Pratyaksh-paroksh - 7 in Gujarati Detective stories by Dr Hina Darji books and stories PDF | પ્રત્યક્ષ-પરોક્ષ - ૭

પ્રત્યક્ષ-પરોક્ષ - ૭

પ્રત્યક્ષ-પરોક્ષ - ૭
ડો. હિના દરજી

શ્રીધર ડ્રાઈવરને કહે છે એટલે એ દૂર જઈ ઊભો રહે છે. પૂંજાભાઈ બન્નેને ગાડીમાં બેસવાનું કહી પોતે બેસે છે: “શ્રી, ગુંજન તમારે બન્નેએ મારૂ એક કામ કરવાનું છે... રુહી સાથે જે વ્યક્તિએ આટલું ખરાબ કામ કર્યુ છે... એ માણસને તમારે બન્નેએ શોધવાનો છે...”
પૂંજાભાઈની વાત સાંભળી શ્રીધર અને ગુંજન એકબીજા સામે જોવે છે.
પૂંજાભાઈ બન્ને સામે હાથ લંબાવે છે: “શ્રી, મને વચન આપ... આપણાં ઘરની લક્ષ્મીને અપાર દુ:ખ આપનારને તું શોધીશ... માત્ર શોધીશ નહીં... એને સજા પણ અપાવીશ...”
શ્રીધર દાદાના હાથ પર હાથ મૂકે છે. ગુંજન બન્નેના હાથ પર હાથ મૂકે છે: “દાદાજી, મારે તો ક્યારનોય એ ગુનેગારને શોધવો છે... પણ દીદી અને મમ્મી-પપ્પાને આવી હાલતમાં છોડવાનો જીવ ચાલતો નહોતો... દાદાજી એ માણસ મારા હાથમાં આવશે ત્યારથી એના જીવનની બરબાદી શરૂ થશે... એના જીવનમાંથી ખુશીઓ વિદાય લેશે અને કર્મોની સજા ભોગવવાની શરૂઆત થશે...”
પૂંજાભાઈ: “ગુંજન જે માણસ સ્ત્રીને ખબર ના પડે એ રીતે બળાત્કાર કરતો હોય એ કેટલો હેવન હશે તે કોઈ કહી શકે નહીં... આટલા મોટા અમદાવાદમાં કેવી રીતે શોધીશ એને... એક વાત યાદ રાખજે, તું એક રાક્ષસને શોધવા તૈયાર થઈ છું... લાખો-કરોડો લોકો વચ્ચે એ નરાધમ કેવા રૂપે ફરે છે તે ઓળખવું મુશ્કેલ છે... શ્રી, મને નથી ખબર તમે બન્ને આ કામ કેવી રીતે કરશો... મારે બસ મારા પરિવારને તકલીફ આપનારને સજા આપવી છે... મારે માત્ર તમારી સફળતા સાંભળવી છે... તે પણ ખૂબ જલ્દી...”
પૂંજાભાઈ ગુંજનને ગાડીમાંથી બહાર જવા ઈશારો કરે છે. ગુંજન બોક્સ લઈ ઉપર આવે છે. થોડા દિવસથી બધાના ચહેરા પરથી ગાયબ થઈ ગયેલી ખુશી ફરી છલકાઈ હતી. હસવાનું અને બોલવાનું ભૂલી ગયેલી રુહી બધા સાથે ઉમંગથી વાત કરતી હતી.
ગુંજન બોક્સ રુહીના હાથમાં મૂકે છે. અણમોલ ખજાનો હાથ લાગ્યો હોય એટલા હરખથી રુહી બોક્સ ખોલે છે. બોક્સમાં ડાયમંડ સેટ હતો. સેટ જોઈ રુહીની ખુશીમાં વધારો થાય છે. સેટ પોતાના ગળા પર મૂકી અરીસા સામે જોવે છે. ડાયમંડ સેટ બહુ સુંદર હતો અને રુહીના ગળા પર વધારે દીપતો હતો.
મનીષા અરીસા સામે જોતી હતી: “રુહી, આ સેટ પપ્પાએ ખાસ તારા માટે બનાવડાવ્યો છે... કેયૂરના લગ્નના સપના ઘણા સમયથી જોતાં હતા...”
રુહી સેટ બોક્સમાં મૂકે છે: “મમ્મી, હું દાદાને બીજી વખત ફરિયાદ કરવાનો મોકો નહીં આપું...”
રુહી અને કેયૂરની નજર એક થાય છે. ગુંજન બન્નેની આંખમિચોલી જોતી હતી. દીદીના જીવનમાં ફરી ખુશીઓએ દરવાજો ખખડાવ્યો હતો. મમ્મી-પપ્પાની ચિંતાનો અંત આવ્યો હતો. બધાને ખુશ અને હર્ષોલ્લાસથી વાતો કરતાં જોઈ ગુંજનની ચિંતા ઓછી થઈ હતી. પરંતુ એના જીવનમાં નવી ચિંતાએ પગપેસારો કર્યો હતો. દાદાને આપેલા વચન મુજબ એવા વ્યક્તિને શોધવાનો હતો જેના પ્રત્યે તે કોણ છે એ જાણ્યા વગર નફરત અને અણગમો હતો.
***
ગુંજન કાગળ પર કશું લખતી હતી. એના ફોન પર શ્રીધરનો ફોન આવે છે. ગુંજન બેડ પર સૂતેલી રુહી સામે જોવે છે. આજે કેટલાય દિવસ પછી એના ચહેરા પર સંતોષની ઊંઘ દેખાતી હતી. ગુંજન ફોન ઉપાડી બાલ્કનીમાં જાય છે: “હા, શ્રી... હું તારા જ ફોનની રાહ જોતી હતી...”
શ્રીધર: “ભાભી સૂઈ ગયા?”
ગુંજન: “આજે કેટલાય દિવસ પછી આરામથી સૂઈ ગઈ છે... સાચું કહું તો આજે કેટલાય દીવસ પછી એની આંખ મીંચાઇ છે... શ્રી, આપણે દાદાને વચન આપ્યું... પણ કામની શરૂઆત કેવી રીતે કરવી એ સમજાતું નથી?”
શ્રીધર: “ગુંજન જ્યારે કોઈ સમસ્યા આવે છે ત્યારે એનું નિરાકરણ પણ સાથે જ આવે છે... આપણે દિલથી મહેનત કરીશું તો આપણને સફળતા મળશે... તેં કઇંક તો વિચાર્યું હશે? કારણકે તું પણ ભાભી સાથે કોણે શું કર્યું એ જાણવા માંગતી હતી...”
ગુંજન રૂમમાં આવી જે કાગળ પર લખતી હતી એ લઈ પાછી બાલ્કનીમાં જાય છે: “દીદી એક-બે મહિના પહેલા એકલી ક્યાં ગઈ હતી એનું એક લિસ્ટ મેં બનાવ્યું છે... લિસ્ટ બહુ લાંબુ છે... પહેલા તો ઓફિસ, શાક લેવા, મમ્મી સાથે દવાખાને, મેડિકલ સ્ટોર, લગ્ન માટે ઘણા શોપિંગ મોલમાં ખરીદી કરવા ગઈ હતી, એ બધા શોપિંગ મોલનું લિસ્ટ... સવારે પાર્કમાં વોકિંગ માટે જાય છે... એ પાર્કનું નામ...”
શ્રીધર એને બોલતી અટકાવે છે: “એક મિનિટ ગુંજન... પાર્ક કેમ લખ્યું એ સમજાયું નહીં?”
ગુંજન ઊંડો શ્વાસ લે છે: :શ્રી, હું કોઈ એવો મુદ્દો છોડવા નથી માંગતી, જે આપણી નજરમાંથી છટકી જાય... આ દિવસો દરમિયાન દીદી સૌથી વધારે જીજુ સાથે રહી છે... છતાં પણ આવો ભયાનક બનાવ દીદી સાથે બની ગયો... બની શકે કે પાર્કમાં આવતો કોઈ માણસ.......”
શ્રીધર હળવું હસે છે: “ગુંજન... કોઈ દિવસ એવું બન્યું કે પાર્કમાંથી ભાભી મોડા આવ્યા? કોઈ દિવસ વધારે સમય લીધો? ત્યાં કોઈ વાર બેભાન થઈ ગયા?”
ગુંજન બાલ્કનીની રેલિંગ પર જોરથી હાથની મુક્કી મારે છે: “નહીં શ્રી... એવું થયું હોય એવું યાદ આવતું નથી... અને મારે આવા સવાલ કરી દીદીને બધુ યાદ કરાવવું નથી... મને જેટલું યાદ આવે એના પર આપણે આગળ વધીશું...”
શ્રીધર હમ બોલી સાથ આપે છે: “ગુંજન દાદા આપણને બન્નેને આવું કામ કરવાનું કહેશે એવી મને કોઈ આશા નહોતી...”
ગુંજન જાણે આ વાત શરૂ થાય એની રાહ જોતી હતી: “હા શ્રીધર, મને પણ નહોતી...”
શ્રીધર ટેબલ પરથી કોફીનો મગ ઉપાડી ચૂસકી મારે છે: “આજે પહેલી વાર મને દાદા એક કોયડા સમાન લાગ્યા... બહારથી બહુ સખત અને અંદરથી એક દમ નરમ...”
ગુંજનને કોફીની ચૂસકી સંભળાઈ: “તો સાહેબ મારી સાથે વાત કરતાં આરામખુરશી પર બેસી ટેસથી કોફી પીવે છે... અને હું અહિયાં બાલ્કનીમાં ઊભી રહી પગ દુ:ખાડું છું...”
શ્રીધરને થોડી મસ્તી કરવાનું મન થાય છે: “એ તો જેવુ જેનું નસીબ... મને તો કોફીનો કપ અને આરામખુરશી ગળથૂથીમાં મળી છે... અને મારા નસીબ પર નજર ના લગાવતી... નહિતો જોવા જેવી થશે...”
ગુંજન પણ હાર માનવાના મૂડમાં નહોતી: “ઓ નસીબવંત સાહેબ... એટલે તો ભણવા માટે ઘરથી દૂર જવું પડ્યું... અને હું તો મારા પ્યારા ઘરમાં રહીને ભણી... ઘરમાં બધાની સાથે રહેવા માટે પણ નસીબ જોઈએ... હવે મજાક બહુ થઈ ગઈ... તારી વાત સાચી છે... દાદાજી બહારથી જેટલા કઠોર દેખાય છે એટલા દિલથી નથી... આજે એમનું નવું રૂપ જોવા મળ્યું... જાણે નજર સમક્ષ દેખાય છે એ એમનું અસલી રૂપ છે જ નહીં... આજે આંખોમાં પાણી સાથે જે શબ્દો નીકળ્યા એ અંતરથી બોલાયા હતા...”
શ્રીધર: “હા... આજે એમનું નવું રૂપ જોવા મળ્યું... અત્યાર સુધી એમનો ગુસ્સાવાળો ચહેરો દેખાતો હતો એનાથી અલગ રૂપ જોવા મળ્યું... એક વખત તો મને એવું લાગ્યું કે આપણી સામે જે બોલે છે એ દાદાનું પ્રત્યક્ષ રૂપ નથી... આજે એમનું પરોક્ષ રૂપ જોવા મળ્યું છે બહુ કોમળ અને મમતાથી ભરેલું છે...”
ગુંજન: “હા… મારા દાદી કોઈ વાર કહેતા હતા કે દરેક માણસનું સાચું રૂપ આપણને જોવા મળતું નથી... દરેક માણસના બે રૂપ હોય છે... એક પ્રત્યક્ષ જે આપણને દેખાય છે... એક પરોક્ષ જે રૂપ એ દુનિયાથી સંતાડીને રાખે છે...”
શ્રીધર બહુ ઊંડા વિચારમાં ખોવાય છે: “ગુંજન, એવા જ પરોક્ષ રૂપ વાળા વ્યક્તિએ ભાભી સાથે કુકર્મ કર્યું છે... આપણે એ ભયાનક સ્વરૂપ ધરાવતા માણસને શોધવાનો છે... મેં શરૂઆત ક્યાંથી કરવી એ વિચાર્યું છે... તને કાલે મારી ઓફિસમાં નોકરી કરવા માટેનો ઓર્ડર મળી જશે...”
ગુંજનને કશું સમજાતું નથી: “શ્રી, હું ઓફિસમાં આખો દિવસ રહીશ તો એ માણસને ક્યારે શોધીશ?”
શ્રીધર શાંતિથી બોલે છે: “ગુંજન, તું સમજી નહીં... ભાભી સાથે મારી ઓફિસના કોઈ માણસે પણ આ કામ કર્યું હોય શકે...”
ગુંજન: “હા, બની શકે એ તો હું પણ સમજુ છું... પણ તું ઓફિસમાં રહી એ માણસને શોધી શકે છે...”
શ્રીધર: “ના, હું ઓફિસમાં નહીં... હું બહાર તપાસ કરીશ... સૌથી પહેલા હું મુંબઈ જવાનો છું... તને ખબર છે લગભગ બે મહિના પહેલા ભાઈ અને ભાભી ત્રણ દિવસ માટે મુંબઈ ગયા હતા... મેં એ હોટલમાં જ રૂમ બુક કરાવ્યો છે... એ હોટલનું કોઈ હોય શકે... એ હોટલનો સ્ટાફ હોય શકે... ત્યાં બહારથી એ સમયે રહેવા આવેલા હોય શકે...”
ગુંજન: “શ્રી. તું એકલો કેવી રીતે બધુ કરીશ?”
શ્રીધર થોડી ક્ષણ ચૂપ રહે છે: “એકલું કામ કરવું અઘરું તો પડશે... પણ આપણું કામ સરળ નથી એ તો બન્નેને ખબર છે... તું કાલથી ઓફિસમાં બધા પુરુષો પર નજર રાખ... હું મુંબઈની હોટલથી શરૂઆત કરું છું...”
શ્રીધર અને ગુંજન એવી શોધખોળ માટે નીકળ્યા હતા જ્યાં એમને ખબર નહોતી કે કેવી મુસીબતોનો સામનો કરવો પડશે. જે માણસની શોધ કરી રહ્યા છે એ માણસ મળશે કે નહીં એ દૂરની વાત હતી. પણ બીજી મુસીબતો એમની રાહ જોતી હતી એનો કોઈ અણસાર બન્નેમાંથી કોઈને નહોતો.
ક્રમશ: