Kasak - 1 books and stories free download online pdf in Gujarati

કસક - 1

મારુ નામ કુલદીપ સોમપુરા છે.મારુ પ્રથમ પુસ્તક વાંચ્યા બાદ કદાચ તમે મારુ નામ જાણતા હશો અને જો તમે પ્રથમ વખત મારુ નામ વાંચી કે સાંભળી રહ્યા છો તો ભગવાનનો અને તમારો ખુબ ખુબ આભાર કે હું આ પુસ્તક તમારા હાથ સુધી પહોંચાડવા સક્ષમ બન્યો.સૌ પ્રથમ તો આ પુસ્તક મે ખુબ સુંદર સમયે લખ્યું છે.સુંદર સમય એટલે એમ કહી શકાય કે જ્યારે હું આ પુસ્તક લખવા અને વિવિધ પુસ્તકો વાંચવા શિવાય કોઈ કામ નહોતો કરતો.બધાના જીવનમાં એક સમય એવો હોય છે જેને તે પોતે સુંદર કહે છે.

પ્રથમ પુસ્તકના લેખક પરિચયમાં મે જેમ જણાવ્યું તેમ હું પણ એક એન્જિનિયર છું અને એક લેખક પણ છું.કદાચ આ વાક્ય તમે બહુ બધા લેખક ના પરિચયમાં જોતાં હશો.પ્રથમ પુસ્તક લખ્યા બાદ મને લાગ્યું કે જે વાતો હું પ્રથમ પુસ્તકમાં ના કહી શક્યો તે વાતો હું બીજા પુસ્તકમાં કહી દઇશ.આ પરથી એમ ના સમજતા કે બંને પુસ્તક પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે.ખરેખર બંને પુસ્તકોના વિષય અને પ્રકારમાં એમ કહી શકાય કે જમીન અને આકાશ જેટલોજ ફરક છે.જેમ આપણે કોઈ આપણાં પ્રિય વ્યકિત સાથે વાત કરી લીધા બાદ જ્યારે જુદા પડીએ ત્યારે આપણને હમેશાં લાગે છે કે આપણી ઘણી ખરી વાતો આપણાં પ્રિય વ્યકિતને  કહેવાની છૂટી ગઈ અને પછી આપણે તેની સાથે બીજી વખત મુલાકાત ની રાહ જોઈએ છીએ બસ મારા અને તમારા વચ્ચે તેજ પ્રિય વ્યકિત જેવો સંબંધ છે.તેથી જ હું એવું ઈચ્છું છું કે આવું મારા પૂરા જીવન દરમ્યાન ચાલ્યા કરે કે મારાથી દર વખતે પુસ્તકમાં કેટલુંક કહેવાનું છૂટી જાય અને તેને હું નવા પુસ્તક સ્વરૂપે તમારી સમક્ષ રજૂ કરું.આવું કદાચ દરેક લેખક ઇચ્છતા હશે. 

દરેક વાર્તા એક વિચાર થી બને છે પણ વાચકો સાથે રજૂ તો તે અનહદ વિચારો પછી થાય છે. આ વાર્તા લખાઈ તો ઘણા સમય પછી ગઈ હતી પણ તે રજૂ કરવા માટે ના વિચારો ની કમી હતી.આજે તે કમી પૂરી થઈ અને હું તમારી સામે સુંદર પુસ્તક મૂકી શક્યો.

“આ પુસ્તક તે વાતો સમર્પિત જે કહેવી હોવા છતાંય ક્યારેય મુખેથી બોલાતી નથી.”

“દુનિયામાં કોઈ બે વ્યકિત વચ્ચે પ્રેમ હોવો ખુબજ સામાન્ય વસ્તુ છે પણ તે પ્રેમનો એકબીજાની સામે સ્વીકાર કરવો તે દુનિયાની સૌથી અસામાન્ય વસ્તુ છે.”

આ પુસ્તક તમે કેમ વાંચશો તે તો હું નથી જાણતો.કદાચ આ પુસ્તકની વાર્તા એક પ્રેમ કથા છે એટલે અથવા તમને જરૂર લાગશે કે આ લેખક પ્રેમ વિષે દરેક વાંચકો કરતાં વધુ જાણતો હશે.હા,મને જરૂર લાગે છે કે હું પ્રેમ વિષે વધુ જાણું છું પણ મારા વાંચકો જેટલું નહીં. 

આ પુસ્તકની વાર્તા શું છે?

આ પુસ્તકની વાર્તા તેજ છે જે કોઇકના જીવનમાં બની ગઈ છે,અથવા બની રહી છે કે બનવાની છે.છતાંય જેમ આપણને આપણું મુખ અરીસામાં જોવું ગમે છે તેમ તમને પણ તમારી વાર્તા વાંચવી ગમશે.જેના શબ્દો માત્ર મારા છે પણ વાર્તા તમારી.કોઈ પણ વાર્તા એક હદ સુધી લેખકની હોય છે વાર્તા રજુ થયા બાદ તે લેખક અને વાંચક બંનેની થઈ જાય છે. 

આપ સર્વે ના અમૂલ્ય પ્રતિભાવો ની મને તાલાવેલી રહેશે તથા મને ખુબ આનંદ થશે જો તમે મને તમારા વાર્તા પ્રત્યે ના પ્રતિભાવો જણાવશો તથા મારી વાર્તા અંત સુધી વાંચશો. 

                                                                                       

                                                                                                 ચેપ્ટર-૧ 

શિયાળાનો સમય છે.આકાશમાં અંધારું થવામાં લગભગ વીસેક મિનિટ ની વાર હશે.કવન અને વિશ્વાસ બંનેના હાથ માં ચાનો કપ છે,આજુબાજુમાં માણસોની ચહેલપહેલ છે પણ તેમના પર આ માણસો અને ટ્રાફિક ના ઘોંઘાટની કઈંજ અસર નથી.તે બંને પોતાની વાતોમાં ખોવાયેલા છે.બે જણ એકબીજાની વાતો માં ત્યારે ખોવાઈ જાય છે જ્યારે વાતો તે બંને માટે રસપ્રદ હોય. 

વાર્તા ની શરૂઆત નું સ્થાન છે એક કીટલી, શહેર અમદાવાદ, બે મિત્રો કવન અને વિશ્વાસ.કવન 23 વર્ષનો છે અને વિશ્વાસ કંઈક 22 વર્ષનો છે.કવન જેણે હાલ જ પોતાની ડોકટરી પતાવી છે,તે અત્યારે એક પ્રાઇવેટ હોસ્પિટલ માં ઇન્ટર્નશિપ કરી રહ્યો છે અને બીજો છે વિશ્વાસ જે એક ઈલેક્ટ્રીકલ એન્જીનીયર છે.તે પણ અત્યારે એક મલ્ટીનેશનલ કંપની માં જોબ કરી રહ્યો છે.તમારો પ્રશ્ન હશે કે આ બંને માંથી વાર્તાનો નાયક કોણ છે?

વાર્તાના નાયક છે આપણાં ડૉક્ટર સાહેબ કવન.જેટલું સરળ અને એક પણ કાના કે માત્ર વગરનું નામ છે તેટલોજ સીધો નાયક નો સ્વભાવ છે.દેખાવમાં સારા એવા લાગે છે.જીમ જતાં નથી પણ બોડી ભગવાનની દયાથી કોઈ હિન્દી ફિલ્મના હીરો જેવીજ છે.ક્યારેય ગુસ્સે થતાં નથી અને થાય તો જલ્દી શાંત થતાં નથી.એક સુંદર,સુશીલ અને સારી છોકરી જોડે વિવાહ કરવાની તમામ લાક્ષણિકતાઓ ધરાવે છે પણ તેમના મનમાં તો એક છોકરી પાંચ વર્ષથી વસેલી છે. તે છે વાર્તા ની નાયિકા, જેનું નામ છે આરોહી.જો હું પાંચ વર્ષ પહેલાંની વાત લખું કે એક છોકરો જે સ્કુલ છૂટયા પછી રોજ એક છોકરીની પાછળ જાય છે.તેની સાથે વાત કરવાની કોશિષ કરે છે પણ બહુ શરમાળ હોવાથી તે તેની સાથે ક્યારેય વાત નથી કરી શકતો.તો બની શકે છે કે હું તે સમયના પ્રેમને ન્યાય ના આપી શકું,કારણકે ત્યારેતો તે પણ નથી જાણતો કે પ્રેમ શું છે?,તો મારે તે લખવું કે તે તેને પ્રેમ કરે છે એટલે તે તેની પાછળ જાય છે.કેટલીકવાર સામે મળે તો હસી લે છે.કેટલીકવાર ચાલુ ક્લાસમાં જો બંનેની નજર મળે તો તે નજર બહુ ઝડપથી ફેરવી લે છે.કેટલીકવાર એવું થાય કે મન ને ફ્રેશ કરવા ગીત સાંભળતો હોય અને તે છોકરીના વિચારમાં ખોવાઈ જાય છે.કેટલીકવાર ધોધમાર વરસાદમાં તેની યાદ આવી જાય છે.તો કેટલીક વાર ફિલ્મોમાં હીરો અને હિરોઈનની જગ્યા તે પોતે અને તે છોકરી છે તેવું ધારી લે છે.

આમ કેટલીક વાર નું લિસ્ટ બહુ મોટું છે.પણ તે ઉંમર પ્રેમને યોગ્ય થોડી કહેવાય?,તેને કદાચ આકર્ષણ કહી શકાય,તેવું દુનિયા કહે છે.

પણ દુનિયા કયાં જાણે છે કે આજ સુધી પ્રેમ કરવાને યોગ્ય થવાની ઉંમર શોધાઈ જ કયાં છે,માત્ર લગ્નને યોગ્ય થવાની ઉંમર શોધાઈ છે.તો વાર્તા ની શરૂઆત તે ઉંમરે થી કરાય જે ઉંમર પર લોકો લગ્ન કરવા યોગ્ય બને છે. 

અત્યારે જે કવનની સાથે બેઠો છે તે વિશ્વાસ છે,કવનનો ખાસ મિત્ર અને આ સુંદર વાર્તા નું સારું પાત્ર. 

આમ તો તેને કવનનો ભાઈ કહી શકાય.ભારતમાં મિત્ર ને ભાઈ કહેવામાં આવે છે.વિશ્વાસ દેખાવમાં તો કવન જેવો જ દેખાય છે પણ તેનું મન ચંચળ છે.તેના મનમાં ક્યારેય એક વિચાર લાંબા સમય સુધી ટકતો નથી, જે બિલકુલ કવનના સ્વભાવથી વિરુદ્ધ છે.પણ તે ચિત્રો સારા દોરી શકે છે.જેથી તે માને છે કે એન્જીનીયર થયા બાદ જો બીજી ગર્વ લઈ શકાય તેવી વાત જીવનમાં તેણે કરી હોય તો તે ચિત્ર દોરવું છે.તે બંને રોજ પોતપોતાના કામ પરથી છુટીને આ કીટલીએ મળે છે.બંને ની બેસવાની જગ્યા પણ ફિક્સ છે,કીટલીનો છેલ્લો ખૂણો.બંને રોજ ત્યાં સાંજે મળતા અને રોજ પોતપોતાના દિવસ દરમ્યાન બનેલી વાતો કરતા. આવું લગભગ પાંચેક વર્ષથી ચાલતું આવ્યું હતું.તે બંને પ્રથમ વખત 12 માં ધોરણ માં મળ્યા હતા.વિશ્વાસ 12 સાયન્સ એ ગ્રુપમાં હતો.જયારે કવન બી ગ્રુપ માં હતો અને તે બંને ની મિત્રતા ફિઝિક્સના કારણે થઈ હતી. બી ગ્રુપમાં હોવાને કારણે કવનને ઘણીવાર પદ ના સંકલન અને વિકલનમાં તકલીફ પડતી જે તે વિશ્વાસ  પાસેથી શીખતો.જેના બદલામાં કવન તેને કેમેસ્ટ્રી શીખવતો.રોજની જેમ આજે પણ બંને મિત્રો કીટલી ના છેલ્લા ખૂણા માં બેઠા છે. 

હવે ની આખી વાત કવન વિશ્વાસને કરી રહ્યો છે.તે બંનેના હાથમાં ચાનો કપ છે જે હજી અડધો ભરેલો છે અને કવન બોલવાનું શરૂ કરે છે. 

"120 ની ઝડપે ગાડી ચાલી રહી હતી અને તેમાં બે જ જણ બેઠા હતા. હું(કવન) અને આરોહી.મેં કહ્યું "આરોહી ગાડી ધીમી ચલાવ અહીંયા એક વળાંક આવશે ત્યાં વળવાનું છે. જો તે ચુકી જશું તો બહુ આગળ જવું પડશે."

"તેની માટે મારી પાસે ગૂગલ મેપ છે.કવન તેની ચિંતા તું ના કર સાચું જ કહી દે કે મને બીક લાગેછે આરોહી તું કાર ધીરે ચલાવ." આરોહી મને કહી રહી હતી. 

"અરે...મને ચિંતા છે તારી આરોહી."

આરોહી એ ફરી કહ્યું "ઓહહ... ડોન્ટવરી તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મારી સાથે તું છે."

ગાડી એક વળાંક માં વળી અને આગળ ચાલી રહી હતી ત્યાંજ તેને એક ગાય રસ્તા માં ઉભી દેખાઈ. આરોહી હોર્ન મારી રહી હતી પણ ગાય ખસવાનું નામ નહોતી લેતી.

મે ઉતરીને ગાયને વિચિત્ર અવાજ કરીને ભગાડી દીધી ,ગાય આગળ જતી રહી.

આરોહી ફરીથી બોલી" કેવું છે તારું ગામ કવન અહિંયાતો ગાય પણ રસ્તા પર ફરે છે"

આરોહી હસી રહી હતી. “હા જાણે તારું ગામ તો અમેરિકામાં છે નઈ.” મે કટાક્ષમાં કહ્યું. 

થોડીકવારમાં જ મારા મામા નું ઘર આવ્યું હું અને આરોહી ગાડીમાંથી ઉતર્યા.આરોહી એ ગોગલ્સ પહેર્યા હતા,તેણે સફેદ અને ગુલાબી કલર નો ડ્રેસ પહેર્યો હતો.તેના એડી વાળા ચપ્પલ ટક ટક અવાજ કરી રહ્યા હતા.તે ખૂબ સુંદર લાગી રહી હતી હંમેશની જેમ. જ્યારે મેં બ્લેક શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું.હું તેની બાજુમાં ચાલી રહ્યો હતો.મામા ના ઘરના આગળના બગીચામાં મારા મમ્મી પપ્પા અને મમ્મીના બધા જ સગા વ્હાલા બેઠા હતા.બધા મામા અને મામી તેમના છોકરા છોકરીઓ તે સર્વે નું ધ્યાન મારી તરફ હતું.તે અમને જોઈને કંઈક વાતો કરી રહ્યા હતા. જ્યારે મામી મારા મમ્મી ને આરોહી વિષે પૂછી રહ્યા હતા તે પણ કાનમાં.


આરોહી એ પણ મારા કાન માં કંઈક કહ્યું અને મેં તેનો જવાબ હસીને આપ્યો.હું અને આરોહી ખૂબ ખુશ હતા.આરોહી મારા મમ્મી ના પિયર બાજુના પરિવાર ને મળી,તેને મારા મામી એ બહુ બધા સવાલો પૂછ્યા.જ્યારે મને મારા મામા એ બહુ બધા સવાલો પૂછ્યા.જ્યારે અમે બંને બધા જ સવાલોના જવાબ આપીને એક બીજાને મળ્યા ત્યારે અમે ઇન્ટરવ્યુ આપીને આવ્યા હોય તેવું અમને લાગ્યું. જે ત્યારે બગીચામાં હાજર ના હતા જ્યારે અમે આવ્યા હતા.તેમણે થોડીક વાર રહીને મારી મમ્મી ને આવીને પૂછ્યું “કોણ છે તે છોકરી?”


મમ્મી એ ખુબજ સહજતાથી આરોહીની બધાની સાથે ઓળખાણ કરાવી.મને તેવું લાગી રહ્યું હતું કે આરોહી પણ મારા પરિવાર નો એક ભાગ છે.”

કવનનો ચા નો છેલ્લો ઘૂંટળો બાકી હતો તેણે તે બાકી રહેલી ચા પતાવીને વિશ્વાસને કહ્યું

“કદાચ કે આ બધુ સાચું હોત પણ અફસોસ કે આ એક સ્વપ્ન છે.”

વિશ્વાસે આ વાત સાંભળીને કવન સામે જોયું. 

વિશ્વાસ: "મતલબ કે તું અત્યાર સુધી સ્વપ્ન ની વાત કરી રહ્યો હતો.ઓહ ભગવાન તારું શું થશે?"

કવન: "હા હતું તો સ્વપન પણ હું આને હકીકતમાં પૂર્ણ કરવા માંગુ છું.

વિશ્વાસ: "આ બાબત માં તો હું તને દિલાસો શિવાય કંઈકજ દઈ શકું તેમ નથી.તું કોઈ દિવસ મળ્યો પણ છે તેને સ્કૂલના દિવસો પછી."

"હા ગયા મહિને જ જોઈ હતી.ડી માર્ટ માં તે તેની મમ્મી સાથે આવી હતી."

"તેને મળવું ના કહેવાય, તેને સંજોગ કહેવાય."

"પણ તે હસી હતી મારી સામે જોઈને."

"તેને પણ એક સંજોગ નો ભાગ ગણી શકાય,એવું હું વિચારું છું."

"મતલબ તું ચાહતો નથી કે મારુ ઘર વસે?"

વિશ્વાસ જોરથી હસવા લાગ્યો. 

"એવું નથી કવન પણ હવે તારી વાત જ સાવ બાળકો જેવી છે. હવે તું બાળક નથી કે નથી તું કોઈ કોલેજમાં ભણતો.તું હવે એક ડૉક્ટર છું.આમ એક છોકરી પાછળ ગાંડા થવું સારું ના લાગે,કોઈ બીજી છોકરી ગોતી લે."

"મને તો ગમે છે તે છોકરી પાછળ ગાંડા થવું, આમ પણ મારી માટે માત્ર મને સારું લાગવું મહત્વનું છે.બીજા ને સારું લગાડીને મારે કરવું છે પણ શું?” 

કવન ફરી બોલ્યો “મને એવું લાગે છે કે અમારી વચ્ચે કંઈક કનેક્શન છે. "

"હું એન્જીનીયર છું.તું મને લોજીક આપ કે તને એવું ક્યાં આધારે લાગે છે?"

કવને તેનો મોબાઈલ કાઢ્યો અને એક નોટ્સ નું ફોલ્ડર હતું તેમાં બહુ બધી તારીખો અને સમય લખેલા હતા.તે મોબાઈલ તેણે વિશ્વાસની સામે મુક્યો. 

તમારી જેમ વિશ્વાસ ને પણ કંઈ ખબર ના પડી.  

"આ શું છે કવન?"

"આ બધી તારીખો અને સમય તે દિવસના છે જ્યારે અમે મળ્યા હતા. હું જે તારીખે આરોહી દેખાય છે તેને આમાં નોટ કરી લઉં છું અને તે સમય ને પણ.મારી પાસે છેલ્લા પાંચ વર્ષથી અત્યાર સુધીની બધી તારીખો છે.જો છેલ્લે અમે ડી માર્ટ માં મળ્યા હતા.તેની પહેલા થિયેટરમાં."

"તું સમજતો નથી તેને સંજોગ કહેવાય મળવાનું તેને કહેવાય જેમ આપણે એકબીજાને મળ્યા. જેમ તું અહીંયા મારી માટે અને હું તારી માટે પોતપોતાનો સમય કાઢીને આવ્યા.તેવી રીતે તું તેને મળે ત્યારે તું મને કહેજે."

"તેવું પણ જરૂર થશે."

"ચાલ જવાદે તે વાત ને, કાલ મારા ચિત્રો નું એક નાનું અને પહેલું પ્રદશન છે. તારે જરૂર આવવાનું છે. હું તને જગ્યા નો  મેસેજ વોટ્સએપ કરી દઈશ."

"હા, હું આવીશ તું જગ્યા અને ટાઈમ કહી દેજે."

“ચાલ કાલે મળીશું,ઘરે જઈએ મોડું થઈ ગયું છે.” 

બંને ચાનો કપ ત્યાંજ મૂકીને ઘર તરફ જવા નીકળ્યા.અંધારું થઈ ગયું હતું.આમ પણ શિયાળા ના સમયમાં અંધારું વહેલા થઈ જાય છે. 

વિશ્વાસ આજે ખુબ ખુશ હતો કારણકે કાલે તેના ચિત્રોનું પહેલી વખત પ્રદશન થઈ રહ્યું હતું. તેને ચિત્રો દોરવા પહેલેથીજ ખુબ ગમતા હતા.પણ ક્યારેય ઘરમાંથી આ બાબત નું પ્રોત્સાહન નહોતું મળ્યું.અત્યાર સુધી ભણવામાંથી સમયજ નહોતો મળતો અને હવે કામ માંથી,પણ છતાંય કેટલીક રાતો તે ચિત્રો બનાવા માટે ચોરી લેતો,કેટલીક વખત તો તે આખી રાત જાગીને ચિત્રો પુરા કરતો. ચિત્રો દોરવાથી તેનું મન હળવું રહેતું તેવું તે માનતો હતો.

જયારે બીજી તરફ કવન આજે ઉદાસ હતો કારણકે હમણાંજ તેણે જે ફોન કાઢીને તારીખો બતાવી હતી તેમાની છેલ્લી તારીખ તેને વાગતી હતી કારણકે આ પાંચ વર્ષમાં આવું પહેલી વાર બન્યું હશે કે તે મહિનામાં તેને આરોહી દેખાઈ નહિ હોય.કાલ મહિનાનો છેલ્લો દિવસ હતો.જો કાલ આરોહી ના દેખાઈ તો તેની પાંચ વર્ષની પરંપરા તુટી જશે.રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે કવન તેજ વિચારતો હતો.જમવાના ડાઇનિંગ ટેબલ પર કવનને વિચારતો જોઈને તેની મમ્મી એ પૂછ્યું "શું થયું કવન તું કંઈક વિચારી રહ્યો છે?"

કવનની મમ્મી સુનિતા બહેન નો અવાજ કાને પડતા જ કવને પોતાની જમવાની થાળીમાં નજર માંડી અને બોલ્યો "બસ કંઈ ખાસ નહીં."

કવનની મમ્મી સુનિતા બહેન એક શિક્ષક હતા.સ્વભાવે ઘણી વખત ગરમ પણ દિલ થી નરમ હતા.તેમણે કવનને ખૂબ સારા સંસ્કાર આપ્યા હતા.જ્યારે કવનના પિતા એક બિઝનેઝ મેન હતા તેમને બહુ મોટી ચોકલેટ ની ફેકટરી હતી.તે મહિનામાં પંદરેક દિવસ તો બિઝનેઝ ના અર્થે બહાર જ રહેતા.તેથી નાનપણ થી કવનમાં સંસ્કારનું સિંચન તેની માતા એ જ કર્યું હતું.કવનને તેના પિતા સાથે પણ સારું એવું બનતું હતું.મમ્મી સાથે કોઈ દિવસ તકરાર થઈ જતી પણ તે સામાન્ય કહી શકાય.આમ પણ મમ્મી સાથે થયેલી તકરાર ને મીઠી તકરાર કહી શકાય.કવન જમીને ટીવી સામે બેઠો અને થોડી વાર બાદ પોતાના રૂમમાં ચાલ્યો ગયો.તેની પાસે બુક્સ નું સારું એવું કલેક્શન હતું કારણકે તેને વાંચવું ખૂબ ગમતું હતું.તેણે એક નવલકથા લીધી અને તેને વાંચતા વાંચતા સૂઈ ગયો અને સાથેજ સૂઈ ગઈ તે નવલકથા જેને તે વાંચી રહ્યો હતો.આજકાલ તેવું બનતું નથી,આજકાલ લોકો મોબાઈલમાં સ્ક્રોલ કરતાં કરતાં સૂઈ જાય છે.