Brahmarakshas - 32 books and stories free download online pdf in Gujarati

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 32


“ તું ઠીક તો છે ને.." શિવમે પોતાના લોહીવાળા હાથને આગળ કરતા કાલિંદીને ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. શિવમ ના ટેકા દ્વારા કાલિંદી ઉભી થઇ. શિવમ તથા કાલિંદીના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. બંનેનું રક્ત એકસાથે જમીન પર પડ્યું.


જમીનને ચીરતી તેજ પ્રકાશની એક રોશની બહારની તરફ નીકળી. શિવમ અને કાલિંદી આંખો ફાડીને તે રોશની જોવા લાગ્યા પરંતુ રોશની એટલી બધી તેજ હતી કે તેમની આંખોને આંજી દીધી. થોડીવાર તો શિવમ અને કાલિંદીને શું થઈ રહ્યું છે એની ખબર ન પડી. પરંતુ ધીમે ધીમે તે રોજનીનું તેજ થોડું આછું થયું ત્યારે શિવમ અને કાલિંદી જે જગ્યાએથી જમીન માંથી રોશની નીકળતી હતી ત્યાં નજીકમાં ગયા.


“ શિવમ થોભી જા.." કાલિંદીની વાત સાંભળીને શિવમના ચાલતા પગ એકાએક સ્થિર થઈ ગયા.

“ પણ કાલિંદી, આમ મને રોકવા પાછળનું કારણ શું ?" નીકળતી રોશનીની સચ્ચાઈ જાણવા માટે ઉતાવળે પગલે, પાછળની તરફ જોયા વિના જઈ રહેલા શિવમને આમ એકાએક કાલિંદી એ રોકી લીધો જેથી તેણે નવાઈ સાથે કાલિંદીને પૂછ્યું.


“ શું ખબર આ ફરી એજ બ્રહ્મરાક્ષકની ચાલ હોય. આમ ઉતાવળે કોઈ પણ કાર્ય કરવું જોખમકારક હોય શકે..." હજુ કાલિંદી પોતાની વાત પૂરી કરે એ પેલા જ શિવમ વચ્ચે બોલ્યો....


“ જોખમ ખેડ્યાં વિના કંઈ પણ મળવું શક્ય નથી. હું હવે એક પળની પણ વિલંબ કર્યા વિના એ રોશની શાની હતી એ જાણીને જ રહીશ. મારા ભાઈ - ભાભીનો બદલો મારે કોઈ પણ ભોગે લેવાનો છે. આતો હજુ શરૂઆત જ છે, જો હું આમ ડરના કારણે પાછો ફર્યો તો બદલો લેવો શક્ય નથી અને આ અમરાપુરના લોકોને બ્રહ્મરાક્ષકથી છુટકારો પણ આપવાનો છે. હું થોભીશ નહિ." આટલું કહેતા શિવમ એ ચીરેલી જમીન તરફ આગળ વધ્યો.



******

“ શાબાશ દેવુલ્લા, શાબાશ...!"


રમણીય સ્થળ, વૃક્ષોથી ઘેરાયેલો કબીલો, નદીઓના ખળભળ વહી રહેલાં નીર, પશુ - પક્ષીઓનું નિવાસ, અમરાપુરના મા કાલીના મંદિર પાસેની ખાઈ, જેણે કઈ કેટલાય લોકોના જીવ લીધેલા હતા. ઉપરથી નજર કરતા જે ડરામણી દેખાતી હતી એજ ખાઈ પોતાની ભીતર પ્રકૃતિના એક રમણીય સ્વરૂપને પોતાની અંદર છૂપાવીને બેઠી હતી.


એજ રમણીય વાતાવરણમાં કોઈને શાબાશી આપી રહેલા શબ્દો સંભળાયા.


“ આપ મને શાબાશી આપો એ પહેલાં હું આપનો હદય પૂર્વક આભાર માનવા માંગુ છું. જો એ દિવસે જંગલી પ્રાણીઓથી મારો જીવ ના બચાવ્યો હોત તો કદાચ હાલમાં મારું અસ્તિત્વ ન જ હોત." દેવુલ્લા એ આભાર વ્યક્ત કરતા કહ્યું.


“ પ્રત્યક્ષ નહિ પરંતુ પરોક્ષ રીતે તું એમનામાં બદલો લેવાની અગ્નિ ઉત્પન્ન કરે છે. એના ભાઈ - ભાભી પ્રત્યેનો પ્રેમ જ એ બ્રહ્મરાક્ષકનો અંત આણશે." દેવુલ્લાને જવાબ આપતા એ આદિવાસી પુરુષે કહ્યું.


“ હું પણ એ જ સમયની રાહ જોવું. એ રાત્રે કાચના ફૂટી ગયેલા તેના કંગન, હાથની મહેંદી હજુ ઉતરી ન્હોતી ને તેને રક્તમાં રંગી નાખી. એની પ્રેમાળ આંખો બંધ થતાં પહેલાં શાયદ મને ઘણું બધું કહેવા માંગતી હતી. પણ અફસોસ...!" દેવુલ્લા બોલતો બોલતો રડી પડ્યો.


“ દેવુલ્લા આમ હિંમત ના હારો... ના દેવુલ્લા નહિ પણ...." આદિવાસી પુરુષ બોલી રહ્યો હતો...


“ હું દેવુલ્લા જ છું...! જ્યાં સુધી એ રાક્ષકનો અંત ના થઈ જાય ત્યાં સુધી હું દેવુલ્લા જ છું." દેવુલ્લાએ આદિવાસી પુરુષને અટકાવતાં કહ્યું.


“ જેવું આપ ઇચ્છો." આદિવાસી પુરુષે હામી ભરતા કહ્યું.


“ જ્યારે સહી સમય આવશે ત્યારે હું પોતાની ઓળખ સામેથી આપીશ. હું એમની હિંમત છું અને હંમેશા રહેશું." દેવુલ્લાએ પોતાની જાત પર ગર્વ થતો હોય એવી રીતે મોટેથી કહ્યું.


દેવુલ્લાના હિંમત ભર્યા શબ્દો ખીણના દરેક ખૂણે ગુંજવા લાગ્યા.



********




કાલિંદી પણ હિંમત કરીને ઉતાવળે ચાલીને શિવમ ભેગી થઈ ગઇ. આખરે બંને આવી પહોંચ્યા એ રોશની નીકળતી જગ્યાએ, જ્યાં જમીનમાં તેજ રોશનીના કારણે ખાડો પડી ગયેલો નજરે ચડ્યો.


શિવમ અને કાલિંદી ધીમે રહીને એ ખાડામાં નજર કરી.

“ કાલિંદી આતો કઈક પેટી જેવું દેખાઈ રહ્યું છે, શું હશે એની અંદર..?" શિવમે કાલિંદી તરફ વિચારતા કહ્યું.

“ હવે એની અંદર શું હશે એ તો પેટી લઈને જોઈએ ત્યારે જ ખબર પડે." કાલિંદી એ કપાળ ઉપર હાથ પછાડતાં કહ્યું.


કાલિંદીનો હાથ પકડીને શિવમ એ ખાડામાં ઉતર્યો. નાનકડી પેટીને પોતાના હાથમાં લઈને બહાર નીકળ્યો. કાલિંદી પણ એ પેટીને ધ્યાનથી નિહાળવા લાગી. જ્યારે શિવમના હાથમાં રહેલી પેટીને કાલિંદી અડકવા ગઈ ત્યારે ફરી એ પેટીમાંથી તેજ રોશની નીકળવા લાગી. થંભી ગયેલી હવા ફરી વાર તેજ પ્રહાર સાથે વહેવા લાગી. વાતાવરણમાં એકાએક પલટો આવતાં શિવમ અને કાલિંદી સાચવેત થઈ ગયા. જ્યારે બ્રહ્મરાક્ષક એકાએક તેમની સામે આવી ગયો હતો ત્યારે પણ વાતાવરણમાં આવો જ અચાનક પલટો આવી ગયો હતો. એટલે સાવધાન રહેવામાં ભલાઈ.


“ કાલિંદી હવે આપણું અહીં રોકાવવું સલામત નથી. અઘોરી દાદાએ જે પેટી વિશે કહ્યું હતું એ આપણને મળી ગઈ છે. હવે આપણે જવું જોઈએ. " આટલું કહીને શિવમ તથા કાલિંદી જંગલમાંથી ગામ તરફ જવા લાગ્યા. જતાં જતાં ફરી એ ખાઈ તરફ નિરાશા ભરી દષ્ટિએ શિવમે નજર કરી અને એક મોટો નિસાસો નાખીને પોતાના હાથમાં એ પેટી લઈને ચાલતો બન્યો.



****


“ અઘોરીજી સમય હાથમાંથી સરકી રહ્યો છે અને શિવમ - કાલિંદી હજુ સુધી નથી આવ્યા. તેઓ સહીસલામત તો હશે ને......." પોતાના સંતાનોની ચિંતા કરતા વિરમસિંહ આખરે ધીરજ ખૂટતા વૃદ્ધ અઘોરી દાદા પાસે જઈને ચિંતા વ્યકત કરતા કહ્યું. તેઓ હજુ બોલી જ રહ્યા હતા ત્યાં અઘોરી દાદાએ કહ્યું....“ આપે હવે ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં જોવો તેઓ આવી રહ્યા છે." અઘોરી દાદાએ જંગલમાંથી પરત ગામમાં આવી રહેલા શિવમ તથા કાલિંદી તરફ આંગળી ચીંધતા કહ્યું.


ચહેરા પર ખુશી તો શરીર પર ઘા, હાથમાં પેટી અને પેટીની અંદર બંદ રહસ્ય. જંગલમાં ફક્ત આર્શીવાદ લઈને ગયા હતા પરંતુ પરત ફર્યા ત્યારે શિવમ અને કાલિંદીની સાથે કઈ કેટલુંય હતું.


ગામલોકો આશા ભરેલી નજરે બંનેની સામે જોઈને રહ્યા હતા. જાણે કોઈ બહાદુર સૈનિક યુદ્ધભૂમિમાંથી યુદ્ધ જીતીને ના આવ્યા હોય..!


“ આંટી કાલિંદી આવી ગઈ." શ્રેયા એ હર્ષ સાથે કહ્યું.


કાલીમાની છબીની આગળ પોતાની દીકરીની રક્ષા માટે પ્રાથના કરી રહેલી નંદિની ને જ્યારે શ્રેયાએ આ સમાચાર આપ્યા તો નંદિની ત્યાંથી ઝટ ઉભી થઈને પોતાની દીકરીને આંખોની સામે સહીસલામત જોવા ભાગી. આખરે નંદિની એ જગ્યાએ કાલિંદીને સહીસલામત જોઈ ત્યારે તેના હદયને ઠંડક મળી. બહારથી કેટલીયે મજબૂત દેખાવાની કોશિશ કરી હતી પરંતુ અંદરથી તો માનું હૈયું પોતાની દીકરી માટે ચિંતાતુર જ હતું.


“ અઘોરી દાદા આપે કહ્યું હતું એજ જગ્યાએથી આ પેટી મળી આવી છે. જયારે તે એકાએક પ્રગટ થઈ ત્યારે તેમાંથી ખૂબ જ તેજ રોશની નીકળી રહી હતી, ધીમે ધીમે તે ઓઝલ થઇ ગઇ. હા પરંતુ જ્યારે કાલિંદી એ આ પેટીને સ્પર્શ કર્યો ત્યારે એ ફરી ઝળહળી ઉઠી હતી." શિવમે પેટીની આખી કથા સંભળાવી દીધી.


“ તો રાહ શેની જોવો છો. ખોલી દો એ પેટીને...." અઘોરી દાદાએ કહ્યું.

અઘોરી દાદાની વાત સાંભળીને શિવમે એ નાનકડી પેટી ને પોતાના હાથ દ્વાર ખોલવાની કોશિશ કરી, પેટી સરળતા થી ખુલ્લી નહિ તેથી તેને જમીન ઉપર મૂકીને ફરી શિવમે પોતાના બળનો ઉપયોગ કર્યો. યથાર્થ પ્રયત્નો કરવા છતાં શિવમ થી એ પેટી ના ખોલી એટલે ના જ ખોલી. આખરે અઘોરી દાદાએ શિવમ ને રોકતા કહ્યું.....“ શિવમ; કાલિંદી અને તું બંને સાથે મળીને ખોલી જોવો ને શાયદ ખોલી જાય તો."


વિરમસિંહ, નંદિની, શ્રેયા અને તમામ ગામલોકોની નજર તો એ પેટી તરફ જ મંડાયેલી હતી. ક્યારે એ પેટી ખોલે અને ક્યારે એમાંથી બ્રહ્મરાક્ષકને મારવાનો તોડ મળે.


શિવમ અને કાલિંદી બંને જણાએ જ્યારે સાથે મળીને એ પેટી ખોલવાની કોશિશ કરી તેવી જ એ પેટી ખોલી ગઈ. પેટી ખોલતાની સાથે જ એક તેજ રોશનીનું કિરણ બહારથી તરફ આવવા લાગ્યું.


ત્યાં હાજર સૌની નજર એ પેટીની અંદરથી આવતાં પ્રકાશ તરફ મંડાણી. હળવે રહીને કાલિંદી એ પેટી ની અંદર હાથ નાખ્યો. પળમાં જ કાલિંદી બેહોશ થઈ ગઈ. જાણે વીજળીનો એક જોરદાર ઝાટકો ના લાગ્યો હોય. કાલિંદીના બેહોશ થતાની સાથે જ એ તેજ પ્રકાશ અલોપ થઈ ગયો. કાલિંદી બેહોશ થઈને જમીન પર ઢળે એ પેલા જ શિવમે તેને પોતાની બાહોમાં સંભાળી લીધી.


“ કાલિંદી..." નંદિની આ રીતે એકાએક કાલિંદી ને બેહોશ થતાં ગભરાઈ ગઈ.


ગામલોકોની આંખોમાં પણ ચિંતાના નિશાનો ઉપસી આવ્યા હતા. આખરે અઘોરી દાદા બોલ્યા.....“ ચિંતા કરવાની જરૂર નથી. એ તેજ પ્રકાશ દિવ્ય આત્માનું સ્વરૂપ હતું, તે આગળ જતાં બ્રહ્મરાક્ષકનો વધ કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. એ પ્રકાશમાં એટલી બધી શક્તિ છે કે કાલિંદી તેને પોતાની અંદર સમાવતાં બેહોશ થઈ ગઈ, ચિંતા ના કરો એ થોડા સમય પછી પાછી હોશમાં આવી જશે."


અઘોરી દાદાની વાત સાંભળીને ત્યાં હાજર સૌ એ રાહતનો શ્વાસ લીધો.


પણ હજુ બધાંના મનમાં એક પ્રશ્ન થયો હતો કે આખરે એ પેટીમાં છે શું..?


“ અઘોરી દાદા હવે ઝટ જણાવી જ દો કે શિવમના હાથમાં રહેલી પેટી માં શું છે." આખરે ગામલોકોની ધીરજ ખૂટતા એક ગામવાસી એ પૂછી જ લીધું.


કાલિંદી હજુ શિવમના હાથમાં જ હતી શિવમે પોતાના બીજા હાથમાં રહેલી પેટીની અંદર નજર કરી તો તેની આંખો પહોળી જ રહી ગઈ.


“ શું થયું બેટા, પેટીમાં આખરે એવું શું જોયું કે તારી આંખો આ રીતે પહોળી બનીને જોઈ રહી છે." અઘોરી દાદાએ પૂછ્યું.


“ લો તમે જ જોઈ લો." શિવમે અઘોરી દાદાને પેટી પકડાવતા કહ્યું.


“ આ કંઈ રીતે હોઈ શકે." પેટી અંદર નજર નાખતા અઘોરી દાદાને કઈ જ નજરે ના ચડ્યું.


“ અઘોરીજી શું ના હોઇ શકે...?" વિરમસિંહે પૂછ્યું.


“ એજ, કે અંકલ આ પેટી ખાલી છે અંદર કઈજ નથી." શિવમે નિરાશા ભર્યા અવાજે કહ્યું.


આ કેવી રીતે હોઈ શકે.બધા વિચારમાં પડ્યા હતા ત્યાં એકાએક શ્રેયાની નજર કાલિંદીની જમણા હાથની બંધ રહેલી મુઠ્ઠી તરફ ગઇ.


“ મને લાગે છે, કાલિંદીની બંદ મુઠ્ઠી માં કઈક છે." શ્રેયાની વાત સાંભળીને બધાએ પોતાના વિચારોને ત્યાં જ અટકાવીને કાલિંદીની બંદ મુઠ્ઠી તરફ નજર કરી. મુઠ્ઠી બંદ હોવાથી અંદર શું છે એ જોઈ શકાતું નહોતું.


શિવમે તરત કાલિંદીને જમીન ઉપર બેસાડી. કાલિંદી હજુ પણ બેહોશ હાલતમાં હતી. નંદિનીએ શ્રેયાને નિવાસ્થાનમાં જઈ પાણી લઈ આવવાનું કહ્યું. શ્રેયા તરત પાણી લઈને પરત ફરી.


શિવમે પાણીને પોતાના હાથમાં લઈને કાલિંદીના ચહેરા ઉપર છંટકાવ કર્યો. ઠંડા પાણીનો સ્પર્શ કાલિંદીના ગાલને થતાં જ તે ધીરે ધીરે હોશમાં આવવા લાગી.


બસ હવે તો બધાને એજ જાણવું હતું કે કાલિંદી ની મુઠ્ઠી માં છુપુ રહસ્ય શું છે.


“ કાલિંદી તું હવે ઠીક છે ને." ધીરે ધીરે પોતાની આંખો ખોલી રહેલી કાલિંદી ને શિવમે પૂછ્યું.


“ હા હું ઠીક છું, પણ મને થયું શું હતું...? અને મારું શરીર કેમ આટલી ભયંકર રીતે દુઃખી રહ્યું છે જાણે કોઈ વીજળીની જોરદાર આંચકો ના લાગ્યો હોય." કાલિંદી એ હોશમાં આવતા પૂછ્યું.


“ એ બઘું હું તને શાંતિથી સમજાવીશ. ફિલ્હાલ તું તારા જમણા હાથની મુઠ્ઠી ખોલ તો." શિવમે કુતૂહલવશ થતાં કહ્યું.


કાલિંદી ને હજુ સુધી ખબર નહોતી કે તેના હાથની મુઠ્ઠી બંદ છે અને એમાં છૂપાયેલું રહસ્ય છે. જે જાણવા માટે બધાં કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા.


કાલિંદી એ પોતાની જમણા હાથની મુઠ્ઠી ખોલી. બધાની નજર ત્યાં જ ચોંટી ગઈ......



વધુ આવતા અંકમાં.......