Prinses Niyabi - 32 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 32

ઓનીરે બધાને ભેગા કર્યા ને કહ્યું, રાજકુમારી હવે આપણું અહીં રહેવું યોગ્ય નથી. જે થયું એના પછી ખોજાલ કોઈપણ સમયે અહીં આવી શકે છે. આપણે આ જગ્યા છોડી દેવી જોઈએ.

નિયાબી: પણ અહીં થી ક્યાં જઈશું?

ઓનીર: કોઈ એવી જગ્યાએ જ્યાં થી લડાઈ લડવી સહેલી બને. આ મંદિર છે. અહીં વધુ લોહી રેડવું યોગ્ય નથી.

કંજ,: સરસ તો પછી મારી પાસે એક જગ્યા છે. આપણે ત્યાં જતા રહીએ.

નિયાબી: ને એ જગ્યા ક્યાં છે? યાદ રહે કંજ આપણે યામનમાં થી બહાર જઈ શકીએ એમ નથી.

કંજ: જાણું છું રાજકુમારીજી. આપણે મારા ઘરે જઈએ છીએ. હવે આપણે ત્યાં યામનના લોકોની વચ્ચે રહીશું.

ઝાબી: પણ કંજ તારું ઘર હજુ છે?

પંડિતજી: હા ઝાબી છે. કંજ ભલે અહીં નહોતો. પણ એ ઘરને મેં એમનું એમ જ સાચવ્યું છે.

અગીલા: પંડિતજી શુ એ ઘર ખાલી છે? ત્યાં કોઈ નથી રહેતું?

પંડિતજી: ના ત્યાં કંજના પરિવાર સિવાય કોઈ રહ્યું નથી. એ બંધ જ હતું.

અગીલા: તો પંડિતજી અમે ત્યાં જઈશું તો લોકો પૂછશે નહિ કે જે ઘર વર્ષોથી બંધ હતું એ તમે આમને કેમ આપ્યું રહેવા?

કંજ: કોઈ વાંધો નથી. લોકો પૂછશે તો હું જવાબ આપીશ. હું મારા પોતાના ઘરમાં રહીશ.

ઓનીર: કંજ આવું કરવાથી તારી ઓળખ છતી થઈ જશે.

કંજે ખંધુ હસતા કહ્યું, ઓનીર હવે ક્યાં સુધી આમ છુપાતો રહીશ? કોઈ ને કોઈ દિવસ તો લોકોને જણાવવું જ પડશેને કે બાહુલનો પુત્ર છું. તો અત્યારનો એ માટે સમય ઉત્તમ છે. ને હું હવે ઈચ્છું છું કે લોકો જાણે કે હું કંજ છું. હવે સામી છાતીએ લડવાની મજા આવશે.

નિયાબીએ કંજના ખભે હાથ મુક્તા કહ્યું, તો પછી ચાલો ઘરે જઈએ? પોતાનું ઘર હોય તો ધર્મશાળામાં રહેવાની શુ જરૂર છે? શુ કહે છે માતંગી?

માતંગી: જી રાજકુમારીજી ચાલો જઈએ.

પછી બધાએ પંડિતજીનો આભાર માન્યો અને કંજના ઘરે જવા નીકળી ગયા.

ત્યાં ખોજાલનો એક જાસૂસ જે આ લોકો પર નજર રાખી રહ્યો હતો એણે આ બધું સાંભળ્યું. એ તરત જ મહેલ તરફ ખોજાલ પાસે પહોંચી ગયો.

મહેલમાં જઈ જાસૂસ ખોજાલ પાસે ગયોને એનું અભિવાદન કરી બોલ્યો, સેનાપતિજી એક નવી વાત જાણવા મળી છે.

ખોજાલ: બોલ જાસૂસ શુ જાણવા મળ્યું છે?

જાસૂસ: સેનાપતિજી પેલા જે પરદેશીઓ છે એમનો એક યુવાન કંજ છે. જે રાજા માહેશ્વરના ખૂબ નજીકના અંગરક્ષક બાહુલનો પુત્ર છે.

બાહુલનું નામ સાંભળી ખોજાલ નવાઈ પામ્યો. એણે કઈક વિચાર્યું. પછીએ ત્યાંથી નીકળી નાલીન પાસે ગયો. યુવાન અને સુંદર દેખાવવાળો નાલીન ઠાઠ સાથે પોતાના મંત્રીઓ સાથે બેઠો હતો.

નાલીન ખોજાલને જોઈ બોલ્યો, બોલો સેનાપતિ ખોજાલ આજે તમે અહીં?

ખોજાલે રાજાનું અભિવાદન કરતા કહ્યું, રાજા નાલીન કઈક જાણવું હતું એટલે આવ્યો છું.

નાલીન: બોલો ખોજાલ હું તમને શુ જણાવી શકું એમ છું?

ખોજાલ: રાજા નાલીન તમે જાણો છો કે રાજા માહેશ્વરનો અંગત એવો અંગરક્ષક બાહુલ હતો. જેના આખા પરિવારને દેશદ્રોહ માટે મોતની સજા આપવામાં આવી હતી. ( જે સમયે સત્તાફેર થયો ત્યારે નાલીને કંજના પિતા બાહુલ પર દેશદ્રોહનો આરોપ લગાવ્યો હતો. ને એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.)

નાલીન: હા સેનાપતિજી બાહુલને કેવી રીતે ભુલાય? એણે દેશદ્રોહ કર્યો હતો. વિશ્વાસ ના આવે એવું થયું હતું.

ખોજાલ: તો રાજા નાલીન શુ એ સમયે બાહુલના પુરા પરિવારને મોતની સજા કરવામાં આવી હતી?

નાલીન: હા સેનાપતિજી. કેમ તમને કોઈ શંકા છે? ને આટલા વર્ષો પછી તમે આ પ્રશ્ન કેમ પૂછ્યો?

ખોજાલે થોડું વિચાર્યું પછી કહ્યું, રાજા નાલીન મને લાગે છે કે એ સમયે બાહુલનો આખો પરિવાર મૃત્યુ નહોતો પામ્યો. કેમકે બાહુલનો પુત્ર કંજ પોતાના પિતાનો બદલો લેવા યામનમાં આવી ગયો છે. ને એ પોતાની સાથે બીજા પાંચ લોકોને પણ લઈને આવ્યો છે. ને આ બધા ભેગા થઈને હવે યામનના નીતિનિયમો સામે બાયો ચડાવી રહ્યા છે. આપણા કામમાં દખલ કરી રહ્યા છે.

આ સાંભળી નાલીન ઉભો થઈ ગયો. એના ચહેરા પર અચરજ સાથે એક ડરનો પણ ભાવ સ્પષ્ટ જોઈ શકતો હતો. એણે હાથ ઉંચો કરી બધાને ત્યાંથી જવા કહ્યું. બધા ઉભા થઈને જતા રહ્યા. પણ ખોજાલ ત્યાં જ હતો.

નાલીન એકદમ ખોજાલની નજીક આવી ગયો ને બોલ્યો, તમને આ કેવી રીતે ખબર પડી? તમે એને જોયો? મળ્યા? કેવો છે? એના પિતા જેવો બહાદુર છે?

નાલીનને આમ પ્રશ્ન પર પ્રશ્ન પૂછતો જોઈ ખોજાલ એની સામે ટગર ટગર જોઈ રહ્યો. નાલીન ખોજાલને જોઈ ચૂપ થઈ ગયો.

પછી નાલીન બોલ્યો, ખોજાલ તમે બાહુલને ઓળખતા નહોતા એટલે તમને ખબર નથી. બાહુલ એક બહાદુર અને ભરોસેમંદ અંગરક્ષક હતો. કોઈની હિંમત ના થાય કે એની સામે બાથ ભીડે. જો સમય રહેતા એને માર્યો ના હોતતો આજે હું અને તમે અહીં ના હોત. ને જો એનો દીકરો જીવિત છે તો એનો મતલબ......નાલીનની આંખો પહોળી થઈ ગઈ. એ ડરી ગયો હતો.

એને આમ જોઈ ખોજાલ બોલ્યો, તમને લાગે છે કે એ મારા કરતા વધુ તાકતવર છે?

નાલીને ખોજાલની સામે જોયું. ખોજાલના ચહેરા પર અકળામણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. નાલીન શાંતિથી બોલ્યો, ના ખોજાલ એવું નથી. એ તમારા કરતા તાકતવર તો નહિ જ હોય. તમારા જેવું તો કોઈ નથી. પછી નાલીને પોતાના ભાવ છુપાવતા કહ્યું, પણ આપણે એને અવગણી ના શકીએ. એ બાહુલનો દીકરો છે. ને મોરના ઈંડા ચીતરવા ના પડે. એ એના પિતા જેવો જ નીકળ્યો તો?

ખોજાલ એકદમ અકળાઈ ગયો ને બોલ્યો, તો? તો શુ? હું આજે જ એને પૂરો કરી દઈશ. એ જીવતો રહેશે તો સમસ્યા રહેશે ને?

નાલીન એકદમ બોલી ઉઠ્યો, ના.......ના......ખોજાલ ઉતાવળ ના કરતા. પહેલા એને જુઓ. એની સાથે જે છે એ કોણ છે? કેવા છે? એમની ખૂબીઓ શુ છે? આમ ઉતાવળ કરવાથી આપણને નુકશાન ભોગવવું પડશે.

નાલીનની વાત સાંભળી ખોજાલ ગુસ્સે થઈ ગયોને બોલ્યો, એક નકામો છોકરો તમારા માટે એટલો મહત્વનો થઈ ગયો કે તમે એને મારા કરતા વધુ મહત્વ આપી રહ્યા છો?



ક્રમશ.................