Amangala Part 8 - Last part books and stories free download online pdf in Gujarati

અમંગળા - ભાગ ૮ - અંતિમભાગ

ભાગ  - અંતિમભાગ

  અઠવાડિયું લાગ્યું મંગળાને સામાન્ય થવામાં પણ હવે તે પહેલાં કરતા વધારે ખુશ રહેતી હતી. સૌથી પહેલું કામ તેણે કર્યું તે હતું  જીતેનની પોલીસ ફરિયાદ. જો કે જીતેન તે પહેલાં જ ફરાર થઇ ગયો હોવાથી પકડાયો નહિ પણ તેના ફ્લેટમાં એક સીડી મળી આવી જે જીતેન લેવાનું ભૂલી ગયો હતો.

પોલીસે મંગળાને આશ્વાસન આપ્યું કે તેની ઓળખાણ  ગુપ્ત રાખવામાં આવશે. એક દિવસ રસિકભાઇએ ઘરે આવીને મંગળાને ઘરે પાપડ અને અથાણાં બનાવીને વેચવાનો બિઝનેસ શરુ કરવાનો આઈડિયા આપ્યો જે બધાને બહુ ગમ્યો અને આમેય મંગળાને ઘરમાં કામ કરવું ગમતું અને શરુ થયો એક ગૃહઉદ્યોગ અને પ્રોડક્ટનું નામ રાખ્યું "મંગળાસ'. છ મહિનામાં તો મંગળાનો બિઝનેસ ચાલી નીકળ્યો. ચાલીની લગભગ દરેક સ્ત્રી એમાંથી કમાણી કરી રહી હતી.

 એક દિવસ મંગળાને સમાચાર મળ્યા કે તેની નાની બહેન પ્રચિતાના ત્રણ દિવસ પછી લગ્ન છે. મંગળાએ નિમીભાભીને કહ્યું,”મારે મારી નાની બહેનને આશીર્વાદ આપવા જવું જોઈએ.”

 નિમીભાભીએ કહ્યું,” મંગળા, તને કોઈ આમંત્રણ નથી આવ્યું તો આમ વગર આમંત્રણે જઈશ તો ત્યાં  તારું અપમાન થશે.”

 મંગળાએ કહ્યું,”તે ભલેને કરે હવે મારા માટે માન-અપમાન મહત્વના નથી, મહત્વનો છે આશીર્વાદ.” તે દિવસે સાંજે મંગળા પોતાના પિતાના બંગલાના સામે એક નાની સૂટકેસ લઈને ઉભી હતી. તે ઘરમાં જઈને માતાપિતાને પગે લાગી. પિતાએ તો આવકાર આપ્યો પણ માતાના ચેહરા પાર અણગમાના ભાવ આવી ગયા.

વિનય અને પ્રચિતાએ પણ બહુ ઉમળકો ન દેખાડ્યો પણ આ મંગળા હવે નવી  મંગળા  હતી, તેને આવી નાની બાબતોમાં રસ નહોતો,  તે પોતાની મસ્તીમાં હતી. મંગળાના આવવાથી ઘરનું વાતાવરણ થોડી તંગ બની ગયું હતું પણ મંગળાના ચેહરા પરના ખુશીના ભાવ જોઈને તેને કંઈ કહેવાની કોઈની હિંમત ન થઇ . તેની માતા બડબડ તો કરી રહી હતી પણ તેના મોઢે કશું કહી ન શકી. બધા સગાવહાલા આપસમાં ગુસપુસ કરી રહ્યા હતા.

રાત્રે બધા જમ્યા પછી હૉલમાં બેસીને આનંદથી વાતો કરી રહ્યા હતા, તે વખતે મંગળા ત્યાં આવી. તેના મામા પણ ત્યાં હાજર હતા.

તેમણે મંગળાને ઉદ્દેશીને કહ્યું,” બેટા, તને ખબર છે કે તારા પગલાં શુભ નથી અને તું અપશકુની છે તો તું તારા બહેનના લગ્નમાં કેમ આવી?”

 મંગળાએ શાંતિથી કહ્યું,”મામા અપશકુની કે અપવિત્ર?”

 મામાએ કહ્યું,”હું તારો મતલબ ન સમજ્યો?”

 મંગળાએ કહ્યું,”મતલબ ન સમજી શકો એટલા નાના તો નથી તમે?” મંગળા આગળ કંઈ કહે તેના પહેલા તેના ગાલ પાર તમાચો પડ્યો. મારનાર તેની મમ્મી સરિતા હતી.

તેણે કહ્યું,”આટલા લોકો વચ્ચે શું બોલી રહી છે તેનું ભાન છે તને? એક તો અમારી આબરૂના ધજાગરા ઉડાડ્યા છે ઉપરથી અહીં વાદવિવાદ કરી રહી છે. તને શું લાગે છે અમને ખબર નથી કે સુયશે તને છોડી દીધી છે અને એક ચાલીમાં રહીને અથાણાં પાપડ વેચી રહી છે.”

મંગળા આગળ વધી અને તેની મમ્મીને વળગી પડી અને કહ્યું,”થેન્ક યુ મમ્મી! મને લાગ્યું હતું કે લગ્ન પછી તેં મને સાવ છોડી દીધી છે, પણ તું મારી ખબર રાખે છે.”

તે વખતે વિનયે પૂછ્યું,”દીદી, તમે મામાને કેમ પૂછ્યું અપશકુની કે અપવિત્ર?”

મંગળાએ કહ્યું,”તું મામાને જ પૂછ ને કે મેં એમ શા માટે પૂછ્યું?” વાતનો દોર પોતાની તરફ વળવાથી મામા આડું જોઈ ગયા અને પરસેવો લુછવા લાગ્યા. વિનય મામાને તાકી રહ્યો.

મંગળાએ કહ્યું,”કોઈ જવાબ નહિ આપી શકે તને, કારણ મને અપવિત્ર કરનાર તે પોતે છે.”

 મામા આગળ વધ્યા અને અને મંગળાને તમાચો મારવા હાથ ઉપાડ્યો પણ તેમનો હાથ અધવચ્ચે રોકાઈ ગયો તેમનો હાથ પકડનાર પ્રચિતા હતી.

તેણે મંગળાને ઉદ્દેશીને કહ્યું,”દીદી, એક લાફો મારી દો તમે.”

 મંગળાએ કહ્યું,”તું મારી સાથે છે, તો હવે મારે તેમને લાફો મારવાની જરૂર નથી.”

 ત્યાં હાજર રહેલ દરેક વ્યક્તિની આંખો મામાને ઘુરી રહી હતી.

મામાએ પોતાની બહેન તરફ જોઈને કહ્યું,”દીદી, જોયું તેં તારી અપશકુની દીકરી લગ્નમાં કેવું વિઘ્ન નાખવા આવી છે, તે મારા પર કેવો ગંદો આરોપ લગાવી રહી છે . પતિએ છોડ્યા પછી કેવી કાવતરાખોર થઇ ગઈ છે.”

મંગળાની માતા નીચે જોઈ રહી હતી.

 મામાએ કહ્યું,”તું એને અહીંથી જવા માટે કેમ નથી કહી રહી? માર એને ચાર તમાચા એટલે તેની સાન ઠેકાણે આવે!”

સરિતાબેને કહ્યું,”મંગળા જૂઠું નથી બોલી રહી મને ખબર હતી કે તેં તેની સાથે શું કર્યું છે પણ હું મૂઈ, મારા પિયરનું ખરાબ ન દેખાય તે માટે ચૂપ રહી પણ હવે મને લાગે છે કે તે મારી ભૂલ હતી તારા લીધે મારી દીકરીનું જીવતર રોળાઈ ગયું.”

સરિતાબેને આગળ વધીને મંગળાને ગળે વળગાડી અને કહ્યું,”દીકરી, મને માફ કરી દે જે ભાઈના પ્રેમમાં અંધ હું કોઈને કહી ન શકી અને તું કોઈને કંઈ ન કહે તે માટે તારી સાથે કડકાઈથી વર્તતી રહી.”

બંનેની આંખમાંથી ગંગા-જમના વહી રહી હતી. આજે કદાચ પહેલીવાર પૂર્ણ પરિવાર એક સાથે હતો. વિનય ઉપર તરફ દોડ્યો અને એક બેગ લઇ આવ્યો અને તે મામા તરફ ફંગોળી  અને કહ્યું,” હું લગ્નમાં કોઈનો મૂડ ખરાબ નથી કરવા માગતો, તમે અહીંથી તરત નીકળી જાઓ અને ફરી મને મોઢું દેખાડતા નહિ.”

 મામાએ બેગ લીધી અને નીકળી ગયા તેમની પાછળ મામી અને તેમનો દીકરો પણ નીકળી ગયા.

            લગ્નના બે દિવસ પછી મંગળા પોતાની બેગ પેક કરી રહી હતી એટલે તેની મમ્મીએ કહ્યું,”હવે ક્યાં જાય છે દીકરી? તું અહીં જ રહે, ઈચ્છા થાય તો પપ્પાનો બિઝનેસ સંભાળજે. તારા પપ્પાની પણ ઈચ્છા છે કે તું અહીં રહે.”

મંગળાએ કહ્યું,”માંડ પગભર થઇ છું મમ્મી મને ફરી અપંગ ન બનાવો અને મારો જે ગૃહઉદ્યોગ છે તેના પર ઘણા ઘર નભે છે. પણ હવે એક વાત મને કહે કે હું સાચે જ અપશકુની છું?”

સરિતાબેને કહ્યું,”ના દીકરી, તને અપશકુની કહેવી એ મારી ભૂલ હતી તેના માટે મને માફ કરી દેજે.”

 મંગળાએ કહ્યું,” માતા કોઈ દિવસ માફી ન માગે અને તું મનમાં કોઈ જાતનો અપરાધભાવ ન રાખ, હું બહુ ખુશ છું.”  મંગળા બેગ લઈને બહાર નીકળી.

તે પછી ઘણી બધી ઘટનાઓ બની જીતેન પકડાઈ ગયો સુયશ આવીને માફી માગી ગયો, તેણે બંગલો મંગળના નામ પર કરવાની ઓફર પણ કરી જેનો મંગળાએ ઇન્કાર કર્યો.

          આજે તે બધી ઘટનાને દસ વરસ થઇ ગયા છે. આજે "મંગળાસ"ના પ્રોડક્ટના આઉટલેટ ગુજરાતના દરેક મોટા શહેરમાં છે અને મંગળા માથામાં થોડી સફેદી સાથે તેનું સફળતાપૂર્વક સંચાલન કરી રહી છે.

 

સમાપ્ત

( નોંધ : મામાના પાત્રને કોઈ નામ ન આપવા માટેનું મુખ્ય કારણ એ છે કે એ નામ નાહક બદનામ ન થાય , દુર્યોધનની જેમ )