9166 UP, Gujarat na ramkhano nu adhuru satya - 5 books and stories free download online pdf in Gujarati

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 5

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રકરણ - 5

પ્રશાંત દયાળ

રાંધેલું ધાન ચૂલા ઉપર જ રહી ગયું

અમદાવાદમાં ચારે તરફ ભડકા શમ્યા નહોતા. લોકો રહી-રહીને પણ બહાર નીકળી પોતાનો હિસાબ પૂરો કરતા હતા. જો કે અમદાવાદ માટે કોમી તોફાનો કંઈ નવા નહોતા. એ વાત સાચી હતી કે આટલા વ્યાપક પ્રમાણમાં તોફાનો ઘણા વર્ષો પછી થયા હતા. ૧૯૬૯માં આ પ્રકારના જ કોમી તોફાનો થયા હતા ત્યારે મારી ઉંમર ચાર વર્ષની હતી. મને બહુ યાદ નથી પણ કેટલાક દ્રશ્યો હજી પણ મારી આંખ સામેથી હટતાં નથી. મારા પિતાજી એ. જી. ઓફીસમાં નોકરી કરતા હોવાને કારણે અમે મેઘાણીનગર એ. જી. ઓફીસના કવાર્ટરમાં રહેતા હતા. અમે જે બ્લોકમાં રહેતા હતા તે મેઘાણીનગર ચાર રસ્તાને અડીને આવેલો હતો. મને કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે જગન્નાથ મંદિરની ગાયોના મુદ્દે ઝઘડો થતા કોમી તોફાનો થયા હતા. મેં ચાર વર્ષની ઉંમરે જે અનુભવ્યું હતું તેના કારણે હું ડરી જતો હતો. તે દિવસોમાં ‘ હર હર મહાદેવ’ કહી હિંદુઓના ટોળાઓ હથિયાર સાથે નીકળતાં હતાં. તે દ્રશ્ય હું મારા ઘરની બારીમાંથી જોઈ શકતો હતો. મારા ઘરની બારીમાં જુઓ એટલે બરાબર સામે એક રસ્તો હતો, જે ચમનપુરા તરફ જતો હતો. ટોળાઓ નારા પોકારતા નીકળે એટલે હું મારા ઘરના પહેલા માળેથી અચૂક જોતો. તે લોકો ચમનપુરા તરફના રસ્તા ઉપર જતાં, કારણ કે તે રસ્તા ઉપર મુસ્લિમોની બેકરીઓ આવેલી હતી. ટોળા ત્યાં જઈ પહેલા બેકરીનો સામાન રસ્તા ઉપર બહાર કાઢી તેને આગ ચાંપી દેતા હતા. અને તે આગમાં મુસ્લિમ પુરુષોને ફેંકી દેવામાં આવતા હતા. ઘણી વખત અર્ધ સળગેલા મુસ્લિમોને આગમાંથી બહાર કાઢી પાછા રસ્તા ઉપર મૂકી દેતા હતા. તેમની ચીસો હજી પણ મને યાદ છે.

