Patra - 3 in Gujarati Letter by Dr.Chandni Agravat books and stories PDF | પત્ર - 3 - સાસુને પત્ર

Featured Books
Categories
Share

પત્ર - 3 - સાસુને પત્ર

મમ્મી,

વ્હાલા કે પ્રિય સંબોધન લખ્યું હોતતો કદાચ, તમને નર્યો દંભ

જ લાગત.લાગે જ ને! મારી નાદાનીમાં મે જ આ સબંધની

ગરિમાને ઠેસ પહોંચાડી છે.

હું જાણું છું આ પત્ર ખોલતા પણ તમારું મન થડકાર અનુભવતું

હશે કે, હવે ક્યો વિસ્ફોટ કરશે આ છોકરી.


વર્ષોથી સાંભળતી આવતી સાસુ- વહુની વાયકાઓ,અંગત

વ્યક્તિઓનાં કડવાં અનુભવો આ બધાએ માનાં સાંનિધ્ય વિના

ઉછરેલ મારામાં "સાસુ" શબ્દ માટે અણગમો ઉપજાવેલ

એટલેજ પૂર્વગ્રહનાં પોટલાં સાથે મેં આ ઘરમાં પ્રવેશ કર્યો.

બીજીતરફ આખી જિંદગી સાસુનો ત્રાસ વેઠેલા તમે મને

પોતાની વહુને સુખી કરવાનાં મક્કમ નિર્ધાર સાથે ઘરનાં અને

તમારા હ્રદયનાં દરવાજા ખુલ્લા મુકી દીધાં.એ જ ઋજુ હ્રદય

કંકુપગલાં કરવા ઉઠેલા મારા પગ તળે કચડાઈ ગયું


જ્યારે ,સાંજનાં સમયે તમે સુહાસની રાહ જોતાં ,ત્યારે

અમારી સાથે તમારી હાજરી ખૂંચતી મને કણાં માફક.તમે સતત

અમારી વચ્ચે આવતા એવું મને લાગતું. અલબત,તમે

તો ત્યાંજ હતાં, હું જ આવેલી તમારી જીવનસંધ્યાનાં બધા

રંગો ફિક્કા કરવાં.તમારો પ્રેમ મને તમારી ઈજારાશાહી લાગતી.

મા વિના ઉછરેલ હું ક્યાંથી સમજી શકું કે મા એ એવી યાચક

જે પ્રભુ પાસે પોતાનાં સંતાનોનું ભલું જ માંગે,જે સંતાનો પાસે

સમ્માન કે પ્રેમથી વધારે કઈ લેતી નથી.


તમારી શિક્ષક તરીકેની અનુભવી આંખોએ મારો અણગમો

વાંચી લીધો અને બદલામાં મને મળી તમારી હાજરી વિનાની

સાંજો. તમે લાઈબ્રેરી,મંદીર,સત્સંગ કોઈ ને કોઈ બહાને ઘરની

બહાર રહેવા લાગ્યાં.માંડ પચાસ વર્ષે સાસુનાં મ્રુત્યુ પછી જે

ઘરે તમને પૂર્ણપણે અપનાવ્યાં, જે ઘર ખરા અર્થમાં તમારું

બન્યું,ધીરે ધીરે એ ઘરની દિવાલોમાંથી તમારાં મનપસંદ

રંગ,રાચરચીલું,સાંજની રસોઈમાંથી તમારી મનભાવતી

વાનગીઓ અને પછી તમારી બાદબાકી થવા લાગી.તમે એક

મૌન ઓઢી લીધું અને મને જાણે પહેલો કોઠો વિંધ્યાનો આનંદ.


