Parvatarohan - 1 books and stories free download online pdf in Gujarati

પર્વતારોહણ - ભાગ 1


કોલેજ નાં દ્વિતીય વર્ષ માં એક વાર પર્વતારોહણ માં જવાની તક મળી. ત્યારે હું ખૂબ શરમાળ અને અંતર્મુખી સ્વભાવ ની હતી. એટલે આવા કોઈ પ્રવાસ આયોજન માં જતા પણ અચકાતી. પણ નાનપણ થી પ્રકૃતિ નાં ખોળા માં ખૂંદવું ખૂબ ગમતું. સાહસિક ઇવેન્ટ્સ માં પણ થોડો રસ ખરો. ને જામનગર થી અમે 7 જ છોકરીઓ એ આબુ જવાનું હતું. મારી ખાસ મિત્ર પણ સાથે હતી અને ત્યાં તો આખી મહિલા ટીમ હતી એટલે એક જ વાર માં મેં હા પાડી દીધી. ઘણાં વર્ષો થઇ ગયા એટલે આખી ટુર તો યાદ નથી. પણ ટુર નાં થોડાંક રોમાંચક અનુભવો અને એમાં થી મળેલી અમૂલ્ય શીખ હું બધા સાથે શેર કરવી પસંદ કરીશ. ટુર ને ક્રમ બદ્ધ વર્ણન કરવાનાં બદલે એમાં બનેલી અલગ અલગ ઘટનાઓ ને ટુકડે ટુકડે કહીશ.

એ અમારો પર્વતારોહણ નો પ્રથમ દિવસ જ હતો. એટલે એકલેમેટાઇઝેશન નાં નામે તે દિવસે કસરત અને ટ્રેકિંગ હતું.  આબુ આ પહેલાં પણ ગયેલી. પણ આબુ ને અને એનાં જંગલો ને કે પર્વતો ને આ રીતે ખૂંદવાનો આ પ્રથમ જ અવસર હતો. અંતર માં આનંદ અને રોમાંચ મિશ્રિત લાગણીઓ હતી. સાથે સાથે ડર પણ ખરો કે મારા થી આ બધું ચડાશે કે નહીં.. 4 ટીમ ની અંદર અમારા આખા ગ્રુપ ને વહેંચવામાં આવ્યું. પ્રથમ દિવસ નાં લાંબા ટ્રેકિંગ બાદ અમે પર્વતો ની વચ્ચે બનેલ એક કુદરતી ખીણ પાસે હતા. આમ તો ખીણ તો કઇ રીતે કહેવી.. પણ આશરે દસેક ફૂટ ઊંડો ખાડો હશે એ. જે ચારે તરફ પથ્થરો ની વચ્ચે બનેલ હતો. આ પહેલાં આવા સાહસ પૂર્ણ કામો મેં ક્યારેય કરેલા નહીં. પ્રથમ જ અનુભવ હોવા થી ડર પણ ખૂબ લાગતો હતો. ત્યાં પહોંચી ને અમને બધા ને એ ખાડા માં જમ્પ કરવા કહેવામાં આવ્યું. બધા થોડા ડરી ગયા હતા. પણ અમારા કોચે ઘણી હિમ્મત આપી અને પછી તો જુવાની ના જોશ માં અમે લોકો પણ એક પછી એક જમ્પ લગાવવાનું શરૂ કર્યું. અમને પહેલાં જ કહેવામાં આવેલું કે લાગે, છોલાય એ તરફ ધ્યાન જ ન આપવું. આખો અનુભવ રોમાંચક રહ્યો. અમે બધા એક પછી એક કૂદયા. લાગ્યું પણ ખરા.. પણ એ તરફ કોઈ નું ધ્યાન જ નહોતું. બધા માં અચાનક જાણે કોઈ હિમ્મત આવી ગઈ હતી. ત્યાંથી ફરી ચડવાનું પણ પથ્થરો ની મદદ થી જ હતું. બધા એ એક બીજા ને ચડવામાં મદદ કરી અને અંતે એ ખાડા માં થી બહાર નીકળ્યા. ત્યાંથી ફરી થોડું ટ્રેકિંગ કરી ને એક ગુફા તરફ ગયા. એ ગુફા અમારે બધા એ પસાર કરવાની હતી. ગુફા એકદમ સાંકડી હતી. એક સાથે એક જ માણસ અને એ પણ ફક્ત સુતા સુતા પસાર થઈ શકે એટલી સાંકડી. સ્વાભાવિક છે કે અંધારી પણ હોય.. એ ગુફા માંથી અમને પસાર થવાનું કહેવામાં આવ્યું. એ ગુફા માં થી સુતા સુતા પસાર થવું એટલે છોલાવું, લાગવું સ્વાભાવિક છે. છતાં આગળ નાં જમ્પ નો રોમાંચ હજુ તાજો હતો એટલે બધા તરત તૈયાર થઈ ગયા. એક પછી એક વ્યક્તિ વારાફરતી અંદર જતી હતી અને એમ જ સમજો ને કે ગુફામાં ગરકાવ થઇ જતી હતી. મારો પણ વારો આવ્યો. મેં જોયું કે ગુફા માં ચત્તા પાટ સુઈ ને જ આગળ વધવાનું હતું એટલે કે આગળ વધવા માટે ગુફા ની આસપાસ રહેલી દીવાલ નો પગ વડે ટેકો લઇ ને રીતસર નાં ઢસડી ને આગળ વધવાનું હતું. આગળ ઢસડાતી વખતે પહેલા પગ ને રાખવા માટે આધાર શોધવો પડે પછી જ શરીર ને આગળ તરફ ધક્કો મારતા આગળ વધી શકાય. પણ મુશ્કેલી એ નહોતી. મુશ્કેલી એ હતી કે ગુફા માં સદંતર અંધારું હતું. કંઈ જ જોઈ શકાતુ નહોતું. હિમ્મત કરી ને આગળ વધતી રહી ગુફામાં. ત્યાં અચાનક એક સમય એવો આવ્યો કે આગળ પગ રાખવા માટે આધાર જ ન મળ્યો. એમ લાગ્યું કે આ શું હું હવામાં લટકી રહી છું કે શું... અને ગુફા ની નીચે કોઈ મોટું ભોંયરૂ તો નહોતું ને.. કે જ્યાં હવે કદાચ હું પડી જઈશ! દેખાતું કશું જ નહોતું. એટલે પગ ને આધાર મળવાનો બંધ થયો તો આગળ કેમ વધવું એ ન સમજતા હું ત્યાં જ સૂતી રહી.. એટલામાં આગળ થી ઘણાં લોકો નો એક સાથે અવાજ આવ્યો કે કૂદકો માર.. મેં કહ્યું કૂદકો કેમ મારુ? કૂદકો મારી ને ક્યાં પડીશ એ જ નથી સમજાતું. મને એમ લાગતું હતું કે હું કોઈ અંધારા ભોંયરા માં કૂદકો મારવા જઇ રહી છું. પણ મને ફરી પેલા લોકો એ કહ્યું કે.. "ડર નહીં, પગ ને જ્યાંથી આધાર મળવો બંધ થયો છે ત્યાં થી ફક્ત એક જ નાનો કૂદકો મારવાનો છે. એ કૂદકો મારતાં જ તું ગુફા ની બહાર ફરી જમીન પર આવી જઈશ." પણ મારી અંદર ની સ્થિતિ જોતાં મને આગળ જમીન હોઈ શકે એ વાત પર જાણે વિશ્વાસ જ નહોતો બેસતો. પણ પછી મેં વિચાર્યું કે જે લોકો મને કહી રહ્યા છે કૂદકો મારવા એ લોકો મારી પહેલા આ જ ગુફા માં થી પસાર થયા હતા અને એમનાં અનુભવ નાં આધારે જ કહી રહ્યા છે તો મારે એ લોકો પર વિશ્વાસ કરવો જ રહ્યો. અને આખરે મેં કશા જ આધાર વગર શરીર ને આગળ ની તરફ ધક્કો માર્યો ને કૂદી.. અને મારા આશ્ચર્ય વચ્ચે હું જમીન થી વધી ને એક જ ફૂટ દૂર હતી. સ્હેજ કૂદકો મારતાં જ સીધી ગુફા ની બહાર ની જમીન આવી ગઈ હતી. હું ખૂબ ગેલ માં આવી ગઈ. અને હું પણ બીજા મારી પાછળ  આવતા લોકો ને માર્ગદર્શન આપવા ત્યાં જ ઉભી રહી ગઈ.

આમ જોઈએ તો આ ઘટના અહીં જ પુરી થાય છે. પણ આ નાનકડી ઘટના મને ઘણું શીખવાડી ગઈ અને એટલે જ મેં એને મારી ડાયરી માં ટપકાવી લીધી અને આજ સુધી એ યાદ રહી ગઈ. અંધારી ગુફા માં થી પસાર થવું એક અનિશ્ચિતતા ભર્યું હતું. આગળ શું હશે કેવું હશે એ કશી ખબર નહોતી. તો જીવન પણ આવું જ એક અનિશ્ચિતતા ભર્યું છે. આપણામાંથી કોઈ જ નથી જાણતું કે આગળ નો વળાંક શું હશે ને કેવો હશે.. અને એમ છતાં અમે લોકો ડર્યા વિના એ ગુફા માં આગળ વધ્યા. કેમકે અમારા કોચ એ ગુફા વિશે જાણતા હતાં કે એ ગુફા ની લંબાઈ કેવડી છે અથવા તો જોખમી છે કે નહીં વગેરે. અને અમે અમારા કોચ કે જે કાલ સુધી અમારા માટે તદ્દન અજાણી વ્યક્તિ હતા, આજે એના પર અમને એટલો વિશ્વાસ બેસી ગયો કે એમણે અમને અંધારી ગુફા માં જવા કહ્યું અને અમે સૌ કોઈ જ કચવાટ વગર અંદર ગયા. જીવન માં પણ આપણો કોચ તો બધા કરતાં હોશિયાર છે. એનાથી તો કંઈ જ અજાણ્યું નથી.. આપણે એનાં પર વિશ્વાસ રાખી જીવન રૂપી અંધારી ગુફા માં પ્રવેશી તો જઈએ છીએ પણ દરેક ક્ષણે આગળ શું હશે ને કેવું હશે નો ભય સતાવ્યા કરે છે.. કમાલ ની વાત છે ને કે એક અજાણ્યા કોચ નો આપણને વિશ્વાસ છે પણ જિંદગી નાં સર્વશ્રેષ્ઠ કોચ પર આપણને વિશ્વાસ હોતો નથી. અને સૌથી વધુ તો મહત્વની વાત કે જ્યાં થી આગળ જવા મને કોઈ જ આધાર નહોતો મળતો ત્યાં હું ફક્ત એક દિશા માં થી આવતાં અવાજો અને એમની સુચના ને અનુસરી. કેમકે હું જાણતી હતી કે એ લોકો મારી પહેલા આ ગુફા અને આ અનુભવ માં થી પસાર થયેલા છે એટલે એ લોકો ને આ સમસ્યા નું સમાધાન સારી રીતે ખબર જ છે. જીવન માં પણ આપણાથી પહેલા એ જ સમસ્યા માં થી પસાર થયેલા લોકો જ્યારે આપણને માર્ગદર્શન આપે છે ત્યારે આ વિશ્વાસ કેમ ઓછો પડે છે..! અને એનાંથી પણ વિશેષ વાત કરું તો આધ્યાત્મ નો રસ્તો આવો જ છે. આવો જ ખરબચડો..  આવો જ ઓછી જગ્યા વાળો.. કેમકે વધુ લોકો એ રસ્તે ચાલ્યા જ નથી. ઉપનિષદો એ પણ પોકારી પોકારી ને કહ્યું જ છે..

क्षुरस्य धारा निशिता दुरत्यया, दुर्गम पथस्तत कवयो वदन्ति।
तस्मात् ऊत्तिष्ठ जाग्रत प्राप्य वरान निबोधत।।

આ રસ્તો ખુલ્લી તલવાર ની ધાર પર ચાલવા જેવો દુર્ગમ છે. અને એ માટે જ ઉઠ, ઉભો થા અને શ્રેષ્ઠ લોકો પાસે જા અને માર્ગદર્શન મેળવ.

 ગુરુ માર્ગદર્શન આપે છે ત્યારે જરૂર છે ફક્ત પૂર્ણ વિશ્વાસ મૂકી ને આ રસ્તા માં આગળ ધપવાની. અને જ્યાં ક્યાંય મુશ્કેલીઓ આવે ત્યારે આપણી પહેલાં આ જ રસ્તા પર ચાલેલા લોકો નાં પદચિહ્ન ને અનુસરીએ તો ચોક્કસ આપણને પણ મંજિલ મળી જ શકે.. 

આ ઘટના ને મેં ગાંઠ મારી ને મારા જીવન માં સબક રૂપે રાખી દીધી. જ્યારે પણ જીવન માં વિશ્વાસ, શ્રદ્ધા ની નાવ હાલક ડોલક થવા માંડે ત્યારે આ ઘટના ને યાદ કરવાની કોશિશ કરું છું. સફળ કેટલી થઈ એ તો ન કહી શકાય. પણ હા.. આ ઘટના ની યાદ ઘણી વાર મુશ્કેલી ના સમય માં બળ ચોક્કસ આપે છે...

ડો. આરતી રૂપાણી