તેવી જ રીતે ટોળું એક-એક મુસ્લિમને શોધી ચાર રસ્તા ઉપર લાવતું હતું. તે ચારરસ્તા ઉપર ગટરનો ગેસ જવા માટે ખૂબ ઊંચો પાઈપ લાગેલો હતો અને તેને ખાસ પ્રકારનું એક દોરડું બાંધવામાં આવ્યું હતું. જે ગાળીયાની જેમ બાંધેલું હતું. ટોળું કોઈ મુસ્લિમ પુરુષને પકડી લાવે ત્યારે પેલો માણસ છોડી મુકવા માટે કાકલુદી કરતો પણ ત્યારે તેનું કોણ સાંભળે ? તે માણસના પગમાં ગાળિયો ભરાવી દોરડું ખેંચવામાં આવે એટલે તે થાંભલા ઉપર ઊંધો લટકી જતો હતો અને તેને થોડો ઉંચો ખેંચી રાખ્યા બાદ ટોળામાં રહેલો કોઈ માણસ ઊંધા લટકી રહેલા મુસ્લિમના માથામાં કચકચાવી લોખંડનો પાઈપ મારતો અને નાળીયેરની જેમ તેનું માથું ફાટી જતું હતું. ત્યાર બાદ તેને નીચે ઉતારી ફેંકી દેવામાં આવતો હતો. મેં ત્યાં આવી રીતે મારી નાખવામાં આવેલા અનેક લોકોની લાશો રસ્તે પડેલી જોઈ હતી અન એવા જ દ્રશ્યો હું ફરી વખત ગોધરાકાંડ બાદના તોફાનોમાં જોઈ રહ્યો હતો. ગોધરા પછી તેવું ગુજરાતમાં બની રહ્યું હતું. ૧૯૬૯માં ગૃહરાજ્યમંત્રી તરીકે જયરામભાઈ પટેલ હતા એટલે હું તેમને પણ મળવા ગયો હતો. જો કે સહકારી બેન્કિંગ ક્ષેત્રે મોટી નામના મેળવનારા જયરામભાઈ હવે તે દુઃખભર્યા જૂના દિવસો યાદ કરવા તૈયાર મ્હોતા. તેમના મત પ્રમાણે ૧૯૬૯માં ગોધરાકાંડ કરતા પણ મોટા તોફાનો થયા હતા અને મૃતકોની લાશોના ઢગલા ટ્રક ભરી લઈ જઈ નદીકાંઠે સામુહિક અગ્નિસંસ્કાર કરવો પડતો હતો. ગોધરાકાંડ બાદ અમદાવાદ-વડોદરા અને સુરત જેવા શહેરો જ નહીં પણ નાના ગામડાઓ પણ કોમી આગમાં સળગી ઉઠ્યા હતા, જ્યાં વર્ષોથી હિંદુ-મુસ્લિમ સાથે રહેતા હતા. કોણ જાણે તેમને પણ હવે એકબીજા સામે ગુસ્સો આવ્યો હતો. તા. ૨૮મીના રોજ અમદાવાદમાં જે રીતે તોફાનો થયા તે ટીવી ઉપર આખી દુનિયાએ જોયા હતાં. તેના કારણે કેટલાક લોકોમાં બદલો લેવાની ભાવના તીવ્ર બની હતી. જૈનોના જાણીતા યાત્રાધામસમા મહુડી ખાતે જ્યાં બહુ મોટી સંખ્યામાં હિંદુઓ પણ આવે છે ત્યાંથી સરદારપુરા જવાય છે. મહેસાણા જીલ્લામાં વિજાપુર તાલુકાનું સરદારપુરા ગામ, જ્યાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે ક્યારેય ઊંચા અવાજે બોલવાનું પણ થયું નહોતું. સરદારપુરા હિંદુઓની બહુમતીવાળું ગામ હતું. અહીં બે પ્રકારના મુસ્લિમો રહેતા હતા. જેમાં પઠાણો શ્રીમંત હતા, જેમની પોતાની જમીન અને ખેતીવાડી હતી. બીજા શેખ મુસ્લિમો હતા, જે ગરીબ અને ખેતમજુરો હતા અને હિંદુ પટેલોના ખેતરોમાં મજુરી કરી ગુજરાન ચલાવતા હતાં. તેમને પણ પોતાના માલિકો સાથે ક્યારેય ઝઘડો થતો નહોતો, કારણ કે તેમને પોતાના માલિક માટે આદર હતો. પટેલો પણ પોતાના મુસ્લિમ મજુરોના સારા-ખરાબ દિવસોમાં તેમની સાથે રહેતા હતા. તેના કારણે પટેલો અને મુસ્લિમોની વસ્તી પણ નજીક હતી. તા. ૨૮મીના રોજ બંધનું એલાન હોવાને કારણે મહેસાણાનાં ડી. એસ. પી. એ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલોને સરદારપુરમાં તહેનાત કરી દીધા હતા. આમ તો ભૂતકાળને ધ્યાનમાં લેતા પોલીસ મુકવાની કંઈ જરૂર નહોતી, છતાં પણ તકેદારીરૂપે મુક્યા હતા, કારણ કે ગામમાં દાખલ થતાં તરત પઠાણોનાં મકાનો હતા, જયારે શેખ મહોલ્લો છેલ્લે હતો. તે દિવસે સવારે પટેલો રોજ પ્રમાણે પોતાનાં ખેતરે ગયા હતાં. તે જ રીતે પટેલોનાં ખેતરોમાં મજુરી કરતા મુસ્લિમો પણ કામે આવ્યા હતાં. બપોર થતાં બંને લોકો સાથે બેસી જમ્યા પણ હતા, કારણ કે હજુ સુધી ગોધરાકાંડની આગ તેમને સ્પર્શી નહોતી. સાંજ સુધી બધાએ સાથે કામ કર્યું હતું અને સૂર્યનારાયણ ડૂબવા લાગતાં બધા પોતાના ઘર તરફ ફરવા લાગ્યા હતા.

