Tribhete - 4 books and stories free download online pdf in Gujarati

ત્રિભેટે - 4

પ્રકરણ 4

વીસ વર્ષ પહેલાં

**********************************
વડોદરાની એમ .એસ યુનિવર્સિટીમાં ત્રિપુટીએ ઈન્જીન્યરીંગમાં એડમીશન લીધું કવનને એ જમાનામાં ટોપ ગણાતાં આઈ.ટી ફેકલ્ટીમાં , તો નયનને કોમ્પ્યુટરમાં અને સુમિતને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં જે લીસ્ટમાં થર્ડ હતી. આજ કારણે એ બંને એ પણ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં એડમિશન લીધું.

પોતાના ગામ ગંગાપુર થી વલસાડની પ્રખ્યાત સ્કુલમાં ભણવા અને ઈન્જીન્યરીંગ માં એડમીશન લેવા વાળા પણ એ પ્રથમ.

નયન બોલકો, પૈસાપાત્ર ખેડૂત પરિવારનું ફરજંદ , એની વાક્ચતુરાઈ આંજી નાખે તેવી.કવન શાંત , સૌમ્ય લાગણીશીલ , વાંકડીયા વાળ , માંજરી આંખો ..ગૌર રંગ.મિત્રો સાથે ખૂબ ખીલતો પણ નવાં મિત્રો બનાવવા અને લોકોમાં ભળવાનો ખચકાટ.સુમિત કસરતી બાંધાનો , દ્ઢ નિર્ણય શક્તિ વાળો, તીવ્ર યાદશક્તિ અને અવલોકન શક્તિ વાળો.


પહેલાં દિવસથી મોટાભાગનાં વિદ્યાર્થીઓ એમનાંથી અંજાઈ ગયાં હતાં એમનાં ગ્રુપમાં ભળવાં સહું તલપાપડ રહેતાં.નયન
વણઘોષિત લીડર, સ્નેહા અને પ્રકૃતિ પણ ગ્રુપનો ભાગ બની ગયાં.

સુમિતને યાદ આવ્યો એ દિવસ..રેગ્યુલર કોલેજ ચાલું થઈ ગઈ હતી , જુલાઈ મહીનો બહાર ઝરમર વરસાદ ચાલું હતો.
ઈન્જીન્યરીંગ મટીરીયલ્સનાં લેક્ચરમાં અડધો ક્લાસ ઝોકા ખાતો ..ત્યાં જ રૂપાની ઘંટડી જેવો અવાજ આવ્યો " મે આઈ
કમ ઈન સર?" આખો ક્લાસ એ ઘંટારવનાં ઉદગમ સ્થાન તરફ જોવા લાગ્યો.

ઉંઘરેટાઓની પણ ઉંઘ ઉડી ગઈ. રૂપાની ઘંટડીએ જવાબ આપ્યો. " આઈ એમ દિશા સર, હું..આઈ ગોટ. ...એડમીશન...ઈન રીસફલીંગ..ટુ ...ડે ..ઈઝ...માય ફર્સ્ટ ડે.." " ઓ.કે કમ ઈન " કહી ગુપ્તા સરે લેક્ચર ફરી ચાલું કર્યું.
" પ્લાસ્ટીસીટી ઈઝ...ધેટ પ્રોપર્ટી ઓફ મટીરીયલ્સ... બોય્ઝ યોર નેક ઈસ ફ્લેક્સિબલ એન્ડ ડુ નોટ હેવ પ્લાસ્ટીસીટી..યુ કેન ટર્ન યોર નેક ટુવર્ડસ મી"..છોકરાઓ એમનો ઈશારો સમજી ગયાં.પણ સુમિત બેધ્યાન પણે દિશા તરફ જોતો હતો. સરે ફેકેલો ચોક વાગવાથી એની તંદ્રા તુટી.


એ છોભીલો પડી ગયો.પણ આંખમાં વસી ગયો એ ભીનાશ નીતરતો ચહેરો. બોય્ઝ હોસ્ટેલમાં તે દિવસે એની જ ચર્ચા હતી.એની સાથે દોસ્તી કરવાં સહું તલપાપડ હતાં.નયને જરાં અભિમાનથી કીધું" શું એક છોકરી પાછળ ઘેલાં થયાં છો, મર્દનાં બચ્ચાં છોકરી પાછળ ન જાય , છોકરી એની પાછળ આવે"..

એનું આ ઉપરછલ્લું અભિમાન એનાં બંને દોસ્ત જાણતાં, ગમી તો એને પણ ગઈ હતી.

ક્લાસમાં માત્ર અગિયાર છોકરીઓ હતી.દિશા એમની સાથે હળી મળી ગઈ. ક્યારેક કેન્ટીન કે લાઈબ્રેરીમાં સ્નેહા પ્રકૃતિ
સાથે મળી જતી પણ નયન કે સુમિત કંઈ બોલી શકતાં નહીં.

એકવાર રાતે વાતો વાતોમાં નયન બોલી ગયો " યાર એ છોકરીએ મને બેચેન કરી દીધો છે, મારું અભિમાન એની સામે સાવ ઓગળી જાય છે."સુમિત સમજી ગયો.

થોડાં સમય પછી ઈન્ટરક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનો સેમીફાઈનલ મેચ હતો.નયન ટીમનો કેપ્ટન હતો, આખી કોલેજનાં સ્ટુડન્ટ પોત પોતાનાં ક્લાસને ચીયર્સ કરવાં આવ્યાં હતાં.નયન બેટીંગ કરતો હતો ને સામે જ દિશા હતી.નયને બેટ ઘુમાવ્યું ને બોલ સીધો દીશાનાં પગ પર અથડાયો, એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

નયન બેટ ફેકી ને દોડ્યો ..અને તરત જ એને હોસ્પિટલ લઈ ગયો.તે દિવસથી મહોર લાગી ગઈ એમનાં પ્રેમ પર.નયન આમ મેચ છોડી ભાગે તે સુમિત અને કવન માટે પુરતું પ્રમાણપત્ર હતું એની લાગણીનું.બાકી નાનપણથી અત્યાર સુધી એને મેચ છોડતાં જોયો નહોતો.

તે દિવસથી સુમિત માટે દિશા વિશે વિચારવું પણ વર્જ્ય થઈ ગયું એ દોસ્તીનો વણલખ્યો પ્રોટોકોલ હતો.ધીરે ધીરે સ્નેહાનો પોતાની તરફનો ઝુકાવ અનુભવી એ પણ આકર્ષાયો.

પછી તો એ અને સ્નેહા, કવન અને પ્રકૃતિ , દિશા અને નયન
એમ છ જણનું ગ્રુપ.નયન તો નફીકરો જ હતો..દિશા લાગણીશીલ..ક્યારેક ઘવાઈ જતી.એ જમીન સાથે જોડાયેલી ને નયનને આકાશમાં ઉડવું. થોડી છોકરમત થોડી મસ્તી.


એક વખત બોય્ઝ હોસ્ટેલમાં કેટલાંક છોકરાઓ ટીખળ કરી " હવે આપણો ભાઈ દિશાનો ગુલામ, દિશા નાં ઈશારે નાચે." નયન વિફર્યો..શાબ્દિક ટપાટપી ને મારામારી, કોઈએ ચેલેન્જ કરી એવું હોય તો દિશાને કે' જાહેરમાં તને પગે લાગે." સુમિત ને કવને રોક્યો પણ એણે ચેલેન્જ ઉપાડી લીધી..કવને રીતસર
અબોલા લીધા" મારો દોસ્ત આવ્વો છીછરો ને જાહીલ...?"

સાંભળીને દિશાની આંખોમાં ભીનાશ તરી આવી , એને લાગી આવ્યું, એણે ના તો પાડી જ પણ નયન માટે પોતે ગમ્મતની વસ્તુ એ સહન નાં થયું..એણે નયન સાથે બોલવાનું બંધ કર્યું.

પછી તો નયનને ભુલ સમજાઈ, માફી, પત્ર, કાર્ડ અને જ્યારે ન માની એક હજાર ગુલાબ લાવી , એની હોસ્ટેલ બહાર પાથરી દીધાં.

બીજા દિવસે શરત અનુસાર એ જાહેરમાં અડધું મુંડન કરાવવાં બેસી ગયો..આ એની આગવી અદા હતી હાર પણ દબદબાપૂર્વક સ્વિકારતો.....

બસ એને ખેડૂત અને નાનાં ગામનાં હોવાની શરમ એ પોતે તો વલસાડનો છે એમ કહેતો આ બંને ને ય સાચું ન કહેવાં દેતો...દિશા પણ ન જાણતી.કવન ચિડાતો" આપણાં મુળ આપણાં મા બાપથી સરમાઈ તું નામ બોળહે"નયન એને વા'લથી જીતી લેતો.

પહેલાં સેમેસ્ટરમાં જ એને ઈન્જીન્યરીંગ મેથ્સમાં કેટી આવી.ત્યારે બોલતો " મોટાં શહેરમાં હોત તો હું હારી સ્કુલમાં
ભણતે ને સ્માર્ટ હોત.." એથી વિપરીત દિશા વતન પ્રેમી.

એક વખત એ લોકો સ્કુટર લઈને જતાં હતાં અને એમનો એક્સીડન્ટ થયો..દિશાને ચહેરા પર અને આખાં શરીર પર ઈજાઓ પહોંચી...એ અકસ્માત પછી સબંધો માં ઝાંઝવાત
ની શરૂઆત થઈ.

ક્રમશ:

@ ડો.ચાંદની અગ્રાવત