Chandrani Sankhe - 2 in Gujarati Science-Fiction by Jyotindra Mehta books and stories PDF | ચંદ્રની સાખે - ભાગ 2 - છેલ્લો ભાગ

ચંદ્રની સાખે - ભાગ 2 - છેલ્લો ભાગ

સવારે મનનને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. કોર્ટમાં મનને પોતાનો ગુનો કબુલી લીધો ઉપરાંત સ્કેમ કેવી રીતે આચરવામાં આવ્યું, તે વિષે કોર્ટને માહિતી આપી. પારસ પણ કોર્ટમાં હાજર હતો, તેને મનનના આ પગલાથી થોડું આશ્ચર્ય થયું પણ તે ખુશ હતો કારણ મનનની જુબાનીથી ઘણાબધા મોટા માથા કાયદાના સકંજામાં આવવાના હતા, તે ઉપરાંત મનને પોલીસને સહકાર્ય કરવાની ખાતરી આપી.

 જજે આ ફાયનાન્શીયલ ક્રાઇમની વધુ તપાસ કરી, તેમાં સંડોવાયેલા બધાને ઈવિડન્સ સાથે અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો અને સાથે જ મનનને ૩૦ લાખનો દંડ કરવામાં આવ્યો, પણ પોલીસને તપાસ કાર્યમાં સહકારની ખાતરી સાથે તેની જેલની સજા માફ કરવામાં આવી. કોર્ટમાં ઘણા બધા લોકોને તે દંડથી આશ્ચર્ય થયું પણ મનનના ચેહરા પર ચિંતાની લકીર નહોતી. હવે તેને મન આ બધું ગૌણ હતું, તેનું પૈસા માટેનું આકર્ષણ ઓસરી ગયું હતું.

જજે સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે મનનને તાજના સાક્ષીદાર તરીકે પેશ નહોતો કરવામાં આવ્યો, ઉપરાંત તેણે અરેસ્ટ થયા પછી ગુનો કબૂલ કર્યો છે, છતાં તેનું પગલું આવકાર્ય છે તેથી તેની જેલની સજા માફ કરવામાં આવે છે, પણ આર્થિક ગુનો કરવા માટે તેને દંડ કરવામાં આવ્યો છે.

મનને કહ્યું,”હું દંડની રકમ ભરવા તૈયાર છું, પણ મારી પાસે એટલી રકમ રોકડમાં ન હોવાથી ઘર અને ઓફિસ વેચા માટે પંદર દિવસનો સમય આપવામાં આવે.” જે કોર્ટે માન્ય રાખ્યો. મનન ખુશ હતો પણ તેને ખબર નહોતી કે તે કેટલા લોકો સાથે દુશ્મની લઇ ચુક્યો હતો.

જયારે તે પોલીસ સાથે બહાર જઈ રહ્યો હતો, ત્યારે પારસે તેને રોક્યો અને કહ્યું,”તે બહુ સરસ પગલું ભર્યું છે, પણ હવે સાવધાન રહેજે કારણ તે જુબાની આપીને ઘણાબધા લોકોની દુશ્મની વહોરી લીધી છે. કદાચ તને મારવાની કોશિશ પણ થઇ શકે.”

 મનનના ચેહરા પર ચિંતાની લકીર આવી ગઈ. પારસે સાચું કહ્યું હતું, તેણે દૂર જોવાના ચક્કરમાં નજીકની મુસીબતોને નજરઅંદાજ કરી દીધી હતી.

બે ક્ષણ વિચારીને મનને કહ્યું,”શું તું મને મદદ કરીશ?”

 પારસે કહ્યું,”હું મારાથી બનતી તમામ મદદ કરીશ.”

 મનન ધીરે ધીરે પારસ અને ઇન્સ્પેક્ટરને બધી વાત કરી.

 પારસે કહ્યું,” આ બધું તો થઇ જશે, પણ જો મારું મન ડગી જાય તો?”

 મનને કહ્યું,”મને બીજું તો કઈ ખબર નથી, પણ મારો અંતરાત્મા કહે છે કે તું મારી સાથે દગો નહિ કરે.” પારસે તેનો ખભો થપથપાવ્યો અને એક દિશામાં આગળ વધી ગયો.

મનન હજી બે દિવસ પોલીસ કસ્ટડીમાં રહેવાનો હતો. બીજે દિવસે પારસ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સાથે પેપર્સ લાવ્યો હતો, જેમાં મનને કંઈ પણ વિચાર્યા વગર સહી કરી અને તે પછી પોલીસ ટીમ, પારસ અને મનન તેની ઓફિસે ગયા અને ત્યાં જઈને તેણે છુપાવી રાખેલા ડોક્યુમેન્ટ્સ અને હાર્ડ ડિસ્ક પોલીસને આપ્યા.

 પારસે તે તપાસ્યા અને ઈન્સ્પેક્ટર સામે અંગુઠો ઊંચો કર્યો અને તે પછી તેણે પોતાની પાસે રહેલી બેગ મનનને આપી. મનને તેમાંથી એક કુર્તો પાયજામો અને સફેદ દાઢી મૂછ કાઢ્યા અને વેશ બદલીને ત્યાંથી નીકળી ગયો. પારસે મનને પહેરેલા કપડાં પહેરી લીધા અને મનન ગયાના અડધા કલાક પછી તેઓ ત્યાંથી નીકળ્યા.

પોલીસ જીપ થોડી આગળ ગયા પછી ઈન્સ્પેક્ટરે રિયર મિરરમાં જોયું તો એક ગાડી પીછો કરી રહી હતી. તે મનોમન હસ્યો અને પારસને કહ્યું,”તારી વાત સાચી છે, મનનનો જીવ ખરેખર ખતરામાં હતો. હવે મને કહે તેનો કોન્ટાક્ટ કરવો હોય તો કેવી રીતે થશે?”

 પારસે કહ્યું,”તે અંડરગ્રાઉન્ડ થઇ ગયો છે, સમય આવે તે જ આપણને કોન્ટાક્ટ કરશે. તેણે કરવાનું કામ કરી લીધું છે, હવે આપણું કામ બાકી છે.”

આ તરફ મનન તેની ઓફિસ જે કોમ્પ્લેક્સમાં હતી ત્યાંથી ધીમી ચાલે નીકળ્યો અને મેઈન રોડ પર પહોંચ્યો ત્યાંના એક કોમ્પ્લેક્સમાં એક બાઈક હતી, જેની ચાવી અને નંબર તેના કુર્તાના ખિસ્સામાં હતો. તે શોધીને તેના પર બેસીને પોતાના ગામ તરફ નીકળ્યો. સાવધાનીવશ તે હજી પણ વૃદ્ધના વેશમાં હતો.

તેણે ગામમાં જવાને બદલે પોતાના ખેતર તરફનો રસ્તો પકડ્યો. ખેતરથી દૂર બાઈક મૂકીને તે બારી વાટે ઓરડીમાં પેસી ગયો, તેને ચંદ્ર પર પહોંચવાની ઉતાવળ હતી. તેને ચિંતા હતી કે ન જાણે વિનીનું શું થયું હશે?  તે તો ફિનિયનની ચુંગલમાં ફસાઈ ગઈ હશે. નીચે જઈને તેણે ઝડપથી મશીન ઓન કર્યું અને થોડાજ સમય પછી તે ચંદ્ર પર હતો.

આ વખતે તેનું સ્વાગત કરવા ત્યાં કોઈ નહોતું. તે સાવધાનીપૂર્વક ત્યાંથી નીકળ્યો અને ધીમે ધીમે મુખ્ય મહેલ તરફ વધવા લાગ્યો. તેનું ધ્યાન મહેલના દરવાજા તરફ ગયો ત્યાં હંમેશા ઉભો રહેતો સંતરી ત્યાં નહોતો. તેને થોડું અજુગતું લાગ્યું પણ તે સાવધાનીપૂર્વક આગળ વધતો ગયો.