શેખ મહોલ્લામાં સ્ત્રીઓ ખેતરેથી આવ્યા બાદ સાંજનું જમવાનું બનાવી રહી હતી અને આંગણામાં બાળકો રમી રહ્યા હતાં. કાચાં મકાનો હોવા છતાં લાઈટની સુવિધા હોવાને કારણે કેટલાક પરિવારો ટીવી જોઈ રહ્યા હતા. અંધારું થઈ ગયું ત્યાં સુધીમાં તો કેટલીક મહિલાઓએ રસોઈ પૂરી કરી નાખતા પોતાના બાળકો અને ઘરના પુરુષ સભ્યોને જમવા માટે થાળીઓ પીરસી હતી. તે લોકો થાળીમાં પીરસવામાં આવેલી રસોઈનો કોળીયો મોઢા સુધી લઇ જાય તે પહેલા ગામથી દૂર ચિચિયારીઓ સંભળાવા લાગી હતી. જેના કારણે ઘરના પુરુષ સભ્યો કોળીયો પાછો મૂકી ઊભા થઈ ગયા હતાં, કારણ કે તેઓ રાતના અંધારામાં ચિચિયારીઓ અને ગામ તરફ આવી રહેલા ટ્રેક્ટરનો અવાજ સાંભળી શકતા હતા. બાળકો પણ જમવાનું છોડી માની સોડમાં લપાઈ ગયા હતાં. આ અવાજ સાંભળી માત્ર મુસ્લિમો જ નહીં ગામના પટેલો પણ ઘરની બહાર આવી ગયા હતા, કારણ કે તેમને તો ગામના મુસ્લિમો સામે કોઈ વાંધો નહોતો. તો પછી કોને વાંધો હતો તેની તેમને ખબર નહોતી. એટલે જ ગામમાં મુસ્લિમો અને હિંદુઓ પોતાના ઘરની બહાર આવી કોણ આવી રહ્યું છે તેની રાહ જોતાં હતા. મુસ્લિમો ડરી ગયા હતા પણ તેમને ગામના હિંદુઓ હૈયાધારણા આપતા હતા કે ચિંતા કરતા નહીં અમે તમારી સાથે છીએ, તમને વાંધો આવશે નહીં. પઠાણ મહોલ્લા પાસે બંદોબસ્તમાં રહેલા પોલીસ સબ ઈન્સ્પેકટરે પોતાની રિવોલ્વર લોડ કરી લીધી હતી. તેને શંકા ગઈ હતી કે કંઈક નવાજૂની થવાની છે. સરદારપુરમાં શાંતિ હતી તે વાત આજુબાજુના હિંદુઓને ખટકતી હતી, એટલે જ આજુબાજુનાં ગામના લોકોએ એક ચોક્કસ યોજના બનાવી સરદારપુરાનાં મુસ્લિમોના ખાત્માનો પ્લાન બનાવ્યો હતો. જેના ભાગરૂપે હિંદુઓ ટ્રેક્ટર ભરીભરીને સરદારપુરા તરફ આવી રહ્યા હતા. જો કે તે એટલા યોજનાબદ્ધ હતા કે તેઓ જેમજેમ આગળ આવતા હતા તેમતેમ તેઓ જે રસ્તે આવ્યા ત્યાં આડશો મૂકી દેતા હતા, જેથી કરીને પાછળથી પોલીસ આવે તો આડશો હટાવતા એટલો સમય નીકળી જાય કે તે લોકો પોતાનું કામ પૂરું કરી નાખે.

