Ek sawal books and stories free download online pdf in Gujarati

એક સવાલ..!!

એક સવાલ..!!

પ્રશાંત સેતા

એક સવાલ..!!

ફેબ્રુઆરી ૨૦૧૫

ફેબ્રુઆરી મહિનાંની એક સવારે હું મુંબઇ ડોમેસ્ટીક એરપોર્ટની બહાર ટેક્ષીમાંથી ઊતર્યો અને એન્ટ્રી ગેટ તરફ ચાલવા લાગ્યો. મને ખબર પડી હતી કે અમદાવાદમાં મારા કોલેજ મિત્રનાં લગ્ન હતા. મને આમંત્રણ ન હતું છતાંય એક ખાસ કારણસર જઇ રહ્યો હતો. અમે ગ્રેજ્યુએશન પુરુ કર્યુ એને ચાર વર્ષ થઇ ગયા હતા એટલે મિત્રનાં લગ્ન કોલેજ મિત્રો માટે એક રીયુનિયન જેવું થવાનું હતું. પરંતુ મને દૂર-દૂર સુધી ખ્યાલ ન હતો કે અહીંયા રીયુનિયન અમદાવાદને બદલે મુંબઇ એરપોર્ટ પર જ ચાલુ થઇ જવાનું હતુ. હાં, મેં કદાચ એ છોકરીને જોઇ! ચેક ઇન કાઉન્ટર પર લાઇનમાં ઊભો રહ્યો એવામાં મને લાગ્યું કે મારાથી આગળ અંદાજે પાંચ ફૂટ દૂર મારી જ લાઇનમાં આગળ એ જ છોકરી ઊભી હતી. મારી જિજ્ઞાસાનો પાર ન હતો એટલે મારી આંખો એના પર જ ચોટેલી હતી. અને આગલી ત્રીસ જ સેકન્ડમાં એ થોડી પાછળ ફરી અને સાબિતી કરી આપી કે એ જ હતી. હાં એ જ છોકરી હતી; એ જ લંબાઇ! એ જ બાંધો! એ જ વાળની સ્ટાઇલ! અને એ જ વાન! કોલેજ સમયની મારી ગર્લફ્રેન્ડ મારી જગ્યાથી પાંચ ફૂટ દૂર ઊભી હતી. અમારી કોલેજનાં ફેરવેલ પછી મેં એને પહેલીવાર જોઇ હતી, પરંતુ એની યાદ હમેંશા મારા દિલ અને દિમાગમાં કંડારાયેલી રહેતી હતી.

એને જોતાવેંત જ હું ભૂતકાળમાં સરી પડ્યો કે જે બહુ પિડાદાયક હતો.

મે ૨૦૧૧

ચાર વર્ષ પહેલા આ છોકરીએ મને તડપતો છોડી દિધો હતો. એ મને એક જવાબ વગરનાં સવાલ વચ્ચે છોડીને જતી રહી હતી. જ્યારથી એ છોડીને ગઇ ત્યારથી હું મારી જિંદગી એક જ સવાલ લઇને જીવતો હતો – એ ક્યાં જતી રહી હતી? અમારા ફેરવેલનાં બીજા દિવસથી એ જણાવ્યા વગર ગાયબ થઇ ગઇ હતી. પાણીની બહાર માછલીને મુકી દો ત્યારે જેમ માછલી તરફડીયા મારતી હોય છે તેમ હું એ સવાલનો જવાબ શોધવા તરફડીયા મારતો હતો.

મને અમારો ફેરવેલ બરાબરથી યાદ છે, બહુ સારો ગયો હતો. હોટલ પ્રિન્સ ગાર્ડન, મુંબઇ કે જ્યાં અમારો ફેરવેલ યોજાયો હતો ત્યાં આખી સાંજ અમે સાથે રહ્યા હતા, હાથોમાં હાથ પરોવેલા અમે એકબીજાની વચ્ચે છ ઇંચનું અંતર પણ રાખતા ન હતા, એક – એક ક્ષણ આનંદમાં વિતાવી હતી. અમે, કે પછી માત્ર હું એના ગળાડુંબ પ્રેમમાં હતો. હું તો ચોક્કસ હતો કે આખી જિંદગી એ છોકરી સાથે જ જીવવી હતી. પરંતુ, વિધાતાનો કાંઇ અલગ જ પ્લાન હતો.

