Most Wanted Place in Gujarati Horror Stories by Jignya Rajput books and stories PDF | મોસ્ટ વોન્ટેડ પ્લેસ

Featured Books
Categories
Share

મોસ્ટ વોન્ટેડ પ્લેસ

આમ તો ભારતભરમાં ગણ્યા ગણાય નહિ એટલા જોવા લાયક સ્થળો છે. કોઈ પોતાની સંસ્કૃતિ, કોઈ પોતાનો પુરાતન ઇતિહાસ તો કોઈ સ્થળ પોતાની અલગ અલગ ઓળખ ઉભી કરીને લોકોને ( પ્રવાસીઓને ) પ્રાચીન કાળથી પોતાની તરફ ખિંચતા આવ્યા છે.

ભારતમાં એવા પણ સ્થળો છે જ્યાં ભૂતપ્રેત હોવાનું માનવામાં આવે છે. ભારતના ટોચના સૌથી વધુ ભૂતિયા સ્થળોમાં સ્થાન ધરાવતું એક સ્થળ, ગુજરાત રાજ્યમાં આવેલું છે જે સ્થળને સરકાર દ્વારા મોસ્ટ વોન્ટેડ પ્લેસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વોન્ટેડ સ્થળ ઘણું જ હોન્ટેડ સાબિત થયું છે. માનવામાં આવે છે કે ત્યાં ઘણી બધી આત્માઓ ભટકે છે. તે સ્થળ એટલે સુરત જિલ્લામાં આવેલો ડુમસ બીચ!

જે ડુમસ બીચ સુરત શહેરના કોલાહલ અને ઘોંઘાટથી લગભગ એકવીસ કિલોમીટર દક્ષિણ- પશ્ચિમ દિશામાં સ્થિત છે.

આમ તો દરિયા કિનારાને શાંતિ પ્રાપ્તિનું સ્થળ કહેવામાં આવે છે. જ્યાનું વાતાવરણ ઘણું ઠંડક ભર્યું અને મનને અનેરો આનંદ આપનાર હોય છે. બેફિક્ર બનીને હંમેશા આનંદથી પોતાનામાં રહેલાં પાણીને શૂન્ય માત્રામાં કિનારા તરફ ધકેલે છે ત્યારે તે નજારો જોનારના મનમાં લાગણીઓ આપોઆપ નીકળી જ જતી હશે. “આહા..! શું નજારો છે." પરંતુ, સમયની સાથે પૃથ્વી પર રહેલો આ પાણીનો જથ્થો પોતાની માત્રામાં વધારો કરી રહ્યો છે એ સજીવ સૃષ્ટિ માટે ઘણો હાનિકારક સાબિત થઈ શકે છે.

જે પાણી લોકોના જીવન માટે જીવન જરૂરિયાતની સૌથી જરૂરી વસ્તુમાંથી એક માનવામાં આવે છે શું સમય જતાં એજ વસ્તુ માનવ જીવવનને પાણીમાં ડુબાડશે કે પાણી વિના મારશે!? માનવીના મનને આ પ્રશ્ન ઘણો ચિંતિત કરી રહ્યો છે.

ડુમસ બીચ પણ આજ ચિંતિત કરેલા પ્રશ્નનો એક ભાગ છે. એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં આ સ્થળે હિન્દુ સ્મશાન આવેલું હતું. ત્યારે તો તે બીચની રેતી રાત્રે અંધારાની માફક કાળી બની જાય છે. માનવામાં આવે છે સ્મશાનની રાખના કારણે રાત્રે રેતી તેનો રંગ બદલે છે. રાત્રે જ કેમ!? દિવસે નહિ!

