Ek sandesh manvtano - 3 books and stories free download online pdf in Gujarati

એક સંદેશ માનવતાનો - ૩

*******************
એક સંદેશ માનવતાનો
ભાગ - ૩
*******************

અર્ઝાનની આ વાત પછી બીજે જ દિવસથી બાળકોએ પોતાનો ફાળો આપવાનું શરૂ કર્યું. એ પછી અર્ઝાન, અરમાન અને અર્શ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી આ પૈસા થકી જરૂરી અનાજ અને દૂધ પહોંચાડવામાં આવ્યું. અર્ઝાન, અરમાન અને અર્શનો આ પ્રયાસ એટલો સફળ થયો કે આખા ગામમાં લોકો આ ત્રણ બાળકોને સારી રીતે ઓળખવા લાગ્યા અને એમને આદરથી જોવા લાગ્યા.

શાળામાં પણ પ્રિન્સિપાલ મેમ અને શિક્ષકો થકી એમને માન સમ્માન મળવા લાગ્યું. ત્રણેય બાળકો અને એમના મા-બાપ પણ એમની પ્રવૃત્તિથી ખુબ જ ખુશ હતા. બે-બે રૂપિયા કરીને એમને શાળાના બાળકો થકી જ ગામના ગરીબોની મોટે પાયે સહાય કરી.

અર્ઝાન, અરમાન અને અર્શ ધોરણ છમાં કરેલી પ્રવૃત્તિની યાદોમાંથી પાછા ફર્યા અને ધોરણ સાતના પહેલા દિવસે શું કરવું એ વિશે ચર્ચા આગળ વધી.

"અરમાન.. આ વર્ષે મારો વિચાર થોડો અલગ છે. હવે આપણે લોકોને એક ડ્રામા થકી માનવતા વિશે સમજાવીશું." અર્ઝાન બોલ્યો.

"એ કઈ રીતે?" અર્શએ સવાલ કર્યો.

"આપણે પંદર એક બાળકોનું ગ્રુપ તૈયાર કરીશું. એક સ્ક્રિપ્ટ બનાવીશું અને એની એકાદ મહિના સુધી પ્રેક્ટિસ કરીશું અને રવિવારે રાત્રે ઈશાની નમાજ બાદ એના થકી સંદેશ પહોંચાડીશું..."

"પણ અર્ઝાન આ માટે બાળકો?" અરમાન અચકાતા સ્વરે બોલ્યો..

"તું ચિંતા ન કર, ગયા વર્ષે પણ એવું જ લાગતુ હતું કે કોઈ સપોર્ટ કરશે કે કેમ.. પણ સપોર્ટ ખુબ જ સારો રહ્યો. આ માટે પણ સારી મદદ મળી રહેશે..."

"અચ્છા તો આપણો આ ડ્રામા શું સંદેશ પહોંચાડશે એ તે વિચાર્યું છે?" અરમાને પૂછ્યું.

"હા... આપણે ઈમાનદારી, ભાઈચારો, ધર્મનિરપેક્ષતા અને લાગણીને દર્શાવીશું..."

"સરસ... તો બોલ શરૂઆત ક્યાંથી?" અર્શ બોલ્યો.

"શરૂઆત માટે આપણે ત્રણ તો છીએ જ હવે પહેલા હું સ્ક્રિપ્ટ લખી લઉં એ પછી આપણે બાર બાળકો તૈયાર કરવાના છે.."

"ઓહ સરસ... તો અર્ઝાન તને સ્ક્રિપ્ટ માટે અમારી કોઈ મદદ જોઇશે?" અરમાન એ પૂછ્યું

"ના ના.. હાલ તો કોઈ નઈ. જરૂર લાગશે તો તમને કહીશ.. બને એટલું જલ્દી આ સ્ક્રિપ્ટનું કામ પતાવું તો પછી આગળ આપણે ઝડપથી કામ લઇ શકીએ..."

"હા, એતો છે." અર્શ અને અરમાન એની વાત સાથે સહમત થયા.

સ્કુલનો દિવસ પતાવી બધા બાળકો પોતપોતાને ઘરે ગયા. અર્ઝાન પણ ઘરે પહોંચી ફ્રેશ થઇ એના પપ્પાના રૂમમાં આવ્યો.

"અસ્સલામું અલયકુમ... પપ્પા.."

"વલયકુમ સલામ બેટા.."

"પપ્પા એક નાનું કામ છે તમારું..."

"હા બોલને બેટા..."

"પપ્પા મારે તમારું લેપટોપ જોઇશે એક અઠવાડિયા માટે..."

"લે બેટા એમાં પૂછવાનું હોય? પણ કામ શું છે તારે?"

"પપ્પા હું એક સ્ક્રિપ્ટ તૈયાર કરવાનો છું. આ વર્ષે પણ માનવતા વિશે લોકો સુધી કંઈક પીરસવાનો વિચાર છે..."

"ઓહ સરસ બેટા.. તો આ સ્ક્રિપ્ટ...?"

"પપ્પા આ સ્ક્રિપ્ટ તૈયાર કરીને પછી અમે એક ડ્રામા તૈયાર કરવાના છીએ. જે દર રવિવારે ગામના અલગ અલગ મહોલ્લા અને બની શકે તો આસપાસના ગામમાં પણ એ ભજવીશું અને લોકો સુધી દિલની વાત પહોંચાડીશું..."

"ઓહ... માસા અલ્લાહ બેટા... સરસ તો પછી રાહ શેની જોવે છે આજ થી જ બિસ્મિલ્લાહ કર..."

અર્ઝાનની વાત સાંભળી એના પિતા ઇરફાને એને ગલે લગાવ્યો અને પછી લેપટોપ આપી એને દુઆ આપી. અર્ઝાન પણ પિતાના હાથ ચૂમીને એના રૂમમાં આવ્યો.

અરમાન એના ઘરે રાત્રે વાંચવા બેઠો હતો. અરમાનના પિતા આકીબ એના રૂમમાં આવ્યા.

"અસ્સલામું અલયકુમ બેટા.." આકીબ બોલ્યા. અરમાને બુક માંથી માથું ઊંચું કરી પિતા સામે સ્માઈલ કરી.

"વલયકુમ સલામ. પપ્પા.. આવોને આજે શું વાત છે મારા રૂમમાં?"

"કઈ નઈ બેટા બસ જો એકલા એકલા કંટાળો આવતો હતો એટલે થયું કે થોડું તારી સાથે વાત કરી લઉં.. તારી મમ્મી પણ ગઈ કાલે મામાને ત્યાં ગઈ છે એટલે સુનું સુનું લાગે છે..."

"ઓહ.. તો એમ વાત છે નઈ?"

"હા બેટા.. તારા અમ્મી સાથે નિકાહ કર્યા પછી હું જલ્દી ક્યારેય એના વગર નથી રહ્યો. હંમેશા એની જ સાથે રહું છું."

"આઈ નો... પપ્પા.. પણ આવી જશે કાલે મમ્મી.. આટલું ટેન્શન કેમ લો છો?"

"ટેન્શન જરાય નથી બેટા પણ એમ થાય છે કે અલ્લાહ ક્યારેય મને એનાથી જુદા ન કરે. ઉપર બોલાવે તો પણ એક સાથે જ બોલાવે."

"પપ્પા હજી તો હું ઘણો નાનો છું. અલ્લાહ તમને લાંબી અને તંદુરસ્ત ઉંમર આપે. તમે મને પણ કામ ધંધો કરતા જુવો અને મારા લગ્નમાં પણ હાજર રહો.."

"અલ્લાહ ચાહસે તો જરૂર બેટા.."

"પપ્પા તમે મને રોજ એક હદીશ સંભળાવતા હતા આજે કોઈ હદીશ નહીં સંભળાવો?"

"સંભળાવીશને બેટા કેમ નહીં... આજે તારા મમ્મીની યાદ અને તે લગ્નની વાત કરી એ પરથી એક હદીશ કહું છું."

"આપણા પયગમ્બર... હજરત મુહંમદ મુસ્તફા (સ.અ.વ.) એક દિવસ પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા. તો જીબ્રેઈલ (અ. સ.) જે અલ્લાહના ફરિશ્તા છે એ એમના માટે એક સંદેશ લઇને આવ્યા. હજરત મુહંમદ મુસ્તફા (સ. અ. વ.) પાસે આવી એમને અલ્લાહનો સંદેશ આપ્યો. સંદેશ હતો કે અલ્લાહે એમની દીકરી ફાતેમા (રદી.) માટે અલીને પસંદ કર્યા છે. અલ્લાહે એમની દીકરી સાથે નિકાહ કરવા માટે અલીને નક્કી કર્યા છે. અલ્લાહે આ જોડો આસમાનમાં પહેલેથી જ નક્કી કર્યો છે. જીબ્રેઈલ (અ. સ.) આ સંદેશ આપી રુખસ્ત થયા. થોડા સમયબાદ હજરત અલીએ હજરત મુહંમદ મુસ્તુફા (સ. અ. વ.) ના ઘરની મુલાકાત લીધી. એમને આવીને આજીજી કરી કે એ એમની દીકરી સાથે નિકાહ કરવા માંગે છે. હજરત મુહંમદ મુસ્તુફા (સ. અ. વ.) એ આ વાત સાંભળી અને જીબ્રેઈલ દ્વારા અલ્લાહની મરજી જાણી છતાં એમણે અલીને કહ્યું કે તમે થોડી વાર રાહ જુવો હું મારી દીકરી સાથે આ વિશે થોડી વાત કરું. કેમકે એ આ વાતથી અજાણ છે.

હજરત મુહંમદ મુસ્તુફા (સ. અ. વ.) ઘરમાં પ્રવેશ્યા. એમને ફાતેમાં ને પોતાની પાસે બેસાડીને પૂછ્યું. બેટા ફાતેમાં હજરત અલી તારી સાથે નિકાહ માટેનો પ્રસ્તાવ લઇને આવ્યા છે. શું તું એ માટે તારી મંજૂરી આપે છે? ફાતેમા (રદી.) પિતાના શબ્દો સાંભળી ભાવુક થયા અને કહ્યું કે અબ્બુ તમને જો યોગ્ય લાગતું હોય તો મને શું વાંધો હોય.. તેમ છતાં એમના પિતાએ એમને સમજાવ્યા કે બેટા જિંદગીમાં દરેક દીકરીનો હક છે કે એ એના નિકાહની દિલથી પરવાનગી આપે. ફાતેમા (રદી.) એમની વાત સાંભળીને દિલથી પરવાનગી આપી અને પછી એમને હજરત અલીને પોતાનો જવાબ હામાં આપ્યો.

તો બેટા આ હદીશ સરીફથી શું શીખવા મળ્યું?"

"પપ્પા માસાઅલ્લાહ.. આજે તમે ખુબ જ સુંદર હદીશ સરીફ સંભળાવી એ બદલ દિલથી આભાર. આ હદીશ સરીફથી એ જાણવા મળ્યું કે આખી કાયનાતના રસુલ પણ પોતાની દીકરીની મરજી વગર એમનો નિકાહ કરવામાં ન માન્યા. એટલે દરેક પિતાએ પોતાના દીકરા અને દીકરીને પૂછી, સમજાવી અને એમની દિલથી ગવાહી મળે તો જ નિકાહ માટે હા કરવી જોઈએ અને હજરત મુહંમદ મુસ્તફા (સ. અ. વ.)ની આખી જિંદગીમાં આપણને કઈ રીતે જીવવું એનો ઉદેશ મળે છે. અને આ હદીશ એનો જ એક અંશ છે..."

"માસા અલ્લાહ બેટા તું પણ ખુબ જ સમજદાર થઇ ગયો છે. અલ્લાહ તમે હમેશા આવી જ સમજદારી અને દયા ભાવના બક્ષે...આમીન..."

(ક્રમશ: આવતા અંકે...)

******
ઈરફાન જુણેજા
ઇલ્હામ
અમદાવાદ