Kanoon - Review books and stories free download online pdf in Gujarati

કાનૂન (૧૯૬૦) – રીવ્યૂ

ફિલ્મનું નામ : કાનૂન    

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : બી. આર. ચોપરા  

ડાયરેકટર : બી. આર. ચોપરા  

કલાકાર : અશોક કુમાર, રાજેન્દ્ર કુમાર, નંદા, મેહમૂદ, નાના પળશીકર, મનમોહન કૃષ્ણ, જગદીશ રાજ, ઓમ પ્રકાશ, ઈફ્તેખાર અને જીવન

રીલીઝ ડેટ : ૧૯૬૦

        હિન્દી ફિલ્મ ગીત સંગીત વગરની હોય તેવી કલ્પના કરવી મુશ્કેલ છે અને જે સમયમાં કાનૂન રીલીઝ થઇ તે સમયમાં તો જરા વધુ મૂશ્કેલ હતું. તે સમયની ફિલ્મોની સફળતામાં ગીતોનો ફાળો પણ કથાનક જેટલો જ રહેતો.

        આવા સમયમાં બી. આર. ચોપરા એક જર્મન ફિલ્મ ફેસ્ટીવલમાં હાજરી આપવા ગયા ત્યારે કોઈએ તેમને ટોણો માર્યો કે હિન્દી ફિલ્મ એટલે ફક્ત સંગીત. તેમને લાગી આવ્યું અને એવી ફિલ્મ બનાવવાનું વિચાર્યું જેમાં એક પણ ગીત ન હોય. તેમના આ નિશ્ચયથી બની કાનૂન જે ભારતની પહેલી એક પણ ગીત વગરની હિન્દી ફિલ્મ હતી. જો કે તે પહેલાં ગીત વગરની એક તેલુગુ ફિલ્મ ‘અંધા નાલ’ બની ચૂકી હતી.

        ફિલ્મનો મુખ્ય મુદ્દો કાનૂન દ્વારા અપાતી અંતિમ સજાના વિરોધનો હતો જે પહેલા સીન દ્વારા જ પ્રસ્થાપિત થઇ જાય છે. ખૂન થયું છે અને ખૂનીને સજા ફક્ત ગવાહીને આધારે અપાય છે અને જો તે ગવાહ કોઈ કારણવશ જુઠ્ઠું બોલે તો જેને સજા મળી છે તેને ન્યાય નથી થતો અને તેમાં પણ જો ફાંસીની સજા અપાઈ હોય તો તે સજા મેળવનારની કાનૂન દ્વારા થતી હત્યા જ છે એવું હાર્દ ધરાવતી આ ફિલ્મ હાર્ડ હિટીંગ છે.

        આ ફિલ્મમાં કાનૂનની દરેક બારીકાઇ વણી લીધી છે અને દરેક ઘટના બહુ ચતુરાઈથી લખવામાં આવી છે અને તે માટે લેખક સી. જે. પાવરીને અને એકથી એક ચઢીયાતા ડાયલોગ લખવા માટે અખ્તર અલ ઉમાનને સો તોપોની સલામી.

        ફિલ્મની શરૂઆત થાય છે કાલીદાસ (જીવન) થી જે ખૂન કરવા માટે દસ વર્ષની જેલની સજા કાપીને છૂટ્યો છે. છૂટ્યા પછી તે ગણપતનું ખૂન કરે છે. તેને પકડીને કોર્ટમાં ઉભો કરવામાં આવે છે. કોર્ટના જજ છે બદ્રીપ્રસાદ કોર્ટમાં કાલિદાસ ખૂનનો એકરાર કરે છે અને છાતી ઠોકીને કહે છે કે કાનૂન મને સજા નહિ આપી શકે છે. અસમંજસમાં પડેલ જજ બદ્રિપ્રસાદ તેને કારણ પૂછે છે ત્યારે કાલિદાસ જણાવે છે કે દસ વર્ષ પહેલાં મને આ જ ગણપતના ખૂન માટે દસ વર્ષની જેલની સજા થઇ હતી, જે હું ભોગવી ચૂક્યો છું તો એ જ ગણપતના ખૂનની સજા ફરીથી કેવી રીતે આપશો? અને જો સજા આપવી હોય તો મારાં આગળનાં દસ વર્ષની ભરપાઈ કેવી રીતે કરશો? મારી પત્નીની યુવાની અને એણે સહન કરેલી યાતના કેવી રીતે પછી આપશો? (અંધા કાનૂનનો અમિતાભ યાદ આવી ગયો ને!)

        તેની વાત સાંભળીને તે જ કોર્ટનો સરકારી વકીલ એડવોકેટ કૈલાશ ખન્ના (રાજેન્દ્ર કુમાર) તેનો વિરોધ કરે છે, પણ કાલિદાસની દલીલો સામે લાચાર થઇ જાય છે. કોર્ટમાં હૃદયરોગનો હુમલો આવતાં કાલિદાસ મૃત્યુ પામે છે પણ બદ્રીપ્રસાદ અને કૈલાશને વિચારતાં કરી મૂકે છે.

        બદ્રીપ્રસાદ ફાંસીના સજાના વિરોધી છે અને તે માટે તે અન્ય જજો સાવલકર (ઈફ્તેખાર) અને જજ ઝા ( દીવાન શરાર) સાથે વિવાદ પણ કરે છે. બદ્રીપ્રસાદનું કહેવું છે કે ફક્ત ગવાહ અને સબૂતોને આધારે ફાંસીની સજા આપવું એ જોખમ છે, કદાચ તેમાંથી કોઈ ખોટું હોય તો તે મનુષ્યને પાછો જીવંત કરી ન શકાય. જજ ઝા કહે છે કે ગુનેગાર ગમે એટલો ભાગે અંતે તે ઝડપાઈ જ જાય. કાલીદાસ જેવા કેસ કોઈક જ હોઈ શકે. તે બદ્રીપ્રસાદને ચેલેન્જ આપે છે કે ખૂન કરીને તમે બચીને દેખાડો. (નાટકના પહેલા અંકમાં ભીંત ઉપર લગાવેલી બંદૂક.) બદ્રીપ્રસાદ ચેલેન્જ ઉપાડી લે છે.

        કૈલાશ એ જજ બદ્રીપ્રસાદનો થનારો જમાઈ છે. તેનાં લગ્ન મીના (નંદા) સાથે થવાનાં છે. બદ્રીપ્રસાદનો એક છેલ બટાઉ દીકરો પણ છે વિજય (મેહમૂદ) જેને છોકરીઓ ફેરવવામાં રસ છે અને તે માટે ખોટું બોલીને બહેન મીના પાસેથી પૈસા લેતો રહે છે અને તે ન આપે તો ગામના ઉતાર સમાન વ્યાજખોર બનિયા સેઠ ધનીરામ (ઓમ પ્રકાશ) પાસેથી ઉધાર લેતો રહે છે. ધનીરામ વ્યાજખોર સાથે જ બ્લેકમેલર પણ છે. તે એક સ્ત્રી (શશીકલા)ને બ્લેક મેલ કરતો હોય છે, વિજય પાસેથી તેણે એક કોરા કાગળ ઉપર સહી લઇ લીધી હોય છે અને તે સાથે જ તેને ધમકી આપી હોય છે કે જો જલદી પૈસા નહિ ચુકવે તો તેના બાપની ઇસ્ટેટ પોતાના નામે કરી લેશે. ગભરાયેલો વિજય આ વાત મીનાને કહે છે અને પોતાને બચાવવા માટે વિનવે છે.

        મીના આ વાત કૈલાશને જણાવે છે. કૈલાશ તેને ચિંતા ન કરવાનું કહે છે અને મીટીંગને લીધે મોડી રાત્રે સેઠ ધનીરામ પાસે જાય છે અને તેને સમજાવે છે. તેને કાનૂનનો ડર દેખાડે છે એટલે સેઠ ધનીરામ વિજયે સહી કરેલો કોરો કાગળ તેને આપી દે છે. તે જ સમયે બારીમાંથી કૈલાશ જજ બદ્રીપ્રસાદને ધનીરામ પાસે આવતાં જુએ છે એટલે બાજુની એક રૂમમાં જતો રહે છે. થોડી વારમાં બદ્રીપ્રસાદ ત્યાં આવે છે અને ધનીરામનું ખૂન કરીને જતા રહે છે. કૈલાશ બહાર આવીને ધનીરામનું ખૂન થયેલું જુએ છે અને તેના પગ તળેથી ધરતી ખસી જાય છે. તેના આદર્શ અને તેના થનારા સસરાએ ખૂન કર્યું છે તે તેના માનવામાં નથી આવતું. તે ઝડપથી ત્યાંથી જતો રહે છે. બિલાડીને લીધે સેઠ ધનીરામનો દૂધનો ગ્લાસ ઢળી જાય છે.  

        થોડીવાર પછી એક ચોર કાલીયા (નાના પળશીકર) બારી ખુલ્લી જોઇને ધનીરામના ઘરમાં ઘૂસે છે. અંધારામાં તે જોઈ શકતો નથી અને તેનો હાથ ધનીરામના છાતીમાં ઘુસેલા ચાકુ ઉપર પડે છે. દૂધમાં તેનાં પગલાંની છાપ પડે છે. ગભરાયેલો કાલીયા પાઈપથી ઉતરતો હોય છે તે સમયે ત્યાં હાજર પોલીસ સબ ઇન્સ્પેક્ટર દાસ (ઓફ કોર્સ કાયમી જગદીશ રાજ) તેને પકડી લે છે. તપાસ કરતાં ધનીરામનું ખૂન થયું છે એ માલમ પડે છે અને તેને ધનીરામનો ખૂની માની લેવામાં આવે છે અને કોર્ટમાં હાજર કરવામાં આવે છે.

        કૈલાશ જાણતો હોય છે કાલીયા ખૂની નથી, પણ તે સત્ય જણાવી શકે એમ નથી. તે સરકારી વકાલતમાંથી રાજીનામું આપીને કાલીયાનો વકીલ બને છે. મીનાના મનમાં એવી ઠસી ગયું હોય છે કે ધનીરામનું ખૂન કૈલાશે કર્યું છે. બદ્રીપ્રસાદ એવી રીતે વર્તી રહ્યા છે કે જે કંઈ જાણતા નથી.

        શું કૈલાશ બદ્રીપ્રસાદના અંતરાત્માને જાગૃત કરી શકશે? શું ખરેખર બદ્રીપ્રસાદે ખૂન કર્યું છે કે પછી તેની પાછળ કોઈ રહસ્ય છે. કોર્ટમાં કેવો ડ્રામા થાય છે? શું કાલીયા બચી જાય છે એવા પ્રશ્નોનો અને આગળ શું થાય છે તે જાણવા માટે ફિલ્મ જોવી રહી.

        ફિલ્મના ડાયલોગ્સમાં અને ઘટનાઓમાં ભારોભાર નાટ્યાત્મકતા રહેલી છે અને એક પણ ગીત વગરની ફિલ્મ સુપરહીટ પણ નીવડી હતી. આ ફિલ્મને દર્શકો સાથે જ આલોચકોએ પણ વખાણી હતી. ફિલ્મમાં ગીતો નહોતાં, પણ એક બેલે ડાન્સ જરૂર હતો જે માટે ખાસ ગોપી કૃષ્ણને આમંત્રવામાં આવ્યા હતા.

આ ફિલ્મમાં બે મહાન કોમેડિયન છે, પણ તેમની પાસે કોમેડી કરાવવામાં નથી આવી. સીરીયસ ટોનવાળી આ ફિલ્મમાં ધનીરામના ખૂનના સમાચાર સાંભળીને મેહમૂદ સંગીત સાથે હશે છે એટલી જ ફક્ત કોમેડી. શરૂઆતમાં ફક્ત પાંચ મિનિટ માટે આવતાં જીવને પોતાનો અદ્ભુત પ્રભાવ પાથર્યો છે જે અંત સુધી જળવાઈ રહે છે. એક લાચાર ચોરના રોલમાં નાના પળશીકર પણ એટલા જ પ્રભાવશાળી છે. તેમનો ચહેરો જ એટલો દયામણો હતો કે તે આ પ્રકારના રોલમાં એકદમ સહજ રહેતા.

આ ફિલ્મનો સઘળો ફોકસ કોર્ટ ઉપર હોવાથી નંદા માટે ઝાઝું કંઈ કરવાનું નહોતું, પણ જેટલા સીન મળ્યા તેમાં પણ તેણે પોતાનું કૌવત દાખવ્યું છે. એક સમયના દિગ્દર્શક અને અભિનેતા માસ્ટર વિનાયકની આ દીકરી માટે કહેવાતું કે ભાવપૂર્ણ અભિનયમાં તે મીનાકુમારી જેટલી જ સક્ષમ હતી, પણ તેને ફેશન આઇકોન બનવું હોવાથી તેણે ભાવપૂર્ણ રોલ ઓછા સ્વીકાર્યા. તે ઉપરાંત જયારે શશી કપૂર સાવ નવોસવો હોવા છતાં તેણે તેની સાથે ફિલ્મો સ્વીકારી અને તેમની જોડી તે સમયની હીટ જોડીમાં ગણાતી.

આ ફિલ્મ માટે બી. આર. ચોપરાને ફિલ્મફેરનો શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો અને શ્રેષ્ઠ સહકલાકારનો એવોર્ડ નાના પળશીકરને ખાતે ગયો હતો. તે ઉપરાંત શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

આ ફિલ્મમાં કામ કરવા માટે રાજેન્દ્રકુમારનું પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

કાનૂનની અને સંબંધોની આંટીઘૂંટી ધરાવતી આ ફિલ્મ માણવા જેવી ખરી,

 

સમાપ્ત.