Kasak - 3 books and stories free download online pdf in Gujarati

કસક - 3

ચેપ્ટર-3

કવન અને વિશ્વાસ બંને પોતાનો સામાન લઈને સ્ટેશન ઊભા હતા.આખરે તે દિવસ આવી જ ગયો જે દિવસ ની રાહ જોવાતી હતી.સ્ટેશન પર ભીડ બહુ ઓછી હતી કારણકે ટ્રેન રાત ની હતી.કવન અને વિશ્વાસ બંને ખુબ વહેલા પહોંચી ગયા હતા. અંકલ સુહાસ અને તેમના મિત્રો ઘરે થી નિકડી ગયા હતા, તેમને પહોંચવામાં હજી થોડીક વાર હતી. કવન અને વિશ્વાસ બંને એ સ્ટેશન પર રહેલી એક નાની ચાની કિટલી માંથી ચા પીતા હતા. બંને ના કપમાં રહેલી ચા પૂરી થતાંની સાથે અંકલ સુહાસ રેલવેસ્ટેશન ના ગેટમાં પ્રવેશ્યા તેમની બાજુમાં તેમના પત્ની આરતી બહેન અને અંકલ સુહાસના એક ખાસ મિત્ર નીરવભાઈ આવી રહ્યા હતા.તેમની પાછળ ખુશાલભાઈ અને સુલોચના બહેન આવી રહ્યા હતા.ખુશાલ ભાઈ પણ સુહાસ અંકલ ના ખાસ મિત્ર હતા અને સુલોચના બહેન ખુશાલભાઈ ના પત્ની.તે કવન અને વિશ્વાસ થી બહુજ દૂર હતા. જ્યારે કવને જોયું ત્યારે આરોહી ક્યાંય દેખાઈ રહી નહોતી.તેણે વિશ્વાસ ને ફરિયાદ કરતાં કીધું."આરોહી કેમ દેખાતી નથી?"

"મને શું ખબર?"

"શું મને નથી ખબર?” કવને તેની સામે જોઈને કહ્યું.

તેણે બોલવાનું ચાલુ રાખ્યું.

“તું મને અહિયાં લાવ્યો છે.તો તે તેમને પૂછ્યું નહોતું કે કોણ કોણ આવાનું છે?

વિશ્વાસ પણ બે મિનિટ માટે વિચારમાં પડી ગયો, કારણકે જેના માટે કવન અહિયાં આવ્યો હતો તે તો અહિયાં આવી નહોતી.

"પણ હું તેમને કેવી રીતે પૂછી શકું કે આરોહી આવની છે કે નહીં?"

બંને અંદરો અંદર વિચારોના મહેલ બાંધી રહ્યા હતા. ત્યાંજ ગેટમાં ત્રણ જણ પ્રવેશ્યા. તેમાંથી એક આરોહી હતી અને તેની સાથે એક છોકરી અને એક છોકરો હતા. તે છોકરો કદાચ તે છોકરી નો ભાઈ હોય તેવું લાગતું હતું કારણકે બંને નો ચહેરો એક બીજાથી ખાસો એવો મળતો આવતો હતો. તેવું કવન અને વિશ્વાસ વિચારી રહ્યા હતા. કવન તે પણ વિચારી રહ્યો હતો કે તે છોકરાને સુહાસ અંક્લે બોલાવ્યો હશે, જેમ અમને બોલાવ્યા છે.અંકલ સુહાસ નજીક આવી ગયા હતા.તે આવીને પ્રથમ વિશ્વાસ ને મળ્યા.તેમણે તે બે ચિત્રકાર મિત્રો ખુશાલભાઈ અને નીરવભાઈ સાથે વિશ્વાસની ઓળખાણ કરાવી તે બંને ખૂબ સારા ચિત્રો દોરતા હતા.જેમાંથી ખુશાલ ભાઈ ને તો પોતાની આર્ટ ગેલેરી હતી.મિસ્ટર ખુશાલ અને મિસ્ટર નીરવ બંનેએ વિશ્વાસ અને કવન સાથે હાથ મિલાવ્યો.તેમણે ખાસ વિશ્વાસના ચિત્રોની ખૂબ પ્રશંસા પણ કરી.સુહાસ અંકલ પહેલેથી જ તેમના બંને મિત્રોને વિશ્વાસના ચિત્રો વિશે જણાવી ચૂક્યા હતા.આરોહીની સાથે આવી રહેલા છોકરી અને છોકરો ખુશાલભાઈ ના સંતાન હતા.આરોહી અને તે બંને જણ ચાલતા ચાલતા બધાની પાસે આવી ગયા હતા,જયાં બધા ઊભા હતા.

ત્યાંજ વિશ્વાસ એ કહ્યું "ટ્રેન આવવાને હજી વાર છે શું આપ સહુ ચા કે કોફી લેશો?"

વિશ્વાસ અંદર થી જાણતો હતો કે સુહાસ અંકલ ના નહીં કહે કારણકે ઠંડી પણ ખૂબ હતી.તો આ ઠંડીમાં ચા ને ના કહે એવું કોઈ જ ના હોય.છતાં આરોહી અને તેની સાથે આવેલી છોકરી એ ના કહ્યું તેનું નામ કાવ્યા હતું.તેવું કવન અને વિશ્વાસને તે બંનેની વાતો પરથી જાણવા મળ્યું.બાકી બધા માટે વિશ્વાસે ચા મંગાવી. બધા ચાની ચૂસકી લેતા લેતા પોતાની વાતોમાં મશગુલ હતા. સુહાસ અંકલ અને તેમના બે મિત્રો ખુશાલભાઈ અને નીરવભાઈ રાજકારણની વાતો માં પડ્યા હતા.તો બીજી બંને બહેનો સુલોચના બહેન અને આરતી બહેન પોતાની ઘરગૃહસ્થી ની વાતો કરી રહી હતી. આરોહી સાથે તે છોકરો અને છોકરી સાઈડ માં ઊભા હતા.તે છોકરો અને છોકરી પોતપોતાના મોબાઇલમાં ખોવાયેલા હતા.આરોહી શાંતિથી ઊભી હતી. ત્યારે વિશ્વાસને આરોહી સાથે કંઈક વાત કરવાનું સુજ્યું તેણે જાતે કરીને સવાલ પૂછ્યો. "આ બંને કોણ છે આરોહી?"

જો કે તે માત્ર છોકરીનું નામ જાણતો હતો છોકરાનું નહિ.

આરોહી એ જવાબ આપતા કહ્યું"આ કાવ્યા છે અને આ તેનો ભાઈ મિહિર છે,અને મિહિર એન્ડ કાવ્યા આ કવન અને વિશ્વાસ છે."

આરોહી જે બોલી રહી હતી તે કવન ખૂબ શાંતિથી સાંભળી રહ્યો હતો. તે સૌથી વધારે ખુશ ત્યારે થયો જ્યારે આરોહી એ કવનનું નામ પહેલા લીધું. જોવા જઈએ તો એમાં કશુંજ મોટી વાત નહોતી કારણકે બની શકે છે તેનાં મોં ઉપર કવન નામ પહેલા આવ્યું હશે અથવા તેને નામ લેતી વખતે કવને પહેલા જોયો હશે.પણ એક પ્રેમી તરીકે તેને આ વાત ખૂબ મોટી લાગી.આપણે ઘણીવખત ઘણા લોકો વિશે સારું કે ખરાબ બહુ જલ્દીથી વિચારી લઈએ છીએ,જેથી આપણને તે લોકોની સારી કે ખરાબ વાતો મોટી ના હોવા છતાં મોટી લાગવા લાગે છે.

આરોહીના શબ્દો પૂરા થયા બાદ મિહિરે કહ્યું "તો તમે વિશ્વાસ છો,મેં મારા પપ્પા પાસેથી તમારી તારીફ સાંભળી હતી.પપ્પા ખૂબ જ ઓછા લોકો ના ચિત્રોની તારીફ કરે છે."

વિશ્વાસે પણ મિહિર નો આભાર વ્યક્ત કર્યો.તેણે મિહિર ને પૂછ્યું કે" તમે પણ ચિત્રો દોરો છો?"

"નહીં અમને તો જરાય નથી આવડતા."

"તો પછી તમારી હોબિઝ શું છે?"

"મને તો ગિટાર વગાડવું ગમે છે અને કાવ્યા ને સૂવું?"

મિહિર હસીને કાવ્યા સામે જોઇને બોલ્યો જોકે કાવ્યા એ પણ હસવામાં જ કાઢી નાખ્યું.

પણ પછી કાવ્યા બોલી “મારી એમ કોઈ ખાસ હોબી નથી પણ મને મ્યુઝિક સાંભળવું ગમે છે કોઈક વખત તે મ્યુઝિક પર ડાન્સ કરવો પણ ગમે છે."

તે હસીને અને ખુલ્લા મન થી બોલી રહી હતી.કાવ્યા હાઇટ અને ઉંમર માં આરોહી જેટલીજ હતી.તે પણ સુંદર લાગતી હતી.તે હમેશાં નંબરના ચશ્મા પહેરતી હતી.જેમ લોકોના જીવનને લઈને કેટલાક પ્લાન હોય છે તેમ કાવ્યા કોઈ પ્લાન બનાવવામાં નહોતી માનતી.તેની વિચારશ્રેણી આરોહી કરતાં ઘણી અલગ હતી.

"અને તને આરોહી?"

વિશ્વાસે આરોહી સામે જોઇને કહ્યું

"મને કંઈ એવી ખાસ હોબી નથી પણ મને વાંચવું ગમે છે અને ક્યારેક લખવું?,પણ મે આજ સુધી કઈં લખ્યું નથી."

"ઓહહ શું વાત છે ખૂબ જ સારું કહેવાય.” વિશ્વાસે કહ્યું.

વિશ્વાસે થોકીક વાર રહીને કહ્યું "તો તો તને કવન સાથે આ ટ્રીપ માં બહુ મજા આવશે, તેને પણ વાંચવું લખવું ખૂબ ગમે છે."

આ સાંભળીને કવન મનમાં હસવું આવી ગયું.તે વિશ્વાસ ને જોઈ રહ્યો હતો.

આરોહી એ જવાબ આપતા કહ્યું "જરૂર તને કેવી બુક ગમે છે કવન?"

"મને આમતો કોઈ પણ પ્રકારની બુક ગમે છે. પણ વધારે ફિક્શન ફેન્ટસી, સસ્પેન્સ થ્રીલર અને બીજી ઘણા બધા પ્રકારની બુક ગમે છે.” કવન મનમાં ગૂંચવાયેલો હતો કે તેની સામે શું બોલે તેના પ્રશ્નનો શું જવાબ આપે?

પ્રશ્નો ગમે તેટલા સહેલા કેમ ના હોય પણ તે બે સમયે હમેશાં આપણને ગૂંચવી દે છે પ્રથમ વખત ત્યારે જ્યારે આપણે વાયવા અથવા કોઈ ઈન્ટરવ્યૂ આપવા બેઠા હોય અને બીજી વખત ત્યારે જ્યારે કોઈ ખુબ ગમતી છોકરી આપણને અચાનક પ્રશ્ન પૂછી લે.

" ઓહહ.. મને પણ,મને લવ સ્ટોરીસ ખૂબ ગમે છે અને બીજી ઘણી બધી કરુણ બુકો જેમાં વાર્તા ખૂબ રડાવી દે તેવી હોય."

વિશ્વાસ મનમાં જ હસી રહ્યો હતો.કારણકે કવન અને આરોહી પહેલી વાર પોતાની કંઈક અંગત વાતો એકબીજા ને કહી રહ્યા હતા.

થોડી વાર બાદ ટ્રેન આવી ગઈ.સૌ ઉત્સાહ અને ઉમંગ સાથે તૈયાર હતા.હવે જોવાનું તે હતું કે આ મુસાફરી કેટલા લોકોના જીવનમાં ફેરફાર કરવાની હતી.કોઈપણ નવી જગ્યાને જેટલા ઉત્સાહથી આપણે વધાવીએ છીએ તેટલાજ ઉત્સાહથી તે આપણને વધાવવા તત્પર હોય છે.

સૌ કોઈ પોતપોતાની જગ્યા પર બેસી ગયા હતા.આરોહી અને કવન એકબીજાની સામ સામે બેઠા હતા.જ્યારે સુહાસ અંકલ અને તેમના મિત્રો સહુ ટ્રેન ના બીજા કમપાર્ટમેન્ટ માં બેઠા હતા. ટ્રેન રાત ની હતી એટલે સૌ સુઈ જવાની તૈયારી માં હતા.છતાંય થોડીકવાર બધા જાગતા હતા,કોઈ પોતાની બેગમાંથી ચાર્જિંગ શોધી રહ્યું હતું તો કોઈ મોબાઇલમાં વ્યસ્ત હતું.આમ થોડીકવાર બધા જાગતા હતા અને પછી સમય જતાં એક પછી એક બધા સૂઈ ગયા.


જ્યારે સવારના છ એક વાગ્યા ત્યારે કવનની આંખ સૌથી પહેલા ઉઘડી ગઈ.તે બધે જોઈ રહ્યો હતો. ત્યારબાદ તેણે ટ્રેનની બહાર જોયું ત્યારે ખબર પડીકે સૂરજ હજી ઊગ્યો નથી.થોડીકવાર તે પોતાની જગ્યા પર જ બેઠો અને પછી તે ઉભો થઈને ટ્રેન ના વોશબેશ પાસે મોં ધોવા ગયો.ટ્રેન અત્યારે એક દમ ધીમી ચાલી રહી હતી,કદાચ તે હવે ઊભી રહેવાની તૈયારીમાં હતી.તેણે ટ્રેનનો દરવાજો ખોલીને બહાર જોયું.સૂરજ હવે ઉગવાની તૈયારીમાં જ હતો.ટ્રેનની બહાર દેખાતું દ્રશ્ય એક દમ અલ્હાદક હતું.કારણકે બે પર્વતની વચ્ચે થી સૂરજ ઊગી રહ્યો હતો.આવું મનોરમ્ય દ્રશ્ય ક્યારેક જ જોવા મળે છે.કવન તેને જોઈ રહ્યો હતો સૂરજ ધીમે ધીમે બે પર્વતની વચ્ચેથી ઉપર આવી રહ્યો હતો.કવનને આજે તેણે નાનપણમાં દોરેલા કુદરતીદ્રશ્ય ની યાદ આવી ગઈ. જેને આજે તે હકીકત માં નિહાળી રહ્યો હતો.

કુદરતી દ્રશ્ય એક એવું ચિત્ર છે જે કદાચ તે દરેક યુવાન કે ઘરડા થઈ ગયેલા માણસે એક વાર પોતાના બાળપણ માં જરૂર દોરેલું હોય છે.જે માણસ ને યાદ અપાવે છે કે એક સમયે તે પણ ખુબ સુંદર સર્જનકર્તા હતો.પણ જેમ જેમ તે દુનિયાદારીમાં ખોવાઈ ગયો તેમ તેમ તેની સર્જનશકિત પણ ક્યાંક ખોવાઈ ગઈ.પછી કોઈક દિવસ તે જ્યારે તેના બાળકની તે ચિત્રપોથીમાં કે પછી સાચે માંજ તેવું જ કુદરતી દ્રશ્ય જોવે છે ત્યારે તેને યાદ આવે છે કે એક સમયે તે પણ એક ખુબ સુંદર સર્જનકર્તા હતો.

આરોહી તેની પાછળ આવીને ઉભી હતી.તે વાતથી તે અજાણ હતો.આરોહી પણ ત્યાં મોં ધોવા જ આવી હતી.તે પણ આ કુદરતી દ્રશ્યમાં ખોવાઈ ગઈ હતી.આમ જોઈએ તો બંનેનું કુદરતી દ્રશ્યમાં ખોવાઈ જવું સ્વાભાવિક વાત હતી કારણકે અંતે તે બંને એક જ તારથી જોડાયા હતા તેમની માટે તે તાર હતો વાંચન અને લેખન.કવન હજી પણ તે વાતથી અજાણ હતો કે આરોહી તેની પાછળ છે.પણ અદભુત વાત તે હતી કે જ્યારે કવને ખિસ્સા માં પોતાનો મોબાઈલ લેવા માટે હાથ નાખ્યો ત્યારે તે સમજી ગઈ કે તેને મોબાઈલ જોઈએ છે.કવન પોતાનો મોબાઈલ તેની બેસવાની જગ્યાએ ભૂલી ગયો હતો. આરોહી એ પોતાનો મોબાઈલ આપવા માટે હાથ લંબાવ્યો.હવે કવન ને ખબર પડી કે તેની પાછળ આરોહી ઉભી હતી.તેણે મોબાઈલ લઈ લીધો અને તેનાથી તે સુંદર દ્રશ્યનો ફોટો પાડ્યો.આપણે પણ અદભુત છીએ ઘણી વખત આપણને ખબર હોય છે કે આપણે આ ફોટો ક્યારેય નથી જોવાના છતાંય આપણે પોતાનાં મન ને મનાવવા માટે તે વર્તમાન ને કેમેરામાં કેદ કરીને લઈ જવા માંગીએ છીએ જ્યારે આપણે તે વર્તમાન ને માણતા નથી પણ ભવિષ્યમાં આપણે તેને અનુભવશુ તેવુ પોતાનેજ ખોટું આશ્વાસન આપીએ છીએ.અદભુત છે એ માણસના વિચારો પણ.

ટ્રેન હવે ધીમે ધીમે આગળ વધી રહી હતી.કવન અને આરોહી પણ પોતાની જગ્યા પર બેસવા જતા હતા.જતી વખતે કવને આરોહીને તેનો મોબાઈલ આપ્યો અને તેને તે ફોટા મોકલવા કહ્યું. જ્યારે આરોહી એ તેને હા કહીને શુભ સવાર કહ્યું.

કવને પણ તેના શુભ સવારનો જવાબ આપ્યો.કવન અને આરોહી પોતપોતાની જગ્યાએ બેસી ગયા.

ક્રમશ

(આપના પ્રતિભાવો જરૂર થી મોકલજો..તથા વાર્તા ને અંત સુધી જોડાઈ રહેશો....

મળીએ આવતા અંક માં...)