Prinses Niyabi - 34 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 34

રાંશજ સીધો રાજા નાલીન પાસે ગયો.

નાલીન રાંશજને જોઈ એકદમ ઉતાવળો થઈને બોલ્યો, રાંશજ આવી ગયા? શુ માહિતી મેળવી? ખોજાલની વાત સાચી છે? કંજ ખરેખર બાહુલનો પુત્ર છે?

રાંશજે ખૂબ શાંતિથી જવાબો આપવાનું શરૂ કર્યું. રાજા નાલીન, ખોજાલની વાત સાચી છે. કંજ બાહુલનો જ પુત્ર છે. એ એના મિત્રો સાથે યામનમાં આવી ગયો છે અને પોતાના ઘરે જ રહે છે. યામનના લોકો પણ એને ઓળખવા લાગ્યા છે. કંજે યામનના લોકની મદદ કરવાનું શરૂ કરી દીધું છે. એ પોતાના પિતા જેટલો જ હોંશિયાર અને બહાદુર છે. ને એના મિત્રો પણ એના જેવાજ છે.

રાંશજની વાત સાંભળી નાલીનના પગ નીચે થી જમીન સરકી ગઈ હોય એમ એ લથડાઈને બેસી ગયો. એના ચહેરા પર ભય સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો.

એની હાલત જોઈ રાંશજ બોલ્યો, રાજાજી તમે શા માટે ચિંતિત થાવ છો?

નાલીન: રાંશજ આજે પણ યામનની પ્રજા સન્માન સાથે બાહુલનું નામ લે છે. ભલે મેં એને દેશદ્રોહનો આરોપ મૂકી મારી નાંખ્યો હોય. પણ યામનની પ્રજાએ આ વાત ક્યારેય નહોતી સ્વીકારી. હા એ વાત અલગ છે કે એ લોકો સત્તા સામે કઈ બોલ્યાં નહિ. પણ જયારે એમને ખબર પડશે કે બાહુલનો પુત્ર પાછો આવી ગયો છે. તો એમનો બાહુલ માટેનો પ્રેમ ફરી જાગી જશે. એ લોકો કંજની સાથે મળી મારી સત્તા પણ ઝૂંટવી શકે છે. ને જ્યારે જ્યારે પ્રજાએ રાજાનો વિરોધ કર્યો છે. ત્યારે ત્યારે હાર રાજાની જ થઈ છે.

આ સાંભળી રાંશજ મનમાં જ બોલ્યો, હા નાલીન તું બરાબર સમજ્યો છે. હવે તારા દિવસો પુરા થઈ ગયા છે. તારો ડર પણ સાચો જ સાબિત થવાનો છે. બસ હવે દિવસો ગણ તારા પતન ના.

નાલીન: રાંશજ શુ વિચારો છો?

રાંશજ એકદમ સતેજ થતા બોલ્યો, એજ કે હવે આપણે શુ કરી શકીએ? આનો કોઈ ઉપાય તો કરવો જ પડશે.

નાલીન: હા રાંશજ કરવો જ પડશે. તમે કંજ અને એના સાથીઓ ને પકડીને બંધી બનાવી લો. પછી વિચારીએ કે શુ કરવું?

રાંશજ: ના.....ના.... એવું ના કરી શકાય. કંજ હવે પોતાના જ ઘરે રહે છે. ને હજુ એણે એવું કોઈ કામ નથી કર્યું કે આપણે એને બંધી બનાવીએ. જો આપણે વગર વાંકે એને બંધી બનાવી શુ તો પ્રજા આપણી વિરુદ્ધ થઈ જશે.

આ સાંભળી નાલીન વિચારમાં પડી ગયો. એને રાંશજની વાત યોગ્ય લાગી. થોડો વિચાર કરી એ બોલ્યો, તો રાંશજ કંજ અને એના મિત્રો પર નજર રાખો. એ લોકો કોઈપણ અયોગ્ય કામ કરે તો એમને તરત જ બંધી બનાવી લો.

નાલીનની વાત સાંભળી રાંશજ મનમાં ને મનમાં હસ્યો ને બોલ્યો, જી રાજાજી. હું તમે કહ્યું એમ કરીશ. હવે મને રજા આપો.

નાલીને માથું હલાવી હા કહ્યું. રાંશજ અભિવાદન કરી ત્યાં થી નીકળી ગયો. પણ નાલીન હજુ પણ ત્યાં જ બેઠો હતો.

કંજ બધાને લઈ પોતાના ઘરે રહેવા આવી ગયો. કંજ પોતાના ઘરને જોઈ ભાવુક થઈ ગયો. બધાને ઘર ગમી ગયું.

ઝાબી: કંજ ખૂબ સરસ ઘર છે.

પણ કંજ ચૂપચાપ ઘર જોતો ઉભો હતો. ઝાબી એની પાસે ગયો ને બોલ્યો, જુના સ્મરણોની યાદ આવી ગઈ?

કંજ પોતાને સંભાળતા બોલ્યો, ના ઘણા વર્ષો પછી અહીં આવ્યો ને એટલે.

ઓનીર: કંજ હવે તું ચિંતા ના કરીશ. હવે કોઈ તને અહીં થી કાઢી નહિ મૂકે.

કંજ હસતા હસતા બોલ્યો, કોઈ શકયતા નથી.

બધા ખુબ ખુશ હતા. આજુબાજુના લોકો વર્ષોથી બંધ ઘર ખુલ્યું એ જોઈ નવાઈ પામ્યા. ઘણા લોકો ઘરની બહાર જમા થઈ ગયા. લોકોને જોઈ બધા બહાર આવ્યા.

કંજ: કઈ થયું? તમે બધા આમ મારા ઘરે કેમ ઉભા છો?

એક વૃદ્ધ વ્યક્તિએ કંજની નજીક જઈ ને પૂછ્યું, તારું ઘર? આ તારું ઘર છે?

કંજે ખૂબ ઉત્સાહ સાથે કહ્યું, હા વડીલ આ મારુ ઘર છે.

વૃદ્ધ: પણ દીકરા આ તો અમારા બહાદુર યોદ્ધા બાહુલનું ઘર છે. ને હવે એ કે એના પરિવારનું કોઈ આ દુનિયામાં નથી રહ્યું.

કંજ પોતાના પિતા માટે માનજનક શબ્દો સાંભળી ખુશ થઈ ગયો. એની આંખ ભરાઈ આવી.

વૃદ્ધ: દીકરા શુ થયું? મેં કઈ ખોટું નથી કહ્યું. તું આ બધાને પૂછી શકે છે.

રંજે આંસુ સાફ કરતા કહ્યું, હા વડીલ તમે કઈ ખોટું નથી કહ્યું. આ બાહુલનું જ ઘર છે. ને હું એમનો દીકરો કંજ છું.

કંજની વાત સાંભળી બધા ખુશ થઈ ગયા. કેમકે એ લોકો જાણતા હતા કે બાહુલના દીકરાનું નામ કંજ હતું. એટલે બધા એકબીજાની સામે જોવા લાગ્યા.

ત્યાં એક સ્ત્રીએ પૂછ્યું, પણ તું કંજ છે એની શુ ખાતરી?

કંજે હસી ને કહ્યું, તમે બોલો તમારે શુ ખાતરી કરવી છે?

વૃદ્ધ: જો તું બાહુલનો પુત્ર હોય તો તું જ અમને કઈક એવું કહે જે જાણી અમે તને સ્વીકારી શકીએ.

કંજ હસીને નીચે બેસી ગયો. પછી એણે એકપછી એક એવી ઘણી વાતો કરી જે સાબિત કરતી હતી કે એજ કંજ છે બાહુલનો પુત્ર. ત્યાં હાજર બધા લોકો તેની વાત સાંભળી ખુશ થઈ ગયા. બધાએ એને વધાવી લીધો.

વૃદ્ધ: દીકરા તને અહીં જોઈ અમને ખૂબ આનંદ થયો. પણ તારા પિતા સાથે જે થયું....

કંજે વૃદ્ધને વચ્ચે જ બોલતા અટકાવી દેતા કહ્યું, વડીલ એ હું જાણું છું. પણ તમે લોકો મારા પિતાને એવા નથી સમજતા એ જાણી ખૂબ આનંદ થયો. ને હવે હું આવી ગયો છું તો હું એ પણ પુરવાર કરી દઈશ કે મારા પિતા દેશદ્રોહી નહોતા.