સુરત શહેરના સ્થાનિક લોકો માને છે કે ઘણીવાર એવી એવી ઘટનાઓ અહીં બની છે કે રાતના સમયે લોકો અહીં આવતા પણ ડરે છે. રાતના સમયે અમુક સત્યની શોધ કરવા ગયેલા મુસાફરો ગાયબ થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. ઘણી શોધખોળ કરવા છતાં પણ એ મુસાફરોનો ક્યાંક અતોપતો જ ન લાગ્યો. આવું ફક્ત રાત્રીના સમયે જ નહિ ઘણાં પ્રવાસીઓને દિવસે પણ ઘણીબધી અજીબોગરીબ વસ્તુઓનો અનુભવ કર્યો છે. અમુકનું તો કહેવું છે કે રેતીમાંથી કોઈ તેમના પગો ખેંચી રહ્યું હોઈ એવું લાગી રહ્યું હતું. આવા તો કેટલાય કિસ્સાઓ સાંભળ્યા છે આ હકીકત છે કે અફવાઓ એ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. અને જેમણે જાણવાની કોશિશ કરી છે તેઓ હંમેશા કોશિશ કરતા જ રહી ગયા.( ક્યારેય પરત ફર્યા નહિ. ) અંધારા પછી આ બીચની મુલાકાત લેવા ઉપર સખ્ત પ્રતિબંધ છે.

આ અધૂરી નશ્વર આત્માઓ મુલાકાતીઓને હેરાન કરે છે. બીચ પર વસ્તુઓ વેચવા બેઠેલાં લોકો પાસેથી કઈક લેવાનું ના પાડીએ તો તેનું અંજામ ઘણું ખરાબ હોય છે. વગેરે વગેરે.... કેટલુંય સાંભળ્યું છે. છતાં આ ડુમસ બીચ ઘણી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષતું સ્થળ રહ્યું છે! મોટાભાગના નવપરણિત યુગલો પોતાની પ્રથમ સફર અહીંથી જ ચાલુ કરે છે. આવું જ એક નવપરણિત યુગલ એટલે શ્રી અને પર્વ.

નવપરણિત દંપતિ શ્રી અને પર્વએ લગ્ન પહેલાં પણ આ ડુમસ બીચે આવવાનું વિચાર્યું હતું પરંતુ કોઈ કારણવશ તેઓ આવી શક્યા ન હતા કિંતુ આજે લગ્ન પછી બંને પતિ પત્ની અહીં આવીને ઘણો આનંદ માણી રહ્યા હતા.

“ ખરેખર..! સમગ્ર પૃથ્વી ભમી લ્યો પરંતુ પ્રકૃતિના ખોળે જે મોજ છે ને એવી મોજ તો અન્ય કંઈ મળે જ નહિ."

“ હા એતો છે જ.!" પર્વએ શ્રીની વાતમાં હામી ભરતાં કહ્યું.

“ આપણી અમર પ્રેમકહાની પણ અહીંથી ચાલુ થઈ છે. યાદ છે ને!" શ્રી એ પર્વ તરફ ધ્યાન દોરતાં કહ્યું.

“ અમર પ્રેમકહાની?" પર્વ એ હસતાં હસતાં પ્રશ્ન કર્યો.

“ હા... અમર પ્રેમકહાની! કેમ તમે સાત ભવ મારી સાથે નહિ રહો?" શ્રી એ મૃદુ સ્મિત સાથે પૂછ્યું.

“ અરે બાપરે! અહીં તારી સાથે એક ભવ કેવી વિતાવવો એ માંડ વિચારી રહ્યો છું અને તું સાત ભવ સુધી મારા ગળે વળગવાનું કહે છે." પર્વ એ હંમેશની જેમ મજાકિયા અંદાજમાં કહ્યું.

” એટલી જલ્દી તો હું આપનો પીછો છોડીશ નહિ " આટલું કહીને શ્રી પર્વની સાથે મસ્તી કરવા લાગી. બન્ને જણ મસ્તી કરતા કરતા દરિયા કિનારાની એકદમ નજીક ચાલ્યા ગયા.

દૂરથી દેખાતો દરિયો નજીકથી વધુ સુંદર દેખાઈ રહ્યો હતો. મસ્ત મંદ મંદ વહેતો ઠંડો પવન શરીરને ઠંડક આપી રહ્યો હતો. દરિયા કિનારે પ્રકૃતિને નિહાળવા અસંખ્ય લોકોનો મેળો જામ્યો હતો. બધાં પોતપોતાના ધૂનમાં વ્યસ્ત હતા. કોઈ દૂરથી બીચને માણી રહ્યું હતું તો કોઈ છેક નજીક જઈને આનંદ લઈ રહ્યું હતું. અમુક લોકો બીચ પર બેસીને ત્યાં આનંદ માણવા આવેલા લોકોને ભાતભાતની વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યાં સૌથી દૂર બેઠેલાં બે વ્યક્તિઓ ઉપર પર્વની નજર ગઈ. તે એકીટસે એકબીજાને જોવા લાગ્યા. ઘણાં સમય સુધી નજર હટી શકી નહિ. પર્વ અજાણતાં તે વ્યક્તિઓ તરફ આકર્ષાયો હતો. તે ધીમે ધીમે પોતાના પગોને એ સૌથી દૂર બેઠેલી વ્યક્તિઓ તરફ ધકેલી રહ્યો હતો. ત્યાં પાછળથી કોઈ એ અવાજ આપ્યો,

“ પર્વ ત્યાં ક્યાં જાય છે? અહીં આવ તો!" શ્રી એ પાછળથી બૂમ લગાવી પરંતુ પર્વ એ શ્રીના શબ્દોને જાણે સાંભળ્યા જ ન હોય એવી રીતે આગળ વધતો રહ્યો.

“ મારા અવાજને અવગણીને આ પર્વ કંઈ બાજુ જાય છે." શ્રી મનમાં બોલી અને પર્વ તરફ જવા લાગી. પર્વ પોતાના કદમોની ગતિમાં વધારો કરી રહ્યો હતો, તો પર્વની પાછળ આવી રહેલી શ્રી પણ પર્વની વધી રહેલી ગતિના કારણે ઝડપમાં ચાલી રહી હતી. આખરે પર્વ અટક્યો ખરી.

એક નાનકડું બાળક, ફાટેલાં તૂટેલાં કપડાં પહેરીને લોકોની સામે હાથ ફેલાવીને ભીખ માંગી રહ્યું હતું. તો તેનાથી હાથ જેટલી દૂરી પર જ એક કાળી સાડીમાં બેઠેલી સ્ત્રી સુગંધિત મોગરાના ફૂલની વેણી વેચી રહી હતી. પર્વનું આકર્ષણ આખરે આ બંને વ્યક્તિઓ પાસે લઈ આવ્યું. એટલામાં શ્રી પણ ત્યાં આવી પહોંચી.

“ પર્વ..!" શ્રી એ પર્વના ખભ્ભા પર હાથ મૂકતા કહ્યું.

શ્રીના સ્પર્શથી પર્વ હોશમાં આવ્યો. તેણે પોતાની આજુબાજુ નજર ફેરવી તો તે દરિયાની દૂરી પર ઉભો હતો. જે સૂર્ય થોડા સમય પહેલાં સંપૂર્ણ દેખાઈ રહ્યો હતો એ સૂર્ય ધીમે ધીમે પોતાને દરિયાની પાછળ છુપાવી રહ્યો હતો. સૂર્યની સાથે સાથે લોકો પણ ઓસરી રહ્યાં હતાં. એવાં સમયે પર્વ અહીં આ વ્યક્તિઓ પાસે કેવી રીતે પહોંચ્યો તે ખુદ ન્હોતો જાણતો.

“ પર્વ તું અહીં શું કરે છે? હું ક્યારની તને અવાજ દવ છું પણ તું છે કે કંઈ સાંભળતો જ નથી." શ્રી એ પર્વની પાસે આવતાં કહ્યું.

“ અરે નહિ એવું કશું જ નહોતું..." પર્વ પોતે અહીં આવ્યા પાછળનું કારણ શોધતો હતો તો શ્રીને શું જણાવે!

“ભગવાનના નામે કઈક આપી તો સાહેબ." ત્યાં નીચે બેઠેલું એ નાનું બાળક બોલ્યું.

પર્વ એ પોતાના ખિસ્સામાંથી એક નોટ કાઢીને તેના હાથમાં મૂકી. તે સમયે તે બાળક પરના ચહેરાનું હાસ્ય અતિ અમૂલ્ય હતું. તે બાળક ઉભુ થઈને ત્યાંથી જવા લાગ્યું તેણે જતાં જતાં ફરી એક મીઠું હાસ્ય વેર્યું. પર્વના ચહેરા પર પણ હાસ્યની લહેર આવી.

“ પર્વ અંધારું થવા આવ્યું છે આપણે આપણી હોટલે પાછા જતું રહેવું જોઈએ." શ્રી એ પર્વને સમયનું ભાન કરાવતા કહ્યું.

“ બેન આ છેલ્લી મોગરાની વેણી વધી છે તમે ખરીદી લો ને..!" બાળક તો ચાલતું થયું પરંતુ તેની બાજુમાં બેઠેલી કાળી સાડીવાળી સ્ત્રી હજુ પણ ત્યાં જ સ્થિર હતી.

“ ના મારે નથી જોઇતી." શ્રી એ ઝટ ના પાડી દીધી.

“ બેન આ છેલ્લી છે લઈ લો ને..." ફરી આશા ભરેલા શબ્દો નીકળ્યા. કિંતુ શ્રી પર્વનો હાથ પકડીને હોટલ તરફ જવા લાગી. હોટલ બીચની એકદમ નજીક હતી.

પર્વ અને શ્રી પોતાના રૂમમાં આવીને સૂઈ ગયા. એ નાના બાળકનો હાસ્ય ભર્યો ચહેરો પર્વના આંખોમાં તરી રહ્યો હતો. પર્વ એ તરતા ચહેરાને જોઈને ક્યારે ઊંઘી ગયો તેની પણ તેને જાણ ન રહી.

અચાનક તેને ખીલખીલાટ હસતાં બાળકનો અવાજ તેના રૂમમાં સંભળાયો. પર્વ એકાએક ઉભો થયો અને રૂમમાં ચારેબાજુ નજર ફેરવી પરંતુ તેને કોઈ દેખાયું નહિ. તેણે પોતાની પડખે નજર કરી તો શ્રી ત્યાં નહોતી. આટલી રાત્રે શ્રી ક્યાં ગઈ હશે પર્વ મનમાં વિચારી રહ્યો હતો. તેને એમ કે શ્રી વોશરૂમમાં હશે કિંતુ થોડો સમય રાહ જોઈ છતાં વોશરૂમનો દરવાજો એમને એમજ બંદ હતો. પર્વ ઉભો થયો અને વોશરૂમ તરફ આગળ વધ્યો. પરંતુ વોશરૂમનો દરવાજો તો બહારથી જ બંદ હતો છતાં પોતાની ખાતરી માટે દરવાજો ખોલી જોયો પરંતુ શ્રી ત્યા ન હતી. પર્વને હવે શ્રીની ચિંતા વધુ થવા લાગી. તે બહાર આવીને રિસેપ્શન કાઉન્ટર પર જઈને શ્રી ક્યાં ગઈ તે વિશે જાણ કરવા ગયો, તો ત્યાંના મેનેજરે જણાવ્યું કે તેણે શ્રીને બીચ તરફ જતાં જોઈ હતી.

“ શ્રી... શ્રી...." પર્વને મળેલી માહિતી મુજબ તે બીચ ઉપર જઈને શ્રી ને શોધવા લાગ્યો. ત્યાં જ શ્રીની ડરના માર્યા ચીસ સંભળાઈ પડી. પર્વ ચીસની દિશા તરફ ભાગ્યો ત્યાં જઈને જોયું તો શ્રી બીચની કાળી રેતી પર ઢળેલી પડી હતી.

“ શ્રી...." પર્વ એ એક બૂમ પાડી ત્યાં નાના બાળકનું હાસ્ય ફરી કાને પડ્યું અને પર્વ ઊંઘ માંથી સફાળો બેઠો થયો.

પર્વ એ એક ઘણું જ ભયંકર સ્વપ્ન જોયું હતું. સ્વપ્ન હતું એમ માનીને તેણે રાહતનો શ્વાસ લીધો. ત્યાં તેણે પોતાની નજર શ્રી તરફ ફેરવી. ફરી એકવાર પર્વનો શ્વાસ ઊંચો ચડી ગયો. તેની બાજુમાં શ્રી ન હતી. પર્વ એ એક નજર વોશરૂમ તરફ કરી તો વોશરૂમનો દરવાજો બંદ હતો.

પર્વ તુરંત રિસેપ્શન કાઉન્ટર પર ગયો તો તેણે સ્વપ્નમાં જે મેનેજરને જોયો હતો તે જ મેનેજર ત્યાં ઊભો હતો. પર્વને સમજાયું કે એ ફક્ત સ્વપ્ન નહોતું પણ તેને પહેલેથી કોઈએ સાવધાની આપી હતી. પર્વ સમયને વ્યર્થ કર્યા વિના બીચ તરફ ભાગ્યો કારણ કે તે સ્વપ્નમાં મેનેજર દ્વારા જાણી ચૂક્યો હતો કે શ્રી ક્યાં છે.

પર્વ ઝડપથી બીચ પર પહોંચી ગયો. તેણે ચારેબાજુ નજર ફેરવી પરંતુ શ્રી ક્યાંય નજરે ન આવી. તે સ્વપ્નમાં જે દિશા તરફ ભાગ્યો હતો હકીકતમાં પણ તે દિશા તરફ ભાગ્યો. થોડે દૂર ગયો હશે ત્યાં તેને શ્રીની ચીસ સંભળાઈ. શ્રી પર્વની આંખોની સામે જમીન પર પડી હતી.

“ શ્રી..!" પર્વ એ શ્રીની નજીક પહોંચીને તેને જમીન પરથી ઉભી કરતાં બોલ્યો.

શ્રી પર્વને ભેટી પડી. તેનું શરીર ડરના લીધે કંપી રહ્યું હતું. શ્રીના શરીરમાંથી મોગરાની સુગંધ આવી રહી હતી.

“ પર્વ એ કાળી સાડીવાળી સ્ત્રી મને અહીં ખેંચી લાવી હતી. તેનું રૂપ પહેલાં તો દિવસે હતું એવું જ સામાન્ય મનુષ્યની જેમ દેખાઈ રહ્યું હતું પરંતુ બીચ પર આવ્યા પછી એનો ચહેરો ઘણો ભયંકર બની ગયો હતો. એના હાથમાં એ મોગરાની વેણી હતી. એ કહી રહી હતી કે દિવસે મે તેની વેણી ના ખરીદીને મોતને બોલાવ્યું છે આટલું કહીને એ સ્ત્રીએ એ મોગરાની વેણી દ્વારા મારા ગળાને ઘુંટવાની કોશિશ કરી. હું પોતાની જાતને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરી ચૂકી હતી અંતે શ્વાસ રૂંધાતા હું જમીન પર ઢળી પડી. ત્યાં એકાએક કોઈ નાના બાળકનો હસવાનો અવાજ આવ્યો કે તુરંત એ કાળી સાડીવાળી સ્ત્રી અદ્ર્શ્ય થઈ ગઈ. હજુ હું કંઈ વિચારું એ પેલા તમે અહીં આવી પહોંચ્યા." ડરેલી શ્રીએ પર્વ કહી પૂછે એ પેલાં જ બધું એકી શ્વાસે બોલી ગઈ.

પર્વએ આજદિન સુધી સાંભળ્યું હતું કે આ બીચ વોન્ટેડ જાહેર થયેલ છે પણ તે વોન્ટેડની સાથે સાથે હોન્ટેડ પણ છે એ આજે જાણી લીધું અને નજરો નજર જોઈ પણ લીધું.

પર્વ શ્રીને હોટેલ રૂમમાં લઈ ગયો અને બંને યુગલ વહેલી સવારે પોતાના ઘર જવા માટે રવાના થઈ ગયા. ત્યારે પર્વને બીચ પરથી પસાર થતાં એ નાનકડાં બાળકનું સ્મિત દૂરથી નજર આવ્યું. પર્વએ પોતાના ખિસ્સામાંથી એક નોટ કાઢીને બીચની રેતી પર એ બાળકનો આભાર વ્યક્ત કરતાં મૂકી.

પર્વ અને શ્રી દરિયાને દૂરથી નિહાળતાં ત્યાંથી ઘણાં દૂર ચાલી નીકળ્યાં.


- Jignya Rajput ✨