હું, અભિમન્યુ હિરાણી, મુંબઇની આઇઆઇટીમાં એન્જીરીયરીંગનાં પહેલા જ વર્ષમાં તસ્નીમ શેખનાં પ્રેમમાં પડી ગયો હતો. જ્યારે હું એના પ્રેમમાં પડ્યો ત્યારે મને ખબર ન હતી કે એ મુસ્લિમ હતી અને સામાન્ય પરિસ્થિતિવાળા બેકગ્રાઉન્ડથી હતી. પ્રેમ માટેનાં કોઇ માપદંડ નથી હોતા – પ્રેમ ખરેખર આંધળો હોય છે! ખેર, અમારી મુલાકાત થતા અમે મિત્રો બન્યા અને સમય જતા અમારી મિત્રતા ગાઢ બની હતી. એક માન્યતા મુજબ એક છોકરી અને છોકરો માત્ર મિત્રો નથી રહી શકતા એમ અમારી વચ્ચે પણ મિત્રતાથી આગળ એક સંબંધ બંધાયો, પ્રેમનો સંબંધ! વધુ સમય વેડફ્યા વગર, બિજા સેમેસ્ટરનાં અંતમાં મેં તસ્નીમને કોલેજની કેન્ટીનમાં બધા વચ્ચે પ્રપોઝ કર્યું અને એના પ્રત્યુત્તરમાં તસ્નીમે નીચું જોઇ, સ્માઇલ આપીને મારી પ્રપોઝલ પર ‘બિગ યેસ’ નો સ્ટેમ્પ માર્યો હતો. તરત જ અમારા મિત્રો માટે અમે કોલેજનું નવું અને ક્યુટ કપલ હતા. જ્યારે અમે ફાઇનલ યરમાં આવ્યા ત્યારે અમે ગાંડાની જેમ ગળાડૂંબ પ્રેમમાં હતા.

પ્રપોઝ કર્યું ત્યારથી હું મક્કમ હતો કે હું એ છોકરી સાથે જ આખી જિંદગી વિતાવવા માંગતો હતો. મારે એની સાથે જ લગ્ન કરવા હતા. મેં તો મારા મમ્મી – પપ્પાને કેનેડાથી મુંબઇ મારી પસંદ કરેલી છોકરી મંજૂર કરવા માટે આવવા મનાવી પણ લીધા હતા. ફેરવેલનાં બીજા દિવસે તસ્નીમને મળવાનું હતું. મારા મમ્મી – પપ્પાને હું છેલ્લા ત્રણ મહિનાથી ભારત આવવા અને તસ્નીમને મળવા વિનંતી કરતો હતો. આખરે, એ લોકોએ થોડો સમય મારા માટે ફાળવ્યો અને મુંબઇ આવ્યા, તો અહીંયા મારી ગર્લફ્રેન્ડ ગાયબ થઇ ગઇ. મારી સગી માં અને સોતેલા પપ્પા બન્ને કેનેડા સ્થિત કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર કામ કરતા હાઇ પ્રોફાઇલ એક્ઝેક્યુટીવ્સ (અધિકારીઓ) હતા. એ લોકોની દુનિયા છલોછલ દંભથી ભરેલી રહેતી, પ્રેમ અને લાગણીઓ એ લોકો માટે તુત્છ વસ્તુ સમાન હતા. એવા લોકો માટે સમય પૈસો હોય છે અને પૈસો જ ભગવાન! પોતાનાં છોકરા માટે એક દિવસ પણ વાપરવો એટલે ઘણુ બધું ગુમાવવા જેવું લાગતું હતું. પહેલેથી જ એ લોકોને ભારત આવવાની અને તસ્નીમને મળવાની ખાસ ઇચ્છા ન હતી. બે કારણો જવાબદાર હતા, એક, એ લોકો ઇચ્છતા હતા કે હું એ લોકોની પસંદગીની છોકરી સાથે લગ્ન કરૂં કે જે એમની કેટેગરીનાં એનઆરઆઇ સુટ પહેરીને ઓફિસે જતા માં – બાપની છોકરી હોય; અને બીજુ, તસ્નીમ મુસ્લિમ હતી અને સાધારણ પરિવારની હતી.

