Traffic - 2016 Review books and stories free download online pdf in Gujarati

ટ્રાફિક - ૨૦૧૬ રિવ્યૂ

ટ્રાફિક – ૨૦૧૬ રીવ્યૂ


રીલીઝ ડેટ : ૬ મે ૨૦૧૬

લંબાઈ : ૧ કલાક ૪૪ મિનીટ

ડીરેક્ટર : રાજેશ પિલ્લઇ


આ ફિલ્મ ૨૦૧૧ માં આ જ નામથી બનેલી ફિલ્મની રીમેક છે. વાર્તા ફક્ત એક લાઈનની છે મુંબઈથી પુણે અઢી કલાકમાં હૃદય પહોંચાડવાનું અશક્ય લાગતું મિશન. આ એક લાઈનની વાર્તાને હોલીવુડ સ્ટાઈલમાં થ્રીલર બનાવવામાં ડીરેક્ટર સફળ થયા છે. ટ્રાફિક જેવી સંપૂર્ણ થ્રીલર ભાગ્યે જ બનતી હોય છે.

તારીખ : ૨૫ જુન ૨૦૦૮

એક સુપરસ્ટાર દેવ કપૂર (પ્રોસેનજિત ચેટરજી) અને માયા (દિવ્ય દત્તા)ની દીકરી રિયા(ઉલ્કા ગુપ્તા) નું હૃદય કમજોર છે અને અચાનક તેની સ્થિતિ ગંભીર બને છે અને તેને પુણેની ફોર્ટીસ હોસ્પિટલમાં એડમીટ કરવી પડે છે. ફોર્ટીસ હોસ્પિટલ ભારતની દરેક હોસ્પિટલમાં તાત્કાલિક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે હૃદયની જરૂરત છે એવી એલર્ટ જાહેર કરે છે.

દીકરીને હોસ્પિટલમાં ખસેડી છે અને દેવ કપૂર મુંબઈમાં શુટિંગ કરી રહ્યો છે. તે ઝડપથી પુણે આવવા નીકળે છે, તેણે એક ઇન્ટરવ્યુ આપવાનું છે અને તે માટે ટીવી ચેનલવાળાને એરપોર્ટ ઉપર આવવાનું કહે છે. તે ટીવી ચેનલનો નવોસવો જર્નાલીસ્ટ રેહાન અલી (વિશાલ સિંઘ) પોતાના મિત્ર રાજીવ (અમોલ પરાશર) સાથે બાઈક ઉપર એરપોર્ટ માટે રવાના થાય છે.

હેડ કોન્સ્ટેબલ રામદાસ ગોડબોલે ( મનોજ બાજપાઈ) તે દિવસે જ મીનીસ્ટરની કૃપાથી સસ્પેન્શનથી બચીને ફરીથી નોકરીએ લાગ્યો છે. ડોકટર એબીલ ફર્નાન્ડીસ (પરમબ્રત ચેટરજી – કહાની ફેમ) ની આજે મેરેજ એનીવર્સરી છે અને પત્ની માટે કાર બુક કરાવી છે.

એરપોર્ટ ઉપર જતી વખતે રેહાન અલી અને રાજીવનો એક્સીડેન્ટ થાય છે અને માથા ઉપર ભયંકર માર લાગવાને લીધે તેને મુંબઈની આદિત્ય બિરલા હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. હોસ્પિટલમાં તેને બ્રેન ડેડ જાહેર કરવામાં આવે છે પણ તેનું હૃદય કામ કરી રહ્યું છે તેથી તેને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવે છે. આ વાતની જાણ ફોર્ટીસ હોસ્પિટલમાં કરવામાં આવે છે. એક ધબકતી હૃદય જે રિયાને નવું જીવન આપી શકે છે.

દેવ કપૂર પોતાની રીતે રેહાનના માતાપિતા (સચિન ખેડેકર અને કિટુ ગીડવાની)ને હાર્ટ ડોનેશન માટે મનાવવાની કોશિશ કરે છે. રેહાનના પિતા અહમદ અલી જે હંમેશાં પુત્ર સાથે સખ્તાઈથી વર્ત્યા હોય છે તે ભાંગી પડે છે. દુનિયા માટે ભલે તે બ્રેન ડેડ હોય પણ તેમના માટે તે જીવી રહેલ દીકરો હોય છે.

અંતે હૃદય ઉપર પથ્થર રાખીને રેહાનના માતાપિતા તેનું હૃદય ડોનેટ કરવા માટે મંજુરી આપે છે અને શરુ થાય છે મિશનનું પ્લાનિંગ. મુંબઈથી પુણે જવાની ફ્લાઈટ નથી, ખરાબ હવામાનને લીધે કોઈ ચોપર કે પ્રાઇવેટ એરોપ્લેન આવતાં ત્રણ કલાક સુધી ઉડી શકે તેમ નથી. હવે એક જ માર્ગ મુંબઈથી પુણે બાય રોડ.

મુંબઈ ટ્રાફિકના જોઈન્ટ કમિશ્નર ગુરબીર સિંઘ (જીમી શેરગીલ) પહેલાં મિશનની જવાબદારી લેવાની ના પાડે છે પણ ડોક્ટર સાઈમન ડિસોઝા સાથે વાત કર્યા પછી તે મિશન માટે રાજી થાય છે.

ઈમરજન્સી મીટીંગમાં ગુરબીર સિંઘની મિશનની જાહેરાત પછી સોપો પડી જાય છે. કોઈ મિશન માટે તૈયાર નથી કારણ દરેક જણ જાણતું હોય છે કે મુંબઈમાં સાઈઠની સ્પીડથી ગાડી ન ચલાવી શકાય અને પ્લાન પ્રમાણે તેમણે મુંબઈમાં એકસો વીસ કિલોમીટરની સ્પીડથી ગાડી ચલાવવાની છે. આવા સમયે મિશન માટે રામદાસ ગોડબોલે હામી ભરે છે અને શરુ થાય છે એક અસંભવ લાગતું મિશન.

ગુરબીર સિંઘ એમ્બ્યુલેન્સને બદલે પોલીસની ગાડી ઉપર પસંદગી ઉતારે છે જે ઝડપથી પ્રવાસ કરી શકે છે. તે ગાડીમાં ત્રણ વ્યક્તિઓ છે, રામદાસ ગોડબોલે જે દીકરીના નજરમાં ખોયેલું માન પાછું મેળવવા માટે આ મિશનનો સ્વીકાર કર્યો છે, રાજીવ, જે પોતાના મિત્રનું હૃદય યોગ્ય વ્યક્તિને મળે અને તેનું હૃદય જીવિત રહે તે માટે જોડાયો છે, ડોક્ટર એબીલ જેમને હોસ્પિટલમાંથી મોકલવામાં આવ્યા છે.

શરૂઆતનું અંતર તેઓ સમયથી વહેલા કાપી લે છે પણ પછી ગુરબીર સિંઘ ગોડબોલેને ફોન કરીને ડોક્ટરને આગળના સિગ્નલ ઉપર ઉતારી દેવાનું કહે છે પણ એ ગાડી તે સિગ્નલ સુધી પહોંચતી જ નથી અને ગાયબ થઇ જાય છે.

ક્યાં ગઈ ગાડી? ગુરબીર સિંઘે ડોક્ટરને ગાડીમાંથી ઉતારવાનું શા માટે કહ્યું? શું મિશન પૂર્ણ થશે? થશે તો કેવી રીતે? જાણવા માટે પોતે જ તે થ્રીલર જોવી રહી.

એક્ટિંગના મોરચે જીમી શેરગીલ, મનોજ બાજપાઈ અને સચિન ખેડેકર બાજી મારી જાય છે. મજબૂરીમાં લાંચ લીધેલો અને ફરી મોકો મળ્યો એટલે ઈશ્વરનો આભાર માનતો રામદાસ ગોડબોલે તેણે બહુ સરળતાથી આત્મસાત કર્યો છે, ક્યાંય ખોટી હીરોગીરી નહિ. જીમી શેરગીલ જોઈન્ટ કમિશનરના રોલમાં જામે છે. મિશનની સાથે બદલાતા ભાવ તેણે આબાદ ઉપસાવ્યા છે. સચિન ખેડેકરે ઉપરથી કઠણ પણ અંદરથી ઋજુ હૃદયના બાપની વ્યથા ફક્ત આંખથી સરસ રીતે વ્યક્ત કરી છે. પરમબ્રત ચેટરજી જે આ પહેલાં મેં કહાનીમાં રાણાના રોલમાં જોયેલો તેણે પોતાના પાત્રને સરસ રીતે ભજવ્યું છે. દિવ્યા દત્તાએ થોડી ઓવરએક્ટિંગ કરી હોય એવું લાગ્યું. બાકી પાત્રોએ પોતાનું કામ સારી રીતે પાર પાડ્યું છે.

ધબકતું અને વ્યક્ત થતું મુંબઈ બહુ સરસ રીતે કચકડે કંડારવામાં આવ્યું છે અને તે માટે સંતોષ અને અનીશ લાલને સો માર્ક.

ફિલ્મના ગીતો બેકગ્રાઉન્ડમાં વાગે છે એટલે ફિલ્મની ગતિ રૂંધાતી નથી. ગીતો પણ કર્ણપ્રિય છે. તેનું સંગીત કાનને ગમે તેવું છે. ફિલ્મનું એડીટીંગ એકદમ ચુસ્ત છે, ક્યાંય ઢીલી નથી પડતી. એકવાર મિશન શરુ થાય એટલે દર્શકની ઉત્કંઠા ક્ષણે ક્ષણે વધતી જાય.

કમજોર કડી : છેલ્લે છેલ્લે બિલાલ કોલોનીની ગલીમાં રસ્તો ખાલી કરાવવા રાજીવ અને ડોકટર એબીલ ચાલતી ગાડીમાંથી ઉતરીને બિલાલ કોલોનીની ગલીમાં દોડાદોડ કરે છે. તે જોઇને આપણું રોમ રોમ હર્ષિત થઇ જાય પણ પછી વિચાર આવે આ બંને અહીં જ ઉછર્યા હશે તે બધી ગલીઓની જાણકારી છે?

એકંદરે બોલીવુડમાં ભાગ્યે જ બનતી એક આલા દર્જાની થ્રીલર ફિલ્મ.

**તસ્વીર માટે વીકીપીડિયાનો આભાર.