Chudail books and stories free download online pdf in Gujarati

ચુડેલ

ધોધમાર વરસાદ વરસતો હતો ચંદ્ર આકાશમાં લપાતો છુપાતો ફરતો હતો. હવા કહે કે મારું કામ. જોરજોરથી વિજળીનાં કડાકા થતાં હતા અને આખા ગામમાં એક જ અવાજ ગુજતો હતો, “ભુખ લાગી છે માઇ કંઇ ખાવાનું આપો....... એકાદ રોટલી તો આપો..” કયારેક અવાજમાં કરુણતા હતી તો કયારેક રૌદ્ર હાસ્ય. કયારેક ધ્રુજારી પણ સંભળાતી હતી. ગામ આખું દરવાજો બંધ કરીને જીવ મુઠ્ઠીમાં લઇને બેઠું હતુ. કોઇને હામ નહોતી કે દરવાજો ખોલે. કંઇપણ ઋતુ હોય રમલીની આત્મા રાતનાં બે ના ટકોરે ગામમાં ભીખ માગવા નીકળી પડતી હતી. આખુ ગામ ડરનાં ઓળા હેઠળ ગુજારતું હતુ. ગામના ઠાકુર કે પોલીસ કંઇ જ કરી શકી નહોતી. બે વરસથી રમલીની આત્માએ ગામવાસીની ઉંઘ હરામ કરી દીધી હતી. જીવ તાળવે ચોટાડા દીધો હતો. રમલીની આત્મા મહીનામાં બે ત્રણ લાશ તો ઢાળી જ દેતી હતી. ગામના ઘણા સમજુ માણસોએ આત્માની શાંતી માટે પંડીત પાસે મંત્ર ભણાવ્યા હતા, કોઇએ ધાગા દોરા બાંધ્યા હતા, અરે શ્રાધ્ધ પણ કરાવ્યું હતુ પણ કંઇપણ ફરક પડયો નહોતો. રમલીની હઠીલી આત્મા શાંત થતી જ નહોતી. બસ રાતનાં બે ના ટકોરા પડે અને નીકળી પડે પોતાનો શિકાર કરવા. અત્યાર સુધીમાં રમલીના હાથમાથી કયારેય કોઇ છટકયું નહોતું. એણે ગામનાં પુરુષોને જાણે મારી નાખવાનું પ્રણ લીઘુ હોય. જે પણ છોકરો કે આદમી રાતનાં રોટલી દેવા આવ્યો હતો કે પછી કામસર મોડો ઘરે જતા રસ્તામાં પકડાઇ ગયો એ બધાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આજે ફરી એક વખત લાશ પડી હતી. સવાર થતા તો આખુ ગામ ભેગું થઇ ગયું હતું. મરનારનાં ઘરનાં સદસ્યોનું રુદન ચાલુ હતું પાડોશી પણ ડરતાં ડરતાં સાંત્વના આપતા હતા તેમને ય મનમાં હતું જ કે એક દીવસ પોતાના ઘરમા પણ આ જ પરિસ્થિતી આવવાની છે. થોડીવારે પોલીસની એક ટુકડી આવી ગઇ અને લાશનો કબજો લઇ લીધો. ઇન્સપેકટર બોલ્યો, “ગામવાસીઓ બોલો તમને કોઇની ઉપર શક જાય છે”. ગામમાં હંમેશ મુજબ સન્નાટો છવાઇ ગયો. કોઇ કંઇ જ બોલ્યું નહી અરે બધાની નજક સુધ્ધા જમીન તરફ જ રહી. ઇન્સપેકટર અકળાઇ ઉઠયો હતો આ તો રોજનું હતું પોતે કોઇ જ હત્યારો શોધી શકયો નહતો. અને ગામવાસીનાં કહેવા મુજબ આત્માની વાત માનવા તૈયાર નહતો. આ વખતે પણ તેને નિરાશા જ સાંપડી હતી.

ઇન્સપેકટરે આ વખતે પણ ખાલી હાથે જ ફરવું પડયું જતા જતા તેની નજર કાંતાના ચહેરા પર પડી. કાંતાનો ચહેરો કંઇક રહસ્ય છુપાવતો હોય એમ લાગ્યું જેવી ઇન્સપેકટર અને કાંતાની નજર એક થઇ કે કાંતા તરત જ પોતાની ઓસરીમાં ચાલી ગઇ. ઇન્સપેકટરને થયું કે આ વખતે ચોકકસ કંઇક હાથ લાગશે એટલે એ પણ કાંતાની ઓસરીમાં ગયો અને પુછપરછ ચાલું કરી દીઘી. કાંતા ડરતા ડરતા દીન અવાજે બોલી, “ સાહેબ મને કંઇ જ ખબર નથી”. ઇન્સપેકટર બોલ્યો, “ બેન ડરો નહી હું તમારું નામ કયાંય આગળ નહી ધરુ મને ફકત ઇશારો કરો”. પણ કાંતા ચુપ જ રહી. ઇન્સપેકટર આગળ બોલ્યો, “ તમે પણ તમારો પતી ખોયો છે કયાં સુધી આ તમાશો જોયા કરશો?” કાંતા ફકત એટલું જ બોલી, “સાહેબ માફ કરો મને કંઇ જ નથી ખબર”. ઇન્સપેકટર આખરે નિરાશ થઇને નિકળી જ જવું પડયું.

કાંતા આ ગામમાં વર્ષોથી રહેતી હતી. પોતાનો પતી આ રમલીની આત્મા નો જ શિકાર થયો હતો. રમલીની આત્મા પુરુષોને જ મારતી હોવાથી એકના એક વ્હાલસોયા દીકરાને ડરના લીધે શહેર કમાવા મોકલી દીધો. અત્યારે દીકરી સવિતા સાથે રહેતી હતી બીચારો દિપક તો આ કળણમાથી ઉગરી જાય, વળી ગામની સ્ત્રીને કંઇ જ હેરાનગતી નહોતી. રમલીની આત્મા સ્ત્રીને રંજાડતી નહોતી, પણ આવી વિકરાળ ચુડેલ સામે સ્ત્રી કેવીરીતે ઉભી રહી શકે? કાંતાનો પતી તો ગુજરી ગયો હતો હવે ફકત એક દીકરો જ હતો જે ઘર ચલાવી શકે એમ હતું. સવિતાનાં લગ્ન પણ બાકી હતાં, દીપકની કમાઇ પર ઘર ચાલતું હતું. અહીં દીપકને શહેરની જીંદગી માફક આવતી નહોતી, અહીંનુ જમવાનુ ફાવતુ નહોતુ પણ પોતે જ ઘર ચલાવાનુ હોય કોઇ રસ્તો જ નહતો. ઘણી વખત મા ને કીધુ હતુ કે શહરીજીવન માફક નથી પડતું પરંતુ કાંતા દીપકને ચુડેલનાં ડરથી ગામમાં આવવાની મનાઇ ફરમાવી દેતી. વળી દીપક પોતે પણ ચુડેલની વાતથી અજાણ હતો.

આખુ ગામ મરણને લીધે શોકમગ્ન હતુ. પોલીસને પણ હાથમા નિરાશા જ મળી હતી. ગામવાસી મનમાં ને મનમાં ફફડતા હતા કે કયાંય પોતાનો વારો ન આવી જાય. ધીરે ધીરે મેદની ઓછી થવાં લાગી. બધા પોતાનાં કામમાં વ્યસ્ત થવા લાગ્યાં કાંતા પણ દીકરી સવિતા સાથે ઓસરીમાં બેસીને રસોઇની તૈયારી કરી રહી હતી. કાતાને આજનાં બનાવથી પોતાનાં પતી સાથે થયેલી ઘટના યાદ આવી ગઈ. એનો પતી વધુ પડતો કામનો બોજો હોવાથી એક રાતનાં ઘણો મોડો આવ્યો. એક વરસ થઇ ગયુ હતુ છતાં એ ઘટના આંખો સામે આવતી જ રહેતી. દિવાળી નજીક આવી રહી હતી બે પૈસા વધુ મળે એટલે બાર કલાકને બદલે વધુ કામ કરતો હતો. આ વરસે તો કાંતાની સાથે દીકરી સવિતાને ય સાડી અપાવવી હતી અને દીપકને નવી ફેશનનું શર્ટ જોતું હતું. વળી આ વખતે દર મહીનાં કરતાં વધારે અનાજ ભરાવાનું હતું. હવે તો સવિતા પણ પોતાની મા જેટલું જ સ્વાદીષ્ટ રસોઇ બનાવતી હતી. આ બધાં હરખમાં એ થાકતો નહતો, પરંતુ વધું કામ કરવાની ધગશ મળતી હતી. દસ દીવસથી એ રાતનાં બાર વાગ્યે આવતો હતો, બસ આજે કામનો છેલ્લો દીવસ હતો કાલથી દીવાળીની રજા ચાલું થવાની હતી એટલે શેઠે રાતનાં બાર પછી નાનકડી મહેફીલ યોજી હતી. બધાં કામગાર રાતનાં એકનાં સુમારે છુટયા બધાના ઘર નજીક હોવાથી ડરના માર્યા જલ્દી ઘરે પહોચી ગયા. કાંતાનાં પતીનું ઘર દુર હોવાથી અનર્થ થઇ ગયો. શેઠને ત્યા રાતનાં રોકાવાનું શકય નહોતુ એટલે ઘરે જવા પગ ઉપાડયા. પરંતુ એ ઘરે પહોચી શકયો જ નહી. આખી રાત કાંતા વાટ જોતી રહી. પણ ડરનાં માર્યા ઘરમાં જ બેસી રહી, ઘડીક એમ લાગ્યુ કે રાતપાળી કરી હશે તો ઘડીક અમંગળ થવાની શંકા થતી હતી. સવાર થતા જ આજુબાજુવાળા સાથે પતીની શોધમાં નીકળી પડી પણ હાથમાં ફકત લાશ જ આવી હતી. લાશની બાજુમાં મીઠાઇનું પડીકુ હતુ અને ખિસામા રુપિયા જેમના તેમ પડેલા હતા. એનું મોત ગળુ દબાવી કરવામા આવી હતી. કાંતા તો છાતીફાટ રુદન કરવા લાગી. પોલીસને કશો જ સુરાગ મળ્યો ન હતો.

ત્યાં જ ઘરનો દરવાજો ખખડતાં વિચારધારા તુટી. સવિતાએ ઉઠીને દરવાજો ઉઘાડયો. ઉઘાડતા જ ખુશીની મારી આવનારને ભેટી પડી. કાંતા પણ આગંતુકને જોઇને જોતી જ રહી ગઇ પણ કાંતા સવિતાની જેમ ખુશ ન થઇ ચિંતામા પડી ગઇ અને થોડીવારમાં ભડકી ઉઠી, “ કેમ આવ્યો તુ પાછો ચાલ્યો જા ........” આજે શહેરથી દીપક આવ્યો હતો આ વખતે દીપકે જણાવ્યાં વગર જ આવવાનું નકકી કરેલું, કારણકે માં હંમેશા કોઇપણ કારણ આગળ ધરીને પોતાને ઘરે આવતાં રોકતી હતી, એટલે કાંતા દીપકને જોઇને ડરની મારી ભીતરથી તો છળી ઉઠી પણ ચહેરા પર ડરને ગુસ્સાનુ્ં મહોરુ પહેરાવી દીધુ હતું. દીપક બોલ્યો, “ શું મા આટલે દુરથી આવ્યો છુ પાણીનુ પુછી નથી ને પાછા જવાની વાત કરે છે?” કાંતા કંઇ જ બોલી ન શકી સવિતા બધુ જ જાણતી હતી પરંતુ ત્યાથી સરકી ગઇ. થોડીવારે ચા નાસ્તો લઇને દીપક સામે આવીને બેસી દીપક હવે શહેર જવાનો જ નહતો કાંતાએ સાંભળતાની સાથે જ દીપકનો ઉધડો લઇ લીધો, “ તુ કઇ જ નથી માનતો મારુ બહું મોટો થઇ ગયો છે પણ યાદ રાખજે હું તારી માં છું તને શહેરભેગો નકરી દઉ તો કહેજે મને”. દીપક પોતાના નિર્ણયમાં અડગ હતો એટલે આ ચર્ચામા પડવું જ નહોતું. થોડો આરામ કરી ગામમા ફરી આવ્યો એક ભાઇનુ મૃ્ત્યુ થયુ છે એ જાણી દુખ થયું બપોરે જમતા જમતા કાંતાને પુછયુ, “ પેલા ભાઇને શું થયુ હતુ તે ગુજરી ગયા?” કાંતાએ ઉડાવ જવાબ આપ્યો અને રસોડાંનાં કામમાં વ્યસ્ત થઇ ગઇ.

દીપકે હવે સવિતાને પુછયુ સવિતા એને લઇને ઓસરી બહાર લઇ ગઇ અને બોલી, “ભાઇ તુ નકામો આ વાતોમાં પડે છે, માં બરાબર જ કહે છે તું પાછો શહેર ચાલ્યો જા શું તં અમને નોંધારા કરવા માંગે છે?” દીપકને કંઇ સમજાયું નહી કે સવિતા આમ શું લવારા કરી રહી છે . દીપક સવિતાને કંઇક કહેવા જાય ત્યા જ કાંતા નજીક આવીને બોલી, “આજ રાતની અગિયાર વાગ્યાની ટ્રેન છે જા જઇને ટીકીટ કઢાવી આવ”. દીપક પગ પછાડતો ચાલ્યો ગયો .

રાતનાં અગિયાર વાગ્યે બધા જમીકરીને પથારીમાં પડયા. કાંતાએ દીપકને બરાબર ચેતવી દીધો હતો કે રાતના બહાર ના જાય કે દરવાજો ખોલે. માં નો આવો વર્તારો જોઇને આશ્ર્ચર્યચકિત થઇ ગયો હતો. મુસાફરીથી થાકેલો હોય પડતાવેંત જ સુઇ ગયો. પણ આજે કાંતાની ઉંઘ વેરણછેરણ થઇ ગઇ હતી દીપકને ઘસઘસાટ ઉંઘતો જોઇ થોડીક શાંતિ થઇ. ભગવાનનું રટણ કરતા કરતા પોતાની આંખ પણ બીડાય ગઇ.

રાતનાં બે નાં ટકોરા પડયાં અને જોરજોરથી પવનનાં સુસવાટા વાવા લાગ્યા કુતરાનો ભસવાનું ચાલું થઇ ગયુ હતુ. કયારેક કયારેક રોઇ પણ લેતા હતા અને એ અવાજ આખા ગામમાં અવાજ ગુંજવાં લાગ્યો “ભુખ લાગી છે માઇ કંઇ ખાવાનું આપો....... એકાદ રોટલી તો આપો..........” પછી બાઇનાં રોવાનો અને ડુંસકા ભરવાનો અવાજ..અચાનક દીપકની ઉંઘ ઉડી ગઇ એનાં કાને પણ અવાજ પડયો. દીપકને થયુ બિચારી બાઇ ભુખી થઇ હશે લાવ કંઇક ખાવાનું આપું ત્યા થયું આટલી રાતે કેમ નિકળી હશે. પછી કાંતાને જ ઉઠાડીને ભિખારીને રોટલી આપવા જણાવ્યું કાંતા તો બરાડી જ ઊઠી “દીપક.................... શું કરે છે કહયુ હતુ ને બહાર નથી જવાનુ જાજઇને પથારીમા ચુપચાપ સુઇ જા....!!!!” મનમાં જ પ્રભુનો પાડ માન્યો કે દીકરો બહાર ગયો નહોતો અને પોતાને ઉઠાડી હતી. દીપક થોથવાયો સાથે ગુસ્સે પણ થયો પણ પરાણે પથારીમાં પડયો. બહાર અવાજ ચાલુ જ હતો કાંતાએ જેમતેમ રાત પસાર કરી સવાર પડતા જ કાલની રટ ચાલુ કરી દીધી બેટા પાછો જતો રહે જતો રહે પણ દીપક હવે કયાંય જવાનો નહતો ફરી રાતનાં બે નાં ટકોરા પડયાને અવાજથી લોકો ફફડી ઉઠયાં. આજે દીપક દબાતે પગલે ઉઠયો અને દરવાજો ખોલવાં ગયો પણ દરવાજે અંદરથી તાળુ મારેલું હતુ. એને માંની ચાલાકી પર હસવું આવ્યું. પછી બારીમાથી જોવાનો પ્રયત્ન કર્યો દુરદુર સુધી નજર ફેલાવતો વિચારતો હતો કે કોણ હશે એ અબળાં જે આટલી રાતે ભીખ માંગવાં નિકળે છે? ગામવાળાં કે ગામનો ઠાકુરની મદદ નહી મળતી હોય. ઘરમાં પુરુષવર્ગ નહી હોય દીપકને પોતાની મા ઉપર, સમસ્ત ગામવાસી ઉપર ખુબજ ગુસ્સો આવતો હતો કારણ કે કોઇપણ દરવાજો મદદ કરવા ખુલ્યો જ નહોતો. ધીરે ધીરે અવાજ નજીક આવતો અનુભવાયો. હવે એે સ્ત્રી દેખાય તેની ઉંચાઇ આશરે પાંચ ફુટ છ ઇંચ હશે. વાળ તો ઘુંટણથી પણ લાંબા હતા. કાયા કૃશ જણાતી હતી. ચાલ ધીમી હતી વચ્ચે ઊભી રહી જતી હતી વચ્ચે અને તેમાં ધૃજારી હતી એ જ ધૃજારી અવાજમાં પણ વર્તાતી હતી. એનો ચહેરો જોઇ શકાતો નહતો પણ અંદાજે એની નજર સતત બધાના દરવાજે જ હતી. એના હાથ ભીખ માંગે તેમ સામેને સામે જ રહેતા હતા. કોઇએ દરવાજો ન ખોલતા એ દુર ચાલી નિકળી. પોતાની જાતને મદદ ન કરવા બદ્દલ કોસતો એ પથારીમાં પડયો. સવારે દીપકે મા અને સવિતાનો રીતસરનો ઉધડો લઇ લીધો અને કહયુ, “કહો મને એ બાઇ કયાં રહે છે ? મારે એને સહાય કરવી છે” કાંતાએ ના પાડી પણ દીપક નો મક્કમ ઇરાદો જોઇ પોતે ઢીલી પડી ગઇ અને વિગતવાર બધુ કહી દીધું

રમલી આ ગામની ખેડુતની પત્ની હતી. એને બે વર્ષનો દીકરો પણ હતો. યોગ્ય સમયે ચુકવણી ના થતા ઠાકુરે તેની જમીન અને ઘર કબજે કરી લીધા હતાં. ત્રણે જણ બેઘર થઇ ગયા હતા. પહેરેલે કપડે ઘર છોડવું પડયુ. બે અઠવાડીયા રસ્તા પર પડાવ નાખ્યો. ગામવાસીઓેએ ઠાકુરનાં ડરથી કંઇ જ મદદ કરી નહી. બે વર્ષના છોકરાની પણ દયા ન રાખી. એમા પાછુ રમલીનું પુરાણુ પેટનુ દરદ. જમવાનાં ઠેકણા નહી ત્યા પેટનો ઇલાજ કયાંથી કરવો ? થાકી હારીને રમલીના પતીએ ઠાકુરના ઘરે રાતનાં ચોરી કરવાનું નકકી કર્યુ, પણ તેમા પકડાય ગયો એને એટલો માર્યો એટલો માર્યો કે ત્યા જ બિચારો મરી ગયો. અહી રમલી બે દિવસ રાહ જોતી રહી આખરે પોતે દીકરાને લઇને ભીખ માંગવાનીકળી પડી. “ ભુખ લાગી છે માઇ કંઇ ખાવાનું આપો....... એકાદ રોટલી તો આપો.......... “ પણ જાકારા સિવાય કંઇ જ ન મળ્યું. ભુખમાં વલખા મારતો એનો દીકરો આખરે જીંદગી સામે હારી ગયો. બસ રમલીનું બધુ જ હામ ઓગળી ગયુ. એણે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા આખા ગામમા ફરીને હૈયાફાટ રુદન કર્યુ, માથા કુટયા શ્રાપ આપ્યો, જેમ હું ધણી દીકરા વગરની થઇ એમ આ ગામની દરેક સ્ત્રી પણ ધણી દીકરા વગરની થશે.

ઘરમા નિરવ શાંતી છવાઇ ગઇ હતી. દીપક અંદરથી હલબલી ગયો હતો. કાંતાએ આગળ વાત ચલાવી. રમલીની આત્મા ગામનાં પુરુષોનો શિકાર કરે છે. તારા બાપુ પણ એના શિકાર થયા છે. પોલીસને આ વાત ગળે ઉતરતી નથી. ઠાકુરનો દીકરો એનો પહેલો શિકાર હતો. દીપક આ સાંભળીને આભો બની ગયો હતો ખુબ જ દયા આવી રમલી ઉપર અને મનમા તરત જ મદદ કરવાનો નિર્ણય લઇ લીધો.

કાંતા બોલી, “ જો બેટા, મે તને હકીકત કહી દીધી, હવે તો મારી વાત માનીને શહેર ચાલ્યો જઇશને? દીપકે મદદ કરવાનો ઇરદો જણાવ્યો એટલે કાંતા રીતસરની રોવા લાગી, “ આત્મા છે માણસ નથી કે મદદ તું કરીશ ભુત ભરાડીને નાદે ના લગાય..... સવિતા એ માંડમાંડ મા ને શાંત કરી. કાંતા ચિતા કરતી બેસી રહી કે હવે શું થાશે પોતે પણ ધણી દીકરા વગરની થાશે એ દીકરાને બરોબર જાણતી હતી એ હવે રોકાય એમ નહતો, કાંતાએ પુછયુ કે કેવીરીતે મદદ કરીશ પણ દીપકે કહી દીધુ, “તુ ચિંતા ન કર મે એક સરસ વિચાર કરી રાખ્યો છે”. ડરના લીધે કાંતા બેભાન થઇ ગઇ .

છેવટે રાત થઇ ને રમલીની આત્માનો અવાજ આવવા માંડયો. દીપકે ડરતા પણ મકકમપણે પગલા ઉપાડયા અને ધૃજતા હાથે દરવાજો ખોલ્યો. એનો શ્ર્વાસ ચડી ગયો હતો. આખરે એ રમલી સામે જઇ ઊભો રહયો. જેવો દીપક રમલી સામે આવ્યો કે તરત જ ભુખથી ટળવળતી રમલીનું રુદન અટ્ટહાસયમાં પલટાય ગયું. એની કદરુપી ચહેરાની ચામડી જુગુપ્સા ઉપજાવતી હતી. એની આખો હીરાની જેમ ચમકતી હતી. એના વાળ તોફાનમાં ભયાનક રીતે ઉડતા હતા. દીપક જડ્ની જેમ ઉભો રહયો. પાછા ઘરે ભાગવાનીયે તાકાત રહી નહી. એ ફકત આંખ બંધ કરીને ઉભો રહયો. રમલીએ દીપકનું ગળુ દબાવવાં હાથ લાંબા કર્યા ત્યા જ એની નજર નીચે હાથ પર પડી. દીપકનાં હાથમાં થાળી હતી જેમા રોટલી શાક દાળ ભાત હતા. જેવી નજર થાળી પર પડી કે એકદમ શાંત થઇ ગઇ!!!! આંખોનો વિકારાળ ભાવ અચાનકદુર થઇ ગયો!! એ રીતસરની ગોઠણીયે પડી ગઇ. ગળુ દબાવવા લબાયેલાં હાથોએ થાળી આંચકી લીધી. બસ પછી તો દીપક દોડયો તરફ દોડતા પડી ગયો. ડરનાં માર્યા એના પગમા એવુ લખલખુ પસાર થયુ હતુ કે પગ સુન્ન થઇ ગયા હતા, પણ ઘસડાતાં ઘસડાતાં જ ઘરમાં પેસી ગયો.

ભાનમાં આવેલી કાંતાએ પોતાનાં દીકરાને હેમખેમ જોઇને હરખની મારી રોઇ પડી અને એને વળગી પડી. દીપકે રમલીની અતૃપ્ત ઇચ્છા રોટલી આપી પુરી કરી હતી હવેગામમાં રાતનાં કોઇ અવાજ નહોતો આવતો અને કોઇ કમોત પણ થયુ નહોતું