હજારો માણસો ટ્રેક્ટરમાં બેસી આવી રહ્યા હતા. જેવા ટ્રેક્ટરો ગામમાં દાખલ થયાં તેની સાથે પઠાણ મહોલ્લામાં રહેલા પોલીસ જવાને ટ્રેક્ટરને થોભવાનો ઈશારો કર્યો પણ તે રોકાયાં મહીં. તે લોકો એટલી મોટી સંખ્યામાં હતા કે હિંમત કરી તેની આડા ઊભા રહેવામાં શાણપણ નહોતું. ટ્રેક્ટરો પઠાણ મહોલ્લા પાસે રોકાયા વગર ગામની અંદર દાખલ થઈ રહ્યા હતા. તેમને મુસ્લિમોને મારવા હતા પણ તેઓ પઠાણ મહોલ્લા ઉપર હુમલો કરવા માંગતા નહોતા. કદાચ તે ગામનો પૂરો અભ્યાસ કરી આવ્યા હતા, કારણ કે મુસ્લિમો શ્રીમંત હતા અને તે પૈકી કેટલાક પાસે પરવાનાવાળી રિવોલ્વર અને બંદૂકો હતી. જેની જાણકારી તેમની પાસે હોય તેવું લાગતું હતું. એટલે જ તેમણે મારવા માટે ગરીબ શેખોની પસંદગી કરી હતી. પઠાણ મહોલ્લાના સબ ઇન્સ્પેકટરને ખ્યાલ આવી ગયો હતો કે હવે તેમના ત્રણ દ્વારા સ્થિતિ કાબૂમાં આવે તેમ નથી. તેના કારણે તેમને તરત મહેસાણા ખાતે ફોન કરી ડી. એસ. પી. ને સરદારપુરામાં ઊભી થયેલી સ્થિતિનો ખ્યાલ આપી મદદ મોકલવા જણાવ્યું હતું. ટ્રેક્ટરમાં રહેલા લોકો ગુસ્સામાં હતા, કારણ કે તે ગોધરાનો બદલો લેવા માગતા હતા. તેમના ટ્રેક્ટરો શેખ મહોલ્લા પાસે આવીને અટક્યા એટલે તરત ગામના પટેલો આગળ આવ્યા અને તેમણે ટ્રેક્ટર પર આવેલા બાજુના ગામના લોકોને હાથ જોડી વિનંતી કરી કે,’ ગોધરાની સજા ગોધરાના મુસ્લિમોને આપો ત્યાં સુધી વાંધો નથી પણ તેની સજા આ નિર્દોષ મુસ્લિમોને આપશો નહીં.’ પણ ટોળું કંઈ વાત સાંભળવા તૈયાર નહોતું. શેખ મહોલ્લો એટલે સાંકડી ગલી અને તેની અંદર બંને તરફ કાચાં-પાકા મકાનો હતા. ટોળાએ ગામના આગેવાનોએ હડસેલી ગલીમાં જવાનો પ્રયત્ન કર્યો પણ તે પહેલા તેમને ગલી ઉપર ભારે પથ્થરમારો કર્યો. જેના કારણે તે પથ્થરો મુસ્લિમોના કાચાં મકાનના છાપરા તોડી અંદર આવવા લાગ્યા. મુસ્લિમો માટે જીવ બચાવવા માટે ઘરની બહાર આવવું જરૂરી હતું. જો કે બહાર ટોળું હતું. પારેવાની જેમ ફફડતા સ્ત્રી-પુરુષો અને બાળકો જીવ બચાવવા માટે ગલીની બીજી તરફ ભાગ્યા હતા. કારણ કે ત્યાં એક પાકું આર. સી. સી. નું મકાન હતું. કદાચ ત્યાં શરણ મળે તેમ હતી. બધા મુસ્લિમો ડરના માર્યા પાકાં મકાન તરફ ભાગ્યા અને તેમાં જઈ સંતાઈ ગયા. બચવા માટે તેમણે તેનો લોખંડનો દરવાજો અંદરથી બંધ કરી લીધો.