આ બાજું મેં મનમાં ઠાની લીધું હતું કે હું મારી પસંગીની છોકરી એટલે તસ્નીમ સાથે જ લગ્ન કરવા માંગતો હતો કે જેને હું છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ કરતો હતો. હું સાચા પ્રેમનાં જાદુમાં માનતો હતો, હું જાણતો હતો કે મારી ખુશી તસ્નીમ સાથે જ હતી. પણ, તસ્નીમે મને ખોટો સાબિત કર્યો. એણે વિશ્વાસઘાતનો ચિલો ચાતર્યો. તસ્નીમે મારી સાથે દગો કર્યો. મને એ માનવા પર મજબૂર કર્યો કે સાચો પ્રેમ અને બધું એક અંધવિશ્વાસ હોય છે, એણે મારા મમ્મી – પપ્પાને સાચા સાબિત કર્યા. મેં દિલનાં એક – એક ખુણેથી અને રોમે રોમથી એને પ્રેમ કર્યો હતો. એને જાણ હતી કે મારા મમ્મી – પપ્પાને મુંબઇ આવવા અને એને મળવા મનાવવા માટે મેં કેટલી લડાઇ કરી હતી, છતાંય કાંઇ પણ જણાવ્યા વગર ગાયબ થઇ ગઇ હતી. સતત ફોન કર્યા પણ મોબાઇલ સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. બે વાર તો એના ઘરે ગયો હતો પણ ત્યાં દરવાજા પર મોટું તાળુ જ મળ્યું હતું. અમારા તમામ મિત્રોને ફોન કરીને તસ્નીમ વિશે પુછ્યું હતું, પણ કોઇને ખબર ન હતી કે એ ક્યાં ગાયબ થઇ ગઇ હતી. મારા મમ્મી – પપ્પા ચાર દિવસ રોકાયા હતા અને ચાર દિવસ દરમિયાન મેં તસ્નીમને શોધવાનાં તમામ પ્રયત્નો કર્યા હતા પણ નિષ્ફળતાં જ હાથ લાગી હતી.

મારા મમ્મી – પપ્પાએ શરત મુકી હતી કે જો તસ્નીમનો ચાર દિવસ સુધીમાં કોઇ પતો ન લાગે તો મારે એ લોકો સાથે કેનેડા પાછા જતા રહેવાનું. હું છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં એકલો રહેતો હતો, અને હવે પાછા કેનેડા જવાનો સમય આવી ગયો હતો.

થોડીવારમાં કેનેડા માટે અમારૂ પ્લેન હતું. હું વારંવાર એરપોર્ટનાં ગેટ તરફ તાકી રહ્યો હતો, મને એવી આશા હતી કે મારા હમેંશા માટે કેનેડા જતા રહેવાનાં સમાચાર મળ્યા હશે તો મને એકવાર જોવા તસ્નીમ એરપોર્ટ પર તો આવશે જ! એક આશા સાથે હું વારંવાર મારા મોબાઇલની સ્ક્રીન તરફ પણ તાકી રહ્યો હતો કે કદાચ મને એનો ફોન કે મેસેજ આવે! ના તો એ આવી કે ના તો એનો મેસેજ કે ફોન! મને એક સવાલ અકળાવતો હતો કે મારી સાથે લગ્ન કરવા ન હતા તો પછી મને કહ્યું કેમ નહી? મને અંદરથી એક બળતરા થતી હતી...હું એ વાત હજમ કરી શકતો ન હતો કે તસ્નીમે મને તરછોડી દિધો હતો. ક્યાં કસર રહી ગઇ હતી એ કોયડો ઉકેલાતો ન હતો.

