Purni ek ghatna books and stories free download online pdf in Gujarati

પુરની એક ઘટના

પુરની એક ઘટના

આજે ઓફીસ આખી ખાલી હતી. સવારથી આખા સ્ટાફને અખીલે રજા આપી હતી. પણ અખીલ પોતે જ બોસ હોવાથી રજા માંગવા કયાં જાય? માલીક તરીકેની જવાબદારી એને આડે આવે. અખીલ પોતે સુરતનો પ્રખ્યાત સી. એ. એટલે મોટી એસોસીએટ ઓફીસ પોતાની મહેનત પર ઉભી કરી. પણ હવે કેટલા દિવસો કામકાજ બંધ રાખવું પડશે એ પણ અણધાર્યું જ હતુ. માનવ હાથની વાત નહોતી. એટલે અખીલ આજે અમુક જરૂરી કામો પુરા કરી લેવા માંગે છે. અમુક કાગળો અને ફાઇલો પણ ઓફીસેથી લઇ ઘરે જ થોડા દિવસ બધો વહીવટ કરવો એવું નકકી કરેલુ. પણ હજુ સુધી તો અખીલ પોતાની ચેમ્બરમાં બેસીને રોજીંદુ કામ જ કરતો રહયોં. બપોરના 2.00 વાગી ગયા હતા એની જાણ પણ અખીલને ન હતી. ત્રણ માળના એક કોમર્શીયલ બીલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર આખો અખીલની ઓફીસ હતી. ઉપર બીજી ઓફીસો પણ હતી. આજે બીલ્ડીંગમાં લગભગ કોઇ હતુ નહીં. પાવર ન હોવાથી ત્રણ ચાર કલાક થયા જનરેટર ચાલુ જ હતું. પણ છતા લાઇટ બંધ થઇ એટલે અખીલ પોતાના કામમાંથી બહાર નીકળ્યોં. એટલામાં જ કોઇએ ઓફીસનો મુખ્ય દરવાજો ખોલ્યોં હોય એવો અવાજ અખીલને સંભળાયો. મુખ્ય દરવાજાની સામે લાંબો પેસેજ અને છેલ્લે અખીલની ચેમ્બર. પેસેજની ડાબે અને જમણે બંને તરફ બીજી બધી કેબીનો હતો. અખીલની ચેમ્બરમાં કાચનો દરવાજો. એટલે એણે જોયું તો એ લીફટમેન અને વોચમેન શંભુકાકા હતા. દિવસે લીફટ ચલાવતા અને રાત્રે નીચે બેસી રહેતા. કયાંરેક થોડું ઉંઘી પણ લેતા. એ શંભુકાકા જેવા અંદર આવ્યાં કે અખીલે ગુસ્સામાં કહયું “કાકા,આ જનરેટર કેમ બંધ થઇ ગયું? ચાલુ કરો જાવ,અહી શું ફાફા મારો છો?” શંભુકાકાને અખીલના ગુસ્સાનો લગભગ રોજ અનુભવ થતો. એટલે હવે એમને આદત પડી ગઇ હતી. શંભુકાકા સમાચાર આપતા બોલ્યાં “ સાહેબ, નીચે બેઝમેન્ટમાં હમણાં જ પાણી ઘુસી ગયું છે. એટલે જનરેટર હવે નહીં ચાલે. તમે પણ હવે ઘરે જવા નીકળો. પુર તો ભયંકર આવશે આ વખતે. ” અખીલ ફરી ગુસ્સામાં બોલ્યોં “તો તમે શું આંટા મારો છો? નીકળો અહીથી. પછી હું તમને મુકવા નહીં આવું. ” શંભુકાકા માત્ર સાભળીને ચાલતા થયા. તાપી નદીમાં પુર આવવાની જાહેરાત થઇ એ તો આખા સુરતમાં બધા માનવ સમુદાયને ખબર જ હતી. અખીલ માટે એ નવા સમાચાર નહોતા. આમપણ સવારથી મીત્રો અને પાડોશીઓના આ બાબતે ફોન ચાલુ જ હતા. અખીલનો બંગલો પણ નદીના કીનારે અડાજણ વિસ્તારમાં જ હતો. ઘરમાં રહેવાવાળા ત્રણ જ જણ. મમ્મી પપ્પા અને અખીલ. પણ મમ્મી પપ્પા તો હરીદ્રાર જાત્રાએ ગયેલા. ગંગાજીની માનતા હતી કે અખીલનો સંસાર ફરી નવી સ્ત્રી સાથે મંડાય અને આ વખતે અખીલનો વારસદાર આવે અને અમારા હાથમાં મુકે. આમેય જયાંરથી શહેરના જાણીતા ગાયનેકોલોજીસ્ટે કહયું કે પ્રીયા કયારેય બાળકને જન્મ નહીં આપી શકે ત્યારથી જ પ્રીયા અખીલના મમ્મી પપ્પાને ખટકતી હતી. રોજની આવી ટકટકથી અખીલ પણ પ્રીયા સાથે રોજ ઝઘડો કરી લેતો. પ્રીયા કહેતી જે માંગે તે આપું પણ બાળક નહીં આપી શકું. તો અખીલે એકવાર મોકો જોઇને છુટાછેડા જ માંગી લીધા. અખીલે આમ એક ફાઇલ કલોઝ્ડ કરી. હવે એને છેલ્લા બે વર્ષમાં માત્ર કામમાં જ ધ્યાન આપેલું.

અખીલને ઘરના ફર્નીચર કરતા ઓફીસની ફાઇલો માટે વધારે ચીંતા હતી. એટલે કામમાં એવો ડુબ્યોં કે પુરમાં ડુબવાની ફીકર પણ ન રહી. એટલામાં ફરી શંભુકાકા ઓફીસમાં પ્રવેશયાં. એ પુરી તૈયારી સાથે જ પાછા આવ્યાં કે અખીલસાહેબ ગુસ્સે થશે જ. એટલે એ ચા લઇને આવ્યાં. અખીલે એક ફાઇલમાંથી બહાર નીકળતા શંભુકાકાને કહયું “ કાકા, આજે તારીખ કઇ છે?” શંભુકાકાને બે અચરજ થયા. એક તો સાહેબ ગુસ્સે ન થયા,બીજુ કે ભણેલ માણસને તારીખ યાદ નથી. પણ આજની આ આવી પડેલી આફત જ એવી કે બધું ભુલાઇ જાય. શંભુકાકા ચા કપમાં રેડતા જ બોલ્યાં “ સાહેબ છ ઓગષ્ટ 2006. લો સાહેબ ચા પીઓ, આદુ મસાલાવાળી છે”. ચા નો કપ હાથમાં લેતા અખીલે કહયું “ ખાલી તારીખ પુછું છું, મહીનો ને સાલ તો મને ખબર છે. ” શંભુકાકા પણ ત્યાં ઉભા જ ચા પીવે છે. અખીલ ઉતાવળે ચા પી ગયો. ખાલી કપ લેતા શંભુકાકાએ સલાહ આપી “ સાહેબ હવે સમય બગાડવો સારો નથી. ચા વળો મને કહેતો હતો કે ઉપરવાસમાં બહું વરસાદ થયો એટલે ડેમવાળાને એકસાથે લાખો ઘનફુટ પાણી છોડવુ પડયું છે. આખુ સુરત ડુબી જશે. તમે પણ ઘરે જાવ. નહીંતર ગાડી નહિં ચાલે”. ચા વાળાની સલાહ અને એ પણ લીફટમેનના મોઢે અખીલના ગુસ્સાને વધારવા પુરતું હતુ. એ બોલ્યોં “ એમ પાણી ઓફીસમાં નહીં ઘુસી જાય. ખોટી અફવા ન ફેલાવો. થોડું પાણી આવશે, એ તો આપણે સુરતીઓ ઘણીવાર અનુભવી ચુકયાં છીએ. ” “ હું કયાં સુરતી છું. હું તો લીંબડીનો છું સાહેબ” શંભુકાકા પણ ચા પીતા જ બોલ્યાં. “ અરે એ અર્થમાં નથી કહેતો. અત્યાંરે તો તમે સુરતમાં રહો છો ને. તમારા ગામનું મારે શું કામ છે” અખીલે જવાબ આપ્યોં. શંભુકાકાને પોતાના દિકરા જેટલી ઉંમરનો માણસ વારે વારે ખખડાવે એ હવે સહનશકિતની હદ વટાવવા બરાબર હતું. પાત્રીસ વર્ષનો અખીલ અને સાઇઠ વર્ષ શંભુકાકાના, એટલે એ તો ચાના બંને ખાલી કપ લઇને ચાલતા થયા. ઓફીસના મુખ્ય દરવાજા સુધી પહોચ્યાં તો નીચે પગમાં પાણી આવ્યું, તરત જ દરવાજો ખોલ્યોં તો થોડું વધારે પાણી અંદર આવ્યું. ચા ના કપ ફેકી,દોડીને પાછા વળ્યાં. “સાહેબ ઓફીસમાં પાણી આવી ગયું,ભાગો” ગભરાટમાં ફાટેલા અવાજે શંભુકાકા બોલ્યાં. અખીલ પણ ઉભો થઇ બહાર ભાગ્યોં. બહાર તો રસ્તા પર ત્રણ ફુટ જેટલું પાણી ચાલ્યું જતું જોયું. અમુક લોકો પોતાનો કીમતી સામાન માથા પર રાખી લઇ જતા જોયા. પરીસ્થીતી અખીલે ધારી હતી એના કરતા વધારે વિકટ ચાલુ થઇ. થોડીવાર સામેની દિવાલ પર પાણીની સપાટી જોયા કર્યોં તો ખ્યાલ આવ્યોં કે પાણીની સપાટી ઝડપથી વધી રહી. પછી અંદર ઓફીસમાં દોડી પોતાના ટેબલમાંથી બધી ફાઇલો અને કાગળો ભરવા લાગ્યોં. શંભુકાકા હુકમ કર્યાં વિના જ મદદે આવ્યાં. દાદર પર થઇ ઉપર થેલા પહોચાડયાં. છેલ્લો થેલો તો બંનેએ સાથે ઉપાડવો પડયોં. ઉપર એક કોઇની નવી ઓફીસનું ફર્નીચર કામ ચાલતું હતુ ત્યાં કારીગરો બધું ખુલ્લું મુકીને ભાગી ગયેલા, એ ઓફીસમાં સામાન સાથે આશરો લીધો. અખીલની ઓફીસમાં પણ હવે એક ફુટ પાણી ભરાઇ ગયું. પણ શંભુકાકા અચાનક નીચે ભાગ્યાં. અખીલે બુમ પાડી “ તમને તરતા આવડતું હોય તો જ પાણીમાં ઉતરજો. ” પણ સતત સાત મહીના થયે લીફટની ઘરેરાટી સાંભળી એમના કાન સંવેદન વિહોણાં થયા હોય એમ એ સાંભળ્યાં વગર જ ગયા. પણ પછી અખીલ એકલો જ બોલ્યોં “ આ શંભુકાકો તો આ બીલ્ડીંગમાં ટેરેસ પર જ રહે છે તો નીચે કેમ ગયો હશે?” થોડીવાર શાંત બેઠા પછી અખીલને ઓફીસ અને ઘરની નુકશાની મનમાં તરી આવી એટલે પડોશીને ફોન કરી ટુંકમાં સમાચાર લઇ લીધા. મોબાઇલની બેટરી પણ લાંબુ નહીં ચાલે એમ વિચારી લાંબી વાત ન કરી. પરીસ્થીતી પામવા માટે અખીલે બારી બહાર ડોકીયું કર્યું. સાંજના સમયે નદીના પુરનું પાણી વધારે ઘાટું અને ડહોળું લાગતું હતું. કોઇ માણસો વિના બધું શાંત દેખાયું. ફકત પાણીમાં અરધી ડુબેલી કારોનાં સાઇરન વગડતા સંભળાયાં. એક કાર તરફ ધ્યાન ગયું. જરા નીચી લાગતી એ લકઝરીયસ કાર બીજી કારોની સરખામણીએ વધારે ડુબેલી દેખાઇ. એના તરફ થોડીવાર ધ્યાનથી જોયાં પછી અખીલને એ પોતાની કાર હોવાનો ખ્યાલ આવ્યોં. કાર પરથી ઘર અને ઓફીસમાં પોતાની મહેનત પાણીમાં ડુબી રહયાંનો ભયાનક વિચાર આવતા જ બારીમાંથી પોતાની જાતને ખસેડી લીધી. પાછા વળવામાં ફાઇલો અને કાગળોના પોટલા પગ સાથે અથડાયાં પણ એને ખસેડી ન શકયોં. કુદીને એક તરફ બેસી ગયોં. થોડીવાર પછી દાદર પર પાણીથી લથબથ શંભુકાકાના સેન્ડલ ખખડયાં. એક હાથમાં અને માથા પર મોટી પ્લાસ્ટીકની થેલીઓ લઇને એ દેખાયા. અખીલ બધું ડુબી ગયાના વિચારમાં ડુબ્યોં હતો. એટલે શંભુકાકાએ કહયું “ સાહેબ, આ થોડું દુધ,શાકભાજી અને જરૂરી સામાન લઇ આવ્યોં. ” અખીલ મૌન જ રહયોં. પણ શંભુકાકા તો ખાવા પીવાનો સામાન મળી જવાની ખુશીમાં ફરી બોલ્યાં “આપણે બંનેને અઠવાડીયું ચાલે એટલો સામાન છે. પાણીથી બચાવીને લાવ્યોં છું. ” અખીલને આ વાત નકામી લાગી એટલે બોલ્યોં “ મારો કેટલો કીમતી સામાન ડુબી ગયો અને તમે આ ખાણી પીણીની વાત લઇને બેઠા છો. તમે તમારો સામાન સાચવો હું મારો સામાન સાચવું. ” આખા શરીરે નીતરતા પાણી લઇ શંભુકાકા ચાલતા થયા. “સાહેબ,ઉપર છત પર આવજો,તમારો સામાન સાચવીને... ” ચાલતા જ એ બોલતા ગયા.

બહાર સાંજ થવાની તૈયારી હતી એટલે અંદર ઓફીસમાં અંધારું ઘેરાયું. વાતાવરણની ભેંકાર શાંતી,અંધારું અને અખીલનું અશાંત મન આ ત્રણ કારણથી અખીલને ઉભુ થવું પડયું. એ ટેરેસ તરફ ચાલ્યોં. ઉપર શંભુકાકા રસોઇની તૈયારી કરતા હોય એવું લાગ્યું. “આવો સાહેબ” કહી એમણે ઉભા થઇ અંદરથી એક પ્લાસ્ટીકનો પાટલો બેસવા આપ્યોં. અખીલ બેસીને જ શંભુકાકાના ઘરનું અવલોકન કરવા લાગ્યોં. ટેરેસના એક તરફના કાટખુણે બે દિવાલનો ઉપયોગ કરી પ્લાસ્ટીકની તાલપત્રી બાંધી તંબુ ઉભો કરેલો. અંદર એક ખુણામાં ગાદલુ અને ચાદરોનો અસ્તવ્યસ્ત ઠગલો. પાણીનું માટલુ,રસોઇ માટે થોડા વાસણો,એક પ્લાસ્ટીકના નાના ટેબલ પર પાંચ છ ભગવાનના ફોટા આવો તંબુ જોતા અખીલ વિચારે ચડયોં ‘હું બે વર્ષ પહેલા અમરનાથ દર્શને ગયેલો ત્યાં ગુફા પાસે બધા ટેન્ટો જોયેલા એ પણ આના કરતા સારા હતા’. ત્યાં તંબુમાં એકમાત્ર પીળા લેમ્પના પ્રકાશમાં વધઘટ થઇ. અખીલે એ તરફ જોયું, એની આંખે પાવર સપ્લાય કરતા વાયરનો પીછો કર્યોં. આ જોઇ શંભુકાકા તરત જ બોલ્યાં “ સાહેબ , તમે જ મને આ જુનુ ઇન્વરટર વેચેલું એ હજુ ચાલું છે. પૈસા વસુલ થઇ ગયા. બેટરી સાથે એ બધું બહાર રાખ્યું છે. એટલે કયાંરેક પવનથી વાયર હલી જાય છે”. અખીલે ફરી પોતાનો મોબાઇલ ચાલુ કર્યોં જે બેટરી બચાવવા એણે બંધ કર્યોં હતો. થોડીવારે ફોન આવ્યોં. એ પ્રીયાનો ફોન હતો. શંભુકાકા પણ સાંભળે એમ વાત કરી “ હા,નહીં કોઇ તકલીફ નથી. ના ઘરે નથી. ઓફીસે જ છું. બેટરી ઓછી છે. પછી ફોન કરજે. ” ફરી મોબાઇલ બંધ કરવો પડયોં. લીફટમાં કયાં માળે જવું,કોની ઓફીસે જવું એમ સવાલ પુછવાવાળા શંભુકાકાએ અહીં પણ પુછી લીધું “ સાહેબ કોનો ફોન હતો?” અખીલને ગુસ્સો તો આવ્યોં પણ શંભુકાકા એના માટે જમવાનું બનાવતા હતા એ યાદ આવતા એણે દબાવ્યોં. અને વાત ફેરવતા પુછયું “ આ બધો સામાન બાજુનાં મોલમાંથી લાવ્યાં?” શંભુકાકાને પહેલીવાર ઢંગથી વાત થતી હોય એવું લાગતા પોતાનો સવાલ ભુલી જવાબ આપતા બોલ્યાં “ હા, પંદરસો રૂપીયાનો સામાન છે. ગઇકાલે જ સાત હજાર મળ્યાં પગાર પેટે એમાંથી લાવ્યોં. ” અખીલને થયું આને રૂપીયા આપી દઉં તો એક વાત પુરી થાય. એટલે ખીસ્સામાંથી પાકીટ કાઢયું. ખોલ્યું તો બધા પ્લાસ્ટીકના ક્રેડીટ અને ડેબીટ કાર્ડ વચ્ચે માંડ ત્રણ હજારને પાંચસો રૂપીયા દેખાયા. કામ પાછળ પુરની પરીસ્થીતીને જરા પણ ગંભીરતાથી ન લીધી એનો અફસોસ થયો. “ સાહેબ, શું કરો છો? રૂપીયા ન આપતા. આ સામાન તો મારો છે. તમે મારા મહેમાન બનીને આવ્યાં છો. ” “ હા સારું આમપણ મારી પાસે હમણા નથી. સાડાત્રણ હજાર જ છે અત્યાંરે” અખીલે સંપતી બચાવી. અને શંભુકાકાએ રસોઇ બનાવી. બંને જમ્યાં. અખીલને લીફટમેનના હાથની રસોઇ ખાવી પડી એની ચીડ હોય એમ બે જ રોટલી ખાઇ એ ઉભો થયો. પછી અંધારામાં બેઠો.

આકાશમાં વાદળીયું છવાયું હતું. પણ આખા શહેરમાં લઇટ ન હતી એટલે વાદળોમાં પ્રકાશનું પરાવર્તન પણ નહોતું થતું. અંધારું વધારે ઘેરાયું. શંભુકાકા તમાકુ મોઢામાં મુકી બોલ્યાં “ સાહેબ, તમારા ઘરેથી ફોન તો આવ્યોં જ નહીં?, ફોન ચાલુ રાખો. આ બેટરીમાં ચાર્જ કરી લેજો. ” કોઇ મોઢામાં આંગળા નાંખતા હોય એવું અખીલને લાગ્યું એટલે બોલ્યોં “ ફોન હતો જ ને, હમણાં મારી વાઇફનો જ ફોન હતો. ” “ સાહેબ, મારા ઘરના પણ ચીંતા કરતા હશે, તમે જો ફોન આપો તો થોડી વાત કરી લઉં” શંભુકાકાએ પુછયું. અખીલને એ જમવાનું મહેનતાણું માંગતા હોય એવું લાગ્યું. અખીલે કમને ફોન ચાલું કરી આપ્યોં. નંબર લગાડી શંભુકાકાને ફોન આપ્યોં. ધાર્યાં કરતા ઓછા સમયમાં શંભુકાકાની વાત પુરી થઇ એટલે અખીલને હાશકારો થયો. પણ મોબાઇલની લાઇટમાં શંભુકાકાની આંખો વધારે ચમકીલી દેખાઇ. તો એણે પણ સવાલ કર્યોં “વાત થઇ ગઇ કાકા?” અખીલ ન પુછે તો પણ બોલવાની તૈયારીમાં જ હતા એટલે તરત જ બોલ્યાં “હા સાહેબ, બહું ચીંતા કરતા હતા. મા દિકરી બે જ છે ઘરે. પાણી ઉતરે એટલે ગામ આવતા રહેજો એવું કહેતા હતા. ” થોડીવાર મૌન થઇ ગયા પછી સ્વસ્થ થતા ફરી બોલ્યાં “ સાહેબ, લોકલ ફોનમાં કર્યો હતો એટલે તમારે બીલ વધારે આવશે. ” અખીલને પસંદ ન હોય એવું જ બધું સવારથી થતું આવ્યું છે, રાત પડતા એને હવે આદત પડી ગઇ. એટલે ફોર્માલીટી ખાતર બોલ્યોં “ કઇ વાંધો નહીં. તમારે વાત થઇ ગઇને!” મોબાઇલ બંધ કરી ફરી બોલ્યોં “ તમારી દિકરી ઘરે છે તો એના લગ્ન હજી બાકી હશે ને?” આ વખતે અખીલે સવાલ પુછાઇ ગયા પછી વિચાર કર્યોં ‘ ઓહો, આ ગરીબ માણસોને આવું ન પુછાય. હમણાં દિકરીના દુખ ગાવાનું શરૂ કરશે. આમેય આવા લોકોને દિકરી દહેજ માટે જ ઘરે બેઠી હોય છે. ’ ત્યાં તો શંભુકાકા હસ્યાં. અને પછી તમાકુ થુકીને બોલ્યાં “ ના સાહેબ,દિકરી તો હું બોલ્યોં ખાલી. એ તો મારા દિકરાની વહું છે. સાસુ વહું એકલા જ રહે એટલે મા દિકરીની જેમ રહે છે. બસ વહુને એક સંતાન નથી એનો વસવસો જીંદગીભર એને રહેશે. ” આટલી વાત કરી એ વાસણ સાફ કરવા લાગ્યાં. અખીલ પણ દિવાલ પાસે ઉભો રહી નીચે જોવા લાગ્યોં. પાણી વહેવાના અવાજ સિવાય બીજો કશો ખ્યાલ આવતો નહોતો. એટલામાં નીચે પાણીમાં કઇ તરતું જતું હોય એવું લાગ્યું. “કાકા ટોર્ચ છે?” અખીલના અવાજથી શંભુકાકા દોડતા આવ્યાં ટોર્ચ લઇને. નીચે પ્રકાશમાં જોયું તો એક ગાય તરતી જતી હતી. અખીલ બોલ્યોં “ગાય તરે છે”. પણ શંભુકાકાએ કહયું “ એને ઉભા રહેવાની જગ્યા નથી મળતી,બીચારી બચી જાય તો સારું. ” પછી અખીલે ટોર્ચ લઇ નીચે નજર કરી. રસ્તા પર ગાડીઓ બધી જ ડુબી ગયેલી. રસ્તો જાણે નદી હોય એમ પાણી જોરમાં ચાલ્યું જાય છે. સામે જ એક ટ્રાવેલ એજન્સીની ઓફીસ નીચે એક બસની છત દેખાઇ ત્યાંરે પાણીની ઉંડાઇનો અંદાજ આવ્યોં. બસની છત પર બે કુતરાઓએ આશરો લીધેલો હતો. અખીલે નજરને ઉપર લઇ ચારે તરફ ફેરવી. બધાં બીલ્ડીંગોમાં કયાંક કયાંક મીણબતી ટીમટીમ થતી જોઇ. આ દિવસરાત દોડતું શહેર આજે થંભી ગયું. હવે શું થશે એ વિચારે અખીલને થકાવી દીધો. શંભુકાકાએ ગાદલું પાથરી અખીલને સુવા જણાવ્યું. પોતે ગોદડું પાથરી સુઇ ગયાં. અખીલના મનમાં વારે વારે શંભુકાકાની મા દિકરી વાળી વાત ઘુસી જતી અને એ બહાર ફેકી દેતો. આવી ગડમથલથી થાકીને એ ઊંઘી ગયો.

સવારે અવાજ થતા અખીલની ઉંઘ ઉડી. શંભુકાકા બીલ્ડીંગના કોમન બાથરૂમમાં નાહીને પોતાના મંદિરમાં પુજાપાઠ કરતા હતા. અખીલ ગાદલા પર બેઠો. છેલ્લે કયાંરે ઘરના મંદિરમાં પુજાપાઠ કર્યાં એ યાદ કરે છે. યાદ ન આવતા મનમાં જ બબડયોં ‘આ શંભુકાકાને કેટલા દિવસ સહન કરવા પડશે. ’ ત્યાં શંભુકાકા બોલ્યાં “ સાહેબ, તમે કોગળા કરી લો,હું ચા બનાવું,જો દુધ બગડયું નહીં હોય તો સારું. ” અખીલને થોડો મુડ આવ્યોં, એને બેડ ટી ની આદત તો હતી પણ શંભુકાકા સવારમાં જ કોઇ સવાલ ન કરે એટલે અખીલ કોમન બાથરૂમમાં કોગળા કરવા ગયોં. પાછો આવ્યોં ત્યાંરે થોડે દુરથી જ શંભુકાકા બોલ્યાં પણ એકદમ નજીકથી નીકળેલું હેલીકોપ્ટરના અવાજથી કઇ સંભળાયું નહીં. બંનેએ હેલીકોપ્ટર જોયું. પુરની પરીસ્થીતીની ગંભીરતા તાજી થઇ. ફરી શંભુકાકા બોલ્યાં “સાહેબ, ભારે કરી દુધ તો બગડી ગયું. ” દુધની સાથે અખીલનો મુડ પણ બગડયોં. એટલે એ નીચે પોતાની કામચલાઉં ઓફીસમાં ચાલ્યોં.

કાગળો અને ફાઇલોના થેલા અને પોટલા વચ્ચે બેઠો. કયા ઠગલાથી શરૂઆત કરવી એ વિચાર કર્યોં. થોડીવારે એક થેલો ખોલ્યોં. એની ફાઇલો ફંફોસી. બીજા પોટલાની ગાંઠ ખોલી. એમાંથી બધું બહાર કાઢયું. અખીલને જાણે પત્રકાર પરીષદ ચાલતી હોય એવું દ્રશ્ય દેખાયું. બધી ફાઇલો પત્રકારો બની, સાહેબ પેલા મને જવાબ આપો એમ માંગ કરવા લાગી. એટલામાં દાદર પર શંભુકાકાના સેન્ડલ ખખડયાં. આ વખતે બે પગરવ વચ્ચે વધુ સમય લાગતો હતો. અખીલના મનમાં ફરી શંભુકાકાએ કબજો લીધો. ત્યાં જ શંભુકાકા દેખાયા. અખીલ એમના હાથમાં ચા નો કપ જોઇ ચુપ રહયોં. ચા નો કપ આપતા શંભુકાકા બોલ્યાં “દુધનો પાવડર કાલે લાવેલો,એની ચા બનાવી છે. ચાલશે ને સાહેબ?” અખીલ ખુશ થતા બોલ્યોં “ અરે લાવો કાકા, મારી ઓફીસે તો હું મશીનની જ ચા પીઉં છું. ” શંભુકાકાને હવે ખ્યાલ આવ્યોં કે અખીલ ખુશ હોય ત્યાંરે સાચુ બોલે છે અને પરીસ્થીતીની સાથે ચાલે છે. ચા પીધા પછી અખીલની આંખો ઉઘડી હોય એમ બોલ્યોં “કાકા, તમારે કામ ન હોય તો મને થોડી મદદ કરશો?” સવારના અગીયાર વાગ્યાં એટલે શંભુકાકાને રસોઇની તૈયારી કરવાની હતી. છતા પણ જેમ પાંચ વ્યકતીની કેપેસીટી એવું લખેલી લીફટમાં કયાંરેક છઠા જણને એ ના ન કહી શકતા એમ જ અખીલને ના ન કહયું. “ તો જુઓ,તમે આ બધી ફાઇલોને એક જગ્યા પર ગોઠવો. પછી આ છુટા કાગળોને આ પીન મારી મને આપતા જાવ” અખીલે કહયું. શંભુકાકા કામે લાગ્યાં. થોડીવારમાં એ બધું ગોઠવાઇ ગયું. અખીલ એક એક ફાઇલ લઇ એમાં દરેક પાનું વાંચી જરૂર પડે ત્યાં પોતાની સહી કરતો જાય છે. શંભુકાકા નવરા પડયાં એટલે બોલ્યાં “ સાહેબ, બીજુ શું કરવાનું?” અખીલનું કામ રાબેતા મુજબ ચાલુ થઇ ગયું. એટલે ખુશ થતા બોલ્યોં “ તમે હવે મને ફાઇલોના હેડીંગ વાંચી એક લીસ્ટ બનાવી આપો. ” પછી વિચાર આવ્યોં એટલે પુછયું “ પણ તમને વાંચતા આવડે છે? શંભુકાકાએ હા પાડી. અખીલે નવાઇ સાથે નવું કામ સોપ્યું.

છેલ્લે એક થેલો ખોલવાનો જ બાકી રહયોં હતો. એ પણ શંભુકાકાએ ખોલ્યોં. ઓછું ભણેલા વાંચે ત્યાંરે એ મોટેથી ઉચ્ચાર કરીને વાંચતા હોય છે. શંભુકાકા એ છેલ્લા થેલાની ફાઇલો પર લખેલું વાંચવા લાગ્યાં. “ બંગલાના કાગળો. ” ફાઇલ ખોલી અંદર વાંચવા લાગ્યાં. “ સાત બાર,દસ્તાવેજ,વકીલનો રીપોર્ટ. ” અખીલે કહયું એ ફાઇલ હમણાં બાજુ પર રાખી દો. એનું કઇ કામ નથી. બીજી ફાઇલ જુઓ. બીજી ફાઇલ મોટેથી વાંચી “મકાનના બીલો. ” અંદર વાંચ્યું “લાઇટ બીલ,ગેસ બીલ,ટેલીફોન બીલ.... ” અખીલને ખ્યાલ આવ્યોં કે આ તો ઘરનો વહિવટ છે એટલે એ શંભુકાકાને સાંભળ્યાં વિના પોતાનું કામ કરવા લાગ્યોં. થેલાની છેલ્લી ફાઇલ વાંચી “ ઘરના જરૂરી કાગળો” ફાઇલ ખોલી એમાં અંદર એક કોરા કાગળમાં લીસ્ટ હતું એ પણ વાંચ્યું “જન્મ તારીખનો દાખલો,આમંત્રણ કાર્ડ,આવકનો દાખલો,આમંત્રણ કાર્ડ,મેરેજનું સર્ટીફીકેટ,આલબમ,છુટાછેડાના કાગળો. ” આ છેલ્લા શબ્દો અખીલના કાનમાં અથડાયાં એટલે એ અચાનક ઉભો થઇ ગયો. શંભુકાકા પાસેથી એ ફાઇલ આંચકીને બોલ્યોં “તમે એક કામ કરો, આ બધી ફાઇલો થેલામાં ગોઠવી દો. આ એકપણ મારા કામની નથી. ” શંભુકાકા ફરી કામે લાગ્યાં. અખીલે ઘરના જરૂરી કાગળોવાળી ફાઇલ પોતાના હાથમાં જ રાખી. અખીલ પાસે કોઇએ જુનો હિસાબ માંગ્યો હોય એમ બેબાકળો થયો. થોડું કામ કરી શંભુકાકાને છુટા કરતા કહયું “તમારે કામ હોય તો તમે જાવ. ” “હા હું આપણાં માટે જમવાનું બનાવું. ” શંભુકાકા ઉભા થતા બોલ્યાં. ચા ના ખાલી કપ લઇ ચાલતા થયાં. સેન્ડલ પહેરતાં સવાલ કર્યોં “ સાહેબ,પેલી ફાઇલો તો બધી તમારા ઘરની હતી તો છુટાછેડા કોના હતા?” અખીલ વાત અહીં જ પુરી કરવા ખોટું બોલ્યોં “ એ તો મારા કાકાના દિકરાના છુટાછેડા હતા. ” ત્યાં ફરી નજીકથી જ હેલીકોપ્ટર નીકળ્યું એટલે શંભુકાકા કઇક બોલ્યાં એ સંભળાયું નહીં. અખીલે એકાંત મળતાં એ ફાઇલ કાઢી. પાતળો આલબમ હતો,એમાં પોતાના અને પ્રીયાનાં ફોટા જોવા લાગ્યોં. જુની યાદમાં ખોવાય જવાનો ભય લાગ્યોં એટલે બધું બંધ કરીને બેઠો. છેલ્લે આંખ પણ બંધ કરી દીધી.

શંભુકાકાની રસોઇ તૈયાર થઇ. અખીલ પણ અગાશી પર આવ્યોં. બંને ચુપચાપ જમ્યાં. પણ પછી શંભુકાકાથી રહેવાયું નહીં એટલે પુછયું “ સાહેબ, છુટાછેડાના કાગળ પર ફોટો તો તમારો હતો. ” અખીલને પોતાની અંગત જીંદગીમાં દખલ કરનાર પસંદ નથી. અને એ પણ એક સાત હજારનો પગારદાર સામાન્ય લીફટમેન. એટલે એ ગુસ્સાથી બોલ્યોં “ હા, એ મારા જ છુટાછેડા છે. મને ન ફાવ્યું તો છુટા થયા. એમાં ખોટું શું છે? અને તમારે જાણીને શું કામ છે? બીજાને વાત કરવા થાય એજ ને?” શંભુકાકા વાસણો સાફ કરવા એકઠા કરી બોલ્યાં “ પણ સાહેબ આપની પત્નીએ તો તમને છુટા નથી કર્યાં?” અખીલને સમજાયું નહીં તો પુછયું “એટલે?” “ સાહેબ, કાલે એનો ફોન આવેલો. તમારી ચીંતા કરતી હતી. એ કાગળ પર છુટી થઇ હશે. પણ મન પર કોઇ કોર્ટનો સીકકો કયાં ચાલે સાહેબ!” શંભુકાકાની વાતનો જવાબ ન હતો અખીલ પાસે એટલે થોડીવાર ચુપ રહયોં. વાતાવરણ શાંત થતા નીચે પાણીમાં વીસલનો અવાજ સંભળાયોં. અખીલ દોડતો ગયો દિવાલ તરફ. નીચે જોયું તો આર્મીના જવાનો બોટ લઇને નીકળયાં હતા. અખીલને હવે શંભુકાકા પાસેથી છટકવું હતું એટલે એણે બુમ પાડી. પણ ઉપરથી એનો અવાજ પહોંચે એ પહેલા બોટ આગળ નીકળી ગઇ. અને અખીલ ફરી પોતાની કામચલાઉં ઓફીસમાં કામે લાગી ગયો. રાત્રે થાકીને કામથી થાકી અખીલ વહેલો જ સુઇ ગયો.