આ જોઈ બહારગામથી આવેલા હિંદુઓ ગલીમાં આગળ વધ્યા. તેમના હાથમાં ઘાતક હથિયારો અને કેરબાં હતાં. જે મકાનમાં મોટી સંખ્યામાં મુસ્લિમો છુપાયા હતા તે મકાનની બારીમાંથી કેરબામાં લાવવામાં આવેલું જ્વલનશીલ પ્રવાહી અંદરની તરફ રેડી દેવામાં આવ્યું. મુસ્લિમો કંઈ સમજે તે પહેલાં અંદર સળગતો કાંકડો ફેંક્યો અને બસ નિર્દોષોની ચીસોથી સરદારપુરા સ્તબ્ધ થઇ ગયું. મહેસાણા ડી. એસ. પી. ને સંદેશો મળતાં તે તરત પોતાના કાફલા સાથે મુસ્લિમોને બચાવવા માટે સરદારપુરા તરફ નીકળ્યા હતા પણ રસ્તામાં ઠેર-ઠેર આડશો હતી. તે કોર કરતાં-કરતાં તે સરદારપુરામાં પહોંચ્યા ત્યારે પડોશી ગામના લોકો પોતાનું કામ પૂરું કરી જતા રહ્યતા હતા. પોલીસે શેખ મહોલ્લામાં જઈ પાકાં મકાનનો દરવાજો દરવાજો તોડ્યો ત્યારે મોટાભાગના લોકો સળગીને મારી ગયા હતાં. જો કે કેટલાક હજી કણસી રહ્યા હતા. જેમને બહાર કાઢી સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડ્યા હતા. આ બનાવના ચાર દિવસ બાદ હું ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠી સાથે ટાટા સુમોમાં સરદારપુરામાં પહોંચ્યો હતો. ગામમાં દાખલ થતા પહેલા ગામના પાદરમાં એક પોલીસ જીપ પડી હતી. મને લાગ્યું કે કદાચ કર્ફ્યું નાખી દેવામાં આવ્યો હશે. એટલે મેં મારી સુમો ઊભી રખાવી પોલીસને પૂછ્યું,’ કર્ફ્યું છે ?’ તેણે કહ્યું,’ ના’. તેણે મારી સામે જોયું એટલે મેં કહ્યું, ‘ પ્રેસવાળા છીએ.’ તેણે કહ્યું ,’ સીધા જાવ ગામમાં અમારી મોબાઈલ પણ ઊભી છે.’ અમે ગામમાં દાખલ થયા. વાંકાચૂકા રસ્તાઓ હતા પણ ગામના તમામ ઘર અને દુકાનો બંધ હતા. એક પણ માણસ અમને દેખાતો નહોતો. પૂછવું તો કોને તે પણ પ્રશ્ન હતો. પાછળથી ખબર પડી કે સામુહિક હત્યાકાંડ બાદ પોલીસે ધરપકડો શરૂ કરતાં ગામના તમામ પુરુષો ઘર છોડીને ભાગી છુટ્યા હતા. અમે ગામમાં દૂર સુધી ગયા, ત્યાં અમને પોલીસવાન નજરે પડી. તેમાં ત્રણ પોલીસ જવાનો પત્તાં રમી રહ્યા હતા. અમે તેમની નજીક સુમો ઊભી રાખી. આજુબાજુ નજર કરી તો બે-ત્રણ ઘરના દરવાજા ખુલ્લા હતા અને તેમાંથી લોકો અમને જોઈ રહ્યા હતા. હું તેમની સાથે વાત કરવા માગતો હતો પણ જેવો હું તેમની તરફ વાળું તેની સાથે તે પોતાના દરવાજા બંધ કરી લેતા હતા. મેં એક દરવાજા તરફ જોયું. એક વૃદ્ધ વ્યક્તિ મને જોઈ રહી હતી. મેં થોડીવાર તેની સામે જોયું પણ તેણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. હું થોડો આગળ વધ્યો પણ તેમણે પોતાના ઘરનો દરવાજો બંધ કર્યો નહીં, એટલે હું ચાલતો-ચાલતો તેના સુધી પહોંચ્યો. વાત કરવા માટે બહાનું જોઈએ એટલે મેં કહ્યું,’ પાણી મળશે?’ તેણે બાજુમાં ઊભી રહેલી એક બાળાને પાણી લાવવા કહ્યું એટલે મને આશા જન્મી. મેં બીજો પ્રશ્ન કર્યો, ‘કેટલા વખતથી ગામમાં રહો છો?’ મારો પ્રશ્ન પૂરો થાય તે પહેલાં તે વૃદ્ધની ભમરો ગુસ્સામાં તંગ થઈ. તેણે મને કહ્યું, ‘ જુવો અમે કંઈ જોયું નથી. મહેરબાની કરી અમને કંઈ પૂછશો નહીં. પાણી પીવું છે તો પી લો અને અહિયાથી જાવ.’ એટલામાં પાણી આવ્યું અને પાણી પીને હું ત્યાંથી નીકળ્યો.