સાથે સાથે મને અમે સાથે વિતાવેલા સોનેરી દિવસો યાદ આવતા હાતા – મોડી રાત સુધી ફોન પર વાતચીતો, રોડસાઇડ પરનાં ફાસ્ટફુડનો જલસો, સાંજે લોન્ગ વોક, બાઇક રાઇડ કે જેમાં એ મને પાછળથી કસીને પકડીને બેસતી – મને ભયંકર રીતે તસ્નીમની યાદ સતાવતી હતી. છેલ્લા ચાર દિવસથી મેં બરાબરથી ખાધું ન હતું એટલે નબળાઇ લાગતી હતી. અપુરતી નિંદરને કારણે મારી આંખો લોહી જેવી લાલ હતી. મારૂ મગજ તો તસ્નીમનાં વિચારોથી ભારે જ રહેતું હતું. મને એની ચાહનાં હતી. હું એનો ચહેરો જોવા માટે મરી રહ્યો હતો, એને મળવા માટે જીવી રહ્યો હતો, એને ભેટી પડવાની અત્યંત જરૂરીયાત હતી. એના વગરની મારી જિંદગીની કલ્પનાં પણ મારાથી થતી ન હતી. હું એકદમ પાગલ થઇ ગયો હતો. વિચારવાની શક્તિ ખતમ થઇ ગઇ હતી. એ ક્યાં હતી? એ જ સવાલનાં પડઘા મારા મગજમાં સતત પડતા રહેતા હતા

બીજા હાથ પર મારા મમ્મી – પપ્પાનાં ચાર દિવસ મુંબઇમાં વેડફાઇ ગયા હતા એટલા માટે એ લોકો બહુ અપસેટ હતા. હતાશામાં એ લોકો પુરી ક્ષમતાથી તસ્નીમ વિશે ખરાબ બોલતા હતા, અને ગાળો પણ આપતા હતા કે જે મને બિલકુલ પસંદ ન હતું. પણ, મેં શાંતિ જાળવી હતી.

અમે એરપોર્ટ લોન્જમાં અમારી ફ્લાઇટની રાહ જોતા બેઠા હતા.

‘હું આવા મિડલ ક્લાસ લોકોને બહુ સારી રીતે ઓળખું છું...એને તારા પૈસામાં રસ હતો, હવે તારાથી જીવ ભરાઇ ગયો હોય એવું લાગે છે’ મારા સોતેલા પપ્પાએ કડવાશથી કહ્યું.

‘અ બિચ (કુતરી)! ભૂલી જા એને...તું એના કરતા ક્યાંય સારી છોકરીને લાયક છે’ મારા મમ્મીએ મારા પપ્પાની વાતને સહકાર આપતા કહ્યું

‘જો એને મારા પૈસામાં રસ હોત તો મારી સાથે લગ્ન કર્યા હોત ને!’ મેં મારા પપ્પાને જવાબ આપ્યો કે જેને હું મારા દિલનાં ખૂણે ખૂણેથી નફરત કરતો હતો

‘…અને એને બિચ કહેવાની હિમ્મત નહી કરતા, મમ્મી’ મેં ગુસ્સા અને પિડાની ભાવનાથી કહ્યુ. મારા મમ્મીએ મારા સગા બાપને છોડી એક અભિમાની એનઆરઆઇ સાથે લગ્ન કર્યા ત્યારથી હું મારા મમ્મીને પણ નફરત કરતો હતો. એ લોકોથી દૂર રહેવા જ આઇઆઇટીનાં નામે ભારતમાં રહેતો હતો

‘એ કુતરી માટે તું મારા પર ગુસ્સો કરે છે?’ મારા મમ્મીએ કહ્યું ‘..એણે તારા જેવા ઘણા મૂર્ખાઓને રમાડ્યા હશે...તારા પર શું જાદુ કરી નાખ્યું છે?’

મેં ગુસ્સાને કાબુમાં રાખ્યો

‘અમને તારી ચિંતા થતી હોય છે. ભૂલીશ નહી કે અમે તારા માતા – પિતા છીએ’ મારા પપ્પાએ કહ્યુ કે જેમા મને જરાય વિશ્વાસ ન હતો

‘માતા – પિતા?’ મેં એની સામે જોયું અને પછી મારા મમ્મી તરફ ફર્યો અને કહ્યુ ‘માતા – પિતા કે જે હમેંશા પૈસા કમાવવામાં જ રચ્યા – પચ્યા રહેતા હોય, ખાલી પૈસામાં જ રસ ધરાવતા હોય...લાલચી અને દંભી....કહું તો પૈસા છાપતા મશીનો જેવા..’ હું ઊભો થઇ ગયો

‘શટ અપ, અભિમન્યુ’ મારા મમ્મીએ ઊભા થઇ ચિલ્લાઇને કહ્યુ ‘બોલવામાં સભ્યતા રાખ, તું તારી લિમીટ વટાવી રહ્યો છે..’

