Jivan nu muly books and stories free download online pdf in Gujarati

જીવન નુ મુલ્ય

જીવનનું મૂલ્ય

સાંજનો સમય, ચારે તરફ ધસમસતો માનવ પ્રવાહ. વાહનોની અવર જવર અને બસ ઘોંઘાટ ઘોંઘાટ ભરેલા વાતાવરણમાં શાંતિની કલ્પના કરવી પણ મૂર્ખામી ભરેલી વાત લાગે. કુદરતની અદ્દભુત રચનાએ બનાવેલા અનેક છતા એકબીજાથી ભિન્ન ચહેરા, દરેક ચહેરા પાછળ એક ભિન્ન કહાની. નોકરિયાતો ઓફિસેથી છૂટીને ઘરે જઇ રહ્યા હતા. તેમના કામનો સમય પૂરો થયો હતો જ્યારે પાણી પુરીવાળા શાકભાજી અને ફળોની લારી ફેરવાનાર ફેરૈયાઓના કામનો સમય શરૂ થયો. “પાવ વડા પાવ વડા” રીંગણ, ટામેટાં,ગાજર, કોબી લો. દસના કિલો દસનાં કિલો” “બંગડી લ્યો ચંદલા લ્યો” વગેરે અનેક આવજો રોડ પર સંભળાઈ રહ્યા હતા.દરેક વ્યક્તિ પોતાની મસ્તીમાં ગુમ હતા. કોઈ બાળકોએ મંગાવેલી ચોકલેટ કેન્ડી ખરીદી રહ્યા હતા તો કોઈ પોતાના ઘરડા માબાપ માટે દવા અને ફ્રૂટ ખરીદી રહ્યા હતા. વળી ગૃહિણીઓ ‘હમણાં પતિ ઘરે આવશે અને ગરમા ગરમ જમવાનું માંગશે.’ એવું વિચારી શાકભાજી કરિયાણું ખરીદવા નીકળી હશે. કોઈ શોરરૂમમાં થી, કોઈ શોપિંગ મોલમથી તો કોઈ લારીમાંથી પોતપોતાના આર્થિક બજેટ પ્રમાણે ખરીદી કરી રહ્યા હતા. સાથે સાથે પિઝા, બર્ગર, સેવપૂરી, પાણી પૂરી, ભેળ અને કોલ્ડડ્રિંક વગેરેનો આનંદ માણી રહ્યા હતા.

અચાનક કોઈ હૃદય ભેદક ધમાકાએ સમગ્ર ગતિ રોકી દીધી. થોડી જ વારમાં લોકોની ચિચિયારી થવા લાગી. લોકો આમતેમ ભગવા લાગ્યા. કેટલાક લોકોને તો કાળના રાક્ષસે એક ડગલું પણ ભાગવાનો મોકો ન આપ્યો. એ ત્યાં ને ત્યાં જ એમને ભરખી ગયો. કેટલાક ઘાયલ થયા કેટલાક ભાગી છૂટયા. શું થયું? કેવી રીતે થયું એ કોઈને સમજમાં ન આવ્યું. થોડી જ વારમાં અવાજ અને મસ્તીમા ધસમસતું એ સ્થળ સ્મશાનઘાટમાં પલટાઈ ગયું. ચારે તરફ ઘાયલ લોકોની ચીસોથી વાતાવરણ મરસિયું બની ગયું. જ્યાં સતત લોકોની અવર જવર અને હસતાં મલકતા ચહેરા દેખાતા હતા ત્યાં માત્ર પોલીસની જીપો અને એંબ્યુલન્સના આવજો સંભળાવા લાગ્યા. અનેક શબો પાસે એના પરિવારજનો હૃદયફાટ રુદન કરી રહ્યા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતા.

આ તમામ ઘટનાનું લાઈવ ટેલિકાસ્ટ ટી.વી. પર બતાવવામાં આવી રહ્યું હતું. ન્યૂઝરીડર બોમ્બ ક્યાં રાખ્યો હતો કેવી રીતે એનો બ્લાસ્ટ કરવામાં આવ્યો એ આખી ઘટનાની ઝીણવટભરી માહિતી આપી રહ્યા હતા. તેની આસપાસ લાશના ઢગલા, લોહોની નદી અને આગના ભડકા હતા છતા ખુબજ સ્વસ્થતાથી તમામ માહિતી દર્શકો સુધી પહોચાડી શકતા હતા. દર્શકો પણ પોતાના સગાસંબંધી બ્લાસ્ટનો ભોગ બન્યા નથીને! બસ આટલી જાણકારી મેળવ્યા બાદ પોતાના ઘરોના ટેબલ પર જમતા જમતા ‘બ્લાસ્ટ ક્યાં થયો?, કેટલા લોકો મૃત્યુ પામ્યા?, કેટલા લોકો ધાયલ થયા? કેટલા લોકોની હાલત ગંભીર છે? વગેરે બાબતોની માહિતી મેળવી રહ્યા હતા. અને આ બધુ જ જોતાં જોતાં પણ સહેલાઈથી ગાળા નીચે કોળિયો ઉતારતા જતાં હતા. કારણ કે સવારના સૂરજની પહેલી કિરણ આંતકવાદ અને બોમ્બ બ્લાસ્ટના સમાચારની હેડલાઇન સાથે ઉગવી એ હવે સામાન્ય વાત થઈ ગઈ છે. થોડા દિવસો અરેરાટી કરે, ઓફિસો, પાનનાં ગલ્લા, ટ્રેનમાં, બસમાં લોકોની ચર્ચાનો વિષય બસ આ જ રહે પછી ભૂલી જાય.

ધીમે ધીમે સમયના મલમ સાથે ઘાવ રૂઝવા લાગ્યા. પરંતુ હજુ પણ ઘણા ઘાયલોની હાલત ગંભીર હતી.

થોડી જ વારમાં હોસ્પિટલની ચહલ પહલ બદલાઈ ગઈ.’મુખ્યમંત્રીશ્રી ઘાયલોની મુલાકાતે આવી રહ્યા છે.’ આ સમાચાર દરેકને મળી ગયા. પછી હોસ્પિટલના દરવાજા પાસે એક ગાડીની આગળ બે ગાડી અને પાછળ બે ગાડી આવીને ઊભી રહી. મુખ્યમંત્રીશ્રી ગાડીમાથી નીચે ઉતાર્યા. તેની સાથે સિક્યોરિટી પણ હતી. વાળની એક લટ પણ વિખયેલી ન હતી. ઈસ્ત્રીટાઈટ ભારે સુટ અને નવા જ બુટ પગમાં પહેરેલા હતા. જાણે કોઈ ફંક્શનમાં આવ્યા હોય! જ્યારે હોસ્પીટલમાં ચાર દિવસથી ઊભા પગે સેવા આપનાર સ્વયંસેવકો અને ડોક્ટરોને નાહવાની અને સમયસર જમવાની પણ ફુરસદ ન હતી. દરેક ચેનલના રિપોર્ટરનું ટોળું મુખ્યમંત્રીની નજીક ધસી આવ્યું.

મુખ્યમંત્રી આગળ વધ્યા. એક પલંગ પાસે એક આધેડ વયની સ્ત્રી હાથમાં તેના એક વર્ષના પૌત્રને તેડીને ઊભી હતી. મુખ્યમંત્રીએ ઔપચારિકતાથી એ સ્ત્રીને હાથ જોડ્યા. પત્રકારોના શબ્દો એ સ્ત્રી સાંભળી રહી હતી. “આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રીશ્રીની બોમ્બબ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકો સાથેની મુલાકાત. મુખ્યમંત્રીશ્રીએ આ તમામ ઘટના માટે બહુજ ખેદ વ્યક્ત કર્યો છે.” પત્રકારોએ કેટલાક સવાલો કર્યા. “સર, આ તમામ ધટના માટે તમે શું કહેવા માંગો છો?

“જે કઈ બન્યું એ બહુ ખોટું બન્યું છે. સરકાર તમામ ઘટનાના મૂળ સુધી પહોચી ગુનેગારોને ચોક્કસ સજા અપાવશે. આંતકવાદીઓના આ અત્યાચાર સામે આપણે ઝૂકવાનું નથી. પરંતુ હિંમતથી તેનો સામનો કરવાનો છે. આપણે પણ ઇટનો જવાબ પથ્થરથી આપવાનો છે. આ ઘટનાનો ભોગ બનનાર મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું. અને આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને ત્રણ લાખ અને મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોએ પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની ઘોષણા કરું છું.

પેલી સ્ત્રી મુખ્યમંત્રીની સાવ નજીક આવીને ઊભી રહી. આંસુ તો હવે સુકાઈ ગયા હતા. અવાજ ધ્રૂજતો હતો. શરીર સાવ નિર્બળ દેખાતું હતું. જીંદગીની ચોપાટ પર સમગ્ર જીવનની બાજી જાણે હારી ચૂકી હતી. બે હાથ જોડી પ્રણામ કર્યા.અવાજ ધ્રૂજતો હતો. “સાહેબ,દસ વરસ પહેલા મારા પતિની લાશ ત્યાં પડી હતી જ્યાં આજે મારા દીકરાની લાશ પડી છે. ત્યારે પણ એક સાહેબ આવ્યા હતા. તે પણ આવું જ બધુ બોલી રહ્યા હતા જે તમે અત્યારે કહો છો. બસ ત્યારે મરનારના પરિવારને એક લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. અને આજે પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત તમે કરો છો. તો શું સાહબ, માણસના જીવનનું મૂલ્ય હવે એક લાખથી વધીને પાંચ લાખ થઈ ગયું?

10.પ્રાર્થના

દ્વાર તારે પધાર્યો અમર એક આત્મા

વાસ એનો તુ કર વૈકુઠ ધામમા.

પ્રભુ તુ સ્વામે અને હુ દાસ

તને વિનવુ હુ વારંવાર

દ્વાર તારે પધાર્યો અમર એક આત્મા......

વાસ એનો તુ કર વૈકુઠ વાસમા.

પાપની છે નગરી આ દૂનિયા

પુણ્યશાળી ત્યા આવીને વસીયા.

ખાલી હાથે ન પાછો ફર્યો

એના દ્વારેથી જે કોઈ નીકળ્યો

પ્રેમ, કરુણા, દયા, નિષ્ઠા, ધર્મ

આ છે એના જીવનના કર્મ

પ્રભુ તુ સ્વામે અને હુ દાસ

તને વિનવુ હુ વારંવાર

દ્વાર તારે પધાર્યો અમર એક આત્મા......

જુલી