જ્યાં પોલીસવાન ઊભી હતી ત્યાં આવી પત્તાં રમી રહેલા પોલીસને પૂછ્યું, ‘શેખ મહોલ્લો ક્યાં છે?’ એટલે તેણે તરત બાજીમાંથી નજર હટાવી મારી સામે જોયું. ગૌતમભાઈના હાથમાં કેમેરો જોઈ તે સમજી ગયો હતો. તેણે કીધું, ‘સામેની ગલીમાં.’ અમે બંને તે ગલીમાં ઘૂસ્યા. મહોલ્લામાં બધા મકાનો ખુલ્લા હતા. ત્યાં જતા જ મને ખ્યાલ આવી ગયો કે જે રાતે હત્યાકાંડ બન્યો તે દિવસથી મકાનો આ જ સ્થિતિમાં ખુલ્લા પડી રહ્યા છે, પછી કોઈ ગામમાં આવ્યું જ નથી. ગલીમાં સંખ્યાબંધ પથ્થરો પડ્યાં હતા. આગલા જતા જેવો એક ખુલ્લા ઘરમાં ગયો કે કંપી ઊઠ્યો હતો, કારણ કે હજી ચૂલા ઉપર રાંધેલી ખીચડી જેમની તેમ પડેલી હતી. તરત હું બહાર આવ્યો અને જેવો બીજા ઘરમાં ગયો ત્યાં પણએવું જ દ્રશ્ય હતું. થાળીમાં લીધેલી રોટલી હજી પણ થાળીમાં હતી. તે ખાવા માટે કૂતરું પણ આવ્યું નહોતું. હું આ દ્રશ્ય જોઈ રડી પડ્યો. ગોધરાનો ગુસ્સો આવવો સ્વાભાવિક હતો પણ આટલી ક્રૂરતા સમજાતી નહોતી. જે માણસો જમવા બેઠાં હતા તેમને મોત સાથે ફૂંકી મારવામાં આવ્યા હતા. આ એવી ગલી હતી જ્યાં અનેક લોકોનો સંસાર હતો. તેમનાં પણ સપનાંઓ હતા અને નાનકડી દુનિયા હતી, પરંતુ કોઈકની સજા કોઈકને મળી અને હસતી-રમતી જીંદગી તબાહ થઈ ગઈ. કદાચ આ વાંચીને કોઈકને લાગે કે હું મુસ્લિમ પ્રત્યે ખોટી સહાનુભૂતિ દાખવું છું પણ તેવું નથી. હું ગોધરા ગયો ત્યારે ત્યાં પણ મેં વિનાશ જોયો હતો. બની શકે કે રામભક્તોની વાત ખુદાના બંદાઓને પસંદ ના પડે, પરંતુ તેનો અર્થ એવો નહોતો કે જેને તે પોતાના વિરોધી સમજે છે તેને આટલી મોટી સજા આપે.

