Unalo kare kalo kehar books and stories free download online pdf in Gujarati

Unalo kare kalo kehar


ઉનાળો કરે

કે’ર ‘કાળો’

- કંદર્પ પટેલ


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

ઉનાળો કરે કે’ર ‘કાળો’, છે તોયે મજાનો આ ‘ગાળો’...!

પ્રશ્ન જવો ટપકે, ‘ગમતી ઋતુ કઈ’ ? એટલે બાળકો જવાબ આપશે ‘ચોમાસું’ અને નીતનવા રોજ પ્રેમના માર્કેટમાં હરાજીમાં બહાર પડતા ‘લવરિયા’ પબ્લિક કહેશે ‘શિયાળો... (વિન્ટર)’. આ પ્રશ્નના જવાબનું કારણમાં આ ઋતુની વધુ પડતી ‘અચ્છાઈ’ નહિ પરંતુ ઉનાળાની ખોબલે-ખોબલે મનમાં ‘પિંગ’ થતી ‘બુરાઈ’ જ હોય. એમાં પણ, મનમાં વિચારે કે કઈ ઋતુ ગમતી હશે? અને ઉનાળાએ પહોચે, એટલે મનમાં કેવા દ્રશ્યો આવે..! લેટ્‌સ હેવ અ લૂક.

ગંધાતો, બદબદતો, સડતો અને (સલ્ફ્યુરિક એસીડ + કચરાપેટી)નું ‘ખતરનાક કોમ્બો’ જેવી વાસવાળો પરસેવો કાનની બુટની પાછળથી ગલગલીયા કરતો ને બે ભાગમાં વહેચાય. એક કાનની બૂટ પાસે થોડો ‘હોલ્ડ’ થઈને પછી ‘ટપક’ કરતો ને ટપકે. બીજી લાઈન ગળાની પાછળથી નીકળી બગલ સુધી પહોચી તેની સાથે મોટી થઈને બંને સાથે ધીરે-ધીરે માટલાના ગોળા જેવી ફાંદ પર લબાલબ થઈને દુંટી પાસે જઈને ઉભી રહે, એ ઠંડક તો ‘ઠંડાઈ’ને પણ ‘ઠંડી’ કરી મુકે. તડકાથી બચવા આખો દિવસ ચાર દીવાલવાળી રૂમમાં બધા બપોરે ઘોમ ઘોરીને, સામસામાં નસકોરાંના ભયાનક ઘૂરકિયા કરીને, હવાબાણના બેસુરા ટીયરગેસના ગોળાઓ છોડી છોડીને સુતા રહે. પરસેવાથી ગંધાતુ શરીર-કપડાની મનમાં એવી તે ચિત્ર રચાઈ કે જાણે ઉનાળાને તો સાવ જ ‘સાઈડ બાય’ કરી દે. પણ વાંક કોનો ? બેદરકારી કોની ? આપણી જ. તો એમાં ઉનાળાનો ‘બિચારા’નો શું વાંક ? ચલ, ભઈ’લા...ઉનાળા સાથે પ્રેમ કરાવું.

ઋતુ સાથે પ્રેમ કરાવવો હોય તો કવિરાજ કાલિદાસના ‘ઋતુસંહાર’ને તો આ બચુડીયો કેમ ભૂલે ?

“વીણાના સપ્તક સૂર સાથે પોતાની પ્રિયતમા સાથે છત પર શયન કરવા પ્રેમી તત્પર થાય છે. પુરૂષ એ રમણી ના નિતંબમંડળ, હારથી અલંકૃત તેમજ ચંદન રસથી લિપ્ત થયેલ સ્તનમંડળ તથા તેની કમર પરના સુગંધિત કટિબંધના રસનું એવન કરીને પોતાના સંતાપને દૂર કરે છે. પોતાના મનોજ્જ્ઞ ચરણોમાં મોતીની સેરથી સજ્જ માળા પહેરીને કમનીય વળાંકો સાથે ધીરે ધીરે ચાલે છે અને પોતાના પ્રેમીને પોતાની તરફ ખેચવા વિવશ કરે છે. સુવર્ણ તથા રત્નજડિત હારને રમણીના પયોધર પર જોઈને પુરૂષો પોતાને વશમાં નથી રાખી શકતા. આ ઋતુમાં સ્ત્રી પોતાના સ્તનોને પતલા પારદર્શક વસ્ત્રોથી સજાવે છે. એ સમયે ચંદનમિશ્રિત જળથી મઘમઘતા ઓરડાની હવા, હારથી અલંકૃત સ્ત્રીના સ્તનો તથા વીણાવાદ્ય પરના મધુર સંગીત વાતાવરણમાં કામોદ્દીપન કરવાનું કાર્ય કરે છે. રાત્રીના સમયે છત પર શયન કરતી પ્રિયતમાનું મુખ જોઈને ચંદ્રમાં જાણે પ્રાતઃકાળમાં પીળો પડી જાય છે.”

આ ઋતુમાં જે આનંદ છે એ બીજી ઋતુમાં જોવા ભાગ્યે જ મળે તે સો ટચની વાત છે. આ ઋતુ રંગીન છે, મદમાતી છે. ભરઉનાળામાં પણ ઠંડી લેવાની મજા જ અલગ છે. સવારથી જ શરૂઆત કરીએ તો, કાળી દ્રાક્ષ, વરિયાળી અને સાકર આ ત્રણેય પ્રકૃતિગત ઠંડા પદાર્થો હોવાથી એને આખી રાત પાણી ભરેલા પ્યાલામાં રાખીને સવારે ગાળી લઈને એ પાણી પીવાથી શરીરને અદ્‌ભુત ઠંડક મળે છે. ઘેરા લીલા રંગના તરબૂચ અંદરની લાલ ગરમીને ચૂસીને ઠંડા બનાવવામાં મહત્વનું કામ કરે. મીઠી મધુરી કાળી-લીલી દ્રાક્ષ, કળા-જાંબલી રંગમાં રંગાયેલા જાંબુ, સુકા નાળીયેર જેવી સફેદ ગરવાળી ગલેલી, બહારથી ગુલાબી ઝાંય ધરાવતી અને નાદારથી નાજુક અને કોમળ લીચી, જાંબુડિયા કે ઘાટ્ટા ગુલાબી ફાલસા, બદામી રંગની સક્કરટેટી અને તેની બહેન મધુરી, કત્થાઈ-ઝેરી લીલો રંગવળી ખાટી આમલી, ચીકુ રંગના ચીકુ(એનું તો રંગ પણ નામથી જ પેટન્ટ છે.) આ બધું ઉનાળામાં જ જોવા મળે બાપુડિયાઓ. એમાય ‘ફળોનો રાજા’ કેરી. પીળો-કેસરી-પોપટી-લીલો ગમે તે કલર હોય પરંતુ છેક દિલ સુધી જઈને ડંકો વગાડી આવે એ કેરી. એકદમ કામશૈયા પર સંવનન માટે સ્ત્રી કામોત્તેજક અવસ્થામાં સુતી હોય તેમ જ શણના કોથળાની નીચેથી મઘમઘતી પાકેલી કેરીને ઘોળીને ચૂસવાની મજાને જ સ્વર્ગારોહણ સમજવું.

એમાં પણ જાત-જાતના દેશી રંગીન શરબતો...! મજા જ અલગ છે. ખસ, વરિયાળીનું લીલું શરબત, કાચી કેરી, કોકામકે ફાલસાનું પેય, બિલ્લાના ઠંડા શરબતમાં સાકાર નાખીને પલાળેલા તકમરિયાનો માર, લીંબુ-ખાંડના શરબતમાં ભુક્કો કરીને નાખેલ બરફની સિકંજી, કટુ સ્વાદના શોખીનો માટે લીમડાના આંતરછાલનો રસ, આઈસ્ક્રીમને શરબતની ઉપર સ્લેગ તરીકે રાખીને બનાવતો ફાલુદો, દહીંની પલાળેલી પોટલીમાં ડરાયફ્રૂટ નાખીને બનાવતી ઘટ્ટ લસ્સી, કેસર-પિસ્તાનો છંટકાવ કરીને બનાવેલો મિલ્ક શેક, સાંજની ઠંડી લહેરખીમાં પ્રેમીઓ માટે ડીશગોલા, આ બધું આ ઋતુમાં જ ગમશે અને સદશે.

