Pranay Parinay - 2 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 2


'ડ્રાઈવિંગ સ્કૂલ?' રઘુ મનમાં બોલ્યો.

રઘુ બિચારો બાઘાની જેમ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. જે માણસે તેની જીંદગીમાં કોઈની માફી નહોતી માંગી આજે એ માણસ પોતાની કોઈ ભૂલ વગર આ છોકરીની માફી માંગી રહ્યો હતો.


'ગુડ.. ' ગઝલ એટિટ્યુડથી બોલી.


'તમારુ નામ?' પેલો બોલ્યો.


'સ્ટ્રેંજર્સને અમે નામ નથી કહેતા.' ગઝલએ એક હાથે ઝટકાથી પોતાના વાળ પાછળ ધકેલ્યા અને ગાડીમાં બેસીને નીકળી ગઈ.

**

પ્રણય પરિણય ભાગ ૨


એ બંનેના જતાં જ રઘુએ આંખો જીણી કરીને તેની સામે જોયું.


'વ્હોટ..? બધી ભૂલ તારી જ હતી, કાલ ને કાલ ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કર અને સરખી રીતે ગાડી ચલાવતા શીખ..' તે એકદમ નિર્લેપ ચહેરે બોલ્યો.


'ભાઇ સાહેબ હવે આ જરા વધારે નથી થતું?' રઘુ બોલ્યો.


'એમાં મેં ખોટું શું કીધું? આવી બ્યુટીફૂલ છોકરીઓને કંઇ થઇ જાય તો પછી આ આંખે શું તારા જેવા પઠ્ઠાઓને જ અમારે જોયે રાખવાના?'


એની વાત સાંભળીને રઘુને હસવું આવી ગયું પણ એણે કંટ્રોલ કર્યું.


હસે છે શું? તે ક્યાં રહે છે, શું કરે છે? તેનું ઠામ ઠેકાણું શોધ.. બે દિવસમાં તેની આખી જન્મકુંડળી મારી સામે હોવી જોઈએ, નહીં તો ત્રીજે દિવસે તારે ખરેખર ડ્રાઈવિંગ સ્કૂલમાં જવું પડશે' તેણે રઘુને ધમકીભર્યા સુરમાં સુચના આપી.


'યસ બોસ.' રઘુએ સસ્મિત ડોકું હલાવ્યું.


'ચલ હવે મોડું થાય છે, અને ગાડી થોડી સંભાળીને ચલાવ નહીં તો તું કયાંક બીજી હેડલાઈટ પણ તોડાવીશ.' તે કારમાં બેસતાં બોલ્યો.

તેની કાર એક આલીશાન કોર્પોરેટ બિલ્ડીંગ આગળ આવીને ઉભી રહી. કારને જોઇને સામે ઉભેલા ત્રણે ગાર્ડસે સલામો ઠોકી, બે ગાર્ડસ્ દોડતાં આવ્યા. એકે કારનો પાછલો ડોર ખોલ્યો, બીજાએ તેની બ્રિફકેસ લીધી.

તે રોફથી કારની બહાર આવીને ઉભો, આંખો પર ગોગલ્સ ચઢાવ્યા અને તેણે ઓફિસની બિલ્ડીંગ સામે જોયુ.


બિલ્ડીંગ પર ગોલ્ડન કલરથી મોટા અક્ષરોમાં લખાયેલું નામ ઝળકી રહ્યું હતું..

'શ્રોફ ગૃપ ઓફ કંપનીઝ'

એ હતો વિવાન કૃષ્ણકાંત શ્રોફ. શ્રોફ ગૃપ ઓફ કંપનીઝનો સરવેસર્વા.

ગ્રીક ગોડ જેવી જૉ લાઈન, સીધુ નાક, સિલ્કી હેર, સ્નાયુબધ્ધ કસરતી બોડી, છ ફુટ હાઈટ.. એ જ જબ્બરદસ્ત પર્સનાલિટી વાળો વિવાન..

વિવાન, કૃષ્ણકાંત શ્રોફનુ જ્યેષ્ઠ સંતાન. ઘરમાં પપ્પા સિવાય વિવાનની નાની બહેન કાવ્યા, તેના પપ્પા કૃષ્ણકાંતની માનેલી બેન એટલે કે વિવાનની ફઈ વૈભવી. અને વૈભવી ફઈની દિકરી સમાઈરા. સમાયરા ડૉક્ટર છે. એ અત્યારે અમેરિકા છે ત્યાં એ એમ. એસ. કરી રહી છે. સમાયરા એક રસપ્રદ પાત્ર છે, એની બાકીની ઓળખાણ આગળ જતાં થશે.

ઘરમાં હજુ એક વ્યક્તિ હતી, પાર્વતી દેવી.. એટલેકે વિવાનની લાડકી દાદી.



વિવાનને ઘરના નોકર ચાકર ભાઈ સાહેબ કહીને સંબોધે. વિવાન અતિશય બુદ્ધિશાળી, સ્માર્ટ, મહેનતું, સાહસિક અને અંત્યત શિસ્તપ્રિય. તે બોલવા ચાલવામાં જેટલો સરળ, એવો જ ગુસ્સા વાળો. વિવાન માટે ફેમિલી એટલે એનું સર્વસ્વ. એમાંયે તેની બહેન કાવ્યામાં એનો જીવ વસે.

રઘુ તેનો ડ્રાઈવર કમ બોડીગાર્ડ અને લંગોટિયો મિત્ર, વિવાનના કાળા ધોળા બધાંય કામનો એ સાક્ષીદાર.. મતલબ કે તેનો ડાબો હાથ. રઘુ અનાથ છે, નાનકડો હતો ત્યારે કૃષ્ણકાંતને એટલે કે વિવાનના ડેડને રસ્તા પરથી ઝખમી હાલતમાં મળ્યો હતો. કૃષ્ણકાંત તેને ઘરે લઈ આવ્યા. રઘુ ત્યારે લગભગ ચાર પાંચ વરસનો હશે એટલે તેને પોતે કોણ છે કે કયાંનો છે એ ખાસ યાદ નહોતુ, છતાં કષ્ણકાંતે તેના મા બાપ, સગા સંબંધીઓ શોધવા માટે ઘણી તપાસ કરાવેલી પણ કોઈ જાણકારી મળી નહોતી એટલે કૃષ્ણકાંત અને તેની પત્ની જાનકીએ તેને પોતાના દિકરાની જેમ સાચવ્યો અને ભણાવ્યો. ત્યારથી તે વિવાનનો સાથી અને મિત્ર. ઢાલ બનીને કાયમ તેની સાથે જ રહે.

**


વિવાન ઝડપી પગલે ઓફિસમાં દાખલ થયો.

ઓફિસનો બધો ફિમેલ સ્ટાફ વિવાન પર ઓળઘોળ હતો. બધી છોકરીઓ એનું ધ્યાન ખેંચવા સતત પ્રયત્નશીલ રહેતી, તેને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કર્યા કરતી. પણ વિવાન એ લોકોને ક્યારેય એવો મોકો આપતો નહીં. કામની જગ્યાએ કામ અને મોજની જગ્યાએ મોજ એ તેનો મંત્ર હતો. એમ પણ તેની સાથે મસ્તી કરવા છોકરીઓ હંમેશાં લાઇન લગાવતી.


વિવાન તેની આલીશાન કેબીનમાં જઇને બેઠો, રઘુ તેની સાથે જ હતો.


'કોલ વિક્રમ.' વિવાન કોટ ઉતારીને પોતાની ચેરની પાછળ રાખતાં બોલ્યો.


'જી, ભાઈ સાહેબ.' કહીને રઘુએ ઈન્ટરકોમ પર સૂચના આપી: 'સોનિયા, વિક્રમને અંદર મોકલ.'


'યસ સર.' વિક્રમ અંદર આવીને બોલ્યો. ફક્ત રઘુ અને વિક્રમને દરવાજો નૉક કર્યા વગર વિવાનની કેબિનમાં આવવાની છૂટ હતી.


'ટુડેઝ શેડ્યૂલ..?' વિવાને પૂછ્યું અને પોતાનુ લેપટોપ ઓન કર્યુ.