સુહાસ તમારા વિષે પુછેતો " મમ્મીને હવે એમનું રીટાયર્મેન્ટ

એન્જોય કરવા દે".એમ કહી ટાળી દેતી.તમારી અને સુહાસ

વચ્ચે દિવાલ રચવામાં સફળ રહી હું.ઘરમાં મારું એકચક્રીય

શાસન ચક્રવર્તી સમ્રાટ જેવા મારા અહંકારને પોષતું. પછી

જ્યારે મને' સારા દિવસો 'જાય છે તેવી જાણ થઈ ત્યારે મે

તમને પહેલીવાર મારા આગમન પછી હ્રદયપૂર્વક સ્મિત કરતાં

જોયાં.તમારી કાળજી મને રોકટોક લાગવા લાગી તો તમે

લાઈબ્રેરિયન તરીકે નોકરી સ્વીકારી લીધી. ત્યારેજ મે કર્યો મારો

આખરી પ્રહાર.સુહાસને કહ્યું "મમ્મી આપણાં બાળકને

સાચવવું ન પડે ,પોતાની આઝાદી જળવાય એટલેજ નોકરી


કરે છે."


બસ,સુહાસનું મુંબઈ જવું બે દિવસ માટે અને તમારું

ચૂપચાપ ચાલ્યા જવું નૈનિતાલની સ્કુલમાં શિક્ષકની નોકરી

સ્વીકારીને.બે લીટીનો પત્ર છોડીને


" પ્રિય સુહાસ,

મારી આખી જિંદગી તારી આસપાસ જીવી છું.જિંદગીનો આખરી પડાવ મારી રીતે પસાર કરવા માંગું છું.આશા છે કે તું સમજી શકીશ.
તારી મમ્મી."


સુહાસમાં તમે રોપેલાં સંસ્કાર અને મે રચેલ જુઠનું આવરણ

તેને મારી સચ્ચાઈ સ્વીકારતા રોકતા.રોજીંદી તમારી ખબર

અંતર પૂછીને સંતોષ માની લે છે.હા,ત્યારથી એની આંખમાં

નિરંતર રમતા સ્મિતની જગ્યાએ ઉદાસી લિંપાઈ ગઈ. પરંતુ મે

ક્યાં દરકાર કરી એની હું તો કિલ્લો ફતેહ કરવાનાં મદમાં જ

હતી.ગમે ત્યારે ફરવા નીકળી પડવું ,"બીટ્ટુ" ને આયા પાસે મુકી

પાર્ટીઓ કરવી,એકાંતરા બહાર જમવું.કોઈ ફિકર નહી બાળકને જન્મ આપી ને પણ,માતૃત્વ નહોતું જન્મ્યું મારામાં.

ઓચિંતો એક દિવસ" બિટ્ટુ" બિમાર પડ્યો ,ત્રણ દિવસ

"ICU"માં અસંખ્ય નળીઓથી ઘેરાયેલો રહ્યો.એ ત્રણ રાત મારા

માટે સમય થંભી ગયો,મારામાં થીજેલી કેટલીય લાગણીઓ

પ્રવાહી થઈ. મને તમારી સાથે કરેલ વર્તનનું ભાન થયું.એવું

નહોતું કે મને અહેસાસ ન'તો મારી ભૂલનો ,એ અહેસાસ હું

દબાવી દેતી મારા અહંકાર તળે.


મને તમારાથી ફરિયાદ છે કે તમે મને ક્યારેય દિકરી ગણી

નહીં,નહીંતર મારો કાન પકડીને મને ભૂલ બતાવી હોત કે ઝગડો

જ કર્યો હોત.એના બદલે તમે તો ચુપકીદી સાધી લીધી.


ધારત તો તમે સુહાસને પણ મારી ફરિયાદ કરી શકત.તમે કશું ન

કર્યુ ,અમને એકલા મુકી ચાલ્યા ગયા.


તમારી માફી માંગુ તો શું મને માફ કરી શકશો?આ ઘરનો દરેક

અંશ અને તમારો અંશ તમને ઝંખે છે દીન-રાત.હું પણ માંનો

ક્યારેય ન અનુભવાયેલ પ્રેમ અનુભવવા માંગુ છું.દિવાળી પર

રામ ઘરે આવ્યા હતાં,આ દિવાળી પર અમે અમારા "કૌશલ્યા

મા"ને લેવા આવશું તૈયાર રહેજો.આવતું નવું વર્ષ આપણા

સાસુ-વહુનાં સબંધની નવી શરૂઆત હશે.મને અપનાવશો ને!

તમારી દીકરી(બનવાની ઈચ્છા રાખતી).