Pratyagaman Part 4 books and stories free download online pdf in Gujarati

પ્રત્યાગમન - ભાગ ૪

ભાગ 

ધ્રુવનો કોલેજનો આજે છેલ્લો દિવસ હતો. થોડા દિવસ પછી પરીક્ષા અને પછી રિઝલ્ટ. ત્યારબાદ ઘણા બધા મિત્રો એવા હતા કે જેમને તે કદી પણ મળી નહિ શકે. દરેક જણ એકબીજા સાથે ડિસ્કસ કરી રહ્યા હતા કે કોલેજ પછી શું પ્લાન છે? કોઈ એમ બી એ કરવાનું હતું તો કોઈ સી એ તો કોઈ નોકરી. ધ્રુવને મિત્રોએ પૂછ્યું તો તેણે કહ્યું,” હું દુકાને બેસીશ.”

રાકેશે મજાક કરતા કહ્યું,” જો દુકાને જ બેસવાનું હતું તો ત્રણ  વરસ શું કામ બગાડ્યા?”

ધ્રુવે કહ્યું,”રાકેશ, આટલું ભણીને કોઈની પાસે નોકરી કરવા કરતા મારી દુકાનને આગળ વધારીને ચાર જણાને નોકરી આપીશ. એક દિવસ હું દુનિયાને બતાવી દઈશ કે ધ્રુવ પાઠક શું ચીજ છે.”

ધ્રુવની આવી વાતો બધાને ન ન ગમતી પણ એક છોકરી હતી તેને ધ્રુવની દરેક વાત ગમતી તે હતી, નીલામ્બરી. પણ બધા તેને નીલા કહીને બોલાવતા. નીલા સવા પાંચ ફૂટ ઊંચાઈ, ઘઉં વર્ણ અને સાધારણ દેખાય એ વી યુવતી હતી. ધ્રુવની ખુબ સારી મિત્ર હતી. તે ધ્રુવને દરેક બાબતમાં સપોર્ટ કરતી. ધ્રુવને પણ તેની સંગત પસંદ હતી, તે ક્યારેય ઉદાસ હોય ત્યારે નીલા સાથે વાત કરતો અને તેના હૈયાનો ભાર ઉતરી જતો. નીલા મનોમન ચાહતી હતી ધ્રુવને, પણ ધ્રુવ તેને ફક્ત પોતાની સાચી મિત્ર માનતો હતો.

નીલાએ કોઈ દિવસ પોતાની ચાહતનો એકરાર નહોતો કર્યો કારણ તેને ખબર હતી કે ધ્રુવ શ્વેતાને ચાહે છે. શ્વેતા એક શ્રીમંત પરિવારની લાડકોડમાં ઉછરેલી કન્યા અને નાનપણથી તે બેફીકરા સ્વભાવની હતી. આમ તો નીલા શ્વેતા ધ્રુવ બધાય એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના હતા, પણ કોલેજમાં તેમની દોસ્તી થઇ ગઈ. પહેલા બે વરસ તો શ્વેતા અને ધ્રુવ વચ્ચે કંઈ ન હતું, પણ ત્રીજા વરસમાં ધ્રુવે શ્વેતાને પ્રપોઝ કર્યું અને શ્વેતાએ હા કહી. બંને વચ્ચે એક  વરસ અફેર ચાલ્યું. ત્રીજા વરસના અંતે શ્વેતાએ ધ્રુવને તેના પપ્પાની કંપનીમાં નોકરી કરવા કહ્યું, તો ધ્રુવે ઇન્કાર કર્યો અને કહ્યું,”હું દુકાન જ સંભાળીશ અને તેને આગળ વધારીશ.”

શ્વેતાએ કહ્યું,” પપ્પાને તું ગમે છે અને તેઓ આપણા લગ્ન માટે પણ રાજી થશે, પણ તું નાની દુકાન ચલાવે તે તેમને પસંદ નથી, આગળ જઈને કંપની તારે જ સંભાળવાની છે તેની ખબર છે ને તને.”

ધ્રુવે કહ્યું,”હું જાતમહેનતથી આગળ આવવા માંગુ છું. હું તને ચાહું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છે તે સાચું છે પણ હું મારી કમાણી પર જીવવા માંગુ છું. જો તું મારો, હું જેવો છું તેવો સ્વીકાર કરે તો ઠીક છે, નહિ તો આપણા રસ્તા આજથી જુદા છે.” શ્વેતાએ તેને સમજાવવાની કોશિશ કરી પણ વ્યર્થ.

અંતે શ્વેતાએ કહ્યું,”આજે લક્ષ્મી તને સામેથી ચાંદલો કરવા આવી હતી, પણ તે ઇન્કાર કર્યો. આવી હોય છે તમારા મધ્યમવર્ગીય પુરુષોની મેન્ટાલીટી, સો કોલ્ડ સ્વાભિમાન. તમને અભાવમાં જ જીવવું પસંદ હોય છે. અભાવમાં જ જીવશે અને અભાવમાં જ મરશે. હું અભાવમાં જીવવા માગતી નથી. તારા નસીબમાં મારા જેવી સુંદર છોકરી ક્યાંથી હોય! તારા નસીબ માં તો નીલા જેવી ચંપુ છોકરી જ હોય. તું તો નીલાને જ પરણજે પછી બંને મળીને ચલાવજો તમારી નાની દુકાન.”

કોલેજથી પાછા આવતા બે દિવસ પહેલા થયેલા બ્રેકઅપનો વિચાર કર્યો અને આંખમાં આંસુ આવી ગયા પણ તેણે પોતાનું મન મજબૂત કર્યું અને વિચાર્યું કે જે થાય તે સારા માટે જ થાય છે. અને ધ્રુવે અંતિમ પરીક્ષાની તૈયારી શરુ કરી.

છ મહિના થઇ ગયા હતા કોલેજ પુરી થઈને, ધ્રુવ દુકાને બેસતો હતો. મૃણાલ બપોરે જમવાના સમયે કે પછી સાંજે થોડીવાર માટે દુકાને આવતી. ધ્રુવે કહ્યું,” મમ્મી, હવે તું આરામ કર અને હું દુકાન સંભાળીશ.”

થોડા સમય પછી સમાચાર મળ્યા કે શ્વેતા પરણીને અમેરિકા ચાલી ગઈ હતી. દિલ તૂટી ગયું ધ્રુવનું ખુબ રડ્યો નીલાના ખભે માથું નાખીને. આટલા મિત્રોમાં ફકત નીલાએ કોન્ટાક્ટ જાળવી રાખ્યો હતો.

નીલાએ કહ્યું,”તારા જીવનનું લક્ષ્ય શ્વેતા નહિ, પણ તારી મમ્મીનું સુખ છે, તેણે તને કેવી રીતે મોટો કર્યો, તે યાદ કર.”

ધ્રુવ ફક્ત એટલું જ કહી શક્યો ,”તું મારી સાચી મિત્ર છે, તું ન હોત તો મારુ શું થાત?”

થોડા સમય પછી ધ્રુવે આજુબાજુની બે દુકાન પણ લઇ લીધી અને પોતાની દુકાનને સુપર માર્કેટનું રૂપ આપી દીધું . તે દિવસે મૃણાલ ખુબ ખુશ હતી અને તેના ઉદ્ઘાટનના દિવસે જ ધ્રુવને નીલાએ લગ્ન કરવા તૈયાર છે? એવું પૂછ્યું તો તેણે હા પડી અને મૃણાલે રાજી રાજી તેમની સગાઇ કરી દીધી.

ધ્રુવે સગાઇ તો કરી લીધી પણ તેણે શરત મૂકી લગ્ન બે વરસ પછી જ કરશે.

નીલાએ કહ્યું,"હું તારા માટે દસ વરસ પણ રાહ જોવા તૈયાર છું.” ધ્રુવના મનમાં નીલા માટે ખુબ પ્રેમ ઉભરાઈ આવ્યો. તે વિચારવા લાગ્યો કે શ્વેતાને લીધે તેણે નીલા તરફ કોઈ દિવસ ધ્યાન આપ્યું નહિ, તેને અંદાજો પણ ન હતો કે નીલા તેને આટલું બધું ચાહતી હતી.

ધ્રુવે કહ્યું,”ખોટું ન લગાડતી, મારે મારાં સપના પુરા કરવાના છે અને કદાચ સપના પુરા કરવાની લાહ્યમાં હું તારી તરફ ધ્યાન ન આપી શકું તેથી હું તારી પાસે બે વરસનો સમય માંગુ છું.”

નીલાએ કહ્યું,”આવડા અમથા કારણ માટે લગ્ન શું કામ ટાળે છે! હું કદીયે તારા અને સપના વચ્ચે નહિ આવું. હું તને ખુબ ચાહું છું અને હંમેશા તને ખુશ જોવા માંગુ છું.”

ધ્રુવે નીલાને બાહોમાં ભરી લીધી અને કહ્યું,”ઠીક છે! તું કહે તેમજ કરીશું આપણે આવતા મહિને લગ્ન કરી લઈશું.”

ધ્રુવના નિર્ણયથી મૃણાલને જાણે દુનિયાભરની ખુશી મળી ગઈ. મૃણાલે કહ્યું,” હવે મને શાંતિ મળશે હવે મારી આંખો મીંચાઈ જાય તો પણ વાંધો નહિ!”

કબાટમાંથી મધુકરનો ફોટો કાઢીને કહ્યું,”જુઓ તમારા ગયા પછી પણ હું તૂટી નહિ, ધ્રુવને ભણાવીને મોટો કર્યો અને હવે લગ્ન પણ થવાના છે. દુનિયા ભલે કહેતી કે તમે નથી રહ્યા, પણ મને વિશ્વાસ છે કે એક દિવસ તમે પાછા આવશો.તમે અહીં હોત તો ધ્રુવના લગ્ન ખુબ ધામધૂમથી કર્યા હોત.”

એક મહિના પછી ધ્રુવ અને નીલાના લગ્ન સાદાઈથી થઇ ગયા. નીલાના પપ્પાની ઈચ્છા ધૂમધામથી કરવાની હતી પણ ધ્રુવ સાદાઈથી લગ્ન કરવા માંગતો હતો તેથી ધ્રુવની ઈચ્છાનું તેમણે માન રાખ્યું.

લગ્ન પછી હનીમૂન પર જવાને બદલે ધ્રુવ દુકાન પર જવા લાગ્યો. ધ્રુવે કહ્યું,” મારું લક્ષ્ય સુપર માર્કેટ નહિ પણ શોપિંગ મોલ છે અને શોપિંગ મોલ ખોલ્યા પછી જ મને જંપ વળશે, ત્યારબાદ આપણે દુનિયાભરમાં ફરીશું. માત્ર છ મહિનામાં ધ્રુવની સુપરમાર્કેટ ધમધોકાર ચાલવા લાગી હતી અને તેણે લાગુ કરેલી સ્કીમોને લીધે તેની ઘરાકી પણ દસગણી વધી ગઈ હતી. તે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો હતો. તેણે શહેરની બહાર થોડી જમીન ખરીદી લીધી.

ક્રમશ: