Amar prem books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ

            ચોમાસું બેસી ગયું હતું. ધૂળની ડમરીઓ માંથી છુટકારો મળી ગયો હતો. વરસાદના ઝાપટાઓની શરૂઆત થઇ ચુકી હતી. આવા જ અષાઢ મહિનાની ચોથના દિવસે મિત પોતાની બાઈક લઈને એક જરૂરી કામથી અમદાવાદમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં જઈ રહ્યો હતો. આજે થોડા વાદળા હતા પણ વરસાદ નહીં આવે એમ સમજી એ રેઇનકોટ લીધા વગર જ નીકળી ગયો. કામ લગભગ ૩૦મિનિટમાં પતી જશે અને એ જલ્દી ઘરે પાછો આવી જશે એ જ વિચારથી મિત ઘરેથી નીકળ્યો હતો.

            મિત શાહીબાગ વિસ્તારમાં પોતાનું કામ ઝડપથી પતાવીને પાછો ફરતો હતો. રિવરફ્રન્ટ પાસે આવેલા એરપોર્ટ રોડ પર ટ્રાફિક ઓછું હોવાથી મિતને થયું કે આ રસ્તે જ ઘરે પાછા ફરવું યોગ્ય છે. ટ્રાફિક પણ ન નડે અને ઝડપથી ઘરે પહોંચી શકાય. મિતે જેવી બાઇક રિવરફ્રન્ટ તરફ વાળી કે અચાનક મેઘરાજા એને પલાળવાના મૂડમાં હોય એમ તૂટી પડ્યા. ધોધમાર વરસાદ એકાએક શરૂ થઇ ગયો. મિતે વરસાદ જોઈ કોઈ સારી જગ્યાએ ઉભા રહેવાનું વિચાર્યું પણ એને કોઈ યોગ્ય જગ્યા ન દેખાઈ. મિત ધીમી સ્પીડે બાઇક ચલાવતા આગળ વધી રહ્યો હતો. વરસાદ સાથે પવન હોવાથી પાણીની ઝાપટ એના મોઢે વાગતી હતી. એક હાથે બાઇક ચલાવી એક હાથે એ ચહેરાને સાચવી રહ્યો હતો. ઇન્કમટેકસ પાસે આવેલા  બ્રિજ નીચે બાઇક ધીમી પાડી સાઈડ પર કરી અને બ્રિજની નીચે એ ઉભો રહ્યો. વરસાદ ધીરે ધીરે વધી રહ્યો હતો. મિતને ઘરે આજે બીજું કોઈ કામ ન હતું તેથી એને વરસાદ ધીમો પડે ત્યાં સુધી રાહ જોવાનું વિચાર્યું. લગભગ દસેક મિનિટ બાદ એક લાલ કલરની એક્ટિવા ત્યાં આવીને ઉભી રહી. ભીંજાયેલા કપડાં નીતરતા વાળ અને ચિંતિત ચહેરાવાળી છોકરી એક્ટિવા પરથી ઉતરી મિતથી બે ફુટ દૂર ઉભી રહી. મિત પણ પાણીમાં લથબથ હતો. છોકરીએ ત્રાંસી નજરથી મિત સામે જોયું. મિતે પણ એની સામે જોયુ. છોકરી ગભરાયેલી હતી. એના ટીશર્ટ અને જીન્સ માંથી પાણી નિતરતું હતું. દુપટ્ટા વડે પોતાનું શરીર ઢાંકવાની એ કોશિષ કરી રહી હતી. મિતે જયારે છોકરીને નિરખીને જોઈ તો એ સુંદરી ખુબ જ નાજુક અને નમણી લાગતી હતી. કોઈ સારા ફેમેલીથી બિલોનગ્સ કરતી હોય એવું વર્તાતું હતું. અજાણ્યા સાથે વાત કરવામાં બન્ને સંકોચ અનુભવી રહ્યા હતા. પણ બ્રિજ નીચે એમના સિવાય કોઈ નહોતું અને વરસાદ શાંત થવાનું નામ નહોતું લેતું તો શું કરવું એ વિચારી મિતે હિંમત કરી વાતની શરૂઆત કરી.

"હાય.. હું મિત ને તમે" મિતે ઠંડીથી થોડું કાંપતા સ્વરે કહ્યું.

"હેલો.. હું અમી.." છોકરીએ થોડા ડરતાં સ્વરે જવાબ આપ્યો.

"ક્યાં જવાનું છે આપે?"

"મારે બસ અહીં પાલડી જ જવાનું છે.. ને તમારે?" અમીને મિત થોડો સજ્જન છોકરો લાગ્યો એટલે વાત આગળ વધારવામાં વાંધો ન લાગ્યો.

"મારે નેહરુનગર.. પણ આ વરસાદ શાંત થાય તો. અડધા કલાકથી બંધ થવાની રાહ જોઉં છું.."

"હા, હું પણ એની જ. બહુ ભારે વરસાદ છે આજે"

"હા લાગે છે હવે થોડીવારમાં બંધ થવો જોઈએ પછી આપણા નસીબ.."

"હા.. થઈ જાય તો સારું.." અમી જાણે પ્રાર્થના કરતી હોય એમ બોલી ઉઠી.

            થોડીવાર આમ જ બંનેની નોર્મલ ટોક ચાલતી હતી ત્યાં વરસાદ ધીરો પડ્યો. હવે ફાફલી આવતી હોય એમ વાછટની જેમ વરસી રહ્યો હતો. મિત અને અમી એકબીજા સામે જોઈને પોતપોતાના વ્હીકલ પાસે આવ્યા. મિતે બે ત્રણ સેલ્ફ માર્યાને બાઇક સ્ટાર્ટ થઇ. અમી પોતાનું એક્ટિવા સ્ટાર્ટ કરવાની કોશિષ કરી રહી હતી પણ થઇ નહી. મિતે અમી સામે જોયું અને એની બાઇક બંધ કરીને પાછો અમી પાસે આવ્યો.

"હું ટ્રાય કરું?"

"પ્લીઝ..."

            અમીએ એક્ટિવાથી દૂર થઈ મિતને જગ્યા આપી. મિતે સેલ સ્ટાર્ટ કર્યું પણ થયું નહી. એને એક્ટિવા ડબલ સ્ટેન્ડ કરી કિક મારવાની કોશિષ કરી પણ ઘણાં પ્રયત્નો પછી પણ એ સ્ટાર્ટ ન થઈ. મિતે આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં.

"અમી મને લાગે છે આ સ્ટાર્ટ નહીં થાય. તમને વાંધો ન હોય તો આને અહીં સાઈડમાં પાર્ક કરી દઈએ અને કોઈ ફોર્મેનને બોલાવીને કરાવી લઈશું.."

"હા હવે તો એ જ ઓપ્શન છે પણ તમે મને ફુલબજારવાળા રોડ સુધી ડ્રોપ કરી દો હું ઓટોમાં જતી રહીશ.."

"ના ના મારે પાલડી રસ્તામાં જ પડશે હું તમને મુકતો જાઉં. મારે કોઈ કામ નથી."

"મારા કારણે તમને તકલીફ થશે.."

"અરે.. એમાં શું તકલીફ, તમારી એક્ટિવા બગડી ના હોત તો થોડીને આવેત " કહી મિત થોડો હસ્યો.

            અમી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. અમી મિત સાથે એના બાઇક પર જવા તૈયાર થઇ ગઈ. મિતના બાઇક પર બેસી બંને ધીરેધીરે પાલડીમાં આવેલા અમીના ઘરે પહોંચ્યા. અમીના મમ્મી હિંચકે જ બેઠા હતા. અમી હજી સુધી નહોતી આવી એટલે થોડા ચિંતિત હતા. અમીને જોઈને એ ઉભા થઈ બહાર આવ્યા.

"મિત તમે ઘરે નહીં આવો?"

"અરે ના પછી વરસાદ આવતો કરતો , હું પછી ક્યારેક આપની મુલાકાત કરીશ. આપનો નંબર મળશે?"

"સ્યોર લખો.. ૯૮...."

            મિત અમીને ઉતારી ત્યાંથી નીકળી ગયો. અમીના મમ્મી સામે ઉભા બધું જોઈ રહ્યા હતા.

"બેટા આ કોણ હતું? અને તે એને નંબર કેમ આપ્યો?"

"મમ્મી આ મિત છે. અહીં નેહરુનગર જ રહે છે. સારો છોકરો છે. રસ્તામાં બહુ વરસાદ હતો એટલે મને એ મળી ગયો અને અમારી નાની અમથી મુલાકાત થઇ. સ્વભાવે સારો લાગ્યો અને મારી આજે મદદ પણ કરી એટલે મને થયું કે નંબર આપવામાં શું વાંધો.."

"તારી એક્ટિવા ક્યાં?"

"મમ્મી એ જ તો ખરાબ થઇ એટલે મિત મને અહીં સુધી મુકવા આવ્યો. મેં ના કહી પણ એને કહ્યું કે ના એ મૂકી જશે.. "

"ઓકે સારું બેટા, ચાલ ઘરમાં અને કપડાં બદલી લે.."

            અમી અને મિતની નાની મુલાકાત પછી ઘણા દિવસો વીત્યા પણ કઈ બંને વચ્ચે વાતો ન થઇ. એક દિવસ અમી એના મમ્મી સાથે ઇસ્કોન મોલમાં શોપિંગ માટે ગઈ. પેન્ટાલુન્સમાં અમી અને એના મમ્મી શોપિંગ કરી રહ્યા હતા ત્યાં જ એના મમ્મીની નજર એક છોકરા પર પડી. બ્લુ જીન્સ અને વાઈટ ટીશર્ટમાં એ છોકરો શર્ટ જોઈ રહ્યો હતો.

"અમી આ છોકરો તો પેલો મિત નહીં?" અમીએ કપડાં માંથી નજર ફેરવી એ છોકરા સામે જોયુ. એ મિત જ હતો. અમી એને જોઈને જાણે ખુશ થઇ. એના મમ્મીને લઈને એ છોકરા તરફ આગળ વધી.

"હેલો મિત.. તમે અહીં?" ધીમા સ્વર અને ઉત્સાહ સાથે અમી બોલી.

"ઓહ.. અમી તમે.. " બંને એકબીજાને જોઈને હેન્ડસેક કર્યું. મિત અમીના મમ્મી સામે જોઈને સમજી ગયો કે આ અમીના મોમ જ હોવા જોઈએ. એ આગળ વધી અમીના મોમને પગે લાગ્યો. અમીના મોમ પણ એના આ વર્તનથી પ્રભાવિત થયા.

            પેન્ટાલુન્સમાં થોડી શોપિંગ પછી ત્રણે જણાં ફૂડકોર્ટમાં ગયા ત્યાં બેસી જાણે અમીના મોમએ તો સવાલોની ઝડી વરસાવી.

"બેટા મિત તમારી સરનેમ શું છે?"

"આંટી હું બ્રાહ્મણ છું. દવે સરનેમ છે મારી.."

"ઓહ ખુબ સરસ. અમે પણ બ્રાહ્મણ છીએ.. વ્યાસ.."

"ઓહો સરસ આંટી.."

"બેટા તું ભણે છે કે પછી જોબ?"

"આંટી મારે બે વર્ષ પહેલા જ ભણવાનું પુરૂ થયું અને છેલ્લા મહિને જ મને કોલ લેટર આવ્યો. હું ઇન્ડિયન આર્મી જોઈન કરવાનો છું.."

"ઓહ શું વાત છે બેટા.. દેશભક્તિ એમને?"