પહેલા આવેલો તે સમયની રોનક પણ મહેલમાં નહોતી, બધું ભેંકાર ભાસી રહ્યું હતું .સિંહાસન તેમજ બાજુની ખુરસી પણ ખાલી હતી. તે આખા મહેલમાં ફરી વળ્યો પણ ક્યાંય કોઈ દેખાયું નહિ. પછી અચાનક ક્યાંકથી તેને ડૂસકાંનો અવાજ સંભળાયો. તે અવાજ ક્યાંથી આવે છે તે શોધવા લાગ્યો.

એક નાની ઓરડીમાં સિમોના પોતાના પગમાં માથું ખોસીને ધીમે ધીમે રડી રહી હતી.જેવો તેણે મનનને જોયો તે જોરજોરથી રડવા લાગી અને ઉભી થઈને મનનને વળગી પડી.

મનને માંડ તેને શાંત પડી અને પૂછ્યું,”શું થયું?” તે બધું કહેવા લાગી પણ શું કહી રહી છે તે વિષે કઈ ખબર ન પડી વચમાં ફિનિયનનું, તેના પિતાનું અને વિનીનું પણ નામ આવ્યું પણ મનનને કંઈ પલ્લે ન પડ્યું.  તેણે ઇશારાથી સિમોનાને  શાંત થવા કહ્યું અને મહામહિમ રોમડૉર ની ખુરસી તરફ ઈશારો કર્યો. સિમોનાએ તેનો હાથ પકડ્યો અને મહેલની બહાર લઇ આવી. નજીકમાં એક સ્ટોર રૂમ હતો ત્યાં લઇ ગઈ અને તે દ્રશ્ય જોઈને મનનની આંખો ફાટી ગઈ કારણ ત્યાં ઘણી બધી લાશો પડેલી હતી. તે જમીન પર બેસી પડ્યો.

થોડી કળ વળી એટલે ઉભો થઈને બધાના ચેહરા જોવા લાગ્યો, પણ તેમાં તેના પિતાની કે વિનીની લાશ ન હતી, તેથી થોડી શાંતિ થઇ છતાં મહામહિમ રોમડૉર અને બાકીના લોકોની લાશ જોવું બહુ ભયંકર હતું. પૃથ્વી પર ન હોવાથી લાશો સડી ન હતી, છતાં દ્રશ્ય બિહામણું હતું. હવે સિમોનાએ વધુ કંઈ કહેવાની જરૂરત ન હતી, તે આખી સ્ટોરી સમજી ગયો હતો.

 ફિનિયન પોતાના કારસ્તાનમાં સફળ થઇ ગયો હતો. તેણે મહામહીમને અને તેમના વફાદારોને મારી નાખ્યા હતા અને અન્ય લોકોને પોતાની સાથે લઇ ગયો હતો. તે સિમોના તરફ પાછો ફર્યો અને પૂછ્યું,”વિની?”

 સિમોનાની આંખમાં ક્રોધના ભાવ હતા તેણે ફરીથી બોલવાનું શરુ કર્યું, મનન તેની તરફ જોઈ રહ્યો તે પહેલાંથી જ  જાણતો હતો કે સિમોના વિનીને નફરત કરે છે એટલે વિષય બદલવા તેણે પૂછ્યું,”રિબોન?” તે ફક્ત એક જ શબ્દ બોલી,”ફિનિયન.” મનન સિમોનને લઈને મહેલમાં આવ્યો અને તેને બેસાડી અને શાંત રહેવા જણાવ્યું.      