બે દિવસ દરમિયાન અમદાવાદ કે રાજ્યના અન્ય વિસ્તારોમાં જે તોફાનો થયાં તે ભાજપ કે વિશ્વ હિંદુ પરિષદ પ્રેરિત હતા તે વાત માનવા હું તૈયાર નથી, કારણ કે તેના માટે મારી પાસે કોઈ આધાર નથી. જો કે જે રીતે મુસ્લિમોને કે પછી તેમની મિલકતને નુકસાન કરવામાં આવ્યું હતું તેની પાછળ માત્ર ગોધરાકાંડ જ કારણભૂત નહોતો. તે સિવાયના કારણો પણ હતા, જેમ કે હોટેલઉદ્યોગમાં ઘણાં વર્ષોથી પાલનપુર તરફના મુસ્લિમો-જેમને ચેલીયા તરીકે ઓળખવામાં આવે છે તે મોટા પ્રમાણમાં સક્રિય છે. તે મુસ્લિમ હોવા છતાં ગુજરાતી ભાષા જ બોલે છે અને સ્વભાવે સૌમ્ય છે. તેમની હોટેલો સારી ચાલતી હોવાને કારણે હિંદુ હોટેલવાળાઓનું નારાજ થવું સ્વાભાવિક હતું. તેના કારણે તોફાનો દરમિયાન તેમની હોટેલોને નિશાન બનાવવાની વાત બહુ સહજ હતી. તેવી જ રીતે અનેક ગામડાંઓમાં ખાસ કરીને પંચમહાલના ગામડાંઓમાં અનેક મુસ્લિમો આદિવાસીઓને પૈસા પણ ધીરતા હતા. મજબુરીને કારણે વ્યાજે પૈસા લેનાર કાયમ માટે એવું માનતા હોય છે કે પોતાનું શોષણ થાય છે. આવાં અનેક કારણોથી તોફાનો થયા અને તેમાં તેમનો જૂનો ગુસ્સો પણ સામેલ થયો હતો. તેથી આ તોફાનને માત્ર કોમી તોફાન કહેવામાં આવે તેને હું વાજબી માનતો નથી, પરંતુ લોકો સ્વયંભુ રીતે બહાર આવી પોતાનો હિસાબ પતાવતા હતા. લોકો એટલી મોટી સંખ્યામાં બહાર નીકળી આવ્યા હતા કે પહેલા તબક્કે સ્થિતિને સમજવામાં થાપ ખાઈ ગયેલી પોલીસ માટે હવે સ્થિતિને કાબૂમાં લેવી શક્ય પણ બનતી નહોતી. તેના કારણે એક વાત એવી વહેતી થઈ હતી કે રાજ્યમાં પોલીસ ઈરાદાપૂર્વક નરેન્દ્ર મોદીના ઈશારે નિષ્ક્રિય બની રહી છે. એક તબક્કે નરેન્દ્ર મોદીએ ગોધરાકાંડ પછીની ઘટનાને એકશનનું રીએક્શન ગણાવી હતી. જેના કારણે હિંદુઓ માની રહ્યા હતા કે નરેન્દ્ર મોદીને કારણે જ તેઓ મુસ્લિમોનો બદલો લઇ શક્યા હતા. સ્થાનિક હિંદુ નેતાઓ પણ તે વાત આગળ વધારતા હતા, કારણ કે તેમને તો કંઈ પણ કર્યા વગર હિંદુના મત પોતાની તરફ આવતા નજરે પડયા હતા. તેના કારણે તે પણ ખુશ હતા. તેઓ હિંદુના વરઘોડામાં વગર આમંત્રણે વરરાજા બની ગયા હતા. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો પણ રાજી હતા, કારણ કે તેમને પહેલા તબક્કે તો કોઈ ફરિયાદી નામજોગ ફરિયાદ આપવા તૈયાર નહોતા. તેના કારણે તે બધી ફરિયાદો અજાણ્યા ટોળા સામે દાખલ કરી સ્થાનિક નેતા-ધારાસભ્યને ખુશ કરતા હતા. એટલે પહેલા દિવસથી જ હિંદુઓના મનમાં એક વાત ઘર કરી ગઈ કે નરેન્દ્ર મોદી હિંદુઓના હામી છે. તેવી જ રીતે મુસ્લિમો પણ માનવા લાગ્યા હતા કે મોદી મુસ્લિમોના કટ્ટર દુશ્મન છે. જેના કારણે નરેન્દ્ર મોદી આખી રમત બહુ સિફતપૂર્વક રમી શક્યા હતા, કારણ કે તેમને કંઈ પણ કર્યા વગર હિંદુઓ ક્રેડીટ આપી રહ્યા હતા. અંગ્રેજી અખબારો, ચેનલો અને સ્વૈચ્છિક સંસ્થાઓ મોદીની વિરુદ્ધમાં જેટલા નિવેદન કરતાં એટલી મોદીની ખુરશી મજબૂત થતી હતી.

