Pratyaksha-paroksha - 3 books and stories free download online pdf in Gujarati

પ્રત્યક્ષ-પરોક્ષ - ૩

પ્રત્યક્ષ-પરોક્ષ - ૩

ડો. હિના દરજી

બીજા દિવસે કેયૂર, દામિની અને મનીષા હોસ્પિટલમાં રુહી સાથે આવે છે. ડોક્ટર રુહીને ચેક કરે છે અને યુરીન ટેસ્ટ કરાવે છે. જે ટેસ્ટ પોઝિટિવ આવે છે. કેયૂર અને રુહીને હજીપણ વિશ્વાસ આવતો નથી કે એવું કેવી રીતે બની શકે? દામિની બાંકડા પર શૂન્યમનસ્ક બેસી જાય છે. દામિની પણ એ સાંભળી બેસી જાય છે. કેયૂરનું મગજ ચકરાવે ચઢે છે. રુહી ચક્કર ખાઈ નીચે પડે છે.

ગુંજન અને શ્રીધર કોઈ જાણે નહીં એ રીતે આવ્યા હતા. સંતાઈને બન્ને બધું જોતાં હતા. ગુંજન ટેન્શનમાં આવી ગઈ હતી. હવે શું થશે? રુહી પોતાને કેવી રીતે સંભાળશે? મમ્મી, પપ્પા કેવી રીતે બધું થાળે પડશે? પૂંજાભાઈ શું નિર્ણય લેશે? પોતે કેવી રીતે મદદ કરી શકે? અનેક સવાલનાં ભાર નીચે ગુંજન દબાવા લાગી હતી.

રુહી ભાનમાં આવી તરત બેભાન થઈ જતી હતી. કેયૂર એને સંભાળવાની કોશિશ કરતો હતો પણ એના દિલમાં સવાલ ઊભો થયો હતો. પોતે બાળકનો પિતા નથી તો રુહીને પ્રેગનેન્ટ કરનાર કોણ છે? જેટલું રુહીને ઓળખતો હતો એનો બીજા કોઈ સાથે અનૈતિક સંબંધ નહોતો, એ કેયૂરને વિશ્વાસ હતો. જીવનમાં આવા સવાલનાં જવાબ શોધવા પડશે એવી કોઈ કલ્પના નહોતી.

મનીષાએ ફોન કરી ઉમેશને અને દામિનીએ ફોન કરી પ્રદીપને વાત જણાવી. બન્ને સ્ત્રીઓ ભારે હ્રદયે રૂહીને લઈ ઘરે જાય છે. પૂંજાભાઈએ મનીષાને પ્રદીપનાં ઘરે જવાનું કહ્યું. દીકરીનાં જીવનમાં કેવો વળાંક આવશે એ વિચારે દામિની હોશ ખોઈ બેઠી હતી. ગાડીમાં રુહીનું માથું પોતાના ખોળામાં લઈ બેઠી હતી. એના હાથ દીકરીનાં વાળમાં ફરતા હતા અને મગજમાં હજારો વિચાર આવતા હતા. કેયૂરનું ધ્યાન ગાડી ચલાવવામાં લાગતું નહોતું. મનીષા દીકરાની હાલત જોઈ દુ:ખી થતી હતી.

ગાડી ફ્લેટનાં પાર્કિંગમાં આવે છે ત્યારે પ્રદીપ રાહ જોઈ ઊભો હતો. ફ્લેટમાં બધાને ધ્યાન જાય નહીં એટલા માટે પહેલેથી લિફ્ટ નીચે બોલાવી રાખી હતી. રુહીને પૂરી રીતે ભાન આવ્યું નહોતું. રુહીને કેયૂર અને પ્રદીપ ઘરમાં લઈને આવે છે. પાછળ બીજી ગાડીમાં શ્રીધર અને ગુંજન આવે છે. શ્રીધર ફ્લેટની બહાર ગાડી ઊભી રાખે છે. બધા ઘરમાં જાય પછી ગુંજન ઘરમાં જાય છે. શ્રીધરને ખબર હતી દાદા અને પપ્પા આવતા હશે. એ બન્નેની રાહ જોઈ બહાર ઊભો રહે છે.

ગણતરીની મિનિટમાં ઉમેશ અને પૂંજાભાઈ આવે છે. શ્રીધર એ બન્નેની સાથે ઘરમાં આવે છે. ઘરમાં આવ્યા પછી કોઈ એક શબ્દ બોલ્યું નહોતું. રુહીનાં રૂમમાં કેયૂર એનો હાથ પકડી બેઠો હતો. પ્રદીપ અને દામિની હાથ જોડી પૂંજાભાઈ સામે ઊભા રહે છે.

પ્રદીપ: “પૂંજાભાઈ, મારી દીકરી ચરિત્રહીન નથી... તમે જાણો છો વિવાહ પછી કેયૂર અને રુહીએ ઘણો સમય સાથે વિતાવ્યો છે... એ બાળક કેયૂર.....”

પૂંજાભાઈ હાથ ઊંચો કરી શોફા પર બેસે છે: “શ્રી, કેયૂરને બોલાવ...”

શ્રીધર રૂમમાં જાય છે. રુહી હજી બેભાન હતી. કેયૂરની આંખ ભીની થઈ હતી. શ્રીધર: “ભાઈ હું જાણું છું... આ બાળક તારું નથી... પણ તને ભાભી પર વિશ્વાસ છે કે નહીં એ અગત્યનું છે...”

કેયૂર નિસાસો નાંખે છે: “શ્રી, મને તો ખબર જ પડતી નથી... આવું કેવી રીતે બન્યું હોય... છેલ્લા ત્રણ મહિનાથી હું અને રુહી વધારે પડતું સાથે રહ્યા છીએ... ઓફિસમાં સાથે... બહાર પણ સાથે ગયા છીએ... હા છેલ્લી વાર હું સુરત ગયો ત્યારે એકલો ગયો હતો... ડોક્ટરે દોઢ મહિનાની પ્રેગ્નેન્સી બતાવી છે... એ સમયે હું સુરત હતો... શ્રી, એ વખતે કશું થયું છે...”

શ્રીધર: “ભાઈ, આ બધા સવાલોના જવાબ પછી મેળવીશું... દાદા તને બોલાવે છે... તારા જવાબ પર તારું અને ભાભીનું ભવિષ્ય છે... બહુ સમજી વિચારીને જવાબ આપજે...”

કેયૂર અને શ્રીધર આવે છે. પૂંજાભાઈ કેયૂરને પાસે બેસાડે છે: “કેયૂર, હું માત્ર એક જવાબ માંગુ છું... આ બાળક તારું છે?”

પૂંજાભાઈ પૌત્ર સામે એકધારી નજરે જોવે છે. ઉમેશ અમે મનીષા જવાબ સાંભળવા કેયૂરની નજીક આવે છે. ઉમેશનાં કાન ‘હા’ સાંભળવા ઉતાવળા થાય છે. દામિની આંખો બંધ અને હાથ જોડી ભગવાનનું નામ લે છે. ગુંજન અને શ્રીધર એકબીજા સામે જોવે છે. શ્રીધર આંખોથી ઈશારો કરી ધરપત રાખવા સમજાવે છે.

કેયૂર શાંત અને ધીમા અવાજે બોલે છે: “સોરી દાદાજી... હું તમને આપેલા વચનનું પાલન નથી કરી શક્યો... આ બાળક મારૂ છે...”

પ્રદીપ અને દામિનીનાં જીવમાં જીવ આવે છે. મનીષા અને ઉમેશ દીકરાનાં ખભે હાથ મૂકે છે. પૂંજાભાઈ ખંધું હશે છે: “કેયૂર આ વાત તું મારા માથા પર હાથ મૂકીને બોલ... એટલે હું વિશ્વાસ કરી લઇશ... મારે બીજા કોઈ સાચા-જૂઠા કરવા નથી...”

કેયૂર વિવશ નજરોથી દાદા સામે જોવે છે. દાદા કોઈ આવી માંગણી કરશે તેનો અંદાજ હતો. પણ રુહીને છોડી શકતો નહોતો. એટલે બાળક પોતાનું કહ્યું હતું. કેયૂર દાદાની માંગણી પૂરી કરી શકતો નથી. શ્રીધર દાદા પાસે આવે છે: “દાદુ, ભાઈએ બાળક પોતાનું સ્વીકારી લીધું પછી ક્યાં કોઈ શક છે... દાદુ ભાઈ ભાભીને ખૂબ પ્રેમ કરે છે...”

પૂંજાભાઈ: “શ્રી, આપણે બધા પણ કેયૂરને ખૂબ પ્રેમ કરીએ છીએ... રુહી માટે આજે પહેલી વાર મારી સામે ખોટું બોલવાની હિમંત કરી છે... એના પરથી મને ખબર પડે છે... એ એના માટે કેટલો ગાંડો છે... પણ મારા પરિવારનું લોહી ના હોય તો હું કેવી રીતે અપનાવી શકું... અને રુહી એકબાજુ કેયૂરને વફાદાર હોવાનો દેખાડો કરે છે... અને બીજી બાજુ બીજા સાથે આવા કામ........ મને બોલતા પણ શરમ આવે છે... પ્રદીપભાઇ આ લગ્ન કોઈ સંજોગોમાં નહીં થાય... અને કેયૂર કરશે તો મારૂ મરેલું મોઢું જોશે... ઉમેશ, સમજાવી દેજે મારી વાત... રુહી જેવી અપલક્ષણી છોકરી મારા ઘરમાં વહુ બનીને નહીં આવે... મનીષા આપણે જે વસ્તુઓ અત્યાર સુધીમાં રુહીને ભેટમાં આપી છે... એ બધી વસ્તુઓ પાછી લઈ આ ઘરને અલવિદા કહી દો...”

દામિની હિમંત કરી થોડા ઊંચા અવાજે બોલે છે: “પૂંજાભાઈ, કેયૂર સ્વીકાર કરે છે... અને મારી રુહી ગંગા જેવી પવિત્ર છે... આ બાળક ચોક્કસ કેયૂરનું છે... મારી દીકરીને કોઈ બીજા સાથે કોઈ લફરું નથી એ હું તમને સોનાનાં પતરા પર લખી આપવા તૈયાર છું...”

ઉમેશ: “પૂંજાભાઈ ત્રણ મહિનાથી કેયૂર મારી રુહી સાથે હરે-ફરે છે... આમ તમે મારી દીકરી એકલી પર લાંછન લગાવી ના જઈ શકો... કેયુરે લગ્ન કરવા પડશે...”

ગુંજનને હવે પછી થનારી ચર્ચા વાત વધારે બગાડનારી લાગતી હતી: “મમ્મી તું શાંત થઈ જા... પપ્પા તમે અને મમ્મી કોઈ એવા શબ્દો ના બોલશો જેનાથી વાત વધારે બગડે... દાદાજી હું બહુ નાની છું... પણ તમને એક જ વાત કહેવા માંગુ છું... દીદી.....”

ગુંજનનું વાક્ય પૂરું થાય એ પહેલા બેડરૂમમાંથી ધડામ કરતો અવાજ આવે છે. કેયૂર અને શ્રીધર રૂમ તરફ દોડે છે. પાછળ બીજા બધા પણ જાય છે. બેડરૂમનો દરવાજો અંદરથી બંધ થઈ ગયો હતો. શ્રીધર અને કેયૂર આવ્યા ત્યારે રુહી બેભાન હતી. રુહીએ ભાનમાં આવી દરવાજો બંધ કર્યો હતો અને અંદરથી ટેબલ પડવાનો અવાજ આવ્યો હતો. શ્રીધર અને કેયૂર દરવાજા પર ખભાથી વજન આપી ઘક્કો મારે છે. છ-સાત વાર કર્યા પછી દરવાજો ખૂલે છે.

અંદર પંખા પર રુહી દુપટ્ટો ગળે વીંટાળી લટકતી હતી અને તરફડિયાં મારતી હતી. કેયૂર એના પગ પકડે છે. શ્રીધર ટેબલ ઊભું કરી એના પર ચઢી રુહીનાં ગળામાંથી દુપટ્ટો કાઢે છે. રુહીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ઊંડો શ્વાસ લેવાથી એને ઉધરસ ચડે છે. દામિની રડતી-રડતી એને ભેટે છે. પ્રદીપ કપાળ પર હાથ મૂકી બેડ પર બેસી જાય છે. પૂંજાભાઈને રુહીનું ભરેલું પગલું હચમચાવી જાય છે. મનીષા આ જોઈ હેબતાઈ ગઈ હતી.

રુહી અચાનક ચીસો પાડવા લાગે છે: “ના... આ શક્ય નથી... હું કેવી રીતે મા બની શકું... આ વાત ખોટી છે... હું કેવી રીતે સાબિત કરું... મારી સાથે શું થયું એ મને ખબર પડતી નથી... મમ્મી મને મરી જવા દે... હું કેયૂર સાથે આંખ મેળવી શકતી નથી... મમ્મી મને કશું સમજાતું નથી... હું કેવી રીતે પ્રેગનેન્ટ થઈ ગઈ... કોઈ પૂછે તો જવાબ શું આપું... હું પોતે જાણતી નથી... આવું કેવી રીતે થયું...”

રુહી પોતાનાં મગજનું સંતુલન ગુમાવી ચૂકી હતી. પેટ પર મુક્કીઓ મારવા લાગે છે. દામિની અને ગુંજન એના હાથ પકડે છે. તો રુહી એના વાળ ખેંચવા લાગે છે. અચાનક રુહી પાગલ થઈ ગઈ હોય એમ ચીસો પાડવા લાગે છે.

કેયૂર નજીક આવી રુહીને ગળે લગાડે છે: “રુહી શાંત થઈ જા... મને તારા પર પૂરો વિશ્વાસ છે... તારી સાથે કોણે શું કર્યું એ હું જાણીને રહીશ... બસ તું શાંત થઈ જા...”

કેયુરે બધી તાકાત લગાવી રુહીને ફિટ પકડી હતી. રુહી છતાં કાબૂમાં આવતી નહોતી. એ પાગલ થઈ હોય એમ ચીસો પાડતી રહે છે. કેયૂરની પકડ છોડાવી એ માથું ભીંતમાં પછાડે છે. કેયૂર અને શ્રીધર બન્ને એને પકડવા મથે છે. છતાં એ માથું ભીંતમાં પછાડતી રહે છે. એના કપાળમાંથી લોહી વહેવા લાગે છે. ગુંજન પણ શ્રીધર અને કેયૂર સાથે રુહીને પકડવાનો પ્રયાસ કરે છે. ત્યારે રુહી પકડાય છે. રુહી શાંત નથી પડતી.

અચાનક એ મોટેથી હસવા લાગે છે: “ગુંજન, તને ખબર છે... હું મા બનવાની છું...” ફરી મોટેથી હસે છે: “અને હું જ નથી જાણતી... કોણ એ બાળકનો બાપ છે...” રુહી ફરી મોટેથી હસે છે.

ગુંજન જોરથી રુહીને લાફો મારે છે: “દીદી, બસ કર... આવું કરીશ તો ગાંડી થઈ જઈશ...”

રુહી શાંત થઈ જાય છે. થોડી ક્ષણો પછી એ રડવા લાગે છે: “ગાંડી થવામાં હવે વધારે વાર પણ નથી... મને મારા સવાલોનાં જવાબ નહીં મળે તો સાચે પાગલ થઈ જઈશ...”

પૂંજાભાઈ રુહીની નજીક આવે છે: “રુહી, શું તું ખરેખર નથી જાણતી?” રુહી નિસ્તેજ આંખોથી એમની તરફ જોવે છે: “નથી જાણતી દાદાજી… જો જાણતી હોત તો એ માણસ જીવતો ના રહ્યો હોત... જે વખતે એ વ્યક્તિએ મારા શરીર સાથે રમત રમી હોત એ ક્ષણે મેં એનું ખૂન કર્યું હોત... પણ અફસોસ, મારા શરીર સાથે કોણ રમત રમી ગયું એ હું નથી જાણતી...”

પૂંજાભાઈ: “પ્રદીપભાઇ... હું એવું તો નથી કહેતો કે રુહીને મારા ઘરની વહુ બનાવીશ... પણ એટલું ચોક્કસ કહીશ... આ બાળક દુનિયામાં આવવું જોઈએ નહીં... આ બાળક રાખવું કે નહીં એ નિર્ણય રુહીએ લેવાનો રહેશે... એ નથી જાણતી બાપ કોણ છે... પણ એ મા છે તે તો આપણે બધા જાણીએ છીએ...”

પૂંજાભાઈ કેયૂર પાસે આવે છે: “કેયૂર, અત્યારે હું તને આ લગ્ન માટે હા નથી કહેતો... પણ રુહી એબોર્શન કરાવે તો વિચારીશ... રુહી તને પણ કહું છું... મારે વિચાર કરવા માટે સમય જોઈએ છે... અને એવી આશા રાખું છું કાલે એબોર્શન થઈ જશે...”

ક્રમશ: