Pranay Parinay - 26 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 26

પાછલાં પ્રકરણનો સાર:

સુમતિ બેનની ઉંમર અને કૃપાની તબિયત ખરાબ હોવાથી ગઝલ અને નીશ્કાને ડ્રાઈવર સાથે મંદિરે જવાનું હતું.
ગઝલ અને નીશ્કા મંદિરે પુજા કરવા જવા માટે સવારે વહેલા ઊઠીને તૈયાર થઈ જાય છે.
ગઝલ વિવાને પસંદ કરેલી સાડી પહેરે છે. બંને જણી ડ્રાઈવર સાથે મંદિરે જવા નીકળે છે. મંદિર ઘણું ઉંચાઈ પર હતું દોઢસો પગથિયાં ચઢવાના હતાં.
થોડા પગથિયાં ચઢતા જ નીશ્કાનો પગ મચકોડાઈ જવાથી ગઝલને ડ્રાઈવર એટલેકે વિવાન સાથે એકલા જવું પડે છે. ગઝલ પણ થોડા પગથિયાં ચઢીને થાકી જાય છે ત્યારે વિવાન તેને ઉંચકીને બાકીના પગથિયાં ચઢે છે.
એક તરફ ગઝલ પુજા કરાવે છે ત્યારે બીજી તરફ વિવાન મહાદેવજી સમક્ષ ઉભો રહીને ગઝલ સાથે કરનાર જબરદસ્તીના લગ્ન માટે થઈને માફી માંગે છે. અને પ્રતિજ્ઞા કરે છે કે લગ્ન પછી જ્યાં સુધી ગઝલ તેને મન અને હૃદયથી નહીં સ્વીકારે ત્યાં સુધી તે પતિ તરીકે તેના પર કોઇ પ્રકારની જબરદસ્તી નહીં કરે, તેને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં પહોંચાડે તથા મલ્હાર સાથેના બદલાથી ગઝલને દૂર રાખશે.

હવે આગળ..

પ્રણય પરિણય ભાગ ૨૬

લગભગ દસેક મિનિટ પુજા ચાલી પછી પુજારીએ શ્લોક બોલતાં બોલતાં ગઝલના હાથમાં એક ફુલ આપીને ત્રણ વાર સુંઘવાનું કહ્યુ.

ગઝલએ હજુ બે વખત ફુલ સુંઘ્યુ ત્યાં એ બેહોશ થઇને ઢળી પડી.

'ભાઈ…' રઘુ પુજારીનો વેષ ઉતારતા બોલ્યો.

વિવાને જોયું તો ગઝલ બેહોશ થઈને પડી હતી.
તેણે જઈને ગઝલને ઉંચકી લીધી અને બોલ્યો: 'રઘુ, પેલા અસલી પુજારીનુ શું કરવાનું છે?'

'એ ભલે બેહોશ રહ્યો, તેણે આપણને કોઈને જોયા નથી. એકાદ કલાકમાં એ હોશમાં આવી જશે. ગાડીઓ તૈયાર છે, આપણે નીકળીએ.' રઘુ બોલ્યો.

રઘુએ બધો સામાન વગેરે સમેટી લીધું અને પાછળ કંઈ સાબિતી છૂટી નથી જતી એની ચોકસાઈ કરી લીધી.

નીશ્કા હજુ પગથિયાં પર જ બેઠી હતી. આ લોકોને આવતા જોઇને એ સામે ચાલી.

'ગઝલ..' નીશ્કા ગઝલને વિવાનના હાથોમાં બેહોશ હાલતમાં જોઇને ચિંતાથી બોલી.

'ડોન્ટ વરી, થોડીવારમાં હોશમાં આવી જશે..' રઘુએ કહ્યુ.

'થેંક્સ નીશ્કા, તે મારા માટે કેટલું બધું જોખમ ઉઠાવ્યું. હું જીંદગીભર તારો ઉપકાર ભુલીશ નહીં.' વિવાને લાગણીશીલ અવાજે કહ્યું. (વિવાને રઘુને જે દિલ્હીનું કામ સોંપ્યું હતું એ આ હતું)

'મેં જે કંઈ કર્યુ છે તે ગઝલના ભલા માટે કર્યું છે. તે એકદમ નાદાન છે, નિર્દોષ છે. તેના જીવનમાં કોઈ ખોટી વ્યક્તિ ના આવી જાય એટલા માટે મેં આમા સાથ આપ્યો. મને તો પહેલાથી જ ખબર હતી કે તમે ગઝલને પ્રેમ કરો છો. ફૂલોનો બૂકે અને ચોકલેટ પણ તમે જ મોકલતા હતા એ મને પાછળથી ખબર પડી હતી. પણ આ બધી ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. એક તો હું અભ્યાસ માટે દિલ્હી જતી રહી અને હું ગઝલને વારુ– પાછી વાળુ એ પહેલા મલ્હારે તેને પ્રપોઝ કરી દીધું હતું. અને એ પગલી તેને મલ્હારનો સાચો પ્રેમ માનીને તેની સાથે સાત ફેરા ફરવા રાજી થઈ ગઈ હતી. પછી તો હું પણ તેની ખુશી માટે શાંત બેસી ગઈ. પણ જ્યારે રઘુએ મને કાવ્યા વિશે બધી વાત કરી ત્યારે મે નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોમાં મારી બચપણની ફ્રેન્ડને નાલાયક મલ્હારની જાળમાં ફસાવા નહીં દઉં. બસ મારી એટલી જ વિનંતી છે કે તમારી દુશ્મનીમાં મારી ફ્રેન્ડ હેરાન ના થાય તેનુ ધ્યાન રાખજો. એ સાવ ભોળી છે, નાના બાળક જેવી છે. એને પ્રેમથી સમજાવશો તો તમારુ બધુ માનશે પણ જોર જબરદસ્તી કરશો તો એ પણ સામી જીદે ચડશે.' નીશ્કા લાગણી સભર અવાજમાં બોલી. એની આંખો ભીની થઇ ગઇ.

'આઇ પ્રોમિસ.. ગઝલને મારા તરફથી કોઈ તકલીફ નહીં પડે. મારા વેરની વસુલાતની વચ્ચે હું મારા પ્રેમને નહીં ભીંસાવા દઉં.'

'થેન્કસ જીજુ.' નીશ્કા આંસુ લૂછતાં બોલી.
નીશ્કાએ જીજુ કહ્યું એટલે વિવાન ખુશ થયો. એના ચહેરા પર સ્માઈલ આવી.

'ભાઇ, હવે મોડુ થાય છે.' રઘુ બોલ્યો.

'હમ્મ..' વિવાને કહ્યુ.

એ લોકોની ગાડીઓમાંથી બોડીગાર્ડઝ બહાર આવ્યાં. વિવાન ગઝલને લઈને કાર તરફ વળ્યો.

'જીજુ, હવે હું અહીથી કેવી રીતે જઈશ?' પાછળથી નીશ્કાએ પૂછ્યું અને રઘુએ નીશ્કાના ગાલ પર જોરદારની અડબોથ મારી. નીશ્કા ઘૂમરી ખાઈને પગથિયાં પર પડી અને દડતી નીચે આવી.

'રઘુ.. ધીસ ઈઝ નોટ ફેર યાર..' વિવાન બોલ્યો.

'જરુરી હતુ ભાઈ.' રઘુએ કહ્યુ.

'ચલો મેડમ તમને ડોક્ટર પાસે લઇ જઉં..' કહીને રઘુએ નીશ્કાને ઉંચકીને ગાડીમાં નાખી.

'ભાઈ, તમે ભાભીને લઈને આગળ નીકળો.. હું પાછળ આવું છું.'

'બી કેરફૂલ રઘુ, મલ્હાર બહુ ચાલક છે.' વિવાને રઘુને ચેતવ્યો.

'ડોન્ટ વરી ભાઈ, એની સાત પેઢી ભેગી થશે તો પણ શોધી નહીં શકે કે ભાભી ક્યાં છે. પણ તમે ધ્યાન રાખજો.. ત્યાં તમે બંને એકલા જ હશો.. ઉપરથી ભાભી આટલા સુંદર છે.. તમારી ભાવનાઓ પર થોડો કંટ્રોલ રાખજો.'

'તું નીકળ હવે. એક તો આ હોશમાં આવીને કેટલો તમાશો કરશે એની ચિંતા છે, અને તને મજાક સૂઝે છે?' વિવાન ચિડાઈને બોલ્યો.

'વેરી ગુડ, એ બધું તો તમારે શીખવું પડશે, લગ્નજીવન એમ કંઈ સહેલુ નથી મારા ભાઈ..' કહીને રઘુએ ગાડી સ્ટાર્ટ કરી અને નીશ્કાને લઈને નીકળી ગયો.

'લેટ્સ ગો..' વિવાને બોડીગાર્ડસને ઈશારો કર્યો અને ગઝલને લઈને કારમાં બેઠો. પછી એની ગાડીઓનો કાફલો પણ ફૂલ સ્પીડમાં ત્યાંથી નીકળી ગયો.

**

'કૃપા બેન, સાત વાગવા આવ્યા, ગઝલ અને નીશ્કા હજુ નથી આવ્યા.' સુમતિ બેન કૃપાની રૂમમાં આવીને બોલ્યા.

'હા એજને.. મને પણ હવે ઉપાધી થાય છે. ઉપરથી બેઉ ફોન લીધા વગર ગઈ છે.' કૃપા ચિંતિત સ્વરે બોલી.

'ઉભા રહો, મારી પાસે ડ્રાઈવરનો ફોન નંબર છે.' કહીને સુમતિ બેને એના મોબાઈલ પરથી એક નંબર ડાયલ કર્યો.
કૃપા ચિંતિત નજરે તેની સામે જોઈ રહી.
સુમતિ બેને બે ત્રણ વખત નંબર ડાયલ કર્યો.

'શું થયું?' તેના ચહેરા પર તણાવ દેખાવા લાગ્યો એટલે કૃપાએ પૂછ્યું.

'આ નંબર અસ્તિત્વમાં નથી એમ કહે છે.' સુમતિ બેન મુંઝાઈને બોલ્યા.

'હેં??' કાવ્યાને ફાળ પડી.

'હવે શું કરીશું?' સુમતિ બેન રોતલુ મોઢુ કરીને બોલ્યા.

'હું મિહિરને કહું છું.' કૃપા બોલી.

'નહીં, આપણે હજુ થોડી વાર રાહ જોઈએ, પછી કહીએ.' સુમતિ બેન ગભરાઈને બોલ્યા.

'સુમતિ બેન, એમ કેટલી વાર રાહ જોવી? તમારા કહેવા પર મિહિરને પૂછ્યા વિના મે છોકરીઓને અજાણી જગ્યાએ અજાણ્યા માણસ સાથે મોકલી. મિહિર મને પૂછશે તો હું શું જવાબ દઈશ? મારે મિહિરને કહેવું જ પડશે.' કહીને કૃપા જવા માટે વળી અને તરતજ અચકાઈને ઉભી રહી.

'મલ્હાર તુ.. ત.. તમે અહીં?' મલ્હારને દરવાજા પાસે ઉભેલો જોઈને કૃપા ખચકાતા બોલી.

મલ્હારને જોઈને સુમતિ બેન પણ ગભરાયા.

'મમ્મી.. ગઝલ ક્યાં છે?' મલ્હારે સુમતિ બેન તરફ ગુસ્સાથી જોતાં પૂછ્યું.

'અહીં જ છે, અંદર તૈયાર થાય છે.' સુમતિ બેન ગભરાઈને બોલ્યા.

'મમ્મી ખોટું નહીં બોલ, મેં તમારા બંનેની વાત સાંભળી લીધી છે એટલે મને સાચેસાચું કહી દે કે ગઝલ ક્યાં છે..' મલ્હારે ધારદાર અવાજે પૂછ્યું.

'તે મહાદેવ મંદિરે પૂજા કરવા ગઈ છે.' સુમતિ બેને કહ્યુ.

'કેવી પુજા?' મલ્હારે પૂછ્યું.

'એજ કાલે અપશુકન થયાને? મીઢળ તૂટ્યું એમાં હું ડરી ગઈ હતી, કંઇક અઘટિત થવાની શંકા હતી મને એટલે વહેલી સવારે એને મહાદેવ મંદિરે પૂજા કરવા મોકલી.. પણ તુ ટેન્શન નહીં લે, નીશ.. નીશ્કા છે તેની સાથે.' સુમતિ બેન થોથરાતા બોલ્યા. ડરના માર્યા એમનું ગળુ સુકાવા લાગ્યું.

'આવી ધડ માથા વગરની વાત પર વિશ્વાસ કરીને તે એને ફાલતુ પુજા કરવા મોકલી? એ પણ લગ્નના દિવસે? તારુ મગજ ચસકી ગયું છે કે શું?' એમ ચિલ્લાઈને મલ્હાર સુમતિ બેન તરફ ધસ્યો.

મલ્હારનો આવો વર્તાવ જોઈને કૃપા સ્તબ્ધ થઈ ગઈ અને વધુ ગભરાઈ ગઈ.

'શું થયું કૃપા?' બોલાચાલીનો અવાજ સાંભળીને મિહિર અને પ્રતાપ ભાઈ એ તરફ દોડી આવ્યા.

કૃપાએ મિહિરને બધી વાત કરી અને રડવા લાગી.

'કૃપા.. તું ગઝલનું કેટલું ધ્યાન રાખે છે.. તે આવડી મોટી ભૂલ કેવી રીતે કરી?' મિહિર ઠપકો આપતાં બોલ્યો.

'આઈ એમ સોરી મિહિર.. મને પણ યોગ્ય નહોતું લાગતું. પણ સુમતિ બેનનાં સંતોષ માટે થઇને હું છોકરીઓને મંદિરે મોકલવા તૈયાર થઈ ગઈ. આઈ એમ સોરી.. મારી ભૂલ થઇ ગઇ..' કૃપા રડતાં રડતાં બોલી.

'ડેડી..' મલ્હારે પ્રતાપભાઈ સામે જોયુ.

'અહિંયા કોઈ કશું ના બોલો, બધા સાંભળશે. આપણે બહાર જઈને વાત કરીએ.' કહીને પ્રતાપ ભાઈ બધાને રિસોર્ટની બેક સાઇડ લઈ ગયાં.

કૃપા અને સુમતિ બેને આપેલી વિગતો પ્રમાણે તેમણે ડ્રાઈવરની તપાસ આદરી. રિસોર્ટના બધા કર્મચારીઓને બોલાવીને પૂછપરછ કરી પણ કોઈને એ ડ્રાઈવર વિષે કશી જાણકારી નહોતી.
કોઈ કર્મચારીની ભલામણથી બે દિવસ પહેલા જ તેને નોકરીમાં રાખવામાં આવ્યો હતો. જેણે ભલામણ કરી હતી એ કર્મચારી પોતે ગઈકાલનો ગાયબ હતો.

'આપણને અહીંથી કોઈ જાણકારી મળે એમ લાગતું નથી. આપણે મંદિરે જ જઈએ.' મિહિરે કહ્યુ.

'હાં બરાબર છે, ચાલો.' પ્રતાપભાઈ બોલ્યા. મલ્હાર પણ સાથે ચાલ્યો.

'મલ્હાર, તારે હવે બહાર ના નીકળવુ જોઈએ..' સુમતિ બેન મલ્હારને રોકતા બોલ્યા.

'શટ અપ યૂ ફૂલ વુમન..' મલ્હાર બોલ્યો. મિહિર અને કૃપા એની સામે જોઈ રહ્યા.

'મલ્હાર, તુ અહીં જ રહેજે.' પ્રતાપ ભાઈએ કહ્યું.

'નો ડેડી..'

'વાતની ગંભીરતાને સમજ બેટા, ગઝલ પણ ન હોય અને તુ પણ નહીં હોય તો ભળતી જ ચર્ચા થશે. ડોન્ટ વરી, હું ગઝલને લઈ આવીશ.' પ્રતાપ ભાઈએ મલ્હારને ધરપત આપી.

'ઠીક છે ડેડી.' મલ્હાર થોડો નિરાશ થઇને બોલ્યો.

મિહિર અને પ્રતાપ ભાઈ મંદિરે જવા નીકળ્યા.

'મલ્હાર બેટા, ગઝલ આવી જશે.' સુમતિ બેન બોલ્યા.

'મમ્મી પ્લીઝ.. તમારી અક્કલ વગરની વાતો મારે ફરીથી નથી સાંભળવી. તમને એવો વિચાર કેમ ના આવ્યો કે આમ અજાણ્યા માણસ સાથે યંગ છોકરીઓને એકલી ના મોકલાય? આ ઉમરે પણ તમને એટલી બુધ્ધિ ના ચાલી? તમારે પૂજા જ કરાવવી હોત તો મને કહેવું હતુંને? હું લઇ જાત એને મંદિરે.' મલ્હાર ગિન્નાઈને બોલ્યો.

'મલ્હાર પ્લીઝ શાંત થઈ જા.' કૃપા બોલી.

'બુદ્ધિ વગરના લોકો..' એમ બબડીને મલ્હાર ત્યાંથી નીકળી ગયો.

મલ્હારનું વર્તન અને ભાષા કૃપાને બિલકુલ ગમી નહીં. સુમતિ બેન સાથેનો મલ્હારનો વ્યવહાર જોયા પછી તો તેને રાઠોડ કુટુંબ સાથે સંબંધ બાંધવા પર પણ અફસોસ થવા લાગ્યો.
સુમતિ બેન સતત રડતા હતા.

'તમે રડો નહીં સુમતિ બેન.' કૃપાએ એને શાંત પાડવાની કોશિશ કરી.

'મારો શું વાંક? હું તો બધાની ભલાઈ માટે કરતી હતીને?' સુમતિ બેન રડતાં રડતાં બોલ્યા.

એની વાત પર કૃપાને શું બોલવું એ સમજાતું નહોતું. એને સુમતિ બેનની દયા આવતી હતી અને ગઝલની ચિંતા થતી હતી.

પ્રતાપ ભાઈ અને મિહિર મંદિરે પહોંચ્યા.
મંદિરનું આખુ પરિસર સુમસામ હતું. રડ્યા ખડ્યા બે ત્રણ ભાવિકો આવતા જતા હતા.

તેમણે આખા મંદિરમાં ચક્કર માર્યું, એજ બે ત્રણ જણા સિવાય ત્યાં કોઈ નહોતું.

'અરે ભાઈ, તમે આ છોકરીઓને અહીં જોઈ છે?' મિહિરે મોબાઈલમાં ગઝલ અને નીશ્કાનો ફોટો બતાવીને એક જણને પૂછ્યું.

'નહીં ભાઈ, હું તો હમણાં જ આવ્યો. મેં અહીં કોઈ છોકરીઓને નથી જોઈ.' પેલા ભાઈએ કહ્યું.

'ભાઈ તમે આમને જોયા છે?' મિહિરે બીજાને પુછ્યું.

'નહીં ભાઈ મેં નથી જોયા.' તેણે કહ્યું.

'મંદિરના પૂજારી ક્યાંય નથી દેખાતા.' મિહિરે તેને પૂછ્યું.

'અહીં ખાસ કંઈ ભક્તો આવતા નથી એટલે પૂજારી દિવસમાં એકાદ વાર દસ પંદર મિનિટ આવીને પૂજા આરતી કરીને નીકળી જાય છે. ક્યારેક તો આવતાય નથી.' એ ભાઇએ કહ્યું.

જો તેમણે મંદિરની પાછળની તરફ ઝાડીમાં જોયું હોત તો ત્યાં પૂજારી બેહોશ પડ્યો હતો.

.
.
ક્રમશઃ


**
વિવાન ગઝલને લઈને કઈ તરફ ગયો હશે?

નીશ્કા તો એ લોકોને મદદ કરતી હતી છતાં રઘુએ તેને લાફો શું કામ માર્યો?

શું મિહિર અને પ્રતાપ ભાઈ ગઝલ-નીશ્કાને શોધી શકશે?

**

❤ આપની કોમેન્ટ્સ અને રેટિંગની પ્રતિક્ષામાં.. ❤