રમતનું પણ એવું જ છે આ ઋતુમાં. સવારે ઉઠીને શેરીમાં ગલી ક્રિકેટ. નાના બાળકો મમ્મીના કપડા ધોવાઈ જાય પછી ધોકો અને સવારની અમૂલની બાટલીઓમાં ફાટેલા મોજા નાખીને ઉપર રબ્બર ચડાવીને બનતો દડો લઈને સોસાયટીમાં નીકળી પડે એ સવારના ૧૧-૧૨ વાગ્યા સુધી ચાલે. બપોરે પાછું જમીને પપ્પાની બીકથી ઘરે બાજુમાં રહેતા કોઈ દોસ્તને બોલાવી કેરમ કે ચેસની મજા લે. સાપસીડી અને નવો વેપારની તો સિઝન નીકળી પડે ઉનાળાની બપોરે. ગામડામાં તો કુંડાળા રમી-રમીને મામાના ઘર બનાવે છોકરાઓ. બપોરે ઝીણા પાતળા સફેદ વસ્ત્રોમાં ઊંંઘતા દાદા કે દાદીની નજર ચૂકવીને રમવા માટે પાછા દોડી પડે ૪ ના વાગે ત્યાં તો. એમાય ચપ્પલની દટ્ટી નીકળી જાય તો પણ અખો દિવસ ખુલ્લા પગે રમી નાખવાનું. પાછા કોઈ નજીકના મેદાનમાં ક્રિકેટ કીટ લઈને નીકળી પડવાનું અથવા શેરીમાં જ લખોટીની જમાવટ કરવાની. ભમરડો લઈને ‘હાથજાળી’ અને ‘પગજાળી’ માં પોતાની પકડ બતાવવાની હોય. એની અણી અને ટોચ કાઢવા માટે કોઈના ઘરની દીવાલે ઉભા રહીને કલાકો સુધી ઘસ્યા કરવાનું. આ દરેક મજા ઉનાળા સિવાય બીજે ક્યાય નથી.

આજે, આ દરેક શોખ-રમત-શરબતો-ફળો બધું ધીરે ધીરે લુપ્ત થતું જાય છે. આજે દરેક રમતનું સ્થાન મોબાઈલ અને વિડીયોગેમ એ લીધું. ઘરના દેશી શરબતના સ્થાને સોફ્ટ ડરીંક્સ આવી ગયા. ઘરની લસ્સીના સ્થાને બજારના એસેન્સવાળા કેમિકલયુક્ત પીણાઓ આવી ગયા. વિવિધ ‘ફળ’નું સ્થાન ‘ફ્લેવર’ યુક્ત પીણાએ લીધું. આ બધું એન્જોય કરતો ‘માણસ’ આજે વિકલ્પો શોધવાના બદલે પોતાના ‘માનસ’ને ખડે નાખતો ગયો. પરબના પાણી પીવાને બદલે મિનરલ વોટરના પાણીથી શાતા બુઝવતો થયો. જે વ્યક્તિ આજ સુધી ખેતરમાં લીમડાના છાયડા નીચે ખુશીની ઊંંઘ લઈ શકતો હતો એ ખુશીને એ.સી. ના કૃત્રિમ પડછાયા નીચે હણી નાખી. બપોરનો સમય જે ખુશનુમા બાળકો સાથે રમવામાં જતો હતો તે હવે ચાર દીવાલોની ઓફીસ પુરતો જ સીમિત રહ્યો. સાંજે સાથે બેસીને જે અગાશીની છત પર આકાશની ચાદર ઓઢીને સુવાની મજા હતી એ કૃત્રિમ ઠંડકએ લીધી. હવે કઈ રીતે ‘ઉનાળો’ ગમે ? કારણ છીએ આપણે અને દોષ બીજાના પર પ્રતિપાદિત કરવો એ હંમેશા માનવજાતની ઉત્તરોતર મનશા રહી છે. બસ, થોડો ફેરફાર કરીએ, મજા તો અહી જ છે, અહી જ છે અને અહી જ છે.

ટહુકોઃ

“ઉનાળો લાગ્યો ઉકાળો,

ઉકાળામાં બનાવ્યો ચકલીએ માળો,

માળાને જોઈને તો હવે અંદર ખાળો,

ખાળતા મળશે ખુશીનો તાળો,

તાળા મુજબ ખુદને પાળો,

પાળીને ઉનાળાના ગાળાને માણો.”

-‘કામ’ણગારો ઉનાળો કંદર્પની કલમે....