Yayati books and stories free download online pdf in Gujarati

યયાતિ

“આપણી કંપની પીઆર્ય એક નવી કંપનીને ટેક ઓવર કરી રહી છે, જે એડવાન્સ રીસર્ચ કરે છે. આ વર્ષમાં આપણી કંપનીએ પાછલાં વર્ષ કરતાં પચાસ ટકા વધુ પ્રોફિટ કર્યો છે અને હું તે માટે દરેક શેર ઉપર પાંચ ટકા ડીવીડન્ડ જાહેર કરું છું.” પૃથ્વીરાજ આર્યની આ જાહેરાત સાથે જ સભામાં તાળીઓનો ગડગડાટ થઇ ગયો. પૃથ્વીરાજ આર્યના પિતાએ શરુ કરેલી પી.આર્ય લીમીટેડની આ વાર્ષિક સાધારણ સભા હતી. પંચાવનની ઉંમરે પહોંચેલા પૃથ્વીરાજ કોઈ યુવાનને શરમાવે એટલા યુવાન હતા. ન તો તેમના વાળ સફેદ થયા હતા ન તો ચામડી પર એકેય કરચલી! તેમની આંખો પણ એટલી જ સક્ષમ હતી. પત્રકારો માટે આ વધુ રસનો વિષય હતો. દરેક પત્રકાર જાણવા માંગતો હતો કે તેમની યુવાનીનું રહસ્ય શું છે?


સાધારણ સભા પછી કંપનીના બોર્ડ ઓફ ડાયરેકટર્સની મીટીંગ હતી. મોટાભાગના ડાયરેકટર એમડી તરીકે પૃથ્વીરાજના નિર્ણયોમાં વિશ્વાસ ધરાવતાં હતાં પણ તેમાં અધીરંજન જ એવો હતો, જે પૃથ્વીરાજના દરેક નિર્ણયનો પુરજોર વિરોધ કરતો. બોર્ડમીટીંગ પહેલાં કરેલી જાહેરાત તેને ગમી નહોતી, તે પોતાનો મત વ્યક્ત કરવા માટે ઉતાવળો હતો.


હજી તો મીટીંગ શરુ થઇ હતી અને તે બોલી પડ્યો, “પૃથ્વીરાજજી, હું આપના નિર્ણયો પ્રત્યે માન ધરાવું છું, પણ આ રીતે બોર્ડ ઓફ ડાયરેકટર્સની રજામંદી વગર આપ અગત્યની જાહેરાત સાધારણ સભામાં કેવી રીતે કરી શકો છો? હજી તો તમે આનો પ્રસ્તાવ પણ મુક્યો નથી. જો આ રીતે જ મનસ્વી નિર્ણયો કરવાના હો તો અમારું ઔચિત્ય શું? તમને જણાવી દઉં કે આ લીમીટેડ કંપની છે, પ્રોપરાઈટરશીપ કંપની નથી.”


“મિસ્ટર અધીરંજન, આપને નથી લાગતું કે આપ વધુ પડતું બોલી ગયા ! આ મીટીંગનો અજેંડા આપને મળી ગયો હશે. તો આપણે અજેંડા પ્રમાણે વાતચીત શરુ કરીએ. બીજું, ડેડે ફક્ત કંપની ટેક ઓવર કરવાની વાત કરી છે, કઈ કંપની એ વિષે ફોડ નથી પડ્યો અને તમે જાણતા હો તો પાછલાં દસ વર્ષમાં આપણે ઘણીબધી કંપનીઓ ટેક ઓવર કરી છે એટલે આ કોઈ નવી વાત નથી. હવે આપ ફક્ત વિરોધ માટે વિરોધ કરવાનું છોડો અને કંપની આગળ વધે તે તરફ ધ્યાન આપો તો સારું.” થોડા સમય પહેલાં જ યુએસથી ભણીને પાછા આવેલા મનરાજે અધીરંજનને સણસણતો જવાબ આપ્યો.


પૃથ્વીરાજ મનોમન ખુશ થઇ ગયા. તેમનો મોટો દીકરો સૂર્યરાજ શાંત, ધીરગંભીર અને ઠરેલ સ્વભાવનો હતો, તેથી તેની પાસેથી આવા જવાબની આશા ન હતી, પણ નાનો દીકરો જવાબ આપવાનું જાણે છે એ જોઇને ખુશ થઇ ગયા. તે જાતે નાના ડાયરેકટર્સ સાથે ઘર્ષણમાં ઉતરવામાં માનતા ન હતા. તેમને લાગતું હતું કે આ પ્રકારે જવાબ આપવાથી તેમની છબી ખરાબ થશે.


આ જવાબથી અધીરંજનનો ચહેરો ઉતરી ગયો, તેણે વાત આગળ વધારવાનું ઉચિત ન ગણ્યું અને શાંત થઇ ગયો. બોર્ડમીટીંગમાં ઘણાંબધાં અગત્યના નિર્ણયો લેવાયા અને બધા ખુશખુશાલ ચહેરે બહાર નીકળ્યા. સૂર્યરાજે મનરાજનો ખભો થાબડ્યો અને કહ્યું, “વાહ મન ! પહેલી જ મીટીંગમાં ધમાકો કર્યો.” મનરાજે ફક્ત સ્મિત આપ્યું.


***********

અડધી રાત્રે પૃથ્વીરાજની આંખો ખુલી અને તે પથારીમાંથી બેઠા થઇ ગયા. તેમણે પાણી પીધું અને આદમકદ આયના સામે ઉભા રહી ગયા. તે પોતાને નિહાળવા લાગ્યા, પછી ધીમે ધીમે હસવાનું શરુ કર્યું અને તે વધતા વધતા અટ્ટહાસ્યમાં ફેરવાઈ ગયું. તેમનો ચહેરો બદલાઈ ગયો અને અરીસામાં એક વૃદ્ધ દેખાઈ રહ્યો હતો. તે બરાડી ઉઠ્યો, “શુક્રાચાર્ય, મને ખબર નથી પડતી કે તમે મને શ્રાપ આપ્યો કે આશીર્વાદ ! તમારા જરાગ્રસ્ત થવાના શ્રાપને તો હું પહોંચી વળીશ ! પણ આ અમરતા ! આ મારા માટે હવે મોટો શ્રાપ બની ગયો છે. હું યુગોયુગોથી જીવી રહ્યો છું અને દર વખતે મારે કોઈ બીજાનું રૂપ લઈને તેનું જીવન જીવવું પડે છે.” તેમની સામે ભવ્ય ભૂતકાળ જાગૃત થઇ ગયો.


************

“રાજ રાજેશ્વર ચંદ્રવંશી નહુષસૂત ચક્રવર્તી સમ્રાટ યયાતિ દરબારમાં પધારી રહ્યા છે.” છડીદારે છડી પોકારી અને દરબારમાં હાજર રહેલા દરેક દરબારી ઉભા થઇ ગયા.

આ જાહેરાત સાથે જ સમ્રાટ યયાતિનો હસ્તિનાપુરના દરબારમાં પ્રવેશ થયો. તે સિંહની જેમ ચાલી રહ્યા હતા અને એક દરબારી તેમને માથે છત્ર ધરીને તેમની પાછળ ચાલી રહ્યો હતો. તે સિંહાસન સુધી આવ્યા અને સિંહાસન તરફ પીઠ કરીને ઉભા રહ્યા. સભાખંડમાં ગર્વિષ્ઠ નજર ફેરવવા લાગ્યા. સંપૂર્ણ સભાએ તેમને પ્રણામ કર્યા. તેમની નજર ગુરુ બૃહસ્પતિ ઉપર પડી અને તેમણે પોતાના રાજગુરુ સામે બે હાથ જોડ્યા અને પોતાનું મસ્તક નમાવ્યું. અત્યાર સુધી શાંતિથી ઉભા રહેલા ગુરુએ પોતાના હાથ આશીર્વાદ આપવાની મુદ્રામાં ઊંચા કર્યા અને કહ્યું, “રાજન, તારું કલ્યાણ થાઓ.”


“સભાની શરૂઆત કરો.” યયાતિએ પોતાનું સ્થાન ગ્રહણ કરતા કહ્યુ.


એક કલાક સુધી સભામાં વિવિધ પ્રશ્નો ચર્ચાતા રહ્યા. યુદ્ધનો સમય ન હોવાથી હમણાં સમ્રાટ પોતાના રાજના અન્ય પ્રશ્નો તરફ ધ્યાન આપી રહ્યા હતા. પાછલા ઘણા સમયથી તે રાજકાજના કામમાં વ્યસ્ત હતા અને હવે તેમનું મન નવા અભિયાન ઉપર જવા માટે ખેંચાણ અનુભવી રહ્યું હતું.


બીજે જ દિવસે તેમણે પોતાની નાની સેના સાથે દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. દક્ષિણનાં વન તેમના માટે આકર્ષણનું કેન્દ્ર હતાં. ત્યાંની વનરાજી અને પશુપક્ષી જોઇને તે ખુબ આનંદ અને ઉલ્લાસ અનુભવતા. હસ્તિનાપુરથી નીકળીને તેમને ઘણો સમય થઇ ગયો હતો અને તે પ્રકૃતિનો આનંદ મેળવી રહ્યા હતા.


એક વનમાંથી તે પસાર થઇ રહ્યા હતા તે સમયે તેમના કાને એક કોમળ નારી સ્વર પડ્યો, “મારી કોઈ મદદ કરો, હું સરોવરમાં ફસાઈ ગઈ છું અને બહાર નીકળી શકવા અસમર્થ છું. કોઈ મારા પિતાને બોલાવી લાવો.”


એક અબળા નારીને મદદ કરવી એક ક્ષત્રિય ધર્મ છે એમ વિચારી યયાતિ પોતાના રથમાંથી ઉતર્યા અને અવાજની દિશામાં આગળ વધ્યા. જેમ જેમ તે અવાજની તરફ જઈ રહ્યા હતા તેમ તેમ તે અવાજ તેમના કાનમાં જાણે અમૃત ઘોળી રહ્યો હોય તેમ મીઠો લાગવા લાગ્યો હતો અને તે અવાજની સ્વામીનીની કલ્પના કરવા લાગ્યા. તે વિચારવા લાગ્યા આ સ્વરસ્વામીની કેટલી સુંદર હશે !


થોડે દુર એક સુંદર સરોવર દેખાયું અને તેઓ તેની નજીક પહોંચ્યા. સરોવરમાં એક લાવણ્યસભર ચહેરો અને તેના અનાવૃત ખભા દેખાયા. તે યુવતીએ તેમની તરફ જોયું અને ડૂબકી મારી દીધી. થોડીવાર પછી ફક્ત ચહેરો બહાર આવ્યો. તે યુવતીએ કહ્યું, “આપ જે કોઈ પણ હો, મારા પિતાનો આશ્રમ થોડે દુર છે, ત્યાં સમાચાર પહોંચાડો, જેથી મારી મદદ માટે કોઈ આવે.”


યયાતિ અસમંજસમાં હતા તેમણે કહ્યું, “દેવી, હું અહીં અજાણ્યો છું એટલે મારા માટે આશ્રમ શોધવો મુશ્કેલ છે અને ત્યાં સુધીમાં આ સરોવરમાં રહેલા જીવો આપનો ઘાત કરી શકે છે. તેથી કૃપા કરીને મને મદદ કરવા દો. હું આપને આ જળાશયમાંથી બહાર કાઢી શકું છું.”

“સરોવરમાંથી તો હું જાતે પણ બહાર આવી શકું છું, પણ એક સખી મારા બધાં વસ્ત્રો લઈને નીકળી ગઈ છે તેથી હું પૂર્ણ રીતે નિવસ્ત્ર છું અને અજાણ્યા પુરુષ સામે આ રીતે બહાર ન આવી શકાય એ ધર્મ કહે છે, તેથી હે રાજન ! આપ કોઈ સ્ત્રીને બોલાવી લાવો એ જ ઉચિત છે.”


“દેવી, હું હસ્તિનાપુર નરેશ યયાતિ છું, મૃગયા કરવા નીકળ્યો હોવાથી સાથે કોઈ સ્ત્રી નથી. છતાં આપને બચાવવા જો ધર્મ આડે આવતો હોય તો હું ચંદ્રવંશી ચક્રવર્તી સમ્રાટ યયાતિ અબઘડી આકાશમાં દેખાતા સૂર્ય અને સામે દેખાતા વટવૃક્ષની સાક્ષીએ આપની સાથે લગ્ન કરું છું અને હવે આપ મારા અર્ધાંગીની હોવાના નાતે મારી સામે આવી શકો છો. મારું આ ઉપવસ્ત્ર આપના શરીરની લજ્જા ઢાંકવા માટે પર્યાપ્ત છે.”


એકાદ ક્ષણ માટે વિચાર કરીને તે યુવતી સ્ત્રીસુલભ લજ્જા સાથે સરોવરની બહાર આવી. યયાતિએ પોતાનું ઉપવસ્ત્ર આપ્યું જેનાથી તેણે પોતાનું શરીર ઢાંકી દીધું. તે જ્યારે બહાર આવી રહી હતી ત્યારે તેના અંગઉપાંગો જોઇને યયાતિના અંદરનો મદન જાગૃત થઇ ગયો હતો. તેમની ઈચ્છા થઇ ગઈ કે તે યુવતીને ત્યાં જ પોતાના બાહુપાશમાં સમાવી લે પણ તેમણે પોતાનો રક્ષકનો ધર્મ પાળ્યો અને તે યુવતીને પોતાના રથમાં બેસવા કહ્યું અને પૂછ્યું, “હે રૂપગર્વિતા, હવે તારી ઓળખાણ આપ.”


“હું દેવયાની, મહાન ઋષિ , તપસ્વી, દૈત્યગુરુ શુક્રાચાર્યની પુત્રી છું.”


“અહો ! મારું સદ્ભાગ્ય કે હું દૈત્યગુરુ શુક્રાચાર્યને મદદરૂપ થઇ શક્યો. સુંદરી, હું એક વાત જરૂર કહીશ. જેટલાં સુંદર આપ છો, એટલી જ સુંદર આપની વાણી છે અને એનાંથી પણ સુંદર આપનું નામ છે. મને જાણીને આનંદ થયો કે હું મહાઋષિ શુક્રાચાર્યનાં દર્શન કરી શકીશ. આપ આટલા ગાઢ વનનાં જળાશયમાં આ પ્રકારની સ્થિતિમાં કેવી રીતે આવી ગયાં?”


“હું અને દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સખીઓ છીએ. અમે જલક્રીડા કરવા માટે આ વનમાં આવ્યાં હતાં. અચાનક પવન ફૂંકાવા લાગ્યો અને ઘણાબધા વસ્ત્રો ઉડીને દુર જતાં રહ્યાં. હું ઝડપથી બહાર આવી અને મેં ભૂલથી શર્મિષ્ઠાનાં વસ્ત્રો પહેરી લીધાં. કદાચ તેનો અહં ઘવાયો અને મને મનફાવે તેમ બોલવા લાગી તથા પોતાનાં વસ્ત્રો મારા શરીર ઉપરથી કઢાવ્યાં અને મને જળાશય પાસે મુકીને બધી જ દાસીઓ સાથે જતી રહી. હું નિર્વસ્ત્ર પાછી જવા અક્ષમ હોવાથી ફરી સરોવરમાં ઉતરી ગઈ. કદાચ આપ આવ્યા ન હોત તો હું જળાશયમાં મૃત્યુ પામી હોત. હું તેની ધ્રુષ્ટતાનો દંડ તેને જરૂર આપીશ.” આવું કહેતી વખતે તેની આંખો ચમકી રહી હતી. ન જાણે તેના મનમાં શું હતું.