તેને ખબર પડતી ન હતી કે આગળ શું કરવું એટલે તે પિતાજીની રૂમમાં ગયો અને ત્યાં ફર્શ પર પગ પછાડીને જોવા લાગ્યો કે કદાચ ત્યાં કોઈ ગુપ્ત રૂમ હોય. ખાસી મહેનતને અંતે તેને એક ગુપ્ત દ્વાર મળ્યું, ત્યાં પગ પછાડતાં બોદો અવાજ આવ્યો ધ્યાનથી જોયું તો તે એક ચોરસકાર હતો, તે હવે રૂમમાં ગુપ્ત કળ શોધવા લાગ્યો જેનાથી તે દ્વાર ખોલી શકે.

 તે બધા ફોટો કાઢીને જોવા લાગ્યો, તેને પોતાના પિતાની કામ કરવાની પદ્ધતિ સમજાઈ ગઈ હતી, અંતે તેને એક ગુપ્ત કળ દેખાઈ ગઈ તે દબાવતા જ તે ચોરસકાર ઊંચો થયો. તે પહેલા સિમોનને તે રૂમમાં લઇ આવ્યો પછી બંને જણ અંદર ઉતાર્યા. અંદર એક આધુનિક લેબોરેટરી હતી જ્યાં એક દીવાલ પર ગનો ટીંગાડેલી હતી. ત્યાં ટેબલ પર પડેલી ડાયરી ધ્યાન પૂર્વક વાંચી જેમાં તે ગનોની ખાસિયત અને તેને વાપરવાની પદ્ધતિ લખેલી હતી. તે ગનને તપાસવા લાગ્યો.

 તેને પહેલીવાર પોતાના પિતાના સાયન્સ પ્રત્યે માન થયું, અભાવમાં ઉછરેલો મનન હંમેશા વિચારતો કે તેના પિતાનું સાયન્સ સારી રીતે જીવવા નકામું છે. તે બધી ગનો ક્રિસ્ટલાઇઝડ હતી. પૃથ્વી પરની બારૂદ વાળી ગનો અહીં નકામી હતી, કારણ અહીં ગુરુવાતકર્ષણ બળ ઓછું હોવાથી ગોળી હવામાં વધારે સ્પીડથી અને વધારે વાર સુધી તરતી રહે અને જો નિશાનો ચુકે તો તે બીજા કોઈને લાગી શકે.

 ક્રિસ્ટલાઇઝડ ગનો ને કંટ્રોલ કરવા અનોખી યુક્તિઓ કરેલી હતી, જેટલા અંતર માટે સેટ કરો એટલા અંતર સુધી જ વાર કરે. તેણે બે ગન પોતાની સાથે તેની ખાસિયત પ્રમાણે લીધી અને એક ગન સિમોનાને આપી અને તેને કેવી રીતે ચલાવવી તે પણ ઈશારામાં શીખવાડ્યું. નીકળતા પહેલા તેને એક ફાઈલ દેખાઈ જે તેણે ધ્યાનથી વાંચી, તે વાંચીને તેની આંખમાં ચમક આવી.

બહાર આવીને તેણે સિમોનાને પૂછ્યું,”ફિનિયન?” સિમોનાએ એક દિશામાં આંગળી ચીંધી એટલે બંને તે દિશામાં વધ્યા. મનન વિચારી રહ્યો હતો કે તેના ગયા પછી વિનીનું શું થયું હશે? ફક્ત આ એક વિચારે તેના પગમાં ઝડપ લાવી દીધી. જયારે તેને દૂર એક મહેલ દેખાયો એટલે તે ધીમો પડ્યો અને સાવધાનીપૂર્વક ચાલવા લાગ્યો.

થોડા નજીક પહોંચ્યા પછી તે જમીન પર સુઈ ગયો અને કોણીની મદદથી આગળ વધવા લાગ્યો તેની એન સી સીની ટ્રેઇનિંગ આજે કામ આવી હતી. તેના દેખાદેખી સિમોનાએ પણ એવું જ કર્યું. મહેલના દરવાજે તેને એક પહેરેદાર દેખાયો એટલે તેણે પોતાના પાસેની બેહોશ કરવાની ગન કાઢી અને તે પહેરેદારને બેહોશ કરી દીધો. મહેલના દરવાજે પહોંચ્યા પછી તેણે સિમોનાને આગળ વધવા કહ્યું કારણ તે મહેલ કેવો છે તે વિશે તેને કંઈ ખબર ન હતી. સિમોના અને મનન ધીમે ધીમે એક દિશામાં વધ્યા અને એક બંધ જણાતી રૂમ પાસે પહોંચ્યા. મનને તે થોડી ખોલીને જોઈ તો અંદર બંધાયેલો રિબોન બેહોશ પડેલો હતો.

સિમોનાએ જઈને તેને છોડાવ્યો અને તેના ગાલ થપથપાવીને તેને હોશમાં લાવી. રિબોન મનનને જોઈને ખુશ થઇ ગયો તેણે પૂછ્યું,”તું ફિનિયનની કેદમાંથી કેવી રીતે છૂટ્યો? સિમોનાએ તને છોડાવ્યો?”

 મનન તેની તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો, તેને લાગ્યું કેદમાં રહીને રિબોનનું માનસિક સંતુલન હલી ગયું છે. મનને કહ્યું,”હું ફિનિયનની કેદમાં હતો જ નહિ, તેણે મને પૃથ્વી પર ટેલિપોર્ટ કરી દીધો હતો.”

 હવે ચોંકવાનો વારો રિબોનનો હતો. તેણે કહ્યું,”તો પછી વિનીએ એવું શું કામ કહ્યું?” વિનીનું નામ આવતાં મનન સતર્ક થઇ ગયો તેણે કહ્યું,”મને પુરી વાત કર, શું થયું?”

 રીબોને કહ્યું,”તમે અને વિની બહાર ગયા હતા. તે પછી થોડીવારમાં વિની દોડતી આવી, તે ડરેલી હતી, તેણે કહ્યું ફિનિયન મનનને કેદ કરીને લઇ ગયો. તે સાંભળીને તારા પિતા ગુસ્સામાં આવી ગયા અને વિનીને કહ્યું દેખાડ કઈ તરફ લઇ ગયો છે? એમ કહીને ફિનિયનની પાછળ ગયા. મહામહિમે તેમને રોકવાની કોશિશ કરી પણ તે ન રોકાયા. ત્યાં જઈને તે કદાચ પકડાઈ ગયા હશે. બીજે દિવસે ફિનિયન પોતાના સમર્થકો સાથે આવ્યો અને મહામહિમ અને બીજા સમર્થકોને મારી નાખ્યા અને જે તેની સામે ઝૂક્યા તેમને લઈને અહીં આવી ગયો. મને પકડીને અહીં પુરી દીધો. મહામહીમની સિક્રેટલેબ ક્યાં છે? તે પૂછવા મારા પર બહુ જુલમ કર્યા.”

 મનનની સામે ધૂંધળું ચિત્ર ક્લિયર થવા લાગ્યું હતું. તેણે રિબોનને કહ્યું,”તું સિમોનાને લઈને જા અને હું કહું તેમ કર.” પછી ધીમે ધીમે પોતાની વાત સમજાવી. વાત પૂર્ણ થયા પછી રિબોન સમજી ગયો હોય તેમ માથું હલાવ્યું.

મનન તે દિશામાં વધ્યો જે દિશામાં ફિનિયનનો આવાસ હતો. રસ્તામાં કોઈ સુરક્ષાકર્મી ન મળ્યો કારણ ફિનિયન આશ્વસ્ત હતો કે હવે કોઈ વિરોધી જીવતો ન હતો. મનન મનમાં કોઈ જાતનો ડર રાખ્યા વગર ફિનિયનના આવાસમાં પ્રવેશ્યો અને તેની સામે ઉભો રહ્યો.

 તેને જોઈને ફિનિયને પૂછ્યું,”તું પાછો કેવી રીતે આવી ગયો?”

મનને આંખમાં આસું લાવીને કહ્યું,”મારા પિતાએ તમારું શું બગાડ્યું છે? તેમને છોડી દો.”

ફિનિયન જોરજોરથી હસવા લાગ્યો અને કહ્યું,”જેને પકડ્યો હોય તેને છોડી દેવાય બાકી જે સામે ચાલીને આવ્યું હોય તેને હું કઈ રીતે છોડી શકું?”

 મનને કહ્યું,”હું સમજ્યો નહિ?”

પાછળથી અવાજ આવ્યો,”હું સમજાવું છું.” તે અવાજ તેના પિતાનો હતો. તેણે પાછળ ફરીને જોયું તો તેના પિતા ભીષ્મ હતા અને એક રાજાને શોભે તેવા વસ્ત્ર પહેરીને અને હાથમાં ડ્રિન્ક લઈને ઉભા હતા.

 તેમણે કહ્યું,”રોમડૉર, એક કમજોર શાસક હતો અને તે વિચારી રહ્યો હતો કે તેની આખી પ્રજાતિએ  પૃથ્વી પર શિફ્ટ થઇ જવું જોઈએ. નાના પ્રોબ્લેમથી તે ડરી ગયો હતો, ફિનિયન તેની વિરુદ્ધમાં હતો, તેથી મેં તેને સાથ આપ્યો અને રોમડૉરને સત્તા પરથી હટાવી દીધો.”

મનને કહ્યું,”રોમડૉર મહામહિમ હતા અને તેમને હક હતો, પોતાની પ્રજાતિની ચિંતા કરવાનો.” અને કોઈ કંઇ સમજે તે પહેલા બે ધમાકા થયા અને ફિનિયન અને ભીષ્મ બંને જમીન પર પડી ગયા. ભીષ્મ બેભાન હતા જયારે ફિનિયન બે ભાગમાં વિભાજીત થઇ ગયો હતો.

મનને ભીષ્મને પકડીને એક ખુરસીમાં બેસાડ્યા અને તેમને ખુરસી સાથે બાંધી દીધા. થોડીવાર પછી ભીષ્મ ભાનમાં આવ્યા અને તે પોતાની સ્થિતિ જોઈને સમજી ગયા કે બાજી પલટાઈ ગઈ છે, છતાં તેમના ચેહરા પર ચિંતાની લકીર નહોતી કે ન તો કોઈ જાતનો અફસોસ.

 મનને કહ્યું,”કેવા આશ્ચર્યની વાત છે પપ્પા ! જીવનભર જે સાધુ જેવું જીવન જીવ્યા તે અત્યારે દસ લોકોના મૃત્યુનું કારણ બન્યા.

 ભીષ્મે કહ્યું,”મને રોમડૉરના મૃત્યુનો અફસોસ છે, પણ ફિનિયનને મેં તેમને ફક્ત ટ્રાન્સપોર્ટ કરવાનું કહ્યું હતું, પણ આ સત્તાલોભીએ તેમને મારી નાખ્યા. પણ મનન, તું મને કહે આખી જિંદગી મેં સરકારની સેવા કરી અને બદલામાં મને શું મળ્યું, રિટાયરમેન્ટ વખતે એક મેડલ અને થોડી મૂડી. આખી જિંદગી હું કરગરતો રહ્યો ટેલિપોર્ટેશનના પ્રોજેક્ટ માટે પણ કોઈએ મારી વાત કાને ન ધરી. છેલ્લે મેં સ્વબળે મશીન બનાવ્યું અને અહીં સુધી પહોંચ્યો અને વિજ્ઞાનની સેવામાં સારું જીવન જીવી રહ્યો હતો, અવનવી શોધખોળ કરી રહ્યો હતો, ત્યાં જ રોમડૉર આવો નિર્ણય લઈને મને ફરી પૃથ્વીના નરકમાં મોકલવા માગતો હતો. મારી પાસે કોઈ બીજો રસ્તો ન હતો ફિનિયનને સાથ આપવા સિવાય. હું શાંત અને સારું જીવન જીવવા માગું છું એ મારી ભૂલ તો નથી.”

મનને ભીષ્મ તરફ જોયું અને કહ્યું,”માણસ બીજા પાસે જૂઠું બોલે એ તો સમજાય પણ પોતાની સાથે જૂઠું કેવી રીતે બોલી શકાય? મેં તમારી લેબમાંની ફાઈલ જોઈ છે, જેમાં એક સિક્રેટ રિપોર્ટ મુકેલો હતો. તમે સાચું કારણ જાણતા હતા કે રોમડૉર તેમના લોકોને કેમ પૃથ્વી પર શિફ્ટ કરવા માગતો હતો? હું ભલે કોમર્સનો વિદ્યાર્થી છું, પણ રિપોર્ટ વાંચીને એટલું તો સમજાયું કે અહીંની પ્રજાતિના જીન્સમાં ખરાબી આવી ગઈ છે તેથી જ વસ્તી ધીરે ધીરે ઘટી રહી હતી. રોમડૉર સમજી ગયા હતા કે મનુષ્યનું શરીર પૃથ્વી પર જીવન જીવવાને અનુરૂપ બનાવવામાં આવ્યું છે. અહીં આવેલા પૂર્વજોએ વિજ્ઞાનના જોરે જીન્સમાં બદલાવ કર્યા અને અહીં રહેવા લાગ્યા પણ કુદરતના કામમાં કરેલી છેડછાડને કુદરત સાંખી લેતી નથી, ભલે થોડો સમય લે પણ તેને દંડ જરૂર આપે છે. અત્યારે પૃથ્વીવાસી ભલે આધુનિકતા એન વિજ્ઞાનના નામે કુદરતના કામમાં દખલ દે છે પણ  તેમને લાંબેગાળે દંડ થશે.”

ભીષ્મે  નકારમાં માથું હલાવ્યું અને કહ્યું,”તું વિજ્ઞાનની તાકાતને નથી જાણતો, રોમડૉર  પણ નહોતો સમજતો. જો કોઈ પ્રોબ્લેમ હોય તો તેનું સોલ્યૂશન પણ હોય છે અને મેં તેની ટીમ સાથે મળીને શોધી કાઢ્યું હોત. તું કુદરતની વાત કરે છે તો સાંભળ આ મશીન બનાવવા જેટલી બુદ્ધિ પણ મને કુદરતે જ આપી છે. પણ હથિયાર નાખી દીધેલા સેનાપતિને યુદ્ધ માટે કેવી રીતે મનાવી શકાય? તેથી તેને હટાવીને નવો સેનાપતિ તૈયાર કર્યો અને તેને તેં મારી નાખ્યો પણ વાંધો નહિ! તું મને સાથ અને સમય આપ આપણે મળીને સમસ્યાનું નિરાકરણ લાવીશું.”

મનનની આંખોમાં આશ્ચર્યના ભાવ હતા તેણે કહ્યું,”પપ્પા! તમે હજી કુદરતની તાકાતને સમજ્યા નહિ? કુદરત સામે ક્યારેય જીતી શકાતું નથી, તમે એક સમસ્યાનું નિરાકરણ લાવશો તો બીજી સમસ્યા સામે આવીને ઉભી રહેશે.”

 ભીષ્મે  નિરાશામાં માથું ધુણાવ્યું અને કહ્યું,”તો પછી હું લાચાર છું.”એમ કહીને આંખનો ઈશારો કર્યો એટલે મનનને પીઠ ઉપર ગનની નાળનો એહસાસ થયો અને પાછળથી વિનીનો અવાજ આવ્યો,”ગન નાખી દે મનન નહિ તો હું મજબુર થઇ જઈશ.”

તેણે મનનની બંને ગન કબ્જે કરી અને ભીષ્મને છોડાવ્યા. ભીષ્મે  ઉભા થઈને ખૂણામાં મુકેલી ગન ઉપાડી અને કહ્યું,”નીતિમત્તાની વાત ભ્રષ્ટ વ્યક્તિ કરે તે યોગ્ય નથી, હું જાણું છું તેં પૃથ્વી પર શું કર્યું છે?  તું મારો દીકરો છે એટલે તને મારવાને બદલે પૃથ્વી પર પાછો મોકલું છું અને હવે તું પાછો પણ નહિ આવી શકે કારણ મારા મશીનમાં બે વાર પ્રવાસ કરી શકાય એટલા જ ક્રિસ્ટલ હતા.” એમ કહીને પોતાના હાથની ગનનું નાળચું મનન તરફ ફેરવ્યું પણ તેમાંથી શેરડો નીકળે તે પહેલાં તેના હાથમાંથી ગન છૂટી ગઈ.

મનનની પાછળથી સિમોના અને રિબોન પ્રગટ થયા. રીબોને સમય પર આવ્યો હતો. ભીષ્મના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. મનને દોડીને મેડિકલ કીટ શોધી અને પાટાપિંડી કરી.

રીબોને કહ્યું,”મેં તે રિપોર્ટ બધાં જ રિબિડીયન્સને જણાવી દીધો છે અને મોટાભાગના પૃથ્વી પર જવા તૈયાર છે અને લેબમાં તૈયાર કરેલી દવા પણ બધાને આપી દીધી છે, જેનાથી તેમનો આકાર સામાન્ય પૃથ્વીવાસી જેવો થઇ જશે.”

ભીષ્મની આંખમાં આંસુ હતા તેમણે કહ્યું,”તું તારી દ્રષ્ટિથી સાચો હોઈશ, પણ મારો અભિગમ તે જ રહેશે , જે લોકો અહીં રહેવા માગતા હોય તેમને હું વચન આપું છું કે આ સમસ્યાનું સમાધાન લાવી દઈશ.”

કુલ મળીને બસો લોકો હતા, તેમાંથી સાઈઠ લોકો ભીષ્મનો સાથ આપવા તૈયાર થયા જયારે બાકીના લોકો મનનનો. તે દવાની અસર થતાં બે દિવસ લાગ્યા. સિમોનાની ઊંચાઈ હવે સાડા પાંચ ફૂટ જેટલી થઇ ગઈ હતી, મનન અને તેની જોડી હવે બહુ સરસ લાગી રહી હતી.

 મનન, સિમોના, રિબોન અને બાકીના લોકોને ભીષ્મ, વિની અને બાકીના લોકોએ ત્યાંથી વિદાય આપી.

પૃથ્વી પર પહોચ્યાં પછી તે જઈને પારસને મળ્યો, તેણે મનનની ઓફિસ અને બંગલો વેચીને તેનો દંડ ભરી દીધો હતો, તે છતાં તેની પાસે ઘણીબધી રકમ બચી હતી, તેના અને સિમોનાનાં લગ્ન થયા, અને જે તેની સાથે આવ્યા હતા તે બધાને તેણે ટ્રેઇનિંગ આપીને શહેરમાં વસાવ્યા અને પારસે તેની તે કામમાં મદદ કરી.

 હવે મનન તેના ગામમાં રહે છે અને ખેતી કરે છે. તે જયારે જયારે ચંદ્રને જુએ છે, ત્યારે પપ્પાને યાદ કરે છે. તેને જયારે ચંદ્રયાન ૨ ના સમાચાર મળ્યા ત્યારે વિચાર્યું શું ચંદ્ર પર ઉતારનારા યાન વિક્રમને તેના પિતાએ રોક્યું હશે? તે મનોમન હસ્યો અને કામે વળગ્યો.


સમાપ્ત

Rate & Review

Jaydeep R Shah

Jaydeep R Shah 4 months ago

Hims

Hims 4 months ago

Vipul Petigara

Vipul Petigara 4 months ago

Balkrishna patel

Balkrishna patel 4 months ago

Vijay

Vijay 4 months ago

Share