Tunkma ghanu - 4 books and stories free download online pdf in Gujarati

ટુંકમાં ઘણું (ભાગ-૪)

નમસ્કાર મિત્રો, ટુંકમાં ઘણું એ માઈક્રોફિકશન ટાઈપ નાની અસરકારક વાર્તાઓનો સંગ્રહ છે. ક્યારેક નાની વાતોમાં પણ મોટો બોધપાઠ છુપાયો હોય છે, જરૂર છે એ બોધપાઠ સમજવાની.આ વાર્તાઓ તમે ક્યાંક અનુભવી હશે, ક્યાંક સાંભળેલી હશે, ક્યાંક વાંચેલી પણ હશે તો ક્યાંક જોયેલી પણ હશે. ટુંકમાં ઘણું ભાગ-૧,૨,૩ પછી આ ચોથો સંગ્રહ છે. આવી અસરકારક નાની વાર્તાઓને વાંચો અને માણો.

(૧) તહેવારોનું મહત્વ

પોતાના દેશમાં ખાલી પતંગ ઉડાડીને મજા માણનારા એ વિદેશીઓનું ગ્રુપ જ્યારે આપણા દેશમાં ઉતરાયણના તહેવારે આવ્યા અને જોયું કે અહીંયા તો એકબીજાના પતંગ કાપવામાં લોકો જે અસીમ આનંદ મેળવે છે અને પાછા ઉત્સાહથી તરત જ બીજી પતંગ ચડાવે છે અને કપાયેલી પતંગ માટે એકબીજાનું ખોટું પણ લગાડતા નથી. એની સરખામણીમાં પોતે તો કંઈ જ મજા માણતા નથી. એ લોકો સમજી ગયા કે તહેવારનો આવો સાચો અને નિજી આનંદ લેવાથી જ આ લોકોનો તણાવ કાબુમાં રહે છે અને મનોચિકિત્સકની જરૂર ઓછી પડે છે. જયારે આપણા જ અમુક લોકો આપણા તહેવારનું સાચું મહત્વ ભુલીને તહેવારો શા માટે ના ઉજવવા જોઈએ એના નેગેટિવ પ્રકારના મેસેજીસ ફોરવર્ડ કરવામાં જ રહી ગયા.

(૨) માનવતા

ધોધમાર વરસતાં વરસાદને લીધે લગભગ બધા લોકો પોતપોતાના ઘરમાં ભરાઈ ગયા હતા. ત્યારે એક ગરીબનાં ઘરમાં પતિના ઉદાસ ચહેરા સામે જોઈને પત્નીએ પૂછ્યું "શી વાતની ચિંતા કરો છો? આપણું ખોયળુ(ઘર) નાનું છે એની?"

પતિએ કહ્યું "ના, આપડે તો માથું ઢાંકવા માટે આ નાનું તો નાનું ખોયળુ(ઘર) છે, પણ જેને છાપરું પણ નથી એ લોકો આ વરસતા વરસાદમાં શું કરતા હશે?"

જવાબ સાંભળીને પત્નીને પોતાના પતિના માનવતાથી ભરેલા દિલનો સાચો પરિચય થયો.

(૩) ધાર્મિકતા

અત્યંત ધાર્મિક ચુસ્તતા ધરાવતો વ્યક્તિ રાત્રે ઉઠીને પણ પ્રાર્થના કરતો અને ધર્મગ્રંથો વાંચતો હતો. એક દિવસ તે આ કાર્યમાં એકચિત્ત થઈ ગયો હતો, એવામાં એના પિતાએ કે જે અત્યંત વ્યવહારુ હતા તે જાગી ઉઠ્યા.

ત્યારે પેલાએ કહ્યું "જુઓ, તમારા બીજા સંતાનો અધાર્મિક હોઈ સુઈ રહ્યા છે, ત્યારે હું જ એકલો જાગીને પ્રભુભક્તિ કરું છું."

તેના પિતાએ કહ્યું કે "મારા વ્હાલા પુત્ર! તારા ભાઈઓની નિંદા કરવા માટે જાગતો રહ્યો, એના કરતા તો સુઈ રહેવું જ સારું હતું."

(૪) સાચો પ્રેમ

"મર્યા પછી ઉપર સ્વર્ગમાં હું તમને કેવી રીતે શોધીશ? તમે મને કાંઈક સૂચના કે નિશાની આપો." એવો બાલિશ પ્રશ્ન પૂછતાં તો પુછાય ગયો પછી પત્નીને અચાનક જ અસલામતી લાગવા માંડી. સવાલ સાંભળીને તેનો પતિ રસોડામાં આવ્યો અને તેણીની આંખમાં આંખ પરોવીને કહ્યું કે "આ જનમમાં આપણે મળ્યા ત્યારે તારી પાસે શું નિશાની હતી?"

પત્ની એ કહ્યું "કશી જ નહિ, બધું જ જેમતેમ હતું. મારા હૃદયે કહ્યું ને હું તમારા પ્રેમમાં પડી."

પતિએ કહ્યું "તો પછી બસ, તું ફક્ત તારા હૃદયને સાથે લઇ લેજે, એ તને મારી સાથે મેળવી દેશે. કેમકે એ જાણે છે આપણા સાચા પ્રેમને."

(૫) બ્યુટી ટ્રિટમેન્ટ

પત્ની સાથે તેણીના વાળની ટ્રિટમેન્ટ કરાવવા બ્યુટીપાર્લર ગયો હતો, કારણકે વાળ ખુબ જ બરછટ થઇ ગયા હતા. રીશેપ્શનમાં બેઠેલી યુવતીએ ઘણા પેકેજ અને તેના ફાયદાઓ જણાવ્યા. છેલ્લે રૂ.૩૨૦૦નું પેકેજ રૂ.૨૪૦૦ માં ફાઇનલ કર્યું.

વાળની ટ્રિટમેન્ટ સમયે, તેની સારવાર કરતી યુવતીના વાળમાંથી એક અજીબ સારી સુગંધ આવી રહી હતી! મેં તેણીને પૂછ્યું કે "તમારા વાળમાંથી આ કઈ વિશિષ્ટ સુગંધ આવે છે?"

તેણીએ કહ્યું કે "હું પોતાના વાળમાં ઘરનું બનાવેલું આયુર્વેદિક તેલ કે જેમાં મેથી અને કપૂર પણ ભેળવી દીધા છે એ વાપરું છું, અને કુંવારપાઠું(Aloevera)નો ઉપયોગ કરું છું."

હું મારી પત્નીને જોઈ રહ્યો હતો, જે ૨૪૦૦ રૂપિયામાં વાળ સારા બનાવવા માટે આવી હતી.

(૬) વિવેકી સ્વભાવ

"આટલા વર્ષોના આપણા લગ્નજીવનમાં ઝઘડા ઓછા થયા એનું કારણ શું છે?"

"તારા એક પ્રભાવી ગુણને લીધે."

"શું હું તને ખુબ પ્રેમ કરું છું એ?"

"એ તો ખરું જ. પણ, તારો વિવેકી સ્વભાવ. જયારે હું ખોટા કારણોથી પણ ગુસ્સે થઇ જતી, ત્યારે તારા વિવેકી સ્વભાવથી તું જે રીતે પરિસ્થિતિ સંભાળી લેતો એટલે જ આપણા ઝઘડા ઓછા થયા છે."

(૭) કામ

એક આળસુ માણસે એક વાર ફરિયાદ કરી કે "મને મારા કુટુંબને પોષવા માટે પૂરતું અન્ન મળી શકતું નથી."

આ સાંભળી એક પ્રામાણિક અને પરિશ્રમી મજુર બોલ્યો કે "મને પણ અન્ન મળી શકતું નથી. પણ, તેને મેળવવાને માટે મારે કામ કરવું પડે છે."

(૮) સાચું પ્રિસ્ક્રિપ્શન

દાદાનું બ્લડપ્રેશર અને સુગર વધી ગઈ હતી આથી વહેલી સવારે દાદાને તેના જાણીતા ડૉક્ટર પાસે લઇ ગયો. ક્લીનીકની બહારના બગીચામાં નજર કરી તો ત્યાં એ ડૉક્ટર યોગ અને કસરત કરી રહ્યા હતા! અમારે લગભગ ૪૫ મિનીટ રાહ જોવી પડી.

એ પછી ડૉક્ટર તેનું લીંબુનું સરબત લઈને ક્લીનીકમાં આવ્યા અને દાદાની તપાસ શરું કરી. તેણે મારા દાદાને કહ્યું કે "હવે તમારી દવાઓ વધારવી પડશે." પ્રિસ્ક્રિપ્શનમાં ૫ થી ૬ દવાઓના નામ લખીને, નિયમિત દવા લેવાની સૂચના આપી.

મે જીજ્ઞાશાવશ પુછ્યું "તમે કેટલા સમયથી યોગ કરો છો?"

ડૉક્ટરે કહ્યું કે "મને બ્લડપ્રેશર અને અન્ય ઘણી તકલીફો હોવાથી છેલ્લા ઘણા સમયથી યોગ કરું છું."

હું મારા હાથમાં રહેલું દાદાનું પ્રિસ્ક્રિપ્શન જોઈ રહ્યો હતો, જેમાં તેણે બ્લડપ્રેશર અને સુગર માટેની ઘણી દવાઓ લખી હતી.

(૯) સાચી પ્રેરણા

મહાન ફિલોસોફર હેન્રી ડેવિડ થોરોને પુછવામાં આવ્યું કે "કઈ બાબત સૌથી વધુ પ્રેરણાદાયી છે?"

ત્યારે થોરોએ કહ્યું કે "માનવી પોતાના સતત અને અથાક પ્રયત્નો દ્વારા પોતાના જીવનને ઉન્નત કરી શકવાની જે અમાપ ક્ષમતા ધરાવે છે, તે બાબત મને દુનિયામાં સૌથી વધુ પ્રેરણાદાયી લાગે છે."

(૧૦) સાચો નિર્ણય

જીવતો હતો ત્યારે લિધેલા ચક્ષુદાનના નિર્ણંયને કારણે મર્યા પછી એ વ્યક્તિ બે સુરદાસોના જીવનમાં પ્રકાશ પાથરતી ગઈ.

(૧૧) સાચો તત્વજ્ઞાની

કંગાલ અવસ્થામાં પણ મહાન તત્વજ્ઞાની ડાયોજિનિસને પરમ આનંદપૂર્વક રહેતા જોઈને રાજા સિકંદરને અત્યંત આશ્ચ્રર્ય થયું અને તેને પૂછ્યું: "તમારે કાંઈ જોઈએ છે?"

તે મહાન તત્વજ્ઞાનીએ પ્રત્યુત્તર આપ્યો કે "હા, તમે જરા દૂર ઉભા રહો અને મારા પર તડકો પડવા દો. તમે મને જે આપી શકતા નથી, તે મારી પાસેથી લઇ લો નહિ."

તે મહાન વિજેતા બોલ્યો કે "જો હું સિકંદર ન હોત તો ડાયોજિનિસ થવાનું પસંદ કરત."

(૧૨) ખોટી નિંદા

સતત મોબાઈલમાં વ્યસ્ત રહેનારા યુવાનોને જોઈને બગીચામાં ચાર-પાંચ વડીલો ચર્ચાએ ચડ્યા અને યુવાનો તથા મોબાઈલને વખોડવા માંડ્યા. આ સાંભળીને બાજુના બાંકડામાં બેઠેલો પોતાના મોબાઈલમાં વ્યસ્ત યુવાન મરક-મરક હસતો હતો, કારણકે પોતે મુકેલા વિડિઓને યુ-ટ્યૂબ ઉપર ૧ લાખ ઉપર જોનારાઓ(viwers) મળ્યા હતા, અને તેના લીધે જાહેરાત(Advertisement)ની આવક પણ સારી એવી મળવાની હતી.

****સમાપ્ત****

✍️...Sagar Vaishnav

નાની અસરકારક વાર્તાઓ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આશા રાખું છું કે આપને આ વાર્તાઓ પસંદ આવી હશે તો Please મારા આ નાનકડા સંગ્રહને આપનો યોગ્ય પ્રતિભાવ(Review) આપજો.