Pratyagaman Part 1 books and stories free download online pdf in Gujarati

પ્રત્યાગમન - ભાગ ૧

ભાગ 

વર્ષ ૧૯૯૦

બોરીવલીના પોતાના ફ્લેટની બાલ્કનીમાં બેઠા બેઠા ચા પીતા મધુકરે પોતાના જીવન પ્રવાસનો વિચાર કર્યો. વિરારની નાની ચાલીમાંથી અત્યારે બોરીવલીના પૉશ એપાર્ટમેન્ટમાં પાંચમા માળે ખરીદેલો ફ્લેટ અને નસીબ જોર કરે તો આવતા વર્ષે વર્લીમાં પેન્ટ હાઉસ પણ ખરીદી શકશે તેના મિત્ર હર્ષદની જેમ. મધુકરે મૃણાલને અવાજ આપીને બોલાવી અને કહ્યું,”ધ્રુવ હજી સુએ છે કે? તેને ઉઠાડ નહિ તો તને આખી રાત જગાડશે.”

મધુકર સ્ટોક બ્રોકર હતો. તેના પિતા નાનાલાલ ગુજરાતના નાના શહેર ભરૂચથી આવીને વિરારમાં વસ્યા હતા. પહેલા દુકાનમાં નોકરી કરી અને મહેનત કરીને પોતાની નાની કરિયાણાની દુકાન નાખી. પછી પાઇ પાઇ જોડીને ચાલીમાં એક રૂમ લીધી. મધુકર નાનપણથી ભણવામાં હોશિયાર, તેણે બી કોમ કર્યું. ફાઇનલ યરની પરીક્ષા પછી તેના પિતાએ તેને દુકાને બેસવાનો આગ્રહ કર્યો.

આમ તો તે રજાના દિવસે દુકાને બેસતો હતો પણ દુકાનદારીનું કામ તેને મનહેઠે આવતું ન હતું. તેના સપનાં મોટા હતા. તેને ઓછી મહેનતે વધારે પૈસા કમાવવા હતા. તેને સવારે ૬ થી લઇ રાતના ૧૦ વાગ્યા સુધી મહેનત કરવાનું મંજુર ન હતું. તેણે પોતાના પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તે દુકાને નહિ બેસે. તેણે કહ્યું,”હું નોકરી કરીશ,  પણ દુકાને નહિ બેસું.”

પિતાએ કમને રજા આપી. તેમને હતું કે નોકરીથી કંટાળશે એટલે આવશે દુકાને. મધુકર એક કંપનીમાં સેલ્સમેન તરીકે જોડાયો. મધુકરને બીજી નોકરીઓ મળતી હતી, પણ સવારથી સાંજ એક જગ્યાએ બેસી રહેવું તેને મન મૂર્ખતા હતી.

તેની કંપની ફ્રીજ વેચતી હતી. તેમાં તેને ખુબ પ્રવાસ કરવો પડતો, પણ તેમાં તેને મજા આવતી. રોજ જુદી જુદી જગ્યાએ જવાનું અને નવા નવા લોકો સાથે મળવાનું તેને ગમતું. તેનું કામ હતું નવા નવા ડિસ્ટ્રીબ્યુટરો અપોઇન્ટ કરવાનું. નોકરી શરુ કર્યાને ૬ મહિના થયા પછી તેના લગ્ન મૃણાલ સાથે થયા. મધુકર અને મૃણાલના લગ્ન અરેન્જ મેરેજ હતા.

મૃણાલના માતા પિતા મૂળ વડોદરાના, પણ રહેતા હતા વસઈમાં. મૃણાલના પિતાની પણ કરિયાણાની દુકાન હતી. તેમના લગ્ન ૧૯૮૬ માં થયા. મૃણાલ એક ઘરરખ્ખુ ગૃહિણી હતી, તે ઘરમાં આવતાની સાથે દુધમાં સાકર ભળે તેમ ભળી ગઈ. મધુકર અને મૃણાલની જોડી લક્ષ્મી -વિષ્ણુ ની જોડી જેવી હતી. બંને આદર્શ પતિપત્ની હતા.લગ્ન થતાની સાથે તેને બઢતી મળી, તે હવે સિનિયર સેલ્સમેન હતો. તેના હાથ નીચે પાંચ સેલ્સમેન હતા. મધુકર દેખાવડો , હસમુખ અને મૃદુભાષી હોવાને લીધે તેના ફિલ્ડમાં સફળ હતો . ફ્રિજનું વેચાણ વધી રહ્યું હતું.

મધુકરનો એક મિત્ર હતો રાજેશ. બંને નાનપણથી સાથે ભણ્યા હતા. રાજેશ એક સ્ટોક બ્રોકિંગ ફર્મમાં કામ કરતો હતો. તેણે મધુકરની ઓળખાણ એક વ્યક્તિ સાથે કરાવી જેણે તેના જીવનની દિશા બદલી દીધી.

તે વ્યક્તિ નું નામ હતું " હર્ષદ મહેતા ".

રાજેશ એક સાંજે મધુકરને એક પાર્ટીમાં લઇ ગયો, ત્યાં તેના બૉસ હર્ષદ મહેતા સાથે ઓળખાણ કરાવી. ખુબ જ મીઠાબોલા અને મળતાવડા હર્ષદભાઈથી મધુકર પ્રભાવિત થયો, તેમણે ખુબ પ્રેમથી મધુકરની પૂછપરછ કરી. મધુકરે પોતાના કામકાજ વિશે લંબાણપૂર્વક ચર્ચા કરી. હર્ષદભાઈ તેનાથી ખુબ પ્રભાવિત થયા, ઉપરાંત મધુકર ખુબ મહત્વાકાંક્ષી હતો તે વાત તેમનાથી છૂપી ન રહી.

તેમણે વાતવાતમાં કહ્યું,”તમે કૉમેર્સ ફિલ્ડથી છો તો તમે સેલ્સમાં કેમ કામ કરો છો? તમે શેરબજારમાં કામ કરો ત્યાં તમને આગળ વધવાનો સ્કોપ પણ સારો છે. અત્યારે તમને કેટલો પગાર મળે છે કંપનીમાં?”

મધુકરે જવાબ આપ્યો,”અત્યારે દસ હજાર, કમિશન પાંચ હજાર જેટલું મળે છે ઉપરાંત પ્રવાસ ભથ્થું અલગથી.”

હર્ષદભાઈ હસ્યા,”બસ એટલું જ! અને તેના માટે આટલો પ્રવાસ કરો છો! તમે શેર માર્કેટ માં આવો પાંચ  થી છ કલાક કામ કરવાનું અને મહિનાના લાખો રૂપિયા કમાશો.”

મધુકરે કહ્યું,”પણ શેરબજારમાં રિસ્ક પણ છે અને નુકસાન થાય તો લાખોનું થાય.”

હર્ષદભાઈએ કહ્યું,”પાઠકસાહેબ, કમાણી કરવી હોય તો રિસ્ક તો લેવું જ પડે અને તમે ડરો નહિ હું છું ને તમને ગાઈડ કરવા. તમે એક કામ કરો મારી પાસે કામ કરો હું તમને મહીને વીસ હજારનો પગાર આપીશ. અને એક વાર કામ શીખી જાઓ એટલે સ્વતંત્ર રીતે કામ કરજો. આપણા ગુજરાતી છોકરાઓ કમાય એટલો જ મારો સ્વાર્થ.”

મધુકરે બીજા દિવસે ઘરે વાત કરી અને પિતાજીને કહ્યું,”હવે આ નોકરી છોડીને બીજી નોકરી કરવાનો છું એક સ્ટોક બ્રોકિંગ ફર્મમાં.”

નાનાલાલે કહ્યું ,”એટલે તું શેર બજારમાં પડવાનો છે? આટલી સારી નોકરી છે, હમણાં જ પ્રમોશન મળ્યું છે. શું જરૂર છે નોકરી છોડવાની! શેરબજારનું નક્કી નહિ તે સટ્ટા બજાર છે. તેમાં ભલભલા બરબાદ થયા છે.”

મધુકરે કહ્યું,”હું ફક્ત નોકરી કરવાનો છું, શેર બજારમાં પૈસા નહિ નાખું.”

નાનાલાલે કહ્યું,”તે શક્ય જ નથી, તું એકવાર ત્યાં જઈશ એટલે તું પ્રલોભન નહિ રોકી શકે. તું અત્યારની નોકરી છે તે જ ચાલુ રાખ.”

મધુકરે કડકાઈથી કહ્યું,”મેં આ વાત ફક્ત તમારી જાણકારી માટે કહી છે, તમારી રજા નથી માગી. તમે તમારી જિંદગી જીવી લીધી મને મારી રીતે જીવવા દો. હું આખી જિંદગી ચાલીમાં રહેવા નથી માગતો. મારા સપના ખુબ મોટા છે.”

