Shreenidhi books and stories free download online pdf in Gujarati

શ્રીનિધિ

સવારથી જ ઘરમાં દોડાદોડ હતી. બેડરૂમમાં નવી ચાદરો ને બારીને નવા પડદા લગાવી દેવામાં આવ્યા હતાં. નવા નવા આર્ટિફેક્ટ ઘરનાં ખાલી ખૂણે મૂકી દેવામાં આવ્યા હતાં. નાનકડું બે રૂમ રસોડાનું ઘર જાણે વગર દીવાળીએ દીપી ઉઠ્યું હતું. બધી જ વસ્તુ એની યોગ્ય જગ્યાએ ગોઠવી દેવામાં આવી હતી. પરણીને આવ્યાં ત્યારથી જ બીનાબહેન ની ઘરને વ્યવસ્થિત રાખવાની કળા પર સાસુમાં ઓવારી ગયાં હતાં. એમાં ય આજે તો ઘરમાં જમાવટ જ કંઈક જુદી હતી. ને કેમ ન હોય. આજે ઘરનાં અજવાળા સમી એમની દીકરી શ્રીનિધિ ને જોવા મહેમાન આવવાનાં હતાં.                                ધર્મેશભાઈએ તો જોવા આવશે તેમ નક્કી થયું લગભગ ત્યારથી જ બધી તૈયારીઓ આરંભી દીધેલી. જાણે લગ્ન જ લેવાનાં નક્કી થયા હોય. ઉચ્ચ મધ્યમવર્ગ નાં સંસ્કારી દંપતીને એક ઈચ્છા હતી. દીકરીને સારામાં સારું ઘર ને એથી ય સારો વર મળે. અને એટલે જ એનું ગ્રેજ્યુએશન પૂરું થતાં જ બીનાબહેને ધર્મેશભાઈ ને શ્રી માટે મુરતિયો શોધવા કહી દીધેલું. ને એ દિવસે શ્રી ના આવ્યા પછી એના લીધે પહેલીવાર ધર્મેશભાઈનાં મનમાં વિષાદ છવાઈ ગયેલો. પોતાનાં કાળજાના કટકાને બીજા કોઈને સોંપી દેવાનાં વિચારથી. બાકી જીવનમાં દીકરીનાં આવ્યા પછી બધી રીતે ઘરમાં સુખનો સાગર હિલોળા લેતો હતો. એ દીકરી આટલા જલ્દી આટલી મોટી થઈ ગઈ. એમનાં માટે જાણે કાલે તો શ્રી આવી. ધર્મેશભાઈ છેવટે કાળજું કઠણ કરી એ દિવસથી એકમાત્ર ધ્યેય દીકરી માટે મુરતિયો શોધવાનો રાખેલો. કેટલી ય જગ્યા એ કહેવડાવ્યું. સગાં સંબંધીઓને ટકોર કરી. લાગતાં વળગતા બધાને ત્યાં વાત વહેતી મૂકી. આમ તો એમણે આ કંઈ જ ના કર્યું હોત તો ય ચાલી જાય એમ હતું. શ્રીનિધિને એમના સમાજમાં મોટે ભાગે બધા ઓળખતાં હતાં. ભણવામાં તેજસ્વી એવી શ્રીનિધીને ભાગે સમાજનાં દરેક સમારોહમાં પુરસ્કાર હોય જ. દેખાવમાં પણ એક નજરે જોતાં ગમી જાય એવી. એનાં માટે સમાજમાં મુરતિયા માટેની વાત વહેતી મુક્યા પહેલાં ને પછી કઈ કેટલા છોકરાઓનાં બાયોડેટા ઘરમાં આવે રાખેલાં. પણ દર વખતે ધર્મેશભાઈ બીનાબહેનને કહેતાં," આ બધાં મને જ મગજમાં નથી ઉતરતા મારી શ્રી ને તો કેમનાં ગમવાનાં. આમ એની સાથે ઉભો રહે લક્ષ્મીનારાયણની જોડી લાગવી જોઈએ. ને ભણતરમાં પણ શ્રી બધાનાં બરાબરની જ છે. આમાં હું શ્રી ને શું બતાવું? ફટ દઈ ને સામે કહેશે પપ્પા શું નવું લાવ્યાં... આ બધી પ્રોફાઈલ એનાં બરાબરની છે.....પણ મારે તો એનાં કરતાં ચડિયાતની અપેક્ષા હોય ને......એ બળાપો કરતા.....
          સામે વાળું યોગ્ય પાત્ર શોધવામાં બે કિસ્સામાં મુશ્કેલી પડે. એક તો આપણું પાત્ર ખૂબ નબળું હોય ત્યારે. ને બીજા કિસ્સામાં આપણું પાત્ર ખૂબ મજબૂત હોય ત્યારે.ધર્મેશભાઈ ને બીજો કિસ્સો લાગુ પડતો હતો. એમને કોઇ પસંદ જ આવતું ન હતું. આ શ્રી સાથે શોભે નહીં...ને ભણતરમાં પણ કંઈ ખાસ નથી.....આવું તો ન જ બતાવાય. આ તો શ્રી ને કંઈ ગમતો હોય.....ને એમ કરીને પોતે જ ઉમેદવારને ગેરલાયક ગણી ટિકિટ ન આપતાં. એવામાં એક દિવસ બીનાબહેન અકળાયા. એમણે ધર્મેશભાઈને કહ્યું," આજ પછી કોઈ પણ બાયોડેટા તમે નહીં જોવો. સીધે સીધો શ્રી નાં હાથમાં આપજો. પછી ભણતર અને અન્ય રીતે એને ઠીક લાગે તો આપણે આગળ બીજી તપાસ કરાવીશું." ધર્મેશભાઈ એ વળી દલીલ કરી," અરે એમ કેમ થાય... મારે એને ફિલ્ટર કરીને આપવા પડે. એ બિચારી ક્યાં આ બધું કરવા બેસે. આપણે એક વાર જોઈ લઇએ. બે ચાર એમાંથી જુદા પાડીએ ને પછી એને આપીએ તો એને પણ સહેલું પડે." "દીકરી ને આપણે તૈયાર કરી છે. એની પસંદ જેમ તેમ હોય નહીં.વિશ્વાસ રાખો. ને એને બધું સોંપી દો. પછી એ કહેશે કોને મળવું છે. " ને છેલ્લી એમણે એમ જ કર્યું. શ્રી ને બધાનાં ઉમેદવારી પત્ર સોંપી દીધાં. ને એણે પસંદ કરવું એમ સર્વાનુમતે નક્કી થયું.
               શ્રી એ પુરા ત્રણ દિવસ બરાબર અભ્યાસ કર્યો. ચોથા દિવસે ધર્મેશભાઈને કહ્યું," પપ્પા, આ બધાં મેં જોઈ લીધાં છે. ને એમાંથી આ બે ને મળવામાં મને રસ છે. હવે તમને ઠીક લાગે તેમ ગોઠવજો. " ધર્મેશભાઈ ને બીનાબહેને ઉત્સુકતા થી બન્ને બાયોડેટા ખોલ્યાં. એક હતાં બિહાગ વખારીયા અને બીજા શાશ્વત ગાંધી. 
            ધર્મેશભાઈ એ દસે દિશાઓમાં તપાસ આદરી દીધી. બન્નેના કુટુંબ સુખી ઉચ્ચ સંસ્કારી હતા. બીજી રીતે તો શ્રી ને ગમ્યું જ હતું. હવે બસ મુલાકાતો ગોઠવવાની હતી. શ્રી એ પપ્પાને બન્ને મુલાકાતો એક જ દિવસે ગોઠવવાનો આગ્રહ કર્યો. અને બન્ને તરફે ધર્મેશભાઈ એ એક જ દિવસનો સવાર અને સાંજ નો સમય આપી દીધો. બસ એ ઘડી ને આજનો દિવસ. ધર્મેશભાઈ ને તૈયારીઓ ની જ ચિંતા. ને બિનબહેનને એમની એટલી ચિંતા કર્યા કરવાની આદતની ચિંતા. છેલ્લે એ દિવસ પણ આવી ગયો. 
              ઘરમાં બધા કામમાં વ્યસ્ત. પણ શ્રી બિલકુલ રાબેતા મુજબ ઉઠી. નાહી ધોઈને તૈયાર થઈ મંદિર જવા નીકળી. ધર્મેશભાઈ એ કહ્યું," બેટા આજે ઘરમાં જ દર્શન કરી લો ને." "ના પપ્પા, એ ના ચાલે. હું હમણાં જ જઈ ને ફટાફટ આવી. તમે ચિંતા ના કરો. અને હવે બધા હળવા થાઓ. આ વાતાવરણ બહુ ભારે ભારે લાગે છે. આટલું બધું એટેનશન માં રહેવાની જરૂર નથી. રિલેક્સ. હું પાછી આવું ત્યાં સુધી બધું નોર્મલ થઈ જાય તો મને ગમશે. ઓકે? ચાલો જય શ્રીકૃષ્ણ." ને એ નીકળી. બીનાબહેન ને ધર્મેશભાઈ પણ બેઠા. કરવા માટે કંઈ બાકી નહોતું. તેમ છત્તા દીકરી ની જોવા મહેમાન આવે છે ને પોતે તો ય આમ શાન્તિ થઈ બેઠા છે એ એમને અસહજ લાગતું હતું. સાડા આઠ વાગ્યાનો સમય આપ્યો હતો. શ્રી આવીને તૈયાર થઈ જાય આઠ વાગ્યા સુધીમાં તો સારું. બન્ને વિચારી રહ્યા. શ્રી હવેલી એ જાય ત્યારે પચ્ચીસ મિનિટમાં ઘરે આવી જતી. આજે એને ગયાને અડધો કલાક અને ઉપર પાંચ મિનિટ થઈ ગઈ હતી. ધર્મેશભાઈ એ ફોન લગાવ્યો. ઘરમાં જ રિંગ વાગી. એમને યાદ આવ્યું કે શ્રી ક્યારેય ફોન લઈ ને નથી જતી. સામે લેવા જવા માટે ઉભા થતાં જ હતાં કે ડોરબેલ વાગી. 
          શ્રી આવી હશે એમ માનીને દરવાજો ખોલ્યો. ત્યાં તો સામે બિહાગ ને એનાં ઘરવાળા ઊભાં હતાં. ધર્મેશભાઈ ને શુ બોલવું સૂઝયું જ નહીં. ઘડીનાં છઠ્ઠા ભાગમાં સ્વસ્થ થઈ એમણે આવકારો આપ્યો. બીનાબહેન પણ ઝટપટ બહાર આવી બધાને આવકારો આપવા લાગ્યા. બેસવાનો આગ્રહ કરી ધર્મેશભાઈ ને બીનાબહેન એક બીજા સામે જોઈ રહ્યાં. પહેલી વાર શ્રી પર ગુસ્સો આવ્યો. બિહાગે ખૂબ નમ્રતાથી કહ્યું," આઈ એમ સો સોરી અંકલ, હું જાણું છું કે અમે જરા જલ્દી આવી ગયાં છીએ. પણ મારાં કઝીન સિસ્ટર ને હમણાં સવારે જ મેટરનિટી હોમમાં દાખલ કરેલા. એમને બેબી આવી. ને અમારા ઘરમાં અમને બધાને એમના માટે ખૂબ લાગણી છે. અમારા બધા ભાઈ ઓ વચ્ચે એ એક જ બહેન છે ને. એટલે દોડીને પહોંચી ગયા. વધુમાં અહીં પણ સમય આપેલો એટલે ત્યાં થી સીધા જ આવવાનું નક્કી કર્યું. સવારનો સમય છે ને એટલે ત્યાં અમે બહુ રોકાયા નહીં. ને એટલે અહીં થોડા વહેલા પહોંચી ગયા. આઈ હોપ તમને તકલીફ નથી પડી." ત્યારે ધર્મેશભાઈ એ ઘડિયાળમાં જોયું તો હજી આઠ જ વાગેલા. એમને હાશ થઈ.બંન્ને એ વિચારેલું કે સાડા આઠ થઈ ગયા હશે ને શ્રી હજી આવી નથી. ધર્મેશભાઈ એ સામે કહ્યું," ઇટ્સ ઓલ રાઈટ બેટા. ડોન્ટ વરી. અમે પણ બસ બેઠા જ હતાં. અમને કોઈ તકલીફ નથી પડી. પણ હા અમારી શ્રી હવેલીએ ગઈ છે. એનો રોજનો નિયમ છે. એ ક્યારેય સ્કીપ નથી કરતી. એટલે આજે પણ ગઈ. આમ તો સાડા સાત સુધીમાં આવી જ જાય છે. આજે જ થોડું લેટ થયું એને. આપ પ્લીઝ બેસો. હવેલી પાસે જ છે હું હમણાં એને જઈ ને લઈ આવું છું."  બધાં ડ્રોઈંગ રૂમમાં ગોઠવાયા. ને ધર્મેશભાઈ ઉભા થઇ શ્રીને લેવા જવા માટે ઉભા થયા. એટલામાં બારણે ટકોરા પડ્યા.ને બીજી સેકન્ડે તો બારણું ખુલી ગયું. " સો સોરી પપ્પા, આજે મને જરા લેટ થઈ ગયું. કેમ એ પછી કહીશ. મને બસ દસ મિનિટ આપો.સાડા આઠ પહેલા તો હું..." શ્રી બોલતી બોલતી સીધી અંદર આવી પણ ડ્રોઈંગ રૂમમાં બેઠેલા મહેમાનો ને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. એને શું બોલવું એ સૂઝયું નહીં. પણ એનાં કરતાં ય વધારે સ્તબ્ધ સોફા પર બેસેલો બિહાગ હતો.એણે શ્રી નો ફોટો નહોતો જોયો માત્ર બીજાના મોઢે વખાણ ખૂબ સાંભળેલા. એટલે એ સુંદર હશે એની તો એને કલ્પના હતી. પણ એ બધા વખાણ આજે જાણે ઓછાં પડી ગયા હોય એમ એને લાગ્યું. ખૂબ જ સાદા સ્વચ્છ સફેદ ડ્રેસ, થોડી વિખરાયેલી વાળની લટો અને કપાળમાં કંકુ ના ચાંદલા સાથે શોભતી શ્રી ને જોઇ એને થયું વાસ્તવિક્તા પણ કલ્પના કરતાં વધારે સુંદર હોઈ શકે છે.........
            શ્રી એ પોતાની જાતને સાંભળતા બને એટલો સહજ થવાનો પ્રયત્ન કરતાં બધાને સંબોધીને કહ્યું," જય શ્રીકૃષ્ણ... આઈ એમ સોરી હું જરા...." બિહાગનાં પપ્પા પરિમલભાઈએ કહ્યું," આવોને બેટા, અને તમારે નહી એકચુઅલી અમારે સોરી કહેવું જોઈએ... અમે સમય કરતાં વહેલાં આવી ગયા ને તમને તકલીફ આપી." ધર્મેશભાઈ એ કહ્યું," પ્લીઝ...અમને કોઈ જ તકલીફ નથી પડી...બિના.... સરસ મઝાનો સવારનો સમય છે. બ્રેકફાસ્ટ સર્વ કરશો." 
બીનાબહેને શ્રી ને બેડરૂમ તરફ જવાનો ઈશારો કરી પોતે રસોડા તરફ જવા લાગ્યાં. શ્રી ને જતી જોઈ બિહાગનાં મમ્મી ભાવનાબહેન બોલ્યાં," બેટા તમે પણ આવી જ જાઓ હવે. તમારું જ ઘર છે. ને એમાં તમે આ રીતે કમ્ફર્ટેબલ છો તો અમને કોઈ વાંધો નથી. કોઈ એવું તૈયાર થઈ ને આવવાની જરૂર નથી." શ્રી આ સાંભળી ખચકાઈ ને ધર્મેશભાઈ સામે જોવા લાગી. એમણે પણ ઈશારો કરીને અનુમતિ આપી.શ્રી નાનું સ્મિત આપીને રસોડામાં ગઈ. ને એ આવી ત્યારથી એ ગઈ ત્યાં સુધી બિહાગે બસ એને જોયા જ કરી. એના ગયા પછી કોઈ પોતાને જોતું હશે એમ વિચારી સભાન થઈ મોટાઓની વાતોમાં સુર પુરાવાનો પ્રયત્ન કર્યો. 
થોડી જ વારમાં બીનાબહેન અને શ્રી બ્રેકફાસ્ટ સરસ રીતે સજાવીને લાવ્યા. બિહાગ ફરી શ્રીને એક નજરે જોઈ કેવની ઈચ્છાને રોકી ન શકયો. અલક મલક ની વાતો થયા બાદ શ્રી અને બિહાગ ને થોડી વાર એકલામાં વાત કરી આવવા વડીલોએ સૂચન કર્યું. બન્ને ઉભા થઇ ગેસ્ટ રૂમમાં આવ્યાં. શ્રી એ અહીં  નાનકડી બાલ્કની માં નાના મોટાં પ્લાન્ટ્સ સજાવીને સુંદર જગ્યા બનાવી હતી. બંન્ને ખુરશીમાં બેઠા.
         " તમારું નામ ખૂબ જ સુંદર છે શ્રીનિધિ. કોણે રાખ્યું છે?" બિહાગે સંવાદ રચવાનો  પ્રયત્ન કર્યો. " મારા નાનીમાં એ....."શ્રી એ બિહાગની આંખોમાં આંખો માંડતા બહુ સ્વસ્થ રીતે જવાબ આપ્યો. બિહાગે ધારેલું એ થોડું શરમાઈ જશે ને નીચે જોઈને જવાબ આપશે. પણ શ્રીની સ્વસ્થતા જોઈને નવાઈ પામી ગયો. એણે સામે સવાલ કર્યો, " તમે કોઈને આ રીતે પહેલી વાર મળી રહ્યાં છો? " "હા...  "
"ગુડ...મારે સેકન્ડ ટાઈમ છે. મને થોડું ઓકવર્ડ લાગે છે આમ કોઈને મળીને થોડાં જ સમયમાં લાઈફનું આટલું મોટું ડીસીઝન લઈ લેવું...પણ ઘરવાળાઓ કહે છે ઇટ્સ ટાઈમ નાઉ..એન્ડ સ્પેશિયલી આપણે જ્યારે કોઈ એવું શોધી ન શક્યાં હોય તો ઘર વાળાની મદદ લેવું ખોટું નથી...શું માનવું છે તમારું?" જવાબમાં શ્રી એ કહ્યું," બિલકુલ.....તો તમને એવું કોઈ મળ્યું નહીં એમ ને..." 
" ના એ મારો એપ્રોચ નહોતો રહ્યો કોઈ દિવસ...મારા ડેડ મારા રોલ મોડેલ રહ્યા છે ને એમના નકશે કદમ પર જ હું ચાલ્યો છું. મને ક્યાંય કોઈ જગ્યાએ પાછળ રહેવું પસંદ નથી. નાનપણથી જ એમને મને પણ એ રીતે ટ્રેઈન કર્યો છે. આજે સ્ટેનફર્ડ યુનિવર્સીટીમાંથી ભણ્યા બાદ મેં ડેડ નો બિઝનેસ જોઈન કર્યાને 3 વર્ષ થયાં. ત્યારથી પાછું વળીને જોયું નથી. પહેલાં વિચારેલું એબ્રોડ શિફ્ટ થવા માટે. પણ ત્યાં ભણવા ગયા પછી રિયલાઈઝ કર્યું કે જ્યારે બધું પરફેક્ટ હોય ત્યારે શું કામને નવા અખતરા કરવા...એટ ધી એન્ડ....સારો એવો બિઝનેસ હોય..ઘરમાં એક સુંદર પત્ની હોય..મોમ ડેડ સાથે હોય ને બે સુંદર મજાના બાળકો હોય...ઘર ગાડી ને જરૂરિયાત ની વસ્તુઓ સાથે જોઈતી તમામ લક્ઝૂરી હોય...ઇન્ટરનેશનલ હોલિડેઝ હોય....... માણસ ને બીજું શું જોઈએ...." 
શ્રી વિચારી રહી..પછી બોલી," એન્ડ ધીસ ઇસ યોર ડેફિનેશન ઓફ એ પરફેક્ટ લાઈફ રાઈટ?," બિહાગે વાત આગળ વધારી," વિધાઉટ એની સેકન્ડ ઓપિનિયન....ખૂબ સારી ફિમિલિઝમાં આપણે ઉછર્યા છીએ. ઊંચામાં ઊંચું એજ્યુકેશન લીધું છે. કોઈ વાતે ખોટ નથી. એવરીથિંગ ઇઝ ઇઝ ઇન અ વેય ઇટ હેઝ ટુ બી....મને નથી લાગતું હવે લાઈફમાં તમારા સિવાય કંઈ ઘટે છે......" શ્રી ને આગળ શું બોલવું એ સમજાયું નહીં. એ માત્ર શરમાઈ અને બિહાગ ફરી એક વાર શ્રી પર ઓવારી ગયો....
          ભણવા ની હોબિઝની ને પોતપોતાના ઘરની રહેણી કરણી ની રસપ્રદ ચર્ચાઓ કરી. " ચાલો ત્યારે...જઈશું?" બિહાગે પૂછ્યું. જવાબમાં શ્રીએ સંમતિ આપી ને બન્ને ઊભાં થયા. નીચે પણ વડીલોએ મોટાભાગની ફોરમાલિટીઝ પતાવી દીધી હતી. બિહાગનાં મમ્મી ભાવનબહેને તો ત્યાં સુધી કહી દીધું કે અમારા બિહાગને જો રસ ન પડ્યો હોય ને તો આટલો સમય લે જ નહીં...એટલે અમારે તો તમને જવાબ આપવાની પણ જરૂર જણાતી નથી. તેમ છત્તા બિહાગ અને શ્રીનિધિ ઓફિશિયલી ડિકલેર કરે એટલે એ જ દિવસે તમારી દીકરી ને અમારી દીકરી બનાવવા ફરી આવી જઈશું....
             મહેમાન ગયા પછી બધા એકલા પડ્યાં. શ્રીએ ધર્મેશભાઈની માફી માંગતા કહ્યું," સોરી પપ્પા, રસ્તામાં સવારમાં એક વડીલને એક કારચલાકે લપેટમાં લઈ લીધાં. થોડું એમને વાગ્યું. હું એમને મદદ કરવા રહી એમાં જરા લેટ થઈ ગયું." ધર્મેશભાઈએ કહ્યું," કંઈ વાંધો નહીં બેટા... બધું પતી ગયું શાંતિથી એટલે બહુ થયું. હવે સાંજે સાડા ચાર વાગ્યાની ગોઠવણ ચાલુ કરી દો." ધર્મેશભાઈએ કહ્યું અને બધા પોતપોતાના કામે વળગી ગયા. રવિવાર હતો એટલે ફેકટરીએ જવાનું હતું નહીં. જમીને બધાએ થોડી વાર આરામ કર્યો. બીનાબહેન ત્રણ એક વાગ્યાથી પાછા તૈયારીમાં લાગી ગયા. 
             પોણા પાંચ વાગે મહેમાન આવી ગયા. ધર્મેશભાઈ ને બીનાબહેને આવકારી બેસવા આગ્રહ કર્યો. શાશ્વત એનાં પપ્પા સંજીવભાઈ સાથે આવેલો. શ્રી ચા નાસ્તો લઈ ને આવી. શાશ્વત અને શ્રી ની આંખો મળી. ખૂબ શાલીનતાથી શાશ્વતે હેલો કહ્યું. શાશ્વતના પિતાજી સંજીવભાઈ ખૂબ નિખાલસ હતાં. એમની સેન્સ ઓફ હ્યુમર ગજબ હતી. થોડી જ વારમાં એકદમ સહજ વાતાવરણ થઈ ગયું. 
"મૂળ હું પ્રોફેસર હતો ને..એટલે વાત કરવા જોઈએ થોડું. પ્લસ હજી હું શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છું. એટલે યંગસ્ટર્સ સાથે ખાસો એવો સમય વિતાવું છું. અને એ જ કારણ છે કે હજી યન્ગ એન્ડ એનર્જેટિક ફિલ કરું છું. અમારે મીરાં ને બહુ એવું...આમ ન ખાશો ને પેલું ન કરશો ને....હું કહું ભાઈ મને તો બધું પચી જાય છે. માણસ બેસી રહે ત્યારે બધી સમસ્યાઓ સર્જાય છે. મારે તો મારા છોકરાઓ સાથે સીટી હેરિટેજ વોક પર પણ જવાનું ને વૃક્ષો વાવવાનો કાર્યક્રમ હોય ત્યાં ય જવાનું. અવાર નવાર પર્વતો ને નદી કિનારાઓ ખૂંદવા સહ પરિવાર નિકળી પાડવાનું. શાશ્વતને તો મોટો જ એવી રીતે કર્યો છે. પહેલા બીમાર પડ્યા કરતો. પછી ટેવાઈ ગયો. એ અનુભવ એને નેધરલેન્ડસ ભણવા ગયો ત્યારે કામ લાગ્યો. એ ત્યાં હતો ત્યારે મીરાંને કહેલું ચાલ આપણે જતાં આવીએ. પણ પછી હા ના હા ના માં સાશુ પાછો પણ આવી ગયો....." સંજીવભાઈ બોલ્યાં. એમની વાત સાંભળી શ્રી ને પપ્પાએ કરાવેલા ફેમિલી હોલિડેઝ યાદ આવી ગયા. પપ્પા કોઈ વાતે બાંધછોડ ન કરે. એક વાર જવાનું નક્કી થાય પછી જઈએ નહીં ત્યાં સુધી બસ બધું ગોઠવે જ રાખે. મમ્મી ગામ આખાનો નાસ્તો બનાવવામાં લાગી જાય. ને બહારનું કઈ જ ખાવાનું નહીં. પોતાને ખૂબ ઈચ્છા થતી. લોકલ ફૂડ એક્સપલોર કરવાની. પણ પપ્પા હોટેલ સિવાય બહારનું કંઈ જ ખાવા દે નહીં. એને સંજીવભાઇ ની વાતો ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગી. થોડી વાતો કર્યા બાદ ફરીથી વડીલોના સુચનને માન આપી બન્ને રૂમમાં ભેગા થયાં.....
             "તમારું નામ ખૂબ જ સરસ છે. કોણે રાખ્યું છે?" શાશ્વતે પૂછ્યું અને શ્રી ને હસવું આવી ગયું. શ્રી એ કહયું," મારાં નાનીમાં એ." "ગુડ, આ ખૂબ સરસ નાનું એવું ગાર્ડન ડેવલપ કર્યું છે તમે..તમને ગાર્ડનિંગ નો શોખ લાગે છે...."
"હા... પહેલાથી જ મને વૃક્ષો પ્રત્યે ખૂબ પ્રેમ છે. મારે નાનકડું પણ થોડી ખુલ્લી જગ્યા વાળું ઘર હોય એવી મારે ઈચ્છા હતી. પછી મેં બાલ્કનીમાં આ ગોઠવણ કરી દીધી..  "
" ઓહ...ધેટ્સ સો થોટફુલ. અમારું ઘર બિલકુલ તમે કહ્યું એવું જ છે. બેઠા ઘાટનું નાનું મકાન છે. મને પણ ખુલ્લી જગ્યા હોય એ વધારે પસંદ છે." 
" તમારાં મમ્મી ન આવ્યાં? "
" ના, એકચુઅલી હું પહેલી વાર આવી રીતે આવ્યો છું તો અમે મ્યુચ્યુઅલી ડીસાઈડ કર્યું કે સામેવાળાને તકલીફ ન પડે એટલાં માટે મારે ને પાપા એ જવું. મમ્મીએ કહ્યું તને ગમશે  ને એને ગમશે પછી ઘરે આવશે જ ને.. ત્યારે મળી લઈશ....." 
             ને શ્રી શરમાઇ ગઈ....શાશ્વતે વાત આગળ વધારતાં કહ્યું, " અમારાં ઘરમાં અમે બહુ ઓછી ને ખપ પુરતી જ વાત કરીએ છીએ. મારે એક મોટી બહેન છે. અત્યારે અમેરિકા છે. અહીં હું મમ્મી ને પપ્પા ત્રણ જ જણ રહીએ છીએ. પપ્પા રિટાયર્ડ પ્રોફેસર છે પણ એમનો ભણાવવાનો શોખ હજી અકબંધ છે. એટલે એમનાં સ્ટુડન્ટ્સની ઘરે અવર જવર રહ્યા કરે છે. ઘણાં સ્ટુડન્ટ્સના એ થિસીસ ગાઈડ રહી ચૂક્યાં છે. ને મમ્મી હાઉસ વાઈફ છે. પણ વાંચવાની જબ્બર શોખીન છે. એટલે જાતજાતનાં પુસ્તકો થી અમારી હોમ લાયબ્રેરી અપડેટ થતી રહે છે." શાશ્વત એટલું સરળતાથી બોલતો રહ્યો અને શ્રી એને જોતી રહી. એને શાશ્વતની વાતો સાંભળવાની મજા પડી ગઈ. 
" અમને ફરવાનો પણ ખૂબ શોખ છે. અમે અવાર નવાર હોલિડેઝ પર જતાં હોઇએ છીએ. એમાં પાછું પાપાનું પ્લાનિંગ સખત જાણવા જેવું હોં...જો ને અમે નીચે તામિલનાડુ થી ચાલુ કરેલું અને પછી ઉપરની બાજુ આગળ વધીએ છીએ. એમ કરતાં અત્યારે અડધું ભારત ફરી લીધું છે. એન્ડ ટ્રસ્ટ મી..માય પેરેન્ટ્સ આર ફન કંપની ટુ કીપ. મને એટલે જ બહુ મિત્રોની ખોટ સાલતી નથી.....તમને ફરવાનો શોખ ખરો કે નહીં........"
"બિલકુલ છે....."
" ગુડ...અમને ત્રણમાં થી કોઈને બહુ ઘરમાં ને ઘરમાં રહેવું ગમે નહીં. હજી અમે ફેમિલી હોલીડે પર ઇન્ડિયાની બહાર દુબઇ સુધી જ ગયા છીએ. મમ્મી મારા મેરેજની રાહ જોઇને બેઠા છે. કે વહુ આવે પછી જઈશું. પ્લસ પાપાનું લોજીક કે આપણા દેશમાં એટલું બધું જોવાનું છે લાઈન સર ચાલુ કરીએ ને તો કાંઈ રહી ના જાય. તમે ઓનલી ચાઈલ્ડ છો ને?" 
" હા....તમારા સિસ્ટરનાં મેરેજ થઈ ગયા?" 
" ના..શી હેઝ ડીસાઈડેડ નોટ ટુ ગેટ મેરિડ. મારા એક ફોઈ હતાં. પાપા કહે છે દીદી એમના પર ગયાં છે. એમને પણ લગ્ન નહોતાં કર્યા." 
" વેલ..ને તમારા ઘરમાં બધા માની ગયા એ સારું કહેવાય. મને પણ એક સમયે એવી ઈચ્છા હતી કે ના કરું તો ચાલે ને મમ્મી પપ્પા સાથે રહીશ. ને એ વાત મેં મજાકમાં પપ્પા સામે મુકેલી તો એ એવાં ટેંશનમાં આવી ગયેલા ના પૂછો વાત. પછી મેં ફરી ક્યારેય એ વાત કરી નથી...એમ તમારા ફાધર એ કોઈ કારણ પૂછ્યા વગર એમની વાત એક્સેપ્ત કરી લીધી સારું કહેવાય...." શ્રી એ કહી નાખ્યું પણ પછી એને થયું ના કહ્યું હોત તો સારું હતું.એ શાશ્વત સામે જોવા લાગી......
" પપ્પા એ તો કર્યું જ પણ મમ્મીએ પણ કરી લીધું. ઈનફેક્ટ મેં એમને પૂછેલું કે તમે દીદી ને પૂછી શકો લગ્ન ન કરવાનું કારણ. તો એમણે મને કહ્યું કે કદાચ એની પાસે લગ્ન કરવા માટેનું કારણ નહીં હોય...એ મળી જશે તો ના કરવા પાછળનું કારણ રહેશે નહીં. એટલે આપણે રાહ જોઈશું કે એ એને મળે. બાકી એની ઈચ્છા...બસ પછી વાત ત્યાં જ છે. ને દીદી યુએસએ. સરસ જોબ કરે છે. એનજીઓ સાથે કામ કરે છે. ને એનાં ભાગરૂપે અવનવાં દેશો ફરે છે. 
શ્રીને ખૂબ રસ પડ્યો. આવું પણ હોય.......? સાંભળીને મજા આવી ગઈ....," એ અહીં નથી આવતાં?"
" દર વર્ષે રક્ષાબંધને અચૂક એ અહીંયા જ હોય છે અને પંદર દિવસ મહિનો જેટલું રોકાઈને જાય છે. અમારા હોલીડે શેડ્યુલમાં જોડાઈ જાય." 
શ્રી ને શાશ્વતની વાતો ખરેખર ખૂબ રસપ્રદ લાગી. " અત્યારે અમે મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા છીએ. હવે ટૂંક સમયમાં ભારત ભ્રમણનાં ભાગરૂપે ભેડાઘાટ તરફ જઈશું......"
મુલાકાતને અંતે શાશ્વત અને સંજીવભાઈ જવા તૈયાર થયાં.    
             સંજીવભાઈએ ધર્મેશભાઈ ને કહ્યું," જુઓ સ્નેહી...આજકાલના છોકરાઓ નું માઈન્ડ અલગ હોય છે. ને બધું સમજી વિચારીને કરતાં હોય છે. એટલે સમય લે એ સ્વાભાવિક છે. એટલે દીકરા નિરાંતે વિચારજો. બીજી ત્રીજી વાર મળજો.....ઈનફેક્ટ હું તો કહું છું કે આવતાં અઠવાડિયે અમે મધ્યપ્રદેશ એક શોર્ટ હોલીડે પર જઈએ છીએ. શ્રીને આવવું હોય તો મોકલી આપજો. દીકરી તરીકે લઈ જઈશું...એને પણ આઈડિયા આવે કે અહીં રહેવામાં જામશે કે નહીં....ખરું ને દીકરા....?" અને તેમણે વિદાય લીધી.
          કોફીનો કપ લઈને શ્રી બાલ્કનીમાં આવી. હીંચકા પર બેસી ને દૂર ક્ષિતિજ તરફ એણે આંખો માંડી. આજે બે અલગ પ્રકારની વ્યક્તિઓ સાથે થયેલા સંવાદોને વાગોળી રહી. બીનાબહેન આવ્યાં અને શ્રીને સમય આપવો જોઈએ એમ માની પાછા વળી ગયા. દોઢ કલાક પછી પાછા આવ્યાં. શ્રી હજી એમની એમ જ બેઠી હતી. બીનાબહેન હળવેથી આવ્યા. શ્રી ના માથે હાથ મૂકી બોલ્યાં...,"હું બેસું બેટા?" 
" અરે મમ્મી...બેસ ને..કેમ આમ મહેમાનો ની જેમ ફોર્મઆલિટી કરે છે."
" શુ વિચારે છે મારી ઢીંગલી....કંઈ સલાહ સુચન જોઈતું હોય તો કહેજો દિકરા. અચકાતી નહીં.." 
" એ જ વિચારું છું જે તને લાગે છે હું વિચારતી હોઈશ." 
ધર્મેશભાઈ પાછળથી આવી બેસતાં બોલ્યાં," તારી મમ્મીને તું નક્કી નહીં કરી લે ત્યાં સુધી એમ જ લાગ્યા કરશે કે તારે કઈ સલાહ સુચન ની જરૂર છે." બીનાબહેને સામે મીઠો છણકો કરતાં જવાબ આપ્યો," તો મારી દીકરીને પૂછવાની તો ફરજ છે જ ને મારી...કંઈ મૂંઝવણમાં ન રહી જાય....'
," ના ના બરાબર છે....તારે ચોક્કસ મદદ કરવાની જ હોય," ધર્મેશભાઈ મજાક કરતાં બોલ્યાં," શ્રી બેટા... જો તને હું ખરેખરમાં મદદ કરી શકું થોડી. બિહાગ અને શાશ્વત નાં ઘરવાળા સાથે  વાત કર્યા પછી મારા પોતાનાં અમુક નિરીક્ષણો તને કહું. બિહાગનું ફેમિલી આપણાં લોકો જેવું જ છે. બિલકુલ વેલ ટુ ડુ ફેમિલી છે. માણસો પણ સરસ છે. પૈસે ટકે તો જરા પણ જોયા જેવું છે જ નહીં. જ્યારે શાશ્વતનું ફેમિલી આપણાં કરતાં થોડું અલગ છે. એવું મેં એમનાં ફાધરની વાતો પરથી અનુભવ્યું. ખૂબ જેન્યુઇન માણસો લાગ્યાં એ લોકો પણ. તેં પસંદ કરેલાં બન્ને કેન્ડીડેટ માંથી પસંદગી કરવી અઘરી છે. તું ઈચ્છે તો ફરી એક વાર એમને મળી શકે છે. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી . આવતાં અઠવાડિયે બંન્નેમાં થી કોઈ અહીં નથી. બિહાગનાં ફાધર કહેતાં હતાં એ આવતાં વીક બિઝનેસના કામે બાર્સેલોના જવાનો છે. એટલે એ આવે તો આપણે સેકન્ડ મિટિંગ ગોઠવી દઈએ. અને શાશ્વતના ફાધર કહેતાં હતાં એ લોકો ક્યાંક મધ્ય પ્રદેશ જાય છે શોર્ટ હોલીડે માટે. મારી એવી ઈચ્છા છે બિહાગ આવે પછી તમે બીજી વાર મળી જુઓ. સાથે થોડો સમય પસાર કરો. ઈનફેક્ટ બિહાગનાં મમ્મી કહેતાં હતાં કે છોકરાઓ એકબીજાને પસંદ કરી લે તો એનો બાર્સેલોનાનો પ્રોગ્રામ પોસ્ટપોન કરી શકે છે અને બધી વિધિ અને બધું શાંતિથી પતી જાય ત્યારબાદ ફેમિલી સાથે હોલીડે પર જઈશું......" 
" ભેડાઘાટ જાય છે એ લોકો......." 
" કોણ બેટા......?" 
" શાશ્વત અને તેની ફેમિલી...મધ્ય પ્રદેશમાં ભેડાઘાટ જાય છે..." શ્રી કેસરિયા આકાશ તરફ જોઈ રહી.....
         ધર્મેશભાઈ કંઈ બોલવા જતાં હતાં....ને બીનાબહેને હાથ પકડી રોક્યા. ઇશારાથી ચૂપ રહેવાની સલાહ આપી. શ્રીએ વાત ચાલું રાખતાં કહ્યું," પપ્પા...મને ખબર નથી તમે શું વિચારશો...પણ બિહાગનું ફેમીલી આપણાં જેવું છે એટલે તમને એ વધારે જ પસંદ આવશે. ને ડેફીનેટલી મને પણ ત્યાં ફાવશે જ. કારણ કે આ વાતાવરણ સિવાયનું કંઈ બીજું વાતાવરણ પણ ઘરમાં હોઈ શકે એની મને આજે જ ખબર પડી. તો મને એમ વિચાર આવે છે કે...." શ્રી બોલતાં બોલતાં અટકી.....
" બેટા જે ઈચ્છે એ કહી શકે છે. તારી લાઈફ નો સવાલ છે. અમને નહીં કહે તો કોને કહીશ. જે વિચાર આવતાં હોય એ કહી નાખ...." બીનાબહેન ખૂબ સ્નેહ નીતરતા અવાજ સાથે બોલ્યાં.
" એમ વિચાર આવે છે કે.....પરફેક્ટ ફેમિલી નાં બે ટાઈપ હોઈ શકે એ મેં આજે જ જોયું. એક પરફેકશન  આપણાં અને બિહાગની ફેમિલીમાં દેખાય છે એ. અને એક અલગ પ્રકારનું પરફેક્શન જે શાશ્વતની ફેમિલી માં જોવા મળે છે એ.એક ઓલરેડી હું આટલા વર્ષો સુધી જીવી છું. અને બીજાનું વિચારીને મને રોમાંચ થાય છે. તો આ વખતે મારે બીજો અનુભવ લેવો છે પપ્પા. એવું પણ બને કે મને એ વધારે ફાવી જાય....ને  એટલે.........
બાર્સેલોના જતાં પહેલાં હું.... ભેડાઘાટ જોવા માંગુ છું......"
શ્રી એ કહી નાખ્યું અને ધર્મેશભાઈની સામે જોઈ રહી. ધર્મેશભાઈ ઊભાં થઈ ચાલવા લાગ્યાં. બીનાબહેને એમને પૂછ્યું....,"આમ વાત અધૂરી મૂકીને ક્યાં જાઓ છો....."
ધર્મેશભાઈ મોબાઈલ ઉઠાવી નંબર ડાયલ કરતાં બોલ્યા...
" આમ તો એ લોકો સેલ્ફ ડરાઈવ કરીને જ જાય છે. અને ગાડીમાં ચાર જણ સમાઈ પણ જાય.....પણ તો ય આગાઉથી સંજીવભાઈને કહેવું તો પડશે ને....." 
બીનાબહેન ખૂબ નવાઈ થી જોઈ રહ્યાં.... અને શ્રી એ શરમાઈને એમનાં ખભા પર માથું ઢાળી દીધું..........