"હા આંટી આપણા દેશને મારા જેવા યુવાઓની ખાસ જરૂર છે.."

"ખુબ સરસ બેટા. હવે તો તું અને અમી મિત્રો બની ગયા તો અમારી ઘરે આવતા રહેજો અને તારા મોમ ડેડને પણ લઈને આવજે. તમારા ઘરમાં કોણ કોણ છે?"

"જરૂર આંટી. મારા ઘરમાં બસ અમે ત્રણ જ છીએ.."

"ખુબ સરસ. અમારે પણ અમે ત્રણ જ.. "

            અમી એના મોમ અને મિતની વાતો સાંભળી રહી હતી. મિતના દેહાઆકર્ષણ થી તો એ પહેલેથી જ પ્રભાવિત હતી ને પછી આજે એના વર્તનથી એ સ્તબ્ધ બની ગઈ. મનમાં જાણે એક પ્રેમની કુંપણ ફૂટી ગઈ. થોડીવાર વાતો પછી ત્રણે જણ છુટા પડ્યા.

            એક દિવસ સાંજે અમીના મોમ એના પપ્પા અને અમી બેઠા હતા. અમીના મોમને જાણે મિતમાં એટલો રસ પડ્યો કે એમના મગજમાં બસ એના જ વિચારો ચાલતા હતા.

"કહું છું સાંભળો છો?"

"અરે બોલને અમીની મા.. શું કહે છે?"

"આપણી અમી માટે મારા ધ્યાનમાં એક છોકરો છે.."

"શું? ક્યાં?" અમીના પપ્પા થોડા ગંભીર બની સામે જોઈ ધ્યાન આપી બોલ્યા. અમીના મમ્મીએ વિસ્તારથી વાત કરી. અમી અને મિતની વરસાદમાં મુલાકાત અને પછી મોલમાં થયેલી મુલાકાત વિશે વાત કરી. અમી બંનેને ધ્યાનથી સાંભળી રહી હતી.

"તે અમીને આ વિશે પૂછ્યું છે?"

"હા, મને લાગે છે અમીને પણ એ છોકરો ગમવા લાગ્યો છે.. શું કે છે અમી?" અમીના મમ્મી સવાલભરી નજર સાથે અમી સામે જોઈને બોલ્યા. અમી શરમાઈ ગઈ અને નીચે માથું કરી થોડું માથું હલાવી હામાં જવાબ આપ્યો. અમીના પપ્પા અને મમ્મી આ જોઈ થોડા ખુશ થયા. અમી કોઈ છોકરા માટે હા ન કહેતી પણ આજે એને હા કહી એ જોઈ બન્ને ખુશ થયા.

            અમીના મમ્મીએ અમીને કહી મિતને કોલ કરાવ્યો અને મિતના ઘરે મળવા જવાની વાત કરી. મિતને એ જાણ ન કરી કે એના અને અમીના સંબંધ માટે આવવાના છે. મિતે એમને આવવા માટે આમંત્રણ આપ્યું. મિતના ઘરે અમી એના પપ્પા અને મમ્મી પહોંચ્યા. બધા બેઠા હતા અને અમીના મમ્મીએ વાત કરી. મિતના પપ્પાએ પહેલા મિત સામે જોયું. પણ મિતના હાવભાવ પરથી લાગ્યું કે એની પણ મરજી છે જ. તો વડીલોએ મિત અને અમીને થોડો સમય આપવા માટે કહ્યું કે બંને ક્યાંક બહાર જઈ એકાદ કલાક આંટો મારી આવે અને ચારેય જણ ઘરે બેસીને સત્સંગ કરે. અમી અને મિત એના બાઇક પર બહાર નીકળ્યા. બંને અંદરથી ખુશ હતા.

"અમી શું હવે હું તમને તું કહું?"

"હા.." એકદમ ધીમા સ્વરે શરમાતા અમી બોલી.

            વિજય ચાર રસ્તા પાસે આવેલા ચોકલેટ રૂમ પર અમી અને મિત પહોંચ્યા. મિતે ઓર્ડર આપવા વેઈટર ને બોલાવ્યો.

"અમી તું શું લઈશ?"

"કીટ કેટ શેક.." અમીએ મેનુ જોઈ કહ્યું. મિતે બે કીટ કેટ શેક ઓર્ડર કર્યા અને બંને વાતોમાં ખોવાયા.

"જો અમી જાણું છું આ બહુ જલ્દી બન્યુ પણ તને કોઈ બીજો છોકરો ગમતો હોય તો તું મને બિન્દાસ કહી શકે.."

"ના મિત મારા જીવનમાં કોઈ નથી.." આ સાંભળતા જ મિતના ચહેરા પર ખુશીઓ ઝળકી ઉઠી.

"પણ.. અમી હું આવતા છ મહિનાની અંદર જ ઇન્ડિયન આર્મી જોઈન કરીશ. તને તો ખબર છે જે આર્મીની જોબ કેવી  છે. તને એનાથી કોઈ વાંધો તો નથી ને?"

"ના મિત જરાય નહીં.. તું બેફિકર રહે. મને હિન્દુસ્તાની હોવા પર ગર્વ છે અને દેશની રક્ષા માટે તું જઈશ એ મારા માટે ગર્વની વાત હશે.." મિત આ સાંભળી વધારે ખુશ થયો અને ઝડપથી અમીને પોતાની તરફ ખેંચી એક હગ આપી દીધી.

            અમી અને મિત એકની જગ્યાએ બે કલાક સ્પેન્ટ કરીને ઘરે પાછા ફર્યા. અહીં વડીલો એમની જ રાહ જોઈ રહ્યા હતા. બન્નેના ચહેરાનું સ્મિત જોઈ બન્નેના પેરેન્ટ્સ સમજી ગયા અને જલ્દી ગોળ-ધાણાનું મહુર્ત કઢાવ્યું.

            અમી અને મિતના ગોળ-ધાણા થયા. લગ્નની તારીખ પણ જલ્દી લેવાનો બંને પરિવારે વિચાર કર્યો. મિતને આર્મી જોઈન કરવાની હોવાથી નજીકના મહિનાઓમાં જ એમના લગ્ન કરાવ્યા. અમી એના સાસરે પણ દીકરીની જેમ રહેવા લાગી. લગ્નને એક મહિનો થયો અને મિતને આર્મી જોઈન કરવાનો સમય આવી ગયો. મિતની બેગ પેક કરવામાં આવી અને અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પર અમી એના પેંરેન્ટસ અને સાસુ સસરા મિતને વિદાય કરવા આવ્યા. બધાની આંખો ભીની હતી પણ મિત હિંમત રાખી બધા સામે હસતાં મોઢે વિદાય લઈ રહ્યો હતો. ટ્રેન ઉપડી અને બધા ઘરે આવ્યા.

            ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સાંજે અમી અને એના સાસુ બેઠા હતા.

"મોમ એક વાત પૂછું?"

"હા બોલ ને બેટા.."

"થોડું અજીબ છે પણ તમને પૂછવું જ પડશે એમ લાગ્યું.."

"બોલ બેટા , કોઈ સંકોચ ન રાખ.."

"આ વખતે મારુ માસિક નથી આવ્યું. આજે દસ દિવસ ઉપર ચાલ્યા ગયા છે.."

"ઓહ, તો તું પ્રેગ્નેન્સી ચેક કેમ નથી કરી લેતી?"

"મોમ મને આ વિશે બહુ આઈડિયા નથી."

"રે.. હું બાજુવાળી છોકરી પાસે એ મંગાવી લઉ છું.."

            પ્રેગ્નેન્સી ચેકથી જાણવા મળ્યું કે અમી પ્રેગ્નેન્ટ છે. એના સાસુ અને અમી બંને ખુશ થઇ ગયા. અમી ખુબ જ ખુશ હતી. એને મિતને સરપ્રાઈઝ આપવા કોલ કર્યો પણ મિત થોડો ટ્રેનિંગમાં વ્યસ્ત હતો એટલે એને ફોન રિસીવ ન કર્યો. અમીએ થોડી થોડી વારે કોશિષ કરી પણ એનો કોઈ સંપર્ક ન થયો. અમી સતત 3 દિવસ સુધી પ્રયત્નો કરતી રહી. પણ સંપર્ક ન થયો.

            ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ અમી અને મિત માટે જીવનનો પહેલો વેલેન્ટાઈન ડે સાથે હતો. સવારે જાગીને તરત નાઈ ધોઈને અમીએ મિતને કોલ કર્યો. મિત આર્મીની ગાડીમાં હતો. ગાડી ચાલવાનો અવાજ આવતો હતો.

"હે અમી.. સોરી ડિયર હું ટ્રેનિંગમાં વ્યસ્ત હતો એટલે તને કોલ બેક ન કરી શક્યો. આજે વેલેન્ટાઈન ડે છે. હું તારી સાથે નથી પણ દિલથી હેપ્પી વેલેન્ટાઈન ડે.. "

"મિત હું તારાથી નારાજ છું.. મારે તને એક સરપ્રાઈઝ આપવી હતી પણ તે ફોન જ રીસીવ ન કર્યો"

"અરે.. સોરી ડિયર.. આજે એ સરપ્રાઈઝ મારુ ગિફ્ટ બની જશે બોલ શું ગિફ્ટ છે?"

"અરે એમ હવે થોડી કઈશ તું વિચાર શું હોઈ શકે?"

"તું મારા માટે કોઈ ગિફ્ટ લાવી છે?"

"હા ગિફ્ટ તો છે બટ એ અનમોલ છે શું હોય વિચાર.."

"હમ્મ વોચ જે હંમેશા મારા હાથ પર બાંધેલી રહે અને મને તારી યાદ અપાવતી રહે.."

"ના એ નહીં.. "

"તો તું જ કહી દે ને પ્લીઝ ડિયર.."

"હા કહું છું.. આ સાંભળી તારા ઉત્સાહનો પાર નહીં રહે.. તું પિતા બનવા જઈ રહ્યો છે.. " અમી આટલું બોલી પણ જાણે સામે છેડેથી કોઈ મોટો ઘોંઘાટ ભર્યો અવાજ આવ્યો હોય એમ આવ્યો અને ફોન કટ થઇ ગયો. અમીએ ફરી કોશિષ કરી પણ ફોન જ ન લાગ્યો.

            અમી એ અવાજ સાંભળી થોડી ડરી. ત્યાં બાજુવાળાની છોકરી દોડતી દોડતી આવી. આંટી આંટી ટી.વી. ચાલુ કરો. આતંકવાદીઓએ હુમલો કર્યો છે અને આપણા જવાનો શહીદ થઇ ગયા છે. અમીના પગ નીચેથી જાણે જમીન ધસી ગઈ. બધા અમીના ઘરે આવી સાથે ટી.વી.માં સમાચાર જોવા લાગ્યા. અમીની અશ્રુધારા વહેવા લાગી. કોઈ આખી રાત સૂતું નહીં. અમીનું શરીર ઠંડુ પાડવા લાગ્યું હતું. ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ એક આર્મી ટ્રકમાં તિરંગામાં લપેટેલી એક પેટી આવી. મિતના શવને આર્મી ઓફિસર્સ ઘરે આપી ગયા અને પરિવારને સાંત્વના આપી. અમી આ દુઃખને સમજી શકે એ હાલતમાં નહોતી એ બેભાન થઇ અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

            અમી જયારે ભાનમાં આવી ત્યારે એના રૂમમાં બેડની સામેની દીવાલ પર મિતની તસ્વીર લગાવેલી હતી અને એના પર એક હાર ચડાવેલો હતો. અમી એ જોઈ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી. એના માતા પિતા અને સાસુ સસરાએ એને હિંમત આપી અને ધીમે ધીમે પરિસ્થિતિને કન્ટ્રોલ કરવાની કોશિષ કરી.

            નવ મહિના પછી અમીએ એક દીકરાને જન્મ આપ્યો. નાક નકશે એ મિતની જાણે કોપી કે લાગતો હતો. અમીને મિત જાણે એ બાળકમાં પાછો મળ્યો હોય એવું લાગતું હતું. દિવસો વીતતા ગયા અને છોકરો મોટો થતો ગયો. અમીએ એને નામ અમર આપ્યું. એના પિતાની શહીદીની યાદમાં એનું નામ અમર રખાયું. અમર પાંચ વર્ષનો થયો ત્યારે એક આર્મી દ્વારા શહીદોને સલામીના પ્રોગ્રામ રખાયો હતો એમાં એ અમર ને લઈને ગઈ. આર્મી ઓફિસર્સએ સમ્માન સાથે અમર અને અમીનું સ્વાગત કર્યું. અમીને ઓફિસર્સ તરફથી બે શબ્દો બોલવા સ્ટેજ પર આમંત્રણ અપાયું. અમી ધીરે ધીરે મિતને યાદ કરતા સ્ટેજ પર રહેલા માઇક પાસે આવી.

"અહીંયા ઉપસ્થિત તમામ આર્મી ઓફિસર્સ, જવાનો, એમના પરિવારજનોને હું નમન કરું છું. એક શહિદ આર્મી જવાનની પત્ની હોવાથી હું એટલું તો સમજી જ શકું કે જવાનની પત્ની બનવા ઘણી હિંમત જોઈએ. મિત સાથે મેં લગ્ન પછી એક જ મહિનો વિતાવ્યો પણ મારો એ એક મહિનો જન્મોજન્મ માટે બહુ છે. મિતે ભારતમા માટે પોતાના પ્રાણની આહુતિ આપી એ પણ વેલેન્ટાઈનડેના દિવસે એ મારી સૌથી મોટી ગિફ્ટ હતી. જે હંમેશા મને એની યાદ અપાવશે. અમારો દીકરો અમર આજે પાંચ વર્ષનો થયો છે. હું આર્મી ઓફિસર્સને આજીજી કરું છું કે મારા અમરને પણ આર્મી માટે જરૂરી ટ્રેનિંગ અત્યારથી જ આપવામાં આવે. હું મારા પતિની સાથે મારા દીકરાને પણ દેશની રક્ષા માટે સોંપું છું બસ એજ..

જય હિન્દ... જય ભારત..."

            અમીના આ શબ્દો સાંભળી બધા જ લોકો તાળીઓના ગળગળાટ સાથે ઉભા થઇ અમીના શબ્દોને માન આપ્યું અને આર્મી ઓફિસર્સ પણ એક સેલ્યુટ કરી અમીને સમ્માન આપ્યું. અમીના માતા પિતા અને સાસુ સસરાને પણ અમી પર આજે ગર્વ થયું.

સમાપ્ત..

***
           આ એક કાલ્પનિક રચના છે જેને મેં દેશ પ્રેમ અને આર્મી જવાનોની સ્થિતિને થોડા શબ્દોમાં કવર કરવાની કોશિશ કરી છે. ૧૪ ફેબ્રુઆરી એ થયેલા પુલવામાં અટેકને અનુસંધાને જવાનોનો દેશ પ્રત્યેનો પ્રેમ અને જવાનની પત્નીની બહાદુરીને દર્શાવવાની નાની કોશિશ છે. શહીદોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે મારી આ રચના અર્પણ કરું છું. મને હિન્દુસ્તાની હોવાનું ગર્વ છે. જય હિન્દ..

***
ઈરફાન જુણેજા "ઇલ્હામ"
અમદાવાદ