Ishaan ane streeo - 1 in Gujarati Novel Episodes by Irfan Juneja books and stories PDF | ઈશાન અને સ્ત્રીઓ - ૧

ઈશાન અને સ્ત્રીઓ - ૧

પ્રસ્તાવના

આ એક કાલ્પનિક રચના છે. જે આપ સૌના મનોરંજન માટે લઈને આવી રહ્યો છું. જો કોઈ વ્યક્તિ સાથે આ રચના સંબંધિત લાગે તો એ માત્ર આકસ્મિક સંજોગ હોય શકે.

*******
ઈશાન અને સ્ત્રીઓ
ભાગ ૧
*******

"હેલ્લો કલ્પના! હાઉ આર યુ? બહુ દિવસો પછી આજે તારો ફોન આવ્યો. આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો?"

"હા.. હા.. હા.. અરે ઈશાન એવું નથી પણ જોબ અને બાળકો માંથી સમય જ ક્યાં મળે છે. આજે તો નવરી બેઠી હતી તો થયું કે તને ફોન કરી લઉં."

"સારું કર્યું, હું પણ તારા ફોન મિસ કરતો તો.."

ઈશાન અને કલ્પના વર્ષોથી મિત્રો હતા. એમની મુલાકાત સાહિત્યના એક ફનક્શનમાં થયેલી અને પછી નંબરની આપ-લે થયેલી. કલ્પના ઉંમરમાં ઈશાનથી ઘણી મોટી હતી પણ સ્વભાવે બંને જાણે એક જ ઉંમરના. કલ્પના ચાલીસી વટાવી ચૂકેલી અને ઈશાન કોલેજનો સ્ટુડન્ટ છતાં બન્ને એકબીજાને તું કહી બોલાવતાં. કલ્પના બે બાળકોની માં હતી પણ કોઈ કહે નહીં કે એ સ્ત્રી આટલી મોટી ઉંમરની હશે. ઈશાન અને કલ્પના સાથે ઉભા રહે તો જાણે એક જ ક્લાસના સ્ટુડન્ટ લાગે.

ઈશાન કોલેજથી છૂટીને પોતાની બસની રાહ જોઈ રહ્યો હતો અને કલ્પનાનો કોલ રણક્યો એટલે બન્ને વચ્ચે વાતો ચાલુ હતી.

"તું મને મિસ કરે છે એમ? કેટલું ખોટું બોલીશ હે?"

"અરે! સાચે કલ્પના, બહુ દિવસોથી વાત નહોતી થઇ અને તું તો જાણે જ છે કે તારા સિવાય મારી બીજી કોઈ ફ્રેન્ડ છે ખરી?"

"એટલે બીજું કોઈ નથી મળતું એટલે મને યાદ કરે છે એમ?"

"અરે! ના કલ્પના એવું નથી. પણ તારી સાથે વાતો કરું છું તો જાણે મનનો ભાર હળવો થાય છે અને હું જાણું છું તને પણ ખુબ ગમે છે મારી સાથે વાતો કરવી નઈ?"

"હા ગમે તો છે. પણ ઈશાન મને એ નથી સમજાતું કે તું યંગ છે. ગુડ લુકિંગ છે. કોલેજ કરે છે, ભણવામાં પણ હોંશિયાર છે તો પછી મારા જેવી લેડી જ કેમ? તું કોલેજમાં આંટો મારે તો તને ઘણી છોકરીઓ મળી રહે જે તારી ફ્રેનશીપને લાયક હોય."

"કલ્પના મિત્રતા ઉંમર જોઈને થોડી થાય છે. એતો બસ મનને ગમે એની સાથે થઇ જાય. અને તને તો ખબર જ છે કે મને એવી વ્યક્તિ સાથે વધારે ફાવે જે મને સમજે"

"જાણું છું પણ તેમ છતાં મને ક્યારેક એમ થાય કે ઈશાન મારા કરતાં કઈ વધારે સારી છોકરી ડિઝર્વ કરે છે પોતાની મિત્ર તરીકે.."

"બસ હવે! કેટલી બકવાસ કરીશ? તને ખબર છે કે મેં તને દોસ્તીની ઓફર કરેલી અને તે ફટ દઈને અપનાવેલી. એ પછી આજે બે વર્ષ પછી પણ તું ને હું એકબીજા સાથે વાતો કર્યા વગર નથી રહી શક્યા હવે તો એકબીજાના ગમા અણગમાનો પણ સારી રીતે પરિચય છે."

"હા એ'તો છે. પણ ભળવામાં ફોકસ કરજે અને સારું કરિયર બનાવજે. એ જ પહેલો ગોલ છે. સમજ્યો."

"હા કલ્પના દર વખતે તું આ કહે છે જાણું છું. હું સારું કરિયર બનાવીશ તું બહુ ટેન્શન ન લે. એ કહે તારા બાળકો કેમ છે?"

"કાયા સુતી છે અને કેવિન બાજુવાળાને ત્યાં રમે છે"

કલ્પનાને બે બાળકો કાયા અને કેવિન હતા. કાયા 2 વર્ષની અને કેવિન પાંચ વર્ષનો. કાયા એક વર્ષની થયેલી ત્યારે જ કલ્પનાના પતિનું એક એક્સિડન્ટમાં અવસાન થયેલું. સાસરિયાં પક્ષવાળાએ એને થોડા સમય રાખેલી પણ ત્રાસની કંટાળીને એને અલગ રહી બન્ને બાળકોની માવજત કરવાનું વિચારેલું.

પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ભૂમિકા ભજવી રહેલી કલ્પનાએ થોડા વર્ષો ભાડે રહીને પછી પોતાનું એક નવું ઘર બનાવેલું ત્યાં બન્ને બાળકો સાથે હાલ એ ખુશ હતી.

"સારું! ચાલ કલ્પના મારી બસ આવી ગઈ. હવે પછી વાત કરીશું. તારું ધ્યાન રાખજે અને કઈ પણ કામ હોય તો કહેજે."

"જરૂર ઈશાન, આજે મજા આવી ઘણા સમય પછી વાત કરીને. ધ્યાનથી જજે અને હોસ્ટેલમાં જમવામાં ધ્યાન આપજે અને પોતાની કાળજી રાખજે."

"હા, થેન્ક્સ કલ્પના, બાય ટેક કેર.."

"બાય, ટેક કેર ઈશાન..."

ઈશાન કલ્પનાનો ફોન મૂકીને બસમાં ચઢ્યો. ઈશાન કોલેજના છેલ્લા વર્ષમાં હતો. ભણવામાં એને રસ હતો પણ સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ એ કરતો. એમાં લખવાનો એનો શોખ એને કલ્પના સાથે મળાવી ગયો. ઈશાન રહેવા માટે કોલેજથી ત્રણ કી.મી. આવેલી સમાજની હોસ્ટેલમાં રહેતો. સ્વભાવે શાંત પણ ગુસ્સો આવે ત્યારે કોઈનું ન સાંભળે એવો ઈશાન દેખાવે પણ સુંદર હતો. રેગ્યુલર જિમ કરી પોતાના શરીરને ભરાવદાર અને ખડતલ એને બનાવેલું. ઈશાનને ખ્યાલ હતો કે કોલેજમાં ઘણી છોકરીઓ એની સાથે વાતો કરવા મથતી પણ ન જાણે કેમ એ જલ્દી કોઈની સાથે ભળતો નહીં.

કોલેજથી છૂટી જયારે એ ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે દૂરથી ઉભા ઉભા ડિમ્પલ એને નોટિશ કરી રહી હતી. ઈશાનના ચેહરાના ભાવ જોઈ ન જાણે કેમ ડિમ્પલના મનમાં થોડી જલન મહેસુસ થતી હતી. ડિમ્પલનું મન તો હતું કે એકી ટશે એજે જોયે રાખે પણ ઈશાનને ખબર ન પડે એટલે એ થોડી થોડી વારે ડોકિયું કરી લેતી. પણ ઈશાનના ચેહરા પર વર્તાતી રેખાઓ એને સ્પષ્ટ દેખાતી હતી અને એ જાણે અંદરથી બળી રહી હતી.

ડિમ્પલ ઈશાનના ક્લાસમાં જ હતી. બન્નેની હોસ્ટેલ પણ સામ સામે જ હતી એટલે પહેલા વર્ષથી ડિમ્પલ ઈશાનને નોટિશ કરી રહી હતી. ઈશાનના લુક, એની વાત કરવાની સ્ટાઇલ, એની સ્માર્ટનેશ દરેક વસ્તુ ડિમ્પલને એની તરફ ખેંચતી. ડિમ્પલ પણ ઈશાનની જેમ ભણવામાં ખુબ જ હોંશિયાર હતી. બન્ને ક્લાસમાં જાણે ભણવામાં એકબીજાના કોમ્પિટિટર હતા. પણ ન જાણે કેમ ઈશાને ક્યારેક ડિમ્પલ પર એટલું ધ્યાન ન આપેલું અને ડિમ્પલ પણ થોડી સ્વમાની હતી. જ્યાં સુધી સામેથી કોઈ ન બોલાવે એ ન બોલતી.

બસમાં ઈશાન ચડ્યો એની પાછળ પાછળ ડિમ્પલ પણ ચડી. આજે રોજ કરતા બસમાં ભીડ વધારે હતી. ડિમ્પલ ખાલી સીટ શોધી રહી હતી પણ એને ક્યાંય સીટ નહોતી દેખાતી. અંતે એની નજર છેલ્લેથી બીજી રો પર પડી. બેની સીટમાં ઈશાન બેઠો હતો અને બાજુની સીટ પર એને પોતાનું બેગ મુક્યું હતું. ડિમ્પલે ઘણું વિચાર્યું પછી હિંમત કરી ઈશાન પાસે જઈને ઉભી રહી.

"એક્સકયુઝ મી, તમારી બેગ લેશો? મારે બેસવું છે."

ઈશાને કાનમાં હેન્ડસફ્રિ લગાવેલા હતા. વોલ્યુમ વધારે હોવાથી ડિમ્પલ શું બોલી એ એને સમજાયું નહીં. પણ એના હાથના ઈશારાથી એ સમજી ગયો કે એ બેસવા માટે પૂછે છે. એને ફટ દઈને બેગ પોતાના ખોળામાં રાખી અને ડિમ્પલ માટે જગ્યા કરી. ડિમ્પલ પણ એની બાજુની સીટ પર ગોઠવાઈ ગઈ. ઈશાન પોતાની જ ધૂનમાં રોજની જેમ પોતાનું પ્લે લિસ્ટ સાંભળી રહ્યો હતો. ડિમ્પલ એની બાજુમાં બેઠી છે એનાથી જાણે એનામાં કોઈ બદલાવ નહોતો દેખાતો.

ડિમ્પલ પણ બેગ માંથી હેન્ડસફ્રિ નાખીને ગીત સાંભળવા લાગી. સાંજે ટ્રાફિક વધારે હોવાથી ત્રણ કી.મી. રસ્તો કાપવા માટે ત્રીસ મિનિટ લાગી જતી. વચ્ચે સિગ્નલો અને સ્ટોપ પણ ઘણા આવતા. બસ ધીમેં ધીમે ચાલી રહી હતી અને ઈશાન અને ડિમ્પલ બસની છેલ્લેથી બીજી હરોળમાં બેસી ગીતોની મજા માણી રહ્યા હતા.

(ક્રમશ: આવતા અંકે..)
***
ઈરફાન જુણેજા
અમદાવાદ


Rate & Review

Balkrishna patel

Balkrishna patel 2 years ago

Rajesh Shah

Rajesh Shah 2 years ago

SMIT PATEL

SMIT PATEL 2 years ago

Komal Patel

Komal Patel 2 years ago

Jalpa Gohel

Jalpa Gohel 2 years ago