નાનાલાલે કહ્યું,”તારે જો શેરબજારમાં પડવું હોય તો પડ, પણ તને હું મારી પ્રોપર્ટીમાંથી બેદખલ કરી દઈશ. આ દુકાન કે ઘર કશું તારા નામે નહી.”

મધુકરે કહ્યું,”હું મારી કમાણીથી તમને ઘર લઇને બતાવીશ અને તે પણ મુંબઈમાં. અહીં વિરાર કે વસઈમાં નહિ. આટલું કહીને મધુકર ઘરેથી નીકળી ગયો, કંપનીમાં રાજીનામુ આપવા.

મૃણાલ તેના સસરા પાસે આવી અને કહ્યું,”તમે ચિંતા ન કરો, હું તેમને સમજાવીશ.”

નાનાલાલે કહ્યું,”વહુ બેટા, મને ખબર છે! મધુકર ખુબ જિદ્દી છે તે કોઈનું નહિ માને. તેના જિદ્દી હોવાનો કોઈ વાંધો નથી, મને ચિંતા છે તેની મહત્વાકાંક્ષાની. વાંધો નહિ થોડું નુકસાન થશે એટલે ભાનમાં આવી જશે.”

મધુકરે નોકરી છોડી દીધી અને હર્ષદભાઈની કંપનીમાં જોડાયો. કૉમેર્સનો વિદ્યાર્થી હોવાથી તે કામ જલ્દી શીખ્યો અને ધીમે ધીમે પોતે બચાવેલા પૈસા શેરબજારમાં ઈન્વેસ્ટ કરતો ગયો અને તેમાંથી પણ કમાણી કરતો ગયો ખુબ જલ્દીથી તેની પાસે એટલી બચત થઇ ગઈ કે તેણે કાંદિવલીમાં પોતાનો ફ્લેટ લઇ લીધો. તે દરમ્યાન મૃણાલ પણ ગર્ભવતી થઇ ગઈ. વિરાર થી કાંદિવલીમાં શિફ્ટ થવાની મૃણાલની ઈચ્છા ન હતી, પણ મધુકરની માતા ઇલાબેનની સમજાવટથી તે તૈયાર થઇ.

ઇલાબેને કહ્યું,”મારી ઇચ્છા છે કે બાળક જન્મ અહીં વિરારમાં જ થાય.” પણ મધુકરની ઈચ્છા હતી બાળકનો જન્મ નવા ઘરમાં થાય, તેથી ઇલાબેન પણ મૃણાલ અને મધુકર સાથે નવા ઘરમાં ગયા. મધુકર શેરબજારમાં પ્રગતિ કરી રહ્યો હતો. મે, ૧૯૮૯ માં મૃણાલે એક સુંદર પુત્રને જન્મ આપ્યો તેનું નામ ધ્રુવ પાડવામાં આવ્યું. નાનાલાલ અને ઇલાબેન ખુબ ખુશ હતા. ખુશ કેમ ન હોય આખરે તેમની મૂડીનું વ્યાજ તેમને મળ્યું હતું. નાનાલાલે બીજે જ દિવસે પોતાની દુકાન અને વિરારની ચાલીનું ઘર ધ્રુવને નામે કરી નાખ્યું.

નાનાલાલે એક વાત કોઈને જણાવી ન હતી. તેમને ટી બી થયો હતો. તેમને ખબર હતી કે તે ૬ મહિના થી વધારે નહિ જીવી શકે.છેલ્લા બે વરસથી બીમાર હતા. ધ્રુવ ૬ મહિનાનો થયો તે વખતે તેમનું મૃત્યુ થયું. ખબર પડ્યા પછી મધુકરે ખુબ દવા કરાવી પણ બીમારી છેલ્લા સ્ટેજ પર પહોંચી ગઈ હોવાથી કંઈ થઇ ન શક્યું.મધુકરને વસવસો રહ્યો કે પોતે એટલો લાયક ન બની શક્યો કે પિતા પોતાની બીમારી વિશે વાત  કરે.

પતિના મૃત્યુ પછી ઇલાબેન કાયમ માટે કાંદિવલી રહેવા આવી ગયા.વિરારની દુકાન અને ઘર ભાડે આપી દીધા. તેમણે પોતાનું ધ્યાન પ્રભુભક્તિ અને ધ્રુવમાં પરોવ્યું.

તે સમયે શેરબજાર ખુબ તેજીમાં હતું અને હર્ષદભાઈ શેરમાર્કેટના અમિતાભ બચ્ચન અને બિગ બુલ તરીકે ઓળખાવા લાગ્યા હતા.

ક્રમશ: