Kasak - 17 books and stories free download online pdf in Gujarati

કસક - 17

આ અઠવાડિયું કવન માટે તો ખૂબ વ્યસ્તતા પૂર્વક ગયું હતું.તેથી આરોહીની લાયબ્રેરીમાં જવાનો તેને સમયજ નહોતો મળ્યો.કાલે રવિવાર હતો.કવન વિચારતો હતો કે તે કાલ આરોહીને ત્યાં જશે. પણ બીજી તરફ તેણે વિચાર્યું કે હું ગયો અને તેને ના ગમ્યું તો.મનમાં તે બોલ્યો હું પણ કેવું વિચારું છું. આરોહી એ તો મને આવવાનું કહ્યું હતું.પણ બીજી તરફ તેને લાગ્યું કે તેણે એમજ કહી દીધું હશે.આ બધા વિચારોની વચ્ચે કોને ખબર તેને રાત્રે ઊંઘ પણ સરખી નહોતી આવી.

બીજો દિવસ રવિવાર હતો ૯ વાગ્યામાં તો તે તૈયાર થઈ ગયો હતો પણ છતાં તેનું મન આરોહીના ઘરે જવામાં માનતું નહોતું.આ બધી અવઢવ વચ્ચે તે રમતો હતો ત્યારે આરોહી નો મેસેજ આવ્યો.

"આજ તો રવિવાર છે. આજે પણ શું તું ફ્રી નથી?"

કવને તેના મેસેજ નો જવાબ ના આપ્યો અને સીધો તેને ત્યાં પહોંચી ગયો.

તેણે ડોરબેલ વગાડી.

આરોહીએ દરવાજો ખોલ્યો અને તેણે કવનને જોયો અને તે ખૂબ ખુશ થઈ ગઈ.

"મને થયું કે તું સાચેજ વ્યસ્ત હોઈશ એટલે તે મારા મેસેજનો જવાબ પણ ના આપ્યો."

"ના બસ હું આવતો જ હતો કે ત્યાં જ તારો મેસેજ આવ્યો."

આરોહી હમણાંજ સ્નાન કરીને બહાર આવી હોય તેમ લાગતું હતું.કારણકે તેણે વાળ ધોયા હતા.તેથી તે વાળ ખુલ્લા રાખીને સુકાવી રહી હતી.તેના કપડાં માંથી એક સારી એવી સુવાસ આવતી હતી જે તેના આખા ઘર ને મહેકાવતી હતી.મારા ખ્યાલથી દરેક ઘરની એક મહેક હોય છે.

આરોહી તેના રસોડા તરફ ગઈ અને કવન તે ખુલ્લી બાલ્કની તરફ ગયો, જ્યાં ખુરશીની વચ્ચે એક ટેબલ પર ન્યૂઝપેપર પડ્યું હતું.બહાર સૂર્યનો એકદમ કુમળો તડકો હતો અને સાથે સાથે નજીક રહેલા નાના ફૂલછોડ માંથી ભીની માટી ની અને ફૂલોની સુગંધ આવતી હતી.આરોહી એ હમણાં જ તે ફૂલછોડમાં પાણી પાયું હતું.કવન તે ખુરશીમાં બેઠો અને ન્યૂઝપેપર જોતો હતો.ત્યાં આરોહીએ આવીને કહ્યું "નાસ્તામાં શું લઈશ?"

કવને કહ્યું "જે તું બનાવે મને કંઈ પણ ચાલશે."

થોડીવાર બાદ કવન ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો.ત્યાંજ રસોડામાંથી બટાકા પૌઆ ની સુગંધ છેક બાલ્કની સુધી આવી ગઈ.

આરોહી બટાકા પૌઆ અને ચા બંને માટે લઈને આવી અને બંને ચા નાસ્તો કરતા કરતા વાતો કરવા લાગ્યા.

નાસ્તો કર્યા બાદ કવને આરોહીને તેનું ઘર સાફસુફ કરવામાં મદદ કરી. ઘરનું નાનું મોટું દરેક કામ પતાવતા આશરે ૧૧ વાગી ગયા હતા અને ત્યારબાદ તે બંને એક એક પુસ્તક લઈને બેસી ગયા અને ત્રણ એક કલાક સુધી એકપણ શબ્દ બોલ્યા વગર સતત વાંચતાં રહ્યા.

જયારે જયારે કોઈ પાનું ફેરવતી વખતે કવન આરોહીની સામે જોતો ત્યારે આરોહી વાંચવામાં ખૂબ તલ્લીન હતી.તે વાંચતી વખતે ચશ્માં પહેરતી હતી.તે સુંદર લાગતી હતી.આમ તો તે ત્યારે પણ સુંદર લાગતી હતી જયારે તે ચશ્માં નહોતી પહેરતી.

એક પ્રેમી તેની પ્રેમિકા ની તે બધીજ નાની નાની વસ્તુ નોટિશ કરે છે જે બીજું કોઈ નથી કરતું પણ આ અણસમજુ દુનિયા તેને મૂર્ખતા કહી ફગાવી નાખે છે,દુનિયા ને કોણ સમજાવે કે આ મૂર્ખતા તે જ છે જે તમે કરી છે કે કરવાના છો.દુનિયા ની તે બધી વસ્તુ લોકો ને મૂર્ખતા લાગે છે જે તેને કરવી છે પણ દુનિયાનો ડર તેને કરવા નથી દેતો.

કવનની મમ્મી નો જમવા ઘરે આવવા માટે નો ફોન આવ્યો હતો પણ જો કે આરોહી એતો પહેલાજ જમવાનું રેસ્ટોરન્ટ માંથી ઓર્ડર કરી દીધું હતું.તેણે ખૂબ તાણપૂર્વક કવનને અહીંયાંજ જમી લેવા કહ્યું.

જમીને બંને પુસ્તક વાંચતા વાંચતા સુઈ ગયા અને છેક સાંજે સાડા પાંચ વાગ્યે ઉઠ્યા.

કવન અને આરોહી બંને એ હાથ મોં ધોયા અને આરોહી એ કવનને કહ્યું.

"ચાલ મોલમાં જવું છે? એમ પણ મારે થોડીક વસ્તુ લાવવાની છે અને હવે તું તો આવતા અઠવાડિયે જ આવીશ.તો મને એકલા જવું નહિ ગમે."

કવનને પણ ક્યાંક ફરવા જવાની ઈચ્છા હતી.તે પણ રાજી થઈ ગયો.

કવન અને આરોહી બંને મોલમાં ગયા.આરોહી એ પોતાની જોઈતી વસ્તુ એક પછી એક તેના બાસ્કેટ માં નાખતી જ ગઈ.

આ જોઈને કવને રમૂજ માં કહ્યું

"બધી વસ્તુ આજે જ લઈ લઈશ તો આવતા રવિવારે આપણે ક્યાં જઈશું?"

આરોહી પણ હાજર જવાબી હતી તેણે પણ કહ્યું કે "દર રવિવારે આપણે અહીંયાંજ આવીશું,બીજે ક્યાંક નહિ જઈએ?"

આરોહી અને કવન બંને હસવા લાગ્યા.

રાત્રે મોલ માંથી આવ્યા બાદ કવને આરોહી ને ઘરે મૂકી આવ્યો અને પછી તે પણ તેના ઘરે જતો રહ્યો.જતી વખતે આરોહી એ કહ્યું હતું "અઠવાડિયાના વચ્ચે જો સમય મળે તો જરૂર આવજે."


કવને પણ પોતાને સમય મળશે તો જરૂર આવશે તેમ કહ્યું.


આ અઠવાડિયું પણ કવન માટે સતત વ્યસ્ત રહ્યું પેલા અઠવાડિયાની જેમ તે ચાહીને પણ આરોહી ની લાયબ્રેરી માં જઈ ના શક્યો પણ જો કે હવે તે તેવું નહોતો વિચારતો કે જો હું જઈશ તો આરોહી શું સમજશે? અને હું નહિ જઉં તો આરોહી શું સમજશે?, તે સમજી ગયો હતો કે આરોહી અને તેનો સંબંધ હવે આ બધા ખોટા વિચારો કરતા ઘણો ઉપર છે.