‘ભૂલીશ નહી કે તારી આવી લાઇફ સ્ટાઇલ અમે કમાઇએ છીએ ત્યારે જ શક્ય બને છે. આ શુઝ, કપડા, મોબાઇલ, લેપટોપ, બાઇક, કાર... આ બધુ તારા માટે અમે ખરીદીએ છીએ..’ મારા પપ્પાએ મારા ઘાવ પર નમક નાખ્યુ.

‘આ બધું કરીને મારા પર કોઇ ઉપકાર નથી કર્યો’ મેં સામો જવાબ આપ્યો ‘મારી માં સાથે લગ્ન કર્યા છે તમે’

‘અભિમન્યુ...’ મારા મમ્મીએ મને દાબા ગાલ પર જોરદાર તમાચો માર્યો

‘મને તો એવું લાગે છે કે તસ્નીમ આવી નહી એમાં તમારો જ કાંઇક હાથ છે’ મેં જવાબ આપ્યો. પાટ, મારા બીજા ગાલ પર બીજો તમાચો પડ્યો. આ વખતે મારા પપ્પા તરફથી હતો કે જેને મેં ક્યારેય મને મારવાનો અધિકાર આપ્યો ન હતો

‘અમને તારી જિંદગીમાં જરાય રસ નથી, મૂર્ખ’ એણે કહ્યું

‘જો તમે લોકોએ કાંઇ ખોટું કર્યુ હશે ને, તો કસમથી, તમને બન્નેને હું નહી છોડું. બન્નેને મારી નાખીશ’ મેં ધમકી આપી

‘બેશરમ..’ મારા પપ્પાએ મને મારવા પાછો હાથ ઊગામ્યો. મારા મમ્મી એને રોકવા વચ્ચમાં કુદયા.

‘યુ સન ઓફ અ બિચ (રંડીની ઓલાદ)...’ મારા પપ્પાએ દૂરથી આક્રોષમાં કહ્યું.

મેં મારા ગુસ્સા પરનો કાબુ ગુમાવ્યો અને એના મોઢા પર જોરદાર મુક્કો મારી દિધો. એ જમીન પર પડી ગયો. મારા મમ્મી અને ત્યાં હાજર બીજા પેસેન્જરો મારી સામે ધ્રુણાથી તાકી રહ્યા હતા. મારા કહેવાઇ રહેલા બાપને મારવાનો મને જરાય અફસોસ ન હતો. ફરી મારી સામે બોલવાની કે હાથ ઊગામવાની હિમ્મત કરી ન શક્યો.

ઝઘડો શાંત થઇ ગયો એની ત્રીસ મિનિટ વીતી ગઇ, કેનેડાની ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થવા લાગ્યું. મારા મમ્મી – પપ્પા ઊભા થયા અને જવા માટે પોતાનાં હેન્ડ બેગ ઉપાડ્યા અને મને પણ એમ કરવા કહ્યું. હું મારી જિંદગી આ અભિમાની માણસો સાથે જીવવા માંગતો ન હતો એટલે મેં કેનેડા નહી જવાનું એલાન કરી દિધું.

આખરે, અમારી વચ્ચે હવે કોઇ સંબંધ નથી એવું જણાવી એ લોકો જતા રહ્યા.

ફેબ્રુઆરી ૨૦૧૫

એક છોકરી કે જેણે જાણ્યે - અજાણ્યે મારી જિંદગીની રમત રમી નાખી હતી એ મારાથી માત્ર પાંચ ફૂટ દૂર ઊભી હતી. એને જોઇને હું ખુશ ન થયો, કે દુખી પણ ન થયો! તટસ્થ બની જોયા કર્યો. મારી સામે ચાર વર્ષ પહેલાની આખી ઘટનાં દોરાઇ ગઇ.

એ દિવસે એરપોર્ટથી પાછા ફરીને તસ્નીમને શોધવા માટેના તમામ પ્રયત્નો મેં કર્યા હતા. એના માટે મેં મારૂ ઘર છોડી દિધું હતું. મારા વિઝા પુરા થઇ ગયા હતા અને હું એને શોધવા ગેરકાયદેસર રીતે ભારતમાં રોકાઇ રહેલો હતો એટલે છ મહિનાં જેલમાં પણ કાઢવા પડ્યા હતા. મને બહુ ગુસ્સો આવતો થઇ ગયો અને એટલે મારે છ મહિના રીહબિલીટેશન સેંટરમાં પણ વિતાવવા પડ્યા હતા, અને ફરી પાછો ત્યાં જ આવી ગયો હતો! બકાયદા હું એક માનસિક રોગનો દર્દી બની ગયો હતો. મેં મારૂ કરીયર ગુમાવી દિધું. મેં મારા ભવિષ્યનાં મોટા પ્લાન બનાવેલા હતા; એના બદલે હું એક ભિખારી અને માનસિક રોગનો દર્દી કે જેનાથી લોકો ડરતા હોય એવો થઇ ગયો હતો. મારી પાસે પૈસા ન હતા અને ઘર પણ! ખરેખર તો મારૂ કાંઇ ભવિષ્ય જ ન હતું. મારી જિંદગી મારા મમ્મી મારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતાં એમાથી વિતાવતો હતો.

૨૭ વર્ષની ઉમરે હું ૪૦ નો હોય એવો લાગતો હતો. મારો ચહેરો ફિક્કો હતો, દાઢી વધી ગઇ હતી અને હું બરાબરથી ચાલી પણ શકતો ન હતો. અને બીજી બાજુ, તસ્નીમ એકદમ ફિટ અને દેખાવમાં પણ સરસ લાગતી હતી. અમે બન્ને સરખી ઉંમરનાં હતા પણ એ બહુ યુવાન અને આત્મવિશ્વાસથી છલોછલ દેખાતી હતી. અને હું તો એક નકામો માણસ બની ગયો હતો. મને મારા મિત્રો ઓળખશે કે કેમ એ પણ એક વિચારવા જેવી બાબત હતી

મારી સામે ફરી ફરીને જોઇ રહી હતી. આખરે, ચેક ઇન કાઉન્ટર સુધી પહોંચી, બોર્ડીંગ પાસ કઢાવ્યો અને જતી રહી. મને એમ હતું કે મને સ્માઇલ આપશે, મારી પાસે આવશે અને મારી માફી માંગશે. મને એમ હતું કે મારી પાસે આવી સૌથી પહેલા મારા વાળમાં હાથ ફેરવશે. હું એના ખોડામાં મારૂ માથું રાખીને શાંતિથી સુવા માંગતો હતો. પણ તદન ઊલટું, મને ગણકાર્યો પણ નહી અને જતી રહી.

મેં એને વેઇટીંગ લોન્જમાં કોઇ મેગેઝીન વાંચતા જોઇ. હું એની સામેની ચેર પર બેઠો.

એની મોજુદગીમાં આવી શાંતિ વિચિત્ર હતી અને મારી સાથે બોલ્યા વગરનો એનો વહેવાર બહુ જ અજાણ્યો લાગતો હતો. તસ્નીમ સંપુર્ણપણે બદલાઇ ગઇ હતી. અમારી વચ્ચે આવી વિચિત્ર શાંતિ મારાથી સહન થતી ન હતી. મેં હિમ્મત ભેગી કરી અને એની બાજુની સિટ પર બેસી ગયો. એ જ માદક સુગંધ!

‘તસ્નીમ?’ મેં પુછ્યુ.

તસ્નીમે મારી સામે જોયું. એ જ આંખો!

‘….મને આશા છે કે તું મને ઓળખતી હશે..’ મેં વાત આગળ વધારતા કહ્યુ

એ ચુપ રહી. મને એમ હતું કે મને જોઇને ઊછળી પડશે. ઊલટાં, મારામાં જરા પણ રસ ન દાખવ્યો. મારી સાથે વાત કરવામાં પણ એને જરાય રસ દેખાતો ન હતો. એણે મારી આવી દુર્દશા પણ ન જોઇ.