મહેસાણાનાં સરદારપુરામાં જે બન્યું તે આશ્ચર્યજનક હતું તેવું જ પંચમહાલના રણધીપુરમાં પણ બન્યું હતું. ત્યાં રહેતા યાકુબ રસૂલની પત્ની બીલ્કિસબાનુ તા. ૨૪મી ફેબ્રુઆરીના રોજ ઈદ હોવાને કારણે પિયર આવી હતી. તે ગર્ભવતી હતી તેમજ તેને ત્રણ વર્ષની દીકરી સાલેરા પણ આવી હતી. ગોધરાકાંડના સમાચાર આવ્યા એટલે બિલ્કીસબાનુને ફાળ પડી હતી અને તેનો દર સાચો પણ પડ્યો. જેમજેમ તોફાનના સમાચાર આવતા ગયા તેમ તેને લાગ્યું કે હવે અહીંયા સલામતી નથી. એટલે તા. ૩ માર્ચના રોજ બિલ્કિસબાનુ, તેની પિતરાઈબહેન સીમન જે તેની જેમ જ ગર્ભવતી હતી, તેમજ બીજા ૧૬ માણસો થઈ કુળ ૧૮ લોકોએ જંગલના રસ્તે ભાગવાનું શરૂ કર્યું હતું. તે દેવગઢબારિયા જવા માગતા હતા. આ અંતર ૨૫ કિલોમીટરનું હતું. તમામ લોકો નાનાં બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ સહીત બધાએ રીતસર દોડતા હતાં, કારણ કે તેમને આતંકીઓના આવી જવાનો ડર હતો. તે ચૂંદડી ગામથી કુવાઝર ગામે ગયાં હતાં. જંગલના ઊબડખાબડ રસ્તા ઉપર રાતના અંધારામાં ચાલવું કંઈ સહેલી વાત નહોતી. રસ્તો નિર્જન હતો. સતત તનાવ અને દોડતા જવાને કારણે બિલ્કિસબાનુની બહેન સીમનના પેટમાં દુખાવો ઉપડ્યો હતો. આ પીડા માત્ર કોઈ સ્ત્રીને સમજાય તેવી હતી, છતાં સીમન હિંમત કરી દોડી રહી હતી. તેને પોતાનો તેમજ પોતાના બાળકનો જીવ વ્હાલો હતો. બધા જેમતેમ ખુદરા ગામે પહોંચ્યા હતાં, કારણ કે ત્યાં થોડી વસ્તી હતી અને મુસ્લિમોને ખબર હતી કે ગામમાં હિંદુઓ હોવા છતાં તેમની ઉપર દયા દાખવવામાં આવશે.

જીવ બચાવવા માટે દોડી રહેલા લોકો ખુદરા ગામમાં રોકાયા, કારણ કે હવે સીમન બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. ગામના આદિવાસી નાયકના ઘરે સીમને બાળકીને જન્મ આપ્યો હતો. જો કે સીમન સહીત કોઈના મોઢા ઉપર બાળકીના જીવનના રક્ષણની જવાબદારી આવી પડી હતી. જે બાળકીએ સીમનના પેટે જન્મ લીધો તેને હિંદુ શું અને મુસ્લિમ શું તેની તો ખબર પણ નહોતી, છતાં મુસ્લિમના પેટે જન્મેલી બાળકી હવે મુસ્લિમ હતી. બાળકીને જન્મ આપ્યા પછી બધા આગળ જવા માગતા હતા, કારણ કે વધુ સમય ગામમાં રોકાવું તેમના માટે હિતાવહ નહોતું. એટલે સીમન સહીત બધાએ ફરી રાતના ચાલવાની શરૂઆત કરી હતી. ખુદરા ગામથી નીકળી છાપરવડ થઈ મુસ્લિમો પાણીવેલાના જંગલોમાં પહોંચ્યા હતા. આખો વિસ્તાર ડુંગરાળ છે. આખી રાત દોડી બધાં થાકી ગયા હતા, તેમજ સવાર થઈ ગઈ હોવાને કારણે વિચાર્યા વગર દોડવું યોગ્ય નહોતું. તેના કારણે ડુંગરોની આડમાં થાક ખાવા માટે બેઠાં હતા. સવારના નવ વાગ્યા હશે. કોને ખબર આ મુસ્લિમો વિશે કોને માહિતી આપી હતી કે છાપરવડ તરફથી પાંચસો માણસો હાથમાં હથિયારો સાથે ધસી આવ્યા અને ડુંગરોમાં જ મુસ્લિમોને ચારે તરફથી ઘેરી લીધા. આ દ્રશ્ય જોઈ તમામ મુસ્લિમો ડરી ગયા અને મુસ્લિમ સ્ત્રીઓની ચીસોએ નિર્જન જંગલને ધ્રુજાવી મુક્યું.