સાચેજ આપણને જ્યારે સમજમાં આવી જાય કે ખરેખર આપણો સંબંધ સામેવાળી વ્યકિત શું વિચારે છે તેની કરતા ઘણે ઉપર છે.ત્યારે સાચેજ આપણા સંબંધમાં પારદર્શકતા આવી કહેવાય.કારણકે સંબંધો લાગણીથી જોડાય વિચારોથી નહીં.


હવે પછીની કવન અને આરોહીની મુલાકાતો આરોહીની લાયબ્રેરીમાં રહેતી.જે કવનની ખૂબ સુંદર મુલાકાતો માની એક હતી.ધીમે ધીમે ચોમાસુ આવતું જતું હતું ગરમી હવે ઓછી થવા માંડી હતી. કવન અને આરોહીને સાથે છ એક મહિના થઈ જવા આવ્યા હતા.બંને હજી તે વાતો કરતા જે વાતોથી તેમનું મન ભરાતું.ખાસ તો આરોહી નું મન ભરાતું.આરોહી નું મન ભરાયેલું જોઈને કવનનું મન આપમેળે પ્રફુલ્લિત થઈ જતું.

તે દિવસે બુધવાર હતો. કવન આજે ક્લિનિકથી બપોરેજ આવી ગયો હતો. કવને સાંજે પાંચેક વાગતા આરોહીની લાયબ્રેરી માં જવાનું વિચાર્યું.જયારે કવન સાંજે ઘરેથી નીકળ્યો હતો ત્યારે લાગતું હતું કે આજે મુશળધાર વરસાદ પડશે.વીજળી ગરજી રહી હતી અને વાદળોથી આખું આકાશ ભરાઈ ગયું હતું.પવન પણ સુસવાટા મારતો હતો.

કવને આરોહીને ઘરની બેલ મારી.

આરોહી એ ઝડપથી દરવાજો ખોલ્યો તે વિચારમાં કે કોણ હશે?

કવન જ હતો,કવનને જોઈને આરોહી એ કહ્યું "બહાર જઈએ?"

તે જ ઈચ્છા કવનની પણ હતી, તે તો બસ તેને લેવા આવ્યો હતો.

"હું તને લેવા જ આવ્યો હતો."

"હું તારી રાહ જોતી હતી આજ રવિવાર નહોતો પણ મને લાગ્યું કે તું આવીશ."

આરોહી ના આ વાક્યથી કવન ખુશ થઈ ગયો.

"તને કેમ લાગ્યું કે હું આવીશ?"

"કારણકે આજે વરસાદ પડવાનો છે."

આ યોગ્ય કારણ નહોતું તે કવન જાણતો હતો પણ છતાંય હવે ફરીથી કવન આરોહી પાસે તે સવાલ અને જવાબની રમત રમવાના મૂળ માં નહોતો.

ઘણીવાર નાના વાક્યો કે શબ્દો બહુ ખુશ કરી દેતા હોય છે પણ ખરેખર તે શબ્દોમાં તેટલી લાગણી નથી હોતી, લાગણી સાંભળવા વાળા અને કહેવા વાળાના મનમાં હોય છે.


બંને બાઈક પર બેસી અને રિવરફ્રન્ટ ચાલ્યા ગયા.તે પહોંચવા જ આવ્યા હતા ત્યાં તો વરસાદ ત્રાટકી પડ્યો.

આરોહી અને કવન બંને તે મુશળધાર વરસાદમાં ચાલી રહ્યા હતા.કદાચ સાંજના છ વાગ્યા હશે.સૂરજ હવે વાદળોમાં છુપાઈ ગયો હતો પણ હજી તેટલું અંધારું નહોતું થયું. બાજુના મેદાનમાં કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા.તે વરસાદ પડતો જોઈને તેની ખુશીમાં ચિચિયારીઓ પાડતા હતા.તો કેટલાક લોકો નજીકના રોડ ઉપર જલ્દીથી વાહન ચલાવીને પોતપોતાના ઘરે જતા હતા.

આ વૃક્ષો ચાર કે પાંચ મહિનાથી જે ગરમીનો પ્રકોપ સહન કરી અને લોકો ને છાંયો આપતા હોય છે તે પણ પેલા બાળકોની જેમ ચિચિયારીઓ પાડી રહ્યા હશે બસ વૃક્ષોને વાચા ના હોવાના કારણે તે બહાર ના આવી શકી.જીવનમાં ઘણી વસ્તુઓ એવી છે જે વાચા હોવાને છતાં બહાર આવી શકતી નથી.આવી વસ્તુઓ મનમાં જ પ્રસરતી હોય છે.

આરોહી અને કવનના મનમાં પણ કઈંક તેવુજ થઈ રહ્યું હતું.તે પ્રથમ વરસાદથી આરોહી ખુશ હતી અને તેને જોઈને કવન પણ ખુશ હતો.તે બંને ચારેય તરફ ફેલાયેલી ભીની માટીની સુગંધ લઈ રહ્યા હતા.

તેણે એક વર્ષ પહેલાં આવું વિચાર્યું પણ નહોતું કે હવે ના વરસાદમાં આરોહી તેની સાથે હશે.તેને ક્યાં ખબર હતી કે પ્રેમમાં વરસાદ પણ વધુ સુંદર લાગવા માંડે છે.

વરસાદની સાથે પવન પણ ખૂબ હતો.તે બંને હવે સીડી ઉતરીને રિવરફ્રન્ટ પહોંચી ગયા હતા અને ચાલી રહ્યા હતા..કેટલાક પ્રેમી યુગલો એકબીજાના હાથમાં હાથ નાખીને જતા હતા.આરોહી અને કવન બંને સાથે ચાલી રહ્યા હતા.આરોહી એ તેના સુંદર વાળ ને તે પાણીના નફ્ફટ ટીપાઓ સામે આઝાદ કરી દીધા હતા.કવન બે ઘડી તેને જોતો રહ્યો જાણે તે ક્ષણ જ સર્વે છે.જો કવનના હાથ માં હોત તો તે બે ઘડી માટે એ સમગ્ર દુનિયાને,વરસતા વરસાદ ને,વહેતી નદીને,લહેરાતા ઝાડને અને સૌથી ખાસ આરોહીને અટકાવી દેત અને તેને થોડીક ક્ષણ માટે જોતો રહ્યો હોત.જો કે તે તેના હાથ માં નહોતું પણ છતાંય તે જોતો રહ્યો.

આજે આરોહી એ પણ તેને કંઈ ના કહ્યું.કવનને અત્યારે મનમાં એક પણ ખરાબ વિચાર નહોતો. તે પણ અત્યારે આ નિર્મળ વહેતા પાણીની જેમ મનમાં જ લાગણીઓ ને લઈ વહી રહ્યો હતો. બંને ચાલતા ચાલતા ખૂબ આગળ આવી ગયા હતા હવે ના તો બંને ને આગળ જવાનું મન હતું અને ના તો બંને ને પાછળ જવાનું મન હતું.તે પાસે રહેલી બેસવાની જગ્યા પર બેસી રહ્યા અને વરસતા વરસાદ ને જોઈ રહ્યા.

દુનિયા સમજે છે કે જ્યારે એક સ્ત્રી એક પુરુષ,એક છોકરી અને એક છોકરો બંને ના વિચારો અને બંનેની લાગણી એકબીજા થી મળે એટલે તે પ્રેમને લાયક છે.કેટલાક તે પણ કહે છે કે જ્યારે એક સ્ત્રીના અર્ધ વિચારો અને અર્ધ લાગણીઓ અને એક પુરુષના અર્ધ વિચારો અને લાગણીઓ બંને એકબીજાને મળીને પૂર્ણ થાય છે તો તે પ્રેમને લાયક છે.

હવે પ્રેમ કોઈ ગાણિતિક સમીકરણ તો છે નથી કે x y=0 થાય એટલે પ્રેમ થાય કે પ્રેમ કોઈ પઝલની રમત નથી કે તેને ટુકડો ટુકડો વ્યવસ્થિત જોડી દઈએ એટલે પ્રેમ થાય.

જો એવું હોય તો દુનિયામાં અગણિત લોકોને સાથે તમારા વિચાર મેળ ખાતા હશે અને દુનિયામાં અગણિત લોકો તે તમારા અધૂરા રહેલા વિચારો અને લાગણીઓ ને પૂર્ણ કરવા સક્ષમ હશે.તો તે સર્વે સાથે કેમ પ્રેમ નથી થતો.

જ્યારે આપણે આ માનવીય સમીકરણો માંથી બહાર આવીને જોઈએ ત્યારે કદાચ આપણે જાણીએ કે પ્રેમ શું છે?

જ્યારે ઈશ્વર એક નશ્વર શરીરમાં એક આત્મા નાખે છે ત્યારે સાથે સાથે અથવા વહેલા કે મોડા એક બીજી આત્મા બીજા નશ્વર શરીરમાં નાખે છે.હું બંને નશ્વર શરીરમાં રહેલી આત્માને એકબીજાને ભેટ માં મળેલી આત્મા માનું છું.જે બંને એકબીજા માટે બનેલી હોય છે.જ્યારે ચોક્કસ સમયે બે આત્માઓ મળે છે.ત્યારે ઈશ્વર નો ઉદ્દેશ પૂરો થઈ જાય છે.જેને હું પ્રેમ કહું છું.


વરસાદ હવે ધીમો પડી રહ્યો હતો.રિવરફ્રન્ટ પર હવે થોડી થોડી ભીડ વધી ગઈ.અંધારું થઈ ગયું હતું.

આરોહી એ કવનને કહ્યું "જઈએ"કવને તેને મોં હલાવી ને હા કહી.

ત્યારબાદ ઘણા વરસાદ માં બંને સાથે ફરવા ગયા.પણ કદાચ તે બંનેને તે પહેલાં વરસાદ જેવી મજા ના આવી.

ચોમાસાની ઋતુ હજી ચાલી રહી હતી.કવને આરોહીને કહ્યું હતું કે તે આગળ ભણવાનું વિચારી રહ્યો છે તેથી તે થોડા સમય પછી પ્રેક્ટિસ છોડી દેશે.


સાથે સાથે કવન અને વિશ્વાસ પણ ઘણીવાર મળતા જો કે તેઓ હવે પહેલાની જેમ રોજ નહોતા મળી શકતા પણ તે લોકો મળી લેતા કદાચ એકાદ અઠવાડિયે.કાવ્યા અને વિશ્વાસ પણ ખુશ હતા.તેમના તે પ્રેમ ભર્યા જીવનથી.તેઓ ઘણીવાર ઝઘડતા પણ બંને વચ્ચે સારું એવું બોન્ડિંગ હતું.તે લોકો હજી થોડા વર્ષ બાદ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા.તે વાત તેમના પેરેન્ટ્સ જાણતા હતા અને કોઈને કોઈ વિરોધ ના હતો.કારણકે બંને પરિવાર સમજુ હતા.

હવે ના જમાના માં કદાચ તે રીતનો વિરોધ નથી હોતો.બીજી તરફ કવન અને આરોહી તેવી રીતે દેખાતા હતા જાણે કે બંને એકબીજા ને પ્રેમ કરે છે,પણ તે બંને એ તેને પ્રેમનું નામ નહોતું આપ્યું.ના તો તે આપવા માંગતા હતા.કવન તેમજ ખુશ હતો અને આરોહી માટે તો પ્રેમ હજી તે જ હતો જે તે પહેલાંથી માનતી આવી હતી.


મારી દરેક છોકરા અને છોકરીઓને વિનંતી છે કે જો તમે પ્રેમ સમજતા નથી તો તમે તેમ કહીને તેની મજાક ના ઉડાવો કે પ્રેમ ફાલતુ વસ્તુ છે.

ક્રમશ

આપને આ વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો.તથા આપને વાર્તા સારી લાગી હોય તો લોકો ને જણાવશો તથા આપના ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ તથા માતૃભારતી ના સ્ટોરી સેકશન માં શેર કરશો.