‘મારા માત્ર એક સવાલનો જવાબ આપીશ?’ મેં અવાજમાં એક લાચારીથી પુછ્યું

તસ્નીમે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ‘હાં...બોલો’

એનો અવાજ બહુ મસ્ત હતો કે જે સાંભળવા માટે છેલ્લા ચાર વર્ષથી તરસતો હતો

‘મારી સાથે આવું શા માટે કર્યુ?’ મેં અધિરાઇથી પુછ્યું ‘તું ક્યાં હતી?...’ હું વાક્ય પુરૂ ન કરી શક્યો અને રડી પડ્યો. છેલ્લા ચાર વર્ષથી મારી આંખોમાંથી એક ટીપું બહાર આવ્યું ન હતું અને અચાનક આંખોમાંથી પાણીની ધારા વહી રહી હતી. કદાચ, તસ્નીમ મળી ગઇ એટલા માટે!

‘અભિ...’ એણે કહ્યુ. હું ‘અભિ’ શબ્દ સાંભળવા માટે પણ મરતો હતો ‘….પ્લીઝ ડોન્ટ ક્રાય (રડીશ નહી!)’

હું થોડો સ્વસ્થ થયો

‘જો સાંભળ..નક્કી કર્યા મુજબ હું ફેરવેલનાં બીજા દિવસે તારા ફ્લેટ પર આવી હતી’

મેં એક અચરજતાથી એની સામી જોયું

‘હું બહુ ખુશ હતી પણ જેવી હું તારા ફ્લેટમાં પ્રવેશવા ગઇ કે મેં તારા મમ્મી પપ્પાની વાત હોલમાં સાંભળી. તેઓ આપણા વિશે જ વાત કરી રહ્યા હતા’

પછી એણે જે કહ્યું એ મારા માટે હજમ કરવું બહુ જ અઘરૂ હતું. એના મત મુજબ એણે મારા મમ્મી – પપ્પા અમારા વિશે વાત કરતા હતા એ સાંભળી હતી. એ લોકો એક – એક વાક્યમાં તસ્નીમ અને એના પરિવારને ગાળો આપી રહ્યા હતા. મારા મ્મ્મી – પપ્પા એવા રસ્તાઓ કાઢી રહ્યા હતા કે મને તસ્નીમથી કેમ છુટ્ટો પાડવો અને એકવાર કેનેડા પહોંચી ગયા પછી મને બીજી છોકરી સાથે કેવી રીતે સેટ કરી દેવો. મને તસ્નીમે પૈસા માટે ફસાવ્યો હોય એવો આરોપ મુકતા હતા. ટૂંકમાં, મારી જિંદગીમાંથી તસ્નીમને કાઢી મુકવાનાં પ્લાન બનાવી રહ્યા હતા.

‘એ લોકોને હું પસંદ ન હતી, અભિ’ એણે ધિમા અવાજમાં કહ્યું ‘હું તને ખુબ જ પ્રેમ કરતી હતી પણ...’

‘તારે એકવાર મારી સાથે વાત કરવી જોઇતી હતી...’ મેં નિરાશાથી કહ્યુ

‘કાંઇ મતલબ ન હતો, અભિ. મારે ભારત છોડવાની ગણતરી ન હતી. મારે એક બિમાર માં અને નાની બહેનની જવાબદારી હતી. એનું ધ્યાન કોણ રાખેત? આમ છતાંય હું કેનેડા આવું અને તારા મમ્મી – પપ્પા મને તારી જિંદગીમાંથી બહાર ફેંકી દે તો? મારી જિંદગી તો બરબાદ થઇ જાય ને? એટલે હું ડરી ગઇ હતી...ખરેખર ડરી ગઇ હતી...અભિ’

હું ચુપ થઇ ગયો. અગર એના ડર વિશે મને વાત કરી હતો તો હું એને ક્યારેય ભારત છોડવાનો ફોર્સ ના કરત! ખરેખર તો મને પોતાને પણ કેનેડામાં ગમતું ન હતું. પણ, એને મારા પર ભરોશો ન હતો. મને પ્રેમ કરતી હતી પણ સમજતી ન હતી. સમજણ વગરનો પ્રેમ હતો!

‘હું ડરી ગઇ હતી કે જો તું પણ..’ એ કહેતા અટકી ગઇ

‘શું?’ મેં પુછ્યુ

‘તારા મમ્મી – પપ્પાનાં દબાણથી તું પણ મને છોડી દે તો...’ એ વાક્ય પુરૂ ન કરી શકી

એના શબ્દોએ મારા પર વજ્ર ઘા કર્યો. મારા ખરાબમાં ખરાબ સપનાંમાં પણ હું એને છોડવાની કલ્પનાં કરી શકું એમ ન હતો.

‘….એટલે હું તારી લાઇફથી દૂર જતી રહી. સમય જતા બધું ઠીક થઇ જતું હોય છે એમ માની હું આગળ વધી..’

મને આઘાત લાગ્યો હતો પણ કાંઇ વાંધો નહી. વિતિ ગયેલો સમય તો પાછો નથી લાવી શકાતો પરંતુ હવે સુધારી શકાય એમ હતું. હું થોડો સ્વસ્થ થયો અને અચકાતાં પુછ્યું ‘તું હજી મને પ્રેમ કરે છે?’

એણે મારી આંખોમાં જોયું કે જેમા હજી તસ્નીમને મેળવવાની આશા જીવતી હતી

‘અભિ, મારા લગ્ન થઇ ગયા છે’ એણે જવાબ આપ્યો અને ઉમેર્યુ ‘..મારા હસબન્ડ એરપોર્ટ આવવા માટે રસ્તામાં જ છે. અમે વેકેશન માટે અમદાવાદ જઇ રહ્યા છે’

એ લગ્નમાં હાજરી આપવા માટે અમદાવાત જતી ન હતી. મને શોધવા માટે પણ અમદાવાદ જતી ન હતી. પછી મને માહિતગાર કર્યો કે મુંબઇમાં કોઇ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી. એની નાની બહેનને આઇઆઇટી મુંબઇમાં એડમિશન મળી ગયુ હતું અને થોડા સમય પહેલા એના મમ્મી ગુજરી ગયા હતા

‘તું મારા વિશે કાંઇ જાણવા માંગે છે?’ મેં પુછ્યુ

એ જવાબ આપે પહેલા કોઇ નવયુવાન અમારા તરફ આવ્યો અને તસ્નીમને એક કુણી લાગણીથી ભેટ્યો. એ લોકો બહુ ખુશ દેખાતા હતા. થોડી ચર્ચા કરી અને પછી એ યુવાને મારી સામે જોયું

‘મારો કોલેજ ફ્રેન્ડ છે...કદાચ બેચમેટનાં લગ્નમાં હાજરી આપવા અમદાવાદ જઇ રહ્યો છે..’

‘વાહ! તમને મળીને બહુ આનંદ થયો’ મારી સાથે હાથ મિલાવવા એણે હાથ લંબાવ્યો, પણ હું એક મુર્તિ બની ઊભો રહ્યો હતો. કોલેજ ફ્રેન્ડ? હું માત્ર એક કોલેજ ફ્રેન્ડ હતો! મેં કાંઇ જવાબ ન આપ્યો કે હાથ પણ ન મિલાવ્યો

તરત જ એ લોકો વાતોમાં ડૂબ્યા અને મારા અસ્તિત્વ વિશે ભૂલી ગયા. દસ મિનિટ પછી એ લોકો ટર્મિનલ તરફ ચાલતા થયા કારણ કે ફ્લાઇટ બોર્ડીન્ગનું એનાઉન્સમેન્ટ થઇ ગયું હતું.

હું તો તસ્નીમને શોધવા જ આમંત્રણ વગર અમદાવાદ જઇ રહ્યો હતો. લગ્નમાં તસ્નીમ મળી જશે એવી આશા હતી. પરંતુ, હવે અમદાવાદ જવાનો કોઇ મતલબ ન હતો. હું એરપોર્ટની બહાર આવી ગયો અને એક પછી એક ઊડતા પ્લેનને તાકી રહ્યો. એમાંથી એક પ્લેન કે જેમાં તસ્નીમ હતી એ મારી જિંદગીનાં ચાર વર્ષ એની સાથે લઇને ઊડી ગયું હતું

મેં ટેક્ષી રોકી અને રીહેબિલીટેશન સેન્ટર જવા માટે બેસી ગયો. કદાચ હવે એ જ મારું ઘર હતું!

** સમાપ્ત **