આશ્રમમાં સમ્રાટ યયાતિનું ઉચિત સ્વાગત કરવામાં આવ્યું. દેવયાનીએ પોતાના પિતા શુક્રાચાર્યને બનેલ ઘટના વિષે જાણકારી આપી. તેમણે સમ્રાટ યયાતિનું અભિવાદન કરતાં કહ્યું, “સમ્રાટ, દરેક ઘટના પાછળ ભવિષ્યના સંકેત છુપાયેલા હોય છે. મારી દીકરીનું સરોવરમાં હોવું અને આપનું ત્યાં આગમન એમ જ નથી થયું. આ જગતનિયંતાના સંકેત છે, તેથી હું આપનો જામાત્ર તરીકે સ્વીકાર કરું છું અને આપના અને દેવયાનીના વિવાહની તૈયારી શરુ કરું છું, તે ઉપરાંત મહારાજ વૃષપર્વાને મળીને રાજપુત્રી શર્મિષ્ઠાને ઉચિત દંડ અપાવવાનો પ્રબંધ કરું છું.” એટલું કહીને શુક્રાચાર્ય ત્યાંથી નીકળી ગયા.


એક માસ બાદ જયારે યયાતિ અને દેવયાની હસ્તિનાપુર જવા નીકળ્યા ત્યારે તેમની સેના સાથે દાસદાસીઓ પણ જોડાયાં જે મહારાજ વૃષપર્વાએ દેવયાનીને દાનમાં આપ્યાં હતાં. તે દાસીઓમાં એક શર્મિષ્ઠા પણ હતી જેની માંગણી ખુદ શુક્રાચાર્યે કરી હતી. પોતાની દીકરી સાથે થયેલા અન્યાયની ભરપાઈ કરવા માટે તેમણે આ માંગણી કરી હતી અને તેમના વચનને ઉથાપવાની હિંમત દૈત્યરાજમાં નહોતી એ વાત તેઓ સારી પેઠે જાણતા હતા.


જો કે સમ્રાટ યયાતિની આ વાત ગમી નહોતી કારણ શર્મિષ્ઠા ગમે તેવી હોય પણ તે રાજપુત્રી હતી અને તેનું આ રીતે દાસી તરીકે આવવું ખટક્યું હતું અને આ લીધે જ શર્મિષ્ઠા તરફ તેમના મનમાં દયાભાવ જાગ્યો. દેવયાનીની જેમ શર્મિષ્ઠા પણ અત્યાધિક સુંદર હતી અને તેનું યૌવન ઋષિમુનીઓનું તપોભંગ કરાવે એવું હતું. તેનો કટીપ્રદેશ, તેના ઉભારો, તેનો કમાનાકાર દેહ બધું જ પ્રમાણસર હતું. તે કોઈ સ્વર્ગની અપ્સરા સમાન ભાસી રહી હતી. તેને દાસીની જેમ કેમ રાખવી? સમ્રાટ યયાતિના મનમાં શર્મિષ્ઠાનાં વિચારો ચાલવા લાગ્યા.


સમ્રાટ હસ્તિનાપુર પહોંચ્યા પછી તેમનાં ફરી લગ્ન લેવાયાં અને ઉત્સવ મનાવવામાં આવ્યા. દેવયાની દરેક હસ્તિનાપુરવાસીના આકર્ષણનું કેન્દ્ર બની. બીજી તરફ સમ્રાટ શર્મિષ્ઠા તરફ ખેચાણ અનુભવવા લાગ્યા. થોડો સમયબાદ બધું ફરી સામાન્ય બની ગયું. શર્મિષ્ઠાને દેવયાનીથી દુર મોકલી દેવામાં આવી પણ યયાતિના મનમાંથી દુર ન થઇ શકી.


સમય વીતવા લાગ્યો, સમ્રાટ યયાતિ રાજકાજ અને ભોગવિલાસમાં વ્યસ્ત રહેવા લાગ્યા. દેવયાનીનાં પુત્રો યદુ અને તુર્વસુ યુવાન થઇ ગયા. દેવયાની પણ પોતાની રીતે ખુશ હતી પણ અચાનક એક દિવસ એક સમાચાર મળ્યા જેના લીધે દેવયાની ક્રોધિત થઇ ગઈ. તેની જાણકારીમાં આવ્યું હતું કે સમ્રાટે શર્મિષ્ઠાનું પણ પાણિગ્રહણ કર્યું હતું અને તેના દ્વારા તેમને ત્રણ પુત્રો હતા. જે શર્મિષ્ઠાને નીચું બતાવવા માટે દાસી બનાવીને લાવી હતી એ તેની શોક્ય બની ગઈ હતી!


કૃદ્ધ દેવયાની પોતાના પિતા શુક્રાચાર્યના આશ્રમ તરફ નીકળી ગઈ. સમ્રાટ પોતાના અભિયાનથી પાછા આવ્યા અને ખબર મળ્યા કે દેવયાની કૃધીત થઈને પિતૃગૃહે ગઈ છે એટલે તેને મનાવવા માટે આશ્રમ જવા નીકળ્યા.


યયાતિએ દેવયાનીને કહ્યું, “દેવી, હું યુદ્ધાભ્યાસ માટે બહાર હતો, આપે થોડો સમય રાહ જોવી હતી. આપ હસ્તિનાપુરનાં મહારાણી છો, સામ્રાજ્ઞી છો, આપ બાળકની જેમ કૃદ્ધ થઈને પિતૃગૃહે આવી જાઓ એ કેટલું યોગ્ય છે?”


આંખોમાં આંસુ સાથે દેવયાનીએ કહ્યું, “સમ્રાટ, આપ ચક્રવર્તી છો અને આપ સ્ત્રીઓ ભોગવી શકો છો, તેમની સાથે વિવાહ પણ કરી શકો, પણ જે શર્મિષ્ઠાને હું મારી દાસી તરીકે લઇ ગઈ હતી, તેને મારી શોક્ય બનાવો એ મારા સ્વામાન ઉપર કુઠારાઘાત છે.”


“દેવી, ફકત નાની ઘટનાને લીધે આપ આપની બાળસખીને શત્રુ માની બેઠાં ? આપે ભલે એને શત્રુ માની હોય પણ એ તો હજી પણ આપને સખી જ માને છે. આપ હવે તેને ક્ષમા કરો અને સખી તરીકે સ્વીકાર કરો.”


“હું તેને કદાપી ક્ષમા નહિ કરી શકું ! હું પણ તેને સખી જ માનતી હતી પણ એ દિવસે તેણે બતાવી દીધું કે એ તો મને દાસી જ માનતી હતી. તેના ગર્વનો નાશ કરવો જરૂરી હતો પણ ફક્ત આપને લીધે, આપની ભ્રમરવૃત્તિને લીધે મારું સ્વામાન ઘવાયું છે.”


સમ્રાટને ખબર નહોતી પડી રહી કે દેવયાનીને કેવી રીતે મનાવે ? તેમના મનમાં પણ દેવયાની પ્રત્યે ક્રોધ જાગૃત થયો હતો અને તે તેમની આંખો અને અવાજમાં દેખાવા લાગ્યો હતો, “દેવી, શું એ દિવસે આપે શર્મિષ્ઠાનું અપમાન નહોતું કર્યું ? સામાન્ય વાતને આપે મોટું સ્વરૂપ આપી દીધું હતું. મને તો આશ્ચર્ય આપનું નહીં આપના પિતા દૈત્યગુરુ શુક્રાચાર્યનું થાય છે કે આપની વાત માનીને મહારાજ વૃષપર્વા પાસે શર્મિષ્ઠાને દાસી તરીકે મોકલવાની અઘટિત માંગણી કરી! શું એ એવા વ્યવહારને લાયક હતી ? શું એ દૈત્યરાજની પુત્રી હોવાને લીધે સન્માનને લાયક નહોતી? તમે પિતાપુત્રીએ એક અક્ષમ્ય ચૂક કરી છે. તે દાસી તરીકે મહેલમાં આવી હતી એ મને અયોગ્ય લાગ્યું હતું. એક વખત તેણે મારી પાસે ઋતુદાન માગ્યું, જે મેં તેને સહર્ષ આપ્યું અને તેને મારી ઉપપત્ની બનાવી. શું ખોટું કર્યું મેં? શું એક સમ્રાટ તરીકે મને ઉપપત્ની રાખવાનો અધિકાર નથી? મેં ક્યારેય આપની સાથે અનુચિત વ્યવહાર કર્યો છે? શું આપ સમ્રાજ્ઞી નથી?”


અત્યારસુધી બહારથી તેમની વાતચીત સાંભળી રહેલા શુક્રાચાર્ય કુટિરમાં આવ્યા. તેમને જોઇને સમ્રાટે પ્રણામ કર્યા. પણ શુક્રાચાર્યે આશીર્વાદ ન આપતાં ક્રોધમાં કહ્યું, “રાજન, યુવાની કઠોર શ્રમ કરવા માટે હોય છે, સ્ત્રીઓ ભોગવવા માટે નહીં! તમે મારી પુત્રીનું મન દુભવ્યું છે, હું મારી પુત્રીની આંખમાં આંસુ નથી જોઈ શકતો. રાજન, હું તમને શ્રાપ આપું છું કે તમે જે યુવાનીનો આટલો ગર્વ કરો છો, જરામુક્ત દેહનો આટલો ઘમંડ કરો તે દેહ હવે વૃદ્ધ અને જરાયુક્ત થઇ જશે અને યુગો સુધી તમે આ પીડા ભોગવશો.”


તેમની આ વાત સાથે જ સમ્રાટ યયાતિ અચાનક વૃદ્ધ થઇ ગયા, તેમની ચામડી લચી પડી, તેમના વાળ સફેદ થઇ ગયા.


યયાતિ તેમના ચરણોમાં પડી ગયા અને કહ્યું, “ઋષિવર, આપે આ શું કર્યું? હું આપનો જામાત્ર છું. આપ જાણો છો મેં કોઈ ભૂલ નથી કરી, તે છતાં આપે પુત્રીમોહમાં અંધ થઈને શ્રાપ આપ્યો. આપ મને ક્ષમા કરો. હું આપની અને આપની પુત્રીની ક્ષમા માંગુ છું.”


શુક્રાચાર્યના ચહેરા ઉપર કોઈ જાતનો પશ્ચાતાપનો ભાવ ન હતો, તેમણે કહ્યું, “દરેક ઘટના પાછળ એક કારણ હોય છે અને મારું શર્મિષ્ઠાને તમારી સાથે મોકલવું કે અત્યારે શ્રાપ આપવો કશું જ અકારણ નથી. આનો જવાબ સમય આપશે.”


દેવયાનીના નિરાશ થઇ ગયેલા ચહેરા તરફ જોઇને કહ્યું, “રાજન, મારો શ્રાપ તો હવે વિફળ નહીં થાય પણ જો આપનો પુત્ર કે આપનો વંશજ પોતાની મરજીથી આપને તેની યુવાની આપશે તો ફરી યુવા થઇ જશો, પણ તે પુત્રે આપના વૃદ્ધત્વનો સ્વીકાર કરવો પડશે.”


દેવયાનીને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી પણ હવે કંઇ થઇ શકે તેમ નહોતું. તે અને સમ્રાટ હસ્તિનાપુર પાછા ફર્યા. સમ્રાટે દેવયાનીથી થયેલા પુત્ર યદુ અને તુર્વસુ પાસે તેમની યુવાનીની માંગણી કરી પણ તે બંને આ માટે તૈયાર ન થયા. ત્યારબાદ શર્મિષ્ઠા દ્વારા થયેલા અનુ અને દ્રુહ્યુ પાસે પણ માંગણી કરી પણ, તેમણે એ માટે સ્પષ્ટ ના પાડી. હવે ફક્ત પુરુને જ પૂછવાનું બાકી હતું, પણ તે મહેલના બદલે વન તરફ ગયો હતો. તે પાછા આવ્યા બાદ સમ્રાટે બધી ઘટના તેને કહી અને પૂછ્યું, “પુત્ર, શું તું મને તારી યુવાની આપીને મારા વૃદ્ધત્વનો સ્વીકાર કરીશ?” તેમના અવાજમાં સત્તાના કે પિતાના કડપને બદલે એક વૃદ્ધનો આગ્રહ ઝળકી રહ્યો હતો. તેમને આશા ન હતી કે પુરુ તેમની વાત માનશે. પણ તેમના આશ્ચર્ય વચ્ચે પુરુ તરત તૈયાર થઇ ગયો. તેણે કહ્યું, “આપ વિનવણી કેમ કરો છો, તાત? આપ આદેશ આપો ! આ દેહ આપે જ આપેલો છો, આપ મારા જન્મદાતા છો. હું મારી યુવાની આપને અર્પણ કરું છું.”


તેના આ કહેવા સાથે જ યયાતિ ફરી યુવાન થઇ ગયા અને યુવાનીના ઉંબરે ઉભો રહેલો પુરુ એકદમ વૃદ્ધ થઇ ગયો. યુવા થઇ ગયેલા સમ્રાટ યયાતિએ કહ્યું, “તું મારો સાચો પુત્ર છે અને મારા પછી તું જ હસ્તિનાપુરનો શાસક બનીશ.” એટલું કહીને તે ત્યાંથી નીકળી ગયા.


******


પૃથ્વીરાજે પોતાના ચહેરા ઉપર હાથ ફેરવ્યો પણ અરીસામાં દેખાયેલ વૃદ્ધ તેમની અંદર હતો. તે તો હજી પણ યુવાન હતા. ક્યારે પૂર્ણ થશે આ યુવાનીની લાલસા ! તે વિચારવા લાગ્યા કે આટલાં વર્ષથી જીવી રહ્યો છું પણ હજી તૃપ્ત કેમ નથી થતો. મને મોક્ષ ક્યારે મળશે ?


બીજે દિવસે તે લંડન જવાના હતા. બાકી બધાં માટે આ બીઝનેસ ટુર હતી પણ સાચું કારણ ફક્ત પૃથ્વીરાજ જાણતા હતા. તેઓ સેલ્યુલર ટ્રીટમેન્ટ માટે ત્યાં જઈ રહ્યા હતા. તે ટ્રીટમેન્ટને લીધે જ તે આજ સુધી યુવાન બની રહ્યા હતા.


તેમણે લંડનની તે કલીનીકમાં પ્રવેશ કર્યો અને એક વ્યક્તિ રીસેપ્શન પર દોડી આવ્યો, “કમ ડેડ, હું ક્યારનો તમારી રાહ જોઈ રહ્યો હતો.”


પૃથ્વીરાજે ત્યાં બેસેલા મુલાકાતીઓ તરફ નજર ફેરવી અને પોતાના પુત્ર અંગદ સાથે અંદર જતા રહ્યા. અંદર જઈને અંગદને કહ્યું, “અંગદ, મેં તને કેટલીવાર કહ્યું છે કે કોઈ હાજર હોય ત્યારે તારે મને ડેડ નહીં કહેવાનું. તને ખબર છે કેટલા પત્રકારો મારી પાછળ પડ્યા છે અને એમાં પણ જો ખબર પડે કે મારે હજી એક પત્ની છે તો હોબાળો મચી જશે. તારી મમ્મી સાથે પણ એ જ શરત સાથે લગ્ન કર્યા કે તે જાહેરમાં કોઈ દિવસ નહિ કહે કે તે મારી પત્ની છે.”


અંગદના ચહેરા ઉપર નિરાશાના ભાવ આવી ગયા. તેણે કહ્યું, “સોરી ડેડ, હું તમારી સ્થિતિ સમજુ છું પણ તમને ખબર છે હું તમને જોયા પછી કેટલો એક્સાઈટ થઇ જાઉ છું. પણ હવેથી ધ્યાન રાખીશ.”


પૃથ્વીરાજ તેના ચહેરા તરફ જોઈ રહ્યા, તેની અંદર તેમને પુરુનો આભાસ થયો. કેટલું સ્વચ્છ મન અને સમજદાર સ્વભાવ. મને યુવાની પણ આ જ આપી રહ્યો છે. હું આને જ વારસદાર બનાવીશ. પછી અચાનક પોતાને કઠોર બનાવી દીધા. તે જાણતા હતા કે તેમની પત્ની ગરિમાને ખબર પડશે કે તેમણે બીજાં લગ્ન કર્યા છે અને તે પણ તેની દુશ્મન લાવણ્યા સાથે તો આખું ઘર માથે ઉપાડી લેશે અને સમાજમાં બદનામી થશે તે અલગથી.


એક સમયની સારી બહેનપણીઓ અચાનક દુશ્મન કેવી રીતે બની ગઈ તે વિષે કોઈ જાણતું ન હતું. પૃથ્વીરાજના પિતા ગજરાજે પોતાના મિત્ર અને દેશના મહાન વૈજ્ઞાનિક રાજશેખરની દીકરી ગરિમા સાથે કરાવ્યાં. જ્યારે તેમનાં લગ્ન થઇ રહ્યાં હતાં ત્યારે એક વૃદ્ધ દુરથી તેમને જોઈ રહ્યો હતો.


તે વૃદ્ધ અન્ય કોઈ નહીં પણ યયાતિ હતા, જે થોડા સમય પહેલાં જ હિમાલયની કંદરાઓમાંથી ઉતરીને શહેરમાં આવ્યા હતા. તેમને અન્ય શહેરો કરતાં મુંબઈ શહેર ગમી ગયું હતું. દરેક યુગની નિર્માણ અને ધ્વંસ તેમણે જોયો હતો.


તે હવે એવી વ્યક્તિને શોધી રહ્યા હતા જે ધનાઢ્ય હોય અને મનફાવે તેમ જીવી શકે. તે પોતે સમ્રાટ હતા અને વૈભવશાળી જીવન જીવવું એ તેમનો અધિકાર હતો. તેમની શોધ પૃથ્વીરાજ ઉપર પૂર્ણ થઇ, તે એક મોટા વ્યાપારી સંસ્થાનનો વારસદાર હતો. તે જાણી ગયા હતા કે પૃથ્વીરાજ પણ ચંદ્રવંશી છે. જો તે તેની યુવાની આપવા તૈયાર થાય તો તેઓ ફરી યુવા થઈને જીવી શકે. તેમની કામેચ્છાઓ ફરી જાગૃત થવા લાગી.


કદાચ ઈશ્વરની ઈચ્છા પણ એ જ હતી તેથી પૃથ્વીરાજનો હાઈવે ઉપર ભયંકર એક્સીડેન્ટ થયો. યયાતિ જખમી પૃથ્વીરાજ પાસે પહોંચી ગયા અને તેને બચાવવાની શરત સાથે તેની યુવાની માગી જે બચવા માંગતા પૃથ્વીરાજે માન્ય રાખી. તેણે હા કહેતાં જ યયાતિ ફરી યુવાન બની ગયા અને પૃથ્વીરાજનું પરિવર્તન વૃદ્ધમાં થઇ ગયું. યયાતિ તેમને બચાવી શકે તે પહેલાં જ પૃથ્વીરાજનું મૃત્યુ થઇ ગયું.


પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે યયાતિ રૂપપરિવર્તનની વિદ્યા શીખ્યા હતા તે દ્વારા તેમણે પોતે પૃથ્વીરાજનું રૂપ લઇ લીધું અને પૃથ્વીરાજ તરીકે જીવવા લાગ્યા. એક રાજવીને છાજે એવું ભપકાદાર આયુષ્ય તે ફરી જીવવા લાગ્યા.


થોડા સમયબાદ જયારે પૃથ્વીરાજના શરીરમાં વૃદ્ધત્વના લક્ષણો દેખાવાં લાગ્યાં ત્યારે તેમણે યુવા રહેવા માટેની આધુનિક સારવારની શોધ શરુ કરી. તેમની શોધ લંડનમાં પૂર્ણ થઇ. લાવણ્યા’સ નામની કલીનીક હતી અને તેને ચલાવનાર સુંદર યુવતી લાવણ્યાને જોઇને તેની તરફ આકર્ષાયા અને તેની સાથે લગ્ન કરી લીધાં.


*******

“ડેડ, આર યુ ઓકે?” પૃથ્વીરાજ ઉર્ફ યયાતિ પોતાના ભૂતકાળમાંથી જાગૃત થયા અને પોતાના પુત્ર અંગદ તરફ જોયું અને કહ્યું, “નથીંગ બેટા, આપણે એકલા હોઈએ ત્યારે બરાબર છે પણ તું જાણે છે કેટલા પાપારાઝીઓ મારી પાછળ પડ્યા હોય છે ! એની વે હવે મને કહે આ વખતે ટાઈમથી પહેલાં કેમ બોલાવ્યો?”


અંગદ પોતાના શબ્દો ગોઠવી રહ્યો હતો. તેણે ધીમેથી કહ્યું, “તમે ચાર દિવસ પહેલાં જે રીપોર્ટ મોકલ્યો હતો તેનાથી મને એ લાગ્યું કે તમારા સેલ્સનો ગ્રોથ રેટ રીવર્સ થઇ ગયો છે અને તેના લીધે નવા સેલ વધુ પ્રમાણમાં જનરેટ થઇ રહ્યા છે અને જો એને કાબુ નહિ કરીએ તો તે કેન્સરમાં પરિણમી શકે.”


યયાતિના ચહેરા ઉપર અવિશ્વાસના ભાવ હતા તેણે કહ્યું, “એનો મતલબ તેં આપેલી દવાઓ તે કાબુ કરવામાં નાકામ રહી?”


“કમનસીબે મારે હા કહેવી પડે છે. જુઓ ડેડ, દવાઓ એક હદ સુધી કામ કરી શકે. તમે પાછલા વીસ વર્ષથી દવાઓ લઇ રહ્યા છો, આપણે સમય સમય ઉપર દવાઓ બદલી છે પણ દવાઓ કેટલાં વર્ષ કામ આપી શકે ? પણ મારી પાસે તેનો પણ ઈલાજ આવી ગયો છે. મારી પાસે એક નવી મેડીસીન આવી છે જેને ઇન્જેક્ટ કર્યા પછી સેલ્સનો ગ્રોથ રેટ એકદમ કંટ્રોલમાં આવી જશે એન્ડ યુ વિલ બી આઉટ ઓફ ડેન્જર.”


યયાતિના મનમાં આધુનિક બીમારીઓની બીક ઘર કરી ગઈ હતી. તે વિચારવા લાગ્યો કે તેમના સમયમાં તે ભાગ્યે જ બીમાર પડ્યા હશે પણ આ આધુનિક રહેણીકરણીની અનેક બીમારીઓ તેમણે જોઈ હતી અને તેનાથી પીડાતાં મનુષ્યોને પણ. તેમણે અંગદ તરફ જોયું અને કહ્યું, “નો પ્રોબ્લેમ બેટા, ગો અહેડ.”


અંગદે ધ્રુજતા હાથે ઇન્જેક્શન આપ્યું અને યયાતિની આંખો ઘેરાવા લાગી. તેણે અંગદના ચહેરા ઉપર કુટિલ સ્મિત જોયું. થોડીવાર પછી તેની આંખ ખુલી તો સામે ગરિમા અને લાવણ્યા બંને ક્રોધિત ચહેરા સાથે ઉભી હતી અને તેમની તરફ જોઈ રહી હતી. તે બંનેને સાથે જોઇને તેમને ધ્રાસકો પડ્યો. તે પોતે ફસાઈ ગયા હોય એવું અનુભવવા લાગ્યા અને તે પોતાની નજર બીજી દિશામાં ફેરવવા લાગ્યા.


તેમના કાનમાં ગરિમાનો હિકારતભર્યો સ્વર પડ્યો, “સચ્ચાઈથી કેમ નજરો ફેરવે છે, પૃથ્વી ! મારી આંખોમાં જો. મારા પ્રેમમાં એવી તે શું ખોટ હતી કે તારે આ XXX સાથે લગ્ન કરવાં પડ્યાં?”


યયાતિને દેવયાનીનો ક્રોધિત ચહેરો યાદ આવી ગયો અને તેના અવાજમાં પણ આવી જ હિકારત ભરેલી હતી અને આ જ શબ્દો હતા. થોડીવાર સુધી તે બંનેનો પ્રલાપ સાંભળતા રહ્યા.


લાવણ્યા અને ગરિમા ત્યાંથી નીકળી ગયા અને પૃથ્વીરાજના સસરા રાજશેખર ત્યાં પ્રવેશ્યા. રાજ્શેખરને ત્યાં જોઇને તે ચમકી ગયા.

રાજશેખરે ખોંખારો ખાધો અને કહ્યું, “સો જમાઈરાજ, કેમ છો? દિસ વોઝ નોટ એક્સ્પેકટેડ ફ્રોમ યુ. તમે યુવાની કામ કરવાને બદલે બીજા જ કામોમાં વાપરી. મને તારી ઉપર બહુ ભરોસો હતો પણ મેં હાયર કરેલા ડીટેક્ટીવે તારા ચહેરા ઉપરનું મહોરું કાઢી નાખ્યું. તને તારી યુવાનીનો બહુ ગર્વ હતો ને ! હવે તું એક પણ સુખ નહિ ભોગવી શકે.” એમ કહીને હસવા લાગ્યા.

યયાતિએ પોતાના ચેહરા ઉપર હાથ ફેરવ્યો અને તેમને આભાસ થયો કે તેમના ચહેરા ઉપર કરચલીઓ હતી. તે સમજી ગયા કે આ કારસ્તાની તેમના સસરાની છે. તેમણે જ અંગદ દ્વારા કોઈ ખાસ દવા આપી જેના લીધે તે અકાળ વૃદ્ધ થઇ ગયા. અંગદ પાસે તે પ્રકારની દવા હોવાની શક્યતા શૂન્ય હતી. જૂનો ઈતિહાસ ફરી પુનરાવર્તિત થયો હતો. તેમને સુઝી રહ્યું ન હતું કે હવે આગળ શું કરવું ? તે હવે કોઈ પારિવારિક કલહમાં પડવા માંગતા ન હતા.


તેમને પોતાના શ્વસુર શુક્રાચાર્યના શબ્દો યાદ આવી ગયા. તેમણે લગ્ન વખતે અને શ્રાપ આપતી વખતે કહ્યું હતું કે કંઇ પણ અકારણ બનતું નથી. તેમણે જ્યારે શર્મિષ્ઠાને દાસી તરીકે સાથે મોકલી હતી ત્યારે તે જાણતા હતા કે હું તેનો પત્ની તરીકે સ્વીકાર કરીશ અને તેના દ્વારા મને પુરુ જેવો પ્રતાપી પુત્ર પ્રાપ્ત થશે અને મારો વંશ તેના થકી આગળ વધશે. આ જ વંશમાં ભારત, કુરુ અને પાંડવો જેવા મહાપ્રતાપી પુત્રો જન્મ્યા. તેમના શ્રાપને લીધે હું જાણી શક્યો કે પુરુ જ યોગ્ય શાસક પુરવાર થશે. આજે પણ જે થયું તે અકારણ નથી, મારો સમય આ પરિવારમાં પૂર્ણ થયો અને મારે અહીંથી નીકળી જવું જોઈએ.


તેમણે બેભાન થવાનું નાટક કર્યું અને જ્યારે લાગ્યું કે બધાં ત્યાંથી થોડીવાર માટે નીકળી ગયાં છે, યયાતિએ પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું અને ત્યાંથી નીકળી ગયા.


હવે તેમને શોધ હતી એક નવા દેહની, જે ધારણ કરીને તે ફરી યુવાન થઇ શકે.


સમાપ્ત