Prinses Niyabi - 15 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | પ્રિંસેસ નિયાબી - ભાગ 15

પ્રિંસેસ નિયાબી - ભાગ 15

દાદી ઓના એ જે કહ્યું એ એકદમ સાચું હતું. એ જાણતા હતા કે નિયાબી જ રાયગઢની રાજકુમારી છે. દેવીસિંહને બંધી બનાવ્યા પછી દાદી ઓના ક્યારેય એને મળ્યા નહોતા. પણ બે સંદેશાઓ એમણે દેવીસિંહ ને મોકલ્યા હતા. એક તો માતંગીનો જન્મ અને સારી પરવરીશ થઈ રહી છે એ અને બીજો માતંગી સેનાપતિ બની ગઈ છે એ. બસ બીજો કોઈ સંદેશો એમણે મોકલ્યો નહોતો. એ લોકો પોતાની ઓળખ છતી કરવા નહોતા માંગતા એટલે ક્યારેય મળ્યા પણ નહિ અને સંદેશાઓ ની આપલે પણ ના કરી.

પણ દાદી ઓનાએ બંસીગઢ પર રાજકુમારી પર નજર રાખવા બે માણસો મુક્યા હતા. એ રાજકુમારીની દરેકે દરેક તકલીફ થી વાકેફ હતા. એમના માણસો તો નિયાબીને જંગલમાં થી જ લઈ આવવાના હતા. પણ બધા પ્રાણીઓ નિયાબી ને ઘેરી વળ્યાં એટલે એ લોકો નિયાબી પાસે ના જઈ શક્યા. પણ કેરાકે નિયાબી ને બચાવી અને એની જે રીતે મદદ કરી એ દાદી ઓનાને ખબર હતી. નિયાબી કેરાક પાસે સુરક્ષિત હતી. એટલે દાદી ઓના હવે નિશ્ચિંત બન્યા હતા. પણ એમણે દરેકે દરેક વાત ની ખબર રાખી હતી. ને એટલે જ જ્યારે નિયાબી રાયગઢ આવી ત્યારે દાદી ઓનાએ યોજના બનાવી નિયાબીને પોતાની પાસે જ કામ માટે રાખી લીધી.

બસ સમસ્યા એટલી જ હતી કે દાદી ઓના ખુલી ને સામે આવી શકે એમ નહોતા. ને એનું કારણ હતું લુકાસા. તેઓ ક્યારેય નહોતા ઈચ્છતા કે લુકાસા ને આ બધી ખબર પડે. ભલે તેઓ દેશ માટે કંઈપણ કરવા તૈયાર હતા, પણ લુકાસા ને દુઃખી કરવા નહોતા માંગતા. ને એટલે જ એ પડદા પાછળ રહી કામ કરી રહ્યા હતા. બસ હવે એ દેવીસિંહની રાહ જોઈ રહ્યા હતા.

સાંજ સુધીમાં નુએન, ઓનીર અને નિયાબી રાયગઢ પાછા આવી ગયા. ઘરે બધાં સાથે બેસી ને વાતો કરી રહ્યા હતા.

રીનીતા: બધું બરાબર છે? કઈ સારા સમાચાર?

નુએન: હા ખૂબ સારા સમાચાર છે. આપણે તો વિચાર્યું પણ નહોતું એવી સફળતા મળી છે.

ઝાબી: એટલે શુ છે? જલ્દી કહો મને જાણવાની ખૂબ તાલાવેલી લાગી છે.

અગીલા: હા જલ્દી કહો. શુ સારા સમાચાર છે?

અગીલા, ઝાબી અને અસીતા ખૂબ ઉત્સાહમાં આવી ગયા હતાં. નુએને જે પણ એમને જાણવા મળ્યું હતું એ બધું કહી સંભળાવ્યું. નુએન ની વાત સાંભળી એ લોકો નવાઈ પામી ગયા.

રીનીતા: તો હવે આપણે મિઝીનો પર હુમલો કરવા તૈયાર રહેવાનું છે એમજ ને?

નુએન: હા. બસ હવે કાલનો દિવસ. પછી આપણે મોઝિનોને બરાબર એના કરેલા પાપો ની સજા આપીશું.

અગીલા: ઓનીર આ તો ખૂબ સરસ વાત છે. આજે હું અને ઝાબી પણ સેનાપતિ માતંગી ને મળ્યા હતાં. એ ખૂબ ઉદાસ લાગી રહી હતી.

એટલે? કેવી રીતે? શુ થયું હતું? ઓનીર ઉત્સાહ થી પૂછી રહ્યો હતો.

અગીલા: ઓનીર આજે બજારમાં...........પછી બધી વાત અગીલાએ કહી સંભળાવી.

ઓનીર: તો આમાં નવું શુ છે?

અગીલા: નવું એ છે કે એ માતંગી જરૂર મોઝિનોની સાથી નથી. એ કામ મોઝિનો માટે કરે છે. પણ એનો ઈરાદો કઈક બીજો છે.

ઓનીર: જો એ હજુ કઈ નક્કી નથી કે મોઝિનોની સાથે નથી. હવે આપણી પાસે સમય નથી. બસ કાલનો જ દિવસ. પરમદિવસે તો દેવીસિંહ રાયગઢ આવી જશે. એ પહેલા આપણે મોઝિનોના ઓરડા સુધી પહોંચી જવાનું છે અને ત્રિશુલ ઉઠાવી લેવાનું છે.

ઝાબી: પણ ઓનીર એ કેવી રીતે શક્ય બનશે?

નિયાબી: એની કોઈ ચિંતા નથી. ઓનીર કાલે રાત્રે આપણે એક સાથે કામ કરીશું. હું રાત્રીના ત્રીજા પહોરમાં મારા જાદુથી રાયગઢ માં કાલનિંદ્રાચક્ર ફેરવી દઈશ. આ સમયે બધા લોકો સુતા હશે અને જે લોકો નહિ સુતા હોય એ પણ સુઈ જશે. પછી તું મોઝિનો ના ઓરડામાં થી ત્રિશુલ લઈ આવજે. તું પાછો આવી જઈશ પછી હું મારો જાદુ પાછો ખેંચી લઈશ.

અગીલા: તો પછી હું મારા વિસ્મરતીન જાદુ થી જે લોકો જાગતા હતા ને અચાનક સુઈ ગયા એમની સ્મૃતિ ભ્રંશ કરી દઈશ. જેના લીધે કોઈ ને યાદ જ નહિ રહે કે એ લોકો સુઈ ગયા હતા. બધું રાબેતા મુજબનું જ લાગશે.

ઓનીર: ખુબ સરસ. તો હું ત્રિશુલ લઈ અહીં ઘરે આવી જઈશ.

નુએન: હા પછી આગળ નો મોરચો ત્રિશુલ સાથે હું સંભાળી લઈશ. દેવીસિંહ મોઝિનો ને જોશે. અગીલા અને નિયાબી તમે લુકાસા ને સંભાળજો. ઝાબી અને ઓનીર સૈનિકો ને સંભાળશે. રીનીતા તું કોહી સાથે કેરાકને સંદેશો કહેવડાવી દે કે એમની મદદ ની જરૂર છે.

રીનીતા: જી.

નુએન: ઓનીર તું અને નિયાબી કાલે મહેલમાં જજો. ને મહેલના ભોંયરામાં પેલો ગુપ્ત ઓરડો શોધવાનો પ્રયત્ન કરજો. જ્યાં થી લોખંડના પહેરેદારો પર નિયંત્રણ કરવામાં આવે છે. જેથી હું અને કેરાક આ ત્રિશુલ ની મદદ થી ત્યાં જઈને આ ધાતુના પહેરેદારોને નકામા બનાવી દઈએ.

ઓનીર: જી અમે એ કામ કરી લઈશું.

નુએન: તો પછી સુઈ જાવ. હવે ગણતરીના કલાકો જ બચ્યા છે મોઝિનો સાથે બાથ ભીડવાના. બધા પોતપોતાની તૈયારીઓ કરી લો.

બધાએ માથું હલાવી હા કહ્યું અને પછી સુવા માટે જતા રહ્યા. રીનીતાએ કોહી સાથે કેરાક ને સંદેશો મોકલી આપ્યો.

આ બધી વાતમાં આ લોકો એ નહોતા જાણતા કે માતંગી અને લુકાસા આવતીકાલે દેવીસિંહને મળવા ગુફા પર જવાના છે. તો એ શુ નવું લઈને આવશે?

માતંગી દાદી ઓનાની વાત માની સવારે લુકાસા સાથે ગુફા પર જવા નીકળી ગઈ. દેવીસિંહ અને એના સાથીઓ ગુફામાંથી નીકળી બીજી કોઈ જગ્યાએ ચાલ્યા ગયા હતા. ને આ સ્થાન રાયગઢ થી માત્ર ચાર માઈલ જ દૂર હતું. જેથી રાયગઢ પહોંચવામાં તકલીફ ના પડે.

ઓનીર અને નિયાબી કામ પર જવાનું ના હોવા છતાં કામ પર ગયા.

દાદી: અરે! આજે તો તારે નહોતું આવવાનું? શુ થયું? બધું બરાબર છે ને?

નિયાબી દાદી ઓના પાસે ગઈ ને એમની પાસે બેસતા બોલી, કઈ જ થયું નથી. પણ તમારા વગર ઘરે મન નહોતું લાગતું. એટલે આવી ગઈ.

દાદી ઓના ધારી ધારી ને નિયાબી ને જોવા લાગ્યા.

નિયાબી: શુ થયું? તમને ના ગમ્યું?

દાદીએ નિયાબી ના માથે હાથ ફેરવતા કહ્યું, ના ના એવું કઈ નથી. સાચું કહું તો મને હવે તારી આદત પડી ગઈ છે. તું ના આવે તો મને ગમતું નથી. ખૂબ સારું થયું કે તું આવી ગઈ.

નિયાબી: જોયું ને તમને પણ મારી આદત પડી ગઈ ને? ચાલો તમે બેસો હું આજનું તમારું ભોજન જોઈ લઉં.

પછી નિયાબી ત્યાં થી નીકળી ગઈ. પણ એના મનમાં દાદી ઓના માટે સવાલો ઉઠવા લાગ્યા. જો કાલે આ બધું થશે તો દાદી ઓનાનું શુ થશે? જો લુકાસા ને કઈ થઈ ગયું તો? શુ દાદી ઓના .......ને નિયાબી ડરી ગઈ. એ આગળ ના વિચારી શકી. એ તરત જ કામમાં લાગી ગઈ.

દાદી ઓના નિયાબી ને જતી જોઈ રહ્યા. એ મનમાં જ બોલ્યાં, મને ખબર છે કે રાજકુમારી નિયાબી તમે આજે કેમ આવ્યા છો? તમે તમારી આવતીકાલની યોજનામાં કોઈ સમસ્યા તો નથી આવવાની ને એ જોવા આવ્યા છો. પણ તમને ખબર નથી કે માતંગી અને લુકાસા મહેલમાં નથી. એ લોકો ને તો સંધ્યા સુધીમાં તો ખબર પડી જશે કે દેવીસિંહ કેદમાં થી ભાગી ગયો છે. ને એ પછી લુકાસા ચૂપ નહિ રહે એતો એજ ઘડીએ રાયગઢ પાછી આવવા નીકળી જશે. ને મોઝિનો રાત્રે જ જાણી જશે કે દેવીસિંહ કેદમાં થી ભાગી ગયો છે. પછી એ શાંત નહિ બેસે. ને પછી તમારી યોજના સફળ બનાવવી મુશ્કેલ થઈ જશે. હવે મારે જ કઈક કરવું પડશે.

દાદી ઓનાએ એક સેવકને બોલાવ્યો અને તેને એક કાગળ લખીને નિયાબી પર અત્યાર સુધી ધ્યાન રાખી રહેલા પોતાના માણસો સુધી આ કાગળ સંધ્યા પહેલા પહોંચાડવાનું કહ્યું. સેવક મારતે ઘોડે બપોર સુધીમાં પેલા માણસો પાસે પહોંચી ગયો. એ માણસો હજુ પણ કેરકના વિસ્તારમાં જ હતા. દાદી ઓનાનો કાગળ વાંચી એ તરત જ કેરાક પાસે ગયાં.

કેરાક પોતાના પ્રાણીઓ સાથે બેસી ને એમને ખવડાવી રહ્યો હતો. જાળીઓના અચાનક હલચલ થવા થી કેરાક સતેજ થઈ ગયો. એણે પોતાની તલવાર કાઢી ને તૈયાર થઈ ગયો. એ જાળીમાં થી પેલા બે દાદી ઓનાના માણસો કેરાક સામે આવ્યા. આમ અજાણ્યા લોકોને પોતાના વિસ્તારમાં જોઈ કેરાક નવાઈ પામ્યો.

કેરાક: કોણ છો? ને અહીં શુ કરો છો?

એક વ્યક્તિ: રાજા કેરાક મારુ નામ શંકરસિંહ છે. ને આ મારો સાથી છે. અમે તમારા માટે સંદેશો લાવ્યા છીએ.

કેરાક: સંદેશો? કોનો સંદેશો?

શંકરસિંહ: રાયગઢ થી સંદેશો છે.

રાયગઢનું નામ સાંભળી કેરાક ની આંખો મોટી થઈ ગઈ. એણે કડક અવાજે પૂછ્યું, રાયગઢ? એ શુ છે?

શંકરસિંહ: રાજા કેરાક અમને સાંભળો અમે તમારા મિત્ર છીએ. ને તમારી મદદ માટે આવ્યા છીએ.

કેરાક શાંત થઈ ગયો ને બોલ્યો, બોલો.

શંકરસિંહ: રાજા કેરાક આ વાત રાયગઢ ના રાજા પોતાની દીકરીને પોતાની બેન નુરાલીન પાસે મૂકી ત્યાર પછી શરૂ થાય છે. અમે રાજાના મૃત્યુ પછી રાજકુમારી પર સતત ધ્યાન રાખી રહ્યા હતા. ને પછી...................... શંકરસિંહે નિયાબી કેરાક પાસે તાલીમ લઈ પાછી આવી ને રાયગઢ ગઈ ત્યાં સુધીની બધી વાત કરી.

કેરાક તો આ સાંભળી નવાઈ પામી ગયો. એને તો સપનામાં પણ ખ્યાલ ના આવ્યો કે નિયાબી અને એના પર કોઈ નજર રાખી રહ્યું હતું. એણે શંકરસિંહ ને પૂછ્યું, તો હવે તમે અહીં કેમ આવ્યા છો? હું તમારી શુ મદદ કરી શકું?

શંકરસિંહ: રાજા કેરાક અમે રાયગઢ ના રાજાની જટાયુ ટુકડીના માણસો છીએ. અમે ઈચ્છીએ કે રાજકુમારી નિયાબીને પોતાનું રાજ્ય પાછું મળે અને મોઝિનોનો અંત આવે. ને એટલે આટલા વર્ષો થી અમે ચુપચાપ રાયગઢમાં અમારું કામ કરી રહ્યા હતા. અમે એ પણ જાણીએ છીએ કે તમારા લોકો રાયગઢમાં છે. હવે આવતીકાલે શુ થવાનું છે એ તમને ખબર હશે? કેમકે કોહી તમારી પાસે સંદેશો લઈ આવી ગયો છે.

કેરાક: હા મને ખબર છે.

શંકરસિંહ: રાયગઢમાં અમારી ટુકડીના એક મુખ્ય સદસ્ય રહે છે. એમણે આ સંદેશો મોકલ્યો છે તમારા માટે. શંકરસિંહે દાદી ઓનાનો કાગળ કેરાકને આપ્યો.

કેરાકે કાગળ હાથમાં લીધો અને વાંચવા લાગ્યો. કાગળ વાંચ્યા પછી કેરાકે કહ્યું, હું તૈયાર છું.ક્રમશ..............

Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 3 years ago

maya

maya 3 years ago

Madhavi Sanghvi

Madhavi Sanghvi 3 years ago

Minal Sevak

Minal Sevak 3 years ago

Namrata Shah

Namrata Shah 3 years ago