Daav books and stories free download online pdf in Gujarati

દાવ

દાવ

ડો. શાહના કલીનીકમાં આજે દર્દીઓની ભીડ વધારે હતી. નવા કેસોની ફાઇલ બનાવતા સવારમાં જ કંટાળી ગયેલી રીસેપ્સનીસ્ટ એની સહાયકને ફરીયાદ કરતા કહે છે “અરે આ ડોકટર સાહેબને શું સુજયું હશે કે આજે ફ્રી ઓફ ચાર્જ ચેકઅપ રાખ્યું. ” ત્યાં તો વળી ટેબલ પર કોઇ પુછવા આવ્યું કે ડો. શાહ કયાંરે આવશે? “સાહેબનો સમય 10. 00 વાગ્યાનો જ છે. પંદર મીનીટમાં આવી જાશે. ” વળતો જવાબ આપીને એની સહાયક રીસેપ્સનીસ્ટ ને કહે છે“ સાહેબની ફી કેટલી મોંઘી છે, અને સાહેબ શહેરના જાણીતા મનોચીકીત્સક છે, નંબર વન છે, એમાં વળી આવી ફ્રી ઓફ ચાર્જની છાપામાં જાહેરાત આપે. એટલે મફતીયા આવી જ પડે. ” સામે જ બેઠેલો સુરેશ આ સાંભળી જતા ટેબલ પાસે આવી બોલે છે “મેડમ, તકલીફ હોય માટે આવીએ છીએ. મફતની લાલચ નથી. ફી લઇ લેજો જે થાય તે. ” “તમારી વાત નથી કરતા સર, પણ અમુક તો એમ જ ટાઇમ પાસ કરવા આવી ગયા હોય એવું લાગે છે એટલે કહેવું પડે. ” રીસેપ્સનીસ્ટ સંકોચથી કહે છે. એટલામાં ડો. શાહ પ્રવેશે છે. સીતેર વર્ષના ડોકટર પણ ચહેરા પર લાલાશ અને શરીરની સ્ફુર્તી જુવાનને પણ શરમાવે તેવી. શહેરના સારા સારા ખ્યાતનામ વ્યકિતઓને ડિપડિપ્રેશનમાંથી બહાર લાવેલા એવા હોશીયાર છતાં સ્વભાવે શાંત. શ્રધ્ધાળું પણ એવા કે કોઇ વખાણ કરે તો કહે ભાઇ ઊપરવાળાની દયાથી આવા ઇલાજો કરી શકું છું. માણસ નિવૃતીની ઉમરમાં સેવાકીય પ્રવૃતીમાં જોડાય. એવું જ ડો. શાહને પણ થયું એટલે હવેથી દર રવિવારે ફ્રી સેવા કરવાનું ચાલુ કર્યું. એમના પરીવારવાળા બધા કહેતા કે હવે આરામ કરો પણ એમની પાસે આરામ કરવાનું કોઇકારણ જ ન હતું. શારીરીક, માનસીક અને આર્થીક બધી રીતે સક્ષમ હતા.

ડો. શાહ આવી ગયા એવી જાણ થતા ફરી સુરેશ ઉભો થઇ પુછવા આવ્યો “મારો નંબર કેટલામોં છે? સુરેશ મારું નામ”. ફાઇલો ઉથલાવી રીસેપ્સનીસ્ટ જવાબ આપે છે “પાંચમો વારો છે તમારો. ” આ બાજુ ડો. શાહ પોતાની કેબીનમાં રોજના ક્રમ મુજબ દસ મીનીટ વેઇટીંગમાં લાગેલા કેમેરાનું મોનીટરીંગ કરે છે . પછી ડો. શાહ તૈયાર થઇ જાય છે સેવા કરવા. પહેલા ચાર પેશન્ટ એક પછી એક આવ્યાં. બધાની અલગ અલગ માનસીક તકલીફો. કોઇને કઇ ખરાબ આદત, કોઇ ને ટેમ્પરરી ડીપ્રેશન તો કોઇને અણગમતો ગુસ્સો. પણ ડો. શાહને મન તો આ બધું સામાન્ય હતું. બધાને જરૂરી સુચનો આપ્યાં, અમુક ને દવાઓ આપી અને થોડા દિવસ પછી ફરી આવવા કહયું. આવું બધુ 11. 30 વાગ્યા સુધી ચાલ્યું. પછી ડોકટર સાહેબનો કોફી પીવાનો સમય થયો. એટલામાં બહાર પાંચમાં નંબરનો પેશન્ટ સુરેશ ઉતાવળો થતો રીસેપ્સન ફરી પુછવા આવ્યો“ મારી પહેલાના ભાઇ તો બહાર નીકળી ગયા. મને કેમ અંદર જવાનું નથી કહેતા?” “સાહેબ કોફી પીવે છે. બે મીનીટ રાહ જુઓ. ” એવું રીસેપ્સનીસ્ટ બોલે છે. પણ સુરેશથી રાહ જોવાતી નથી એટલે એ સીધો જ અંદર ઘુસી જાય છે. ડો. શાહ પણ કોફીનો છેલ્લો ઘુંટ પીતા અચરજથી સુરેશ સામે જુએ છે. પછી સુરેશને બેસવાનું કહી એની ફાઇલ જુએ છે. થોડીવારે ફાઇલમાંથી બહાર નીકળી ડો. શાહ પુછે છે“તો મી. સુરેશ આપ શું કરો છો?” “સાહેબ એક બીલ્ડરની ઓફીસમાં એકાઉટન્ટની નોકરી કરું છું. ” સુરેશે કહયું. ડો. શાહ સીધા જ મુદા પર આવતા પુછે છે“ શું તકલીફ છે તમને?” આરામથી બેઠેલો સુરેશ ટેબલ પર હાથ મુકીને સાવધાનની અવસ્થામાં આવી કહે છે “સાહેબ ઘણાં સમયથી એક નુ એક જ સપનું આવ્યાં કરે છે. પરેશાન કરી મુકયો મને. ” ડો. શાહ પણ કાગળ પેન લઇને સાવધાન થઇ કહે છે“ મને પુરા વિસ્તારથી તમારા સપનાની વિગતો કહો” . લેપટોપ હોવા છતા ડો. શાહ મોટાભાગે કાગળ પર લખતા. સુરેશે પોતાની વ્યથા કથાના રૂપમાં ચાલુ કરી. “સાહેબ સપનામાં મારી ઘરે બે અજાણ્યા વ્યકતી મને મળવા આવે છે. હું એમને ઓળખી નથી શકતો કારણ કે હું એમને પહેલીવાર જ મળ્યો હતો. છતાં પણ એ બંને મહેમાનોને લીવીંગરુમમાં બેસાડું છું. પછી ચા કોફી શું લેશો એવું પુછું છું. તો એમાંથી એક કહે કે મારે તો વિસ્કી ચાલશે. મે કહયું કે આ મારું ઘર છે બાર નથી. પછી બીજો બોલ્યો કે પહેલા આપણે જે પ્રમાણે એડવાન્સની વાત કરી એમ અરધા રૂપીયા આપી દો. મે તો અચરજથી પુછયું અરે ભાઇ શેના રૂપીયા તો કહે બોસ, તમે તમારા ભાઇની હત્યાની સોપારી આપવા અમને બોલાવ્યાં છે. હું તો ખુબ ગુસ્સે થઇ જાવ છું. વાત બોલા ચાલી પરથી મારામારી પર આવે છે. એટલે એમાંથી એક રીવોલ્વર કાઢીને મને મારવાની કોશીષ કરે છે. હું એના હાથમાંથી રીવોલ્વર લઇને એ બંનેને ગોળી મારી દઉ છું. બંને જણાં લોહીથી લથબથ થઇ નીચે પડી જાય છે. પણ એમાંના એક જણ જેણે સફેદ રંગનો શર્ટ પહેરેલોએ પાછો ઉભો થવાનો પ્રયત્ન કરે છે તો હું પાછી ગોળી મારું છું. હવે તો મને એ બંનેના ચહેરા પણ યાદ રહી ગયા છે. સાહેબ આવું વિચીત્ર સપનુ આવે છે. હું રોજ બે જણની હત્યા કરુ છું સપનામાં. ડો. સાહેબ રોજ એક જ ઘટના સપનામાં, હું પરેશાન થઇ ગયો. ડો. સાહેબ સુરેશના ચહેરાને ધ્યાનથી જોયા કરીને પુછે છે“ તો તમે શું સાચે જ સોપારી આપી હતી તમારા ભાઇની હત્યા માટે”. સુરેશ આવેશમાં પોતાનો હાથ ડોકટર સામે લાંબો કરીને કહે છે“ શું સાહેબ તમે પણ, મારો કોઇ ભાઇ જ નથી તો સોપારી કયાંથી આપું?”. “અરે એમ નહી હું સપનાની વાત કરું છું. ” ડો. શાહ થોડા હસી પડે છે. એમની બાજુમાં હમણાં જ આવીને ઉભેલા એમના આસીસટન્ટ ડોકટર પણ ખડખડાટ હસી પડે છે. “હા સાહેબ તમને હસવું આવે એવી જ મારી બીમારી છે પણ મને આમાંથી બહાર કાઢો. ડો. શાહ ગંભીર મુદ્રા ધારણ કરીને ફરી એ જ સવાલ પુછે છે. સુરેશ જવાબ આપે છે “ના સાહેબ હું સપનામાં પણ આવું ના કરું”. પછી ડો. શાહ સુરેશને પોતાને જરૂરી સવાલો પુછી બધું કાગળ પ રઉતારે છે. સુરેશ અંદાજે કહે છે કે આ સપનુ દરરોજ લગભગ રાતના 12. 00 વાગ્યા આસપાસ જ આવતું હોવું જોઇએ . ડો. શાહ જરૂરી અલગ અલગ સુચનાઓ આપે છે. જમવાની, દિવસ દરમીયાન કરવાની અમુક માનસીક કસરત અને થોડા દિવસ ઊંઘવાનો સમય બદલવાની મુખ્ય સુચના સુરેશને આપે છે. ફરી આવતા રવિવારે મળવાનું કહી રજા આપે છે.

ડો. શાહ એમના આસીસટન્ટને કહે છે “આ કેસ ઈન્ટરસટીંગ છે, લેટસ સી. ” પછી ફરી અલગ અલગ પેશન્ટોનો શીલશીલો ચાલુ રહે છે. ડો. શાહ ઉતાવળે પોતાનું બપોરનું ટીફીન પતાવી પાછા કામે લાગી જાય છે. બધા દર્દીઓ એવી આશા લઇને આવે છે કે ડો. શાહ પાસે જઇને આપણે તકલીફ મુકત થઇ જઇશું. એટલે ડોકટર સાહેબ પણ બધાને પુરતો સમય આપે છે. આમ જ સાંજના 5. 00 વાગી ગયા. ફરી એક પેશન્ટને જોયા પછી કોફી મંગાવે છે. કોફી પુરી પણ ન કરી તો એક ઉતાવળો પેશન્ટ નામે મંથન કેબીનમાં પ્રવેશે છે. મંથન પણ એક લગભગ છત્રીસ વર્ષનો જુવાન. ખુબ પૈસાદાર બાપનો એકલો દિકરો. અઠવાડીયામાં બે કે ત્રણ વાર તો દારૂની મહેફીલ સજાવીને બેઠો જ હોય મિત્રો સાથે. સવારે જે પેશન્ટ ડોકટર પાસે આવેલો એ સુરેશ એનો ખાસ મિત્ર. સુરેશ એના બાપે ગોઠવી આપેલી ભાડાની આવક પર કઈ બીજુ કામ કર્યા વિના માત્ર જલસા કરવામાં જ માનતો. બંને હમપ્યાલા હમનીવાલા ને હમઐય્યાસ પણ. ગઇકાલે રાત્રે વીકેન્ડ પાર્ટીમાં બંને એક હોટલના રૂમમાં છાપા માં ડો. શાહની ફ્રી ચેકઅપની જાહેરાત વાચે છે ત્યારે મંથનને ડો. શાહની ટીખળ કરવાનું મન થઇ આવે છે. સુરેશ પણ એજ છાપામાં છપાયેલ એક વાર્તા પરથી સપનાનો આઇડીયા રજુ કરે છે. મંથનને થોડો વિચારમાં હતો ત્યારે સુરેશે હિંમત આપવા યાદ કરાવ્યું હતું કે આપણા પાછલા એક પણ ખેલ નિષ્ફળ નથી ગયાં ચાલ આ દાવ પણ ખેલી લઇએ. એટલે બંને નકકી કરે છે કે આવતી કાલે રવિવારે દિવસના આમ ટાઇમપાસ કરવો. આમ પણ બંને રવિવારે મોજશોખમાં રજા રાખતાં. પ્લાન મુજબ બંને એ એકજસરખી ફરીયાદ લઇને ડો. શાહ પાસે જવું એવુ નકકી થયું. સુરેશનો અભીનય તો પ્લાન મુજબ બરાબર હતો. બંને બપોરે ફરી મળ્યાં ત્યારે સુરેશે મોબાઇલમાં રેકોર્ડીંગ સંભળાવ્યું જે પોતે ડો. શાહ સામે બોલેલો. મંથનએ વારે વારે સાંભળી યાદરાખી લે છે.

ડો. શાહ મંથન સામે જોઇને બોલ્યાં “તો બેટા, આપને શું તકલીફ છે?” પછી મંથનની ફાઈલમાં જનરલ માહીતી વાંચે છે. “ડોકટર સાહેબ, હમણાં ઘણાં સમયથી બહું જ પરેશાન છું. એક જ સપનું વારેવારે આવે છે. લગભગ તો હવે રોજ રાત્રે આવે છે. ” ડો. શાહ થોડીક્ષણ વિચારમાં ખોવાઇ ગયા. મંથન પણ એવું અવલોકન કરે છે. “તો આપને પુરુ વિસ્તારથી યાદ રહી ગયું એ સપનું?” “હા સાહેબ જે આપણને પરેશાન કરે એ તો યાદ રહી જ જાયને”. મંથને સહજતાથી કહયું. ડો. શાહ ફરી શાંતભાવે કાગળ અને પેન હાથ વગા રાખી પુછે છે “તો કહો ડીટેઇલ થી. ” મંથન એક પણ ભુલ વિના સુરેશના સવારે કહેલા શબ્દોમાં જ સપનાનું પુરુ વર્ણન કરી જાય છે. મંથનની તો એવી તૈયારી કે કદાચ ડોકટર સાહેબ લખવાનું કહે તો અલ્પવિરામ કે પુર્ણવિરામની પણ ભુલ ન નીકળે. ડો. શાહ અવાક નજરે મંથન સામે જોયા કરે છે. મંથન પણ ડોકટર સાહેબના ચહેરાને જોઇને બહાર દુખી અને અંદરથી ખુશ થાય છે. મજાકના મિશનમાં જાણે સફળ થયો. પણ થોડી જ ક્ષણ માં ડો. શાહ બુમ પાડીને એમના આસીસટન્ટને બોલાવે છે અને એમને ખુશ થતા કહે છે “જોયું હું જે વિષય પર સંશોધન કરી રહયોં હતો એ આજે સાચુ પડયું. ચીતની એક એવી અવસ્થા છે જે આપણા બધામાં કયાંક કોમન છે. મંથન આ બધું સાંભળી રહયોં. વિચારે ચડયો કે આજો શહેરના જાણીતા મનોચીકીત્શકને કેવા ગોળ ફેરવ્યાં. ચકડોળે ચડાવ્યાં આટલી ઉમરના સીનીયર ડોકટરને. અમે આજના યુવાનો કઇ કરતા નથી ત્યાં સુધી જ સારું. બાકી અમે હાથમાં લઇએ તો ભલભલા દોડતા થઇ જાય. મંથનને તંદ્રામાંથી જગાડતા ડો. શાહ કહે છે “તમે ચીંતા ન કરો , તમે એકલા જ નથી જે આ સમસ્યાથી પીડાતા હોય. ” મંથન મનમાં જ બણબણયોં હવે ડોકટર સુરેશની વાત કરશે. ફરી આખી કથા સાંભળવી પડશે. ત્યાં તો ડો. શાહ ફરી બોલ્યાં “આ એક અતિચૈતશીક બીમારી છે. આજે તમારા સિવાય પણ બીજા બે પેશન્ટ આવા જ આવેલા. બીલકુલ તમારા જેવું જ સપનું આવેલું. એક એક શબ્દ સરખો, કોઇ ફરક નહી. ” મંથન ફરી વિચારે ચડયો આ સુરેશ અને હું તો ખોટી મજાક કરીએ છીએ પણ આ ત્રીજો મહારથી કોણ હશે?. આ ડોકટર જુઠુ તો નહી બોલતા હોય ને વળી. પછી ડો. શાહ સામે જુએ છે. સાહેબ તો એમના આસીસટન્ટ સાથે આ વિષય પર દાકતરી ભાષામાં વાત કરવામાં મશગુલ હતાં. અને બહું ખુશ પણ, એટલે મંથનનું મનોમંથન થયું કે ના, આ ડોકટર જુઠુ બોલે એવી કોઇ શકયતા નથી. ડો. શાહ હવે આસીસટન્ટ સાથેની ચર્ચા અને પોતાની લખવાની ડાયરી બંને બંધ કરી મંથનને પુછે છે“વેલ, તમારા ત્રણેયનો ઇલાજ થઇ જશે. થોડી ધીરજ રાખવી પડશે . હું તમને એક પ્રશ્નપત્ર આપું છું એમાં બધા જવાબો લખી આવતી કાલે રીસેપ્સન પર આપી દેજો. ” ડો. શાહ લેપટોપમાંથી એક પેપર પ્રીન્ટ કરીને આપે છે. મંથનને ઇલાજમાં તો કઇ રસ ન હતો કારણકે બીમારી જ ખોટી હતી. પણ હવે પેલા ત્રીજા વ્યકતીને જાણવાની ઉત્સુકતા જાગી. “હા સાહેબ કાલે આપી દઇશ. બીજુ કે સાહેબ પેલા બીજા બે વ્યકતી કોણ છે એ જણાવશો પ્લીઝ. ” મંથન ઉભો થતા થતા કહે છે. “સોરી, પેશન્ટની પ્રાયવસી જાણવવી એ એક જવાબદાર ડોકટરની ફરજ છે. ” ડો. શાહ ચહેરો ગંભીર કરીને બોલ્યાં. “ઓકે ઓકે” એવું સહજતાનું નાટક કરીને મંથન બહાર નીકળી જાય છે.

કારમાં બેસતાની સાથે જ મંથન મોબાઇલ કાઢી સુરેશને ફોન છે. સુરેશ એના મકાન અને દુકાનોના ભાડા લેવામાં વ્યસ્ત હોવાથી સાંજે નિરાંતે મંથનની ઓફીસે મળવાનું નકકી થાય છે. મોડી સાંજે સુરેશ મંથનની ઓફીસમાં પ્રવેશે છે ત્યારે મંથન એક કાગળમાં કઇ લખતો હોય છે. “અરે મંથન તું આ કાગળના કામ કરીશ તો તારા પપ્પા શું કરશે?” સુરેશે વાત પુરી કરી અટ્ટાહાસ્ય કર્યું. “ના, ડફોળ. આ તો ડો. શાહે આપેલ કાગળમાં જવાબો લખું છું. ” મંથને પેન અટકાવતાં કહયું. ફરી સુરેશ હસ્યો અને પછી બોલ્યોં “લો બોલો, તું તો સાચે જ બીમાર થઇ ગયો. છોડ આ બધું. જો આપણી પાસે ભાડાના રૂપીયા આવી ગયા. કાલનો જલસો મારા તરફથી. ” હવે મંથન ડો. શાહની આખી વાત કરે છે. એટલે સુરેશ પણ મુંજાઇને પુછે છે “આપણે તો ખોટા છીએ પણ આવું સપનું સાચુ કોને આવ્યું હશે. એ ત્રીજો કોણ?” “એ જાણવાં જ કાલે ત્યાં પાછો જવાનો છું આ કાગળ આપવાના બહાને પેલી રીસેપ્સનીસ્ટને પુછી લઇશ. ” મંથનબોલ્યો. “પણ યાર મંથન, આ ડોકટર જ ખોટું બોલતાં હશે તો? છોડ, આપણે શું કામ છે એ ત્રીજા પેશન્ટનું?” સુરેશ વિચારીને બોલે છે. “ના એ ડોકટર જુઠુ નથી બોલતો, હું એને તપાસીને આવું છું. અમુક લોકોને એક સરખા વિચાર કે સપના આવવા એને ડોકટર પોતાની ભાષામાં કઇક કહેતા હતાં. ” મંથને કહયું. છેવટે કાલની વાત કાલે એમ કરીને સુરેશ પોતાની ઘરે જવા નીકળી જાય છે. પણમંથનને એ ત્રીજો વ્યકતી જાણે ખટકયાં કરે છે.

બીજા દિવસે મંથન એકલો જ ડો. શાહની કલીનીક પર જાય છે. આજે સવારના 11. 00 વાગ્યે પણ ભીડ ન હતી. બે જ પેશન્ટ વેઇટીંગમાં હતાં. મંથન રીસેપ્સનીસ્ટ પાસે જઇ એનું નામ પુછે છે. મારીયા પોતાનુ નામ કહે છે. મંથન પ્રશ્નના જવાબવાળું કાગળ આપીને થોડી વાત ચીત કરીને મારીયાની નજીક આવવાનો પ્રયત્ન કરેછે . મારીયા પણ કોઇની સહાનુભુતી મળે તો દીલખોલીને વાત કરે એવી. હળવેથી મોકો જોઇને મંથન ગઇકાલના પેશન્ટનું લીસ્ટ માંગે છે. મારીયાએ આનાકાની કરી. તો એની મહેનત ઓછી કરવા જેની પણ ફાઇલમાં સપના વિશેની નોંધ હોય એ પેશન્ટોના નામ આપવા કહે છે. મારીયા સાહેબ માટેની વફાદારી બતાવતા ફરી ના કહે છે. મંથન હળવેથી રૂપીયાની ઓફર કરે છે. છેવટે મારીયા માની જાય છે. પાંચ પેશન્ટના ફકત નામ અને મોબઇલ નંબર આપીને બહાર મંથનની પાછળ રૂપીયા લેવા જાય છે. મંથનની જીદ પણ મોટું સ્વરૂપ ધારણ કરતી જાય છે. એટલે જ કારમાં જ એક પછી એક ફોન કરે છે. બધા પોતાની બીમારી વિશે કશું કહેતા નથી. લીસ્ટમાં છેલ્લું નામ વરૂણનું બાકી રહયું. વરૂણ ફોન નથી ઉપાડતો. મંથન વધુ બેબાકળો બને છે. એટલે સુરેશને ફોન કરે છે. બંને એક ચા ની લારી પર ભેગા થાય છે. સુરેશ હજુ પણ આ વાતમાં ગંભીર થવા નથી માંગતો. આમ પણ સુરેશ પાસે આવેલા રૂપીયા એને બીજી વાતમાં રસ પણ નથી લેવા દેતા. સુરેશ મંથનને આ ભુલાવવાં સાંજે હોટલમાં શરાબ અને શવાબની લાલચ આપતા કહે છે “આજનો ખર્ચ મારા તરફથી. બંનેમાં બેસ્ટ કવોલીટી તને અપાવીશ. ” મંથનની આજે ઇચ્છા ન હોવાથી આવતી કાલે આવીશ કહીને છુટો પડે છે. મંથન ફરી બે-ત્રણ વાર વરુણ નામના પેલા અજાણ્યા શખ્સને ફોન કરે છે. પણ હજુ નોરીપ્લાય.

સાંજે મંથન પોતાની ઓફીસે પોતાની ચેમ્બરમાં એકલો બેઠો છે. આખી ઓફીસમાં ચહલ પહલ હોય તો પણ મંથનની ચેમ્બરમાં કોઇ ન આવે. કામની આદત જ નહી મંથનને એટલે. મોબાઇલમાં ગેમ રમતા મંથનને સુરેશનો ફોન આવે છે “ચાલ મંથન હજુ પણ પુછુ છું આવવાનો પાર્ટી કરવા. ” મંથનનો મુડલેસ જવાબ “ના યાર આજે નહી. ” સુરેશનું દારૂ પીવાનું તો ચાલું જ હતું બે ગ્લાસ ઢીંચી ને જ ફોન કરેલો. એટલે મિત્રના મુડ માટે ગમે તે કરવા તૈયાર એવો સુરેશ કહે છે “મને ખબર છે તને શું તકલીફ છે?. લાવ મને એ બધા ફોન નંબર હું જાણી લઉ કે કોણ છે એ ભાઇ? જેને આપણાં નાટકનું સાચે જ સપનુ આવે છે. ” મંથન બધા નામ અને નંબર આપે છે. સુરેશ પીધેલી હાલતમાં જ ફોન કરે છે. એટલે જ લીસ્ટનું છેલ્લુ નામ જોઇ વરુણ ને ફોન કરે છે. વરુણ જ પેલા સરખા સપનાવાળો વ્યકતી નીકળે છે. સુરેશ બધી વાત કરી મંથનને ફોનમાં જણાવે છે. મંથન સુરેશ ને પોતાનો પેગ તૈયાર કરવાનું કહી કાર હંકારી મુકે છે સુરેશ તરફ.

મંથન આવી ને સીધો જ સુરેશને પુછે છે “જલ્દી બોલ શું વાત થઇ”. સુરેશની જીભ હવે લથડીયા ખાતી હોય એમ તે બોલે છે “તું સાચો યાર, આ વરુણને પણ આવું સપનું આવે છે. ડો. શાહ પાસે ઇલાજ માટે ગયો હતો. વધારે વાત કરવા તૈયાર ન હતો. આવતી કાલે મળવાની વાત થઇ છે. ” મંથન બોલે છે “તારે બધી ડીટેઇલ ફોનમાં જ પુછી લેવી જોઇતી હતી. ” વળી ડોલતા ડોલતા સુરેશ કહે છે “મે તો પુછયું પણ સાલો એવું બોલ્યો કે તમે અત્યારે પીધેલી હાલતમાં છો. રૂબરૂ મળીને વાત કરીશું. ” સુરેશની વાત પુરી થાય ત્યાં સુધીમાં તો મંથન એક પેગ પુરો પી જાય છે. થોડી વારે આલ્કોહોલ લોહીમાં ભળતા મંથન બોલ્યોં “કઇ વાંધો નહી, હવે એ નો વારો. ” સુરેશનું ઢળી ગયેલું માથુ ફરી ઉચકાય છે પુછવા માટે“ કોનો વારો?” .... મંથન પણ સુરેશ જેવી હાલત પર પહોચવા વધારે પીવા લાગે છે.

બીજા દિવસે સુરેશ ફરી વરુણને ફોન કરે છે. પણ વરુણ અઠવાડીયા પછી મળવાનું કહી પોતાનું સરનામું આપે છે. સુરેશ તો મંથનને સમજાવે છે કે “નથી મળવું આ વરુણને. મને તો ખોટી વાત લાગે છે. ” પણ મંથન માટે જાણે હવે ચેલેન્જ થઇ ગઇ . એટલે વાત પકડી રાખે છે કે “હવે તો એને મળીને વાત જાણવી જ છે કે હકીકત શું છે?”

આમ બંનેના વિવાદો વચ્ચે દિવસો પસાર થયા. આખરે એક સાંજે સુરેશ પર ફોન આવે છે. એ વરુણનો ફોન હોય છે. મળવા બોલાવે છે. મંથનને વાત કરે છે. મંથન તો ઉતાવળો હતો જ વરુણને મળવા. બંને વરુણના સમય મુજબ રાતના 9. 00 વાગ્યે જાય છે. કારમાં સુરેશ મંથનને કહે છે “યાર આ સરનામું તો હાઈવે ઉપર શહેર થી દુર છે. એ વરુણ એવું કહેતો હતો કે મારા ફાર્મહાઉસ પર આવજો. ” “તો શું વાંધો આપણે તો ખાલી મળવા જ જવું છે ને. ભલે ને એ ફાર્મ હાઉસમાં રહે તો. ” આમ વાતો કરતા પહોચી જાય છે. આજુ બાજુ ફકત ખેતરો. દુર દુર સુધી કોઈ વસ્તી નહી. વચ્ચે એક જ આ ફાર્મ હાઉસ. કાચા રસ્તામાં ધીમેથી કાર હંકારી બંગલાના ગેઇટ પાસે ઉભી રાખે છે. અંદરથી લાઇટનો પ્રકાશ આવતો દેખાય છે. સુરેશ મંથનનો હાથ પકડીને કહે છે “યાર નથી જવું મને તો ડર લાગે છે. ” પણ મંથન આરામથી કહે છે“ હું છું ને તને કઇ નહી થવા દઉ. ” પછી હસે છે . દરવાજાની ડોરબેલ પણ મંથન જ વગાડે છે. દરવાજો ખુલે છે. એક નીચા કદનો પાતળો માણસ દરવાજો ખોલે છે. “વરુણભાઇ?” મંથન પુછે છે. “હા અંદર આવો” એવો જવાબ આપી પેલો માણસ અંદર જાય છે. સોફા પર બેસવાનું કહી અંદરના રૂમમાં જાય છે. “હાશ, આનાથી કઇ ડરવાની જરૂર નથી. ” સુરેશે ધીમેથી મંથનને કહયું. મંથન હસે છે . ત્યાં તો પેલો માણસ પાણીના ગ્લાસ લઇને આવે છે. પાણી આપતા કહે છે “વરુણભાઇ આવે છે હમણાં, હું એમના આ બંગલાની દેખરેખ કરું છું મારુ નામ મગન. ” અંદરના રૂમમાંથી બીજો એક પહાડી છ ફુટ ઉચો અને મજબુત બાંધાનો માણસ આવે છે. “આવો, તમે સુરેશભાઇને? હું વરુણ. ” સુરેશ ફરી ચીંતામાં મુકાઇ જાય છે. પણ મંથન સ્વસ્થભાવે કહે છે “હુંમંથન, મને પણ તમારી જેમ અને આ સુરેશભાઇની જેમ પેલી સપનાની બીમારી છે. ગયા અઠવાડીયે જ આ સુરેશભાઇ સાથે મુલાકાત થઇ. તમારી વાત પણ થઇ. ” મંથને સહજતાથી કહયું. “ઓ યસ, ડો. શાહે મને ગઇકાલે જ કહેલું કે બીજા પણ બે જણ છે મારા જેવા બીમાર. તમને તો ત્યાં ગઇકાલે જોયા નહી એમની કલીનીક પર? તમને પાછા નહી બોલાવેલા ડોકટર સાહેબે?” વરુણે સોફા પર બેસતાં કહયું. સુરેશ અને મંથન જવાબ આપવામાં થોડી વાર લગાડે છે તો વરુણ પાછો સવાલ કરે છે “વેલ, તમને શું લાગે છે આ ડો. શાહ યોગ્ય ઇલાજ કરી શકશે?” મંથન શાળપણ બતાવતાં કહે છે “અમે પણ એ વાત કરવા જ તમારી પાસે આવ્યાં છીએ. ” ત્રણે જણ એકબીજાને પોતાનો સામાન્ય પરીચય આપે છે. મંથન પોતાના બીઝનેશની વાતો કરવા લાગે છે. સુરેશને કંટાળો આવે છે. વિચારે ચડે છે કે કયાં આવી જગ્યાએ ટાઇમ બગાડું છું. અત્યારે તો બેઠો બેઠો પેગ લગાવતો હોત. ત્યાંરે જ બરાબર વરુણ સુરેશને પુછે છે “શું લેશો?” સુરેશથી અચાનક બોલાઇ જાય છે “વિસ્કી”. મંથન અને વરુણ પણ અવાક થઇ જાય છે. “એને તો મજાકની આદત છે. અમે કોફી લઇશું. ” મંથને વાત બદલતાં કહયુ. મગનને ઇશારો કરતા એ કીચનમાં જાય છે. વળી પાછો આવે છે “સાહેબ દુધ તો ખલાસ થઇ ગયું હું મારા ઘરેથી લઇ આવું” કહી મગન બહાર જાય છે. “દરવાજો બહારથી લોક કરતો જા મગન અને ચાવી તું લઇ જા. તો મારે ઉભુ થવું નહી. ” વરુણે બુમ પાડી . આ બંને મિત્રોના ચહેરા પણ થોડું તાણ જોઇ વરુણ ફરી બોલ્યો “બાજુના ગામમાં જ એનું ઘર છે પંદર મીનીટમાં આવી જશે. અને આમ પણ આપણી ચર્ચામાં ખલેલ પણ ન થાય. મારે જે કહેવું કરવું હોય એ હું કરી શકું. ” બંને મિત્રો એક સાથે બોલે છે “હા, ખરી વાત છે”. પછી વરુણ બંનેને પોતાનો બંગલો બતાવે છે. આખા બંગલામાં બધી બારીમાં લોખંડની ગ્રીલ, મુખ્ય એક જ દરવાજો અને બેડરૂમમાં રાખેલી તલવાર સુરેશ અને મંથનના મનમાં મુંજવણ ઉભી કરે છે તો વરુણ પણ જાણે એમની મુંજવણ સમજીને કહે છે “મે જયારે આ બંગલો બનાવ્યો ત્યારે પેલી ચડ્ડી બનીયાન ગેંગનો બહું ભય હતો એટલે આ બધી સલામતી રાખી છે. ” થોડી ક્ષણ ભય વળી થોડી ક્ષણ રાહત આવી વિરોધાભાસી પરીસ્થીતીમાંથી પસાર થતા સુરેશ અને મંથન ફરી સોફા પર બેસે છે. જાણે થાક ઉતારવાનો હોય. સુરેશ અહી આવ્યોં ત્યારે મંથન સાથે શરત કરેલી કે એ કશું બોલશે નહી. બધી જ વાત મંથને એકલાએ જ હેન્ડલ કરવી. પણ છતાં સુરેશ પુછે છે “તો તમને જે સપનું પરેશાન કરે છે એ વિસ્તારથી કહોને. ” વરુણના ચહેરા પર ગંભીર ભાવ આવી જાય છે. પછી આખી વાત સપનાની કહે છે. બધું સરખુ પણ છેલ્લે વાતમાં થોડો ફરક. “એટલે છેલ્લે ઝઘડો પુરો કરવા પેલો સફેદ રંગના શર્ટવાળો શખ્સ મારા પર ગોળી ચલાવે છે અને મારું સપનું તુટી જાય છે. ” આટલું બોલી વરુણ અટકી જાય છે. એની નજર પણ સુરેશ પર એકીટસે અટકી જાય છે. મંથન પણ સુરેશ સામે જુએ છે. ત્યારે ખબર પડે છે કે આ મુરખ પણ આજે સફેદ શર્ટ પહેરીને જ આવ્યો છે. વાતાવરણ શાંત થયું. સુરેશ અને મંથન બંનેને પણ સંભળાય જાય એટલા મોટેથી વરુણના સ્વાસ ચાલુ થઇ જાય છે. વરુણ ઉભો થઇ પોતાના બેડરૂમમાં ચાલ્યોં જાય છે. મંથન સુરેશને કહે છે “યાર, આ તો ખરેખર બીમાર છે. આવું કેમ બને? આપણે ડોકટરની મજાકમાં જે સ્ટોરી કરી એવું જ સપનુ આને આવે છે? અને મુરખ તારે આજે સફેદ શર્ટ પહેરવાની શું જરૂર હતી. ” સુરેશ પણ સામે ગુસ્સામાં કહે છે “તને મારા શર્ટની પડી છે? મે તો તને અહી આવવાની જ ના પાડી હતી. હું તો કહું છું ઉભો થઇ જા, હવે રોકાવું ઠીક નથી. ” એજ વખતે વરુણ રૂમમાંથી ધસી આવે છે. એના હાથમાં રીવોલ્વર હોય છે. બંને મિત્રો ગભરાઇને ઉભા થઇ જાય છે. વરુણ ગુસ્સામાં લાલ પીળો થઇ કહે છે “બસ બહું થયું હવે. આજે આ સપનાનો ફેસલો કરી નાખું. સુરેશ તું જ મને સપનામાં ગોળી મારે છે, એટલે પહેલા તારો વારો. અને મને મારા તાંત્રીક ગુરૂએ કહયું જ છે કે બે જણની બલી આપ એટલે તારા દુખ દુર થઇ જશે. હું તમને બંનેને ઓળખી ગયો છું. સુરેશ નહી નહી કરતો સોફા પાછળ છુપાવા જાય છે. વરુણનું ધ્યાન એ બાજુ જતા મંથન પણ હિંમત એકઠી કરી વરુણ પર તુટી પડે છે. જપાજપીમાં રીવોલ્વર મંથનના હાથમાં આવી જતા વરુણ બેડરૂમમાં ભાગી જાય છે. સુરેશ મંથનની પાછળ ઉભો રહી જાય છે. બંને પાછલા પગલે દરવાજા બાજુ ખસે છે. ત્યાં તો વરુણ વિકરાળ થઇને હાથમાં તલવાર લઇ દોડતો આવે છે. એક ક્ષણ નિર્ણય લેવામાં મંથન વાર લગાડે છે. તો સુરેશ થી બુમ પડી જાય છે “માર મંથન માર, ગોળી માર. ”ધાડ..... ધાડ બે ગોળી છુટી. વરુણ ઢળી પડયો. છાતીમાંથી લોહી નીકળ્યું, પ્રાણ છુટયાં પણ તલવાર હાથમાં રહી ગઇ. મંથન થોડીવાર સ્તબ્ધ હાલતમાં રહયોં. સુરેશ નીચે બેસી ગયો. મંથનનો સ્વાસ થોડો નીચે બેઠો એટલે બોલી પડયો “સુરેશ મે આ શું કર્યું? મે એક હત્યા કરી નાખી. યાર હવે શું થશે. મારી તો જીંદગી ખરાબ થઈ ગઇ. ” સુરેશ એટલો બધો ગભરાઇ ગયો કે કઇ બોલી જ ન શકયો. પણ પછી ઉભો થઇ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. દરવાજો તો બહારથી લોક હોય છે. મંથનને અચાનક યાદ આવે છે કે પેલો મગન આવવો જ જોઇએ હમણાં. એટલે દરવાજો અંદરથી બંધ કરી દે છે. બંને સોફા પર બેસી જાય છે. સુરેશ થોડો શાંત થતા બોલે છે “આપણે દરવાજો નહી ખોલીશું તો પેલો મગન આખા ગામને લઇને આવશે. મંથન આ તારી જ ભુલ છે. અહિ આવવાનું જ નહોતું. ” મંથન ગુસ્સામાં કહે છે “તું શાંતી રાખ મને કઇક વિચારવાનો સમય આપ. ” થોડી વારમાં જાણે બધુ શાંત થઇ જાય છે. હમણાં મગન દરવાજો ખટખટાવશે એવા સતત ભયને લીધે બંને ને કશું જ સુજતું નથી. મંથન તો આંખ બંધ કરીને પડયો રહે છે. પણ સુરેશ આંખ બંધ કરવા જાય તો વરુણ જ દેખાય છે. થોડી વાર પછી બોલે છે“મંથન .... મંથન, યાર ભુખ લાગી છે. ” “અહી સામે લાશ પડી છે ને તને જમવાની પડી છે” મંથને ગુસ્સામાં બુમ પાડી. “રાતના 12. 00 વાગ્યા હવે તો ભુખ લાગેને. ” સુરેશે કહયું. થોડીવાર પછી બંને શાંત થયા. ત્યાં જ લાઇટ બંધ થઇ જાય છે. સુરેશ ગભરાઇને બોલે છે “મંથન આ શું? પાવર કોણે બંધ કર્યો હશે?” મંથન મોબાઇલની ફલેશલાઇટ ચાલુ કરેછે. લાઇટથી વરુણની લાશ પર નજર કરી પછી બોલે છે “ આ ફાર્મહાઉસમાં પાવર કટ હોય છે. રાતના ઘણીવાર પાવર જતો રહે છે. ” અંધારુ, સન્નાટો અને લોહીથી લથબથ લાશ આવા બીહામણા વાતાવરણમાં એક એક મીનીટ બંને ને ભારે લાગે છે.

સવારે 6. 00 વાગ્યે અંધારાને ચીરીને અજવાળું આકાશે ચડે છે. ત્યારે જ બરાબર કોઇ દરવાજો ખટખટાવે છે. સુરેશ જાગીને દરવાજો ખોલવા જાય છે. “નહી સુરેશ”મંથન પાછળ થી બોલે છે. “આમ ને આમ કયાં સુધી તારે બચવું છે? તું હત્યારો છે એ કબુલ કરી લે” એટલુ બોલીને સુરેશ દરવાજો ખોલવા જ જતો હોય છે ત્યા મંથન બુમ પાડે છે “ખબરદાર સુરેશ”.. મંથનના હાથમાં રીવોલ્વોર આવી જાય છે. સુરેશનું દરવાજો ખોલવું ને મથનનું ગોળી ચલાવવું બંને ઘટના સાથે બની. દરવાજો ખુલી જાય છે. સામે ડો. શાહ ઉભા હોય છે. બંનેને બે અચરજ થાય છે એક તો ડો. શાહ અહીયા કેમ અને સુરેશને ગોળી કેમ ન વાગી. ડો. શાહ અને એમના આસીસટન્ટ અંદર આવે છે. હસતા હસતા ડો. શાહ બુમ પાડે છે “વેલડન માય બોય વરુણ હવે ઉભો થઇ શકે છે. ” વરુણ ઉભો થઇને ડો. શાહ સાથે હાથ મીલાવે છે. મંથનના હાથમાં હજી રીવોલ્વોર જોઇ ડો. શાહ કહે છે “ફેકી દે એ નકલી પીસ્તોલ ને. ” બંને જણ પરીસ્થીતી પામી જાય છે. ભયંકર યાતનામાંથી છુટકારો મળ્યો હોય એમ હાશકારો અનુભવે છે. ડો. શાહ મનોચીકીત્સક છે એટલે મંથન અને સુરેશના મનમાં ઉઠતા સવાલોના જવાબો આપવા લાગ્યાં “સપના હંમેશા અધુરી ઇચ્છાપુર્તી માટે જ આવતા હોય છે. એક સાથે બે વ્યકતીની ઇચ્છા એક હોય શકે પણ સપનાનું જે મટીરીયલ હોય એ કયારે પણ સરખુ ન હોય. સુરેશ તારી વાત પછી હું સાંજની કોફી પીતા બધા છાપામાં મારી જાહેરાત વાચતો હતો ત્યારે મારા ધ્યાનમાં પેલી સ્ટોરી આવી જેના પરથી તે સપનાની ખોટી સ્ટોરી બનાવી. એટલામાં મંથન પણ એજ વાર્તા લઇને આવ્યો એટલે મને પાકકુ થયું. અને મંથનને વિસ્વાસ આવી જાય એવુ નાટક મે પણ મારા આસીસટન્ટ સાથે ડોકટરી ભાષામાં કર્યું. ” સુરેશ સવાલ કરે છે “તો સાહેબ આ વરુણ?” “એ મારો જુનો પેશન્ટ છે અને નાટકોમાં કામ કરે છે. ” એટલુ બોલી ડોકટર અને વરુણ મોટેથી હસીને તાલી પાડે છે. “શાહ સાહેબ, અમને માફ કરજો અમે યુવાનીની મસ્તીમાં તમારી મજાક કરી” આવું મંથન બોલ્યો. સુરેશ પણ બોલ્યો “ અરે સાહેબ તમે તો અમારો જીવ લઇ લીધો. બરાબર બદલો લીધો. પણ સાથે ભાન પણ થયું કે શું કરાય અને શું ન કરાય. સોરી સાહેબ તમારી મજાક થઇ ગઇ. ” ત્યારે વરુણ બોલે છે “આ તમારા નાટકને લીધે તમે ડોકટર સાહેબનો કેટલો સમય વેળફયો એ કઇ અંદાજ છે? કારણ કે આ અમારા આખા નાટકના નિર્માતા અને નિર્દેશક પણ એ જ છે. તમારી એક મજાકની પાછળ કેટલી તૈયારીઓ અમારે કરવી પડી. હું પણ તમારા જેટલી જ ઉમરનો છું પણ મારા કામ પ્રત્યે વફાદાર છું. ” બંનેની આંખો શરમથી નીચી થઇ ગઇ. ત્યારે ડો. શાહ બંનેના ચહેરા પર અફસોસના સાચા ભાવ જોઇ બોલ્યાં “ભુલી જાવ, આ પણ એક સપનુ જ હતું એમ સમજીને. અથવા એમ માનજો તમે રમતમાં પહેલા પાસો ફેકયો મે દાવ પુરો કર્યો. ” ત્યાં જ મગન દુધ લઇને આવે છે, સવાર ની ચા માટે.

-ભ્રમિત ભરત.