રામ મોરી. ગુજરાતી ભાષામાં લખતા યુવા સાહિત્યકારોમાં આ નામ અત્યારે માનભેર લેવાય છે. ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના નાનકડા ગામ લાખાવાડના એક ખેડૂત પરિવારમાં એમનો જન્મ અને ભાવનગરમાં શિક્ષણ. ફેબ્રીકેશન એન્જીનિયરીંગનો અભ્યાસ કરી ચૂકેલા આ સર્જકે લેખનમાં પોતાની કારકિર્દી બનાવી ને અમદાવાદમાં સ્થાયી છે. માત્ર બાવીસ વર્ષની ઉંમરે એમણે પોતાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘’મહોતું’’ ( ફેબ્રુઆરી 2016) આપ્યો જેને ગુજરાતી વાચકો અને વિવેચકોએ વધાવી લીધો. સંબંધો, લાગણી, સામાજિક વિટંબણાઓ, કુરિવાજો, માણસની અંદર ચાલતી ગડમથલો ને સ્ત્રી જીવનની સ્થિતિ પરિસ્થિતિને આલેખતી રામ મોરીની લેખિનીએ મેઘધનુષની જેમ સાત રંગી ભાત ઉપસાવી છે. ટુંકીવાર્તા, લઘુકથા, નવલકથા, અખબારી લેખ, નાટક, ફિલ્મ અને ટી.વી.ની કથા પટકથા જેવા દરેક ક્ષેત્રમાં રામ મોરીની કલમ પોતાનો કસબ બતાવી રહી છે. સાહિત્યીક સામયિક હોય, અખબારી કૉલમ હોય, સ્ટેજ હોય કે પછી ટી.વી કે ફિલ્મની સ્ક્રીન હોય એ દરેક માધ્યમ પર ભાવકોને તરત પોતાના કરી લેવાની ક્ષમતા એમના લેખનમાં સમાયેલી છે. રામ મોરીને અત્યાર સુધીમાં દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી યુવા ગૌરવ પુરસ્કાર (2017), વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા શ્રી નાનાભાઈ હ. જેબલિયા સ્મૃતિસાહિત્ય પુરસ્કાર (2018), ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ દ્વારા ધ મોસ્ટ પ્રોમીસીંગ યંગ રાઈટર ઍવોર્ડ (2017), ભારતીય ભાષા પરિષદ કોલકતા તરફથી યુવા પુરસ્કાર (2018) અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી એમના પુસ્તક ‘મહોતું’ને 2016ના શ્રેષ્ઠ પુસ્તકનું ત્રીજું પારિતોષિક (2016) મળી ચુક્યું છે. એક યુવા લેખક તરીકે ગુજરાતી સાહિત્યને જાણે કે સતત નવું આપવાની જીદ લીધી હોય એમ પોતાના લેખનને એક ચોક્કસ માળખામાં બાંધી રાખવાના બદલે લેખનની પ્રયોગાત્મક શૈલી અપનાવી ને લેખનના વિવિધ આયામો તેઓ સર કરી રહ્યા છે. સરળ અને સર્જનાત્મક અભિગમથી ગુજરાતી સાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ માટે રામ મોરી સક્રિય છે.

  • (8)
  • 343
  • (7)
  • 244
  • (1)
  • 232
  • (4)
  • 183
  • (3)
  • 213
  • (4)
  • 174
  • (6)
  • 186
  • (7)
  • 191
  • (3)
  • 209
  • (5)
  • 209