Prinses Niyabi - 39 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 39

ખોજાલે વરુઓને લઈ આવવાનો આદેશ કોટવાલને આપ્યો હતો. સૈનિકોની સાથે જ વરુઓની સેના પણ હતી. બધા વરુઓના પાંજરા આગળ લાવી ઉભા રાખી દેવામાં આવ્યા.

ઓનીરે બધાની સામે જોયું. નિયાબીએ ઝાબીની સામે જોયું ને બોલી, ઝાબી આ વરુઓ ને તારે સંભાળવાના છે. આની સામે લડીને ઘાયલ થવાનો કોઈ મતલબ નથી. જાણી જોઈને મોતના મુખમાં ના જવાય.

ઝાબીએ નિયાબી સામે જોયું ને કહ્યું, જી હું સમજી રહ્યો છું કે તમારો ઈશારો શુ છે.

અગીલા: જો હું ઠીક સમજી રહી હોવ તો નિયાબી તમે ઝાબીને કાચોસોરીન જાદુનો ઉપયોગ કરવાનું કહ્યું બરાબર?

નિયાબી: હા અગીલા બરાબર. ને જરૂર પડે તમે લોકો પણ જાદુનો ઉપયોગ કરી શકો છો.

ઓનીર: જો ઝાબીએ જાદુનો ઉપયોગ કર્યો તો પછી ખોજાલ ચૂપ નહિ રહે. ને આપણે એની શક્તિઓ ને જાણતા નથી.

નિયાબી: તો શુ થયું ઓનીર? જરૂર પડે આપણે સુરક્ષા કવચનો ઉપયોગ કરીશું. ને એ આપણી શક્તિઓને ક્યાં જાણે છે.

ઓનીર: જી જેવી તમારી ઈચ્છા.

નિયાબીની વાત સાચી હતી. સ્થિતિ જો બેકાબુ બની જાય તો એ ચારેય સુરક્ષા કવચનો ઉપયોગ કરી શકે એમ હતા. ને એના થી એ લોકો કોઈપણ શક્તિના પ્રહારથી બચી જશે.

ખોજાલ એ લોકોને ચર્ચા કરતા જોઈ બોલ્યો, ડરી ગયા મારા આ ખૂંખાર વરુઓ ને જોઈ? તૈયાર થઈ જાવ મોત માટે.

પણ ચારમાં થી કોઈપણ કઈ બોલ્યું નહિ. પણ બધાએ પોતપોતાની જગ્યા લઈ લીધી લડવા માટેની. ને તલવાર સાથે તૈયાર થઈ ગયા સામનો કરવા માટે.

ખોજાલે પાંજરા ખોલી નાખવાનો ઈશારો કર્યો. સૈનિકોએ પાંજરાના દરવાજા ખોલી નાંખ્યા. ને પછી પાછળ ખસી ગયા. વરુઓ એકદમ ગુરાતાં ગુરાતાં બહાર નીકળવા લાગ્યા. ખોજાલ એમની પાસે ગયો ને પછી વારાફરતી દરેક વરુની ગરદન પર હાથ ફેરવવા લાગ્યો. આ રીતે એણે વરુઓને સંમોહિત કરી દીધા હતા નિયાબી અને એના મિત્રોને મારવા માટે.

ધીરે ધીરે વરુઓ આગળ વધવા લાગ્યા. પણ ચારમાં થી કોઈપણ પોતાની જગ્યાએથી હલ્યું નહિ. ના એમના ચહેરા પર કોઈ ડર દેખાતો હતો. પછી ઝાબી આગળ આવ્યો ને પોતાની આંખો બંધ કરી. ત્યાં પેલા વરુઓ એમની પર ઘાત લગાવી કૂદવા તૈયાર થઈ ગયા હતા. ને જેવા એ કૂદયા કે ઝાબીએ પોતાના જાદુથી બધાને કાચના બનાવી દીધા. વરુઓ જે સ્થિતિમાં હતા એજ સ્થિતિમાં કાચના બની ગયા. જે વરુઓ હવામાં ઉછળ્યા હતા એ સ્થિરતા ના જળવવા ને કારણે જમીન પર પડી તૂટી ગયા. ને જે જમીન પર હતા એ હજુ સલામત હતા.

એકદમ જે બન્યું એ જોઈ ખોજાલ, નાલીન અને સૈનિકો હક્કાબક્કા થઈ ગયા. શુ થયું? કેવી રીતે થયું? એ કોઈને સમજ ના પડી.

ઓનીર આગળ વધ્યોને બોલ્યો, ખોજાલ હવે આ તારી સેના કોઈ કામની નથી રહી. જો કેવા હાલ થયા છે એના જો....જો...

પણ ખોજાલ શુ બોલે? એ તો હજુ અસમંજસમાં હતો કે આ શુ થયું?

ત્યાં નિયાબી બોલી, સાવધાન રાજા નાલીન બચાવો તમારી જાતને. ને નિયાબીએ તલવારથી નાલીન પર હુમલો કરી દીધો. પણ ખોટી જીતની શેખીમાં રચતો નાલીન નિયાબીના વાર માટે તૈયાર નહોતો. એ થોડો પાછો ખસી ગયો. પણ નિયાબીએ એની પર વાર કરવાનું ચાલુ રાખ્યું. નાલીને પોતાને બચાવવા તલવાર ચલાવવા લાગી.

ખોજાલે માંડ માંડ પોતાને સંભાળતા કહ્યું, સૈનિકો આગળ વધો. એક ને પણ જીવતો ના છોડતા.

પણ વરુઓ સાથે જે બન્યું એ જોઈ સૈનિકો હજુ અવાક હતા. ત્યાં ખોજાલ જોરથી બરાડ્યો, હુમલો કરો........

ઓનીર, ઝાબી અને અગીલા સામનો કરવા તૈયાર થઈ ગયા. પણ એકપણ સૈનિક આગળ વધ્યો નહિ.

ખોજાલ ફરી બરાડ્યો, આગળ વધો.

પણ એકપણ સૈનિક પોતાની જગ્યાએ થી હલ્યો નહિં. આ જોઈ ઝાબી બોલ્યો, ખોજાલ હથિયાર મૂકી દે. અમે તને જીવનદાન આપીશું.

ખોજાલ વારાફરતી ત્રણેયની સામે જોવા લાગ્યો. એ ખરેખર ગભરાઈ ગયો હતો. પણ હજુ એને પોતાની પર વિશ્વાસ હતો. એ બોલ્યો, મને જીવનદાનની કોઈ જરૂર નથી. હવે તમે તમારો જીવ બચાવો. પછી એણે હવામાં હાથ ઉપર કર્યો ને કઈક બોલ્યો. ને પછી હાથ ઓનીર, ઝાબી અને અગીલા તરફ કર્યો. એના હાથમાં કુમકુમ હતું. એ એણે આ લોકો પર ફેંક્યું.

કુમકુમ પડવાથી એ લોકો પોતાના કપડાં ખંખેરવા લાગ્યા. એમણે ખોજાલ સામે જોયું. એ હસી રહ્યો હતો.

અગીલા: ઓનીર સાવધાન આ કોઈ સામાન્ય કુમકુમ નહિ હશે. આના થી કઈક તો થશે જ.

એ લોકો હજુ વાત જ કરતા હતા ત્યાં આકાશમાં એક સાથે ઘણા બધા ગીધ આવી ગયા. ને ઉપર ગોળ ગોળ ચક્કર મારવા લાગ્યા.

ખોજાલે હસતા હસતા કહ્યું, બચાવી લો તમારી જાતને હવે. આ ગીધ તમને એક એકને કોચી કોચીને લોહીલુહાણ કરી દેશે.

ઝાબી: ઓનીર હવે?

ઓનીરે તલવારને મજબૂત પકડતા કહ્યું, કઈ નહિ મંડી પડો. પેલા ગીધ નીચે આવવા લાગ્યા. ને એ લોકો પર હુમલો કરવા લાગ્યા. ત્રણેય જણ તલવારથી એ લોકો પર ઘા કરવા લાગ્યા. જેમ જેમ તલવારનો ઘા પડતો. ગીધ નીચે જમીન પર પડવા લાગતા. કોઈની પાંખ કપાઈ જતી તો કોઈની ડોકી ઉડી જતી હતી. એ લોકો સ્ફૂર્તિ સાથે લડી રહ્યા હતા.

આ તરફ નિયાબીએ નાલીનને હંફાવી દીધો હતો. એક ઐયાસીમાં રચતો અને સતત દારૂના નશામાં ધૂત રહેતો વ્યક્તિ શુ લડાઈ કરી શકે? નાલીન લોહીલુહાણ થઈ ગયો હતો. હવે એ લડી શકે એવી કોઈ શકયતા રહી નહોતી. પણ નિયાબીએ એને જીવતો રહેવા દીધો.

નિયાબીએ ગીધો સાથે પોતાના સાથીઓ ને લડતાં જોયા. કેટલાય બધા ગીધો નીચે જમીન પર પડ્યા હતા. પણ છતાં હજુ ગીધો ઓછા નહોતા થઈ રહ્યા. હજુ પણ ઘણા બધા ગીધો ત્યાં મંડરાઈ રહ્યા હતા. નિયાબીએ જોયું કે બધા થાકી ગયા છે. એટલે એ બધાની પાસે ગઈને એણે સુરક્ષા કવચ એ લોકોની ઉપર બનાવી દીધું. ચારેય જણ સુરક્ષા કવચમાં આવી ગયા.

પેલા ગીધ સુરક્ષા કવચને અથડાતા તો આગ ઉત્પન થતી ને એ લોકો જમીન પર પડતા. ટપોટપ ગીધો સુરક્ષા કવચને અથડાઈને જમીન પડવા લાગ્યા. ચારેએ શાંતિનો શ્વાસ લીધો.

આ જોઈ ખોજાલ હવે ડરી ગયો હતો. હવે ડર એના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. થોડીવારમાં બધા ગીધ ગાયબ થઈ ગયા. કેમકે આ ખોજાલની માયા હતી. નિયાબીએ સુરક્ષા કવચ હટાવી લીધું.

દૂર ઉભા રહીને માતંગી અને કંજ તેમજ યામનના લોકો આ બધું જોઈ રહ્યા હતા. માતંગી સિવાય બધાના ચહેરા પર આશ્ચર્યના ભાવ હતા.

ત્યાં રાંશજ રાજા માહેશ્વરને લઈને આવી ગયો. તેની સાથે થોડા વિશ્વાસુ લોકોની નાનકડી સેના પણ હતી. રાજા માહેશ્વરને જોઈ બંસીકાકા નવાઈ પામી ગયા. એ બોલ્યાં, રાજા માહેશ્વર? આટલા વર્ષો પછી?

કંજે બંસીકાકા સામે જોયું ને બોલ્યાં, હા કાકા નાલીને એમને બંધી બનાવીને કારગ્રહમાં રાખ્યા હતા. નિયાબી અને અગીલા એમને છોડાવી લાવ્યા.

બંસીકાકાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, પણ ખબર કેવી રીતે પડી?

કંજ: રાંશજે કહ્યું કાકા. આટલા વર્ષોથી પ્રધાન રાંશજ રાજા માહેશ્વરના આદેશથી નાલીનની સાથે હતા. તેઓ પોતાના રાજાની આજ્ઞાનું પાલન કરતા યામનની પોતાનાથી થાય એટલે છુપી રીતે મદદ કરી રહ્યા હતા.

આ સાંભળી બંસીકાકા અને યામનની પ્રજા સ્તબ્ધ થઈ ગઈ. ને પછી બધા રાજા માહેશ્વર પાસે આવી ગયા. બધાના ચહેરા પર અલગ અલગ ભાવ દેખાય રહ્યા હતા. અમુક લોકો રાજા માહેશ્વરને જીવિત જોઈ ખુશ થઈ ગયા હતા. તો અમુક લોકો ના ચહેરા પર ખુશી અને દુઃખ બંનેના ભાવ દેખાઈ રહ્યા હતા. તો અમુક લોકો દુઃખી હતા કે એમના રાજાને આટલી બધી તકલીફો પડી.

રાજા માહેશ્વરને જોઈ ખોજાલ ડરી ગયો. એ સમજી ગયો કે હવે એનું શુ થશે? પણ એની પાસે ભાગવાનો પણ કોઈ રસ્તો રહ્યો નહોતો.

રાજા માહેશ્વરની આગળ નમીને બધાએ એમનું અભિવાદન કર્યું. રાજાએ હાથ ઉંચો કરી એમનું અભિવાદન ઝીલ્યું. પછી એમણે રાંશજ સામે જોયું ને બોલ્યાં, રાંશજ નાલીન અને ખોજાલને બંધી બનાવી લો.

રાંશજ સાથે આવેલા સૈનિકો દોડ્યા અને નાલીન અને ખોજાલને પકડીને રાજા સામે લઈ આવ્યા.

બંને પોતાનું માથું નીચું કરી રાજા માહેશ્વર સામે ઉભા રહ્યા. રાજા માહેશ્વરે એક ઘૃણા ભરી દ્રષ્ટિ એમની પર નાંખી ને પછી રાંશજ સામે જોઈ ને કહ્યું, રાંશજ ખોજાલને સજા રૂપે એના બંને હાથ અને પગ કાપી નાંખો. ને નાલીનને મૃત્યુદંડ આપો.

આ સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા. રાંશજે માથું નમાવી કહ્યું, રાજા માહેશ્વર નાલીન આપનો પુત્ર છે. એને મૃત્યુદંડ? આ વધારે છે.

રાજા માહેશ્વર એકદમ કડક સ્વરે બોલ્યાં, રાંશજ કઈ વધારે નથી. આ એણે કરેલા પાપોની સજા છે.

રાંશજ નમ્રતાપૂર્વક બોલ્યો, પણ એ તમારો એકજ પુત્ર છે.

રાજા માહેશ્વર ઉંચા સ્વરે બોલ્યાં, રાંશજ ગુનેગાર ગુનેગાર હોય છે. પછી ભલે એ રાજાનો દીકરો જ કેમ ના હોય? ને રાંશજ આ મારી ભૂલ છે કે સમય રહેતા ખબર હોવા છતાં મેં નાલીને એના કર્મો માટે રોક્યો કે ટોક્યો નહિ. ને મારી એ ભૂલનું પરિણામ વર્ષોથી યામનની પ્રજા ભોગવી રહી હતી. પણ હું એ ભૂલ ફરી નથી કરવા માંગતો. ને હું નથી ઈચ્છતો કે ભવિષ્યમાં કોઈપણ માતાપિતા પોતાના બાળકના પ્રેમમાં એટલા અંધ બની જાય કે એની ભૂલોને પણ અવગણે. હું એ ઉદાહરણ પૂરું પાડવા માંગુ છું કે દરેક માતાપિતાએ પોતાના બાળકોએ કરેલી બધી ભૂલોને માફ ના કરવી જોઈએ. અમુક ભૂલો માફીને લાયક નથી હોતી. ને જે માતાપિતા પોતાના બાળકોની ભૂલો માટે એમને સમય રહેતા રોકતાં કે ટોકતા નથી. એ બાળકો પોતાનું તો જીવન બરબાદ કરે જ છે. પણ સાથે સાથે બીજા લોકોને પણ બરબાદ કરી નાંખે છે. ને એમાં નિર્દોષ લોકોને પણ ભોગવવું પડે છે.

રાંશજ હું ઈચ્છું કે નાલીનની દુર્દશા જોઈ દરેક માતાપિતા કઈક શીખ લે. હું એ દરેક માતાપિતાને કહેવા માંગુ છું કે જે માતાપિતા પોતાના બાળકોને એની ભૂલની સજા નથી આપતા એ પોતેજ પોતાના બાળકોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે. એમને બરબાદીના રસ્તા પર ચાલવા માટે મોકળું મેદાન પૂરું પાડી રહ્યા છે. ને એટલે આવા માતાપિતા માતપિતા કહેવાને લાયક નથી. બાળકોના મોહમાં માતાપિતાએ એટલા પણ અંધ ના બનવું જોઈએ કે પછી એમના હાથમાં કઈ ના બચે. એટલે મેં જે કહ્યું એનું પાલન કરો.

રાંશજે માથું ઝુકાવી હા કહ્યું.


ક્રમશ..............