Prinses Niyabi - 22 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | પ્રિંસેસ નિયાબી - ભાગ 22

પ્રિંસેસ નિયાબી - ભાગ 22

નિયત સમયે અને દિવસે નિયાબી અને એના મિત્રોએ મુસાફરી ચાલુ કરી. દાદી ઓના અને દેવીસિંહજી એ બધાને મુસાફરી માટે શુભેચ્છાઓ આપી. જરૂરત નો સામાન લઈને એ લોકોએ ઘોડા પર મુસાફરી ચાલુ કરી. બધા માટે આ પહેલો અનુભવ હતો. પણ બધા ખુશ હતા. નિયાબી પણ.

અગીલા: ઝાબી શુ લાગે છે? કેવી રહેશે મુસાફરી? આપણી તાલીમ જેવી?

ઝાબી: અગીલા બંને અલગ છે. એના કરતા આ વધુ રોમાંચક રહેશે. હે ને ઓનીર?

ઓનીર: ઝાબીની વાત સાચી છે. બંને અલગ છે એટલે અનુભવ પણ અલગ હશે.

અગીલા: સેનાપતિ માતંગી તમારે શુ કહેવું છે?

માતંગી: મને નથી ખબર કેમકે આ મારો પહેલો અનુભવ છે. પણ જેવો પણ હશે સારો હશે. પણ હા મારી એક વિનંતી છે કે આ સફરમાં તમે લોકો મને માત્ર માતંગી કહેશો તો વધુ મજા આવશે. દોસ્તીમાં કોઈ અડચણ નહીં આવે.

ઓનીર: સરસ એકદમ સાચી વાત માતંગી. મિત્રતા માં ક્યારેય કોઈ સંબોધન ના હોવું જોઈએ. તો જ એકબીજા સાથે નિકટતા આવશે. એકબીજા ને સમજવામાં કોઈ સમસ્યા નહિ આવે.

ઓનીરની દરેકે દરેક વાત નિયાબી શાંતિથી સાંભળી રહી હતી. ને એમ વાતો કરતા કરતા એ લોકો આગળ વધવા લાગ્યા. સંધ્યા સુધીમાં એ લોકો પોતાના પહેલા પડાવ ગોરીન પહોંચી ગયા. ત્યાં એમણે ધર્મશાળામાં રોકાવાનું નક્કી કર્યું.

માતંગી: આ રાયગઢનો એક સારો અને મોટો પ્રદેશ છે. અહીંના લોકો ખૂબ માયાળુ અને સમજદાર છે. આ પ્રદેશમાં સૌથી વધુ અનાજ પાકે છે. અહીં મોટાભાગના લોકો ખેડૂત છે.

ઝાબી: તો અહીં ના લોકો માયાળુ હોવાના જ. એ લોકો હમેશા કામમાં જ રચેલા હોય છે. આ લોકો પોતાની સંસ્કૃતિ સાથે વધુ જોડાયેલા હોય છે.

માતંગી: હા કેમકે આ લોકો પોતાના કામ સાથે વધુ જોડાયેલા છે. પણ તું સારી રીતે ઓળખી ગયો.

અગીલા: હા ખબર તો હોય જ ને? પોતે ખેડૂતનો દીકરો છે.

માતંગી: કેમ? ઝાબીના માતાપિતા જાદુગર નથી? હું તો સમજતી હતી કે મોરૂણમાં બધા જાદુગર જ છે.

ઝાબી: કેમ જાદુગર લોકો ને ખાવા ના જોઈએ? જાદુગર લોકો ખેતીના કરી શકે?

માતંગી: હા પણ મને ખબર નહોતી.

અત્યાર સુધી શાંતિથી સાંભળી રહેલો ઓનીર બોલ્યો, માતંગી મોરૂણ જાદુગરની નગરી છે એ વાત સાચી. પણ ત્યાંના લોકો પણ સામાન્ય માણસોની જેમ જ જીવે છે. ત્યાં જાદુ સિવાય ત્યાંના લોકો પોતાની આવડત પ્રમાણે વૈદ્ય, ખેડૂત, લુહાર ને બીજા કામો પણ કરે છે. જાદુ પર જ નથી જીવતા.

માતંગી હસી પડી ને બોલી, હા સમજી ગઈ.

ને પછી બધા હસી પડ્યા. નિયાબી ત્યાં થી ઉભી થઈ ને ચાલવા લાગી. એણે વિચાર્યું, આટલા સમયથી આ લોકોની સાથે છું. પણ મને આ વાત નહોતી ખબર. એ ઉદાસ થઈ ગઈ.

બીજા દિવસે એ લોકો ગોરીનમાં ફરવા નીકળ્યા. એ લોકોએ જુદા જુદા વિસ્તારની મુલાકાત લીધી. લોકો સાથે વાતો કરી. નિયાબી પણ લોકો સાથે વાતો કરતી હતી. પછી એ લોકો મંદિરની મુલાકાત લીધી. ત્યાં નું મંદિર ખૂબ સુંદર હતું. કોતરણીનો બહેતરીન નમૂનો કહી શકાય.

ઝાબી: સુંદર છે. ખૂબ સરસ.

ત્યાં એ લોકો ફરી ફરીને પોતાની રીતે મંદિર જોવા લાગ્યા. મંદિરની પાછળ સુંદર તળાવ હતું. નિયાબી ફરતી ફરતી એ તળાવ પાસે પહોંચી ગઈ. ત્યાં નાના બાળકો પાણીમાં રમી રહ્યા હતા. નિયાબી ત્યાં બેસી એ બાળકો ને જોવા લાગી. બાળકો હર્ષ ઉલ્લાસ સાથે મસ્તી કરી રહ્યા હતા. નિયાબી એ લોકોને જોઈ ખુશ થઈ રહી હતી.

ત્યાં તળાવની થોડે દૂર એક નાનકડી પાંચેક વર્ષની છોકરી એકલી એકલી માટી ભેગી કરી માટીનું ઘર બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ એને ઘર બનાવતા આવડતું નહોતું. એ બનાવવા પ્રયત્ન કરતી ને પછી જાતે જ તોડી ફરી પ્રયત્ન કરતી. નિયાબી એ છોકરીને ધ્યાન થી જોઈ રહી હતી. એ વારે વારે પ્રયત્ન કરતી હતી. નિયાબીને જોઈ ને નવાઈ લાગી. એ ઉઠીને એ છોકરી પાસે ગઈ.

નિયાબી: હું મદદ કરું?

એ છોકરી નિયાબીની સામે એની નાની નાની આંખોથી જોવા લાગી. નિયાબી એની નજીક ગઈ ને ફરી બોલી, આ ઘર બનાવવામાં હું તારી મદદ કરું?

છોકરીએ પૂછ્યું, તમને આવડે છે?

નિયાબી એની પાસે બેસી ને બોલી, ના પણ આપણે બંને સાથે પ્રયત્ન કરીશું તો બની જશે.

છોકરી: સારું ચાલો.

પછી બને સાથે મળીને ઘર બનાવવા લાગ્યા. એ છોકરીએ નિયાબીનો એક પગ પકડી આગળ કર્યો. પછી એના પગ પર ભીની માટી દબાવવા લાગી. નિયાબી પણ એને મદદ કરવા લાગી. પછી બરાબર માટી દબાવીને ધીરે રહી નિયાબીએ પગ બહાર કાઢ્યો. સરસ માટીનું બાકોરું બની ગયું. પેલી છોકરી ખુશ થઈ ગઈ ને તાળી પાડવા લાગી.

નિયાબી એના ચહેરાની ખુશી જોઈ ખુશ થઈ ગઈ. ને બોલી, તને ગમ્યું?

છોકરી: હા સરસ મોટું ઘર બન્યું. ચાલો હવે આપણે આંગણું બનાવીએ. પછીએ છોકરી ઘરની આજુબાજુ માટી ભેગી કરી ગોળાકાર બનાવવા લાગી. નિયાબી પણ એને મદદ કરવા લાગી. એ છોકરીએ ઘરની એક બાજુ એક સરસ નાનું કુંડાળું બનાવ્યું. નિયાબી એ જોઈ નવાઈ પામી. એને સમજ ના પડી કે આ શુ બનાવે છે?

નિયાબી: આ શુ બનાવે છે?

છોકરી: આ ગાય રાખવા માટેનું ઘર છે. હું અહીં બે ગાય રાખીશ.

નિયાબી: ઓહ....સરસ. પણ ગાય ને ઘર શુ જરૂર છે?

છોકરી: કેમ એને ઘર ના જોઈએ? એને તડકો ના લાગે? વરસાદ પડે તો એ પલળી જાય તો? એ બીમાર થઈ જાય. એને ઠંડી લાગી જાય તો એને ગરમ ના આવે?

નિયાબી છેલ્લું વાક્ય સાંભળી આશ્ચર્ય પામી. એ બોલી, ગરમ? ગાયને ઠંડીમાં તો ઠંડી લાગે? ગરમ કેવી રીતે લાગે?

છોકરી: લાગે. એને ઠંડી લાગી ને તો ગરમ તાપ લાગે ને?

નિયાબી: ઓહ.....તાવ? પણ ગાય ને?

છોકરી: અરે તમને તો કઈ ખબર નથી. ગાયને પણ તાપ આવે. તમારી પાસે ગાય નથી?

નિયાબી: ના નથી.

છોકરી: એટલે જ નથી ખબર.

નિયાબી: તારી પાસે છે ગાય?

નિયાબીનો પ્રશ્ન સાંભળી છોકરી ઉદાસ થઈ ગઈ ને માથું હલાવી ના કહ્યું. પછી એ ચુપચાપ થઈ ગઈ.

નિયાબી એને ચૂપ જોઈ થોડી અસમંજસમાં પડી ગઈ. પણ પછી એની નજીક ગઈ ને બોલી, અરે તું તો ખૂબ હોંશિયાર છે. ગાય નથી તો પણ તને બધી ખબર છે? વાહ.

છોકરીએ નિયાબી સામે જોયું પછી નીચું જોઈ ગઈ. નિયાબીએ જોયું એની આંખમાં આંસુ હતા.

નિયાબીએ એને પકડી લીધીને પ્રેમ થી પૂછ્યું, શુ થયું? મેં કઈ ખોટું કહ્યું?

છોકરીએ માથું હલાવી ના કહ્યું.

નિયાબીએ એના આંસુ લૂછતાં પૂછ્યું, તો? શુ થયું?

છોકરીએ નિયાબી સામે જોયું પછી બોલી, મારી મોરી મરી ગઈ. પછી એ રડવા લાગી.

નિયાબી: અરે અરે તું રડ નહિ. જો સાંભળ તું મને કહે મોરી કોણ છે? તારી ગાય?

છોકરીએ માથું હલાવી હા કહી.

નિયાબી: ઓહ....એ મરી ગઈ. તો કઈ નહિ આપણે બીજી મોરી લઈ આવીશું.

છોકરીએ નિયાબી સામે જોયું પછી બોલી, કેવી રીતે? પૈસા જોઈએ ને?

નિયાબી: કેમ તારા માતાપિતા છે ને? હું એમને કહીશ. એ જરૂર થી લઈ આવશે.

છોકરી: માતાપિતા નથી.

આ સાંભળી નિયાબી સ્તબ્ધ થઈ ગઈ. એણે એ છોકરીના માથા પર હાથ ફેરવવા લાગ્યો. એ ઉદાસ થઈ ગઈ. થોડીવાર પછી નિયાબી બોલી, ચાલ હું તને ઘરે મૂકી જાવ.

છોકરી ઉભી થઈને નિયાબીનો હાથ પકડી ચાલવા લાગી. અત્યાર સુધી દૂર થી આ બંનેને જોઈ રહેલો ઓનીર નિયાબી પાસે આવ્યો.

ઓનીર: કોઈ સમસ્યા છે?

નિયાબી: ના હું આને એના ઘરે મુકવા જાવ છું.

ઓનીર: ઓહ....હું પણ આવું છું. પછી એણે ઝાબીની બૂમ પાડીને ઈશારા થી જ આવું છું એવું કહ્યું.

ઝાબી સમજી ગયો.

ઓનીરે ચાલતા ચાલતા છોકરીની સામે જોયું. એ એને જોઈ રહી હતી.

ઓનીર: તારું નામ શુ છે?

છોકરી: વ્રની.

ઓનીર: સરસ નામ છે. મારુ નામ ઓનીર છે.

છોકરીએ હસીને એની સામે જોયું. ને પછી નિયાબીનો હાથ ખેંચ્યો.

નિયાબીએ એની સામે જોયું પૂછ્યું, શુ થયું?

વ્રની: આ તમને ઓળખે છે?

નિયાબી: હા. અમે સાથે છીએ.

વ્રની: તમારું નામ?

નિયાબી હસીને બોલી, નિયાબી.

વ્રની: સરસ નામ છે.

ઓનીરે હસતી નિયાબીની સામે જોયું. એ સુંદર લાગી રહી હતી. એ વ્રની સાથે સરસ હળીમળી ને ખુશ થતી વાતો કરી રહી હતી. આજે એણે પહેલીવાર નિયાબીને આવી રીતે જોઈ હતી. એ મનમાં ને મનમાં ખુશ થવા લાગ્યો.


ક્રમશ.....................

Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 3 years ago

maya

maya 3 years ago

Hetal Patel

Hetal Patel 3 years ago

Neepa Karia

Neepa Karia 3 years ago

Minal Sevak

Minal Sevak 3 years ago