ત્રીજા દિવસે સવારની ચા બનાવી શંભુકાકા અને અખીલ બંને ફરી નજીક બેઠા. વાત ન કરવી પડે એટલે અખીલે મોબાઇલ ચાલુ કર્યોં. અમુક મેસેજ વાંચયાં,અમુક કોઇને લખ્યાં. પણ શંભુકાકાથી રહેવાયું નહીં એટલે બોલ્યાં “સાહેબ છુટાછેડાનું કારણ શું હતું?” અખીલે કપનો ઘા કર્યોં. ઉભો થઇ બોલ્યોં “તમે શું મારી પાછળ પડી ગયા?તમને શું રસ છે મારી લાઇફમાં?તમે કોણ છો મને સલાહ આપવાવાળા?તમે જીંદગીમાં લીફટ ચલાવવા સીવાય કશું કર્યું છે તો તમને કઇ ખબર હોય?” શંભુકાકા સુરતમાં પહેલી વાર ઉંચા અવાજે બોલ્યાં “બસ,બહું થયું. હું તારા કરતા ઉંમરમાં મોટો છું. તારી પાસે ઘરના કે ઓફીસના ઠેકાણાં નથી. મારા કરતા ખીસ્સામાં પૈસા પણ ઓછા છે. તું આજે મારા ઘરનો મહેમાન થઇને મને શીખામણ આપે છે?તારી પાસે છે શું આજે?એક પત્નીને પણ સાચવી ન શકયો ને મને સલાહ આપે છે. ” શંભુકાકાનું આ સ્વરૂપ જોઇ અખીલ ડઘાઇને બોલ્યોં “ તમને શું ખબર એ ઝગડો બહું કરતી મારી સાથે. ” “સાચુ કારણ આપ. આ તો ખાલી બહાનું લાગે છે” શંભુકાકાએ કહયું. અખીલે આયકર વિભાગ પાસે કરવી પડે એમ કબુલાત કરી “એ મને બાળક ન આપી શકી. મારો કોઇ વારસદાર તો જોઇએ ને આ બધું સંભાળવા. ” એટલામાં હેલીકોપ્ટર નીકળ્યું. પણ એ તો આ અગાશીની નજીક આવ્યું. એની હવાથી શંભુકાકાનું ઝુપડું ઉડી ગયું. હેલીકોપ્ટર પણ ફુડ પેકેટ અને પીવાનું પાણી નાંખી ઉડી ગયું. શંભુકાકાનો બધો સામાન અસ્તવ્યસ્ત થઇ વિખેરાઇ ગયો.

આ તબાહી જોઇ અને અખીલની વારસદારની વાત સાંભળી એ ચોધાર આંસુએ રડવા લાગ્યાં. અખીલને પહેલીવાર કોઇ પર દયા આવી. એણે ફુડપેકેટ સાથે આવેલી પાણીની બોટલ શંભુકાકાને આપી. થોડીવારે સ્વસ્થ થતા એ બોલ્યાં “ તું વારસદારની વાત કરે છે બેટા. મારી તરફ જો,હું એકલો જીંદગી સામે જંગ લડું છું. મારે પણ ગામડે મોટી ખેતી અને જાહોજલાલી હતી. પણ તારી કાકીને હૃદયની બીમારી આવી. એની ત્રણ ચાર વાર સારવાર કરાવી. મારું ખેતર વેચાયું. અત્યાંરે પણ એની હાલત નાજુક જ છે. દિકરો બીચારો નોકરી કરવા લાગ્યોં અમદાવાદમાં. પણ આઠ મહિના પહેલા એક ટ્રક સાથે એકસીડેન્ટમાં એ મરી ગયો. મે તારી કાકીથી આ વાત છુપાવી રાખી છે. નહીંતર એ પણ મરી જાય. હું અહી આવી ગયો નોકરી કરવા. વિધવા વહુને પણ સાચવી છે અમે દિકરીની જેમ. એને પણ કોઇ સંતાન ન થયું દસ વર્ષના લગ્ન જીવનમાં. જાહોજલાલીમાં એક લોકલ ફોન રહયોં. પણ વારસદાર ન રહયોં. ” ફરી એ ધ્રુસકે ચડયાં. અખીલની આંખમાંથી પણ જાણે પથ્થરો ખસ્યાં અને પાણી વહયું. એક પુરમાં કેટલા પુર વહી ગયાં.

અખીલે એકલા હાથે શંભુકાકાનું ઘર પાછું ઉભુ કર્યું. અંદર બધું ગોઠવ્યું. અને પછી બોલ્યોં “ કાકા, આજે ફાઇલો ગોઠવી, તમારા ઘરનો સામાન ગોઠવ્યોં અને તમારા જીવનને જોઇ હવે મારું મન પણ વ્યવસ્થીત ગોઠવાયું. ” પણ શંભુકાકાના મનમાં જે હતું એ બધું જ બોલી ગયા પછી શબ્દો ખુટયાં એટલે એ મૌન જ રહયાં. પછી તો લગભગ મૌન જ રહયાં. અખીલે તો ત્યાં સુધી કહયું કે “ તમે ચીંતા ન કરો. હું તમારો વારસદાર થઇ જાવ છું. તમારી બધી ચીંતા મારા માથે. ” તો પણ એ ચુપ જ રહયાં. થોડો સમય પાણી સાથે વહયોં. હજી તો પુરના પાણી ઉતરવાના ચાલુ થયા જ હતા. ત્યાં શંભુકાકા પોતાનુ પોટલુ બાંધી ચાલતા થયા. બપોરે અખીલને ઘસઘસાટ ઉંઘતો જોઇ એ ઉઠાડી ન શકયા. અખીલ એકલો અગાશી પર એક દિવસ રહયોં. પાણી ઉતરવાની રાહ જોતો હતો. એ કોઇ જોખમ લેવા ન માંગતો હતો. છતા પણ ગોઠણ સુધી કીચડવાળા ખરાબ થઇ ગયેલ કપડે જ એણે પ્રીયાને ફરી પ્રપોઝ કર્યું.

શહેરની સફાઇ ચાલુ થઇ ગઇ. અને અખીલના મનની સફાઇ તો થઇ જ ગઇ હતી. વાહનોની જેમ અખીલ અને પ્રીયાનો સંસાર પણ રીપેર થઇ ફરી ચાલુ થયો. અખીલ હવે શંભુકાકાને દિકરા તરીકે તમામ મદદ કરે છે.

--ભ્રમીત ભરત.