વૃદ્ધએ કંજના માથે હાથ ફેરવતા કહ્યું, હા દીકરા જરૂર. પછી બધા ખુશ થતા કંજને આશિષ આપતા જતા રહ્યા.

કંજ ખૂબ ખુશ થઈ ગયો. ઓનીરે તેના ખભે હાથ મુક્તા કહ્યું, કંજ ખૂબ નસીબદાર છે કે લોકો આજે પણ તારા પિતાને માનસન્માન આપે છે. લોકો એમને ગુનેગાર નથી માનતા.

કંજે માથું હલાવી હા કહ્યું ને એણે ઓનીરને બાથ ભીડી લીધી. બધા ભાવુક થઈ ગયા.

થોડીવાર રહી ઝાબી બોલ્યો, બહુ પ્રેમ આદર થઈ ગયો. હવે ભોજનની કોઈ વ્યવસ્થા થઈ શકે?

કંજે હસતા હસતા કહ્યું, હા હા કેમ નહિ? હું હમણાં જ બધી વસ્તુઓ લઈ આવું છું. ત્યાં સુધી તમે તૈયારીઓ કરો.

ઓનીર: હું પણ આવું છું કંજ.

પછી કંજ અને ઓનીર બજારમાં વસ્તુઓ લેવા નીકળી ગયા.

માતંગી: રાજકુમારી તમે આરામ કરો. અમે તૈયારીઓ કરીએ છીએ.

નિયાબી: કેમ? હું પણ કરીશ.

અગીલા: રાજકુમારી એની કોઈ જરૂર નથી. તમે આરામ કરો.

નિયાબી: કદાચ તમે લોકો ભૂલી રહ્યા છો કે આપણામાં હમણાં કોઈ રાજકુમારી કે કોઈ સેનાપતિ નથી. આપણે બધા એક સરખા જ છીએ.

માતંગીએ અગીલાની સામે જોયું. ત્યાં ઝાબી બોલ્યો, નિયાબી કઈ ખોટું નથી કહી રહ્યા. અત્યારે બધાં જ સરખા છે.

નિયાબીએ ઝાબીના પીઠ પર મારતા કહ્યું, એકદમ બરાબર. ચાલો હવે કામ કરીએ.

બધા હસી પડ્યા ને સાથે કામે લાગ્યા. યામનમાં હસી મજાક અને લોકો સાથે મેલમિલાપમાં ત્રણ દિવસ વીતી ગયા. પણ ખોજાલ તરફથી કે યામનના દરબાર તરફથી કોઈ મુશ્કેલી આવી નહીં. કે યામનમાં પણ કોઈ સમસ્યા ના થઈ. નિયાબી અને એના મિત્રો માટે આ નવાઈની વાત હતી. એ લોકો સાથે બેસી વાતો કરી રહ્યા હતા.

ઝાબી: ઓનીર આ ખોજાલ ખરેખર જેવું કોઈ છે કે પછી કોઈ અફવા છે?

અગીલા: હા ઝાબી મને પણ નવાઈ લાગી રહી છે કે એના સૈનિકોની આટલી ધુલાઈ કરી તો પણ એણે કઈ કર્યું નહિ. હજુ પણ ચૂપ છે. કેમ?

નિયાબી: અગીલા આ કદાચ તોફાન પહેલાની શાંતિ હોય શકે. ખોજાલ કઈક નવું જ વિચારતો હોય.

માતંગી: કદાચ કઈક મોટું?

ઓનીર: હોય શકે. પણ એ કઈક શુ છે? એ વિચારવા જેવું છે.

ત્યાં કંજ પંડિતજી સાથે આવ્યો. બધાએ પંડિતજીનું અભિવાદન કર્યું. કંજે એમને બેસવા માટે ગાદી આપી.

કંજે બધાની સામે જોઈ પૂછ્યું, શુ થયું? શેની ચર્ચા થઈ રહી છે?

ઓનીર: ખોજાલની શાંતિની. પણ તું પંડિતજી સાથે?

કંજ: અરે! હું ઘરે આવ્યો ત્યારે એ પણ અહીં આવી ચુક્યા હતા. અમે બંને સાથે અંદર પ્રવેશ્યા. ને રહી વાત ખોજાલની તો એને શાંત ના સમજીશ ઓનીર. એ એમજ શાંત બેસે એમ નથી.

અગીલા પંડિતજી અને કંજ માટે પાણી લઈ આવી અને પીવા આપ્યું.

પાણી પી ને પંડિતજી બોલ્યાં, કંજની વાત સાચી છે. ખોજાલ શાંત બેસે એમાનો નથી. પણ રાજા નાલીને તેને શાંત રહેવા કહ્યું છે. એટલે એ શાંત છે.

નિયાબી: રાજા નાલીને? પણ કોઈ કારણ?

પંડિતજી: હા રાજકુમારીજી રાજા નાલીને. ને કંજ આજે હું તને તારા જીવનને બચાવનાર બીજી એક વ્યક્તિ વિશે જણાવવા માંગુ છું.

કંજે નવાઈ સાથે પૂછ્યું, બીજી વ્યક્તિ? એ કોણ છે પંડિતજી?

પંડિતજી: હા કંજ તને આટલે સુધી પહોંચાડવામાં મારા સિવાય બીજી પણ એક વ્યક્તિ છે. ને એનું નામ છે રાંશજ. નાલીનનો પ્રધાન રાંશજ.

પંડિતજીની વાત સાંભળી બધાને અચરજ થયું. બધા એમની સામે જોવા લાગ્યા. પછી પંડિતજીએ રાંશજ કોણ છે? એણે કેવી મદદ કરી? એ બધી વાત કહી સંભળાવી.

પંડિતજીની વાત સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા.

કંજે પંડિતજી પાસે બેસતાં પૂછ્યું, પંડિતજી રાંશજ મને મદદ કરી રહ્યા હતા. તો મને ક્યારેય મળ્યા કેમ નહિ?

પંડિતજી: એટલા માટે કે એ એમના રાજાની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે. પછી પંડિતજીએ રાજા માહેશ્વરે રાંશજને સોંપેલ કામની વાત પણ કરી.

ઓનીર: વાહ ખરેખર ઉચ્ચ કોટીના દેશભક્ત છે રાંશજ.

નિયાબી: હા આટલી તકલીફો અને સમસ્યાઓ વચ્ચે પણ પોતાના રાજાની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે.

પંડિતજી: હા રાજકુમારી આ બધું માત્ર પોતાના દેશ માટે અને રાજા માટે કર્યું. એ આશાએ કે એક દિવસ આ ખરાબ દિવસો પુરા થશે અને યામનની પ્રજા અને રાજા એમાંથી મુક્ત થશે.

રાજા? કંજ એકદમ બોલી પડ્યો.

પંડિતજી: હા કંજ રાજા. યામનના રાજા માહેશ્વર જે કેટલાય વર્ષોથી યામનના કારાવાસમાં યાતનાઓ ભોગવી રહ્યા છે.

આ સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા. બધાના ચહેરા પર અલગ અલગ ભાવ આવી ગયા.

પંડિતજીએ બધાના ચહેરા જોયા એટલે બોલ્યાં, હા રાજા માહેશ્વર જીવિત છે. ને હું આજે આ જણાવવા જ આવ્યો છું. રાંશજે સંદેશો મોકલ્યો છે કે, ત્રણ દિવસ પછી રાજા નાલીનનો જન્મદિવસ છે. આ દિવસે યામનમાં ખૂબ મોટી ઉજવણી કરવામાં આવે છે. પ્રજા અને રાજા એકબીજાને મળે છે. બસ આ જ દિવસે તમારે રાજા માહેશ્વરને કારાવાસમાં થી મુક્ત કરાવવાના છે. પછી એમણે પોતાના ઝોલામાં થી એક કાગળ કાઢ્યું. ને કંજ તરફ લંબાવતા કહ્યું, આ એ કારાવાસ સુધી પહોંચવાનો નકશો છે. રાંશજે મોકલ્યો છે.

કંજે નકશો લઈ લીધો.

પંડિતજી ઉભા થતા બોલ્યાં, હવે હું જાવ. હવે હું તમને રાજા માહેશ્વરની મુક્તિ પછી જ મળીશ.

બધાએ માથું હલાવી હા કહ્યું. ને પંડિતજી જતા રહ્યા. બધા ચુપચાપ બેઠા હતા. એમના માટે આ બધું એકદમ નવું હતું. ના વિચાર્યું હોય એવું.

ક્રમશ..............