'સર, આજની તમારી ફર્સ્ટ મિટિંગ મિ. સમીર માધવાણી સાથે છે, તેના પછી બપોરે મિ. કામત સાથે લંચ અને પછી આપણાં સ્ટાફની એક મિટિંગ તમારે લેવાની છે. અને સાંજના એક પાર્ટી માટેનું ઇન્વિટેશન છે.' વિક્રમે આજનું વિવાનનું શેડ્યૂલ રજૂ કર્યું.


'ઓકે.' કી બોર્ડ પર ઝડપથી આંગળીઓ ચલાવતા વિવાન બોલ્યો.


'સર, વન મોર થિંગ નીડ્સ યોર કન્સર્ન..'


'યસ, ટેલ મી.'


'સર પાછલા ઘણા સમયથી આપણાં ટેન્ડર્સ અને પ્રોજેકટ પ્રેઝન્ટેશનની વિગતો લીક થઇ રહી છે.' વિક્રમ ગંભીરતાથી બોલ્યો.


'તને કોઈના પર ડાઉટ છે?' વિવાને લેપટોપમાંથી માથું ઉંચું કર્યું.


'હજુ સુધી તો કોઈના પર શંકા નથી સર, પણ છેલ્લી ઘડીએ આપણને મળવાના ટેન્ડર્સ રાઠોડ એન્ડ કંપનીને મળી જાય છે.'


'એ લોકોનુ પ્રેઝન્ટેશન અને ટેન્ડર આપણા કરતા બેટર હશે.' કહીને વિવાને પોતાનું ધ્યાન પાછું લેપટોપમાં પરોવ્યું.


'બિલકુલ નહીં સર, આપણા અને રાઠોડ એન્ડ કંપનીના ટેન્ડર્સમાં ફક્ત પા-અડધા ટકાના માર્જીનનો ફરક હોય છે. એકાદ વાર એવું થાય તો યોગાનુયોગ ગણીએ પણ વારંવાર થાય તો..' વિક્રમે વાત અધ્યાહાર રાખી.

વિવાને ભવા ઉંચા કરીને રઘુ સામે પ્રશ્નાર્થ નજરે જોયું.


'વિક્રમની વાત સાંભળીને મને પણ મેટર સિરિયસ લાગે છે.' રઘુ ગંભીર મોઢુ કરીને બોલ્યો.


'સર, મને લાગે છે કે રાઠોડ એન્ડ કંપનીએ આપણાં સ્ટાફના કોઈ માણસને ફોડ્યો હશે.' વિક્રમ બોલ્યો.


'પણ રાઠોડ એન્ડ કંપની સાથે તો આપણા સારા રિલેશન્સ છે, તો પછી એ લોકો એવું શું કામ કરે?' વિવાને રઘુ અને વિક્રમ બંને સામે જોઈને પુછ્યું.


'સર, જ્યારથી મલ્હાર રાઠોડે રાઠોડ એન્ડ કંપનીનું સુકાન સંભાળ્યું છે, મતલબ કે એણે સીઈઓ પદ સંભાળ્યું છે ત્યારથી આ તકલીફ શરૂ થઈ છે.' વિક્રમે માહિતી આપી.


'ઓકે, ફરીવાર આવું કંઈ થાય તો જોઈશું શું કરવું તે. યૂ મે ગો નાઉ.' વિવાને કહ્યુ.


'ઓકે સર..' કહીને વિક્રમ બહાર ગયો.

વિક્રમ સોલંકી વિવાનનો રાઇટ હેન્ડ.. ઓફિસના બધા લીગલ તથા ઈલીગલ કામ એ જોતો. રઘુની જેમ જ વિક્રમ વિવાનનો હમરાઝ હતો. એ ઉપરાંત બીજા બે પણ વિવાનના જીગરી હતા. એના નામ દક્ષ અને શૌર્ય.


**


'ચલ યાર નીશ્કા આજે આપણે ખૂબ મોડું થઈ ગયું…' ગાડી પાર્ક કરતા ગઝલ બોલી.


'તે જ ગાડી ઠોકી બેન, એતો આપણા નસીબ કે પેલો જેન્ટલમેન નીકળ્યો… નહીં તો આજ પોલીસનું લફરું થવાનું જ હતું.'


'એવું કંઈ ન થાત યાર..'


'અરે ગઝલ… તે એને નોટિસ કર્યો હતો? કેટલો મસ્ત હેન્ડસમ હતો… એની દરિયા જેવી આંખો.. મને તો રસ્તા વચ્ચે તેને કિસ કરી લેવાનું મન થઈ ગયું હતું.' નીશ્કા નશીલા અવાજમાં બોલી.


'તે એટલો પણ ખાસ નહોતો હવે.. મારો મલ્હાર તેના કરતાં ક્યાંય હેન્ડસમ છે.' ગઝલ વાળને ઝટકો આપતા બોલી.


'એ મલ્હાર..? પેલો આપણો સિનિયર..? એ કોલેજમાં હતો ત્યારે પણ કદી તારી સામે જોયુ નથી, અને તું તેની ઉપર મરે છે..! પાગલ છે તું.' નીશ્કા મોઢુ મચકોડીને બોલી.


'તને ખબર છે આજે આપણી કોલેજનો ચીફ ગેસ્ટ કોણ છે?' ગઝલએ પુછ્યું.


'હા.. તારા મનનો માણીગર મલ્હાર..' નીશ્કાએ કાવ્યાત્મક રીતે જવાબ વાળ્યો.


'અને પ્રિન્સીપાલ સરે ચીફ ગેસ્ટના સ્વાગતની જવાબદારી કોને સોંપી છે એ ખબર છે?' ગઝલએ પ્રશ્ન કર્યો.


'……' નીશ્કાએ ખભા ઉછાળીને પ્રશ્ન સૂચક નજરે ગઝલ સામે જોયુ.


'મિસ ગઝલ કાપડિયાને..' ગઝલ કોલર ઉંચા કરતી હોય તેવી એક્ટિંગ કરીને બોલી: 'આજે સો ટકા એ મને નોટિસ કરવાનો,'


'હમ્મમ… હવે સમજમાં આવ્યું આ બધી ટાપટીપ શાને માટે છે.. '


'હાં તો.. એટલે જ કહું છું જલ્દી ચલ.. નહીતો કોઈ બીજી તેનુ સ્વાગત કરી લેશે અને હું આમ જ તાળીઓ પાડતી ઓડિયન્સમાં બેઠી રહીશ' ગઝલ નીશ્કાનો હાથ પકડીને લગભગ ઢસડતી કોલેજમાં લઇ ગઈ.


બંને જણ કોલેજના મેઈન ગેટમાં દાખલ થઇ. આજે કોલેજનો છેલ્લો દિવસ હોવાથી મોટાભાગના સ્ટુડન્ટસ્ કમ્પાઉન્ડમાં હતા.. ગઝલ-નીશ્કાનું ગૃપ એકદમ આગળ ઊભુ હતુ.

એના ગૃપમાં બોયઝ પણ હતાં.. પણ એમાંથી કોઈ ગઝલને બોયફ્રેન્ડ તરીકે ગમતું નહીં. તે બધા જોડે સિમ્પલ દોસ્તી જ રાખતી.

અમુક છોકરાઓએ જોકે ટ્રાઈ મારી લીધી હતી પણ તેમની દાળ ગઝલ પાસે ગળી નહોતી, જ્યારે અમુકે "આપણાં ગજા બહાર છે" એમ સ્વીકારીને પહેલાથી જ હથિયાર હેઠા મૂકી દીધા હતા.

એના ગૃપની બધી છોકરીઓએ મળીને આજે શોર્ટ ડ્રેસ પહેરવાનું નક્કી કર્યું હતું. ગૃપની બધી ગર્લ્સ ખૂબ સુંદર લાગી રહી હતી પણ સૌથી સુંદર દેખાતી હતી આપણી ગઝલ..


'હાય ફ્રેન્ડસ..' ગૃપ પાસે જઈને ગઝલ - નીશ્કાએ બધાને હાય કર્યું..

'ઓ.. માય… માય.. ગઝલ.. શું મસ્ત લાગે છે તું..' સૌથી પહેલા આર્ચી બોલી..


'વાહ.. બોમ્બ લાગે છે ખરેખર..' કુશલ બોલ્યો.

'અરે તું કંઈ નહી બોલે નેવિલ?' આરવ નેવિલને ચિડવતા બોલ્યો. નેવિલને ગઝલ પર ક્રશ હતો.


'અરે નેવિલની તો સિટીપિટી ગૂલ થઇ ગઇ છે' કેહાને નેવિલની ટાંગ ખેંચી.


આજે તુ સાચે કયામત લાગે છે… ઝિયાએ દિલથી ગઝલની તારીફ કરી.


'આજે તો ભઇ ઘણાં દિલ ઘાયલ થવાના..' રીશા મઝનુની એક્ટિંગ કરતી બોલી..


'ઈન્ડિયન ડ્રેસમાં તારુ સૌંદર્ય ઢંકાઈ જાય છે… આજે ખબર પડી તુ આટલી ખૂબસુરત છે' ફિઝા ગઝલને પગથી માથા સુધી જોતા બોલી.


'ઓહ.. હેલો.. ગઝલ ઈન્ડિયન વેર્સમાં પણ બ્યુટીફૂલ જ લાગે છે..' નીશ્કાએ ગઝલનો પક્ષ તાણતા ફિઝા સામે મોઢુ મચકોડ્યૂં.


'હાં.. બરાબર છે પણ વેસ્ટર્નમાં વધારે સુંદર અને સેક્સી દેખાય છે..' ફિઝા વિંક કરતા બોલી.


'થેન્ક્સ. થેન્ક યૂ ઓલ ફોર કોમ્પ્લિમેન્ટસ્.. એન્ડ ફ્રેન્ડઝ.. યૂ ઓલ આર લુકિંગ ટેરીફિક..' ગઝલએ બધાનો આભાર માન્યો.

એટલામાં બધા સ્ટુડન્ટ્સને ઓડિટોરિયમમાં આવવાની એનાઉન્સમેન્ટ થઇ. બધા ઓડિટોરિયમની દિશામાં ચાલ્યા,

આખુ ઓડિટોરિયમ સ્ટુડન્ટ્સથી ભરચક થઇ ગયું.

ગઝલ અને તેના ગૃપની ગર્લ્સ બૅકસ્ટેજ હતી. એ લોકોએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવાનુ હતું.

પ્રિન્સિપાલ સાહેબ તથા અન્ય પ્રોફેસરો પોત પોતાની ખુરશી પર જઇને બેઠા. મલ્હાર હજુ આવ્યો નહોતો એટલે પ્રિન્સિપાલ સાહેબે સમય સાચવવા નાનકડું ભાષણ કરીને વિદ્યાર્થીઓને ભવિષ્યની શુભકામનાઓ આપી.

થોડી વાર પછી પ્યુને સ્ટેજ પર આવીને પ્રિન્સિપાલના કાનમાં કંઇ વાત કરી. પ્રિન્સિપાલના ચહેરા પર મોટી સ્માઈલ આવી. એ જોઈને ગઝલ સમજી ગઇ કે મલ્હાર આવી ગયો છે.


'ડિયર સ્ટુડન્ટ્સ… મે આઈ હેવ યોર એટેન્શન પ્લીઝ… આપણે જે વ્યક્તિની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ વ્યક્તિ આવી ચૂકી છે.. હું એમને મંચ પર આમંત્રિત કરુ છું… પ્લીઝ વેલકમ મિ. મલ્હાર રાઠોડ…!'

પ્રિન્સિપાલે મલ્હારનું નામ લેતાં બે બોડીગાર્ડ સાથે રૂઆબથી ચાલતો મલ્હાર સ્ટેજ તરફ આવ્યો. ગઝલ તો તેને જોતા જ હોશ ખોવા લાગી. લાઈટ ગ્રે જીન્સ પર ઓફ વ્હાઈટ શર્ટ અને એના પર બ્લેક બ્લેઝર.. પગમાં બ્રાંડેડ સ્નિકર્સ, હાથમાં હ્યૂબ્લોટની રિસ્ટવૉચ.. કમાલનો હેન્ડસમ લાગતો હતો, મલ્હાર એક પરફેક્ટ કોલેજીયન લાગતો હતો.

મલ્હારને જોઈને ગઝલને કોલેજનો પહેલો દિવસ યાદ આવી ગયો:

જસ્ટ બારમી પાસ કરીને એણે શહેરની ટોચની કોલેજમાં એડમિશન મેળવ્યું હતું. ત્યારે મલ્હાર તેનો સિનિયર હતો તે લાસ્ટ ઇયરમાં હતો. લાઈબ્રેરીમાં જતી વખતે પહેલી વાર તેને જોયો હતો, જોતા વેંત ગઝલ તેને દિલ દઈ બેઠી હતી.

જોકે સામે પક્ષે વાત અલગ હતી, મલ્હાર તો આખી કોલેજની છોકરીઓનો ક્રશ હતો. આખી કોલેજમાં સૌથી વધારે હેન્ડસમ મલ્હાર રાઠોડ હતો. તે સ્પોર્ટસમાં જેટલો તેજ તર્રાર હતો, ભણવામાં પણ એટલોજ હોશિયાર હતો.

બીજી છોકરીઓની જેમ ગઝલને પણ તે ગમવા લાગ્યો. પણ ગઝલ ક્યારેય તેને કહી શકી નહીં.

મલ્હાર હંમેશા કોલેજની મોડર્ન, ફોરવર્ડ અને વેસ્ટર્ન કપડાં પહેરવા વાળી છોકરીઓથી ઘેરાયેલો રહેતો. જ્યારે ગઝલ સિમ્પલ રહેતી. તે હંમેશાં ઈન્ડિયન ડ્રેસિસ પહેરતી.

પછી તો મલ્હાર કોલેજ પાસ આઉટ થઇને દોઢેક વર્ષ અમેરીકા ગયો, થોડા સમયથી તે ભારતમાં આવીને પોતાનો વારસાગત બિઝનેસ સંભાળી રહ્યો હતો.


'આપણી કોલેજના બે વર્ષ પહેલાં પાસ આઉટ થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી અત્યારે તેમના પિતાશ્રીનો બિઝનેસ સંભાળી રહ્યાં છે અને ખૂબ જ ટૂંક સમયમાં પ્રગતિના ઘણા સોપાન જેમણે સર કર્યા છે, એવા મિ. મલ્હાર રાઠોડનું હાર્દિક સ્વાગત કરવામાં અમે અતિશય ગર્વ અનુભવી રહ્યાં છીએ!' પ્રિંસિપાલના શબ્દોના અંતે ઓડિટોરિયમમાં તાળીઓનો ગડગડાટ થયો એ સાથે જ ગઝલની વિચાર તંદ્રા તૂટી.

પ્રિન્સિપાલ સાહેબે ગઝલને ફૂલહાર લઈને ઊપર આવવાનો ઈશારો કર્યો. ગઝલ ગુલાબના ફૂલોનો એક મોટો હાર લઈને મલ્હારની સામે આવીને ઉભી રહી. મલ્હાર થોડો ઝૂક્યો, ગઝલએ તેને હાર પહેરાવ્યો. અને તેની આંખોમાં આંખ પરોવીને જોઈ રહી.

મલ્હારે એની જીંદગીમાં હજારો રૂપાળી છોકરીઓ જોઈ હતી, સેંકડોને મળ્યો હતો, મિત્રતા બાંધી હતી, ઘણી ગર્લફ્રેન્ડ્સ પણ બનાવી હતી, પરંતુ ગઝલની વાત નોખી હતી.. એનું સૌંદર્ય અનુપમ હતું, એના ચહેરા પરથી ભરપુર સ્ત્રીત્વ નીતરતું હતું, એની કથ્થઈ આંખોમાં અપરંપાર તેજ હતું છતાં નિર્દોષતા હતી, એની ઢળતી અને ફરી ઉઠતી પાંપણોંમાં નજાકત હતી. એ હસતી ત્યારે ગાલમાં ખંજન પડતાં. મલ્હાર પણ ગઝલની સમંદર જેવી આંખોમાં ડૂબી ગયો. ઘડીભર માટે એક અનન્ય તારામૈત્રક રચાયું, અચાનક ઓડિયન્સમાંથી તાળીઓનો ગડગડાટ થયો અને બેઉ હોશમાં આવ્યા.

