Tum Sa Nahi Dekha - Review books and stories free download online pdf in Gujarati

તુમસા નહીં દેખા – રીવ્યૂ

ફિલ્મનું નામ : તુમસા નહીં દેખા      

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : શશધર મુખર્જી   

ડાયરેકટર : નાસીર હુસૈન    

કલાકાર : અમિતા, શમ્મી કપૂર, રાજ મેહરા, બી. એમ. વ્યાસ, કનુ રોય અને પ્રાણ   

રીલીઝ ડેટ : ૧૯૫૭

            ત્રણ વર્ષ પહેલાં જ કેરિયર શરૂ કરેલી હિરોઈન, જેના ખાતામાં માંડ સાત ફિલ્મો બોલતી હતી. ઓગણીસ કેટલી ફિલ્મો આપી ચૂકેલો હીરો જેની મોટાભાગની ફિલ્મો અસફળ હતી. જેની સાથે કોઈ મોટી હિરોઈન કામ કરવા માગતી ન હતી. પહેલીવાર નિર્દેશન કરી રહેલ ડાયરેકટર. ઘણા બધાં નકારાત્મક પાસાં હતાં, પણ ફિલ્મ રીલીઝ થઇ અને દ્રશ્ય બદલાઈ ગયું. ૧૯૫૭માં રીલીઝ થયેલી ફિલ્મોની યાદી જુઓ તો ખબર પડે કે કેવી ફિલ્મોને ટક્કર આપીને આ ફિલ્મ ચોથા નંબરે રહીને એક કરોડ જેટલી કમાણી કરી. મધર ઇન્ડિયા, નયા દૌર, પ્યાસા, દો આંખે બારહ હાથ, પેઈંગ ગેસ્ટ, આશા, ભાભી, શારદા મુસાફિર જેવી એકથી એક ચઢિયાતી ફિલ્મો ૧૯૫૭માં રીલીઝ થઇ હતી.

        ફિલ્મીસ્તાનના માલિક તોલારામ જાલાન હિરોઈન અમિતાને મોટા પાયે પ્રોજેક્ટ કરવા માગતા હતા અને તે માટે હીરો તરીકે પહેલાં ફિલ્મ તે સમયના રોમાન્સના રાજા દેવ આનંદને ઓફર કરવામાં આવી હતી, પણ દેવ આનંદે નકાર આપતાં તે ફિલ્મ શમ્મી કપૂરને ફાળે ગઈ. જો કે શમ્મી કપૂરને લેવું એ તે સમયે જુગાર જ હતો કારણ તેની મોટા ભાગની ફિલ્મો ફ્લોપ થઇ હતી.

        આ ફિલ્મની સ્ક્રીપ્ટ નાસીર હુસૈને પહેલાં દેવ આનંદ અને વૈજયંતી માલાને આપી હતી, પણ શશધર મુખર્જીએ વૈજયંતી માલાને પણ રિપ્લેસ કરીને આ ફિલ્મ અમિતાને આપી. આ ફિલ્મના પોસ્ટર ઉપર પણ મુખ્ય ચહેરો અમિતાનો હતો અને તેનાં કપડાં અને તેના દેખાવ પાછળ તોલારામ જાલાને મબલખ ખર્ચ કર્યો હતો. આ ફિલ્મ સફળ થઇ અને હિરોઈન અમિતાને બદલે શમ્મી કપૂર રાતોરાત સ્ટાર બની ગયો. આ ફિલ્મમાં શમ્મી કપૂરે પોતાની અલગ શૈલી વિકસાવી જે તેને અન્ય હીરોથી અલગ પાડતી હતી અને આ ફિલ્મ પછી શમ્મી કપૂરે પાછળ ફરીને જોયું નથી. અમિતાને લીધે શમ્મી કપૂર સ્ટાર બની ગયો. રાજેન્દ્રકુમારની કારકિર્દીને ઉઠાવ આપતી ફિલ્મ ગુંજ ઉઠી શેહનાઈની હિરોઈન અમિતા જ હતી, પણ તેનાં વાંકાં નસીબ કહો કે પછી તેનું રોલનું સિલેકશન ચુક્યું તેની કારકિર્દીએ ઝડપથી અસ્તાચળ તરફ ગતિ કરી. ૧૯૬૨ પછી તેણે કામ ઓછું કરી દીધું.

        વાર્તા કંઈક એવી છે. ગોપાલ (બી. એમ. વ્યાસ) ના હાથે તેને જુગારની લત લગાડીને તેની બધી ધન સંપત્તિ લુંટનાર તેના મિત્ર અમરનું ખૂન થઇ જાય છે જેનો સાક્ષીદાર અમરનો ભાઈ વિષ્ણુ (રાજ મેહરા) છે. પકડાઈ જવાના ડરથી તે પોતાની પત્ની કમલા (અંજલી દેવી) અને નાના પુત્ર શંકરને શિલોંગમાં છોડીને આસામમાં ભાગી જાય છે. આસામમાં સરદાર રાજપાલ નામ ધારણ કરીને રહેવા લાગે છે. ત્યાં એક નાની છોકરીને દત્તક લે છે અને તેને મોટી કરે છે અને તેણે નક્કી કર્યું હોય છે કે મીના (અમિતા) લગ્ન પોતાના પુત્ર શંકર સાથે કરશે.

        બીજી તરફ લોકોનાં કપડાં સીવીને દીકરા શંકર (શમ્મી કપૂર) ને મોટો કરે છે. શંકર મીલેટરીમાં કામ કરતો હોય છે, પણ યુદ્ધ ન હોવાથી તેને ત્યાંથી રજા આપી દીધી છે (ફિલ્મમાં એવી દેખાડવામાં આવ્યું નથી છતાં કેટલીક વાતો આપણે ધારી લેવી પડે,) મીના કોઈક કામસર શહેરમાં જાય છે અને તેના પાલક પિતા સરદાર રાજપાલને ઇસ્ટેટની દેખરેખ માટે બે ઘોડેસવારી જાણતાં અને બંદુક ચલાવી શકનાર બે માણસોની જરૂર હોય છે એવી અખબારમાં જાહેરાત આપે છે. તે સાથે જ સરદાર રાજપાલ તેમની પત્નીને જે નામથી ઓળખતા હોય છે તે નામ કમ્મોના નામે જાહેરાત આપે છે કે કમ્મો તું શંકરને લઈને મારી પાસે આવી જા.

        આ જાહેરાત કમલા જુએ છે (તે સમયમાં દરેક જણ અખબાર વાંચતું અને ખાસ તો નાની કોલમમાં આવેલી જાહેરાત તો ખાસ!)  અને સમજી જાય છે કે સરદાર રાજપાલ એ જ તેના પતિ ગોપાલ છે. શંકરને તેના પિતા પ્રત્યે નફરત હોય છે તેથી કમલા તેને સત્ય નથી જણાવતી અને પોતાના પતિ ગોપાલના નામે એક ચિઠ્ઠી લખીને શંકરને આપે છે અને સરદાર રાજપાલ પાસે નોકરીએ જવાનું કહે છે. મીના અને શંકર વચ્ચે રેલવે ટિકિટ કાઉન્ટર ઉપર ઝડપ થઇ જાય છે અને તે પછી શંકર પણ એ જ ડબ્બામાં ચઢે છે જેમાં મીના બેઠી હોય છે. તેના બેફીકરા અને બેબાક વર્તનને લીધે મીના તેને લોફર સમજે છે. તે બંને વચ્ચે ટક્કર સુનાનગરના અડધા રસ્તા સુધી ચાલતી રહે છે અને ભયંકર વરસાદને લીધે તેઓ એક જ ઘરમાં આશરો લે છે.

        આ જાહેરાત વિષ્ણુ અને અને તેના દીકરા સોહને (પ્રાણ) પણ જોઈ હોય છે. વિષ્ણુ જાણતો હોય છે કે ગોપાલ તેની પત્નીને કયા નામે બોલાવતો હોય છે. સોહન સરદાર રાજપાલ પાસે શંકર બનીને જઈને તેની જાયદાદ હડપ કરવાનું કાવતરું રચે છે. તે પણ એ જ મકાનના પ્રાંગણમાં આશરો લે છે જ્યાં મીના અને શંકર હોય છે.

