Nath Without Naath books and stories free download online pdf in Gujarati

નાથ વગરની નથણી

નોંધ:પ્રસ્તુત વાર્તાનાં પાત્રો, કથા, વિષયવસ્તુ તથા સ્થળ લેખકની કલ્પના માત્ર છે.

" હે બા, એક વાત પૂછું ? આ છોકરાઓને કેમ ક્યારેય કાન અને નાક વીંધાવવાનું નહીં ?" જીગલી એ અચાનક જ સવાલ પૂછી લીધો.
જીગલીની માં લાભુ પાસે કદાચ આનો જવાબ તો હતો, પરંતુ અંધારું ખૂબ નજીક હતું. વાડી કેડે ધૂળની ડમરીઓ ઊડી રહી હતી. રાંધવાની ઉતાવળ એટલે સાડીનો છેડો કેડમાં ખોસી, લાભુ ઉતાવળે પગલે ચાલવા લાગી. જીગલી પણ બાળસહજ નાનાં પગલાં ભરતી લાભુને આંબવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી હતી.

" હે બા, ભગવાન કેમ પહેલેથી જ છોકરીઓને કાન અને નાક વીંધીને નથી મોકલતા ? " જીગલી માટે અંધારા કરતાં તેની જિજ્ઞાસાને વધારે પ્રાધાન્યતા હતી.
" તું બહુ નાની છો. અત્યારે પડપૂછ કરવાનું મેલી દે. જો મોડું થશે તો ઘરે ડોશી વીફરશે." કદાચ લાભુ પાસે આ એક જ જવાબ હતો અને હકીકત પણ તે જ હતી.
ડોશીની બીકે લાભુ ઉતાવળા ડગલાં ભરવા લાગી. જવાબ ન મળવાથી જીગલી બેચેન હતી, પણ એમ કંઈ લાભુનો પીછો છોડે એમ ન હતી.
" હે બા,તારું નાક વીંધ્યુ, ત્યારે તને દુઃખ્યું'તુ."
" દુખે જ ને.ઈ કાઈ હગુ નો થાય."
" તો તે કેમ વીંધાવ્યું ? " - ફરી ફરીને જીગલી મૂળ મુદ્દા પર આવી ગઈ અને લાભુને જવાબ આપવા માટે લાચાર કરી ગઈ. લાભુ ને પણ થયું કે લાવને જવાબ આપી દઉં એટલે મૂંગા મોઢે જલદી ઘર આવે.
" બાયુએ નાક વીંધાવું જ પડે. નથણી પેરવા માટે."
" હે બા તો તે નાક વિંધાવ્યું,પણ નથણી તો પહેરી નથી ? "

એકાએક લાભુના ગતિશીલ ડગલાં થંભી ગયા. જાણે કે શ્વાસની ગતિ અટકી ગઈ ! બસ આ સવાલનો જવાબ આપવો ન પડે તે માટે જ કદાચ લાભુ જીગલીના સવાલને એક બાજુ પર રાખીને, ઉતાવળે ડગલાં માંડતી હતી. છોકરીનો સ્વભાવ જીવરો હોય એટલે એને જવાબ આપવા માટે પૂરતાં શબ્દો હોવા જોઈએ. પરંતુ અહીંયા જીગલીનાં છેલ્લાં સવાલનો જવાબ આપવા માટે, લાભુ પાસે શબ્દો ખુટેલાં હતાં. કારણકે તેની જિંદગીના અમૂલ્ય સંબંધો તૂટેલા હતાં, અધૂરા રહી ગયેલાં હતાં.

લાભુ પાસે જવાબ તો હતો, પરંતુ નાની જીગલી પાસે તે જવાબ સમજવાની સમજણશક્તિ ન હતી અને એટલે જ લાભુ અંધારાને ખાળતી, ઝડપથી ઘરની ડેલીમાં પ્રવેશ ગઈ. માથા પર ઓઢેલો સાડીનો છેડો સરખો કરી તરત જ રસોડામાં જતી રહી અને પોતાનો સવાલનો જવાબ અધુરો રહી ગયો હોવાથી, જીગલી ફળિયામાં બાંધેલી ગાય પાસે નિરાશ થઈને ઊભી રહી ગઈ.

જીગલીનો સવાલ અનાથ જ રહી ગયો, અકબંધ રહી ગયો. દિવસો પસાર થવા લાગ્યા અને સવાલ ભૂલાતો ગયો. લાભુ માટે તો ઘરથી વાડી અને વાડીથી ઘર, બસ આ જ જિંદગીનો સિલસિલો બની રહેલો. લીલી ડોશી પણ ભાંગ ઘસતા, ઘરની ચોકીદારી કરતા રહે .

