવાની હતી ? ધીમે ધીમે બસે આગળ ચાલવાનું શરૂ કર્યું. અને તે સાથે મારી નજર પણ ત્રાસી થતી ગઈ. અને થોડી જ વારમાં એ મમતાનાં વહાલને જોવાનું સદભાગ્ય પણ છીનવાઈ ગયું. મેં ઘણી કોશિશ કરી જોઈ બારીમાંથી જોવાની પણ હવે બસ રસ્તા ઉપર ચડી ગઈ હતી. પણ એ દ્રશ્ય જોઇને મારી બંને આંખો છેક આણંદ આવે એ પહેલાં કેટલીય વાર રડી ગઈ હતી. વારંવાર એજ દ્રશ્ય આંખ સામે આવી જતુ અને આંસુ રૂપે વહી પણ જતુ, પણ એક સવાલ સતત મારી સામે આવીને ઉભો રહી જતો હતો. કે શું કહું તેને ? એક છોકરી, માતા કે પછી સ્ત્રી ? કઈ પણ સમજાતું ન હતું. જીવનમાં ઘણીવાર એવા સવાલો ઉભા થઇ જાય છે. જેના જવાબ કદાચ નથી હોતા, અથવા તો એટલી સરળતાથી આપણને મળતાં નથી. કારણ કે એ એવી વિકટ પરિસ્થિતિમાંથી જ ઉદભવ્યા હોય છે.


મારું મન વહેલી સવારે અકુપારનાં ગીરમાં ભમી રહયું હતું. પણ અચાનક જ બસ ઉભી રહી. અને હું ફરીથી વર્તમાનમાં બૃહદ ગીર તરફ જતી બસમાં આવ્યો. અને જેવું પુસ્તકમાંથી ઉચુ જોયું તો એ તોફાની છોકરાની માં તેને બંને હાથે તેડીને દરવાજા તરફ જતાં હતાં. એ છોકરો અત્યારે નીંદરમાં જ હતો. અને અત્યારે તેનું સ્ટેશન આવી ગયું હતું. તેથી તેની માતાએ તેનાં દીકરાને જગાડવાને બદલે તેડી જ લીધો. એટલે પોતાના બાળની નીંદર ન બગડે, એ છોકરાના ચહેરાં પર હજી પણ માતાનો પાલવ ઢંકાયેલો હતો. બસ પછી તો અમુક જ સેકન્ડોમાં એ માતા પોતાનાં બાળને લઈને બસ નીચે ઉતરી ગઈ. અને હું તેને ચુપચાપ બસ એકી નજરે જોઈ જ રહયો. એ સિવાય તો બીજું શું કરું હું ? હવે બસ પણ ફરીથી રસ્તે દોડવા તૈયાર થઇ ગઈ. જયારે હું મારી સીટ ઉપર બેઠો બેઠો ઉચો થતો તેને બીજાની બારીમાંથી છેલ્લીવાર ડોકાઈને જોઈ રહયો હતો. ખરેખર ધન્ય છે તું મમતાની માવડી......જેવું ઘણું બધું મનમાં વિચારી રહયો હતો. એવામાં અચાનક બાજુમાંથી બેન બા એ દસ્તક દીધી. તેની નીંદર હવે કદાચ પૂરી થઇ ગઈ હશે. એટલે છેક અમારા સ્ટેશન સુધી અમે બંને ભાઈ-બહેન વાતો કરતાં રહયા. અને વાતોમાં અમારી મંજિલ પણ ક્યારે આવી ગઈ તેની પણ ખબર ન રહી. જ્યાંથી મેં સફરની શરૂઆત કરી હતી. ત્યાં જ અત્યારે બસ ઉભી રહી. અને અમે બસમાંથી નીચે ઊતર્યા. હવે મુસાફરી પૂરી થઇ એટલે ફરીથી પોતાના ઘર તરફનું પ્રયાણ, પરંતુ આ મુસાફરી મારા માટે ખુબ જ પ્રેમ ભરી રહી હતી. કેટલાંય સવાલો અને જવાબો સાથે સમજવાનું થયું. વળી આ દરમિયાન મારું હદય કેટલીયવાર ભાવુંક થયું. અને આંખો વારંવાર ભીની થઇ. હવે તો ઘરે જઈને પહેલાં પાણી જ પીવું પડશે. કારણ કે આંખોમાં પાણી ઓછું ન થવું જોઈએ. કારણ કે કઈ નક્કી નથી હોતું કે, તમે ક્યાં શું જોઇને ભાવુંક થઇ પડો. બાકી તો જે તે વ્યક્તિને આધીન છે............

( મારી મુસાફરીના પ્રસંગમાંથી ૨૯-૧-૧૮, = ૬-૨-૧૮)