Brahmarakshas - 31 books and stories free download online pdf in Gujarati

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 31


“ આતો હજુ શરૂઆત છે, આપણે એમજ હિંમત નહિ હારીએ. હે મા કાળી અમારી રક્ષા કરજે." શિવમે કહ્યું.


ફરી એક ભયંકર ત્રાડ પાડી અને એ બ્રહ્મરાક્ષક શિવમ તથા કાલિંદી તરફ ઢળ્યો. પ્રથમ નજરમાં જોનારાના તો હોશ જ ઉડી જાય. એ રાક્ષક સામાન્ય જંગલી જાનવર કરતા કદમાં ખૂબ જ વિશાળ હતું તેના આખા શરીર ઉપર કાળી રુવાંટી હતી. શરીર અગ્નિના કારણે દાઝી ગયું હોય એવું લાગી રહ્યું હતું. શરીરમાં ઠેર ઠેર કાણાઓ હતા જ્યાંથી વરાળ જેવું કઈક બાષ્પીભવન સ્વરૂપે નીકળી રહ્યું હતું. જાણે તેના શરીરમાં કોઈએ આગ લગાવી હોય એ રીતે તેનું શરીર આગથી તપી રહ્યું હતું. રાક્ષકના મોંમાંથી લોહીની લાળો પડી રહી હતી. તે ત્રાડ પાડતો હતો ત્યારે તેના મોંમાંથી દુર્ગંધ આવી રહી હતી. તેની લાલ પડતી બે આંખો ગુસ્સામાં વધુ લાલ દેખાઈ રહી હતી. તેના ભયંકર પંજા અને એ પંજાઓના વધેલા નખથી તે ખૂબ જ ભયંકર લાગી રહ્યો હતો. તેના રાક્ષકી દાંતો વચ્ચે માસના લોચા ચોંટયા હતા જાણે હમણાં જ કોઈ સજીવનો જીવ લઈને આવ્યો હોય.તેનું ભયંકર સ્વરૂપ બહાદુર વ્યક્તિને પણ જોતાં જ ડરાવી મૂકે એવું હતું


બ્રહ્મરાક્ષકને પહેલી વાર આટલા નજીકથી કાલિંદી અને શિવમે જોયો હતો. એ રાત્રે જંગલમાં કાલિંદી જ્યારે નંદિનીને બેહોશ હાલત માંથી હોશમાં લાવવા માટે જંગલમાં જડ્ડીબુટ્ટી લેવા આવી હતી ત્યારે જોયો હતો પરંતુ પવનના ભારે જોરના કારણે એટલું સ્પષ્ટ જોઈ શકાયું ન્હોતું. પરતું આજે તો તેમની આંખોની સામે, સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.


“ કાલિંદી તું ડરીશ નહિ, હું છું ને." શિવમે કાલિંદીનો હાથ પકડતા કહ્યું.


એ બ્રહ્મરાક્ષક પોતાના મોટા પગો વડે છલાંગો લગાવતો લગાવતો આવી રહ્યો હતો, તેના કદમો થી ધરતી ધ્રુજવા લાગી. શિવમ અને કાલિંદી આંખો પહોળી કરીને તે રાક્ષક ની સામે જ જોઈને રહ્યા હતા. જોતજોતામાં એક લાંબી છલાંગ મારીને એ રાક્ષક નજીક આવી પહોંચ્યો. પૂંછડીના જોરદાર ઝાટકા થી શિવમને કાલિંદીથી દૂર ફગોડી દીધો.


“ શિવમ...." હવામાં ફંગોયાયેલા શિવમને જોઈને ચિંતા અને ડરના માર્યે કાલિંદીની ચીસ નીકળી ગઈ.


શિવમ દૂર જમીન ઉપર પડ્યો, તેનું શરીર જમીન સાથે અથડાતાં ઘાયલ થઈ ગયું. શિવમ ની નજર કાલિંદી ઉપર મંડાયેલી હતી એને મનમાં ચિંતા થવા લાગી કે ક્યાંય બ્રહ્મરાક્ષક કાલિંદી ઉપર હુમલો ન કરી દે, આખરે બન્યું પણ એવું જ....


બ્રહ્મરાક્ષક કાલિંદી તરફ ગુસ્સા ભરી નજરે ઢળી આવ્યો, પોતાનો ભરાવદાર પંજા દ્વારા કાલિંદી ઉપર હુમલો કરવાનું કર્યું.


“ કાલિંદી તારી જાતને બચાવ." માંડ માંડ શિવમ ઉભો થતો બોલ્યો. શિવમ હજુ કાલિંદી સુધી પહોંચે એ પેલા જ એક ખૂબ દર્દભરી ત્રાડ એ બ્રહ્મરાક્ષકની પડી.


પળની પણ વિલંબ કર્યા વિના હવાને વિંધતુ એક બાણ સીધું નિશાના ઉપર આવી પહોચ્યું. હવાને વિંધતું એ બાણ બ્રહ્મરાક્ષકના એ હાથમાં જઈને વાગ્યું જે હાથ કાલિંદી તરફ હુમલો કરવા આગળ જઈ રહ્યો હતો.


હાથમાં ધનુષ - બાણથી સજ્જન કોઈ આદિવાસી જેવો લાગી રહેલો પુરુષ કાલિંદીની રક્ષા કાજે આવી પહોંચ્યો હતો. તેના ચહેરા ઉપર તેમજ શરીર ઉપર ઘાટા કાળા રંગનો કલર કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. તેણે પોતાનો ચહેરો કાપડના ટુકડા દ્વારા ઢાંકી રાખ્યો હતો, જાણે તેને ડર હોય કે કોઈ તેને ઓળખી જશે. તે પોતાની ઓળખ છુપાવવાની પુરે પુરી કોશિશ કરી રહ્યો હતો. એ આદિવાસી જેવા લાગી રહેલા પુરુષે છોડેલું બાણ બ્રહ્મરાક્ષકના પંજાને ચીરીને આરપાર નીકળી ગયું.


હજુ શિવમ કંઈ સમજે એ પેલા એ આદિવાસી જેવા માણસે ફરી એક બાણ છોડ્યું. પવિત્ર શ્લોકની સાથે છૂટેલું એ બાણ બ્રહ્મરાક્ષકને ભયભીત કરી નાખ્યો. રાક્ષક પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી પળભરમાં જ પલાયન થઈ ગયો. જતાં જતાં એક ભયંકર ત્રાડ પાડી જે આખા જંગલને ધ્રુજાવી મુકે એવી હતી. વૃક્ષ પર ભયભીત બેઠેલાં પક્ષીઓ ગભરાઈને ઉડી ગયા.


“ શિવમ તું ઠીક છે ને...." કાલિંદી જખ્મી હાલતમાં રહેલા શિવમ પાસે જતાં પૂછ્યું.

“ હા હું ઠીક છું, પણ એ પુરુષ કોણ હશે ? ચાલ મને થોડી મદદ કર ચાલવામાં આપણે તેની પાસે જઈને જાણકારી મેળવી લઈએ." શિવમ ને પગમાં વાગ્યું હતું તેથી કાલિંદી ની મદદ લેતા કહ્યું.


“ તમે કોણ છો ? અને આ સૂનસાન જંગલમાં કેવી રીતે..?" શિવમે આદિવાસી પુરુષને પૂછ્યું.


“ હું પણ તમને એવો જ પ્રશ્ન પૂછી શકું ને..! તમે પણ આ જંગલમાં છો ને, કોઈ કામથી જ આવ્યા હશો ને. બસ હું પણ કોઈ મહત્વ પૂર્ણ કામના કારણે આવ્યો હતો જે હવે પૂર્ણ થયું એટલે મારે જવું જોઈએ." આદિવાસી પુરુષ બોલ્યો.


કોઈ આદિવાસી પુરુષને પહેલી વાર આટલું સ્પષ્ટ ગુજરાતી બોલતા સાંભળ્યો હતો. શિવમ અને કાલિંદીને નવાઈ લાગી.


શિવમને આદિવાસી પુરુષનો અવાજ ખૂબ જાણીતો લાગ્યો તેથી તેણે વધુમાં પૂછતા બોલ્યો...“ ભાઈ આપનું નામ હું જાણી શકું."


“ દેવ..." ભાઈ જેટલો પ્રેમાળ શબ્દ સાંભળતા એકાએક આદિવાસી પુરુષના મુખમાંથી ઉતાવળમાં શબ્દ ખરી પડ્યો.

“ દેવ...!" પોતાના ભાઈનું નામ પણ દેવ જ હતું તેથી નવાઈ સાથે શિવમ બોલ્યો.

કાલિંદી બંનેની વાત ધ્યાન પુર્વક સાંભળતી હતી.


“ અરે ના ના દેવ નહિ દેવુલ્લા. આપને સાંભળવામાં કઈક પ્રોબ્લેમ થઈ હશે." આદિવાસી પુરુષે વાતને ફેરવતા કહ્યું.


“ શિવમ તને નથી લાગતું આ આદિવાસી પુરુષમાં કઈક ગરબડ હોય ? તેનો પહેરવેશ તો જંગલી પુરુષ જેવો જ છે, પરંતુ તેની ભાષા કઈક વધુ પડતી મોર્ડન નથી લાગતી ? આ આદિવાસીઓ ક્યારથી ઇંગ્લિશ બોલતાં શીખી ગયા. પ્રોબ્લેમ શબ્દ તો ગામવાસીઓ ને પણ ખબર નહિ હોય તો આને કેવી રીતે.....?" કાલિંદી એ શિવમની આગળ એકીસાથે કેટલાય પ્રશ્નનો ઢગલો કરી દીધો.


શિવમને આમેય એ આદિવાસી પુરુષ તરફ કઈક અલગ પ્રકારનો અણસાર આવતો હતો અને હવે તો કાલિંદી એ કરેલા પ્રશ્નોના જવાબ મેળવવા માટે એ આદિવાસી પુરુષનો ચહેરો જોવો એજ એક વિકલ્પ બાકી રહ્યો હતો.


“ હું આપનો ચહેરો જોવા માંગુ છું." આખરે શિવમે પૂછી જ લીધું.


“ આપ ભૂલશો નહિ કે અહીં આપ શા કારણે આવ્યા છો." આદિવાસી પુરુષે સમયનું ભાન કરાવવા કહ્યું.

વધુમાં ઉમેરતાં કહ્યું....“ સમય રેતની જેમ હાથમાંથી સરકી રહ્યો છે. આતો એ રાક્ષકના અંત તરફનું પ્રથમ પગથિયું છે, જો તમે આમજ વિલંબ કરતા રહ્યા તો એ રાક્ષકનો અંત ભવિષ્યમાં પણ શક્ય નહિ બની શકે. પછી આપ આપના ભાઈ - ભાભીનો બદલો કેવી રીતે લેશો...!" એ આદિવાસી પુરુષ બોલતો બોલતો અટકી ગયો.


“ તમે જાણતા હતા મારા ભાઈ-ભાભીને...?" શિવમે હવે વધુ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી.


“પવિત્ર રક્ત બે આત્માનું પડશે જે જગ્યાએ

મળી જશે જવાબ તે ક્ષણે જ તે જગ્યાએ." આટલું બોલતા જ એ આદિવાસી પુરુષ ખાઇની નીચે પટકાઈ ગયો જ્યાંથી અનેકો લોકોના પડવાથી જીવ ગયા હતા તેમજ શિવમનો ભાઈ દેવ પણ રાક્ષકના પંજાથી ફંગોળાઈને આ ખાઈની નીચે પડ્યો હતો જેની લાશ શોધવા છતાં આજદિન સુધી ખાઈની નીચેથી મળી નહી. આખરે કોઈ જંગલી જાનવરો એ દેવનું શરીર ફોડી ખાધું હશે એવી હતાશા સાથે તેની શોધખોળ કરવાની પડતી મૂકી.


“ તમારો ચહેરો તો બતાવતા જાઓ..." શિવમ લથડાતો લથડાતો ખાઈ સુધી પહોંચ્યો પરંતુ ત્યાં નીચે નજર કરતા ફક્ત ને ફક્ત વૃક્ષો જ દેખાયા. એ આદિવાસી પુરુષ પળમાં ક્યાંય ગાયબ થઈ ગઈ ગયો હતો. એક નિરાશા ભરેલી દૃષ્ટિએ શિવમ પાછો ફર્યો.


“ હું એને જાણતો હોવ એવું મને કેમ લાગે છે. કાશ..! એકવાર હું તેનો ચહેરો જોઈ શકોત." શિવમે ઉદાસ થતાં કહ્યું.


કાલિંદી શિવમને ઉદાસ થતાં જોઈ ઉતાવળે પગે તેની પાસે આવી રહી હતી. એકાએક તેને ઠોકર વાગી અને તે નીચે જમીન પર પડી ગઈ. હાથ નીચે જમીન પર પડેલા પથ્થર સાથે ટકરાતા લોહી લુહાણ થઈ ગયો.


દર્દભરી એક ચીસ કાલિંદીના મોંમાંથી નીકળી પડી. શિવમ કાલિંદીની તરફ ભાગ્યો. શિવમના પગે તથા હાથે જોરથી જમીન સાથે અથડાવાના કારણે ચોટ લાગી ગઈ હતી જેમાંથી લોહી નીકળી રહ્યું હતું. શિવમે પોતાની જાતને સંભાળી અને કાલિંદી તરફ ગયો.


“ તું ઠીક તો છે ને.." શિવમે પોતાના લોહીવાળા હાથને આગળ કરતા કાલિંદીને ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. શિવમ ના ટેકા દ્વારા કાલિંદી ઉભી થઇ. શિવમ તથા કાલિંદીના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. બંનેનું રક્ત એકસાથે જમીન પર પડ્યું.


જમીનને ચીરતી તેજ પ્રકાશની એક રોશની બહારની તરફ નીકળી. શિવમ અને કાલિંદી આંખો ફાડીને તે રોશની જોવા લાગ્યા પરંતુ.......


વધુ આવતાં ભાગમાં...