'થેન્ક યૂ… થેન્ક યૂ વેરી મચ..' મલ્હારે સ્મિત સાથે ગઝલનો આભાર માન્યો. ગઝલએ પણ વળતું સ્મિત આપ્યું અને સ્ટેજ પરથી નીચે ઉતરી.

'થેન્ક યૂ.. પ્રિન્સિપાલ સાહેબ અને મારા કોલેજના વિદ્યાર્થી મિત્રો..' મલ્હારની સ્પીચ શરૂ થઈ. મલ્હારે પોતાની સ્પીચમાં કોલેજમાં વિતાવેલા વર્ષો, ભેગી કરેલી યાદો, કોલેજમાં બનાવેલા મિત્રો, પ્રોફેસરો પાસેથી મેળવેલું જ્ઞાન વગેરે વિશે દિલ ખોલીને વાતો કરી. ગઝલ એકદમ ધ્યાન કેન્દ્રિત કરીને મલ્હારનો શબ્દે શબ્દ સાંભળી રહી હતી.

મલ્હારની સ્પીચ પછી પ્રિન્સિપાલ સાહેબે પ્રવચન આપ્યું. પછી શિક્ષકો, પ્રોફેસરોના નાના નાના ભાષણો થયા. એ પછી મલ્હારના હસ્તે ટોપર વિદ્યાર્થીઓને એવોર્ડ આપવાનો કાર્યક્રમ હતો. એવોર્ડ વિનર્સમાં ગઝલનું પણ નામ હતું.

એક પછી એક એવોર્ડ અપાયા, ગઝલનું નામ એનાઉન્સ થતાં મલ્હારનું ધ્યાન ખેંચાયું.

ગઝલ સ્ટેજ પર આવી. આ વખતે મલ્હારે મોટી સ્માઈલ આપી. સામે ગઝલ પણ મીઠું હસી. ગઝલના ગાલમાં ખંજન પડ્યા અને મલ્હાર ઘાયલ થઈ ગયો.

'કોન્ગ્રેચ્યુલેશન્સ ગઝલ.' એવોર્ડ આપીને પહોળા સ્મિત સાથે મલ્હારે ગઝલ સાથે હાથ મિલાવવા પોતાનો હાથ આગળ કર્યો.

'થેન્ક યૂ વેરી મચ' કહીને ગઝલએ મલ્હાર સાથે હાથ મળાવ્યો. ગઝલના શરીરમાં પ્રથમ સ્પર્શની ઉતેજના વ્યાપી ગઈ. એવોર્ડ લઈને એ પોતાના સ્થાન પર ગઈ. કેટલીય વાર સુધી એ પ્રથમ સ્પર્શની અનુભૂતિને એના મનમાં મમળાવતી રહી.

કાર્યક્રમ પૂરો થયા પછી, નીકળતા પહેલા મલ્હાર ગઝલને મળવા તેની સીટ સુધી આવ્યો. એણે પોતાના પર્સનલ નંબર વાળુ વિઝિટિંગ કાર્ડ ગઝલને આપ્યું.


ગઝલ સાતમાં આસમાનમાં ઊડી રહી હતી.. મલ્હારે પોતે આવીને સામેથી એનો પર્સનલ નંબર આપ્યો એ વાત હજુ પણ એને માનવામાં આવતી નહોતી.

બધા નીકળી ગયા પછી ગઝલ એના ગૃપ સાથે પહેલાથી નક્કી થયા મુજબ શોપિંગ, લંચ અને મૂવી માટે નીકળી.



**

ક્રમશઃ


પ્રિય વાચક મિત્રો, તમારા પ્રતિભાવ અને કોમેન્ટ્સ નવલકથાને આગળ વધારવાનો મારો ઉત્સાહ ટકાવી રાખે છે. તમારા પ્રતિભાવો મારી આળસ ખંખેરીને મને મારા લખવાના ટેબલ સુધી ખેંચી લાવે છે, એટલે દિલ ખોલીને તમારા અમૂલ્ય પ્રતિભાવો આપવા વિનંતી. ❤