આમ ને આમ દિવસો પસાર થઈ ગયા અને જોતજોતામાં જીગલી મોટી થઈ ગઈ. લીલી ડોસીનાં મોઢામાં હવે એક પણ દાંત નથી રહ્યો અને લાભુને કાયમ માટે કમરનો અસહ્ય દુખાવો ચાલુ થયો. ઘરનું બધું જ કામ સમજુ જીગલીએ સામેથી જ માથે લઈ લીધેલું. પરિસ્થિતિને અનુકૂળ બનીને જીવવાની નવી રીત જીગલીએ શીખી લીધી હતી. જો કામમાં ભૂલ થાય તો લીલી ડોશી ખખડાવવાનું બાકી ન રાખે," તારી માં હાહરે હારે નથી આવવાની. કામમાં હડપ હોવી જોઈએ." જીગલી માટે તો આ કાયમનુ થયું.

મોજ મજા અને આનંદની વાતો આ ઘર માટે એક ભવ્ય ભૂતકાળ જ હતો. ઘણાં વર્ષોથી આ ઘરમાં આનંદની પળો વીતેલી ન હતી. જાણે કે ખુશી અને ઉત્સાહ આ ઘરની ડેલીમાં પ્રવેશ્યા જ ન હતા અને બહુ ઓછા સમયમાં આ ઘર પુરુષ વગરનું થઈ ગયેલું. માત્ર સ્ત્રીના સંચાલન હેઠળનાં આ ઘરનાં બે ઓરડાં મરવાના વાંકે જીવતા હોય તેમ નિસાસા નાખતા હતા. કામ વગર વાતો ન થાય અને કામ વગર કોઈ બહાર ન નીકળે.

પરંતુ સમયને કોઇ અંકુશ નથી હોતો. જીગલીને કાયમ માટે બીજે જવાનો એક નાનકડો અવસર ઉંબરે આવીને ઊભો હતો. અહીં કહેવાની જરૂર નથી રહેતી કે હવે જીગલી મંગળ ફેરા ફરવાની હતી. જીગલીનાં ઘરે તેનાં લગ્નનાં ઢોલ ઢબૂકવાના હતાં.

દીકરીની વિદાયની વેળા આમેય વસમી જ હોય છે. ગમે તેવા મરદ મુછાળાની આંખો ભીની થઈ જાય તેવો આ અવસર હોય છે. એમાંય ગરીબ અને બાપ વગરના ઘરમાંથી દીકરીને વિદાય થવું ખૂબ વસમુ લાગે અને આ દુઃખ કલ્પનાતીત હોય છે. બાપ વગરની દીકરી માંને એકલી મૂકીને રૂઢિગત પરંપરાને અનુસરવા સાસરે જાય છે, ત્યારે તે ઘરનાં રીતરિવાજો અને પરંપરામાં દીકરી પોતાના પિયરનાં સંસ્કારોનું એક અનોખું પ્રતિબિંબ ઉપસાવતી હોય છે.

ખેર, જીગલીનાં સાસરે જવાથી લાભુ ખૂબ જ દુઃખી થઈ. હવે તો લીલી ડોસીની તબિયત પણ સારી રહેતી ન હતી અને ઘર વધારે નાનું થતું જતું હોય તેવું લાગતું હતું ! બસ, માત્ર વેઠ કરવા પૂરતો જ જન્મારો બાકી રહ્યો હોય,તેમ નીરસ બનીને લાભુ અને લીલી ડોશી શ્વાસો લેતા હતાં.

આખી જિંદગીમાં કોઈ સંસ્મરણો એવા ન હતા કે, જેનાથી લાભુ આનંદમાં રહી શકે. થોડાં ઘણાં સંસ્મરણો જીગલી સાથેનાં હતાં અને તે સંસ્મરણો પણ આઘાત દેનારા હતા. તેને વાગોળવામાં કોઇ ફાયદો ન હતો.

આ બાજું, નવોઢા દુલ્હન અરીસાની સામે જોઈને નાકની નથણી સરખી કરી રહી હતી. જાણે કે બાળપણનાં સવાલનો જવાબ આ અરીસો આપી રહ્યો હોય તેમ, જીગલી મનમાં ગણગણી રહી હતી 'નથણી તો મારા નાથનાં નામની'. જીગલી માટે નવી જિંદગીની નવી શરૂઆત થઈ ગઈ હતી.

જીગલીનો પતિ રઘુ જીગલીને ખુબ જ પ્રેમ કરતો હતો. પરણ્યાં પછી પ્રેમની પરિભાષા જીગલીનાં જીવનમાં પ્રવેશી હતી. બાકી તો અત્યાર સુધી ચૂપચાપ અને ગુમનામ જીંદગી પસાર થયેલી. ગ્રામીણ જીવનમાં ઘરને શોભે અને ઘરના સંસ્કાર મુજબ જીગલી ઘરનાં દરેક સભ્યનો પ્રેમ જીતવા લાગેલી અને સાથે સાથે રઘુના જીવનનું અભિન્ન અંગ બનવા લાગી.

દીકરી સાસરે ખૂબ ખુશ હોય તો કંઇ માં રાજી થાય ! માની આંતરડી ઠરે ! લાભુ માટે આ વાત ખૂબ જ આનંદપ્રદ બની રહી. જીગલી વગરનાં ઘરમાં હવે તો લાભુ અને લીલી ડોશી જીગલીનાં આનંદ, જીગલીનાં સાસરીયાની વાતો વાગોળવામાં મગ્ન બનતાં ગયાં અને તેમાંથી જ આનંદ મેળવીને દિવસો પસાર કરતા રહ્યાં. ઘણાં વર્ષો પછી હવે તો આનંદમાં રહેવા માટેનો એક નવો મુદ્દો મળી ગયો.

ફાગણ મહિનાનો પહેલો દિવસ હતો. એટલે કે જીગલી અને રઘુના લગ્ન જીવનનાં પંદર દિવસ વીતી ગયા. હવે તો જીગલી અને રઘુ વચ્ચે થોડી ઘણી દોસ્તી પણ વધી ગયેલી. જીગલી રઘુને જમાડયા પછી જ જમે. જો કે ગ્રામીણ જીવન અને સંસ્કારી પરિવારોની આ એક આગવી છાપ ગણી શકાય.

" આજે રોંઢે હૂ ખવડાવીશ ? " રઘુએ પ્રેમથી પૂછયું.
" ગરમાગરમ બાજરાનો રોટલો અને અડદની દાળ."
" તને મારી પસંદગીનું ખાણું ખબર છે. એમ ને ? "
" જો ઈ ખબર ન હોય તો ધણિયાણી ન કહેવાઉ."

રઘુ અને જીગલી વચ્ચે પ્રેમભર્યા સંવાદો ચાલુ થઈ ગયા હતા. જાણે કે જીગલીનાં જીવનમાં પ્રેમનું બીજ અંકુરણ પામી રહ્યુ હતું અને રઘુ માટે આ પ્રેમ વટવૃક્ષ બની રહ્યું હતું ! જેવા તે બંને એકબીજાથી વધુ નજીક જવાનો પ્રયત્ન કરે કે તરત જ દૂર થવાનો સમય થઈ જાય. એટલે કે રઘુને વાડીએ જવાનો સમય થઈ ગયો. બળદગાડું લઈને રઘુ વાડીએ જવા નીકળી ગયો.

" એ હાંભળો સો ? બહુ મોડું ન કરતા. વેળાસર આવી જજો. હું તમારી રાહ જોઇશ. "
" મોડું કરવું મને જ ગોઠતું નથી. આ વાડીની શીતળ લહેર કરતાં, હવે મને આ લાડીની મધુર મહેર વધારે પસંદ સે."

રઘુના બળદગાડાનો કિચૂડ કિચૂડ અવાજ દૂર સુધી સંભળાતો રહ્યો અને ત્યાં સુધી જીગલી ઘરના ઝાંપા પાસે ઉભી રહી. જાણે કે જીગલી તે અવાજની મધુરતામાં ખોવાઈ ગઈ અને રઘુ દૂર દેખાતી ક્ષિતીજમાં ભળી ગયો.

લગ્નને હજુ પંદર દિવસ જ થયા હતા, ત્યાં તો જીગલીએ તેના સાસુ અને સસરાનું દિલ પણ જીતી લીધેલું. જીગલી માટે તેનો સસરો બાપ સમાન જ ગણી લ્યો. કારણ કે જ્યારે જીગલી તેની માંના પેટમાં હતી, ત્યારે જ તેણે તેના બાપને ખોઈ દીધેલો.વજીગલી એ હજી દુનિયા જોઈ નહોતી અને તેના બાપે ત્યારે જ દુનિયા છોડી દીધેલી. બાપનો ચહેરો તો શું, બાપની કલ્પના જ જીગલી માટે અસહ્ય હતી. તેવાં સમયમાં બાપ જેવો સસરો મળવો ભગવાનની ખૂબ મોટી કૃપા કહેવાય અને એટલે જ જીગલી, તેના સસરાની સેવા કરવાનો એક પણ મોકો ચૂકતી ન હતી.

આવનારો સમય કલ્પનાતીત હોય છે. આવનારાં સમય માટે કદાચ આયોજન અને કલ્પના કરી શકીએ, પરંતુ હરી ઇચ્છા વગર કશું શક્ય બનતું નથી.

જીગલી તો રઘુને જમાડવાનાં નાદમાં મનમાં ને મનમાં ખુશખુશાલ થતી જતી હતી. પોતાનાં પ્રિયવરને ગરમાગરમ જમાડવાના ગલગલીયા થવા, એ પણ એક પ્રેમનો જ અભિન્ન ભાગ છે.

થોડી થોડી વારે જીગલી ઘરનાં બંધ ઝાંપા તરફ જોયાં કરે. જીગલીની નજર જાણે કે બંધ ઝાંપામાંથી સીધી જ રઘુને જોતી હતી. એટલે કે રઘુની રાહમાં જીગલી સતત આકુળ-વ્યાકુળ થતી જતી હતી.

રઘુને વાડીનાં કામમાં મન લાગતું ન હતું. નવપરણિત રઘુ માટે હવે તો વાડીનું એકાંત ખૂબ જ અઘરું લાગતું હતું. શરૂઆતનાં દિવસોમાં તો રઘુ માટે 'વાડી' શોખનો વિષય બની રહેલો. પરંતુ છેલ્લાં પંદર દિવસથી ઘરનાં ઝાંપામાં જીગલી પ્રવેશી, ત્યારથી જ રઘુ માટે વાડીનો ઝાંપો મનોમન બંધ થતો જતો હતો. નવું કોઈ કામ સૂઝતું ન હતું. આવો નિખાલસ અને પ્રામાણિક પ્રેમ આજની 'એન્ડ્રોઇડ' જિંદગીમાં કદાચ કલ્પના ગણી શકાય.

બસ, ગણતરીની મિનિટમાં જ રઘુ ઘરે આવી જશે, તેમ માનીને જીગલીએ રસોડાનું કામ ઉપાડી લીધું. આ બાજું, રઘુએ પણ ગાડાં સાથે બળદને જોતરી દીધા અને ઘર ભણી આવવા માટે તૈયાર થયો. મનમાં ને મનમાં ખુશ થતો રઘુ વાડી કેડેથી ઘર તરફ આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેણે કેસરી રંગથી લચકતો કેસુડો જોયો. મનોમન વિચાર્યું -' ફાગણ મહિનો ચાલે છે તો કેસૂડાના પાણીમાં શરીરને ઝબોળશુ.' રઘુએ ગાડું ઊભું રાખી દીધું અને કેસુડાનાં ફૂલ લેવા માટે વાડમાં પગ મૂક્યો. પહેરણ પરનાં સફેદ ખેસમાં કેસુડાનાં ફૂલ એકઠાં કર્યા.

આ બાજુ, જીગલીએ ઘરે ચૂલો પ્રગટાવ્યો અને થોડી-થોડી વારે રસોડાનાં ઉંબરે આવી, ઝાંપા તરફ જોઇને, પાછી રસોઇ કરવા લાગે.

એવામાં ઘરનો ઝાંપો ધડાક દઈને ખુલ્યો અને જીગલી ઉત્સાહમાં હાથમાં લોટનો ગળીયો લઈને, રસોડાનાં ઉમરે આવીને ઉભી રહી. તેનાં ચહેરા પર રઘુના આગમનનો અદ્ભુત આનંદ છવાયેલો હતો. ઓસરીમાં ખાટલાં ઉપર બેઠેલાં સસરાને જોઈને, જીગલી શરમાઈ ગઈ અને ફરી રસોડામાં જતી રહી.

બીજી જ ક્ષણે ઝાંપામાંથી આક્રંદ સાથે ગીજુનો અવાજ આવ્યો,
"જીગુ ભાભી, ચૂલા ઉપરથી તાવડી હેઠી મે'લી દો.."

જીગલીનાં સસરા ગીજુનો આક્રંદ ભરેલો અવાજ સાંભળતા જ, ફડાક દઈને ઊભા થઈ ગયા. ચૂલા પરની તાવડી ઉતારવાની વાત અલગ રહી, પરંતુ જાણે કે તે તાવડી ચૂલા પર જ ભૂકો થઈ ગઈ હોય, તે રીતે જીગલી હેબતાઈ ને રસોડામાંથી બહાર નીકળી. ફાંટેલી આંખોથી દિયર ગીજુની સામે જોતી ઊભી રહી ગઈ. દોડ્યા વગર જ હાફ ચડી ગયો હોય તેમ જીગલી હાંફવા લાગી.

" મારા ભાઈને ઝેરી સાપે રેઢો નો મુક્યો. કરડી ગયો. " ગજુ રડતાં રડતાં બોલ્યો.
"તો એમાં બાયલાની જેમ રોવે સે હૂ. નાગ ઉતારવા માટે ફટાફટ લઈ જાવ." જીગલીનાં સસરાની વાતમાં દર્દ પણ હતું.
"નાગ ઉતારવા માટેની વેળા હવે હાથમાં રહી નથી. રઘુભાઈ હવે રહ્યા નથી." ગીજુએ નીચે મુંડી કરીને અઘરી વાત કહી દીધી.
" હે મારા ભગવાન, આ તે શું ધાર્યું !!! " આક્રંદ સાથે ચીસ પાડીને જીગલી ભોયતળીયે ઢળી ગઈ. હજી તો હાથની મહેંદી કોમળ હથેળીમાં આછેરી દેખાઈ રહી હતી અને તે મહેંદી ઉપર બાજરાનો ભીનો લોટ ચોંટેલો હતો.
" જલ્દી ઘરે પાછા આવવાની વાત હતી અને મને તેની રાહ હતી. તો આવો દગો કેમ કર્યો ? " - બસ હવે તો પોતાની જાતને જ પ્રશ્ન પૂછવાનું શરૂ થઈ ગયું.

દુખિયારી લાભુને આ દુઃખનાં સમાચાર સીધા ન આપતાં, ખોટી રીતે તેને જીગલીનાં સાસરિયામાં તાત્કાલિક તેડાવ્યા. લાભુ જીગલીને પંદર દિવસ પછી મળશે, તેના આનંદ સાથે જીગલીનાં ઘરે જવા માટે ભરત ભરેલી થેલી હાથમાં લીધી. તેમાં કાચી સીંગના દાણાં અને સાકર નાખી. 'જીગલીને તો સાકર અને કાચી સીંગનાં દાણાં ખૂબ ભાવે.' હૈયાનો આનંદ સમાતો ન હતો, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ જ હતી, જેનાથી લાભુ અજ્ઞાત હતી.

આ બાજુ, જીવતાં જ મરેલી હોય તેમ જીગલી ઓસરીની થાંભલીએ આધાર લઈને, નીચી નજરે બેઠી હતી. ગામની અને કુટુંબની સ્ત્રીઓનું રોકકળ ચાલુ હતું. એકદમ નાનું મરણ હોવાથી આખાં ગામમાં સન્નાટો થઈ ગયેલો. નવોઢાં જીગલી માટે પંદર દિવસની જિંદગી જ સાચી જિંદગી હતી. બાકી હવે તો શરીર માત્ર ઝાડનાં ખોખલાં થડ જેવું જડ બનીને બેઠું હતું. કોઇ સપના નહોતાં રહ્યા. સુગંધ,સ્વાદ કે સ્પર્શ માત્રનો આનંદ પણ ભૂતકાળ બની રહેલો.

ઘરનો ઝાંપો ધીમેથી ખુલ્યો. જીગલીની બા લાભુ હાથમાં થેલી લઈને ઘરમાં પ્રવેશી. એવામાં જ હાથમાં રહેલી ભરત ભરેલી થેલી સરી પડી. હા, માત્ર તે સમયે થેલી જ નહી, પરંતુ લાભુનાં અરમાનો સરી પડેલા, પગ નીચેથી જમીન સરી પડેલી, જોયેલાં દિવાસ્વપ્નો સરી પડેલા.

લાભુ અવાક્ બનીને જીગલીની સામે એક જ નજરે જોઈ રહી હતી. રડવા માટે હૈયું તૈયાર હતું, પરંતુ રડાતું ન હતું. જીગલીને મળવું હતું, પણ મળાતું ન હતું. જાણે કે શરીરનાં અંગોએ સહકાર આપવાનું જ બંધ કરી દીધું હોય તેમ, આંખ રડી નહોતી શકતી, પગ ચાલી નહોતાં શકતાં. તેમ છતાં જીગલી સુધી માંડ માંડ કરીને પહોંચી અને જીગલીને બાથ ભીડીને, મન મૂકીને રડવા લાગી. હજી પણ જીગલી માટે રડવું કલ્પના જ હતું. હૈયુ ભરાયેલું હતું, તેમ છતાં જીગલી રડી ન શકી.

એવામાં ગામના મુખી આગળ આવીને બોલ્યા,
"હાલો, હવે કાઢી જવાનો સમય થઈ ગયો સે. તૈયારી કરો."

" દીકરી, તું નાની હતી ત્યારે પૂછ્યાં કરતી કે, નાક હૂ કામ વીંધાવવાનું ! મારી દીકરી, બાયુ માણહે બધું સહન કરવું પડે સે. એટલે નાક વીંધાવવાનું." જોર જોરથી રડતાં રડતાં લાભુ જીગલીનાં તમામ સવાલનો જવાબ આપી રહી હતી.
" તું પૂછ્યા કરતી ને કે, તમે નથણી કેમ નથી પહેરી ? મારી દીકરી, તેનો જવાબ હું આપી નહોતી શકી. પણ હવે તને જવાબ મળી ગયો ને."

આ બધી દુઃખની વાતો સાંભળીને દરેક સ્ત્રીઓનું રુદન પણ વધવા લાગ્યું. એટલે ગામનાં મુખીએ ફરીવાર કહ્યું,
"હરિ નામ લ્યો. જે થવાનું હતું તે થઈ ગયું ....હાલો હવે ઉતાવળ રાખો. વેળા વીતી જાય સે." આવા દુઃખદ પ્રસંગે પણ કડક થઈને સૂચનાઓ આપનાર વ્યક્તિની મનોદશા પણ કંઈક અલગ જ હોય છે. એવું માની ન શકીએ કે તેને દુઃખ નહીં હોય, પરંતુ આખી સ્થિતિને ખાળવા માટે આવા એકાદ વ્યક્તિ દરેક સમાજમાં હોય જ.

જીગલી માટે શૂન્યાવકાશની સ્થિતિ સર્જાયેલી હતી. તેનાં પર કોઈપણ પ્રકારની અસર થતી ન હતી. અંદરના ઓરડામાં મૂંગો રહેલો રઘુ, જાણે કે હમણાં જ કાંઈક બોલશે તેવી રીતે રોફથી સૂતેલો હતો !

" રામ બોલો ભાઈ રામ...રામ બોલો ભાઈ રામ...." રઘુની અંતિમ વિદાયની વેળા ચાલુ થઈ ગઈ હતી. જીગલી આ વિદાયની વેળા જોવા તૈયાર ન હોય તે રીતે, નીચે નજર રાખીને જ બેઠી રહી. રઘુની નનામી ઘરની બહાર નીકળી. એવામાં જ જીગલી ત્યાં ને ત્યાં જ ઢળી પડી. મહેંદી મુકેલાં હાથની હથેળી બંધ હતી. આજુબાજુની સ્ત્રીઓ તેના ગાલ પર થબથબાવા લાગી, કોઈ પગના તળિયાં ઘસી રહ્યા હતાં. એવામાં લાભુએ જીગલીની બંધ હથેળીને ઘસવા માટે ખોલી, તો બંધ મુઠીમાંથી નથણી નીકળી.

બસ, હવે જીગલીને નથણીની કિંમત અને નથણીની પરિભાષા સમજાઈ ગઈ હતી. નાથ વગરની નથણીની કોઈ કિંમત નથી, તેમ રઘુ વગરની જીગલીની પણ કોઈ કિંમત રહી ન હતી. એટલે કે જીગલીએ પણ સંસારમાંથી તેના છેલ્લાં શ્વાસો ભરીને રઘુની સાથે જ, પ્રેમનાં ડગલાં માંડતા માંડતા, અંતિમ વિદાય લીધી.

બાળપણનાં સહજ સવાલોનાં જવાબ જીગલીને મળી ગયા હતા. નથણી અને નાથ વગરની નથણી આ બંને વચ્ચેની ભેદરેખા સમજાઈ ગઈ હતી.....

લેખક:શક્તિસિંહ યાદવ 'અસર'

****************************
Contact Me :
srajputmoviemaker@gmail.com

****************************