        અડધી રાત્રે એક ચોર જોની (રામ અવતાર) શંકર અને મીનાનાં કપડાં લઈને ભાગી જાય છે. તે સમયે તે કમલાએ લખેલો પત્ર નીચે પડી જાય છે, જે સોહનને મળે છે. સોહનને તૈયાર ભાણે મીઠાઈ મળી જાય છે અને તે પહેલાં જ શંકર બનીને રાજપાલ પાસે પહોંચી જાય છે. જો કે પત્રમાં કમલાએ કરેલી તાકીદ પ્રમાણે રાજપાલ શંકરને જણાવતો નથી કે તે તેનો પિતા છે, તેને બદલે તેને નોકરીએ રાખી લે છે. તે રાજી થઇ જાય છે કે તેનો દીકરો તેની પાસે આવી ગયો છે. બીજી તરફ જોની પકડાઈ જાય છે અને મીના તેમ જ શંકરના કપડાં મળી જાય છે, પણ પત્ર નથી મળતો એટલે માતાનો ભલામણનો પત્ર મળે તે માટે શંકર ત્યાં જ રોકાઈ જાય છે. ચાર દિવસ પછી શંકર પણ ત્યાં પહોંચે છે અને પત્ર સરદાર રાજપાલને આપે છે. હવે પોતાની પાસે આવેલ બે શંકરમાંથી પોતાનો દીકરો કોણ, તે યક્ષપ્રશ્ન તેની સામે ઉભો રહે છે.

        સરદાર રામપાલ કેવી રીતે જાણે છે કે સાચો શંકર કોણ છે? મીના શંકરને પ્રેમમાં કેવી રીતે પડે છે? શું વિષ્ણુ અને સોહન પોતાના દાવમાં સફળ રહે છે? (જો કે સફળ નથી થવાના એ તો દરેકને ખબર છે, પણ મારે તો લખવું રહ્યું.)

        આ ફિલ્મ દ્વારા વધુ એક કલાકારે પદાર્પણ કર્યું છે. તેનું નામ હતું એમ. બી. શેટ્ટી જેને આપણે શેટ્ટીના નામથી ઓળખીએ છીએ. શેટ્ટીની આ પહેલી ફિલ્મ હતી અને આ ફિલ્મમાં તેણે સરદાર રાજપાલના વિરોધી ટકલુ ગેંગના સરદાર ભોલા (કનુ રોય)ના ખાસ માણસની ભૂમિકા ભજવી છે.

        ફિલ્મનું બેકગ્રાઉન્ડ ભલે આસામ અને શિલોંગનું દર્શાવ્યું હોય, પણ ફિલ્મનું શૂટિંગ થાણેના આસપાસના એરિયામાં થયું હતું. અમુક જગ્યાએ બનાવેલ સેટ તરત ખબર પડી જાય છે. બીજી પણ થોડી કમી છે. સાલું, આટલો ચતુર અને બદમાશ છોકરો છે, પણ માતાએ લખીને આપેલી ભલામણની ચિઠ્ઠી પણ નથી વાંચતો. જે સમયે ખૂન થયું તે સમયે તપાસ કરનાર ઇન્સ્પેકટર આટલાં વર્ષો પણ ઇન્સ્પેક્ટર જ રહે છે અને તે પણ જાહેરાત જોઇને ફરી ગોપાલને તપાસ આદરે છે. જો કે આવી અનેક નાની મોટી ત્રુટીઓ છતાં ફિલ્મ માણવાલાયક છે અને તેમાં મહત્વનું પાસું છે ફિલ્મનું સુમધુર સંગીત.

        આ ફિલ્મના સંગીતકાર છે ઓ.પી. નૈયર જવાનીયાં એ મસ્ત મસ્ત (રફીસાબ), છુપનેવાલે સામને આ (રફીસાબ), તુમ સા નહિ દેખા (ટાઈટલ સોંગ હોવાથી રફીસાબ અને આશા ભોંસલે બંનેને અલગથી ગાવા મળ્યું છે.), આયે હૈ દૂર સે (આશા ભોંસલે અને રફીસાબ), દેખો કસમ સે (આશા ભોંસલે અને રફીસાબ), સર પે ટોપી લાલ ( આશા ભોંસલે અને રફીસાબ).

        જો કે દેખો કસમ સે એક વર્ષ પહેલાં જ રીલીઝ થયેલ અંગ્રેજી ગાયક જ્યોર્જિયા ગીબ્સના ગીત ‘કિસ મિ અનોધર ધ અધર ડે’ ની કોપી હતું. નારાજ શમ્મી કપૂરને મનાવતી અમિતાના મુખે આ ગીત છે અને આવી સીચવેશન ત્યારબાદ શમ્મી કપૂરને ઘણીબધી ફિલ્મોમાં આવી, જેમાં હિરોઈન હીરોને ગીત ગાઈને મનાવે છે.

        સંગીતમય આ ફિલ્મ જોવાની મજા પડે એવી છે.

સમાપ્ત

જ્યોતિન્દ્ર મહેતા