Free Guy - Review books and stories free download online pdf in Gujarati

ફ્રી ગાય - રિવ્યૂ

ફિલ્મનું નામ : ફ્રી ગાય

ભાષા : અંગ્રેજી

સમય : ૧૧૫ મિનિટ

રીલીઝ : ૧૩ ઓગસ્ટ ૨૦૨૧

નિર્દેશક: શોન લેવી

કલાકાર : રાયન રેનોલ્ડ્સ, જોડી કોમર, જોય કિરી, ઉત્કર્ષ આમ્બુડકર, તાઈકા વૈતીતી


કોરોનાના ભયંકર ત્રાસ પછી એક એવી ફિલ્મ આવી જે જોવાની મજા પડી ગઈ. હજી કોરોના ગયો નથી, પણ હવે તેનો પ્રકોપ અને ભય ઓછો થઇ રહ્યો છે. આવા સમયમાં આ ફિલ્મે થિયેટરોમાં ધૂમ મચાવી છે.

સામાન્યમાંથી અસામાન્ય થવાની વાર્તા આ પહેલાં પણ ઘણી ફિલ્મોમાં કહેવાઈ છે, પણ નિર્દેશક શોન લેવીની કથા કહેવામાં નાવીન્ય છે. ફિલ્મ જોતી વખતે તાજગી વર્તાય છે. આ ફિલ્મના નિર્દેશક શોન લેવી, રાયન રેનોલ્ડ્સ અને તાઈકા વૈતીતીને છોડો તો બાકી ટીમ સંપૂર્ણપણે નવી છે. આ ફિલ્મની હિરોઈન જોડી કોમરે (Jodie Comer, રામજાણે ઉચ્ચાર શું થાય છે. આ તો જેવું વાંચ્યું એવું લખ્યું) પણ આ પહેલાં ઝાઝી ફિલ્મો નથી કરી. જો કે આ બ્રિટીશ કલાકાર ટેલીવિઝનની જાણીતી કલાકાર છે ૨૦૧૮ થી તેની એક સિરિયલ ‘કિલિંગ ઈવ’ હજી સુધી ચાલી રહી છે (આપણે ખોટેખોટું એકતાને સિરિયલ લંબાવવા માટે વગોવીએ છીએ.) તે સિવાય તેણે શોર્ટ ફિલ્મોમાં જ કામ કર્યું છે. જો કે આ તેની પહેલી સૌથી મોટી ફિલ્મ હોય એવું ક્યાંય જણાતું નથી. હોલીવુડની મોટી હિરોઈનોને ટક્કર મારવા માટે સક્ષમ છે આ બાળા.

કેનેડીયન મૂળના યહૂદી માતાપિતાનું સંતાન એવા શોન લેવી એક હોલીવુડમાં જબરદસ્ત ફિલ્મો આપવા માટે જાણીતા છે. તે નિર્દેશક તરીકે પણ સફળ છે અને પ્રોડ્યુસર તરીકે પણ. ધ પિંક પેન્થર, નાઈટ એટ ધી મ્યુઝીયમ (ત્રણેય ભાગ) અને રીયલ સ્ટીલ આ તેમણે નિર્દેશિત કરેલી જાણીતી ફિલ્મો છે. તે ઉપરાંત અરાઈવલ જેવી ફિલ્મના પ્રોડ્યુસર છે. તેમણે અનેક સિરિયલો પણ નિર્દેશિત કરી છે. પોતે સારા કલાકાર પણ છે. બહુમુખી પ્રતિભા ધરાવતા શોન લેવીએ આ વખતે સાયન્સ ફિક્શન, એક્શન અને કોમેડીનો સંગમ રચ્યો છે આ ફિલ્મમાં.

આ કથા છે એક નાના શહેરની જ્યાં આપણો કથાનાયક વસે છે. તેનું નામ ગાય ( રાયન રેનોલ્ડ્સ) છે. એકધારું રેઢિયાળ જીવન જીવી રહેલા ગાયના જીવનમાં બદલાવ ત્યારે આવે છે, જ્યારે તેની નજર નાયિકા મિલી રસ્ક (જોડી કોમર) ઉપર પડે છે. તેને જોતાં ક્ષણે જ તેને થાય છે કે તેના જીવનનું કોઈ લક્ષ્ય છે અને તે લક્ષ્ય પામવા માટે તે કોઈ પણ હદે જવા તૈયાર છે. નાયકની જીવન બદલાય છે અને તે આગળ વધે છે.

વધુ વાર્તા કહીને રસક્ષતિ નહીં કરું. અનેક ઠેકાણે આંચકા આપતી આ ફિલ્મ જોવાની મજા જરૂર આવશે.

બાકી હોલીવુડના કલાકારો કરતાં અલગ ચહેરો અને શરીરની ઘાટઘુટ ધરાવતા કેનેડીયન મૂળનો રાયન રેનોલ્ડ્સે પોતાની કારકિર્દીની શરૂઆત એક સિરિયલથી ૧૯૯૧થી કરી હતી. તેની પહેલી ફિલ્મ હતી ઓર્ડીનરી મેજિક જે એક અનાથ યુવકની વાર્તા હતી જે મહાત્મા ગાંધીના વિચારોથી અભિભૂત છે અને તે ન્યાય માટે ભૂખ હડતાલ ઉપર ઉતરે છે. ત્યારબાદ તેણે પાછળ વળીને જોયું નથી. તેને આપણે ડેડપુલ, આર. આઈ. પી. ડી. અને ગ્રીન લેન્ટર્ન જેવી ફિલ્મમાં આ અગાઉ જોઈ ચુક્યા છીએ. તે ફ્રી ગાયનો પ્રોડ્યુસર પણ છે.

આ ફિલ્મમાં ભારતીય મૂળનો એક કલાકાર પણ છે, ઉત્કર્ષ આમ્બુડકર. તેનાં માતાપિતા ૧૯૮૦ માં એક રિસર્ચર તરીકે અમેરિકા જઈને સ્થાઈ થયા અને ત્યારબાદ ૧૯૮૩માં તેનો જન્મ થયો. ૨૦૦૬થી તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ઘણી ફિલ્મોમાં અને સિરિયલોમાં નાનામોટા રોલ અને પોતાનો અવાજ આપ્યો છે.

આ ફિલ્મમાં તાઈકા વૈતીતી પણ છે અને જે પોતાની અદાકારીથી અનોખો રંગ જમાવે છે. તાઈકા વૈતીતી એ જાણીતા ફિલ્મ ડાયરેક્ટર છે અને માર્વેલની થોર સીરીઝની ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

પ્રેમ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે કેવી રીતે પ્રેરણા આપે અને પ્રેમ માટે વ્યક્તિ શું કરી શકે, તે વાત કહેતી આ ફિલ્મ ખરેખર માણવાલાયક છે.

ફિલ્મનું એક જ નકારાત્મક પાંસુ છે. એક સમય પછી ફિલ્મ થોડી પ્રેડીકટેબલ બની જાય છે. જો કે એવું હોવા છતાં ફિલ્મ જોવામાં મજા જરૂર પડશે.


સમાપ્ત

By IMP Awards / 2021 Movie Poster Gallery / Free Guy Poster (#5 of 12), Fair use, https://en.wikipedia.org/w/index.php?curid=68188487